નેતાઓની નજરે નહીં ચડતો ભારતનો ‘અદૃશ્ય’ મતદાર. DIVYA BHASKER, 27-4-2014

૧૯૩૩માં એક યાદગાર ઘટના પૃથ્વી પર બની હતી. એ વર્ષમાં જેમ્સ વેલ દ્વારા દિગ્દર્શિ‌ત ફિલ્મ ‘The Invisible Man’  લોકોને જોવા મળી હતી. એ ફિલ્મ બ્રિટનના સમાજવાદી વિચારક એચ. જી. વેલ્સની શકવર્તી નવલકથા ‘The Invisible Man’ (૧૮૯૭માં) પ્રગટ થઇ તેને આધારે તૈયાર થઇ હતી. સુરતની જૈન હાઇસ્કૂલમાં ભણવાનું બન્યું ત્યારે અમે એ નવલકથા પાઠયપુસ્તક તરીકે ભણ્યા હતા. વર્ષો વીતી ગયાં પછી શેખર કપૂરના દિગ્દર્શન હેઠળ અનિલ કપૂર અને શ્રીદેવીનો અભિનય પામેલી અદૃશ્ય માનવીની કલ્પનાને ચગાવનારી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ ભારતીય પ્રેક્ષકોમાં ખાસી લોકપ્રિય થયેલી. (યાદ છે? એ ફિલ્મમાં અમરીશ પુરી દ્વારા ખાસ અંદાજમાં બોલાતું વિધાન હતું: ‘મોગેમ્બો ખુશ હુઆ’). આવું બધું ઓચિંતું યાદ આવી ગયું તેનું રહસ્ય શું? લોકતંત્રના સુપુત્રને ‘નાગરિક’ કહેવામાં આવે છે. ચૂંટણીમાતાના સુપુત્રને ‘મતદાર’ કહેવામાં આવે છે. છેક ૧૯પ૨માં થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં માઇક પરથી કોંગ્રેસના પ્રચારમાં ખુલ્લે કંઠે ‘બે બળદની જોડી મારી બે બળદની જોડી’ ગીત ગાવાનો મોકો મળેલો. જેવા વક્તા મંચ પર પધારે કે મોટે અવાજે ગાવાનું: ‘એને કોઇ શકે ના તોડી, મારી બે બળદની જોડી.’ માનશો? ૧૯પ૨ના વર્ષમાં સૌરાષ્ટ્રનાં ગામોમાં પૂજ્ય રવિશંકર મહારાજ પણ જાહેરસભામાં કોંગ્રેસનો પ્રચાર કરવા જતા. ક્યારેક એમની સાથે સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઢેબરભાઇ પણ રહેતા. એ સમયે આખા પંથકમાં ભૂપત બહારવટિયા તરફથી દરેક કોંગ્રેસી નેતા પર જાનનું જોખમ રહેતું. વર્ષો વીતી ગયાં. ચૂંટણીઓ થતી રહી અને સરકારો બદલાતી રહી. ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ મારી સંવેદનાને સંકોરતી ગઇ અને જે ગામમાં એક ગીતનું શૂટિંગ થયેલું તે ભાદોલ મારા ગામ રાંદેરથી ઝાઝું છેટું ન હતું. એ ફિલ્મની પંક્તિઓ હૃદયમાં વસી ગઇ અને ઉંમર વીતે તે સાથે મને એ પંક્તિઓ ગીતાના શ્લોક જેવી પવિત્ર લાગવા માંડી. સાંભળો: જુંધરિયા કટતી જાયે રે ઉમરિયા ઘટતી જાયે રે. કામ કઠન હૈ જીવન થોડા, કામ કઠન હૈ રે કામ કઠન હૈ જીવન થોડા, પગલા મન ગભરાયે… મારા મનનો સ્થાયીભાવ બની ગયેલી પંક્તિઓના કવિનું નામ શકીલ બદાયુની છે. એમની પંક્તિઓના સંદર્ભે ૨૦૧૪ની ચૂંટણી નીરખી રહ્યો છું. ઘણી ચૂંટણીઓ નજીકથી નીરખ્યા પછી આજે જે ચૂંટણી ચાલી રહી છે તે મને જુદી જુદી લાગે છે. ખબર નથી, પરંતુ કોઇ અકળ કારણસર ૨૦૧૪ની આ ચૂંટણી યજ્ઞની ગરિમા ધરાવનારી વરતાય છે. કોણ જીતે અને કયા પક્ષની સરકાર બને તે ગૌણ છે. મતદારો આટલા જાગ્રત ક્યારેય નથી જોયા. મતદાનની ટકાવારી આટલી ઊંચી ક્યારેય નથી જોઇ. આપણા લાડકા લોકતંત્રને ધબકતું રાખે એવી ઘટનાઓ બની રહી છે. ભારતનો મતદાર અદૃશ્ય છે અને બધું સમજે છે. એ મતદાર વંદનીય છે કારણ કે એના શાણપણને કારણે આપણું લોકતંત્ર સલામત છે. આ ઘટનાઓ એવી છે, જે દિલ્હીમાં હવે રચાનારી કોઇપણ સરકારને નિરાંતે ભ્રષ્ટાચાર કરવા નહીં દે. ઢીલી, ભ્રષ્ટ અને સંવેદનહીન સરકારને પ્રજા સહન ન કરે. જાગ્રત પ્રજા હવે કોઇને નહીં છોડે, મોદીને પણ નહીં. બે પુસ્તકો એવાં પ્રગટ થયાં છે, જેમણે ભારતના સમજુ મતદારને હચમચાવી મૂક્યો છે. સંજય બારુનું પુસ્તક ‘The Accidental Prime Minister’ ટાણે બહાર આવ્યું છે. વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા એડવાઇઝર સંજય બારુએ એ પુસ્તકમાં જે લખ્યું તેનો સાર ટૂંકમાં એટલો જ કે વડાપ્રધાન મનમોહન સિંહે પૂરાં દસ વર્ષ સુધી સોનિયા ગાંધીના કહ્યામાં રહીને વડાપ્રધાનપદની ગરિમા ધોઇ નાખી. કોઇ પણ જાતની અતિશયોક્તિના ભય વિના એમ કહી શકાય કે ડ્રાઇવરની સીટ પર બેઠેલા મનમોહન સિંહ કેવળ દેખાવના ડ્રાઇવર હતા, પરંતુ સ્ટિયરિંગ વ્હીલ સોનિયાના હાથમાં હતું, બ્રેક પર સોનિયાનો પગ હતો અને ગિઅર પણ સોનિયા પાસે વડાપ્રધાન લગભગ નિર્માલ્ય, નિષ્ક્રિ‌ય, લાચાર અને સ્વમાનવિહોણા બનીને દેશનું શાસન સંભાળી રહ્યા હતા. જો કશુંક સારું બને તો તેનો જશ સોનિયાને અને જો કશુંક ખોટું બને, તો તેનો અપજશ મનમોહનને મળે એવી પાકી ગોઠવણ થઇ ચૂકી હતી. રોજ અગત્યની ફાઇલો પુલોક ચેટરજી દ્વારા સોનિયાને ઘરે પહોંચતી હતી અને પછી મનમોહન એ અંગે નિર્ણય લેવાનું નાટક કરતા રહ્યા. એક વિદેશી મહિ‌લાએ અંદરખાનેથી સતત દસ વર્ષ સુધી દેશનું શાસન ચલાવ્યું. કેબિનેટના સિનિયર પ્રધાનો પણ વડાપ્રધાનના કહ્યામાં ન હતા. સોનિયાએ વડાપ્રધાનપદનો ‘ત્યાગ’ કર્યો એવું નાટક દેશહિ‌તને ભોગે ચાલતું રહ્યું કોંગ્રેસ જેવી ઐતિહાસિક સંસ્થા પરિવારવાદની ગુલામીને ગળચટી ગણવાની કુટેવ કેળવી બેઠી હતી. ૧૬મી મે પછી જો સત્તાપલટો થાય, તો નેહરુ-ગાંધી પરિવારનાં અનેક કારસ્તાનો બહાર આવશે. ભારતનો ‘અદૃશ્ય’ મતદાર નેતાઓની નજરે ભલે ન ચડે, પરંતુ એ ખૂબ સમજુ છે. બીજું પુસ્તક ભૂતપૂર્વ કોયલા-સચિવ પી. સી. પારેખે પ્રગટ કર્યું: ‘Crusader or Conspirator?’  કોયલા-ગોટાળા વખતે ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કોયલા ખાતાના પ્રધાન હતા. સચિવ પી. સી. પારેખ સ્વચ્છ, ઠરેલ અને કર્તવ્યપરાયણ સચિવ હતા. એમના પુસ્તકનો સાર એટલો જ કે શિબુ સોરેન જેવા ખાઇબદેલા કોયલાપ્રધાન મનમોહનના નહીં, પરંતુ સોનિયાના જ કહ્યામાં હતા. જે સ્વસ્થતાથી પી. સી. પારેખ ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાની વાત રજૂ કરી રહ્યા હતા તે જોઇને એમની ભીતર પડેલા સચ્ચાઇના રણકા વિષે કોઇ જ સંશય રહેતો નથી. તમે જોયું? રોબર્ટ વાડ્રાનાં કારસ્તાનો ખુલ્લાં પાડનાર ખેમકાની રજૂઆતમાં પણ એવો જ રણકો પ્રગટ થતો દીસે છે. ભવિષ્યમાં દેશને ખેમકા તરફથી પણ સચ્ચાઇને પ્રગટ કરતું અને નેહરુ-ગાંધી પરિવારના ભ્રષ્ટાચારને બહાર આણનારું પુસ્તક કદાચ પ્રગટ થશે. પાપનો ઘડો ધીમી પણ ચોક્કસ ગતિએ ભરાતો રહ્યો છે. કદાચ હવે એ ઘડામાં વધારાનું એક ટીપું પણ સમાઇ શકે એમ નથી. આ દેશનું સદ્નસીબ છે કે ઉચ્ચ કક્ષાના કેટલાક સરકારી અધિકારીઓ (બ્યુરોક્રેટ્સ)ની ટટ્ટારતા હજી અકબંધ છે. તેઓ કોઇ પણ રાજકારણી સામે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. ધન્ય છે ભારતીય લોકતંત્રના આવા સીધી લીટીના પ્રહરીઓને. ભવિષ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા આવા પ્રચ્છન્ન દેશસેવકોનું સન્માન શા માટે નહીં થાય? એક જ પરિવાર રાષ્ટ્રીય ગૌરવને કેટલી હાનિ પહોંચાડી શકે? છેલ્લાં દસ વર્ષો દરમિયાન ભારતના સેક્યુલર બૌદ્ધિકોએ એ જ પરિવારને આંગણે પોતાની વિચારશક્તિ ગીરવી મૂકી દીધી એક કોંગ્રેસીએ મને કોઇ કર્મશીલની પ્રશંસા કરીને કહ્યું: ‘ગુણવંતભાઇ એ માણસ કર્મશીલ હોવા છતાંય સાચું બોલે છે’ (લખ્યા તા. ૧પ એપ્રિલ-૨૦૧૪)’ પાઘડીનો વળ છેડે આજના રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુકરજી જ્યારે વિદેશ પ્રધાન તરીકે વોશિંગ્ટન ડી.સી.ની મુલાકાતે ગયા ત્યારે દેશ પાછા ફર્યા તોય ત્રણ-ત્રણ દિવસ સુધી વડાપ્રધાનને પોતાની મુલાકાત વિષે માહિ‌તગાર કરવા માટે ન ગયા. તેઓ સોનિયા ગાંધીને મળવા ગયા. મેં વડાપ્રધાનને પૂછ્યું: ‘પ્રણવ મુકરજી સાથે જ્ર્યોજ બુશ તથા કોન્ડોલીસા રાઇસ વચ્ચે જે મુલાકાતો થઇ તેમાં શું શું બન્યું?’ વડાપ્રધાને શોકાતુર વદને કહ્યું: ‘મને ખબર નથી.’ – સંજય બારુ નોંધ: કેવળ ભારતના જ નહીં, પરંતુ દુનિયાના ઇતિહાસમાં કોઇ દેશને આટલા લાચાર વડાપ્રધાન મળ્યા હશે ખરા? ઇતિહાસ સોનિયા ગાંધીને માફ કરશે? રાહ જોઇએ. આપણા લાડકા લોકતંત્રને ધબકતું રાખે એવી ઘટનાઓ બની રહી છે. ભારતનો મતદાર અદૃશ્ય છે અને બધું સમજે છે. એ મતદાર વંદનીય છે કારણ કે એના શાણપણને કારણે આપણું લોકતંત્ર સલામત છે. આ ઘટનાઓ એવી છે, જે દિલ્હીમાં હવે રચાનારી કોઇપણ સરકારને નિરાંતે ભ્રષ્ટાચાર કરવા નહીં દે. ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s