લઘુમતી ગણાવા માટેની આતુરતા, પછાત ગણાવા માટેની પડાપડી DIVYA BHASKER, 2-2-2014

આપણા પ્રિય જૈનબંધુઓ આવતીકાલથી લઘુમતી વર્ગના ગણાવા લાગશે

વિભીષણ ક્યારે પણ બહુમતીમાં નથી હોતો. લંકેશની રાજ્યસભામાં એ સાવ એકલો હતો. વિભીષણ તે છે, જે સત્યને ખાતર ભાઇનો ત્યાગ કરી શકે. કુંભકર્ણ તે છે, જે ભાઇને ખાતર સત્યને લાત મારી શકે. કૌરવોની રાજ્યસભામાં વિદુર લઘુમતીમાં હતા. ઇન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી ત્યારે લોકસભામાં ‘નો સર’ કહીને સાચેસાચું કહી દેનારા પુરુષોત્તમ ગણેશ માવળંકર લઘુમતીમાં જ હતા ને? જે સમાજમાં મૂર્ખજનોની બહુમતી હોય, તે સમાજમાં લોકતંત્ર પણ મૂર્ખરાજ્ય સ્થપાય તે માટે મોકળાશ કરી આપે છે.

અસત્યના નગારખાનામાં સત્યની તતૂડીનો અવાજ સંભળાતો નથી, પરંતુ એ અવાજ નષ્ટ નથી થતો. વિજય અંતે તો રામત્વનો જ થાય છે. રાવણત્વનું ભવિષ્ય એ જ કે એ નષ્ટ થાય. સોક્રેટિસ તો એકલો હોય તો જ શોભે વાત ખોટે રસ્તે ચડી ગઇ આપણા પ્રિય જૈનબંધુઓ આવતીકાલથી લઘુમતી વર્ગના ગણાવા લાગશે. આજથી પાંચ-છ વર્ષ પહેલાં આદરણીય જૈન મુનિશ્રી શીલચંદ્ર વિજયજી સાથે અમદાવાદના જૈન ઉપાશ્રયમાં લાંબી ચર્ચા થયેલી.

મુનિશ્રી સ્વભાવે અનેકાંતમાં માનનારા સાધુ છે. અમારી મૈત્રી માત્ર ૩૩ વર્ષ જૂની ગણાય. સાવ ખુલ્લા મનથી એમણે મને પ્રશ્ન પૂછ્યો: ‘ગુણવંતભાઇ જૈનો માટે લઘુમતીના સ્ટેટસની વાત શરૂ થઇ છે. તમારું શું માનવું છે?’ મારો જવાબ ખાસો લાંબો હતો અને મુનિશ્રીને એ ગમી ગયો હોય એવી લાગણી મને થયેલી. મારો જવાબ ટૂંકમાં સાંભળો: ‘મુનિશ્રી તમે મને કેવળ જૈનોની જ વસતિ હોય એવું એક ગામ બતાવશો? જૈનોની જ વસતિ હોય એ ગામમાં મજૂરી કોણ કરશે? એ ગામની સફાઇ કોણ કરશે?’

હિંદુઓએ ભગવાન મહાવીરને અન્ય ધર્મના ભગવાન ગણ્યા હોય એવું જોયું છે ખરું? મુંબઇ જૈન યુવક સંઘ તરફથી છેલ્લાં ૭૯ વર્ષથી સુપ્રતિષ્ઠિ‌ત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે. એમાં અડધાથી વધારે વક્તાઓ જૈનેતર હોય છે. (એમાં મહેબૂબ દેસાઇ જેવા મુસ્લિમ વિદ્વાનનું પ્રવચન પણ યોજાય છે.) જૈનોમાં ક્ષત્રિય કોઇ નહીં હોય. છેલ્લાં ૨૦૦ વર્ષોમાં કેટલા જૈનોને ફાંસીની કે કાળાંપાણીની સજા થઇ હશે? એક પણ નહીં. કોઇપણ આપત્તિ વખતે હિંદુઓ અને જૈનો વચ્ચેની પાતળી ભેદરેખા આપોઆપ નષ્ટ થઇ જતી જણાય છે.

શાસ્ત્રીય રીતે પ્રમાણ શોધવું હોય તો જૈનોને હિંદુઓ કરતાં અન્ય ધર્મના બતાવી શકાય તેમ છે, પરંતુ એ ભેદને ખોતરવાનું શું તાત્પર્ય? મારી દીકરી જૈનને પરણી છે. જમાઇ માંસાહારી છે, દીકરી શાકાહારી છે. માંસાહારી જમાઇ ‘જૈન’ ગણાય? ‘પ્રબુદ્ધ જીવન’ માસિકના તંત્રી અને બહુશ્રુત એવાડો. ધનવંત શાહ મારા આવા અભિપ્રાય સાથે પૂરેપૂરા સહમત જણાયા. એમણે મને ફોન પર સ્પષ્ટપણે જણાવ્યું: ‘જૈનો અને હિંદુઓ વચ્ચે અમથો ભેદભાવ ઊભો કરવાની જરૂર હતી? જે સહજ એકતા પ્રવર્તે છે તેમાં આવો ડખો ઇચ્છનીય નથી.’

આવા ઉદારમતવાદી વલણમાં સમન્વયનો સૂર પ્રગટ થાય છે છતાં ભૂતકાળમાં જૈન પરંપરા હિંદુ પરંપરાથી જુદી હતી એવો અભિપ્રાય ન્યાયપાલિકા દ્વારા વારંવાર પ્રગટ થયો છે. ૧૯૨૭માં મદ્રાસ હાઇકોર્ટે એવો નિર્ણય જાહેર કર્યો હતો કે જૈન ધર્મ ‘સ્વતંત્ર ધર્મ’ છે. એ ઇસુ કરતાંય હજારો વર્ષ પુરાણો છે. ૧૯૩૯માં મુંબઇની હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ‘જૈન ધર્મ વેદ કો સ્વીકાર નહીં કરતા. વો બ્રાહ્મણ ધર્મ સે પહેલે ભી થા.’ લગભગ આવી જ વાત ૧૯૪૮માં મુંબઇ હાઇકોર્ટે આપેલી અધિસૂચનામાં પણ પ્રગટ થઇ હતી.

૧૯પ૧માં મુંબઇની હાઇકોર્ટ દ્વારા ન્યાયમૂર્તિ‌ એમ. સી. ચાગલા અને ન્યાયમૂર્તિ‌ ગજેન્દ્ર ગડકરની ખંડપીઠ દ્વારા એવો ચુકાદો પણ પ્રગટ થયો હતો કે : ‘હરિજનોને જૈનમંદિરોમાં પ્રવેશ કરવાનો અધિકાર નથી કારણ કે જૈનો હિંદુઓથી ભિન્ન મતાવલંબી છે.’ ૧૯પ૪માં ભારતની સુપ્રીમ ર્કોટે જણાવ્યું હતું કે: ‘જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વૈદિક ધર્મથી ભિન્ન છે.’ જો તર્કની સીમમાં રહીને જ વાત કરવાની હોય તો દેશના પચાસ લાખ જૈનોને લઘુમતીનું સ્ટેટસ પ્રાપ્ત થાય તેમાં ખાસ અનુચિત કશું નથી.

જો ભાવનાત્મક દૃષ્ટિબિંદુ અપનાવવામાં આવે તો આવો નિર્ણય દેશના વ્યાપક હિ‌તમાં નથી કારણ કે એમાં કૃત્રિમ ભાગલા પાડવાની રાજકીય દુષ્ટતાની બદબો વરતાય છે. ડો. ધનવંત શાહે મને ફોન પર જણાવ્યું: ‘૭૯ વર્ષથી ચાલતી અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ અને પંડિત સુખલાલજી પણ પ્રવચન કરી ગયા છે. આમ છતાં આ ૭૯ વર્ષોમાં એ વ્યાખ્યાનમાળામાં ગુણવંત શાહ નામના જૈનેતર (હિંદુ) મનુષ્યને અત્યાર સુધીમાં સૌથી વધારે વખત પ્રવચનો કરવા માટે કેમ બોલાવાયા? ‘મહામાનવ મહાવીર’ મથાળે પુસ્તક અંગ્રેજી અને હિંદીમાં પણ પ્રગટ થયું.

એ લખનાર વ્યક્તિ, એટલે કે તમે જ્ઞાતિએ જૈન થોડા છો?’ આટલી વાત મેં સંકોચપૂર્વક નોંધી છે, કારણ કે ભાવનાત્મક દૃષ્ટિએ જૈનો અને હિંદુઓ અભિન્ન છે. આ જ વાત મિત્ર સંજય વોરાએ અત્યંત સઘન રીતે પોતાના લેખમાં પ્રગટ કરી હતી. જે નિર્ણય લેવાઇ ગયો તે હવે રદ નથી થવાનો, પરંતુ એ નિર્ણય પાછળનું રાજકીય પરિબળ અત્યંત ઘૃણાસ્પદ અને વાંધાજનક છે. જૈનોની સભામાં મેં ‘સવાયો જૈન છું’, એવી વાત વારંવાર કરી છે. આપણા લોકતંત્રને એક દુગ્ર્‍ાંધ વર્ષોથી પજવી રહી છે. એમાં લોકોને લઘુમતી તરીકે ડોકું ઊંચું કરવાની ઉતાવળ કેમ રહે છે?

એમાં પોતાની જ્ઞાતિ કે કોમને પછાત ગણાવાની પડાપડી કેમ જોવા મળે છે? આવી પડાપડી સાથે જ્યારે વોટબેંકનું રાજકારણ જોડાઇ જાય ત્યારે લોકતંત્રનું આરોગ્ય કથળે છે. સ્વરાજ મળ્યું પછીનાં ૬૬ વર્ષોમાં કોંગ્રેસની સરકારોએ દેશના મુસલમાનોને વોટની ઢગલી તરીકે જ જોવાનું રાખ્યું. મુસલમાનોને કદી આ દેશના ‘ર્નોમલ નાગરિકો’ તરીકે જીવવા દેવામાં ન આવ્યા. ‘હિંદુઓ તમને ગળી જશે’ એવો ભય બતાવી બતાવીને ‘ભાગલા પાડો અને રાજ કરો’- જેવી અંગ્રેજો તરફથી વારસામાં મળેલી કૂટનીતિ કોંગ્રેસે અપનાવી.

આવું જ અનામતના રાજકારણમાં પણ બન્યું. જાટ લોકો માનીએ તેટલા ગરીબ નથી, પરંતુ આજકાલ એમને કેવળ રાજકીય કારણોસર ‘ઓબીસી’ નામની લોટરી લાગી જાય તેવી ઘડી આવી પહોંચી છે. યાદ છે? થોડાંક વર્ષો પહેલાં ગૂર્જર જ્ઞાતિના લોકોએ સરકાર પર પોતાની જ્ઞાતિનો સમાવેશ શેડયુલ કાસ્ટ (ફઈ)માં થાય તે માટે હિંસક કક્ષાનું ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. પછાત ગણાવા માટેની આવી પડાપડી લોકતંત્રની દુગ્ર્‍ાંધ ગણાય. રાજકારણીઓને માટે આવી પડાપડી એક ભાવતી વાનગી ગણાય. જૈનો અને હિંદુઓ સરકારી નિર્ણય પછી પણ ભાવનાત્મક રીતે એક જ રહેવાના છે એવી શ્રદ્ધા છે.

સંત તુકારામ જ્ઞાતિએ કણબી હતા. એમની પાસે ખેતી માટે જમીન પણ હતી. તેઓ ખેડૂત સંત હતા. જો આજે તુકારામ જીવતા હોત તો તો એમણે ‘ઓબીસી’ના લેબલ માટે આંદોલન ચલાવ્યું હોત કે?’
પાઘડીનો વળ છેડે
લઘુમતીના અસ્તિત્વનો
ઇનકાર કરવાનું બહુમતી માટે
અયોગ્ય ગણાય.
એ જ રીતે
લઘુમતી માટે પોતાનું અસ્તિત્વ
કાયમી બનવવું એ પણ
એટલું જ અયોગ્ય ગણાય.
– એન્દ્રે બેટીલે
નોંધ: એન્દ્રે બેટીલે દિલ્હી યુનિવર્સિ‌ટીના
પ્રોફેસર એમેરિટસ છે. એમની આ વાત વિચારણીય છે.
લઘુમતી તરીકે ગણાવાનો અભરખો લોકતંત્ર માટે
ઉપકારક નથી.

દેશના પચાસ લાખ જૈનોને લઘુમતીનું સ્ટેટસ પ્રાપ્ત થાય તેમાં ખાસ અનુચિત કશું નથી. જો ભાવનાત્મક દૃષ્ટિબિંદુ અપનાવવામાં આવે તો આવો નિર્ણય દેશના વ્યાપક હિ‌તમાં નથી કારણ કે એમાં કૃત્રિમ ભાગલા પાડવાની રાજકીય દુષ્ટતાની બદબો વરતાય છે. ભાવનાત્મક દૃષ્ટિએ જૈનો અને હિંદુઓ અભિન્ન છે.

ગુણવંત શાહ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s