ચૂંટણી ઓલિમ્પિક છે, યુદ્ધ નહીં

લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે

બીજા વિશ્વયુદ્ધના વર્ષોમાં એક મજાક ફરતી થયેલી. હિ‌ટલર કેટલા પાણીમાં છે અને એ કેવું કેવું વિચારે છે તે જાણવાની ઇચ્છાથી ચર્ચિ‌લે ગ્રેટ બ્રિટનના એક રાજકારણીને હિ‌ટલરને મળવા માટે રવાના કર્યો. એ અંગ્રેજ મુત્સદ્દી તો બર્લિ‌ન પહોંચ્યો અને હિ‌ટલરે એને પોતાના બંકરમાં ચોથે માળે મળવા બોલાવ્યો. વાતો શરૂ થઇ. થોડીક મિનિટો વીતી ત્યાં હિ‌ટલરે ત્રણ તાળી પાડી અને એક સૈનિક ઝડપભેર ઓરડામાં આવ્યો. હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો. સૈનિક તો બારી તરફ દોડયો અને ચોથે માળેથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દી તો અંદરથી હાલી ઊઠયો.

વાતચીત આગળ ચાલી. માંડ દસ-બાર મિનિટ વીતી ત્યાં હિ‌ટલરે ફરી ત્રણ તાળી પાડી ત્યાં બીજો સૈનિક ઓરડામાં આવ્યો.હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો અને એ સૈનિક પણ બારીમાંથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દીને તો પરસેવો છૂટી ગયો કેવા ભયંકર અને ક્રૂર માણસની સાથે ચર્ચિ‌લે કામ પાડવાનું છે વાત ફરીથી શરૂ થઇ અને હિ‌ટલરે ફરીથી ત્રણ તાળી પાડી. ત્રીજો સૈનિક ઓરડામાં દાખલ થયો અને હિ‌ટલરે એને બારીમાંથી કૂદી પડવાનો ઇશારો કર્યો. સૈનિકે બારી તરફ દોટ મૂકી ત્યાં બ્રિટિશ મુત્સદ્દીએ એને પકડી પાડયો અને પૂછ્યું: ‘તને તારું જીવન વહાલું નથી?’ સૈનિકે જવાબ આપ્યો: ‘આવા જીવનને પણ તમે જીવન કહો છો?’ લોકતંત્ર ન હોય એવા સમાજમાં જીવન ચીમળાઇ જતું હોય છે.

લોકતંત્ર એટલે શું તે સમજવું હોય તો એવા એવા દેશોમાં જવું જોઇએ, જ્યાં બંધારણીય લોકતંત્ર નથી. ઉત્તર કોરિયા કે અફઘાનિસ્તાનમાં જાવ અને રહો, તો સમજાય કે લોકતંત્ર એટલે શું. પાકિસ્તાનમાં ભારતનો કોઇ મુસલમાન જાય તોય એને સમજાઇ જાય કે ભારતનું સેક્યુલર લોકતંત્ર એટલે શું. સાઉદી અરેબિયામાં કોઇ ભારતની મુસ્લિમ સ્ત્રી રહેવા જાય, તો એને જરૂર સમજાઇ જાય કે સાઉદી અરેબિયામાં ‘સ્ત્રી’ હોવું એટલે શું. મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમર્જન્સી લાદી ત્યારે લોકોને સમજાઇ ગયેલું કે મુક્ત પ્રેસ અને મુક્ત અભિવ્યક્તિ એટલે શું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. પુષ્પને ખીલવાની છૂટ ન હોય તો પુષ્પનું પુષ્પત્વ જ ખતમ થઇ જાય.

પુષ્પની માફક મનુષ્ય પણ ખીલવા અને ખૂલવા માટે સર્જા‍યો છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન શક્ય બને છે. લોકતંત્ર એક પવિત્ર ઘટના છે અને તેથી એ એક આધ્યાત્મિક ઘટના છે. લોકતંત્રનું સૌંદર્ય તો જુઓ બીજા વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટનને વિજય અપાવનાર સમર્થ વડોપ્રધાન ચર્ચિ‌લ યુદ્ધ પછી થયેલી ચૂંટણીમાં પરાજય પામી શકે છે. ૧૯પ૨માં આપણા દેશમાં પ્રથમ વખત પ્રૌઢ મતાધિકારવાળી સામાન્ય ચૂંટણી યોજાઇ તેમાં વલસાડ પંથકમાં મોરારજી દેસાઇ ૧૯ મતે હારી ગયેલા. હારી ગયા પછીના કલાકોમાં જ મોરારજીભાઇએ પોતાની હાર સ્વીકારી લેતું નિવેદન કર્યું હતું. ચૂંટણીના ચમત્કારને કારણે અટલબિહારી વાજપેયી જેવા રાજ્યપુરુષ પણ ચૂંટણીમાં હાર્યા હતા. અરે દેશ પર કટોકટી લાદીને લોકતંત્રનું ખૂન કરનારાં ઇન્દિરાજી પણ રાયબરેલીમાંથી ચૂંટણી હારી ગયાં હતાં.

થોડાંક જ અઠવાડિયાં પછી ૨૦૧૪ની ૧૬મી મેને દિવસે ચૂંટણીનાં પરિણામો જાહેર થશે ત્યારે મુક્ત ચૂંટણીનો ચમત્કાર જોવા મળશે. મોટાં માથાં ક્યાંક નાનાં માથાં સામે હારી ગયાં હશે. કદાચ આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વિક્રમજનક હશે. મત આપવા માટે ન જવું એ રાષ્ટ્રીય અપરાધ છે. ગ્રીસ દેશમાં ‘ઇડિયટ’ તેને કહેવામાં આવે છે, જે મતદાન કરવા જતો નથી. વોટિંગ બૂથ તો લોકતંત્રનું પવિત્ર સ્થાનક છે. ચૂંટણી ઓલિમ્પિક છે, રમતોત્સવ છે અને ખેલ મહાકુંભ છે, યુદ્ધ નહીં. માનવજાતને સદીઓની ગડમથલ પછી લોકતંત્ર જેવી જણસ પ્રાપ્ત થઇ છે. સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર અધૂરું છે. પાકિસ્તાનમાં લોકતંત્ર છે, પરંતુ સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર માનવતાને ખીલવા દે એ શક્ય નથી. ડો. આંબેડકરે બંધારણ પ્રત્યેના આદરને પ્રગટ કરતા બે ખાસ શબ્દો વારંવાર પ્રયોજ્યા હતા: ‘બંધારણીય નૈતિકતા’ (કોન્સ્ટિ‌ટયુશનલ મોરાલિટી).

સ્વીડનમાં પ્રત્યેક ઘરમાં દેશના બંધારણની નકલ રાખવાનો રિવાજ છે. ઘરમાં જે ધર્મ પાળવો હોય તે પાળો, પરંતુ ઘરનો ઉમરો વટાવો ત્યાં નાગરિક ધર્મ શરૂ આ થઇ ‘constitutional morality.’ ઇસુ ખ્રિસ્ત થયા તે પહેલાં (ઇ.સ. પૂર્વે પ૩૦થી ૪૬૮) એથેન્સમાં એરિસ્ટિડિઝ નામે શાસક થઇ ગયો. એ ખૂબ જ લોકપ્રિય અને આદરણીય શાસક હતો. લોકો એને વહાલપૂર્વક ‘એરિસ્ટિડિઝ-ધ જસ્ટ’ (ન્યાયપ્રિય એરિસ્ટિડિઝ) તરીકે સંબોધતા. તે વખતે એથેન્સમાં માટીમાંથી બનેલાં મતપત્રકો પર નામ લખીને મત આપવાની પ્રથા હતી. જેનું નામ લખાય તેનો મત ઓછો થાય તેવી પ્રથા હતી. એથેન્સમાં એક્રોપોલિસની ટેકરી પાસે અગોરામાં એક મ્યુઝિયમ આવેલું છે. (અગોરા એટલે બજાર). એ મ્યુઝિયમમાં એરિસ્ટિડિઝના સમયનાં લાલ માટીનાં બિસ્કિટ જેવાં મતપત્રકો જોવા મળે છે. એમ કહેવાય છે કે એક રાતે ગુપ્ત વેશે એરિસ્ટિડિઝ રસ્તા પર ફરવા નીકળ્યો.

એક અભણ માણસે એને મતપત્રક પર નામ લખી આપવાની વિનંતી કરી ત્યારે એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘બોલો કોનું નામ લખું?’ જવાબમાં પેલા માણસે કહ્યું: ‘લખો, એરિસ્ટિડિઝ’. આશ્ચર્ય પામીને એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘ભાઇ એરિસ્ટિડિઝે તારું શું બગાડયું છે?’ જવાબમાં એ અજાણ્યા માણસે કહ્યું: ‘જ્યાં જાવ ત્યાં એથેન્સના લોકો વાતેવાતે એરિસ્ટિડિઝની જ પ્રશંસા કરે છે તેથી હું કંટાળી ગયો છું.’ એથેન્સના શાસક એરિસ્ટિડિઝે માટીના મતપત્રક પર પોતાનું જ નામ લખી આપ્યું અને ચાલવા માંડયું તે વખતે એવો રિવાજ હતો કે જે શાસક રાજકારણમાંથી નિવૃત્ત થાય તે પોતાની ખેતી કરવામાં ફરીથી લાગી જાય. (આપણા શાસકો નિવૃત્ત થવા જ તૈયાર નથી હોતા). ચૂંટણીમાં એરિસ્ટિડિઝ શાસક મટીને ખેડૂત બની ગયેલો.

૧૯પ૪ના વર્ષમાં બોધગયામાં અખિલ ભારતીય સર્વોદય સંમેલનમાં જવાનું બનેલું. મારી સાથે રાંદેરનો બાળપણમિત્ર રમણ પણ હતો. પંડિત નેહરુ અને વિનોબાજી સ્ટેજ પર સાથે બેઠા હતા. વિનોબાજીએ શિક્ષકની અદાથી લોકતંત્રનું અધ્યાત્મ સમજાવેલું તે શબ્દશ: આ પ્રમાણે હતું:
ઘનશ્યામદાસ બિરલા કો ભી એક વોટ
ઔર ઉન કે ચપરાસી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
દારા સિંગ કો ભી એક વોટ
ઔર નર્બિલ આદમી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
પંડિત નેહરુ કો ભી એક વોટ
ઔર મજદૂર કો ભી એક વોટ?
ઐસા ક્યું?
ઇસ લિએ કે લોકતંત્ર કી આધારશિલા
ધન, બલ ઔર સ્ટેટસ નહીં હૈ.
હરેક આદમી મેં આત્મા હોતી હૈ,
ઇસ લિએ લોકતંત્ર કી આધારશિલા
આત્મા હી હૈ.
લોકતંત્ર પણ સત્યથી જ શોભે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) સત્યશોધન માટે ઉપકારક છે. લોકતંત્ર આખરે સત્યતંત્ર હોય એમાં જ લોકોનું કલ્યાણ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ લોકતંત્રનું કલંક છે કારણ કે મનુષ્યનો આત્મા જ્ઞાતિ કે કોમથી પર છે.’

પાઘડીનો વળ છેડે
બધી જ માતાઓ
એવું ઇચ્છે છે કે
પોતાનો દીકરો મોટો થઇને
રાષ્ટ્રપ્રમુખ બને, પરંતુ
એ માટેની પ્રક્રિયામાં દીકરો રાજકારણી બને
તેવું કોઇ માતા નથી ઇચ્છતી.
– જ્હોન કેનેડી

મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન
શક્ય બને છે.

ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s