મેઘધનુષને માળે પ્રિયજનની પ્રતીક્ષા ONE HEART AT A TIME 16-11-2014

પ્રિરિયજનના વિયોગમાં ઝૂરવાનું સૌના નસીબમાં નથી હોતું. ‘ચારિય’ની નવી વ્યાખ્યા કેવળ સેક્સ અંગેની * વફાદારીમાં જ સમાઇ
નથી જતી. કોઇ વ્યક્તિ વિરહના સમયગાળામાં પ્રિયજનને જે તીવ્રતાથી ‘મિસ કરે’ તે એનું ચારિય ગણાય.

આજની સ્માર્ટ દુનિયા નિખાલસ માણસ માટે રહેવાલાયક રહી છે ખરી? ક્યારેક માણસ પ્રિયજન સમક્ષ અાખો ને આખો ઠલવાઇ જાય ત્યારે એક ચમત્કાર બને છે. એ વખતે બંને જણાં વચ્ચેના અવકાશમાં સંગમતીર્થ પ્રગટે છે. ‘ટાઇટેનિક’ ફિલ્મમાં એક ગીત સાંભળવા મળે છે, જેમાં બે પ્રેમીઓ વચ્ચેના અવકાશ (સ્પેસ)નો મહિમા થયો છે. એ પવિત્ર અવકાશમાં પ્રવેશીને જે વ્યક્તિ ‘મળેલા જીવ’ વચ્ચે રચાયેલા મેઘધનુષના માળાને વીંખી નાખે તે ખલનાયક ગણાય. ચીસ પણ ન સંભળાય અને ક્રૌંચવધ થઇ જાય! વાલ્મીકિ રામાયણનો ઉદ્્ભવ શિકારીના તીરથી વિંધાયેલ મૈથુનમગ્ન પક્ષીયુગલના પ્રેમભંગને કારણે તમસા નદીને તીરે જે ચિત્કાર અવકાશમાં પ્રસરી ગયો તેથી મહાકવિની જાગી ઊઠેલી સંવેદનાને કારણે થયો. વિગતો બદલાણી, પરંતુ ચિત્કાર આજે પણ સંભળાય છે.
રાવણ સીતાનું અપહરણ કરે પછી સીતાવિહોણી પંચવટીમાં રામ લગભગ બાળકની માફક રડે છે. રામનું રુદન, એ જ રામનું ચારિય! પ્રેમાનંદના નળાખ્યાનમાં દમયંતી નળની શોધ માટે વનમાં ભટકતી રહે છે. દમયંતીનો વિલાપ, એ જ દમયંતીનું ચારિય! પ્રેમાનંદની પંક્તિઓમાં દમયંતીનું ચારિય પ્રગટ થયું:
વૈદર્ભી વનમાં વલવલે,
અંધારી રે રાત!
ભામિની ભય પામે ઘણું,
એકલડી રે જાત!
પ્રિયજનના વિયોગમાં ઝૂરવાનું સૌના નસીબમાં નથી હોતું. ‘ચારિય’ની નવી વ્યાખ્યા કેવળ સેક્સ અંગેની વફાદારીમાં જ સમાઇ નથી જતી. કોઇ વ્યક્તિ વિરહના સમયગાળામાં પ્રિયજનને જે તીવ્રતાથી ‘મિસ કરે’ તે એનું ચારિય ગણાય. પ્રતીક્ષા જેટલી તીવ્ર, ચારિય એટલું જ ઉદાત્ત! પ્રત્યેક અશ્રુબિંદુ જાણે ૐકારબિંદુ! ગઇ સદીના અંતભાગે 1999ના અરસામાં અમેરિકન પોપ મ્યુઝિકના રસિયાઓમાં અત્યંત લોકપ્રિય ધૂનમાં ગવાતી એક પંક્તિ હતી: ‘One heart at a time.’ લગ્ન વારંવાર થઇ શકે, સમર્પણ વારંવાર ન થઇ શકે. કોઇ પણ વ્યક્તિ મુગ્ધાવસ્થામાં કુંવારું વિસ્મય જીવનમાં એક જ વાર પ્રિયજનને સમર્પે છે. બુદ્ધિ છેતરાઇ શકે છે, હૃદય કદી છેતરાતું નથી. સાચો પ્રેમ નિષ્ફળ જાય છે, નપાસ નથી થતો. ઉદાત્ત ચારિય એટલે જ ઉદાત્ત પ્રેમ!
અસંખ્ય સદીઓથી માનવસમાજમાં એક દુર્ઘટના ધર્મની ઓથે બનતી રહી છે. ઘણુંખરું પુરુષો જ સ્ત્રીઓને છેતરતા આવ્યા છે. સ્ત્રીનો સ્વભાવ જ એવો છે કે તેનું મુગ્ધ હૃદય ક્યાંક આખું ને આખું ઠલવાઇ જાય છે. નિ:શેષપણે ઠલવાઇ જવું એ જ તો નદીનું સાગરમિલન છે! ક્યારેક પુરુષ પણ પ્રિયતમા આગળ આખો ને આખો ઠલવાઇ જાય છે. આવું ઠલવાઇ જવું એ જ ચારિય! આવું બને પછી આવી પડેલો વિયોગ પણ સુગંધપૂર્ણ હોય છે. છૂટાં પડેલાં બે હૃદયો જ્યારે નછૂટકે વિખૂટાં પડે ત્યારે એમની વેદનામાં મંદિરના ગભારામાં પ્રસરે તેવી ધૂપસુગંધ હોય છે. એમનાં અશ્રુબિંદુઓમાં શિવમંદિરની જલાધારીમાંથી થતા અભિષેકનું સાતત્ય હોય છે. એવા વિરહ દરમ્યાન જે પ્રેમપત્ર લખાય, તે બીલીપત્રથી ઓછો પવિત્ર નથી હોતો. માણસ પાસેથી બધું ઝૂંટવી શકાય, પરંતુ એની આંખમાંથી સરી પડતું અશ્રુબિંદુ કોણ ઝૂંટવી શકે? એક અજ્ઞાત કવિએ સાચું કહ્યું:
જેમ અગ્નિને વાયરો,
તેમ પ્રેમને વિયોગ,
અલ્પને બુઝવી નાખે
અને પ્રચંડને પ્રગટાવે!
કસોટી સજ્જનની થાય છે, શઠની નથી થતી. સજ્જનને શૂળીએ ચડવું પડે એવી આ વ્યવહારપટુ દુનિયામાં સંવેદનશીલ હોવું એ બહુ મોટો અપરાધ છે. વળી ઠલવાઇ જનારા હૃદય સમક્ષ કશુંક છુપાવીને ગોળ ગોળ બોલવું એ બહુ મોટું પાપ છે. જૂઠી વાણીની જેટલી અપ્રતિષ્ઠા થઇ, તેટલી જૂઠા મૌનની નથી થઇ. કોઇ વ્યક્તિ આપણી સમક્ષ પોતાનો એક્સ-રે ધરી દે, ત્યારે તેની સમક્ષ જો આપણે આપણો રૂપાળો ફોટોગ્રાફ ધરીએ તો તે એક એવી દિલચોરી છે જે આપણા ચારિયને ભોંયભેગું કરે છે. દિલચોરી એટલે જાતને છેતરવામાં મળેલી ગંદી સફળતા. આજની નવી પેઢી સ્વભાવે વધારે નિખાલસ જણાય છે. નવી પેઢીની નવી પ્રાર્થના કેવી હોય? સાંભળો:

હે માલિક!
હમ કો શાંતિ દે, સદબુદ્ધિ દે
ઔર પ્રતીક્ષા કી પવિત્રતા ભી દે!
હમારા પ્રેમ જૂઠા ન હો,
હમારા જીવન ભી જૂઠા ન હો!
હમારા જીવન સફલ હો ન હો, બસ
જીવન સાર્થક હો, ઐસી કૃપા કરના!

ખીચડી રંધાઇ જાય તોય સીઝવાની બાકી હોય ત્યારે એની સીરી (સોડમ) નાકને લલચાવતી નથી. સાચા પ્રેમને ઝટ હારી જવાની ટેવ નથી હોતી. પ્રેમને પણ સીઝવા દેવો પડે છે. પુનરાવર્તનનો ભય વહોરીને એક વાત કહેવી છે. જેને ભારતના લોકો ‘લવ-અફેર’ કહીને ક્યારેક નાકનું ગંદું ટેરવું ચડાવે છે, તે લોકો સમજી રાખે કે તેઓ એક અત્યંત પવિત્ર બાબતની નિંદા કરવાનું પાપ કરી રહ્યા છે. લગ્નયુક્ત કે લગ્નમુક્ત પ્રેમસંબંધની ખાનગીમાં નિંદા કરવી એ આપણા પછાત સમાજના લોકોની હોબી છે. જરાક દેખાવડી, સ્માર્ટ કે કાર્યકુશળ સ્ત્રીને જોઇને ગંદા મનના પુરુષને એના ચારિયની ખણખોદ કરવાની ચળ ઊપડે છે. એ સ્ત્રી જ્યાં કામ કરતી હોય ત્યાં કામ કરનાર કોઇ પુરુષ સાથે સંબંધ જોડી દેવાનું દુષ્કર્મ Mr. Dirty Dobermann કરતો હોય છે. આપણા કાનગંદા સમાજને આવા શ્વાનની વાતો સાંભળવી ગમે છે. આવા શ્વાનનું મનોવિજ્ઞાન જાણવા જેવું હોય છે. જે સ્માર્ટ અને કાર્યકુશળ સ્ત્રીને એ વારંવાર જુએ છે, તે એના તરફ જોતી નથી તેનું દુ:ખ ડોબરમેનને સતાવે છે. પોતે એ સ્ત્રીને પામવાનું ચૂકી ગયો તે બાબતનું દર્દ દૂર કરવા માટે નિંદાનો માર્ગ અપનાવીને એ અન્યને હાનિ પહોંચાડીને સેક્સ્યુઅલ સંતોષ પ્રાપ્ત કરે છે. આ રીતે મળતા સુખ માટે ‘sadism’ શબ્દ જાણીતો છે. માનસિક રીતે રુગ્ણ સમાજ આવો સંતોષ મેળવનારા લોકો બહુમતી ધરાવે છે. આતંકવાદ અને લવ-અફેર સામસામે ઊભા છે. આતંકવાદી બોંબનો હુમલો કરે છે, જ્યારે વંચિત મનુષ્ય અફવાનો બોંબ ફોડે છે!

સીધી લીટીના પ્રત્યેક મનુષ્યને ક્યાંકથી એક શિશુપાલ મળી જ રહે છે. સજ્જન મનુષ્ય પાસે કૃષ્ણનું સુદર્શનચક્ર નથી હોતું. એ મનુષ્ય પાસે કૃષ્ણનું સામર્થ્ય પણ નથી હોતું. આવે વખતે સજ્જન મનુષ્ય પાસે શિશુપાલ-વધનો ફક્ત એક જ ઉપાય બચે છે. એ શિશુપાલનું અસ્તિત્વ આ પૃથ્વી પર નથી એમ માનીને દુર્જનથી દૂર રહેવું. આ એક અહિંસક ઉપાય છે. જેના પિતાશ્રીનું ખૂન તમે નથી કર્યું, તેવો માણસ જ્યારે તમારી પાછળ આદુ ખાઇને પડી જાય, ત્યારે માનવું કે તમારો કોઇ તેજલ અંશ પ્રગટ થઇ રહ્યો છે. એ તેજલ અંશ પેલા શિશુપાલ પાસે નથી, એ કાંઇ તમારો ગુનો નથી. તમારો ગુનો ન હોય તો તમને શાંતિ પામવાનો અધિકાર છે. પ્રેમ વિના શાંતિ ક્યાંથી? શાંતિ વિના જીવન ક્યાંથી?{
પાઘડીનો વળ છેડે
સાચા ભક્તની એક પણ ભૂલ
પ્રભુ માફ નથી કરતા.
તમારી નાની અમથી ભૂલ પણ
મોટી આપત્તિ આણે,
તો માનજો કે
પ્રભુ તમને ખૂબ જ ચાહે છે.
સૂફી સંત મનેરી
નોંધ: સંત મનેરીએ સો જેટલા પત્રો પોતાના શિષ્ય કાઝી શમસુદ્દીનને લખ્યા હતા. આ પત્રો મહંમદ તઘલખ, અકબર અને આૈરંગઝેબે પણ વાંચ્યા હતા. પોલ જેક્સને ‘લેટર્સ ફ્રોમ મનેરી’ પુસ્તકમાં આ પત્રો પ્રગટ કર્યા છે. પત્રો મૂળે ફારસી ભાષામાં લખાયેલા. સંતનો જન્મ બિહારમાં પટનાથી 20 માઇલ દૂર આવેલા મનેર ગામમાં ઇ.સ. 1920ના અરસામાં થયેલો. ઉપરના શબ્દો એમના એક પત્રમાંથી લીધા છે.

Advertisements

4 thoughts on “મેઘધનુષને માળે પ્રિયજનની પ્રતીક્ષા ONE HEART AT A TIME 16-11-2014

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s