બસ ડ્રાઇવરને પાઇલટનું સ્ટેટસ ક્યારે મળશે?. DIVYA BHASKER, 15-6-2014

માણસનું મન જ્યારે વારંવાર ભૂતકાળમાં સરી પડે ત્યારે માનવું કે એની ઉંમર થવા આવી છે. સુરતથી ડુમસ જતા રસ્તા પર એરપોર્ટ આવેલું છે. વર્ષો પહેલાં એ સૂના એરપોર્ટ પર દિવસમાં માંડ એક વિમાનનું લેન્ડિંગ થતું. બાકીના કલાકો દરમ્યાન સમડીનું લેન્ડિંગ અને ટિટોડી (lapwing)નું ટેક-ઓફ થતું રહેતું. તે સમયે સુરતી લાલા ગૌરવભેર કહેતા: ‘અમારે ત્યાં એરપોર્ટ પણ છે.’ આજે એ જ એરપોર્ટ પર અનેક વિમાનો ઉતરાણ કરતાં થયાં છે. એ એરપોર્ટનું નામ મોરારજી દેસાઇના નામ સાથે નહીં જોડાય ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓછા માક્ર્સ મળવાના.

વર્ષો પહેલાં રોજ એક નાનું અમથું વિમાન સુરત આવતું અને અડધો કલાક થોભીને ભાવનગર તરફ ઊડી જતું. માંડ વીસ મિનિટમાં સુરતથી ભાવનગર પહોંચી જવાનો અનુભવ રોમેન્ટિક રહેતો. એકાદ કલાક માટે જીવતું થયેલું એ સૂમસામ એરપોર્ટ થોડીક વારમાં જ પોતાનું ‘ખેતરત્વ’ પ્રાપ્ત કરતું. મોટામસ ખેતર પર રનવે રચાયો હોય એવું લાગતું. એ દિવસોમાં આતંકવાદનો ભય ન હતો, તેથી સુરક્ષાજાંચ નખોરિયાં ભરનારી ન હતી. રેલવેના કોઇ ફ્લેગ સ્ટેશન પર હોય એટલી આછી ભીડ સુરતના એ ગ્રામોદ્યોગી એરપોર્ટ પર જોવા મળતી. સફારી એરવેઝનું વામન વિમાન બોઇંગ ૭૪૭ના ભીમકાય વિમાનના બચ્ચા જેવું જણાતું.

આજે પણ દીવથી મુંબઇ જતું નાનકડું વિમાન માંડ ત્રીસ મિનિટમાં સાન્તાક્રુઝ એરપોર્ટ પર પહોંચાડી દે છે. સ્વચ્છ સફેદ યુનિફોર્મમાં શોભતા બે પાઇલટ કોકપિટમાં બેઠેલા જોઇ શકાય છે. એમના માથા પર જે ટોપી હોય છે, તેનો ઠસ્સો એવો કે ટોપીને ‘કેપ’ કહેવી પડે સ્વચ્છ સફેદ યુનિફોર્મ એક કામ અવશ્ય કરે છે. બાવીસેક પેસેન્જરોમાં પાઇલટની પર્સનાલિટી જુદી પડી આવે છે. એ અધિક સોહામણો દેખાય ત્યારે એની પ્રોફેશનલ ગરિમા પ્રગટ થતી જણાય છે. હું એવા દિવસની રાહ જોઉં છું કે જ્યારે એસ.ટી. કે લક્ઝરી બસના ડ્રાઇવરને પાઇલટ જેવું સ્ટેટસ પ્રાપ્ત થાય. એને માથે પણ કેપ હોય અને એનો યુનિફોર્મ સ્વચ્છ, સફેદ અને ઇસ્ત્રીટાઇટ હોય.

એને પણ પૂરતી તાલીમ મળી હોય, જેથી એ હાઇવે પર અધિક જવાબદારીથી બસ હાંકે અને પચાસેક પેસેન્જરોને સ્મિતપૂર્વક જાળવે. ૪૦-પ૦-૬૦ જેટલાં સ્ત્રી-પુરુષો અને બાળકોની સલામતીનો સઘળો ભાર જેના દેશી ચીકુ જેવડા મગજ પર રહેલો હોય, તેને કયા નામે બોલાવીશું? કેપ્ટનથી ઊતરતા (આરમર)ના અમલદારને ‘કમાન્ડર’ કહે છે. આપણી બસની કેબિનમાં બેઠેલા રુઆબદાર, જવાબદાર અને ઇમાનદાર કમાન્ડરની કલ્પના તો કરી જુઓ કદાચ તમને તમારું બસભાડું ઓછું લાગવા માંડશે. વડોદરાનો બસ ડેપો કોઇ એરપોર્ટ જેવો ઠસ્સો ધરાવનારો છે. બહારથી આવેલા લોકો એ બસ ડેપો જોવા માટે જાય છે. આવો બસ ડેપો દેશમાં બીજે ક્યાંય નથી.

આજે મારું મન પ૦-પપ વર્ષો પહેલાંના સમયમાં પહોંચી ગયું છે. અમારા પરિવાર પાસે રાંદેર બસ કંપનીના શેર હતા. રાંદેરથી સુરત જતી બસમાં અમારે ટિકિટ લેવી પડતી ન હતી. સુરતની જૈન હાઇસ્કૂલમાં ભણવા માટે રોજ બસમાં રાંદેરથી સુરત જવું પડતું. બસ કંપની અમારી હતી તેથી ડ્રાઇવર પાસેની ખાસ સીટમાં બેસવા મળતું. હજી મને ડ્રાઇવરોના ચહેરા યાદ છે. એક ખાનદાન પારસી ડ્રાઇવરનું નામ કેકી હતું. બીજા બધા ડ્રાઇવરો મુસલમાન હતા. બસની આગલી સીટ પર બેસીને હું ડ્રાઇવર કઇ રીતે ગિઅર બદલે અને ટ્રાફિકમાંથી રસ્તો કાઢે તે સતત જોયા કરતો. હું મનોમન ડ્રાઇવિંગ કરતો અને બસની ગતિવિધિને કુંવારા વિસ્મય સાથે નિહાળતો. તે વખતે મારે મન દુનિયાની સૌથી આકર્ષક ઘટના એટલે ડ્રાઇવિંગ
વર્ષો પછી ચેન્નાઇમાં પ્રોફેસર બન્યો ત્યારે જે બંગલો મળ્યો તેમાં ગરાજ પણ હતું.

ગરાજ તો હતું, પણ કાર ન હતી. ઘોડાની નાળ હતી, પણ ઘોડો ન હતો ગરાજ હતું તેથી કાર ખરીદી. નાળને કારણે ઘોડો ખરીદવાનું બન્યું ડ્રાઇવિંગ શીખતી વખતે નાનપણમાં ડ્રાઇવર પાસેની આગલી સીટ પર બેસીને વિસ્મયપૂર્વક નિહાળેલું ડ્રાઇવિંગ ખૂબ જ ખપ લાગ્યું. માનશો? મને હજી બસનો ડ્રાઇવર સાવ પોતીકો લાગે છે. એ ગરીબડો, બેદરકાર, લઘરવઘર કે ઢીલોઢીલો હોય તે મને ખૂંચે છે. આજે પણ મને સતત થયા કરે છે: આપણા બસ ડ્રાઇવરને પાઇલટનું સ્ટેટસ ક્યારે પ્રાપ્ત થશે? એક વાર લગભગ ૨૦-૨પ વર્ષો પહેલાં મારે વલસાડથી ધરમપુર તાલુકાના પિંડવળ ગામે જવાનું બનેલું. ત્યાં મારા મિત્રો આદિવાસીઓની સેવા કરતા હતા. બસમાં બેઠો અને એકાદ કલાક થયો હશે ત્યાં મેં શું જોયું? સામાન્ય એસ.ટી. બસ અત્યંત ચોખ્ખીચણક હતી.

કન્ડક્ટરને બોલાવીને પાસે બેસાડયો અને પૂછ્યું: ‘ભઇલા આ બસ આટલી ચોખ્ખી કેમ છે?’ કન્ડક્ટરે જે જવાબ આપ્યો તે આજે પણ યાદ છે. એ કન્ડક્ટરે કહ્યું: ‘સાહેબ અઠવાડિયામાં છ દિવસ હું આ જ બસમાં વલસાડ-પિંડવળના રૂટ પર ડયૂટી પર હોઉં છું. દર ત્રણ દિવસે ગાંઠના દસ રૂપિયા ખર્ચીને હું આ બસ ધોવડાવું છું.’ મે એ કન્ડક્ટર અંગે લેખ પણ લખ્યો હતો. મારા મિત્ર આચાર્ય રમેશ દેસાઇ વલસાડના બસ ડેપો પર જઇને એ કન્ડક્ટરને ખાસ મારો લેખ વંચાવવા ગયા હતા. દુનિયા બડી વિચિત્ર છે. આવા મજાના માણસો ફક્ત એક જ વાર મળે છે, પરંતુ પોતાની સુગંધ આપણને જીવનભર આપતા જાય છે.

એક ખાસ વાત કહેવાનો લોભ થાય છે. કદી પણ કલિયુગને અમથો વગોવશો નહીં. આવો શ્રેષ્ઠ યુગ પૃથ્વી પર ક્યારેય હતો નહીં. વળી ક્યારે પણ કોઇ માણસને ‘હલકી વરણનો’ ગણીને તોછડાઇ બતાવશો નહીં. કોઇ ગરીબ કામદાર કે મજૂર સાથે પૈસાની ખોટી રકઝક કરવામાં આપણું આભિજાત્ય ખતમ થાય છે. અમારે ઘરે નાનામોટા કામ માટે ઘણીવાર મુસ્લિમ કારીગરો આવે છે. એમની ઇમાનદારી નિહાળીને હું ખૂબ રાજી થાઉં છું. એમની સાથે આગળથી ઠરાવેલી રકમ કરતાં થોડાક વધારે પૈસા આપવા, એ ખાનદાન પરિવારનો સ્થાયીભાવ હોય તો છે. હમાલ સાથે રકઝક કરવી એ હલકટપણાની નિશાની છે.

ટપાલીને આદરપૂર્વક બેસાડીને શરબત આપવું, તેમાં જ આપણી ખરી કમાણી છે. જીવનભર યાદ રાખવા જેવું છે કે કોઇ ગરીબને નક્કી થયેલા દામ કરતાં થોડાક વધારે પૈસા આપીએ, તો ખુદા ખૂબ રાજી થાય છે અને આપનારને ઘરે બરકત ખાસ યાદ રાખવા જેવું છે કે ‘બરકત’ અરબી શબ્દ છે અને એ ઇસ્લામની ભેટ છે. બરકત એટલે આબાદી અને (ઉપરવાળાની) કૃપા. ‘બરકત’નો સંબંધ કોસ્મિક લીલા સાથે છે. મખ્ખીચૂસ કંજૂસ ખુદાનો ગુનેગાર છે. કેટલાક માણસો એવી રીતે વ્યવહાર કરતા હોય છે, જાણે તેઓ કાયમ અપ્રામાણિક મનુષ્યોથી જ ઘેરાયેલા ન હોય નિયમ પ્રમાણે પગાર ચૂકવનાર પેઢી કે કંપનીની પ્રતિષ્ઠા વધે છે અને પ્રતિષ્ઠાને કારણે નફો વધે છે. લેખકોને નિયમ કરતાં ઓછી રોયલ્ટી ન આપનાર પ્રામાણિક પ્રકાશક સરસ્વતીના જ નહીં, લક્ષ્મીના આર્શીવાદ પણ પામે છે.

ધન્ય છે, એમને બસપુરાણ બાજુએ રહી ગયું અને આપણે તો સરસ્વતી અને લક્ષ્મી સુધી પહોંચી ગયા હા, આપણી આદર્શ બસનો ‘કમાન્ડર’ ગ્રેજ્યુએટ હશે. એ પેસેન્જરો સાથે એર હોસ્ટેસની માફક પ્રોફેશનલ વિનય બતાવશે. એની પાસે મોબાઇલ ફોન હશે. એની કેબિન વાતાનુકૂલિત હશે. એ કેબિનમાં પ્રાથમિક સારવારની લઘુતમ સામગ્રી હશે. એના મોબાઇલ પર માર્ગમાં આવતાં ગામોનાં પોલીસ મથકો, દવાખાનાં અને પંચાયતની ઓફિસોનાં ટેલિફોન નંબરો સેવ કરેલા હશે. ખખડધજ બસ હવે જવી જોઇએ. બસની બેઠકોની ગાદીમાંથી ડનલોપ નીકળી ગયેલું હોય છે. બસમાં કચરો હોય છે. એ બસની ઉત્ક્રાંતિ ક્યારે? સાવ સાચો બનેલો પ્રસંગ છે. પરદેશની ઘણીખરી બસમાં પેસેન્જરો ડ્રાઇવરને પૈસા ચૂકવીને બસમાં પ્રવેશ કરે છે. એક ડ્રાઇવરે સીટ પર ગોઠવાઇ ગયેલી વૃદ્ધાને કહ્યું: ‘મેડમ તમે પૈસા નથી ચૂકવ્યા.’ થોડીક માથાકૂટને અંતે વૃદ્ધાએ પૈસા ચૂકવી દીધા.

થોડીક મિનિટો વીતી ત્યારે ડ્રાઇવરે હિ‌સાબ કર્યો અને એને સમજાયું કે વૃદ્ધાએ પૈસા ચૂકવ્યા હતા. એ ડ્રાઇવર તરત જ વૃદ્ધાની સીટ પાસે ગયો અને કહ્યું: ‘મેડમ મારી જબરી ભૂલ થઇ ગઇ. તમારા વધારાના પૈસા પાછા લો અને મને ક્ષમા કરો.’ આવું કહેતી વખતે એ બસ ડ્રાઇવર લગભગ રડવાની અણી પર હતો. ડ્રાઇવરનો ચહેરો જોયો, ત્યારે એ મને દેવદૂત જેવો જણાયેલો. એ ડ્રાઇવર જીવનમાં ફરીથી હવે ક્યારે પણ નહીં મળે. બસ આ જ સતત વહી જતા સમયનું સૌંદર્ય છે. કોઇ પણ દેશ કઇ કક્ષાએ પહોંચ્યો છે તે જાણવાના બે ખાસ ઉપાયો છે. એક રસ્તો તે દેશની કેદ કેવી છે, તે જાણવાનો. બીજો રસ્તો એ કે એ દેશની બસમાં લાંબા પ્રવાસો કરીને ડ્રાઇવરો કઇ રીતે પેસેન્જરો સાથે વ્યવહાર કરે છે, તે ઝીણી નજરે નીરખવાનો. દેશ કેટલા પાણીમાં છે તે તરત સમજાઇ જશે. ડ્રાઇવર-પુરાણની છેલ્લી વાત કરું? દેશમાંથી એક જ દિવસ માટે ડ્રાઇવરની સંપૂર્ણ બાદબાકી કરી જુઓ. એક જ દિવસમાં ડ્રાઇવરવિહીન દેશ ઠપ્પ થઇ જશે.’

પાઘડીનો વળ છેડ
સુખ એટલે શું?
બધું સુખ
નિર્દોષતામાં સમાયું છે.
– માર્ગ્યરિટે યોર્સેનર
(ફ્રેન્ચ લેખકના પુસ્તક ‘Alexis’ માંથી સાભાર)

આપણી આદર્શ બસનો ‘કમાન્ડર’ ગ્રેજ્યુએટ હશે. એ પેસેન્જરો સાથે એર હોસ્ટેસની માફક પ્રોફેશનલ વિનય બતાવશે. એની પાસે મોબાઇલ ફોન હશે. એની કેબિન વાતાનુકૂલિત હશે. એમાં પ્રાથમિક સારવારની લઘુતમ સામગ્રી હશે.

ગુણવંત શાહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s