ઇતિહાસના સર્જક સરદાર પટેલ DIVYA BHASKER, 15-12-2013

સરદાર વલ્લભભાઇ પટેલને ખેડૂતોના રાજા તરીકે બિરદાવ્યા હતા

કાકાસાહેબ કાલેલકરે સરદાર વલ્લભભાઇ પટેલને ખેડૂતોના રાજા તરીકે બિરદાવ્યા હતા. વેદમાં પ્રયોજાયેલા શબ્દમાં કહી શકાય કે સરદાર ભારતના ભૂમિપુત્ર હતા. ખેડૂતની સહજ વાણી ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે વહેતી થયેલી. સરદારનું સત્ય ખરબચડું હતું, પરંતુ એમાં અસત્યનો અંશ જોવા મળતો ન હતો. સત્યપાલનમાં ગાંધીજીનું ત્રાજવું સોનીનું હતું. ચોખાના પાંચ દાણા મૂકો તોય પલ્લું નમી જાય ખેડૂતનું ચારિત્ર્ય સમજવું હોય તો ત્રણ શબ્દોમાં બધું આવી જાય: ‘હૈયે તે હોઠે.’ આજે તો આપણે એક એવો સમાજ રચી બેઠાં છીએ જેમાં હૈયામાં ન હોય તેવા મીઠા શબ્દો ઉચ્ચારવાની ટેવને લોકો સભ્યતા કહે છે.

સરદાર પટેલના કિસાનત્વને સમજવું હોય તો એમના ચારિત્ર્ય સાથે જોડાયેલી ધરતીની સુગંધને પામવી પડે. એ સુગંધ અકૃત્રિમ હતી કારણ કે એ સહજપ્રાપ્ત હતી. એ સુગંધ સાચા ભૂમિપુત્રના જીવનની સુગંધ હતી. ખરબચડું સત્ય કેવું હોય? સત્યાગ્રહના દિવસોમાં તા. ૨૩-૨-૧૯૨૮ને દિવસે અંભેટી ગામની સભામાં સરદારની વાણી સાંભળો: ‘જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાઢ-તડકો વેઠે એને ડર કોનો? કોને દોરી તૂટયા પછી એક મિનિટ વધારે મળે છે? જેણે ખેડૂતને બનાવ્યો તેણે જ બાદશાહને બનાવ્યો છે, તો ખેડૂતે શા માટે ડરવું?’ સરદારના શબ્દોએ બારડોલીના ખેડૂતોને નર્ભિયતાની દીક્ષા આપી.

(કવિ ખબરદારે ‘શૂરા બાવીસ હજાર’ કાવ્ય લખેલું તેના સંદર્ભમાં) બારડોલી તાલુકાના ‘શૂરા ૮૮ હજાર’ પ્રજાજનોએ અંગ્રેજ સલ્તનત સામે જે અહિંસક સત્યાગ્રહ કર્યો તેથી સ્વરાજની લડતનો ઇતિહાસ રચાયો. એ ભવ્ય ઇતિહાસના સમર્થ સર્જક સરદારસાહેબ હતા.ખેડૂતનો વિનોદ પણ થોડો જાડો હોવાનો. યરવડા જેલમાંથી છૂટીને સરદાર સીધા મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા એન. વી. ગાડગિલને ઘરે ગયા. એમણે ગાડગિલને કહ્યું: ‘ગાડગિલ હું જ્યારે પણ જેલમાંથી છૂટીને તારે ત્યાં આવું ત્યારે તારે ઘરે નવું છોકરું આવતું હોય છે’ ગાડગિલ પણ ગાંજ્યા જાય તેવા ન હતા. એમણે સરદારને વળતો જવાબ આપ્યો: ‘સરદાર સાહેબ આપણા મહાત્માજી સદાય બ્રહ્મચર્યનો ઉપદેશ આપતા રહે છે અને આપણા બીજા નેતા (નેહરુ) વિધુર છે. પરિણામે દેશની વસ્તી જાળવી રાખવાની જવાબદારી મારા પર આવી પડી છે’

સરદાર પટેલ ખેડૂત હતા, પરંતુ કોઇ ખેડૂત બુદ્ધિચાતુર્યના શિખર પર પહોંચી શકે? માનવું પડશે કે સરદાર ચાણક્ય જેવા ર્દીઘદ્રષ્ટા અને મુત્સદ્દી હતા. મૃત્યુના દોઢ મહિ‌ના પહેલાં સરદાર કેબિનેટ મિટિંગમાં ગયા, જે માત્ર પંદર મિનિટની નોટિસ પછી મળી હતી. પરિણામે સરદાર જરૂરી હોમવર્ક ન કરી શક્યા. એમાં તિબેટનો પ્રશ્ન ચર્ચાયો ત્યારે એન.વી. ગાડગિલે તિબેટ અંગે ચિંતા પ્રગટ કરી. નેહરુએ મિજાજ ગુમાવ્યો અને કહ્યું: ‘તમને એટલો પણ ખ્યાલ નથી કે ત્યાં હિ‌માલય ઊભો છે?’ એ જ ક્ષણે ધીમા અવાજે કહ્યું: ‘સાતમી સદીમાં તિબેટે હિ‌માલય પાર કરીને કનૌજ પર કબજો જમાવ્યો હતો.’ નેહરુએ કહ્યું: ‘નોનસેન્સ.’ (આ નોનસેન્સ કહેવાની ટેવ રાહુલને ટઅમાં પ્રાપ્ત થઇ લાગે છે) મિટિંગ પછી સરદારને અમદાવાદ જવાનું થયું, પરંતુ તેઓ ચીન અંગે વિચારતા જ રહ્યા.

દિલ્હી આવીને એમણે ૭મી નવેમ્બરે (૧૯પ૦) નેહરુને ચીન તરફથી ઊભા થનારા જોખમ અંગે ચેતવણી આપતો ઐતિહાસિક પત્ર લખ્યો, જે અત્યારે મારા હાથમાં છે. આ પત્ર વાંચીએ તો ખ્યાલ આવે કે ૧૯૬૨માં ચીને જે આક્રમણ ભારત પર કર્યું તેનો તાગ મેળવીને જાગતા રહેવાની ચેતવણી આપનારા સરદાર કેવા મુત્સદ્દી હતા. એ યુદ્ધમાં આપણી હાર આપણે સામે ચાલીને જાણે તેડાવી હતીનેહરુ જીવનભર છેતરાતા રહ્યા, પરંતુ સરદાર ક્યારેય છેતરાયા નથી. સરદાર પર પ્રવચન કરવા આવેલા વાજપેયીએ સુરતમાં કહ્યું હતું: ‘સરદાર ધરતી કે ફૂલ થે ઔર નેહરુ આસમાન કે તારે થે.’ વાજપેયીજી ત્યારે કેવળ સંસદસભ્ય હતા.

સરદારને ઇમેજની નહીં, ઇમાનની પરવા હતી. દૃઢ વૈરાગી એવા સરદારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે પોતાના પૌત્રને કહેલા શબ્દોમાં ચરોતરનું કિસાનત્વ આબાદ પ્રગટ થતું દીસે છે:
રોટલો ખાવા ન મળે
તો મારી પાસે આવજે,
પણ મારા નામે કમાશો નહીં.
સરદારના નામનો ઉપયોગ કદી કરશો નહીં.
હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી
હંમેશાં બે માઇલ દૂર રહેજો.

તા. ૨૭-૭-૧૯૮૨ને દિવસે ડુમસમાં છોટુભાઇ પીઠાવાળાના ઘરે મારે મુ. મોરારજીભાઇ દેસાઇ સાથે સરદાર અંગે પૂરા અઢી કલાક સુધી ખૂબ વાતો થઇ હતી. બંધ ઓરડામાં અમે બે જ હતા. મેં મોરારજીભાઇને પૂછ્યું: ‘સરદારને બદલે નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા તે અંગે આટલાં વર્ષો બાદ આપને શું લાગે છે?’ મોરારજીભાઇએ ત્રણ મુદ્દા ગણાવીને વિવેકયુક્ત જવાબ આપ્યો: (૧) સરદાર સ્વરાજ મળ્યા પછી ઓછું જીવ્યા. (૨) જો સરદાર વડાપ્રધાન થયા હોત તો રાજ્યોના એકીકરણનું જે મોટું કામ એમણે કર્યું તે બીજા કોઇથી ન થઇ શક્યું હોત. (૩) જો સરદાર વડાપ્રધાન થયા હોત તો કોંગ્રેસના ભાગલા થયા હોત અને પંડિતજીએ સમાજવાદી પક્ષ સ્થાપ્યો હોત. તે દિવસોમાં કોંગ્રેસ એક રહે તે દેશની એકતા માટે ખૂબ જરૂરી હતું.

૧૯૪૬ના નવેમ્બરમાં મળેલી વકિગ કમિટીમાં ૧પ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓમાંથી ૧૨ સમિતિઓએ સરદાર પટેલનું નામ સૂચવ્યું અને એક પણ સમિતિએ નેહરુની તરફેણ કરી ન હતી. ર્નોમલ લોકતાંત્રિક પ્રક્રિયામાં ગાંધીજી વચ્ચે ન પડયા હોત તો સરદાર જરૂર ભારતના વડાપ્રધાન બન્યા હોત. વર્ષો બાદ આચાર્ય કૃપાલાનીએ કહ્યું: ‘એ નક્કી કે જો જવાહરલાલનું નામ સૂચવાયું ન હોત, તો સરદાર જ (કોંગ્રેસના) પ્રમુખ તરીકે ચૂંટાયા હોત (અને તેને પરિણામે ભારતના તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા હોત). પાછળથી મારા મનમાં પ્રશ્ન રહ્યો કે ગાંધીજીની ઇચ્છા મુજબ જવાહરલાલનું નામ સૂચવવામાં હું નિમિત્ત બન્યો તે યોગ્ય હતું ખરું?… પણ ભાવિની આગાહી કોણ કરી શકે?’ (બલરાજ ક્રિશ્ના: ‘ઇન્ડિયા’ઝ બિસ્માર્ક, સરદાર વલ્લભભાઇ પટેલ, પાન ૧૯૧-૧૯૨). આવા ત્યાગનો જોટો જગતના ઇતિહાસમાં જડે ખરો? ગાંધીજીની વાત સરદારે સૈનિકની માફક સ્વીકારીને વૈરાગ્યનો પરચો કરાવ્યો.

સરદાર આખાબોલા હતા. આખાબોલા હોવું એટલે બોલતી વખતે આખા ને આખા રહેવું. આવી ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી હોય તો જ ચારિત્ર્ય કેળવાય. ભારતીય ઇતિહાસના સર્જક સરદાર પટેલે પોતાના ત્યાગ અને દેશપ્રેમ દ્વારા ‘ચારિત્ર્ય’ શબ્દની વ્યાખ્યા જેવું જીવન ગાંધીજીને અર્પણ કર્યું. રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે સરદારની ચિતા પાસે ઊભેલા નેહરુ, રાજાજી અને રાજેન્દ્રપ્રસાદ સંકોચ છાંડીને (unashamedly) ધ્રૂસકે ધ્રૂસકે રડયા હતા. (પાન. પ૩૩) (સરદાર જયંતીની પૂર્વસંધ્યાએ તા. ૩૦-૧૦-૨૦૧૩ને દિવસે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમમાં આપેલું પ્રવચન).’

પાઘડીનો વળ છેડે
સરદારે તે દિવસે ગાડગિલને કહ્યું:
હું હવે જીવવાનો નથી.
મને એક વચન આપ.
ગાડગિલે હા પાડી ત્યારે સરદારે
ગાડગિલનો હાથ પોતાના હાથમાં
લઇને કહ્યું: ‘પંડિતજી સાથે તારે
ગમે તેટલા મતભેદ હોય તોય
એમને છોડીશ નહીં.’
– રાજમોહન ગાંધી
(Patel: A Life,પ્તનવજીવન, પાન-પ૩૨)
નોંધ: આજે સરદાર સાહેબની પુણ્યતિથિ છે. ત્રિવેણીર્તીથ બારડોલી એટલે ગાંર્ધીતીથ, સરદારર્તીથ અને સત્યાગ્રહર્તીથ. આદરણીય મોરારિબાપુની સરદાર માનસકથાનો આજે છેલ્લો દિવસ છે. એ કથામાં પ્રારંભે સરદારસાહેબ પર પ્રવચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એ કેવો સુયોગ? કથામાં અન્ય દિવસોએ જય વસાવડા, આરિફ મોહંમદ ખાન અને નગીનદાસ સંઘવીનાં પ્રવચનો પણ યોજાયાં.

સરદાર પટેલના કિસાનત્વને સમજવું હોય તો એમના ચારિત્ર્ય સાથે જોડાયેલી ધરતીની સુગંધને પામવી પડે. એ સુગંધ અકૃત્રિમ હતી કારણ કે એ સહજપ્રાપ્ત હતી. એ સુગંધ સાચા ભૂમિપુત્રના જીવનની સુગંધ હતી. માનવું પડશે કે સરદાર ચાણક્ય જેવા ર્દીઘદ્રષ્ટા અને મુત્સદ્દી હતા.

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s