લોકતંત્રને ધર્મનો દરજ્જો મળશે ત્યારે…DIVYA BHASKER, 19-1-2014

જે માનવતાના ખોળામાં રમે તે ‘ધર્મ’ કહેવાય અને ખોળો ત્યાજીને ખેલે તે ‘રીલિજિયન’ ગણાય

મહાભારતમાં જે ધર્મનો મહિ‌મા થયો છે તે લેબલ વિનાનો પરિશુદ્ધ ‘ધર્મ’ (દ) છે. એ ધર્મ એટલે રીલિજિયન નહીં. વાત એમ છે કે જે માનવતાના ખોળામાં રમે તે ‘ધર્મ’ કહેવાય અને ખોળો ત્યાજીને ખેલે તે ‘રીલિજિયન’ ગણાય.ઘ ણા વખતથી મહાભારત જેવા વિરાટ મહાકાવ્યને સથવારે વાચન, મનન અને લેખન ચાલતું રહે છે. બે મહત્ત્વની બાબતો જડી છે.

માનવ-ઇતિહાસમાં ‘લોકતંત્ર’ જેવો શબ્દ પ્રથમ વાર ભીષ્મ પિતામહને મુખેથી પ્રગટ થયો છે. (શાંતિપર્વ, અધ્યાય પ૬, શ્લોક ૨૭). બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિ‌રને કહે છે: ‘હે નરવ્યાઘ્ર જો બ્રાહ્મણો પણ લોકતંત્રનો વિનાશ કરનારા (લોકતંત્રવિઘાતકા:) જણાય તો તેમને બે હાથે સતત બાંધીને (કેદમાં) રાખવા.’ આવું વાંચીને હરખ થયો તે હજી શમે તેના પહેલાં બીજું આશ્ચર્ય સામે આવીને અથડાયું
દ્રૌપદીના વસ્ત્રહરણનો પ્રસંગ વીતી ગયો પછી ધૃતરાષ્ટ્ર અસહાય અવસ્થામાં લજ્જાથી થરથરતી દ્રૌપદીને વરદાન માગવા કહે છે. દ્રૌપદી બે વરદાન માગે છે તેને પરિણામે પાંડવો દાસત્વમાંથી મુક્ત થાય છે.

પાંડવો જ્યારે ઇન્દ્રપ્રસ્થ જવા માટે તૈયાર થાય છે ત્યારે આર્શીવાદ આપતી વખતે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિ‌રને કહે છે: ‘હે અજાતશત્રુ તારું કલ્યાણ થાઓ. તમે સૌ વિઘ્નરહિ‌ત થઇને સ્વરાજ્યનું અનુશાસન કરો. (સ્વરાજ્યમ્ અનુશાસત સભાપર્વ, ૬પ, ૨). જે સંસ્કૃતિ હજારો વર્ષ પૂર્વે આવા બે પવિત્ર શબ્દો માનવજાતને આપી શકે, તે સંસ્કૃતિના જન્મસ્થાન એવા ભારત (જંબુદ્વીપ)માં લોકતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદતું શી રીતે હોઇ શકે? મહાભારતનું ગુરુત્વ મધ્યબિંદુ એટલે ધર્મ. જ્યાં ધર્મની બોલબાલા હોય ત્યાં જૂઠ અને ભ્રષ્ટાચારના ઉકરડાની દુગ્ર્‍ાંધ આટલી તીવ્ર શી રીતે હોઇ શકે? જે ધર્મ રુશવતખોર કર્મચારીને પ્રામાણિક બનવાની પ્રેરણા ન આપી શકે તે ધર્મ શા કામનો? બંબાખાનામાં જ આગ લાગે ત્યારે જવું ક્યાં? અક્કલ બહેર મારી જાય છે.

લોકતંત્રને એકવીસમી સદીના ધર્મનો દરજ્જો ક્યારે મળશે?’ ફ્રિટજોફ કાપ્રાનું પુસ્તક છે: Belonging to the universe એમાં એક વાત ગમી ગઇ. કહે છે: ધર્મના બે પ્રકાર છે. એક રીલિજિયન તે કેપિટલ R અને બીજા તે સ્મોલ r એટલે કે ‘એ રીલિજિયન.’ એમાં R એટલે ખરો માનવધર્મ, જે વાડ અને વાડાબંધીથી પર છે. બીજો ‘r’ તે લેબલવાળો ધર્મ (હિ‌ન્દુ-ઇસ્લામ-ખ્રિસ્તી ઇત્યાદિ). આ વિચાર મૌલિક છે કારણ કે જો દપ્તની ઉપાસના થાય તો મહાભારત જેને ‘ધર્મ’ કહે છે તેનો મર્મ સમજાય. મહાભારતમાં કહ્યું છે: જે ધર્મ અન્યના ધર્મનો બાધ કરે, તે ધર્મ ન કહેવાય. જે ધર્મ અન્ય ધર્મનો વિરોધી ન હોય, તે જ ધર્મ સાચો ગતિશીલ ધર્મ કહેવાય. મહાભારતમાં જે ધર્મનો મહિ‌મા થયો છે તે લેબલ વિનાનો પરિશુદ્ધ ‘ધર્મ’ (R) છે.

એ ધર્મ એટલે રીલિજિયન નહીં. વાત એમ છે કે જે માનવતાના ખોળામાં રમે તે ‘ધર્મ’ કહેવાય અને ખોળો ત્યાજીને ખેલે તે ‘રીલિજિયન’ ગણાય. માનવજાત લેબલઘેલી થઇને અંદર અંદર બાખડતી રહી છે. મહાભારતકાર કહે છે: જેમ ગાયોના રંગ જુદા જુદા હોવા છતાં દૂધ એક જ રંગનું (સફેદ) હોય છે, તેમ ધર્મો વિવિધ હોવા છતાં ધર્મનું તત્ત્વ તો એક જ છે. બોલો આવા વિરાટ મહાકાવ્યમાં રહેલા સ્વસ્થ સેક્યુલરિઝમને સમજવા માટે કેટલા ટન અક્કલ જોઇશે? મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુરની વાણી ધૃતરાષ્ટ્ર સમક્ષ વહેતી થઇ છે. અરે કેવળ વિદુરની શાણી વાણી પણ સમજીએ તો ધર્મ (R) એટલે શું તે સમજાઇ જાય. સાંભળો:
હે રાજન્ જે કર્મો કપટથી ભરેલાં હોય અને અયોગ્ય ઉપાયોથી સિદ્ધ થતા હોય તેમાં તમારું મન કદાપિ ન લગાડશો.

– (ઉદ્યોગપર્વ: અધ્યાય ૩૪, શ્લોક-૬)
આજના રાજકાણમાં વિદુરની વાત ટકે ખરી? આ પ્રશ્નના જવાબમાં ભારતરત્ન મોરારજી દેસાઇના શાસનમાં બનેલો પ્રસંગ વાંચવા મળ્યો. મોરારજીભાઇ જનતા પક્ષના ઐતિહાસિક વિજય પછી વડાપ્રધાન બન્યા ત્યારે એમની કસોટી થાય તેવો નિર્ણય લેવાની નોબત આવી પડી. કટોકટીના ગાળામાં ‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ જેવા અખબારના માલિક તરીકે રામનાથ ગોએન્કાએ સરકારના દમન સામે જબરી બહાદુરી બતાવી હતી. ગોએન્કાજી સામે ઇન્દિરા ગાંધીના રાજ્યકાળ દરમિયાન કેટલાક આર્થિ‌ક ગુના નોંધાયેલા. ગોએન્કાજી એ ગુના પાછા ખેંચાય એવી ઇચ્છા સાથે મોરારજીભાઇને મળ્યા. મોરારજીભાઇ પણ ઇચ્છતા હતા કે ગોએન્કાજીને થયેલો અન્યાય દૂર થાય અને કેસો બંધ થાય.

હસમુખ શાહ વડાપ્રધાનની ઓફિસ (PMO)માં અગત્યની જવાબદારી સંભાળી રહ્યા હતા. એમણે પોતાના ‘દીઠું મેં…’ પુસ્તકમાં આ પ્રસંગ નોંધ્યો છે. આ પુસ્તક સૌ ગુજરાતીઓએ વાંચવા જેવું છે. રઘુવીર ચૌધરીએ આ પુસ્તકનું પ્રકાશન કરીને આપણી સેવા કરી છે. મોરારજીભાઇ કોણ હતા તે સૌ જાણે છે, પરંતુ મોરારજીભાઇ ‘શું’ હતા તેની જાણ થાય તેવો આ પ્રસંગ છે. હવે હસમુખભાઇના શબ્દોમાં શું બન્યું તે સાંભળીએ: ‘આ કેસોની મૂળ તપાસ સી.બી.આઇ.એ કરેલી. તેથી સી.બી.આઇ.ના ડાયરેક્ટરને બોલાવવામાં આવ્યા અને કેસો બંધ કરવા કહેવામાં આવ્યું.

સી.બી.આઇ.ના ડાયરેક્ટર એક તટસ્થ, નેક અને બાહોશ અધિકારી હતા. વડાપ્રધાનની ખફગી વહોરીને પણ તેમણે એક કલાક સુધી દલીલ કરી કે જે તથ્યો છે તેને આધારે આ કેસો બંધ ન થઇ શકે… આ લાંબી અને સી.બી.આઇ.ના ડાયરેક્ટર માટે કસોટીરૂપ મુલાકાતનો અંત ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાને સી.બી.આઇ.ના ડાયરેક્ટરની નિષ્પક્ષતા અને હિંમતને અનુમોદન આપ્યું અને કાયદો કાયદાનું કામ કરે તેવો નિર્ણય આપ્યો. આનાથી પક્ષના કેટલાક સિનિયર પ્રધાનો ખૂબ નારાજ થયેલા. મોરારજીભાઇએ જ્યારે વડાપ્રધાનપદ છોડયું ત્યાર પછી આ કેસ બંધ કરી દેવામાં આવ્યા હતા.’ (પાન ૧૮૩-૧૮૪).

નીતિયુક્ત મોરારજીભાઇને મળેલા નીતિયુક્ત સી.બી.આઇ. ડાયરેક્ટર કોણ? એ ડાયરેક્ટર હતા મિ. લોબો. જે સી.બી.આઇ.ને સુપ્રીમ ર્કોટ ‘પિંજરાનો પોપટ’ (Caged parrot) કહે તેવા સમયે મિ. લોબો જેવા ટટ્ટાર અધિકારી ક્યાંથી લાવવા? વળી એવા અધિકારીની સાચી વાત માન્ય રાખે એવા ટટ્ટાર વડાપ્રધાન પણ ક્યાંથી લાવવા? ક્યાં છે ધર્મ? ક્યાં છે નીતિ? ક્યાં છે વિદુર?’

પાઘડીનો વળ છેડે
૧૯૬૪માં મોરારજીભાઇ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન દ્વારકાપ્રસાદ મિશ્ર વચ્ચે વિમાનમાં કોઇ વિષય પર ચર્ચા ચાલી અને ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડયું. ચર્ચા તો અધૂરી રહી પણ મિશ્રજી એક સૂચક વાક્ય બોલેલા:
‘મોરારજીભાઇ,
આપ રામભક્ત હં
ઔર મૈં કૃષ્ણભક્ત હૂં.’
અહીં નોંધેલા કિસ્સા અને બીજા સેંકડો કિસ્સામાં મિશ્રજીનું આ વાક્ય ઘણું કહી જાય છે.
– હસમુખ શાહ
નોંધ: ‘દીઠું મેં…’, રંગદ્વાર પ્રકાશન, (અમદાવાદ) પાના ૩૩૮, મૂલ્ય:૨પ૦/-.

વિચારોના વૃંદાવનમાં ગુણવંત શાહ

Advertisements

One thought on “લોકતંત્રને ધર્મનો દરજ્જો મળશે ત્યારે…DIVYA BHASKER, 19-1-2014

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s