લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.DIVYA BHASKER, 11-3-2014

પંડિત નેહરુએ આત્મકથામાં લખેલા શબ્દો સાંભળો: ‘મારા પિતાએ જંબુસરમાં ગાંધીજી સાથે મસલત કરીને અલ્લાહાબાદનું અમારું ઘર રાષ્ટ્રને અર્પણ કરવાનો અને તેનું નામ સ્વરાજભવન રાખવાનો નિર્ણય લીધો હતો.’ આ વાતની ખબર હવે જંબુસરમાં રહેનારા કેટલા લોકોને હશે? હા, પણ મારે તો સાવ જુદી વાત કરવી છે. તા. ૨૩મી જાન્યુઆરી, ૨૦૦પને દિવસે જંબુસરના જનતા કેળવણી મંડળે મારું પ્રવચન યોજ્યું તેમાં અધ્યક્ષ તરીકે જંબુસરના સુપુત્ર જસ્ટિસ ગિરીશ નાણાવટી હતા. ગુજરાતમાં ૨૦૦૨નાં તોફાનો પછી એમના અધ્યક્ષપદે તપાસ કમિશન રચાયું હતું. આદરણીય ન્યાયમૂર્તિ‌એ પ્રવચન માટે મને વધારે સમય મળે તે માટે પોતાનું પ્રવચન ટૂંકું કર્યું હતું.

સભા પછી અમે સાથે ભોજન કરવા બેઠા ત્યારે માત્ર એટલી વાત થઇ કે કમિશનના રિપોર્ટને બહુ વાર નહીં લાગે. ત્યાર પછી વર્ષો વહી ગયાં, પણ કમિશન તરફથી હજી ઉત્તરાર્ધ પ્રગટ થયો નથી. ન્યાયમાં થતો વિલંબ તો અન્યાયનું જ બીજું નામ છે. હજી કેટલું થોભવું પડશે? જસ્ટિસ નાણાવટીને હવે તો એમ કહેવાનું મન થાય છે: ‘સર હવે રિપોર્ટ ન આપો તોય ચાલશે.’ આપણા ઘરે આવેલા મહેમાન બારણે ટકોરા મારે છે. કોયલ એમ નથી કરતી, પરંતુ આપણા આંગણામાં ટહુકા વહેતા મેલે છે. બધો તફાવત નજાકતને કારણે પડી જાય છે. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ એક ટહુકો વહેતો મેલ્યો: ‘અનામત જ્ઞાતિને આધારે નહીં, પરંતુ આર્થિ‌ક માપદંડને આધારે નક્કી થવી જોઇએ.’

કોંગ્રેસના આ બ્રાહ્મણને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. લોકતંત્ર મર્યાદા પર નભતું હોય છે. લોકસભામાં બૂમ-બરાડા-કલ્ચર સાથે મરચાંનો પાઉડર છંટાય ત્યારે જવું ક્યાં? રામરાજ્ય પણ મર્યાદા પર નભેલું હતું. જનાર્દનભાઇને એક ખબર કોણ પહોંચાડશે? તા. ૨૩મી ફેબ્રુઆરી (૨૦૧૪)ને દિવસે કલોલમાં પાટીદારોની એક વિશાળ રેલી નીકળી અને એમાં પાટીદારો માટે ઓબીસી સ્ટેટસની માગણી જોરશોરથી કરવામાં આવી. આપણી શરમ પામવાની ક્ષમતા ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. લાભ મળતા હોય તો અમે ‘પછાત’ ગણાવા પણ તૈયાર લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. આપણા દેશમાં ઉજવણી અને પજવણી સાથોસાથ ચાલતી હોય એવો વહેમ પડે છે.

લોકસેવક અન્ના હજારેને મમતા બેનરજી દેશના વડાપ્રધાનપદ માટે યોગ્ય જણાયાં છે. મમતાજીની સાદગી પ‌શ્ચિ‌મ બંગાળને ખૂબ જ મોંઘી પડી છે. મોટા રોકાણકારોને એમના રાજ્યમાં રોકાણ કરવામાં જોખમ જણાય છે. મમતા અભ્રષ્ટ છે, પરંતુ ઇમોશનલી અપરિપકવ છે. એમનું મન સ્થિર નથી. સામ્યવાદી શાસનમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ બસુએ તાતાને નેનો કારના પ્રોજેક્ટ માટે માંડ તૈયાર કર્યા ત્યારે મમતાએ ધમાલ કરીને બુદ્ધદેવના પ્રયાસો પર પાણી ફેરવી દીધું. મમતાના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાં છે અને ભ્રષ્ટાચાર ઘટે એવી કોઇ જ શક્યતા જણાતી નથી. અન્ના તો મમતાજીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવા ઇચ્છે છે. એમને અરવિંદ કેજરીવાલ સામે વાંધો છે, મમતા સામે નહીં. અહીં તર્ક લંગડાતો જણાય છે.

પ્રાદેશિક પક્ષો દ્વારા ઊભી થનારી કોઇ પણ ફ્રન્ટ દેશ માટે લાભકારક નથી. કોંગ્રેસ અને રાહુલની બધી મર્યાદાઓ અંગે ઘણુંબધું લખાયું છે અને એ વાતમાં દમ છે. કોંગ્રેસનો પરિવારવાદ લોકતંત્ર માટે સ્વીકાર્ય ન હોય તોય એક વાત સ્પષ્ટ છે. જયલલિથા, મમતા, કેજરીવાલ, માયાવતી, મુલાયમ કે અન્ય કોઇ પણ પ્રાદેશિક પક્ષના નેતા દિલ્હીની ગાદી પર બેસે તેના કરતાં તો રાહુલ ગાંધી સો દરજ્જે સારા દેશનું શાસન કોઇ ફેડરલ ફ્રન્ટ સંભાળે ત્યારે શું થાય તેનો અનુભવ પ્રજાએ કરી લીધો છે. સમજુ નાગરિકો માટે અને લોકતંત્રના અભ્યુદય માટે અત્યારે કેવળ બે જ પક્ષો હિ‌તકારક છે: કોંગ્રેસ અને ભાજપ. છેલ્લા કેટલાક મહિ‌નાઓથી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાએ જે કાઠું કાઢી રહ્યા છે તેનો હરખ હોય તોય એક વાત નક્કી જાણવી.

નરેન્દ્ર મોદીની સફળતા જેટલી કોંગ્રેસને નડે છે, તેના કરતાંય વધારે કહેવાતા ત્રીજા મોરચાને કેમ નથી નડતી? ત્રીજો મોરચો એટલે તકવાદ, સોદાબાજી અને કુશાસનનો મોરચો. જયલલિથાએ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાની વાત કરી તેમાં વોટબેંકની આળપંપાળ હતી, પરંતુ રાષ્ટ્રીય હિ‌ત ગૌણ હતું. એ જ રીતે દલિત વોટબેંક સાચવવા માટે માયાવતી ગમે તે હદે જઇ શકે. મુસ્લિમ વોટબેંક જાળવવા માટે મુલાયમ ગમે તે હદે જઇ શકે. મમતા બેનરજી રેલવેપ્રધાન હતાં ત્યારે પણ પ‌શ્ચિ‌મ બંગાળને વિશેષ લાભ થાય તેવા પગલાં માટે જ તત્પર હતાં. આવા સંજોગોમાં આપણા દેશ પાસે જે બે રાષ્ટ્રીય પક્ષો છે, તે આપણી ખરેખરી લોકતાંત્રિક મૂડી છે.

દેશના સામ્યવાદીઓ પોતાના વાસી આદર્શોમાં કોઇ પરિમાર્જન કરવા તૈયાર નથી. એમની વિચારજડતા આર.એસ.એસ.ની વિચારજડતા જેવી જ છે. મગજનાં બારીબારણાં બંધ હોય ત્યાં લોકતંત્રને ગૂંગળામણ થાય છે. આર. એસ. એસ. પોતાની રીતે સતત ભાજપના ખુલ્લાપણા પર બ્રેક મારવાનું કામ કરે છે. ખુલ્લાપણાનું બીજું નામ હિંદુત્વ છે. બંધિયાર હિંદુત્વ એ તો વદતોવ્યાઘાત (oxymoron) છે. કટ્ટર હિ‌ન્દુત્વ એ વેદવિરોધી અને ઉપનિષદવિરોધી દુર્ઘટના ગણાય. અરવિંદ કેજરીવાલ અંગે હું જબરી દ્વિધામાં છું. ક્યારેક તો કેજરીવાલ રાજકારણી જણાય છે અને ક્યારેક (ખાદી ન પહેરનારા) સર્વોદય કાર્યકર જેવા પણ જણાય છે. ક્યારેક તેઓ દિલ્હી દરબારમાં અટવાતા વિચિત્ર પાત્ર જેવા જણાય છે. મારી દ્વિધા છેક કારણ વિનાની નથી. થોડાક દિવસ પર દેશના બિઝનેસમેનો સમક્ષ (CII સંસ્થામાં) પ્રવચન કરતી વખતે કેજરીવાલે કહ્યું:
અમે મૂડીવાદની વિરુદ્ધ નથી, પરંતુ
અમે ભ્રષ્ટ મૂડીવાદની વિરુદ્ધ છીએ.
સરકારનું કામ બિઝનેસમાં
પડવાનું હરગિજ નથી.
એ કામ તો પ્રાઇવેટ કંપનીઓ
પર છોડી દેવું જોઇએ.
લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજનો
અંત આવવો જોઇએ.

અરવિંદ કેજરીવાલના આ શબ્દો સાથે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડનાર મેધા પાટકર સહમત થશે? શું આમ આદમી પાર્ટી મોટી નહેર યોજના કે મોટાં કારખાનાં શરૂ થાય તે માટે તૈયાર થશે? આજનાં મહાનગરોમાં મોટા ફ્લાય-ઓવર્સ કે પછી દેશમાં લંબાયે જતા લાંબા-પહોળા હાઇ-વેના બાંધકામ માટે જરૂરી એવાં સીમેન્ટનાં મોટાંમસ કારખાનાંનું શું? બીજી અગત્યની વાત. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલ મૌલાના તૌકીર ખાનને ઘરે શું કેવળ ચા પીવા માટે જ ગયા હતા કે? એ મુલ્લાએ તસ્લિમા નાસરિન જેવી લેખિકા સામે ફતવો બહાર પાડયો હતો. કેજરીવાલની નજર (શાઝિયા ઇલ્મીના બનેવી) આરિફ મોહંમદ ખાન જેવા સો ટચના સેક્યુલર નેતા પર કેમ ન પડી? અરે લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજની સામે કેજરીવાલે જે શબ્દો પોતાના પ્રવચનમાં ઉચ્ચાર્યા હતા, તેવા જ શબ્દો તો સ્વરાજ પછીના પ્રથમ દાયકામાં સદ્ગત રાજાજી, મસાણી અને મુનશીએ ઉચ્ચાર્યા હતા.

કેજરીવાલની પાર્ટી સમાજવાદી છે કે મૂડીવાદી? થોડાક સમય પર નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કહ્યું હતું: ‘It is not the business of the government to be in business.’ તફાવત ક્યાં રહ્યો? સમાજવાદ અને મૂડીવાદ સરકારમાં કે સમાજમાં એકસાથે રહી શકે? ફતવો સેક્યુલર હોઇ શકે? આમ આદમી પાર્ટી મોટો ખર્ચ કર્યા વિના ચૂંટણી લડી શકશે? દુનિયામાં ક્યાંય ગરીબી નાબૂદ કરવામાં સમાજવાદ કે સામ્યવાદને સફળતા મળી છે? આ બધા પ્રશ્નો મોં ફાડીને સામે ઊભા છે. ગરીબને નામે જોરથી બરાડા પાડવાથી જો ગરીબી ઘટતી હોત, તો ભારત ક્યારનુંય સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું હોત.’

(લખ્યું: મહાશિવરાત્રિ, પૂજ્ય રવિશંકર મહારાજ અને આદરણીય મોરારિબાપુની જન્મતિથિ)
પાઘડીનો વળ છેડે
જ્ર્યોજ ઓરવેલના
શ્વાનનું નામ માક્ર્સ હતું.
શોપનહોઅરના
શ્વાનનું નામ આત્મા હતું.

ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s