સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે.DIVYA BHASKER, 26-1-2014

સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે

 

માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે

અબજો વર્ષ પહેલાં એક વિરાટ ધડાકો થયો અને બ્રહ્માંડનું સર્જન થયું. વિજ્ઞાનીઓએ એને કોસ્મોસ કહ્યું. એ ધડાકો બિગ બેન્ગ તરીકે જાણીતો થયો. બીજાં અબજો વર્ષ વીતી ગયાં અને આકાશગંગાનો ઉદ્ભવ થયો. બીજાં અબજો વર્ષ પછી સૂર્યનો ઉદ્ભવ થયો. ત્યાર બાદ કરોડો વર્ષ વીતી ગયાં પછી પૃથ્વીની ઉત્પત્તિ થઇ. ત્યાર પછી અબજો વર્ષ વીતી ગયાં અને પૃથ્વી પર સૂક્ષ્મ જીવોમાં સેક્સ નામની ઘટના શરૂ થઇ. પછી તો કરોડો વર્ષ પસાર થઇ ગયાં અને પૃથ્વી પર પ્રાણવાયુનું વાતાવરણ રચાયું. કરોડો વર્ષ વીતી ગયાં પછી જંતુઓની ઉત્પત્તિ થઇ અને માછલીઓ પેદા થઇ. પછી પક્ષીઓ પેદા થયાં અને સમય જતાં રાક્ષસી કદનાં સસ્તન પ્રાણીઓ પૃથ્વી પર ફરતાં થયાં. છેક છેલ્લે માણસ પેદા થયો.

આટલી લાંબી કાલયાત્રાને અંતે બુદ્ધનો જન્મ તો માંડ થોડીક સેકન્ડો પહેલાં થયો એમ કહી શકાય. આપણું ૭૦-૮૦-૯૦ વર્ષનું જીવન એટલે તો કાલદેવતાની આંખના પલકારામાં જે સમય વીતે તેનો કરોડમો ભાગ જેટલો અહંકાર કેળવાય તેટલો કેળવી લેજો. સમય બહુ ઓછો છે. જેટલો દ્વેષ કેળવાય તેટલો કેળવી લેજો. સમય બહુ ઓછો છે. જેટલો પ્રેમ થાય તેટલો ધરાઇને કરી લેજો કારણ કે પ્રેમ અનંત છે. ‘આપણી પૃથ્વી ઘણી વૃદ્ધ છે અને માનવજાત ઘણી જુવાન છે.’ આ શબ્દો મહાન વિજ્ઞાની કાર્લ સેગનના છે. પોતાના પુસ્તક ‘ધ ડ્રેગોન્સ ઓફ ઇડન’માં એક અનોખું કેલેન્ડર રજૂ કર્યું છે અને તેનું નામ રાખ્યું છે: ‘કોસ્મિક કેલેન્ડર’. એમાં એક વર્ષમાં બધી ઘટનાઓ સમાવી લેવામાં આવી છે. એ કેલેન્ડરમાં ૧લી જાન્યુઆરીએ વિરાટ ધડાકો થયો ત્યાંથી માંડીને છેક ૩૧મી ડિસેમ્બરે માણસ પેદા થયો એમ જણાવ્યું છે. બુદ્ધનો જન્મ ક્યારે થયો? જવાબ છે: ૩૧મી ડિસેમ્બરે ૧૧ કલાક પ૯ મિનિટ અને પપમી સેકન્ડે

ઇસુ ૩૧મી ડિસેમ્બરે ૧૧ કલાક પ૯ મિનિટ અને પ૬મી સેકન્ડે અવતર્યા આ કથા છે બ્રહ્માંડ (બ્રહ્મનું ઇંડું)ના વિરાટ સર્જનની. આપણી અક્કલ બહેર મારી જાય તેવી વાત છે. અક્કલ બહેર મારી જાય ત્યારે ચેતનાને પાંખ ફૂટે એમ પણ બને ભારતીય સંસ્કૃતિએ બ્રહ્મના સંદર્ભે બે શબ્દો આપ્યા: ‘અનાદિ અને અનંત.’ મૃત્યુ નિ‌શ્ચિ‌ત છે, પરંતુ મૃત્યુને થાપ આપે એવી એકમાત્ર ઘટનાનું નામ પ્રેમ છે. કહે છે કે પરમ સર્જકને એકલું એકલું લાગ્યું અને ગમ્યું નહીં. (એકાકી ન રમતે). આમ આપણા કહેવાતા ભગવાને પોતાનો કંટાળો દૂર કરવા માટે વિચાર્યું કે હું એક છું, પરંતુ અનેક થાઉં (એકો’હમ્ બહુસ્યામ). ટૂંકમાં આપણા આ સંસારની ઉત્પત્તિ ભગવાને પોતાના કંટાળાને દૂર કરવા માટે કરી છે. જે સર્જન થયું તે અદ્ભુત ગણાય તેવું છે. એ સર્જનની લીલામાં બે તત્ત્વોએ ખરેખરો ભાગ ભજવ્યો: નરતત્ત્વ (યિન) અને નારીતત્ત્વ (યાંગ). ચીની તત્ત્વજ્ઞાનના પાયામાં યિન અને યાંગનું જોડકું છે.

સમગ્ર સૃષ્ટિ આ બે તત્ત્વો વચ્ચેની આંતરક્રિયાનું દિવ્ય પરિણામ છે. નરતત્ત્વ અને નારીતત્ત્વ એકબીજાંમાં ઓતપ્રોત છે. આ કંઇ કેવળ માનવજાતિનાં પુરુષ અને સ્ત્રીની વાત નથી. ચીની તત્ત્વજ્ઞાનમાં તડકો નરતત્ત્વ(યાંગ) અને શીળો માદાતત્ત્વ (યિન) છે. ચીનની ફિલસૂફી પ્રમાણે તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વ્યાકરણ, બુદ્ધિ અને કર્મનિષ્ઠા યાંગ છે અને કવિતા, ભાવના, કલા, સંગીત અને ભક્તિ યિન છે. આવા મૂળભૂત વિભાજન (દ્વિભાજન)ના ભાગરૂપે માનવજાતમાં સ્ત્રી (યિન) અને પુરુષ (યાંગ) વચ્ચેની દિવ્ય આંતરક્રિયા સદીઓથી ચાલતી રહી છે. એ આંતરક્રિયાનું પરમ પવિત્ર વાહન સેક્સ છે. સેક્સની નિંદા એટલે પરમ સર્જનની અને પરમ સર્જકની નિંદા સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે. આ વાત દુનિયાને ન સમજાય ત્યાં સુધી હુલ્લડ કે યુદ્ધ વેઠવા સિવાય આપણો છૂટકો નથી. પૃથ્વી પર પાંગરેલી માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે. એકબીજાંમાં ઓતપ્રોત એવું માનવયુગલ વિશ્વશાંતિની સૌથી મોટી ગેરંટી છે. આ વાત માનવીને ક્યારે સમજાશે?

આદિમાનવના સહજ સમાજમાં અસત્ય ન હતું તેથી સત્યનો મહિ‌મા પણ ન હતો. એ સમાજમાં પરિગ્રહ ન હતો તેથી અપરિગ્રહના વ્રતની જરૂર ન હતી. એ સમાજમાં સહજ સેક્સની બોલબાલા હતી અને ‘બ્રહ્મચર્ય’ જેવો શબ્દ જ અજાણ્યો હતો. જ્યાં સહજ સેક્સ હોય અને લગ્નસંસ્થા ન હોય ત્યાં બલાત્કાર ક્યાંથી? ધીમે ધીમે પ્રકૃતિને ખોળે ખેલનારા સમાજમાં સંસ્કૃતિનો ઉદય થયો. વાડ આવી પછી વાડી આવી. લગ્નની શોધ થઇ અને ઘરનું સર્જન થયું. ધીમે રહીને જમીનની માલિકી શરૂ થઇ. એ માલિકી સાત-બારની નકલરૂપે આજે જામી પડી છે. માલિકી જન્મી તેમાંથી વંશપરંપરાગત મિલકતનો જન્મ થયો. સાદીસીધી આપ-લે (બાર્ટર) માંથી પૈસાનું ચલણ શરૂ થયું. લગ્નની શોધને પગલે પગલે વારસાહકની પળોજણ જન્મી. લગ્ન જ ન હોય તો છૂટાછેડા ક્યાંથી? લગ્ન જ ન હોય ત્યાં છિનાળું ક્યાંથી? લગ્ન જ ન હોય ત્યાં લગ્નેતર સંબંધ ક્યાંથી? સંસારની સંકુલતા વધતી ગઇ અને તે લિવ-ઇન-રીલેશનશિપ સુધી પહોંચી લગ્નની માથાકૂટ સાથે દહેજપ્રથા અને સતીપ્રથા પણ પેદા થઇ.

માથાકૂટનું માંહ્યરું અને માંડવાની માથાફોડ? આજકાલ ટીવી પર ક્યારેક ‘આઇટમ સોન્ગ’ જોવાનું બન્યું. આ બે શબ્દો ફિલ્મી જગતમાં થોડાંક વર્ષો પહેલાં ઝાઝા જાણીતા ન હતા. આઇટમ સોન્ગ સાથે થતા નૃત્યમાં સ્ત્રીને એક ચીજ બની જતી નિહાળી. ‘શીલા કી જવાની’ અને ‘મુન્ની બદનામ હુઇ’ જેવા આઇટમ ડાન્સમાં સ્ત્રીનું વસ્તુકરણ (objectification) થતું જોયું તેથી આ લેખમાં મારે છેક ‘બિગ બેન્ગ’ સુધી પહોંચવું પડયું આપણે સૌ આખરે તો એક વિરાટ ધડાકાનાં સંતાનો છીએ ને? જે આઇટમ ડાન્સ જોયો તેમાં શું જોયું? શીલા હતી તે શિલા બની ગઇ એક સ્ત્રી મટીને મુન્નીબાઇ જાણે દૂધી બની ગઇ સ્ત્રીની કાયા પ્લાસ્ટિકની બની ગઇ જે નાચતી હતી તે સ્ત્રી હતી કે સરગવાની સિંગ?
જે સ્ત્રી, સ્ત્રી ન હોય અને વસ્તુ હોય, તેનું યૌનશોષણ ક્યાંથી?

ફિલ્મના પ્રોડયુસર્સ આખી ફિલ્મ તૈયાર થઇ જાય પછી ડિરેક્ટરને કહે છે: ‘ક્યાંક એકાદ આઇટમ સોન્ગ ફિટ કરી દો.’ આઇટમ સોન્ગ ધૂમ મચાવે તેથી ફિલ્મની ટિકિટબારી પર ટંકશાળ પડે છે. આઇટમ સોન્ગ મુખ્ય બની જાય છે અને ફિલ્મનું કથાવસ્તુ ગૌણ બની જાય છે. કલાનું મરણ આર્થિ‌ક દૃષ્ટિએ ભારે ફલદાયી બને છે. આ ઘટનામાં સમાજની માનસિકતાનું પ્રતિબિંબ પડે છે. આ ઘટનાનો રેલો દિલ્હીની નર્ભિયા અને કોલકતાની અપરાજિતા સુધી પહોંચે છે. આઇટમ સોન્ગમાં જે નાચે છે, તે દૂધી પર બલાત્કાર થતો નથી કારણ કે એને તો પૂરતું રક્ષણ મળે છે અને પૈસા મળે છે, પરંતુ ફસાઇ જાય છે નર્ભિયા અને અપરાજિતા જેવી અસંખ્ય નિર્દોષ કુમારિકાઓ. ગ્રામવિસ્તારોમાં તો વગડાના એકાંતમાં અને પાદરના અંધારામાં થતી દુર્ઘટનાઓની નોંધ લેવા પણ કોઇ નવરું નથી.સદીઓ વીતી અને ટેક્નોલોજીનો વિકાસ થયો, પરંતુ હજી પુરુષોને સ્ત્રીઓ સાથે શી રીતે વર્તવું તેની ગતાગમ નથી. સીતાને જ સહન કરવું પડે છે. કોસ્મિક કેલેન્ડરમાં ‘પુરુષ સુધરી ગયો’ એવી ઘટના ક્યારે?’

પાઘડીનો વળ છેડે
વસંતની ફૂલમાળા પહેરી
કોકિલની લઇ બંસી,
પરાગની પાવડીએ આવી
મુજને કોઇ ગયું ઝબકાવી.
– સુન્દરમ્

પૃથ્વી પર પાંગરેલી માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે. એકબીજાંમાં ઓતપ્રોત એવું માનવયુગલ વિશ્વશાંતિની સૌથી મોટી ગેરંટી છે.

ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s