શ્રદ્ધા યસ, અંધશ્રદ્ધા NO . DIVYA BHASKER, 8-12-2013

મનુષ્યનું જીવન ત્રણ વિશ્વમાં વહેંચાયેલું છે

(૧) જ્ઞાનવિશ્વ (કોગ્નિટિવ ડોમેઇન)
(૨) ભાવવિશ્વ (અફેક્ટિવ ડોમેઇન)
(૩) કર્મવિશ્વ (સાઇકો-મોટર ડોમેઇન)
ગઇ સદીમાં મનોવિજ્ઞાની ડો. બેન્જામિન બ્લૂમે શિક્ષણના ક્ષેત્રમાં આ ત્રણ પ્રખંડો વિશે વિસ્તારથી લખ્યું હતું. આવું જ વિભાગીકરણ ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ જેવા ત્રણ શબ્દો દ્વારા કૃષ્ણે કર્યું હતું. જ્ઞાનવિશ્વ અને કર્મવિશ્વમાં સાબિતીનું મહત્ત્વ ઘણું, પરંતુ ભાવવિશ્વમાં સાબિતીનું નહીં પ્રતીતિનું મહત્ત્વ છે. માતાના જીવનના ઘણા કલાકો ભાવવિશ્વમાં જ વીતે છે. જો માતા સંપૂર્ણપણે તર્કબદ્ધ રેશનલિસ્ટ હોત, તો કોઇ બાળક મોટું થયું હોત ખરું? કદાચ આ આખું ઓડિટોરિયમ અત્યારે ખાલી હોત અને વક્તા પણ સ્ટેજ પર ગેરહાજર હોત.

ભાવવિશ્વના કેન્દ્રમાં શ્રદ્ધા વિરાજે છે. ગમે તેવો કટ્ટર રેશનલિસ્ટ થોડાક મહિ‌ના માટે પરદેશ જાય ત્યારે એને શ્રદ્ધા હોય છે કે એની ગેરહાજરીમાં એની પ્રિય પત્ની કોઇ અન્ય પુરુષ સાથે શયન કરવાની નથી. આવી શ્રદ્ધા ન હોય તો તે રેશનલિસ્ટ ક્યાં તો દંભી કે સંવેદનશૂન્ય હોવાનો. ‘આઇ લવ યૂ’ જેવું તર્કશૂન્ય (irrational) વાક્ય બીજું ન હોઇ શકે અને છતાંય આ પૃથ્વી આ ત્રણ શબ્દો પર ટકેલી છે. ‘પ્રેમ’ એટલે શું? એની વળી સાબિતી ક્યાંથી? બે ‘મળેલા જીવ’ને એની પ્રતીતિ થાય તેમાં અન્યને શું સમજ પડે? લવ તો ભાવવિશ્વની ઘટના છે.

જો ભાવવિશ્વ ગાયબ થઇ જાય તો જગતમાં નાટક, ફિલ્મ, ટીવી સિરિયલ, નવલકથા, નવલિકા અને કવિતા ગાયબ થઇ જાય. એવું બને તો વાલ્મીકિનું રામાયણ, વ્યાસનું મહાભારત, ભવભૂતિનું ઉત્તરરામચરિત, કાલિદાસનું રઘુવંશ, ભારવિનું કિરાતાર્જુનીયમ્, ભાસનું ઉરુભંગમ્, નરસિંહ મહેતાનું વૈષ્ણવજન, કલાપીનું (કાવ્ય) ગ્રામમાતા અને મેઘાણીનું ‘આજ મારું મન મોર બની થનગાટ કરે’ કાવ્ય પણ ગાયબ થઇ જાય આવા ભાવવિશ્વ વિના શેક્સપિયર કે વડર્ઝવર્થ ક્યાંથી? ભાવવિશ્વ લગભગ ગેરહાજર હોય એવા શુષ્ક પતિની પત્નીને કોઇ ગંગાસ્વરૂપ નથી કહેતું.

પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે. આસ્તિક કહે છે કે ગ્લાસમાં પાણી છે: અહં બ્રહ્મા’સ્મિ નાસ્તિક કહે છે ગ્લાસ ખાલી છે: નેતિ નેતિ બંને પક્ષો પોતપોતાની રીતે સાચા સાબિતી માટે પુરાવાની જરૂર પડે. ન્યાય પુરાવાને આધારે અપાય છે. ઇશ્વર છે તેનો પુરાવો ક્યાં છે? પુરાવો નથી માટે ઇશ્વર નથી અરે, ઇશ્વર નથી તેનો પણ પુરાવો ક્યાં છે? રાજકોટમાં છેલભાઇ નામે ફોજદારની પ્રતિષ્ઠા ઘણી હતી. એમણે એક ખૂનીને જેલભેગો કર્યો અને કેસ ચાલ્યો. પુરાવાને અભાવે ખૂની છૂટી ગયો. છેલભાઇ એ ખૂનીને ઘરે ગયા અને પૂછ્યું: ‘બોલ, તેં ખૂન કર્યું હતું ખરું?’ ખૂનીએ કહ્યું: ‘સાહેબ મેં તો ખૂન કર્યું જ હતું, પરંતુ મારા બચાવમાં વકીલે જે દલીલ કરી, ત્યારે મને લાગ્યું કે મેં કદાચ ખૂન ન પણ કર્યું હોય’ આવી જ વાત કાર્લ સેગને પણ કરી છે.

જ્ઞાનવિશ્વ ઓછું આદરણીય નથી. વર્ષો પહેલાં વડોદરાના ઘરે સુરતના રેશનલિસ્ટ મિત્ર પ્રા. બાબુભાઇ દેસાઇનો ફોન આવ્યો: ‘ગુણવંતભાઇ, ડો. યશપાલ, (યુ.જી.સી.ના ચેરમેન) એમ. એસ. યુનિવર્સિ‌ટીના ગેસ્ટ હાઉસમાં બેઠા છે. એમનું વિમાન ચાર કલાક મોડું છે. મળવા આવી શકો? હું દિલ્હીના તીનમૂર્તિ‌ ભવનમાં યોજાયેલા શિક્ષણના સેમિનારમાં યશપાલજીને મળ્યો હતો અને ટીવી પર ‘કોસ્મોસ’ નામની એમની સિરિયલથી પ્રભાવિત હતો. તરત એમને મળવા પહોંચી ગયો. બરાબર યાદ છે. અમારી ચર્ચા સૂર્ય પર શરૂ થઇ ગઇ.

એમણે એક કાપલી પર ગણિત માંડીને મને સમજાવ્યું કે સૂર્ય પૃથ્વીની પ્રત્યેક ચોરસ સેન્ટિમીટરની સપાટી પર પ્રત્યેક સેકન્ડે અમુક અબજ ન્યૂટ્રિનો ઠાલવે છે. ન્યૂટ્રિનો એટલે એક સબ-એટોમિક કણ, જેનું કોઇ દ્રવ્ય નથી હોતું અને એને કોઇ ઇલેક્ટ્રિક ચાર્જ પણ નથી હોતો. આવી કૃપા પ્રતિક્ષણ વરસાવનારા સૂર્યને આપણે થેંક્યૂ કહીએ છીએ ખરા? હું રોજ ઊગતા અને આથમતા સૂર્યને વર્ષોથી ઉપનિષદના મંત્ર દ્વારા સંસ્કૃતમાં આભારની લાગણી પહોંચાડું છું. મારી સ્તુતિથી સૂર્યને કોઇ ફેર પડે ખરો? ના, પરંતુ મારી પ્રાર્થનાને કારણે મને જ ફેર પડે છે. શું આવો ભાવ તર્કવિરોધી (irrational) છે કે?શ્રદ્ધા યસ, અંધશ્રદ્ધા NO.’

જ્ઞાનવિશ્વની વાત આગળ ચલાવું? આજના વિજ્ઞાનવિશ્વમાં મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નામ મોખરે છે. એમનાં ત્રણ પુસ્તકો બેસ્ટ સેલર બન્યાં છે. તેઓનું નબળું શરીર લગભગ પોટલું બની ગયું છે. તેઓ આજના આઇન્સ્ટાઇન ગણાય છે. સ્ટીફન હોકિંગનાં ત્રણે પુસ્તકો અહીં સાથે લાવ્યો છું. વારંવાર આપણને બે શબ્દો સાંભળવા મળે છે: બિગ બેન્ગ અને બ્લેક હોલ. ઘણાખરા વિજ્ઞાનીઓ માને છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ એક વિરાટ ધડાકાથી થઇ હતી. એ ધડાકો કરોડો સદીઓ પહેલાં થયો હતો. મજાકમાં કહી શકાય કે આપણે સૌ ‘ધડાકાનાં સંતાનો’ છીએ. આવો મહાન વિજ્ઞાન સ્ટીફન હોકિંગ કહે છે:

(૧) જો બિગ બેન્ગ પછી સૃષ્ટિના વિસ્તારનો દર હતો તેના કરતાં સેકન્ડના અબજમા ભાગ કરતાં જરા પણ ઓછો હોત, તો બ્રહ્માંડનો ફરીથી ધબડકો (ચ્ર્‍ેગ્ર્રૂઘ્જ્ર્‍) થઇ જાત.
(૨) જો વિસ્તાર પામવાનો દર સેકન્ડના અબજમા ભાગ કરતાં જરા પણ વધારે હોત, તો બ્રહ્માંડનો વિસ્તાર એટલો થાત કે એ સાવ ખાલીખમ હોત.
આ બે મુદ્દા રજૂ કર્યા પછી સ્ટીફન કહે છે: ‘બ્રહ્માંડના વિસ્તારનો દર આટલી બારીકીથી કોણે નક્કી કર્યો? આ કામ ભગવાનનું ગણાય.’ (‘ધ થિયરી ઓફ એવરીથિંગ’, પાન-૭૮).

નાસ્તિક અને આસ્તિક વચ્ચે તકરાર શેની? મહાસાગરમાં બે માછલીઓ ચર્ચા કરવા લાગી. એક માછલીએ કહ્યું કે મહાસાગરનો સર્જક (ભગવાન) કોઇ નથી. બીજી માછલીએ કહ્યું કે મહાસાગરનો સર્જક ભગવાન છે. એટલામાં ત્રીજી માછલી ચર્ચામાં જોડાઇ અને બોલી: ‘મહાસાગરનો સર્જક હોય કે ન હોય, પરંતુ મહાસાગરનું અસ્તિત્વ છે. ઉધૈજ્ઞ્ર્‍ખ્ર્‍ે ર્‍ધૈજ્ઞ્જ્.’ એ ત્રીજી માછલીનું નામ છે આઇન રેન્ડ, જે નાસ્તિક વિદૂષિ હતી. નાસ્તિક અને આસ્તિક બંને જૂઠા, બેઇમાન અને લંપટ હોઇ શકે છે. આસારામની આસ્તિકતા શા કામની? સ્તાલિનની નાસ્તિકતા કરોડ માણસોની કત્લેઆમથી ખરડાયેલી હતી.

બુદ્ધ અને મહાવીરે નાસ્તિકતાને એવરેસ્ટની ઊંચાઇ અર્પી. આસારામે જે પાપ કર્યું, તેનો લાભ લઇ અંધશ્રદ્ધા સામે મંડી પડવા જેવું છે. શ્રદ્ધા તારે છે, અંધશ્રદ્ધા ડુબાડે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત ઉપવન અને ઉકરડા વચ્ચેના તફાવત જેટલો છે. અંધશ્રદ્ધા ભક્તિને વગોવે છે અને અપમાનિત કરે છે. જાપાનના મહાન ફિલ્મ નિર્માતા અકુરા કુરોસેવાની ફિલ્મ ‘દોદેસ્કા દેન’ ઓસ્કાર એવોર્ડ પામી હતી. સત્યજિત રેને ઓસ્કાર મળ્યો તેમાં નિર્ણાયક અકુરાનો પણ ફાળો હતો.

‘દોદેસ્કા દેન’ ફિલ્મનું એક દૃશ્ય યાદગાર છે. ગામની બજારમાં એક પાગલ માણસ તલવાર વીંઝી વીંઝીને માણસોને ઘાયલ કરી રહ્યો છે. બજારમાં હાહાકાર મચી જાય છે. એવે વખતે એક ઝેન સાધુ પાગલની નજીક જઇને કશુંક કહે છે. પાગલ તરત શાંત થઇ જાય છે અને તલવાર ફેંકીને ચાલી જાય છે. બજારમાં શાંતિ સ્થપાય છે. એક વેપારીએ સાધુને પૂછ્યું: ‘તમે એ પાગલને શું કહ્યું?’ સાધુએ કહ્યું: ‘મેં પાગલ પાસે જઇને એટલું જ કહ્યું કે જો તું તલવાર વીંઝીને થાક્યો હોય તો આરામ કર અને હું તારું કામ ઉપાડી લઉં’ (સુરતની જીવંત સંસ્થા ‘બૂકલવર્સ પાઠશાલા’ તરફથી તા. ૨૪-૧૧-૨૦૧૩ને દિવસે ગાંધીસ્મૃતિ હોલમાં યોજાયેલા પ્રવચનનું હોમવર્ક).’

આસારામની આસ્તિકતા શા કામની? સ્તાલિનની નાસ્તિકતા કરોડ માણસોની કત્લેઆમથી ખરડાયેલી હતી. બુદ્ધ અને મહાવીરે નાસ્તિકતાને એવરેસ્ટની ઊંચાઇ અર્પી. શ્રદ્ધા તારે છે, અંધશ્રદ્ધા ડુબાડે છે. અંધશ્રદ્ધા ભક્તિને વગોવે છે અને અપમાનિત કરે છે.શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત ઉપવન અને ઉકરડા વચ્ચેના તફાવત જેટલો છે.
પાઘડીનો વળ છેડ
Absence Of Evidence Is
No Evidence Of Absence
પુરાવાનો અભાવ એ
અભાવનો પુરાવો નથી.
– કાર્લ સેગન (અવકાશવિજ્ઞાની)
નોંધ: ‘The Demon-Haunted Word’ પુસ્તકના ૧૨મા પ્રકરણમાંથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s