શિયાળો કાનમાં કહે એક ખાનગી વાત . DIVYA BHASKER 21-11-2013

 શિયાળાની સગી દીકરીનું નામ સ્ફૂર્તિ‌ છે. સ્ફૂર્તિ‌ વિનાનો સમાજ ગરીબીનો રખેવાળ છે. જે કામ એક કલાકમાં પતે તે કામમાં ત્રણ કલાક નીકળી જાય ત્યારે જે વધારાના બે કલાક લાગ્યા તેને કારણે દેશની ગરીબીને નિરાંત રહે છે. પ્રત્યેક ઓફિસના ટેબલ પર જે ચાનો કપ જોવા મળે છે તે કપ કર્મચારીને ઘૂંટડે ઘૂંટડે ગરીબી પિવડાવે છે

 

 

પ્રામાણિક માણસ કોને કહેવો? સાવ જ વિચિત્ર જવાબ અમેરિકન રોક મ્યુઝિકના પ્રોડયુસર કિમ ફાઉલે તરફથી પ્રાપ્ત થયો છે. જવાબ સાંભળો:

માત્ર એક જ માણસ
પ્રામાણિક હોય છે,
જે બાથરૂમમાં ગીત ગાય છે.
બાકીના બીજા બધાને
તો વેશ્યા જાણજો.

જગતની બધી ચિંતા છોડીને જે માણસ શિયાળાની સવારનો તડકો માણવામાં મગ્ન હોય તે માણસ અપ્રામાણિક હોય એવો સંભવ ઓછો છે. ગુજરાતનો શિયાળો માંડ ત્રણ મહિ‌ના ટકે છે. જો આપણા દેશને સાત-આઠ મહિ‌ના જેટલો લાંબો શિયાળો મળ્યો હોત તો કદાચ આપણી ગરીબી આટલી દઝાડનારી ન હોત. શિયાળો માણસની કર્મશીલતાને સંકોરે છે અને ઉત્પાદકતાને ખો આપે છે. ઉનાળો વસ્તી વધારાને મદદરૂપ થાય છે અને આળસની ખુશામત કરે છે. શિયાળામાં વધારે કામ કરીએ તો પણ થાક નથી લાગતો, જ્યારે ઉનાળામાં કામ ન કરનારને પણ થાક લાગે છે. ગરીબની પિછોડીનાં કાણાં ન પુરાય તે માટે આપણા નેતાઓ પ્રતિબદ્ધ છે. ઉનાળો ગરીબીવર્ધક છે. શિયાળાની સગી દીકરીનું નામ સ્ફૂર્તિ‌ છે. સ્ફૂર્તિ‌ વિનાનો સમાજ ગરીબીનો રખેવાળ છે. જે કામ એક કલાકમાં પતે તે કામમાં ત્રણ કલાક નીકળી જાય ત્યારે જે વધારાના બે કલાક લાગ્યા તેને કારણે દેશની ગરીબીને નિરાંત રહે છે. પ્રત્યેક ઓફિસના ટેબલ પર જે ચાનો કપ જોવા મળે છે તે કપ કર્મચારીને ઘૂંટડે ઘૂંટડે ગરીબી પિવડાવે છે. પ‌શ્ચિ‌મના કોઇ પણ દેશમાં આવી સગવડ નથી હોતી.

આદિમાનવ ચાલતો રહ્યો, બસ ચાલતો જ રહ્યો દોડવાની શોધ ત્યારે થઇ જ્યારે કોઇ ભયને કારણે પલાયન જરૂરી બન્યું. સાપ કે વાઘ પાછળ પડે ત્યારે દોડવું જ પડે. દોડવાની ઘટનાને કારણે માનવ-ઇતિહાસમાં પહેલી વાર ચાલવાની ઝડપ લગભગ ત્રણગણી થઇ ગઇ આવો ઝડપવધારો થયો ત્યારે તો ચક્રની કે અગ્નિ‌ની શોધ પણ થઇ ન હતી. ઝડપના આવા વધારામાં સંસ્કૃતિનો ઉમેરો સાઇકલને કારણે શક્ય બન્યો. ટાન્ઝાનિયાના જંગલોમાં આફ્રિકન શ્યામસુંદર લોકો વચ્ચે લાકડાનાં બે ચક્રવાળી ‘ગ્રામોદ્યોગી’ સાઇકલ નજરે જોવા મળેલી. સાઇકલે શું કર્યું? સાઇકલે દોડવાની ક્રિયાને રોમેન્ટિક બનાવી દીધી. સાઇકલ સાથે જોડાયેલા રોમેન્સના કેન્દ્રમાં એક શબ્દ હતો: ‘બેલેન્સ.’ પેડલ મારવાની ક્રિયા સાથે દિશા જાળવતું ગવર્નર લય ન કેળવે તો ધબાય નમ: દોડવાના શ્રમને ઘટાડવામાં સાઇકલે આપેલો ફાળો અમૂલ્ય છે. સાઇકલનો શોધક કોણ? એ મહાન પ્રયોગવીરને નોબેલ ઇનામ કેમ ન મળ્યું?

પ‌શ્ચિ‌મના દેશોની નવી પેઢીએ સાઇકલને લગભગ સ્વજન ગણીને અપનાવી લીધી છે. પ‌શ્ચિ‌મના દેશોનો આકરો શિયાળો પણ સાઇકલની લોકપ્રિયતા પર બ્રેક મારી શક્યો નથી. યુવક અને યુવતી સાઇકલ પર સાથે સાથે જઇ રહ્યા હોય ત્યારે પણ ચુંબન કરવાની મનાઇ નથી હોતી. શિયાળો ‘રોમેન્સવર્ધક’ ઋતુ છે. ર્નોવેના પાટનગર ઓસ્લોમાં મળેલી શિક્ષણ-પરિષદ વખતે રાતે કોઇ થિયેટરમાં વિખ્યાત નાટક જોવાનું બનેલું. નાટકનું ર્શીષક હતું: ‘ધ બાઇસિકલ.’ સ્ટેજ પર મુખ્યપાત્રની સાથે જાતજાતની સાઇકલો જોવા મળી હતી. નાયક સાઇકલના પ્રેમમાં પડી ગયો હોય એવા વિષયવસ્તુ પર નાટક રચાયું હતું. શિયાળો આવી પહોંચ્યો છે. સૂની સડક પર જે અંધારું હોય છે તે ઠંડું હોય છે, પરંતુ પાંચ કિલોમીટર સાઇકલ ચલાવ્યા પછી ઠંડી ગાયબ થઇ જાય છે અને સ્ફૂર્તિ‌ને કારણે સાઇકલની ઝડપ વધી જાય છે. એ અંધારામાં તમે એકલા જ હો એ જરૂરી નથી. સ્ફૂર્તિ‌ પણ રોમેન્ટિક હોઇ શકે છે. સુખી હોવાની એક શરત છે: ‘રોમેન્ટિક સ્ફૂર્તિ‌.’

શંકરાચાર્ય કહી ગયા: ‘બ્રહ્મ સત્યં જગત્ મિથ્યા.’ વિનોબાએ આ સૂત્રમાં સુધારો કર્યો અને કહ્યું: ‘બ્રહ્મસત્યં જગત્ સ્ફૂર્તિ‌.’ વહેલી સવારે શિયાળો ખરેખરા મૂડમાં હોય છે. પથારી છોડીને ઠંડીના સામ્રાજ્યમાં ચાલવા નીકળી પડેલો માણસ સડક પર નહીં, સ્ફૂર્તિ‌ના ઉપવનમાં ચાલી રહ્યો હોય છે. માલદાર માણસની રજાઇ વજનદાર હોય છે, ગરીબ માણસની હલકી પિછોડી કાણી હોય છે. કડકડતી ઠંડીનું જોર વધી પડે ત્યારે શિયાળો બારીની ફાટમાંથી દાખલ થઇ જાય છે. શિયાળો માણસના કાનમાં હળવેકથી એક ખાનગી વાત કહી જાય છે. એ ખાનગી વાતમાં જગતના બધા ધર્મોનો સાર આવી જાય છે. પ્રાર્થના કરવા માટે કોઇ પણ સમય એ યોગ્ય સમય છે. આમ છતાં શિયાળાની વહેલી સવારે પથારીમાં બેઠા બેઠા કરેલી પ્રાર્થનાની ગુણવત્તા થોડીક ઊંચેરી હોય છે. ઠંડીમાં થીજી ગયેલી રાતે ફળિયું બિલકુલ શાંત હોય છે. સૂતેલા માણસની પોતાની જ હૂંફને કારણે પથારીનો ગરમાટો શરીરને ભાવતો જણાય છે. ઘરમાં સૌ જંપી ગયા હોવાને કારણે સંસારનો કોલાહલ સાવ ગેરહાજર હોય છે. આવી સુખદ ક્ષણોમાં શિયાળો જે ખાનગી વાત કહે તે જાગી ગયેલા મનુષ્યને સંભળાય છે: અન્યને હૂંફ આપનાર મનુષ્ય પોતે પણ હૂંફ પામે છે.

આ ખાનગી વાતમાં બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા અને ઇસુના પ્રેમસંદેશનો બધો સાર આવી જાય છે. શિયાળામાં અને કેવળ શિયાળામાં જ એક વાત સમજાય છે કે જીવનમાં હૂંફ જેવી મૂલ્યવાન ચીજ બીજી જડવી મુશ્કેલ છે. હૂંફના અધ્યાત્મનું રહસ્ય એક મહાન સત્યમાં છુપાયું છે: ત્યાગવું એ પણ ભોગવવાનો જ એક પ્રકાર છે. ઇશાવાસ્ય ઉપનિષદના રચનારા ઋષિ ર્દીઘતમસ દુનિયાને એક સૂત્ર આપતા ગયા: ‘ત્યાગીને ભોગવી જાણો.’ આવું મહાન સત્ય કોઇ માતાને શિખવવું નથી પડતું. માતાનો ખોળો પ્રત્યેક સંતાનનું હૂંફર્તીથ હોય છે. સમગ્ર માનવજાત હૂંફના આધારે જીવી રહી છે. માતાની હૂંફ પછી માણસને પ્રિયજનની હૂંફ પ્રાપ્ત થાય એ પણ જરૂરી છે. કહેવાતો લવ-અફેર આખરે તો હૂંફ-અફેર હોય છે. શિયાળો હૂંફના અધ્યાત્મને સંકોરે છે. પ્રિય વાચક શિયાળો ઘરના આંગણામાં આવી પહોંચ્યો છે. એના આર્શીવાદ પામવાનું ચૂકી જવાય એ તો ખોટનો ધંધો ગણાય.’

– પાઘડીનો વળ છેડે

બાળક હતો ત્યારે મને એવું સ્વપ્નું આવેલું કે મારી પાસે એક સાઇકલ હતી જ્યારે મને સાઇકલ મળી, ત્યારે હું લિવરપૂલ શહેરનો અને કદાચ આખી દુનિયાનો સૌથી સુખી માણસ હતો. ઘણા ખરા છોકરાઓ પોતાની સાઇકલને ઘરના વાડામાં રાખતા, પરંતુ હું એમ નહોતો કરતો. હું તો મારી સાઇકલને ઘરમાં જ મૂકવાનો આગ્રહ રાખતો. પહેલી રાતે તો મેં મારી સાઇકલને મારા ખાટલામાં રાખી હતી.
– બીટલ જ્હોન લેનન

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s