સહજ શૃંગાર તો જીવનનું રસામૃત છે. DIVYA BHASKER 29-12-2013

સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે

વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી હોતો. એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે. જે સમાજ શુષ્ક ધાર્મિ‌કતાને પનારે પડે છે તેણે દંભ અને આતંકના પ્રહારો વેઠવા જ પડે છે. દંભ અને આતંકનો ખરો માર સ્ત્રીઓ પર પડે છે. માઓ ઝે ડોંગ કહેતો કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે.

શૂદ્રકના વિખ્યાત નાટક ‘મૃચ્છકટિકમ્’ની નાયિકાનું નામ વસંતસેના હોય એ સામાન્ય વાત નથી. વસંત ઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટની ઋતુ છે. શુષ્કતા મૂળે અધ્યાત્મવિરોધી ઘટના છે. ગાંધી-વિનોબાને નામે પણ શૃંગારરસની નિંદા કરશો નહીં. એ બાબતે રવીન્દ્રનાથ ટાગોર વધારે જીવનમય હતા. દંભ જેવી જીવનવિરોધી ઘટના બીજી કોઇ નથી. કેટલાક ગાંધીવાદીઓ દંભના તળાવમાં ડૂબકી મારનારા હોવાના. તેઓ આદર્શને કારણે મજબૂર છે.

શુષ્ક પતિની સ્મિત વેરતી પત્નીની કમનસીબી પ્રત્યે કરુણા બતાવવા કોણ નવરું હોય? પ્રત્યેક પતિની ઝંખના રસિકપ્રિયાને પામવાની હોય છે. સમાચાર વાંચ્યા કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસંતોત્સવનું ભવ્ય આયોજન થયું છે. મોહેં-જો-દેરોની સંસ્કૃતિના સંદર્ભે આવા આયોજનની જવાબદારી બેનઝીર ભુટ્ટોના સુપુત્ર બિલાલે લીધી છે. શુષ્ક પિતા અને શુષ્ક માતાનો પરિવાર કદી સુખી નથી હોતો. બારમી સદીમાં ભક્તકવિ જયદેવે ‘ગીતગોવિંદ’ની રચના કરી અને સહજ શૃંગારને છૂટથી વહેતો મેલ્યો. કહે છે કે મેવાડના રાણો સંગ વીર હતો અને કાવ્યરસિક પણ હતો.જૂનાગઢના વિદ્વાન સાહિ‌ત્યકાર ડો. મુનિકુમાર પંડયાએ પોસ્ટકાર્ડમાં મને લખ્યું કે: રાણાસંગે ‘ગીતગોવિંદ’ વિશે લખ્યું છે.

તેઓ આગળ લખે છે કે રાણોસંગ મીરાંબાઇનો સસરો થાય. જયદેવ જેવો જ શૃંગાર રસ ભક્ત નરસિંહ મહેતામાં જોવા મળે છે. બીજી વાત નરસિંહ મહેતા વિશે કરું? જો સેન્સર ર્બોડ જેવું કશુંક એ જમાનામાં હોત તો નરસિંહની કેટલીય પંક્તિઓ પર કાતર ફરી ગઇ હોત. વર્ષો પહેલાં આ વાત ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના આપણા વિદ્વાન પ્રમુખ ડો. ધીરુભાઇ પરીખે કરી હતી. કહે છે કે કવિ રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ વખત ‘ગીતગોવિંદ’ને બંગાળીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો પણ પછી વાત પડતી મેલી હતી. ગાંધીજીને પણ ‘ગીતગોવિંદ’ ગમ્યું ન હતું. જયદેવ અને નરસિંહની પંક્તિઓમાં પ્રગટ થતો શૃંગાર થોડોક મુખર છે એ નક્કી.

આપણી પરંપરામાં બે પ્રકારના શૃંગારની વાત થઇ છે: (૧) સંભોગ શૃંગાર અને (૨) વિપ્રલંભ શૃંગાર. સંભોગ શૃંગાર દેહકેન્દ્રી છે અને એમાં સૂક્ષ્મ પ્રેમતત્ત્વ ગૌણ રહી જવા પામે છે. વિપ્રલંભ શૃંગાર દેહથી પર એવા આત્મમય પ્રેમને પ્રગટ કરતો શૃંગાર છે. વિયોગ (વિપ્રયોગ)ની અવસ્થામાં બે પ્રિયજનો જે ઉત્કટ પ્રેમની સૂક્ષ્માનુભૂતિ કરે છે તે વિપ્રલંભ શૃંગારનું ઉદાહરણ ગણાય.મહાકવિ જયદેવે ‘પ્રસન્નરાઘવમ્’ નાટક (અંક-૬)માં હનુમાન દ્વારા અશોકવાટિકામાં વિરહમાં શેકાતી સીતાને રામે પાઠવેલ સંદેશો સાંભળો:

હે સીતા
ચંદ્રમા મને સૂર્યનાં પ્રચંડ કિરણો જેવો લાગે છે.
નવો વરસાદ મને દાવાનળ જેવો લાગે છે.
નદીનાં મોજાં પરથી આવતો પવન મને
ક્રોધે ભરાયેલા સાપના નિ:શ્વાસ જેવો
નવી વેલી શૂળ જેવી
અને કમળોનું ઉપવન મને
ભાલાઓની અણી જેવું લાગે છે
વાલ્મીકિ રામાયણ (યુદ્ધકાંડ, પ, પ)માં વિરહમાં શેકાતા રામના શબ્દો પણ સાંભળો:
હે પવન
તું ત્યાં વહેજે,
જ્યાં મારી પ્રિયા છે.
તેનો સ્પર્શ કરી આવ્યા પછી
તું મારો સ્પર્શ કરજે.
તે સમયે તને મારાં અંગોનો
જે સ્પર્શ થશે તે
અમે બંને ચંદ્રને જોઇએ
ત્યારે થતા દૃષ્ટિસંયોગ વખતે
મારા સઘળા સંતાપને દૂર કરશે.

વિપ્રલંભ શૃંગારમાં બે પ્રેમીઓ એકબીજાંથી દૂર છે અને તોય તેમની વચ્ચે પ્રેમમય અલૌકિક અદ્વૈત રચાય છે. મહાકવિ જયદેવના ‘ગીતગોવિંદ’માં સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર ક્યારેક એકાકાર થતા જણાય છે. સદીઓથી મનુષ્યને એક અતૃપ્ત તરસની અનુભૂતિ થતી જ રહી છે. એ તરસને કારણે લોકો ફિલ્મ અને નાટક જોવા જાય છે. એ તરસને કારણે રાતે ટીવી પર સિરિયલ જોવા માટે પરિવાર ટાંપીને બેઠો હોય છે. એ તરસને કારણે લોકોને ‘સરસ્વતીચંદ્ર’માં દેખાતો ખલનાયક પ્રમાદધન ખૂંચે છે. એ તરસને કારણે રામાયણ, મહાભારત, મેઘદૂત અને ઉત્તરરામચરિત જેવી કૃતિઓ આજે પણ વંચાતી રહે છે. એ તરસને પ્રગટ કરતી પંક્તિઓ બાલકૃષ્ણ શર્મા (નવીન)એ લખી છે:

ક્યોં બજાઇ બાંસુરી?
મેં તો સજન આ રહી થી,
અયુત જન્મોં કી તૃષા ભર
નયન મેં લા રહી થી.

તા. ૭મી ડિસેમ્બરે અમદાવાદમાં એક રૂડી ઘટના બની. વર્ષો પહેલાં હું સદ્ગત જયભિખ્ખુનો વ્યસની વાચક હતો. એમની કૃતિ ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી કનુ દેસાઇએ ફિલ્મ પણ બનાવી હતી. મુંબઇના વિદ્વાન મિત્ર ડો. ધનવંત શાહે જયભિખ્ખુની કૃતિને આધારે ‘કૃષ્ણભક્ત કવિ જયદેવ’ નાટક તૈયાર કર્યું અને એ અમદાવાદના સુજ્ઞ ભાવકો સમક્ષ ભજવાયું. ધનવંતભાઇના એ પુસ્તકનું લોકાર્પણ મારે હાથે થયું તેનો આનંદ અનુભવું છું.

ડો. મહેશ ચંપકલાલ જેવા નાટયવિદે નાટકની રજૂઆતમાં પ્રાણ પૂર્યો છે. એ પ્રસંગે જયદેવ પર જે નૃત્ય રજૂ થયું તેમાં વૈભવ આરેકર (જયદેવ) અને (પદ્મા) શિવાંગી વિક્રમે શ્રોતાઓને મુગ્ધ કરી દીધા. ડો. કુમારપાળે જયભિખ્ખુનું સાચું પિતૃતર્પણ કર્યું છે. અમદાવાદમાં આવી સાંસ્કૃતિક ઘટનાઓ વારંવાર બનતી રહે છે. છેલ્લી વાત. આપણે સૌ શ્રીમદ્ વલ્લભાચાર્યનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યને કૃષ્ણભક્તિમાં તરબોળ કરીને તેમણે સમાજને શુષ્કતાના અભિશાપમાંથી મુક્ત કર્યો. ‘
(પ્રવચન પરથી)
પાઘડીનો વળ છેડે
સ્થૂળ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ
વિશ્વ કેરો મંત્ર પ્રેમ,
સૃષ્ટિની સુવાસ પ્રેમ,
પ્રેમ તેજ કેરો પાર,
પરમ પ્રેમ પરબ્રહ્મ
– કવિ ન્હાનાલાલ
વસંત ઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટની ઋતુ છે. શુષ્કતા મૂળે અધ્યાત્મવિરોધી ઘટના છે. ગાંધી-વિનોબાને નામે પણ શૃંગારરસની નિંદા કરશો નહીં. એ બાબતે રવીન્દ્રનાથ ટાગોર વધારે જીવનમય હતા.

ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s