બાથરૂમ માટે સૌથી અસરકારક ગુજરાતી પર્યાય કયો હોઇ શકે? ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, તેલુગુ, તામિલ, મલયાલી, આસામી અને ઉડિયામાં આવતીકાલથી લોકપ્રિય થઇ શકે એવો શબ્દ જડયો છે: ‘સ્વચ્છતાલય.’ જે મનુષ્ય કે પરિવાર ઘરનો બાથરૂમ ગંદો રાખે તેને અભણ જાણવો. ડ્રોઇંગરૂમ બીજાઓ માટે મહત્ત્વનો પરંતુ બાથરૂમ આપણે માટે વધારે મહત્ત્વનો ગણાય. જેનો બાથરૂમ ગંદો હોય તેવી વ્યક્તિઓનું મન ગંદું જ હોવાનું સ્નાન શરૂ કરવા માટે સૌથી અગત્યની પાત્રતા કઇ? નગ્નતા સ્નાન કરવા માટેની સૌથી અગત્યની પાત્રતા છે.
જેઓ બાથરૂમમાં પણ વસ્ત્ર ઉતારીને સ્નાન નથી કરતા, તેઓ જરૂર કશુંક ચૂકી જાય છે. બાથરૂમમાં મળતી હંગામી એવી શારીરિક નગ્નતા અત્યંત મૂલ્યવાન છે. શારીરિક નગ્નતા મનોવૈજ્ઞાનિક નગ્નતાનો ઉદય શક્ય બનાવનારી રોજિંદી ઘટના છે.બાથરૂમ તો ચકચકતા અરીસા વિનાનો હોઇ જ ન શકે. એ અરીસામાં જાતને નિહાળવી એ કેવળ સ્ત્રોઓનો જ વિશેષાધિકાર નથી. અરીસો પવિત્ર છે. અરીસો પ્રામાણિક છે. અરીસો સાવ નિખાલસ છે. હજી સુધી કોઇ અરીસાએ એની સામે ઊભેલા મનુષ્ય સાથે છેતરપિંડી નથી કરી. અરીસો પવિત્ર શા માટે? અરીસા પાસે આત્મનિરીક્ષણ માટેની પ્રેરણા આપવાની તાકાત પડેલી છે.
સોક્રેટિસ કહેતો રહ્યો, કહેતો રહ્યો અને કહેતો જ રહ્યો: ‘અપરીક્ષિત જીવન એટલે વ્યર્થ જીવન (The life un-examined is worthless). હવે જ્યારે પણ અરીસા સામે ઊભા હો, ત્યારે એનો આભાર માનજો. અરીસા જેવો ગુરુ જડવો મુશ્કેલ છે. એ કેવળ તમારા ચહેરાનો ટ્રસ્ટી નથી, એ તો તમારા ‘સ્વ’નો સાથીદાર છે. ગીવ ઇટ અ રીસ્પેક્ટ ઇટ ડીઝવ્ર્સ. ગંદો અરીસો? ના ભાઇ ના. અરીસો તો ચકચકતો જ શોભે ચકચકતો ન હોય એવો અરીસો તમને પણ ઝંખવાણા પાડી દેશે. દેશની ગરીબીનું રહસ્ય એટલે ઝંખવાણો પડી ગયેલો આમ આદમી એવા માણસો કાયમ બહુમતીમાં જ કેમ હોય છે?’
હજી બાથરૂમ-પુરાણ ભલે આગળ ચાલતું. બાથરૂમમાં તમે એકલા છો એ કંઇ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. મનુષ્ય એકલો પડે ત્યારે જ વિચારે છે અને જ્યારે વિચારે છે ત્યારે જ જીવે છે. જો લાંબું વિચારીએ તો બાથરૂમ કેવળ સ્વચ્છતાલય જ નથી, વિચારાલય પણ છે અને તેથી જીવનાલય પણ છે મારી અંગત લાઇબ્રેરીમાં ત્રણ મોટાં થોથાં આદરણીય સ્થાને ગોઠવાયાં છે: ‘The Great American Bathroom Book, Vol. 1, 2, 3.’ અમેરિકા ખાતે લોસ એન્જલ્સમાં નાની મોટેલ ચલાવતા મોટા હૃદયના મિત્ર વલ્લભભાઇ ભક્તે મને એ ભેટ આપેલાં. જીવનમાં ઘણાં પુસ્તકો ભેટમાં મળ્યાં છે, પરંતુ આવી ત્રણ ત્રણ બાથરૂમ બુક્સ જેવી મૂલ્યવાન ભેટ બીજી મળી નથી.
એ ત્રણ થોથાં વજનદાર છે અને વળી વિચારદાર પણ છે. મારા ઘરને ઓચિંતી આગ લાગે તો હું ગીતા, ઉપનિષદ, ગાંધીજીની આત્મકથા ઉપરાંત આ ત્રણ થોથાં લઇને ભાગી છૂટું. આગ એનું કામ કરે અને હું મારું કામ કરું આવાં પુસ્તકો પાસે હોય તો જીવન ટૂંકું લાગે અને સુખ લાંબું લાગે આપણને બીજું શું જોઇએ? મૂળે બારડોલી પંથકના વલ્લભભાઇએ મને શું આપી દીધું તેનો ખ્યાલ એમને કદી પણ નહીં આવે. જીવનનું આ જ ખરું સૌંદર્ય ગણાય. આપનાર બેભાન અને લેનાર સભાન ગમતું પુસ્તક પણ પ્રિયજન જાણવું. હજી બાથરૂમ-પુરાણ આગળ ચાલવાનું છે. જો બાથરૂમ-ઉપનિષદની રચના થાય તો એમાં પ્રથમ મંત્રમાં શું આવે? સાંભળો:
તમે બાથરૂમમાં ગયા ત્યારે જે હતા
અને બાથરૂમ છોડીને બહાર આવ્યા
ત્યારે ખરેખર જુદા હોવાના
જો આ વાત વાહિયાત હોય,
તો તમે રોજ બાથરૂમમાં શા માટે જાઓ છો?
તમે અંદર ગયા અને
નવી સ્ફૂર્તિ લઇને બહાર આવ્યા
વળી અંદર ગયા ત્યારે થોડાક ગંદા હતા,
પરંતુ બહાર આવ્યા ત્યારે ઓછા ગંદા જણાયા.
તમે અંદર જઇને કર્યું શું?
તમે તમારી નગ્નતાના પરિચયમાં આવ્યા.
તમે અરીસામાં તમારી જાતને જોઇ
અને થોડાક ચાળા કર્યા
એ ચાળા કેવળ તમે જ જોયા
તમને તરત સમજાયું હશે કે
તમે કેટલા બબૂચક છો
તમે ભલે બબૂચક હો,
પરંતુ એ વાત ગોપનીય ગણાય.
બાથરૂમ સ્થાન નથી, ઘટના છે,
કારણ કે
એમાં તમારી પવિત્ર પ્રાઇવસીનો આદર છે.
ત્યાં તમારી પત્ની પણ ગેરહાજર છે.
આવી તક તો બેડરૂમમાં પણ નથી મળતી
હા, બાથરૂમ તમારું મૂલ્યવાન એકાંત છે.
એકાંત નાનું હોય તોય અનંતનું સંતાન છે.
જય બાથરૂમ! જય સ્વચ્છતાલય! જય અનંતાલય!
ઘણીવાર બાથરૂમમાં એક રમૂજી ઘટના બને છે. તમે હાથમાં સાબુ ઝાલીને શરીર પર ચોળતા હો ત્યારે એકાએક સુંવાળો સાબુ હાથમાંથી મિસાઇલની માફક છટકીને બાથરૂમમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય છે એને લેવા માટે ઉતાવળ કરીને સુંવાળી ટાઇલ્સ પર ડગ માંડયાં, તો થાપાનું ફ્રેક્ચર રોકડું જાણવું. થાપું એટલે શું તેનો ખ્યાલ ઓર્થોપીડિક સર્જન સ્ટીલનો રોડ ન મૂકે ત્યાં સુધી નહીં આવે. આપણા બે બે રાષ્ટ્રપ્રમુખો બાથરૂમમાં લપસ્યા અને મર્યા ધન્ય હજો એ દેવપુરુષ, જેણે ફ્લશવાળા ટોઇલેટની શોધ કરી.
ધન્ય હજો એ દેવપુરુષ, જેણે કમોડની શોધ કરી. ધન્ય હજો એ ટેકનિશિયનને, જેણે કમોડની પાછળ મૂકેલી પાણીની ઊભી ટાંકીમાંથી પાણી છોડવા માટે દબાવવાના બટનના બે ભાગ પાડયા અને કેવળ પેશાબ કર્યા પછી માત્ર નાનું બટન દબાવવાની યુક્તિનો અમલ કર્યો. એવી પ્રયુક્તિને કારણે જે કરોડો લિટર પાણી બચ્યું તેની સાથે વીજળી પણ બચી ધન્ય ધન્ય કમોડચંદ્ર તમને પદ્મશ્રી નહીં મળે તેથી શું? તમે જો બીભત્સ બાથરૂમ કેવો હોય તે જાણવા ઇચ્છતા હો, તો ઇસ્તંબૂલ જજો. ત્યાં ટકીર્ના સુલતાનોએ પોતાના હમામખાનાને ઐયાશીનો ઉકરડો બનાવી મૂક્યું હતું. એમના હેરમમાં રહેતી સુંદરીઓ રાત પડે ત્યારે સુલતાનને ખુલ્લા હોજમાં રોજ નવરાવતી અને ખુશ કરતી.
જે રૂપસુંદરી સુલતાનને સૌથી વધારે ખુશ કરે તે સુલતાન સાથે રાત ગાળવા માટે પાત્ર ગણાતી. એ ‘હેરમ’ (અંત:પુર) શબ્દ મૂળે ‘હરામ’ પરથી આવ્યો છે, એમ વેબ્સ્ટ’ર્સ ડિક્ષ્નરીમાં કહ્યું છે. ઇસ્તંબૂલમાં જ્યારે એ હરામખાનાં જોયાં ત્યારે હોજમાં ઊઠતા સુગંધીદાર જળના ફુવારા સાથે ક્રીડા કરતી દુગ્ર્ાંધીદાર નગ્નતા કેટલી અશ્લીલ હોઇ શકે તેનો ખ્યાલ આવેલો. હવે એવી જ ઐયાશી રોનકદાર, મજેદાર અને ભભકાદાર એવી ભવ્ય હોટલોમાં હાજર છે. ત્યાં સ્ત્રીઓ ‘સપ્લાય’ થાય છે. જે કશુંક ‘સપ્લાય’ થઇ શકે તે પદાર્થ કે વસ્તુ (ગ્ૃ#ર્ેઞ્) ગણાય, સ્ત્રી નહીં. વિલિયમ બ્લેકની ત્રણ પંક્તિઓમાં જીવનનું રહસ્ય પ્રગટ થાય છે:
પક્ષીને માળો,
કરોળિયાને જાળું,
માણસને મૈત્રી’
પાઘડીનો વળ છેડે
ઇસ્તંબૂલની બજારમાં સોદાબાજી ચાલી રહી છે.
એક અત્યંત સુંદર સ્ત્રી
સાવ જ નગ્ન અવસ્થામાં બજાર વચ્ચે ઊભી છે.
એની કિંમત માટે ભાવતાલ ચાલી રહ્યા છે.
દરિયામાં જતી સ્ટીમર પરથી યુરોપિયન સ્ત્રીઓને
ચાંચિયા ઉપાડીને ઇસ્તંબૂલની બજારમાં ઊભી કરી દેતા.
રૂપાળી ગુલામ સ્ત્રીઓ તે જમાનામાં
લગભગ દૂધી-બટાકા-કાકડીની માફક વેચાતી.
– ઇસ્તંબૂલની ટુરિસ્ટ ગાઇડમાંથી
નોંધ: ‘Sexual Life in Ottoman Society’ પ્રકાશક: Donance, ઇસ્તંબૂલ, ૧૯૯૮. સ્ત્રીનું વસ્તુકરણ (objectification) આવું ભયંકર હતું. આજે નથી?
Blog:https://gunvantshah.wordpress.com
બાથરૂમમાં તમે એકલા છો એ કંઇ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. મનુષ્ય એકલો પડે ત્યારે જ વિચારે છે અને જ્યારે વિચારે છે ત્યારે જ જીવે છે. જો લાંબું વિચારીએ તો બાથરૂમ કેવળ સ્વચ્છતાલય જ નથી, વિચારાલય પણ છે અને તેથી જીવનાલય પણ છે
ગુણવંત શાહ