પંડિત નહેરૂને આખા ને આખા નિહાળવા રહ્યા 30-11-2014

અપૂર્ણ હોવું એ પ્રત્યેક મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે. પંડિત જવાહરલાલ નેહરુ મનુષ્ય હતા માટે અપૂર્ણ હતા. એમને આખા ને આખા નિહાળવા રહ્યા. નેહરુ એક વિચારનું નામ છે. વિચારને મૃત્યુ હોતું નથી, માટે નેહરુ અમર છે.
ઇતિહાસ બડો બેશરમ હોય છે. એ તો મહાત્મા ગાંધીની શરમ પણ નથી રાખતો. ઇતિહાસની માતાનું નામ હકીકત છે અને હકીકત સત્યની સગી બહેન છે. અપૂર્ણ હોવું એ પ્રત્યેક મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે. પંડિત જવાહરલાલ નેહરુ મનુષ્ય હતા માટે અપૂર્ણ હતા. એમને આખા ને આખા નિહાળવા રહ્યા. નેહરુ એક વિચારનું નામ છે. વિચારને મૃત્યુ હોતું નથી, માટે નેહરુ અમર છે. તેઓ મહાન હતા અને એમની કેટલીક અપૂર્ણતાઓ પણ મનભાવન અને હૃદયલુભાવન હતી. રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહ્યા હતા. ગાંધીયુગમાં શુષ્ક હોવું સરળ હતું. પણ રંગદર્શી હોવું મુશ્કેલ હતું!

પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચે સોલિડ મતભેદો હતા, પરંતુ બે બાબતે બંને વચ્ચે સંપૂર્ણ એકતા હતી:
1. દેશના ભાગલા અપરિહાર્ય હતા.
2. કોંગ્રેસનું વિસર્જન દેશ માટે ઉપકારક નહીં બને.

આ બંને બાબતે ગાંધીજી સાથે સ્પષ્ટ રીતે અસંમત થવાની હિંમત નેહરુ અને પટેલે ન બતાવી હોત તો! કદાચ પાકિસ્તાનની જેવી હાલત આજે છે, તેવી જ હાલત અવિભાજિત ભારતની હોત. નગરે નગરે અને ફળિયે ફળિયે હિન્દુસ્તાન-પાકિસ્તાન સર્જાયાં હોત. માનવતાવાદી આદર્શ તરીકે સેક્યુલરિઝમ નામની જણસનો તો ભૂકો બોલી ગયો હોત. જો કોંગ્રેસનું વિસર્જન થયું હોત, તો ભાગલા પછીનું ભારત પણ ઘાયલ થયું હોત. ભાગલા પછીના ભારતને એક રાખવામાં કોંગ્રેસ જેવું ભારતવ્યાપી પરિબળ અત્યંત ઉપકારક હતું. મહાત્મા સાથે અસંમત થવા બદલ આપણો દેશ નેહરુ અને પટેલનો જેટલો આભાર માને તેટલો ઓછો છે. મહાત્મા પણ મનુષ્ય હતા અને તેથી અપૂર્ણ હતા.

જેલમાં બેઠા બેઠા ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ જેવું ઇતિહાસ-સમૃદ્ધ પુસ્તક લખી શકે એવા વડાપ્રધાનો દુનિયામાં કેટલા? દીકરીને જેલમાંથી પત્રો લખીને ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ કરાવનારા પિતા કેટલા? મહાત્મા ગાંધીજીના કેટલાય વિચારો સાથે સ્પષ્ટ અસંમતિ દર્શાવ્યા પછી પણ મહાત્માનું નિરપવાદ મહાત્માપણું સ્વીકારનારા બુદ્ધિમાન નેતાઓ કેટલા? સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી મહાત્માથી જુદા પડીને મોટા બંધો અને મોટા ઉદ્યોગો સ્થાપીને દેશમાં આર્થિક આયોજન કરનારા મૌલિક દર્શકો કેટલા? પોતાની સાથે ધરાર અસંમત થનારા સાથીઓ સાથે દ્વેષમુક્ત સંબંધ રાખનારા વિચારકો કેટલા? હા, મહાન મનુષ્યોની મર્યાદાઓ પણ ઓછી મહાન નથી હોતી. પંડિત નેહરુની રમણીય મર્યાદાઓની વિવેચના કરવામાં એમની જરાય અવમાનના થતી નથી. આવી વિવેચના કઠોર તટસ્થતા માગે છે. હિંમત હોય તો આગળ વાંચો:

હકીકત-1 (વહીવટની ક્ષમતા)
સમર્થ શાસકને માણસની પરખ ન હોય તો દેશ ખાડે જાય. નેહરુને કૃષ્ણ મેનન પર આંધળો વિશ્વાસ હતો. 1962ના વર્ષમાં ચીને ભારત પર પ્રચંડ આક્રમણ કર્યું. ભારતીય લશ્કર પાસે જરૂરી કપડાં પણ ન હતાં. સંરક્ષણ પ્રધાન મેનન છેવટ સુધી મિથ્યાભિમાનના કોગળા કરતા રહ્યા. આપણા જવાનો લડતા રહ્યા, પરંતુ લગભગ હોમાઇ જ ગયા એમ કહેવું વધારે ઉચિત ગણાય. નેહરુને જબરો આઘાત લાગ્યો અને એમનો દેહવિલય થયો. ભરોસે કી ભેંસને પાડા જણા! આવો જ ભરોસો એમણે શેખ અબ્દુલ્લા પર મૂક્યો. સરદારને શેખ અબ્દુલ્લા પર જરાય ભરોસો ન હતો. સરદારના મૃત્યુ બાદ વર્ષો વીત્યાં ત્યારે એ જ નેહરુએ શેખ અબ્દુલ્લાને કોડાઇ કેનલના કોહિનૂર બંગલામાં જેલવાસી બનાવ્યા. સુશાસન કરવા માટે જે વહીવટની ક્ષમતા જોઇએ તે બાબત એમનો પ્લસ પોઇન્ટ ન હતો. કવિહૃદયે મૂકેલો ભરોસો દેશને મોંઘો પડી ગયો.

હકીકત-2 (રોમન્ટિક જીવન)
નેહરુ રોમેરોમથી રોમેન્ટિક હતા. એમના જીવનમાં અનેક સ્ત્રીઓ આવી અને ગઇ! લવ-અફેર પવિત્ર ઘટના છે. એની નિંદા ન હોય. ગાંધીયુગમાં પણ નેહરુના શોખની નિંદા રાજાજી, કૃપાલાનીજી, સરદાર કે જયપ્રકાશજીએ કદી પણ કરી ન હતી. લેડી માઉન્ટબેટન સાથેના મધુર સંબંધની વાત જુદી એટલા માટે કે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અંગે નિર્ણય લેવામાં એ સંબંધની અસર પડતી હતી. આ વાત સમજાય તેટલા માટે ‘માઉન્ટબેટન, ધ લાસ્ટ વાઇસરોય’ ફિલ્મ જરૂર જોવા જેવી છે. ફિલ્મ ખૂબ લાંબી છે, પરંતુ હકીકતોની દૃષ્ટિએ સમૃદ્ધ છે.

હકીકત-3 (સમાજવાદ)
નેહરુને ‘છેલ્લા મોગલ’ કહ્યા છે. એમનો મેઘધનુષી સમાજવાદ પબ્લિક સેક્ટર પ્રત્યેના આંધળા પક્ષપાતમાં સમાઇ ગયો. એક જ ઉદાહરણ આ વાત સમજવા માટે પૂરતું છે. એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું તે વાતે ઉદ્યોગપતિ જે. આર.ડી. તાતાએ વિરોધ કર્યો ત્યારે નેહરુએ તેમને કહ્યું: ‘મને તમે નફાની વાત જ ન કરશો. નફો તો એક ગંદો શબ્દ છે.’ જબરી ખોટ ખાવી એ તો સરકાર દ્વારા ચાલતા મોટા મોટા ઉદ્યોગોની લાડકી વાનગી હતી. નેહરુ ખરેખરા સમાજવાદી હોત તો! તો પછીનાં વર્ષોમાં કૃપાલાની, લોહિયાજી અને જયપ્રકાશજી જેવા સાચા સમજવાદીઓ એમના કડવા ટીકાકારો બની ગયા તેનું રહસ્ય શું? રાજાજીએ ‘લાઇસન્સ-પરમિટ-ક્વોટા રાજ’નો વિરોધ કર્યો અને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. 1991-92ના વર્ષમાં વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન ડો. મનમોહન સિંહની મદદથી લિબરલ ઇકોનોમીનો પ્રારંભ કર્યો. બિનકોંગ્રેસી સરકારો ત્યાર બાદ આવી અને ગઇ, પરંતુ મુક્ત અર્થતંત્રની એ નીતિમાં ફેરફાર થયો નથી. અવાડિ અધિવેશનમાં ઢેબરભાઇને પ્રમુખપદે સમાજવાદી સમાજરચના અંગે ઐતિહાસિક ઠરાવ પસાર થયો તેનું આજની કોંગ્રેસે જ બાષ્પીભવન કરી નાખ્યું! કોંગ્રેસના કોઇ અધિવેશનમાં ‘સમાજવાદ’ શબ્દ સાંભળવા મળતો નથી. વિકાસના પાંચ દાયકા એળે ગયા!

હકીકત-4 (વિદેશનીતિ)
નેહરુની વિદેશનીતિ ખરેખર ‘બિનજોડાણવાદી’ હતી ખરી? એ વાસ્તવમાં રશિયાતરફી અને અમેરિકાવિરોધી હતી. આવા વલણને કૃષ્ણ મેનનનો ટેકો હતો. મેનન યુનોની સભામાં કલાકો સુધી બોલી બોલીને પશ્ચિમના દેશોને ગાળો ભાંડતા. હંગેરીમાં રશિયાના લોખંડી સકંજા સામે વિરોધ કરનાર ઇમરનાશ જેવા નેતાને ફાંસીની સજા થઇ. ચેકોસ્લોવેકિયાની સડકો પર રશિયન ટેન્કો ફરી વળી અને ત્યાંના નેતા દુબચેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. જ્યારે ચીને ભારતને 1962માં શરમજનક રીતે હરાવ્યું ત્યારે રશિયાએ કહ્યું: ‘ચીન ભાઇ છે અને ભારત મિત્ર છે.’ ભારત નમાલું સાબિત થયું! ચીન સામે થયેલી હારને કારણે સંવેદનશીલ નેહરુ ભાંગી પડ્યા અને વહેલા વિદાય થયા.

હકીકત-5 (સેક્યુલરિઝમ)
સેક્યુલરિઝમને માનવતા સાથે નહીં, પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડી દેવાની ફેશનના જનક નેહરુ હતા. સરદારના ગયા પછી લોકસભામાં હિન્દુ કોડ બિલ રજૂ થયું ત્યારે આચાર્ય કૃપાલાનીએ નેહરુને ‘કોમવાદી’ કહ્યા હતા. ગાંધીજી પોતાને ‘સનાતની હિન્દુ’ ગણાવતા છતાંય સેક્યુલર હતા. નેહરુ પોતાને ‘સેક્યુલર’ ગણાવતા છતાંય હિન્દુઓને અન્યાય કરનારા હતા. જો નેહરુ ખરેખર ‘સેક્યુલર’ હોત, તો કોમન સિવિલ કોડ લાવ્યા હોત. મોરારજી દેસાઇએ એમની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં નોંધ્યું છે: ‘હિન્દુ ધર્મ પ્રત્યે એમને પૂર્વગ્રહ હતો.’ (પાન. 456). કારણ સમજાતું નથી. ગાંધીજીના ભક્ત ઘનશ્યામદાસ બિરલાએ તો કહ્યું હતું: ‘જો ગાંધીજીના સંપર્કમાં ન આવ્યા હોત, તો નેહરુના સમગ્ર પરિવારે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોત.’ (‘મણિબહેનની ડાયરી’, તા. 13-9-1950). નેહરુના પ્રદૂષિત સેક્યુલરિઝમનો મેલો વારસો કોંગ્રેસે જાળવી રાખ્યો છે. મારી વાત ખોટી લાગે, તો સોનિયા ગાંધીના વિશ્વાસુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એન્થનીને પૂછી જુઓ! કોંગ્રેસની હારનાં કારણો શોધવા માટે એમણે હેવાલ તૈયાર કર્યો હતો. એમણે એવું કહ્યું કે દેશની બહુમતીને એવી લાગણી થઇ કે કોંગ્રેસ હિન્દુ-વિરોધી પક્ષ છે.

હકીકત-6 (સાયન્ટિફિક ટેમ્પર)
પંડિત નેહરુ લગભગ નાસ્તિક હતા. એમના બે શબ્દો યાદગાર હતા: ‘સાયન્ટિફિક ટેમ્પર.’ દેશના નાગરિકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે માટે તેઓની નિષ્ઠા લાજવાબ હતી. તેમને ધર્મને નામે ચાલતાં ધતિંગોમાં જરાય શ્રદ્ધા ન હતી. થોડાક દિવસ પર એક દુર્ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિલાયન્સ તરફથી શરૂ થયેલી ડિજિટલ હોસ્પિટલનું ઉદ્્ઘાટન મુંબઇમાં કર્યું. અત્યંત ઊંચી કક્ષાના સુજ્ઞશ્રોતાઓની આવી સુંદર સભા જોયાનું યાદ નથી. એ સભામાં વડાપ્રધાને ગણેશજીના મસ્તક પર હાથીનું ડોકું હોય તેને પુરાતન કાળની ‘પ્લાસ્ટિક સર્જરી’ ગણાવી! એ જ રીતે કર્ણના જન્મ સાથે ‘જીનેટિક વિજ્ઞાન’ જોડી દીધું! આવી વાતોને કમનસીબ જ કહેવી જ રહી.
પંડિત નેહરુના મૃત શરીર પર જનોઇ જોવા મળી હતી. કેવડો મોટો આંતરવિરોધ? ફરીથી કહેવું છે: ‘અપૂર્ણ હોવું એ મનુષ્યનો જીવનસિદ્ધ અધિકાર છે.’ પંડિતજીની સ્મૃતિને વંદન.
પાઘડીનો વળ છેડે

જો નેહરુને ભારતીય ગણવા જ હોય,
તો તેઓ મુસ્લિમ વધારે હતા
અને હિંદુ ઓછા હતા.
જે કોઇ બાબત મુખરપણે હિંદુત્વ
સાથે જોડાયેલી હોય, તેના પ્રત્યે
એમને ઘણુંખરું ઘૃણાનો ભાવ જ રહેતો.
નિરદ ચૌધરી
(‘The Continent of Circle’, 1965)

Advertisements

One thought on “પંડિત નહેરૂને આખા ને આખા નિહાળવા રહ્યા 30-11-2014

  1. your comment /analysis about pandit nehru on secularism is very perfect and quite bold/honest
    it was nehru who has had acted against hindu santiment most of the time and it was continued subsequently by congress after sarder patel died.your tribute to nehru is quite justifying.
    i have been reading your articles regularly.since 20 to 25 years.certain articles have had impressed me a lot lot.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s