ભવ્ય ચર્ચની બહાર ગરીબ આદમીની લગોલગ ઊભેલા ઇસુ DIVYA BHASKER, 22-12-2013

ઇસુએ ઉપદેશ આપવાનું શરૂ કરતાં તેમની લોકપ્રિયતા વધવા લાગી. પહેલાં નિંદા-કૂથલી ચાલી, પછી મશ્કરી થવા લાગી, પછી ગેરસમજ શરૂ થઇ, પછી વિરોધ થયો અને છેવટે સજ્જડ વિરોધ થયો. વિરોધની ચરમસીમાએ ઇસુ વધસ્તંભ પર જડાયા. ઇસુ કડવાબોલા હતા, સ્પષ્ટવક્તા હતા અને ક્રાંતિવીર હતા.

દિવસે દિવસે મંદિરો ભવ્ય બનતાં જાય છે, પરંતુ ઉપાસના કથળતી જાય છે. મસ્જિદોની ભવ્યતા વધતી જાય તોય બંદગી કરમાતી જાય છે. ચર્ચ અતિ ભવ્ય જણાય, પરંતુ પ્રાર્થનાની ભીનાશ ઘટતી જાય છે. ઇસુને ખૂબ જ વહાલા લાગે એવા પોપ ફ્રાન્સિસ વેટિકનમાં વિરાજમાન છે. તેઓ ગરીબમિત્ર છે અને નોખી માટીના પોપ છે. તેઓ કહે છે:
જેની દીવાલોના પોપડા
ઊખડી ગયા હોય
એવું જર્જરિત અને
સાફસૂથરું ન હોય તેવું ચર્ચ
મને પસંદ છે, કારણ કે
એ કોઇ ફળિયામાં આવેલું છે.

ઇટાલીમાં આવેલા એક પવિત્ર ડુંગરને ર્તીથસ્થાનનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બારમી સદીમાં થઇ ગયેલા સંત ફ્રાન્સિસ ઓફ અસ્સિસીને દુનિયાની ખ્રિસ્તી પ્રજા ઇસુ ખ્રિસ્ત પછી સૌથી આદરણીય મહાત્મા ગણે છે. થોડાક જ દિવસો પહેલાં આજના પોપ ફ્રાન્સિસે એ પવિત્ર સ્થાનકની મુલાકાત લીધી ત્યારે શું બન્યું? નામદાર પોપે ત્યાં સહજભાવે જે શબ્દો ઉદ્ગાર્યા તે સાંભળો:
શાંતિની આ નગરીમાંથી
હું પૂરી શક્તિ સાથે અને
પ્રેમથી લથપથ એવી નમ્રતા સાથે
વારંવાર કહેતો રહીશ કે:
આપણે સૃષ્ટિના સર્જનનો આદર કરીએ
અને વિનાશના હાથા ન બનીએ.

પોપ ફ્રાન્સિસના હૃદયમાં દુનિયાના ગરીબોની દુર્દશાની પીડા સતત જીવતી રહે છે. વેટિકનમાં એપોસ્ટોલિક પેલેસ એમનું નિવાસસ્થાન ગણાય. પોપ ફ્રાન્સિસે એ મહેલ જેવા નિવાસમાં રહેવાનો ઇનકાર કર્યો અને કહ્યું: ‘આટલી જગ્યામાં તો ૩૦૦ જણા રહી શકે તેમ છે. મારે આટલી જગ્યાની જરૂર નથી.’ કહે છે કે બારમી સદીમાં સંત ફ્રાન્સિસે ભગવાન સમક્ષ પોતાનાં વસ્ત્ર ઉતારીને ગરીબો સાથેની એકાત્મતા પ્રગટ કરી હતી. એ સંતના સ્થાનકે પેલી ટેકરી પર પહોંચેલા આજના નામદાર પોપે લોકોને સંબોધન કર્યું તેમાં કહ્યું: ‘આપણે સૌએ આ દુન્યવી ઠઠારા ત્યજીને (દ્રવ્યવાદનાં) વસ્ત્રો ખંખેરી નાખવાં જોઇએ. ઇસુના મિજાજ સાથે દુન્યવી ઠઠારાનો મેળ પડતો નથી.

પૈસાની પૂજા અને દુન્યવી માયાજાળ સમાજનું કેન્સર છે, જે આડંબર, ઉદ્ધતાઇ અને અભિમાન તરફ દોરી જાય છે. તમારામાંથી કેટલાય વંચિત લોકોને આ અસભ્ય દુનિયાએ ખંખેરી મૂક્યાં છે તેથી રોજગાર નથી અને મદદ નથી. બાળકો ભૂખે મરે તેની એને ચિંતા નથી.’ ભવ્ય ચર્ચની બહાર દૂર દૂર ઊભેલા ગરીબ આદમીની લગોલગ ઊભેલા ઇસુને પોપ ફ્રાન્સિસ નિહાળતા રહે છે. મૂળે આર્જેન્ટિનાના પોપ ફ્રાન્સિસનું અંગ્રેજી નબળું છે. કવિ કરસનદાસ માણેકે ઇસુ ખ્રિસ્તને ‘મેરીનંદન’ કહ્યા હતા. ઇસુએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું એટલે તે કાળે જામી પડેલાં સ્થાપિત હિ‌તો સાવધ થઇ ગયાં. ઇસુની લોકપ્રિયતામાં એમને જોખમ જણાયું. પહેલાં નિંદા-કૂથલી ચાલી, પછી મશ્કરી થવા લાગી, પછી ગેરસમજ શરૂ થઇ, પછી વિરોધ થયો અને છેવટે સજ્જડ વિરોધ થયો. વિરોધની ચરમસીમાએ ઇસુ વધસ્તંભ પર જડાયા. ઇસુ કડવાબોલા હતા, સ્પષ્ટ વક્તા હતા અને ક્રાંતિવીર હતા. એમના ધગધગતા શબ્દોમાં ક્રાંતિનો પ્રતિધ્વનિ આજે પણ સંભળાય છે:
હું કંઇ જગતમાં
શાંતિ લાવવા માટે જ નથી આવ્યો,
રમખાણ મચાવવા માટે પણ આવ્યો છું.
બાપ અને દીકરા વચ્ચે,
સાસુ અને વહુ વચ્ચે વિરોધ મચશે,
સૌથી મોટો કલહ ઘરમાં જ જાગશે.
જે મારા કરતાં માતાપિતાની
કિંમત વધુ સમજશે,
કે દીકરા-દીકરીનો મોહ વધુ રાખશે
તે મને પામવાને યોગ્ય નથી.
મને અનુસરવું હોય તો
પોતાનો ક્રોસ પોતાને ખભે
મૂકીને ચાલ્યા આવો.

ઇ.સ. ૧૮૬૪ના જીનીવા કન્વેન્શનની ફલશ્રુતિરૂપે આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઇ. યુદ્ધમાં ઘવાયેલા ‘કોઇના લાડકવાયા’ની સારવારનું કરુણામય કાર્ય રેડક્રોસ તરફથી રાષ્ટ્રીયતા કે કોમના ભેદભાવ વિના આજ પય્ર્‍ાંત ચાલી રહ્યું છે. ઇસુનો ક્રોસ પવિત્ર છે, પરંતુ એ પવિત્રતા રેડક્રોસના સેવાકાર્ય થકી સક્રિય બની. યાદ છે? અંગ્રેજ નર્સ ફ્લોરેન્સ નાઇટેંગલ (૧૮૨૦-૧૯૧૦) ઇતિહાસમાં ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે વિખ્યાત બની હતી. એણે હોસ્પિટલમાં દર્દીઓની શુશ્રૂષામાં સુધારા કરીને ઇસુનું સ્મરણ પાકું કરાવ્યું. આજે પણ કોઇ શુભ્રવસ્ત્રાવૃતા એવી સેવાભાવી નર્સને જોવાનું બને ત્યારે ફ્લોરેન્સ નાઇટેંગલનું પાવક સ્મરણ થાય છે. ઇસુની કરુણાને પ્રગટ કરનારી બીજી ઘટનાની નોંધ નાતાલના પવિત્ર દિવસોમાં લેવી જ રહી. એકવીસમી સદીનો માનવધર્મ માનવ-અધિકારોની માવજતમાં સમાયો છે. એ અધિકારોની માવજત આજે એમનેસ્ટી ઇન્ટરનેશનલ જેવી સંસ્થા કરી રહી છે.

મનના ખુલ્લાપણાની દૃષ્ટિએ દુનિયામાં આજની ખ્રિસ્તી પ્રજા સૌથી મોખરે છે. એક યહૂદી ધર્માચાર્ય (Rabbi) પોતાના સીનેગોગમાં બેઠા હતા. બરાબર એ જ વખતે એક સાવ ગરીબ માણસ એમની નજીક આવ્યો અને બોલ્યો: ‘રબ્બાઇ તમે મને કશુંક આપી શકો?’ રબ્બાઇ પાસે ગજવામાં ત્યારે એક ડોલર પણ ન હતો. અન્ય કોઇ માણસે કહી દીધું હોત: ‘સોરી, આજે અત્યારે મારી પાસે તને આપવા માટે કશુંય નથી.’ અરે આ તો જુદી માટીના રબ્બાઇ હતા. એમણે તો પેલા ગરીબ માણસની વારંવાર માફી માગી અને કહ્યું: ‘બંધુ મારા તું મારી સાથે સાથે મારા માળ પર આવી શકે?’ આવું કહેનાર એ ધર્માચાર્યનું હૃદય સાવ જ નબળું પડી ગયું હતું અને પગે સોજા આવ્યા હતા. દાદરનાં પગથિયાં ચડવામાં તો એમને ભારે તકલીફ થઇ. બંને જણા માળ પર આવેલા ઓરડામાં પહોંચ્યા. ધર્માચાર્યે ત્યાં લટકતા પાટલૂનનાં ગજવાં ફંફોળ્યાં. છેવટે થોડાક ડોલર હાથ લાગ્યા એમણે બધા જ ડોલર પેલા ગરીબ માણસને આપી દીધા અને કહ્યું: ‘આજે તો આટલા જ ડોલર છે, પણ કાલે આવજે. કદાચ મારી પાસે થોડાક ડોલર હશે.’ આ યહૂદી ધર્માચાર્યનું નામ શ્લોમો હતું. તેઓનું અવસાન થયું ત્યારે એમની પાસે એક ડોલર પણ ન હતો. એમની દફનવિધિ માટે લોકોએ ફાળો એકઠો કરવો પડેલો. તેઓ ગરીબમિત્ર હતા.’

પાઘડીનો વળ છેડે
આશાનો દીવડો જલતો રાખજો.
થોડાક હિંસક મનુષ્યો
ઘણાબધા લોકો માટે
પીડા અને મૃત્યુનાં વાવેતર કરે
એવા આતંકવાદની કેદ (અમને)
મંજૂર નથી.
શાંતિ એ સૌ કોઇની જવાબદારી છે.
– પોપ ફ્રાન્સિસ (વેટિકન, ઇટાલી)

નોંધ: રોમમાં મળેલી સર્વધર્મની સભામાં ઉચ્ચારેલા શબ્દો, જેમાં હિ‌ન્દુ પ્રતિનિધિ તરીકે સુધીન્દ્ર કુલકર્ણી ઉપસ્થિત હતા. (ઠણ્ઞ્રગ્ગ્રપ્ત ૨૩-૧૧-૨૦૧૩)

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

 

Advertisements

One thought on “ભવ્ય ચર્ચની બહાર ગરીબ આદમીની લગોલગ ઊભેલા ઇસુ DIVYA BHASKER, 22-12-2013

 1. ડો મનીષાબેન મનીષ,

  નમસ્કાર.
  ગુણવંતભાઈ, અવંન્તીબેન તેમજ તમારો આખો પરિવાર, ગુજરાતી પરિવારને જે વિચારો આપો છો તેનો લાભ પુરેપુરો સમાજને મળે તે હુ ભગવાનને પ્રાથના કરૂ છુ.

  ગુણવંતભાઈને હ્ર્દયનો હુમલો થયા બાદ તેઓ બચી ગયા તે ઇસ્વરની કૃપા અને કવિ સુરેશ દલાલે સાચે જ કહ્યુ હતુ કે આપણે બચી ગયા.

  ઇટલીમા એક ધાર્મિક સસ્થાએ ની્ચે મુજબ સાર્વજનિક ધાર્મિક સભા રાખી હતી, ભારતના પણ અમુક લોકો જેવા કે સ્વામિ અગ્નીવેશ, સ્વાધ્યાયની લીડર દીદી વિગરે ગયા હતા. જેની લીક નીચે મુજબ છ

  “http://www.santegidio.org/index.php?pageID=3&langID=en&itemID=7279
  the International Meeting for Peace entitled “The courage of hope: religions and cultures in dialogue” will be held in Rome.

  From September 29 to October 1, 2013 hundreds of leaders of all religions and personalities from the world of culture and politics, from more than 60 countries, will converge in Rome at the end of September, making our city the capital of peace and coexistence, a symbol for the whole world. This is the 27th edition of the meetings, started from the historical Prayer Day in 1986 willed by Blessed John Paul II, through which Sant’Egidio has spread the “spirit of Assisi” in many European and Mediterranean countries.”

  આ સભાની એક વિડીયો લીક છે અને મને એમ લાગે છે કે જે કદાચ ગુણવંતભાઈ અને તમારા પરિવાર ને ગમશે જે નીચે મુજબ છે.

  આપનો પરિવાર હમેશા હસ્તો રહે તેવી પ્રભુને પ્રાથના.
  વિનુ સચાણીયા.
  ૨૨.૧૨.૨૦૧૩.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s