નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારક રાહુલ ગાંધી. DIVYA BHASKER. 16-2-2014

‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કુલ છ વખત ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

આ દુનિયામાં સૌથી ભૂંડી બાબત કઇ? આ પ્રશ્નનો મારો જવાબ થોડો વિચિત્ર લાગશે. તટસ્થ દેખાવા માટે વિચારપૂર્વક અને પટુતાપૂર્વક બોલાતું રૂપાળું અસત્ય આપણા સંસારની અત્યંત ગંદી બાબત છે. આવી ગંદી બાબતને જે મનુષ્ય લલિત કલામાં ફેરવી નાખે તેને ‘લિબરલ બૌદ્ધિક’ કહેવાનો કુરિવાજ હવે ધીમે ધીમે ઘસાતો જાય છે. ટીવી પર થતી ચર્ચામાં હવે કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓને પત્રકારો કોઇની પણ સાડાબારી રાખ્યા વિના રોકડું પરખાવે ત્યારે લોકતંત્રના મંદિર પર સત્યની ધજા ફરકતી દીસે છે. પક્ષાતીત હોવાનો એવો અર્થ નથી કે સત્યાતીત હોવું.

ખુલ્લું મન ન ધરાવતો પ્રત્યેક કટ્ટર અને મતાગ્રહી મનુષ્ય અંદરથી ‘ફાસિસ્ટ’ ગણાય. એવો મનુષ્ય આંખ મીંચીને મહાત્મા ગાંધીનું તાણે તોય ફાસિસ્ટ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂની વાત ખુલ્લા મનથી કરવી છે ત્યારે તટસ્થતા નહીં, સત્યસ્થતાને કેન્દ્રમાં રાખવાનો મારો સંકલ્પ પાકો છે. મારી વાત સાથે અસંમત થનાર મનુષ્ય મારો શત્રુ નથી. ‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધી કોઇ પણ યુવતીને ગમી જાય એવા મનોહર જણાયા. મને વારંવાર એક વિચાર પજવે છે. જે દિવસે રાહુલ ગાંધી આ પૃથ્વી પર ગમે તે દેશમાં વિચરતી અને વિચારતી કોઇ મુગ્ધાના ગળાડૂબ પ્રેમમાં પડશે, ત્યારે આજે છે તેના કરતાં અધિક પરિપક્વ જણાશે.

હવે મોડું થઇ રહ્યું છે. પ્રતીક્ષા વધારે પડતી લાંબી થતી જાય ત્યારે એ ઠંડી પડી જાય એવી શક્યતા રહે છે. લગ્ન કર્યા વિના પણ તેઓ જો ક્યાંકથી ‘પ્રેમ-અમીરસ’ પામે, તો કદાચ દેશને એક સમર્થ નેતા મળે એમ બને. આજે તો સતત એમની વાણીમાં અને એમના વર્તનમાં કશુંક ખૂટતું જણાયા કરે છે. તેઓ વારંવાર એવો બફાટ કરી પાડે છે કે પક્ષના વડીલો ટીવી પર એમનો લૂલો બચાવ કરવા માટે તૈયાર જ હોય છે. કેબિનેટે પસાર કરેલા વટહુકમને રાહુલ ગાંધીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ‘નોનસેન્સ’ કહીને ફંગોળી દીધો ત્યારે મનમોહન સિંહ સિવાયના અન્ય કોઇ પણ સ્વમાની વડાપ્રધાને રાજીનામું ધરી દીધું હોત. ટીવીની ચેનલ પર જે ઇન્ટરવ્યૂ થયો તેમાં એમણે ત્રણ વાતો એવી કરી જેમાં સત્યનો રણકો હતો:

‘(૧) રાહુલ ગાંધી સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એવું ઇચ્છે છે. (૨) હું રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) બિલ લાવવાની પ્રક્રિયામાં સંકળાયેલો હતો. (૩) મેં યૂથકોંગ્રેસમાં અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન (ટફળક)માં લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટણીપૂર્વક કામકાજ થાય તેની શરૂઆત કરી છે.’ રાહુલભૈયાની આ ત્રણે વાતોમાં દમ છે. છેલ્લાં પાંચસાત વર્ષો દરમિયાન પ્રધાનપદું સ્વીકારવાને બદલે કોંગ્રેસ સંસ્થાને મજબૂત કરવાની પ્રક્રિયામાં એમણે આપેલું યોગદાન અવગણી શકાય તેમ નથી. તેઓએ સતત વ્યસ્થાતંત્રના બદલાવ (સીસ્ટેમિક ચેન્જ)ની હિ‌માયત કરી છે અને પૂરી નિષ્ઠાથી કરી છે.

ક્યારેક એમની વાતો ન સમજાય તેવી લાગે તોય એમાં રહેલું સત્ય પકડવા જેવું છે. ઇન્ટરવ્યૂમાં મને ગમી ગયેલી વાતોનો આ સાર છે. ભારત જેવા બચરવાળ અને ગરીબીમાં ડૂબેલા દેશમાં ઝડપભેર કશુંય થઇ શકતું નથી. આ એક એવો દેશ છે, જ્યાં ઉતાવળ પણ ઠંડી હોય છે અને નિિષ્ક્રયતા જ ગરમ હોય છે. ખાલી જઠરો અને ભરેલાં ગર્ભાશયોની વિપુલ સંખ્યા ધરાવનારા આ દેશમાં વિકાસ નામની સુપરફાસ્ટ ટ્રેન પણ બધાં સ્ટેશને થોભતી થોભતી ચાલે છે રાહુલ ગાંધી પણ લાચાર છે. બધો વાંક એન્જિન ડ્રાઇવરનો નથી હોતો.પત્રકારને રાહુલ ગાંધીએ આપેલા પ્રથમ વિસ્તુત ઇન્ટરવ્યૂની વિગતો અંગે વાત કરતાં પહેલાં કેટલાંક અવલોકનો વહેંચવાં છે:

૧. ઇન્ટરવ્યૂ લેનાર પત્રકારે વધારે પડતી આક્રમકતા બતાવીને રાહુલને નર્વસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રત્યે જે વિનય દાખવવો જોઇએ તે પત્રકારે બતાવ્યો ન હતો. ૨. ઇન્ટરવ્યૂ દરમિયાન એક પણ વખત રાહુલ ગાંધીએ સામેથી કોઇ જ આક્રમકતા બતાવી ન હતી. એમણે દોઢ કલાક દરમિયાન પોતાનું વિવેકપૂર્ણ આભિજાત્ય આબાદ જાળવી રાખ્યું હતું. ૩. ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્ન પુછાય તેને ધરાર અવગણીને રાહુલે આગળથી તૈયાર રાખેલાં વાક્યોનું રટણ વારંવાર કર્યું હતું. પ્રશ્નો સ્પષ્ટ હતા અને જવાબો અસ્પષ્ટ અને ક્યારેક સાવ અધ્ધરતાલ હતા. ૪. ઇન્ટરવ્યૂને અંતે રાહુલને લાભને બદલે ગેરલાભ થયો. આડકતરી રીતે તેમણે નરેન્દ્ર મોદીને લાભ થાય તેવું કર્યું. આવું પ્રથમ વાર નથી બન્યું.

વિગતોની વાત પર આવીએ. વંશવાદ (ૈન્ખ્ૂજ્ઞ્ન્)ના પ્રશ્ન અંગે રાહુલે સ્પષ્ટ કહ્યું: ‘હું વંશવાદની સદંતર વિરુદ્ધ છું.’ આવું વાક્ય તેઓ કઇ રીતે બોલી શકે? પંડિત નેહરુ, પછી ઇન્દિરા અને પછી રાજીવ ગાંધી વડાપ્રધાનનું પદ સંભાળે તેવી રાજકીય અને ઐતિહાસિક ઘટનાનો ઇનકાર શી રીતે થઇ શકે? રામ જેટલાં વર્ષ વનમાં રહ્યા તેટલાં વર્ષથી સોનિયા ગાંધી કોંગ્રેસ-પ્રમુખ છે. હજી તેઓ કેટલાં વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેશે? એ પદ ક્યારેય ગાંધી પરિવાર સિવાયના કોઇ અહમદ પટેલને કે કોઇ ચિદમ્બરમ્ને કે કોઇ જયંતી નટરાજનને મળશે ખરું? અરે કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કોઇ સુશીલ શિંદે કે કોઇ અજય માકન કે કોઇ આદિત્ય સિંધિયાને ક્યારેય તક મળશે ખરી? રાહુલ ગાંધીએ કુલ છ વખત ઇન્ટરવ્યૂમાં ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

૧૯૮૪માં શીખવિરોધી હત્યાકાંડ થયો. એ વાત નીકળી કે તરત જ ગુજરાતમાં ૨૦૦૨નાં હુલ્લડની વાત થઇ. બંને દુર્ઘટનાને લોકતંત્રનું કલંક ગણાવી શકાય. બંનેમાં નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. બસ અહીં સરખામણી પૂરી થાય છે. ૧૯૮૪માં માત્ર અને માત્ર શીખો મર્યા અને એક પણ હિ‌ન્દુ મર્યો ન હતો. ગુજરાતમાં પ૮ હિ‌ન્દુઓનાં મૃત્યુથી તો શરૂઆત થયેલી અને પછી ઘણા મુસલમાનોની હત્યા થઇ. દિલ્હીમાં શીખોને શોધી શોધીને મારવામાં આવ્યા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો ન હતો. ગુજરાતમાં પોલીસ ફાયરિંગ દરમ્યાન ૨૧૮ માણસો મર્યા, જેમાં મોટાભાગે હિ‌ન્દુઓ હતા. દિલ્હીમાં લશ્કર હાજર હતું તોય શીખોની મદદે ન બોલાવાયું, જ્યારે ગુજરાતમાં થોડાક કલાકોમાં લશ્કર બોલાવાયું.

અર્નબે કહ્યું: ‘ગુજરાતના મુખ્યપ્રધાનને ક્લીન ચિટ મળી છે.’ ૧૯૮૪ અને ૨૦૦૨ વચ્ચે સરખામણી જ ક્યાં રહી? આ પ્રશ્ને રાહુલે માફી ન માગી તે મને ગમ્યું. જેમણે ગુના બદલ સજા ભોગવવી પડે એવા રાજીવ ગાંધી અને નરસિંહ રાવ આજે હયાત નથી. રાજીવને કોઇપણ કર્મશીલે ‘માસ મર્ડરર’ કહ્યા ખરા? એ ગુના અંગે ફકર દ્વારા તપાસ થઇ ખરી? ભ્રષ્ટાચારને મુદ્દે રાહુલ ગાંધી આબાદ ફસાઇ ગયા લાલુપ્રસાદ સાથે કોંગ્રેસનું ગઠબંધન શી રીતે થઇ શકે? ભાવવધારો અને ફુગાવો કોણ દૂર કરશે? આમ આદમી પાર્ટીને ટેકો મોદીને સત્તાથી દૂર રાખવા માટે જ ને? આવા આવા ઘણા પ્રશ્નો પત્રકાર દ્વારા જબરી તીવ્રતાથી પુછાયા હતા. ગુજરાતની મોદી સરકારની વાજબી નિંદા કરવા માટે રાહુલે શક્તિસિંહ ગોહિ‌લ પાસેથી થોડીક નક્કર માહિ‌તી મેળવી હોત તો મોદી સરકાર માનવીય વિકાસ (ઋક)ને મુદ્દે લંગડાય છે એની વાત શંકરસિંહ વાઘેલા પાસેથી પણ જાણવા મળી હોત.

ગુજરાત સરકારની નબળી બાજુ વિશે રાહુલે વડીલ અહમદભાઇ પટેલની સલાહ આગળથી લીધી હોત તો આ રાહુલનો પ્રથમ વિસ્તૃત ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂમાં રાહુલની ‘નાદાન માસૂમિયત’ સહાનુભૂતિ જગાડે તેવી હતી. સાવ જ અજાણપણે એમણે ઘણી વાર નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારકની ભૂમિકા નિભાવી છે. ઇન્ટરવ્યૂથી કોંગ્રેસને રોકડો ગેરલાભ થયો એ નક્કી. સત્યને મોડા પડવાની ટેવ ખરી, પરંતુ વિલીન થવાની ટેવ નથી હોતી. (૩૦ જાન્યુઆરી, ૨૦૧૪, ગાંધીનિર્વાણ દિન).’
પાઘડીનો વળ છેડે
જ્યારે ભરતી
ઓસરી જાય,
ત્યારે જ
ખબર પડે છે
કે તરતી વખતે
નગ્ન કોણ હતું
– વોરન બફેટ

Advertisements

One thought on “નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારક રાહુલ ગાંધી. DIVYA BHASKER. 16-2-2014

  1. આ લેખમાં રાહુલના રુપના વખાણ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના રુપના વખાણ કરવા એ કંઈ જરુરી નથી તેમજ બંધબેસતું પણ નથી.
    રાહુલના અમુક પસંદગીના મુદા જે વખાણ્યા છે, તેવા અને બીજા અનેક મુદ્દા સામાન્ય માણસ પણ દર્શાવી શકે. મૂળવાત મટીરીયલની છે. મટીરીયલનો સદંતર અભાવ છે.
    જ્યારે આવું કરવામાં આવે ત્યારે એવું યાદ આવે છે કે
    શોધી બેસાડો ગાદીએ રુપવંતા નરને જોઇ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s