સોક્રેટિસને પ્લેટો મળ્યો. લગભગ એ જ રીતે મહાત્મા ગાંધીને વિનોબા ભાવે મળ્યા. પ્લેટોને એરિસ્ટોટલ મળ્યો. ગાંધીયુગના એરિસ્ટોટલ હતા: દાદા ધર્માધિકારી. 1957માં શંકરાચાર્યના ગામ કાલડિમાં સર્વોદય સંમેલન પૂરું થયું ત્યાં જોરથી વરસાદ તૂટી પડ્યો. જયપ્રકાશજી ત્યાં જ હતા. એમની સાથે ઋિષ વિનોબા આનંદપૂર્વક નાચવા લાગ્યા. સાથે વેદમંત્ર બોલતા જાય:
વર્ષા રમણીય હૈ!
વસંત રમણીય હૈ!
શિશિર રમણીય હૈ!
શરદ રમણીય હૈ!
ત્રણ દિવસ પછી 11મી સપ્ટેમ્બરે વિનોબાજીની જન્મતિથિ છે. એ જ દિવસે મહાત્માએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. એ જ દિવસે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદઅલી ઝીણાની મૃત્યુતિથિ છે. એ જ દિવસે ન્યુયોર્કનાં ત્રણ તોતિંગ ટાવરો જમીનદોસ્ત થયાં, તે 9/11 દુર્ઘટનાની અળખામણી યાદ પણ છે. રાજકોટથી એક યુવતી મળવા આવી અને એવી ભેટ આપતી ગઇ કે મારું અઠવાડિયું સુધરી ગયું. દીપાલી રાજ્યગુરુએ મારા હાથમાં વિનોબાના નિબંધસંગ્રહ ‘મધુકર’ની ઝેરોક્ષ નકલ મૂકી દીધી. 1949માં પ્રગટ થયેલું આ પુસ્તક અપ્રાપ્ય છે.
મને નિબંધ લખવાની પ્રેરણા આ પુસ્તકે આપી હતી, એમ કહું તો ચાલે. એકી બેઠકે આખું ફરીથી પુસ્તક વાંચી ગયો ત્યારે આટલાં વર્ષો બાદ વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. થોડાંક વર્ષોથી મહાભારત જેવા મહાકાવ્યનું ભાષ્ય લખી રહ્યો છું. મારા ગ્રંથમાં સૌથી વધારે અવતરણો વિનોબાનાં હશે એમ કહી શકું. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે? પ્લેટો કહી ગયો: ‘Love is the pursuit of the whole (પ્રેમ એટલે અખિલાઇની આરાધના).’ વિનોબાજીને વિશ્વગ્રામથી નાની વાત ન ખપે અને માનવી સિવાય બીજાં સ્કેલમાપ ન ખપે. એમનું આખું જીવન ‘દિલોને જોડવામાં વીત્યું!’
‘મધુકર’ (યજ્ઞ પ્રકાશન)માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. વિનોબા લખે છે:
– નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. (પાન-1)
– આકાશના પોલાણમાં અસંખ્ય તારાઓ ભરેલા છે. દૂરબીનથી પણ બધાનું દર્શન કરી શકાતું નથી. જીવન પણ આકાશ જેવું પોલું ભાસે છે. એકલી બુદ્ધિને તેમાંના ઘણા ઓછા િસદ્ધાંતો ગમ્ય છે, પણ તપશ્ચર્યાનું દૂરબીન લગાડીએ ત્યારે કેટલાક સૂક્ષ્મ સિદ્ધાંતો ડોકિયાં કરવા લાગે છે… ‘ઋષિ’નો મૂળ અર્થ ‘મંત્ર જોનારો’ એવો છે. વિશ્વામિત્ર ઋષિએ ઘોર તપશ્ચર્યા કરી ગાયત્રીમંત્ર પ્રાપ્ત કર્યો એ વાત પ્રસિદ્ધ છે. (પાન-10)
– આપણા સાહિત્ય સંમેલનનીબે બેઠકો વડોદરામાં થઇ કારણ વડોદરામાં મહારાજા સાહેબની કૃપાથી (ભોજનનું) ‘સાહિત્ય’ સારું મળ્યું. એટલે ‘બ્રાહ્મણ’ શબ્દની જેમ ‘સાહિત્ય’ શબ્દને પણ આપણે વડોદરે જઇને વટલાવી નાખ્યો. એ પ્રસંગે ‘પંડિતો, વનિતા અને લતા આશ્રય વિના શોભતાં નથી’- એ અર્થના એક સંસ્કૃત વચનનું આવાહન કરવામાં આવેલું… ભેંસ આગળ ખાણ મૂક્યું હોય તો ભેંસ દૂધ દે છે, તેવી જ રીતે આપણે જો સાહિત્ય આપવાના હોઇએ તો તે સાિહત્યનો સમાજને શો ઉપયોગ થવાનો? દાસ્યભક્તિનો જ કેવળ પ્રચાર થવાનો. (પાન-35)
– કવિની દૃષ્ટિ શાશ્વત કાળ ઉપર હોવી જોઇએ. અનંત કાળ તરફ નજર ન હોય તો ભાવિનો ઉકેલ થઇ શકતો નથી. પ્રત્યક્ષથી આંધળી બનેલી બુદ્ધિને સનાતન સત્યો ગોચર થતાં નથી. (પાન-54)
– મહાવીર સ્વામીને ‘વર્ધમાન’ કહેતા. વર્ધમાન એટલે વધનારા. કાળની સાથે ઝઘડીને તેઓ ‘વીર’ બન્યા. વીરના ‘મહાવીર’ બન્યા. તેથી એ નામ તેમને શોભે છે. (પાન-57).
– ખેડૂતનું જીવન અત્યંત પવિત્ર જીવન છે, કારણ તેનો ઇશ્વર સાથે ડગલે ને પગલે સંબંધ આવે છે… ઋષિઓના મનમાં ખેતી માટે ભારે પ્રેમ હતો. ‘ઋષભ’ (બળદ) અને ‘ઋષિ’ એ બંને શબ્દો મૂળમાં લગભગ સરખા જ અર્થના છે. બંનેમાં ‘ઋષ’ એ જ ધાતુ છે. ઋષભ હળની આગળ ચાલે અને ઋષિ હળની પાછળ ચાલે, એટલો જ એ બેમાં તફાવત. (પાન-80).
– પુસ્તકો બુદ્ધિનું કેદખાનું છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળે છે એ ખોટો ખ્યાલ છે… જ્યારથી પુસ્તકો થયાં ત્યારથી સ્વતંત્ર વિચાર પદ્ધતિ નષ્ટ થઇ ગઇ છે. (પાન-143).
……..
કાલડીના સર્વોદય સંમેલનમાં જવા માટે એક સ્પેશિયલ ટ્રેન મુંબઇના વિક્ટોરિયા ટરમિનસથી ઊપડી હતી. એ ટ્રેનમાં બેસીને કાલડિ જનારાંઓમાંથી 25-35 લોકો ગુજરાતમાં આજે પણ જીવતા હશે. એ ટ્રેન કાલડિથી પાછી ફરી તે સાવ ખાલી! લોકો કન્યાકુમારી અને બીજા સ્થળો જોવા માટે રોકાઇ ગયા. ખાલી ટ્રેનમાં એક જ ડબ્બામાં અમે માત્ર પાંચ જ મનુષ્યો હતા: 1. પંડિત સુખલાલજી 2. વજુભાઇ શાહ 3. સૂર્યકાંત પરીખ 4. ગુણવંત શાહ 5. રમણ પટેલ. વજુભાઇ શાહ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતજીનો સત્સંગ પૂરા ત્રણ દિવસ સુધી ચાલ્યો. પરંતુ અમને કાંઇ ગતાગમ ન પડી! વજુભાઇ શાહે અમને જે પ્રેમથી જાળવ્યા તેમાં એમનું આભિજાત્ય ટપકતું રહ્યું. સૂર્યકાંત પરીખે ભજનો સંભળાવેલાં તે પણ યાદ છે.
છેવટે વજુભાઇની સલાહથી હું અને રમણ માથેરાન જવા માટે નેરલ સ્ટેશને ઊતરી ગયા. આ વાતને 57 વર્ષો વીતી ગયાં! ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પંડિત સુખલાલજીનાં બધાં પુસ્તકોનો સંપુટ પ્રગટ કર્યો. મુંબઇમાં એનું લોકાર્પણ કરવા માટે મનુભાઇ શાહે મને મુંબઇ બોલાવ્યો. પંડિતજી સાથે એક જ ડબ્બામાં ત્રણ દિવસ અને ત્રણ રાત ગાળવાનો અને ભોજન કરવાનો લહાવો મને મળેલો, એ વાત મેં સભામાં કહી ત્યારે મને પણ અદભુત લાગેલી. પંડિતજીના વિચારોમાં અનેકાંતનું સૌંદર્ય સહજપણે પ્રગટ થતું જણાય છે. ગમે તેવા તાજા વિચારને કાળક્રમે વાસી થવાની કુટેવ હોય છે. ગાંધી-વિનોબાના કેટલાક વિચારો પરિસ્થિતિ બદલાય ત્યારે કાલગ્રસ્ત બની શકે છે. એવું બને તેમાં મહામાનવોનો કોઇ જ દોષ નથી.
ગાંધીજીની સત્યપ્રીતિ, સાધનશુદ્ધિ કે અહિંસા કાલગ્રસ્ત ન બને, પરંતુ ગાંધીજીનો રેંટિયો કદી શાશ્વતીની દીક્ષા પામી ન શકે. કોમ્પ્યૂટરની શોધ થઇ પછીના ‘ઇન્ટરનેટોત્તર’ વિશ્વમાં ઋષિઓનું દર્શન વધારે પ્રસ્તુત જણાય છે. વિશ્વમાં હરતો-ફરતો-રમતો-જમતો-ભમતો-છુટ્ટો-એવો કોઇ પણ મનુષ્ય સાવ જ અજાણ્યા મનુષ્ય સાથે ‘ઇલેક્ટ્રોનિકલી’ જોડાયેલો હોય એવી સગવડ આજે સામાન્ય બની ગઇ તોય કેટલી રોમેન્ટિક છે? ઋષિઓનું અધ્યાત્મ કદી પણ શુષ્ક ન હતું. ઋષિઓનું ઊંડું દર્શન પણ રોમેિન્ટસીઝમથી ભર્યું ભર્યું હતું.
સર્વોદયનો કોઇ પણ સેવક શા માટે શુષ્ક હોય? પ્રયોગ ખાતર તમે કોઇ જાણીતા લોકસેવક પાસે માત્ર એક કલાક ગાળવાનું સાહસ કરી જોજો. તમને બે બાબત તરત જ સમજાઇ જશે: (1) એમની ઢીલી ઢીલી વૈચારિક અસ્પષ્ટતા અને (2) તેમની વાસી વિચારજડતા. તાજા વિચારની એકાદ લહેરખી પણ તેમના ચહેરા પર સ્મિત ન આણી શકે.
તેઓ ગ્લોબલ વોર્મિંગની વાત એવી રીતે કરશે કે જાણે તમારા ફળિયામાં સમુદ્રનાં પાણી ફરી વળ્યાં છે અને તમારાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. ટેક્નોલોજીના નવા ઉન્મેષોના ધરાર અસ્વીકારને કારણે સર્વોદયની વિચારધારા ‘ગંગાસ્વરૂપ’ બની રહેલી જણાય, તો તેમાં ગાંધી-વિનોબાનો કોઇ જ વાંક નથી. અનુયાયીઓ દ્વારા અન્યાય પામવો એ કોઇ પણ મહામાનવની નિયતિ છે. આ વાત ગાંધીજયંતી અાવે ત્યારે વિગતે કરવા ધારું છું. એ વાત અમધુર જ હોવાની. પ્લેટોના મૃત્યુ પછી શિષ્ય એરિસ્ટોટલ અકાદમીમાં ભણાવી રહ્યો હતો. એક વિદ્યાર્થીએ એને ટોકીને કહ્યું: ‘એરિસ્ટોટલ! તમે આમ કહો છો, પરંતુ પ્લેટો તો જુદું કહેતો હતો.’ આવું ત્રણચાર વાર બન્યું ત્યારે એરિસ્ટોટલે અકળાઇને પેલા વિદ્યાર્થીને કહ્યું: ‘મિત્ર! પ્લેટો મહાન હતો, પરંતુ સત્ય પ્લેટો કરતાંય મહાન છે.’
પાઘડીનો વળ છેડ
સેવાગ્રામમાં ગાંધીજીની ઝૂંપડી
કાળજીપૂર્વક સચવાયેલી છે.
ઘણા લોકો એ ઝૂંપડીની મુલાકાતે જાય છે.
એ ઝૂંપડી જોયા પછી એક માણસ
વિનોબાજીને પઉનાર આશ્રમમાં મળવા ગયો.
વિનોબાજીએ કહ્યું:
‘તમે બાપુની ઝૂંપડી તો જોઇ, પરંતુ એની
પાસે જ ઊભેલું પીપળાનું વૃક્ષ જોયું ખરું?
જરા ધ્યાનથી જોજો.
ઝૂંપડી તેવી ને તેવી જ રહી છે, પરંતુ એ
પીપળાનું વૃક્ષ તો વિકસતું જ રહ્યું છે!’
નોંધ: વિચારોની તાજગી માટે આદરણીય દાદા ધર્માધિકારી યુવાનોના રોલ-મોડલ બની શકે તેમ છે. નવા વરાયેલા વડાપ્રધાને લોકસભામાં પ્રથમ પ્રવચન કર્યું તેમાં દાદા ધર્માધિકારીને યાદ કર્યા હતા. ખુલ્લું મન એ દાદાની ખરી તાકાત હતી. દાદા ગાંધીજન હતા, ગાંધીવાદી ન હતા.
ત્રણ દિવસ પછી વિનોબાજીની જન્મતિથિ છે. તેમના નિબંધસંગ્રહ ‘મધુકર’માં વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. ‘મધુકર’માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે?
ગુણવંત શાહ
હેલ્લો સર,હું આપના લેખ છાપામાં વાંચું છું અને આપણી ચાહક છું..આજે અહી મને આપ મળ્યા.ખુબ આનંદ થયો.