નવું વર્ષ, નવું જીવન અને નવો મિજાજ. DIVYA BHASKER. 12-11-2012

– દુ:ખનો રથ જ્યારે ધરતીથી વેંત ઊંચો ચાલે ત્યારે એ દર્દ બની જાય છે. તૂટી પડેલો પ્રેમસંબંધ એટલે શું?તૂટી પડેલો પ્રેમસંબંધ એટલે અડધી બળીને બુઝાઇ ગયેલી ધૂપસળીની રાખોડીમાંથી ઊઠેલી સુગંધીદાર સંવેદના

 

 

 

પ્રેમ આપણા હૃદયનું પાંચમું ખાનું છે અને એ ખાનું ડોક્ટરોની પહોંચની બહાર છે. પ્રેમ મેઘધનુષનો આઠમો રંગ છે અને જીવનની અગિયારમી દિશા છે. આઇન્સ્ટાઇને સમયને અવકાશના ચોથા પરિમાણ (ડાયમેન્શન) તરીકે પ્રમાણ્યો હતો. પ્રેમ સમયાવકાશનું પાંચમું પરિમાણ છે. પૃથ્વી પર લાખો સદીઓ વીતી ગઇ પછી પાંગરેલું જીવન વંદનીય છે. સૂર્ય વંદનીય છે. આકાશ વંદનીય છે. વૃક્ષ-નદી-પર્વત-સાગર વંદનીય છે. સંત-ફકીર વંદનીય છે. એકબીજાંમાં ઓતપ્રોત એવા બે ‘મળેલા જીવ’ વંદનીય છે. આપણી આ પૃથ્વી પોતાનાં જ સંતાનો ભૂખે મરે એટલું ઓછું અનાજ પેદા કરે તેવી કૃપણ માતા નથી. રોજ બે ટંક ખાનાર માણસે બે વાર પૃથ્વીમાતાનો આભાર માનવો જોઇએ. ભીના હૃદયે આભાર માનવાથી ચડિયાતી કોઇ પ્રાર્થના નથી.

એક માણસ સ્વસ્થ જીવન ગાળી રહ્યો હતો. એને કોઇએ પૂછ્યું: ‘તમારી સ્વસ્થતાનું રહસ્ય શું?’ જવાબમાં એ સ્વસ્થ માણસે કહ્યું: ‘મારી પ્રિયતમાએ દગો કર્યો પછી બાકીનાં બધાં જ દુ:ખો મને વામણાં લાગે છે.’ આવું બને ત્યારે દુ:ખને દર્દની ઊંચાઇ પ્રાપ્ત થાય છે. શાયર દર્દમંદ હોય છે, અકલમંદ નથી હોતો. દુ:ખનો રથ જ્યારે ધરતીથી વેંત ઊંચો ચાલે ત્યારે એ દર્દ બની જાય છે. તૂટી પડેલો પ્રેમસંબંધ એટલે શું?તૂટી પડેલો પ્રેમસંબંધ એટલે અડધી બળીને બુઝાઇ ગયેલી ધૂપસળીની રાખોડીમાંથી ઊઠેલી સુગંધીદાર સંવેદના.

તૂટી ગયેલા પ્રેમસંબંધનું પણ અનોખું સૌંદર્ય હોય છે. કવિને જ એ સૌંદર્ય સમજાય તો સમજાય ચિક્કાર ભરેલા ઓડિટોરિયમમાં શાયરની પંક્તિઓને દાદ આપનારાં યુગલો ખૂબ જોરથી તાળીઓ કેમ પાડે છે? કશુંક ન પામ્યાનો ગમ એમને સતાવે છે. નવા વર્ષનો નવો મિજાજ કેવો હોય? મારા ગામ રાંદેરમાં નજીકના સ્વજનને ત્યાં લગ્નપ્રસંગે કંકોત્રી તૈયાર થઇ રહી હતી. સ્વજને આગ્રહ કર્યો કે કંકોત્રી માટે મારે કોઇ ખાસ લખાણ આપવું જોઇએ. મારા હસ્તાક્ષરમાં જે સંદેશ એ કંકોત્રીમાં છપાયો તે અક્ષરશ: અહીં પ્રસ્તુત છે:

આંખો ભલે બે,
પણ તે જુએ તે એક જ
કાન બે ખરા,
પણ તે જે સાંભળે તે એક જ
પતિ અને પત્ની બે જણાં,
પરંતુ તેઓ એકત્વને કારણે
સુંદર જીવન જીવે
ત્યારે લગ્ન સાર્થક થાય.
બાકી તો ઠીક મારા ભાઇ

ગુજરાતને ખૂણેખાંચરે થતાં હજારો લગ્નસમારંભોમાં આ નવો મિજાજ માંહ્યરે માંહ્યરે પહોંચી જવો જોઇએ. દહેજપૂર્વક લગ્ન કરનાર લલ્લુ ગામમાં બદનામ થઇ જવો જોઇએ. મરજીવિરુદ્ધ થતાં લગ્ન માટે એક ખાસ (ટોલ-ફ્રી) ફોન નંબર હોવો જોઇએ, જેના દ્વારા ન પરણવા માગનાર વર કે કન્યા તત્કાલ પોલીસની મદદ માગી શકે. આગ હોલવવા માટે જેમ બંબાખાનું હોય છે, તેમ પરસ્પર સંમતિ ન હોય એવાં લગ્ન માટે યુવક-યુવતીઓની સેવાસંસ્થા (ટઠ) હોવી જોઇએ. યુરોપ અને અમેરિકાની ગોરી ખ્રિસ્તી પ્રજામાં પરસ્પર સંમતિ ન હોય એવું એક પણ લગ્ન થતું હશે ખરું? મરજીવિરુદ્ધ થયેલો પ્રત્યેક લગ્નસંબંધ માનવીય સભ્યતા પર પડેલો તમાચો છે. ગુજરાતમાં રોજ આવા કેટલા તમાચા પડતા હશે?

અઢારમી સદીમાં કેપ્ટન કૂક પેસિફિક મહાસાગર ખૂંદીને છેક ઓસ્ટ્રેલિયા પહોંચેલો. એના પુસ્તકનું મથાળું હતું: ‘Tales of the South Pacific’ એ પુસ્તકમાં કેપ્ટન કૂકે એક મજાની વાત નોંધી છે. એમણે લખ્યું કે એ મહાન (ઓસ્ટ્રેલિયા) ટાપુ પર રહેનારા આદિમાનવો ખાય છે છાનામાના, પરંતુ સ્ત્રી-પુરુષો સેક્સની મજા જાહેરમાં લૂંટે છે એ આદિમાનવોને જ્યારે કહેવામાં આવ્યું કે બ્રિટનના લોકો ખાય છે જાહેરમાં, પરંતુ સેક્સની મજા ખાનગીમાં લૂંટે છે ત્યારે એ ભોળા લોકો ખૂબ હસવા લાગ્યા આજે પણ તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો એ આદિમાનવો જોવા મળે છે. એ આદિમાનવોનું શસ્ત્ર ‘બૂમરેંગ’ હવે પ્રદર્શનનું રમકડું બની ગયું છે. સોવેનિયર તરીકે વર્ષો સુધી એ અમારા ઘરમાં સચવાયું હતું.

પેરિસનો મિજાજ કેવો? રાત પડે ત્યારે રાજમાર્ગના વિશાળ ફૂટપાથ પર ચંદરવા નીચે ગોઠવાયેલાં ખુરસી-ટેબલ પર ફ્રેન્ચ સ્ત્રી-પુરુષો ડિનરની મજા માણતાં રહે છે. એ માંડવા નીચે જેટલા પુરુષો હોય તેટલી સ્ત્રીઓ (લગભગ) હોય છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં યુગલો જ યુગલો ‘ઇવનિંગ ઇન પેરિસ’ ફિલ્મ બની તે ભારત માટે યુરોપ-અમેરિકામાં પતિ કે પત્ની માટે હવે જ્ઘ્ગ્ણ્જ્ર્‍પ્ત શબ્દ ગોઠવાઇ ગયો છે. એ શબ્દનો મિજાજ સાવ નવો છે. એ શબ્દ જેન્ડર-ફ્રી છે. સમગ્ર પ‌શ્ચિ‌મી દુનિયામાં ‘કંપની’ શબ્દ નવો મિજાજ ધારણ કરી ચૂક્યો છે. મોટેલ ચલાવનારાં પટેલ-પટલાણી રોજ ‘કંપની’ શબ્દ સાથે જોડાયેલો ખેલ જોતાં રહે છે. પટેલ-પટલાણી સુખી કે દુ:ખી હોઇ શકે, પરંતુ એમની મોટેલમાં થોડાક કલાકો માટે આવી પડેલાં ધોળિયાં કે કાળિયાં યુગલો દુ:ખી નથી હોતાં. સુખની કેમિસ્ટ્રી બદલાઇ રહી છે અને દુ:ખ નામની ચીજને લાત મારનારાં એ યુગલો જીવવાની ઉતાવળમાં છે.

જગતમાં પ્રતિક્ષણ એક દિવ્ય રૂપવતીનું નૃત્ય ચાલતું જ રહે છે. એ રૂપવતીનું નામ ‘પરિવર્તનસુંદરી’ છે. સૌંદર્યનું કાળજું પરિવર્તન છે. ક્ષણે ક્ષણે યન્નવતામ્ ઉપૈતિ તદેવ રૂપમ્ રમણીયતયા: મકરસંક્રાંતિ પછી સૂર્યનો ગતિપથ બદલાઇ જાય છે. લોકો છાપરે ચડીને પૃથ્વીનું ખરું બેસતું વર્ષ ઊજવે છે. ઉત્તરાયણ સાથે જે મનુષ્યને પતંગોત્સવ જોડવાનો વિચાર આવ્યો તે જરૂર દાર્શનિક હોવો જોઇએ. જો ગાંધીજી પેદા થયા ન હોત અને જો ડોક્ટરોએ ડાયાબિટીઝ કે બ્લડસુગર જેવી બે ગંદી બાબતોની શોધ કરી ન હોત તો મેં રોજ સવારે જલેબી અને ફાફડાનો નાસ્તો કર્યો હોત. મજબૂરી એવી કે સ્વાદષ્ટિ વાનગીઓની જગ્યાએ વિચારોની વાનગીથી સંતોષ માનવો પડે છે.

આ કમબખ્ત ડાયાબિટીઝ લાખો સ્ત્રી-પુરુષોના સહજ આનંદ પર તરાપ મારનારો ખલનાયક છે. આવતાં પાંચ વર્ષોમાં ડાયાબિટીઝ માટે એવી દવા શોધાવી જોઇએ જેથી નિરાંતે ગરમ ગરમ જલેબી મોજથી ખાઇ શકાય. આપણે સૌ પંચમહાભૂતોમાંથી (આપણી મરજીની પરવા કર્યા વિના) સર્જા‍યેલાં રમકડાં છીએ. આવાં રમકડાં દ્વારા જ ધર્મની શોધ થઇ છે. પ્રત્યેક રમકડું પ્રેમની પ્રતીક્ષામાં અને આનંદની શોધમાં હોય છે. જે ધર્મ પ્રેમ અને આનંદ પર તરાપ મારે તેને ‘ધર્મ’ ગણવાનું ફરજિયાત નથી. કવિ ન્હાનાલાલે સાચું કહ્યું: ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ પ્રેમ ન પામવો એ જીવનની સૌથી મોટી ટ્રેજડી (કરુણતા) છે. નવા વર્ષે વિચારોના વૃંદાવનમાં સાથે ભમનારા સૌ વાચકોને શુભકામના. પ્લેટો સાચું કહી ગયો કે આ સૃષ્ટિ વિચારોની બનેલી છે. નૂતન વર્ષાભિનંદન.’

પાઘડીનો વળ છેડે

મને કહેતાં શરમ ઊપજે છે
કે હું જન્મ્યો
ત્યારે ખાટલા પર
એક સ્ત્રીની સોડમાં સૂતો હતો
– માર્ક ટ્વેઇન
Blog:https://gunvantshah.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s