સ્વામી આનંદ કહે છે: માયા તો કિરતારની કારભારણ છે. DIVYA BHASKER, 22-3-2015

માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? જવાબ છે: હૃદયરોગનો હુમલો. વાત વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિચિત્ર નથી. અનુભવને આધારે કહેવું છે કે હૃદયરોગના હુમલાને કારણે મારા અહંકારના ચૂરેચૂરા થઇ ગયા. શું આ જેવીતેવી ગુરુકૃપા છે? માનવ દેહધારી ગુરુ પોતાના શિષ્યને છેતરે એ શક્ય છે, પરંતુ હૃદયરોગનો હુમલો પોતાના શિકારને કદી પણ ન છેતરે. હુમલો થયા પછી બચી જનાર મનુષ્ય જો જાગી જાય તો જીવનનું નવનિર્માણ (Self-renewal) શરૂ થાય એ શક્ય છે. આવી તક કેવળ નસીબદાર મનુષ્યોને જ પ્રાપ્ત થતી હોય છે. અહંકારશૂન્યતા એટલે દેહમૃત્યુ થાય તે પહેલાં અહંકારનું મૃત્યુ થાય તેવી અવસ્થા. હૃદયરોગ આવી અવસ્થાની ખાતરી નથી આપતો. હા એને પ્રતાપે એક અલૌકિક શક્યતાનું દ્વાર ખૂલે છે એ નક્કી! શું આવી ગુરુકૃપા ઓછી મૂલ્યવાન છે? શક્યતાનું દ્વાર ખોલી આપે, તે જ સદગુરુ!

બરાબર યાદ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)માં ખાટલા પર જે વિચારો આવ્યા તેમનું ગુરુત્વ મધ્યબિંદુ ‘માયા’ હતું. સ્વામી આનંદે માયાને ‘કિરતારની કારભારણ’ કહી તે વાતે સ્વામી આનંદનું પણ તીવ્ર સ્મરણ ચાલતું રહ્યું. એ ખાસ કલાકોમાં જ કંઇ વિચાર્યું તેનું વિસ્મરણ હજી થયું નથી. જે કંઇ યાદ આવે તેને યથાતથ રજૂ કરવાના આ પ્રયત્નમાં સુવ્યવસ્થા નહીં હોય. માયા પર વિચારે ચડી જવાનો એક લાભ એ થયો કે મૃત્યુનો ભય ખરી પડ્યો. બાયપાસ સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લતા મંગેશકરને કંઠે ગવાયેલો ગીતાનો બારમો અધ્યાય સાંભળવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણનાં વચનોનું શ્રવણ કરતા કરતા એનેસ્થેસિયા દ્વારા સંપૂર્ણ અભાનતાના ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનું બન્યું. થોડાક કલાકો પછી પુનર્જન્મ!

માયા પર વિચારવાનું ફરીથી ચાલુ થયું. ક્રિકેટ અને ગીતા વચ્ચેનો અનુબંધ મનમાં જડાઇ ગયો. શું થયું? હું ખેલના મેદાન પર રમવા ગયો. માયા શરૂ? રમતમાં મેં છગ્ગો ફટકાર્યો પણ બોર્ડર પર ફિલ્ડરે કેચ ઝીલી લીધો. મેં પેવિલિયન ભણી ચાલવા માંડ્યું. એક જ ક્ષણમાં અમ્પાયરે ‘નો બોલ’ જાહેર કર્યો અને હું ક્રીઝ પર પાછો ફર્યો! ક્રિકેટની માયા કેવી? આપણી ટીમ જીતે તો ખુશ થવાનું અને હારી જાય તો નિરાશ થવાનું! બે ટીમની રમતમાં રન સરખા થાય તો ટાઇ પડે તેની માયા! વળી સ્ટમ્પ આઉટ, કેચ આઉટ, રન આઉટ અને LBWની માયા! ડીપ મિડ-ઓન પર દ્વેષ નામનો ફીલ્ડર કેચ કરવા ટાંપીને ઊભો છે! એ જ રીતે ડીપ મિડ-ઓફ પર લોભ નામનો ફીલ્ડર આપણો રન રોકવા તત્પર છે!

એ જ રીતે સ્લિપર તરીકે ત્રણ ત્રણ ખેલાડીઓ વત્તા વિકેટકીપર સાક્ષાત્ મોહ બનીને આપણને આઉટ કરવા તત્પર છે! આવી ક્રિકેટમયી માયામાં અમ્પાયરનું કામ કેવું? ગીતામાં બે શબ્દો પ્રયોજાયા છે: 1. ઉપદ્રષ્ટા અને 2. અનુમન્તા. (અધ્યાય 13). બંને શબ્દોમાં અમ્પાયરનો ધર્મ પ્રગટ થાય છે. અમ્પાયર બંને ટીમ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને ઊભો છે. એ રમતને સાક્ષીભાવે નિહાળે છે તેથી ‘ઉપદ્રષ્ટા’ છે. વળી એ આઉટ કે નોટઆઉટનો નિર્ણય કરતી વખતે અનુમતિ આપનારો (અનુમન્તા) છે. આમ અમ્પાયર મોહમાયામાં અટવાતા ધૃતરાષ્ટ્રની નબળાઇ (મામકા-પાંડવા:)થી મુક્ત છે. સંસારનો ખેલ ક્રિકેટના ખેલથી જુદો નથી. એ ખેલમાં જોડાયેલા મનુષ્યો સાક્ષીભાવે માયાની રમતને નિહાળે તો જીવન સફળ થઇ જાય. માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

કોઇએ તમને દગો દીધો? કોઇ સ્વજન તમારા પૈસા લીધા પછી પાછા નથી આપતું? કોઇ તમારી નિંદા કરવામાં નિષ્ઠાવંત જણાય છે? તમારા હૃદયમાં ક્યાંક જખમનું શૂળ છે? અરે! તમે કોઇને અન્યાય કર્યો છે? તમે લોભ-મોહ-સ્વાર્થને કારણે કોઇનું જીવન બરબાદ કર્યું છે? હા, માયા નામની કારભારણ તમને અને મને રાતદિવસ નચાવી રહી છે. આપણે સવાર-સાંજ નાચમગ્ન છીએ. વચ્ચે વચ્ચે કોઇ ગમતું માણસ મરી જાય છે. આપણે દુ:ખી દુ:ખી! ક્યાંક લગ્ન સમારંભ યોજાય ત્યારે ટેબલે ટેબલે વાનગીઓની માયા! આયુર્વેદની વિચારધારા અને વિજ્ઞાનધારા પ્રમાણે મનુષ્યનું શરીર વાત, પિત્ત અને કફ વચ્ચે જળવાતા સંતુલનની ત્રિગુણાત્મક માયા છે! પાણીપૂરી લલચાવે, મીઠાઇ લલચાવે, ભજિયાં લલચાવે અને ભોજન પછી સુગંધીદાર પાન પણ લલચાવે! રોજ નવી માયાને રોજ નવી લીલા! શિયાળાની સવારનો તડકો ગમે અને ઉનાળાની બપોરનો તડકો પજવે! વરસાદ ગમે, પણ કાદવ-કીચડ ન ગમે! કારમાં ફરવાનું ગમે, પરંતુ એ અટકી પડે ત્યારે માથાનો દુખાવો! સુખની સોડમાં દુ:ખ અને દુ:ખના કાળજામાં પીડા! સુખ ગમે, દુ:ખ ન ગમે!

હૃદયરોગના હુમલા પછી જીવનનો પ્રત્યેક કલાક મૂલ્યવાન બની જાય એ શક્ય છે. મારા વિદ્વાન મિત્ર ડો. શશિકાંત શાહ મને વારંવાર કહે છે: ‘અમારા કેટલાય કલાકો સાવ નકામા વ્યવહારો સાચવવામાં વેડફાઇ જાય છે, તમારા નથી બગડતા તે બહુ મોટી વાત છે.’ પાઇલટની કરિયર વર્ષોમાં નથી મપાતી, કેટલા કલાકોનું ઉડ્ડયન થયું તે પરથી મપાય છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાએ 72 વર્ષની વયે ‘માયા’ સંકેલી લીધી. ‘Outlook’ મેગેઝિનનો હું પ્રથમ અંકથી વાચક હતો. સદગત વિનોદ મહેતા માત્ર મારા જ નહીં, આપણા પ્રિય એવા વિનોદ ભટ્ટના પણ માનીતા પત્રકાર હતા. એમની ખોટ ખટકે તે પણ માયા! તેઓ સોનિયા ગાંધીના પક્ષકાર હતા એમ કહેવામાં અેમને અન્યાય થશે. તેઓ હિંમતપૂર્વક ટીવી પર પણ કડવી વાતો કોંગ્રેસને કહી શકતા હતા. એમની લેખનશૈલીમાં નિખાલસતાની સુગંધ હતી.

ગીતામાં ત્રિગુણમયી માયાની વાત સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના સંદર્ભે કરી છે. જીવનના ઘરમાં ત્રણ ઓરડા છે. ક્યારેક આપણે સત્ત્વગુણના, તો ક્યારેક રજોગુણ કે તમોગુણના ઓરડામાં જઇએ છીએ. કોઇ મનુષ્ય કેવળ એક જ ઓરડામાં ચોવીસે કલાક રહી શકતો નથી. મનુષ્યની ઇશ્વરદત્ત અપૂર્ણતા એને સતત નચાવતી રહે છે. નાચતી વખતે એટલી સભાનતા રહે તો બસ છે કે આપણે નાચી રહ્યાં છીએ!ટીવી સિરિયલ માયાસ્વરૂપા છે. સિરિયલમાં એક પાત્ર ભલું હોય છે અને એક પાત્ર બદમાશ હોય છે. ભલું પાત્ર આપણને ગમે છે અને લુચ્ચું પાત્ર આપણા મનમાં ધિક્કાર જન્માવે છે. પાંચ દિવસ પછી રામનવમી આવશે. સદીઓ વીતી તોય રામનવમી કેમ ઉજવાય છે? રામત્વ શાશ્વત છે તેથી હજી આવનારી સદીઓમાં પણ રામનવમી ઉજવાતી રહેશે. રામમનોહર લોહિયાએ ગાંધીજીને ‘રામના વંશજ કહ્યા હતા. કવિ ઇકબાલે રામને ‘ઇમામે હિંદ’ કહ્યા છે. રામ સંસ્કૃતિ-પુરુષ હતા.

પાઘડીનો વળ છેડે
એક વાર શ્રી રામ અને સીતા પ્રસન્નચિત્તે બેઠાં હતાં ત્યારે એકાએક ત્યાં નારદજી પહોંચી ગયા. રામે દેવર્ષિ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું: ‘હે મુનિશ્રેષ્ઠ! અમારા જેવા સંસારી મનુષ્યો માટે આપનું દર્શન દુર્લભ છે. આપનાં દર્શનથી હું કૃતાર્થ થઇ ગયો. મને કહો કે હું આપને માટે કયું કાર્ય કરું.’ રામનાં વચનો સાંભળીને નારદજી બોલ્યા:

હે વિભો!
આપે કહ્યું કે હું સંસારી મનુષ્ય છું.
વાત તો ઠીક છે કારણ કે
સંસારનું મૂળ કારણ ગણાય
તેવી માયા આપની ગૃહિણી છે!
આપ ભગવાન વિષ્ણુ છો
અને જાનકીજી લક્ષ્મી છે.
આપ શિવ છો!
અને જાનકીજી પાર્વતી છે.
આપ બ્રહ્મા છો
અને જાનકીજી સરસ્વતી છે.
આપ સૂર્યદેવ છો!
અને જાનકીજી પ્રભા છે.
આપ સૌના કાલસ્વરૂપ યમ છો
અને સીતા સંયમિની છે.
સંસારમાં જે બધું પુરુષવાચક છે,
તે આપ છો અને જે બધું સ્ત્રીવાચક છે,
તે સીતાજી છે.
નોંધ: ‘અધ્યાત્મરામાયણ’, અયોધ્યાકાંડ. (પ્રથમ સર્ગ, શ્લોક 6થી 19)

Advertisements

ભારતની યુનિવર્સિટીઓમાં ચેતનાની ખેતી! DIVYA BHASKER, 9-3-2015, CONVOCATION ADDRESS OF VNSGU

ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી.

સ્વરાજ મળ્યું પછી ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. એમના મંત્રાલયમાં ડો. કે. જી. સૈયદ્દીન નામના અત્યંત ઉમદા વિચારક સર્વોચ્ચ અધિકારી તરીકે સેવા અપી રહ્યા હતા. સદ્્ગત ડો. સૈયદ્દીને શિક્ષણ પર લખેલા એક પુસ્તકનું મથાળું છે: ‘The Faith of An Educationist.’ પુસ્તકમાં એક પ્રસંગ વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યો હતો તે મને હજી યાદ છે. ડો. સૈયદ્દીન એમના કોઇ મિત્ર સાથે ચાલવા નીકળ્યા. એ મિત્રને શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હતી. ડો. સૈયદ્દીને એ મિત્રને પ્રશ્ન પૂછ્યો: ‘માણસ શિક્ષિત ક્યારે ગણાય?’ આવા ગહન પ્રશ્નનો મિત્રે જે જવાબ આપ્યો તે સૈયદ્દીન સાહેબના હૃદયને સ્પર્શી ગયો. મિત્રે કહ્યું: ‘કોઇ માણસ ‘શિક્ષિત’ છે કે નહીં તે જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછવા પડે.’

1. એ કોઇ વિચારને માણી શકે છે?
2. એ બીજા માણસને માણી શકે છે?
3. એ પોતાની જાતને માણી શકે છે?
આ ત્રણ પ્રશ્નોના જવાબમાં ‘શિક્ષણ’ નામની દિવ્ય ઘટનાનો મર્મ છુપાયો છે.
કોઇ નવા વિચારનો આવિર્ભાવ જો માણસને ઝંકૃત ન કરી શકે, તો તેને શિક્ષિત કહેવાનું યોગ્ય ખરું? જર્મન કવિ ગોથેએ જ્યારે મહાકવિ કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચ્યું ત્યારે એમાં એક એવું વિધાન હતું, જે વાંચીને ગોથે શાકુંતલ માથે મૂકીને નાચવા લાગ્યો હતો. એ વિધાન હતું: ‘એ માતાપિતાને ધન્ય છે, જેમનાં શરીર બાળકનાં અંગો સાથે વળગેલી ધૂળથી મેલાં થાય છે. (ધન્યાસ્તદંગરજસા મલિની ભવન્તિ).’ મને ઝંકૃત કરી ગયેલું એક વિધાન મોહંમદ પયગંબરનું છે. તેઓ કહે છે:
વિદ્વાન માણસની શાહી (ink)
તો શહીદના લોહી કરતાંય
અધિક પવિત્ર છે.

અહીં ઉપસ્થિત એવા સર્વ યુવાનોને વિચારમાં નાખી દે તેવું એક વિધાન રજૂ કરું? ‘આર્યસપ્તશતી’માં ગોવર્ધનાચાર્યજીએ એક શ્લોકમાં કહ્યું છે: ‘ધનસંપત્તિ તો ગણિકા જેવી છે. એ અતિશય આનંદ આપે, પરંતુ ઓળખાણ જરાય ન રાખે! સરસ્વતી તો કુલવધૂ જેવી છે, જે જન્મજન્માંતરે પણ આપણો સાથ ન છોડે.’ માણસ ‘શિક્ષિત’ છે એની બીજી નિશાની કઇ? જે મનુષ્યના હૃદયમાં કોઇ અજાણી વ્યક્તિનો સ્વીકાર નથી તે ‘અશિક્ષિત’ ગણાય. રવીન્દ્રનાથ ટાગોરનું વિધાન છે: ‘There are no strangers in the world, they are friends who never met before.’ આવું સર્વાશ્લેષી વલણ ક્યારે પ્રગટ થાય? જવાબમાં મારું એક ગદ્યકાવ્ય પ્રસ્તુત છે:

પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે.

માણસ શિક્ષિત છે એની ત્રીજ નિશાની કઇ? એ નિશાનીનો સંબંધ આપણી ભીતર પડેલી ચેતના સાથે રહેલો છે. તમે પોતાની જાતથી કંટાળી ગયેલા માણસને મળ્યા છો? આસપાસ નજર નાખશો તો એવા ઘણા માણસો મળી આવશે જેઓ ‘કટી પતંગ’ની માફક પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. તેઓ પોતાના એકાંતથી ખૂબ જ ડરતા હોય છે. રાતે ટીવીના પડદા પર જે કાંઇ પીરસાય તે તેઓ લાચારીપૂર્વક જોયા કરે છે. એમણે એક યા બીજી રીતે વખત મારવો પડે છે. શું વખત એ મારવાની ચીજ છે? એકલતા (loneliness) માણસને પજવે છે, પરંતુ એકાંત (aloneness) તો બહુ ઊંચી બાબત છે. બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે. હેન્રી ડેવિડ થોરોએ એકાંતને ‘પરમ મિત્ર’ તરીકે ઓળખાવ્યું હતું.

વર્ષો પહેલાં રેડિયો પાકિસ્તાન પર એક વાક્ય સાંભળવા મળેલું: ‘આદમી જિતની બુલંદી પર પહૂંચતા હૈ, ઉતના હી તન્હા હો જાતા હૈ.’ ઘણાખરા માણસો એકાંતથી ડરે કેમ છે? કારણ કે તેઓ પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. આવી દુર્ઘટના માટે કાર્લ માર્ક્સે એક શબ્દ પ્રયોજ્યો હતો: ‘Alienation.’ એલિયનેશન એટલે સંબંધવિચ્છેદ. રાતે ટીવી પર જોવા મળતી ભંગાર સિરિયલ પણ લોકો કેવળ ‘વખત મારવા’ માટે રોજ જોતા રહે છે. બીજું કરવું પણ શું? આવી લાચારી ‘અશિક્ષિત’ હોવાની સબળ નિશાની છે. તમે ખીલે બંધાયેલી ગાયની આંખો ધારી ધારીને જોજો. એ આંખોમાં તમને મૂર્તિમંત મજબૂરી જોવા મળશે. ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. વર્ષો પહેલાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ શિક્ષણને ‘ચેતનાની ખેતી’ તરીકે પ્રમાણેલું. ચેતનાની ખેતી એટલે શું? ચેતનાની ખેતી એટલે તમારી ભીતર પડેલી શક્યતાની ખેતી! સાંભળો:

તમે માણસ છો અને
માણસનું સર્જન કરતી વખતે
ઇશ્વર જે દ્રવ્ય વાપરે છે
તેનું નામ શક્યતા છે.
હે યુવાન મિત્રો!
તમે કશીક એવી શક્યતા લઇને
જન્મ્યા છો, જે અન્ય પાસે હોય
તેના કરતાં સાવ નોખી-અનોખી છે.
તમે થોડીક મથામણ કરો ત્યારે
તમને પ્રાપ્ત થયેલી
એ ખાસ શક્યતાના અણસારા
ખાનગી રીતે તમને મળવા લાગે છે.
એક વાર તમને એ દિવ્ય અણસારા
પ્રાપ્ત થાય પછી દુનિયાની કોઇ તાકાત
તમને શક્યતાના વિશાળ આકાશમાં
પાંખો ફફડાવતા રોકી નહીં શકે.
મિત્રો અને સ્વજનો તમને
ઉડ્ડયન કરતા જોશે ત્યારે
આશ્ચર્યમાં પડી જશે કે વિરોધ પણ કરશે.
જો તમે કેવળ તમને મળેલા અણસારાને જ
વફાદાર રહેશો, તો
બાકીનું કામ ઇશ્વર સંભાળી લેશે.

[આદરણીય રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલિજીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં યોજાયેલા 46મા પદવીદાન સમારંભમાં આપેલા દીક્ષાંત પ્રવચનનો પૂર્વાર્ધ. તા. 26-2-2015 ઉત્તરાર્ધ આવતા રવિવારે.]

પાઘડીનો વળ છેડે

લગભગ પચીસ વર્ષ પહેલાં આ યુનિવર્સિટીનું કેમ્પસ વિશાળ ખેતર પર બંધાયેલી થોડીક ઇમારતોનું બનેલું હતું. એ ખેતર પર થોડાક દિવસો માટે સારસ યુગલ રહેવા આવી ચડ્યું હતું. સારસીએ ઇંડાં મૂ ક્યાં ત્યારે નર સારસ આસપાસ ફરીને સુરક્ષા કરતો રહ્યો. એક યુવાને મોટા કદનાં ઇંડાંનો ફોટોગ્રાફ મને હોંશભેર બતાવ્યો હતો. ક્યારેક વર્ગમાં ભણાવતી વખતે ટિટોડીનો લયલ્હેરિયો સ્વર કાને પડતો ત્યારે પ્રવચન અટકાવી દઇને હું અને મારા પ્રિય વિદ્યાર્થીઓ બે-ત્રણ મિનિટ માટે એ સ્વરને કાને દઇને સાંભળવાનું રાખતા. કાર હતી તોય ઘરે પાછા જતી વખતે હું વારંવાર ઉધના-મગદલ્લા રોડ પર ચાલીને જવાનું રાખતો. વસંત આવે ત્યારે રસ્તાની ડાબી બાજુએ થોડેક દૂર આવેલો કેસૂડો (કિંશુક) રંગદર્શી બની જતો. આજે જરૂર એ જગ્યાએ કોઇ હાઉસિંગ સોસાયટીનાં મકાનો ચણાયાં હશે. (દીક્ષાંત પ્રવચનના પ્રારંભે આવી નોસ્ટેલ્જિક સ્મૃતિ તાજી કરી હતી)

GUNVANT SHAH’S BIRTHDAY. INTERVIEW WITH DIVYA BHASKER, BY ESHA DADAWALA

 

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

 

એ લખે છે ત્યારે એમની કલમને શબ્દોની સાથે ટહુકા ઊગે છે. એ બોલવા ઊભા થાય છે ત્યારે માઇક ગેલમાં આવી જાય છે. એ વિચારે છે ત્યારે એક નવું જ ચિંતન જન્મ લે છે. એમને એટેક આવ્યો અને એ સર્વાઇવ થયા ત્યારે સુરેશ દલાલે કહેલું, ‘ગુણવંત નહીં, આપણે બચી ગયા છીએ..!’ માની જેમ જ એ ભાષાની કાળજી લે છે. ‘માતૃભાષા વંદના યાત્રા’-સાથે એ ગુજરાતભરમાં ફરીવળે છે. તેમના પડખામાં ગુજરાતી ભાષા સલામતી અનુભવે છે. જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ આજે 78 વર્ષના થશે. એમના જન્મદિવસ નિમિત્તે એમણે એષા દાદાવાળા સાથે ખાસ વાત કરી હતી.તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે?

ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે.

સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે, તમને ઈર્ષ્યા થાય?
(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય..

હાર્ટએટેક પછીનો તમારો સ્થાયીભાવ શો છે?
પ્રત્યેક ધનવંત, પ્રત્યેક યશવંત, પ્રત્યેક ગુણવંત આખરે તો નાશવંત છે..!! ઇફ યુ રિમેમ્બર ધીસ. યુ બીકમ અ ફિલોસોફર. તમે એટલા ઉંચે જાવ છો કે આ બધું ખરી પડે છે. અને મારું ખરી પડ્યું છે..હું જાણું છું કે કાલે પતી જવાનાે છું. ટુ મોરો આઇ વીલ નોટ બી ધેર. આઇ વીલ બી ધેર-થ્રુ માય લીટરેચર, થ્રુ માય કન્ટ્રીબ્યુશન, થ્રુ માય ક્રિએશન. કોઇ કાર્ડિયોગ્રામ વાંચશે-કોઇ ગીતા ભાષ્ય તો કોઇ મહાભારત ભાષ્ય વાંચશે. હું એમ કરીને જીવવાનો જ છું. તો મારે આમાં પડવાની શું જરૂર? આ મારો સ્થાયી ભાવ.

HAPPY BIRTHDAY GUNVANT SHAH

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે?
ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે.

સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે, તમને ઈર્ષ્યા થાય?
(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય..

આગળ ક્લિક કરીને વાંચો ગુણવંત શાહ સાથે થયેલી વાતચીત અંગે…,

પદ્મશ્રી એવોર્ડ વિજેતા સાહિત્યકાર અને ચિંતક ગુણવંત શાહનો INTERVIEW DIVYA BHASKER, 30-1-2015

વડોદરા: ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ચિંતક ગુણવંત શાહે સાહિત્ય ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મને એવોર્ડ મળે તેની ક્યારેય રાહ જોઇ ન હતી. પરંતું મને પદ્મશ્રી એવોર્ડની થયેલી જાહેરાતથી હું અને મારું પરિવાર ખૂશ છે. દિવ્ય ભાસ્કર વેબસાઇટ સાથે તેમણે કરેલી વાતચિત અત્રે પ્રસ્તુત છે.

આપણે એવોર્ડ માટે પ્રતિક્ષા કરવી પડી હોય તેમ લાગે છે?

ગુણવંત શાહ: બીલકુલ નહીં. મેં એવોર્ડની રાહ ક્યારેય જોઇ નથી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી એવી અફવા કાને અથડાતી હતી કે, આ વખતે ગુણવંતભાઇને એવોર્ડ મળશે, આ વખતે અફવા સાચી પડી.

સમાજ ઘડતરમાં લેખકો અને કટાર લેખકોની ભૂમિકા શું હોવી જોઇએ?

ગુણવંત શાહ: જે લેખક પોતે જે માનતો હોય તેને દબાવીને કશુંક લખે તે સમાજનો દ્રોહ કરે છે, તેને સમાજ વિશે લખવાનું બંધ કરી દેવું જોઇએ.

આગળ ક્લિક કરો અને વાંચો તેમની સાથે થયેલી વાતચીતના વધુ અંશો….

(તમામ તસવીરો: જીતુ પંડ્યા, વડોદરા)

વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાય તેની સરદારને ખબર હતી. DIVYA BHASKER, 15-2-2015 SURAT

વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાય તેની સરદારને ખબર હતી
પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારીબાપુનું વક્તવ્ય યોજાયું

સુરત: ઉત્તમચંદ શાહ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારીબાપુનું ‘સરદાર એટલે સરદાર એટલે સરદાર’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. ઓડિટોરિયમમાં પગ મૂકી ન શકાય એટલા ખીચોખીચ ઓડિયન્સ વચ્ચે પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારી બાપુએ સરદાર વિશે વાત માંડી. વાંચો, પદ્મશ્રી ગુણવંત શાહ અને બાપુના વક્તવવ્યના અંશ. સરદાર વલ્લભભાઇ પટેલના પાંચ ‘વ’ની ખૂબી મોરારી બાપુએ વર્ણવી હતી. સરદારને સારી રીતે ખબર હતી કે વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાઇ.

ત્રણ પદ્મશ્રી એવોર્ડ મેેળવનારા જન્મ્યા એ ફળિયું મારા ગામની પાસેનું ‘પારેખ ફળિયું’
આજે હું એકદમ મૂડમાં ગયો છું. મને સરદાર આવ્યા છે. મિત્રો-આ પદ્મશ્રી- વાળું ભૂલી જાવ. મારે એક ખાનગી વાત કહેવી છે. એકદમ ખાનગી. બે નોબલ પારિતોષિક વિજેતાઓ એક જ ફળિયામાં હોય એવું શાંતિનિકેતનમાં બન્યું. રવીન્દ્ર નાથ ટાગોરના ઘરની પાસે અમર્ત્યસેનનું ઘર છે. બે નોબલ પારિતોષિક વિજેતાઓના ઘર વચ્ચે પસાસ મીટરનું પણ અંતર નથી. હવે જે વિરલ ઘટનાની વાત કરું છું એ તમને હર્ષ પમાડે એવી ઘટના છે. ભારતમાં એકમાત્ર ફળિયું એવું છે, જે ફળિયામાં પચ્ચીસ મીટરે ત્રણ પદ્મશ્રી એવોર્ડ મેેળવનારા જન્મ્યા અને જીવ્યા. એ ફળિયું મારા ગામની પાસેનું ‘પારેખ ફળિયું’ ! એક હસમુખ પારેખ આઇસીઆઇસીના ચેરમેન, બીજા િદપક પારેખ અને ત્રીજો હું. અમે બધા પારેખ ફળિયાનાં.
***
તમને જાણીને નવાઇ લાગશે કે સરદારના પ્રીિત-પાત્ર માણસો સરદારને હંમેશા સરદાર સાહેબ કહેતા. સરદારનું સૌજન્ય-ખરબચડું સૌજન્ય છે. પાટીદારને શોભે એવું. પાટીદાર પટેલ સત્ય બોલે તો પણ ખરબચડું લાગે. બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે કોઇ ગામમાં ડેપ્યુટી કલેક્ટર જવાનો હતો. સરદારે ષડયંત્ર કર્યું, મધુર ષડયંત્ર. એમણે એવું ગોઠવ્યું કે, બારડોલી સ્વરાજ આશ્રમમાંથી ખાદીની સાડીઓની થપ્પીની થપ્પી કોઇ ગામમાં પહોંચી જાય અને બધી જ પટલાણીઓ ખાદીની સાડી પહેરેલી જોવા મળે. આ સરદારનું ષડયંત્ર. ઉત્તમચંદ શાહ સાડીઓની થપ્પી લઇને ગયા. એમણે બધી પટલાણીઓને એક-એક સાડી પધરાવી દીધી. ઉત્તમચંદભાઇએ કામ પૂરું કર્યું અને રાત્રે સ્વરાજ આશ્રમમાં પાછા ફર્યા. સરદાર ત્યાં જ હતા. એમણે નમ્રતા પૂર્વક થોડું ગભરાઇને સરદારને વાતવાતમાં કહ્યું, ‘સરદાર સાહેબ, આપણે આ સાડીવાળું કર્યું. એ બાપુજીને નહીં ગમે કદાચ!’ હવે જુઓ સરદારનું ખરબચડું સૌજન્ય. સરદારે જવાબ આપ્યો. ‘ઉત્તમચંદ, બાપુની અહિંસાને આપણે નહીં પહોંચી શકીએ. આપણે આપણને પચે એટલી અહિંસા પાળવી !’
Email

પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા. DIVYA BHASKER, 15-2-2015

જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા. મહાશિવરાત્રિ એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે.

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી, પરંતુ પૂરા છ મહિના પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્્ભાગ્ય! મેં ગાંધીજીના દૃષ્ટિબિંદુથી મહારાજને નથી જોયા, પરંતુ c/o મહારાજ ગાંધીજીને જોયા! એ પદયાત્રા વિનોબાજીના ભૂદાન આંદોલનના ભાગરૂપે 1957માં થઇ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરિત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મિત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓલપાડ, ચોર્યાસી, કિમ, બારડોલી, વ્યારા, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વિચારયાત્રા પણ ચાલતી રહેલી. પૂજ્ય મહારાજ રાંદેરમાં મારા ઘરે જ રહેલા ત્યારે મારી રેલે સાઇકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા થેલા એ સાઇકલ પર ભેરવાઇ જતા. મહારાજે એ સાઇકલનું નામ પાડ્યું: ‘યાંત્રિક ગધેડો’

બારડોલી તાલુકામાં પદયાત્રા દરમિયાન ભારે વરસાદ તૂટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગાં કરવા મથતી હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે? કેટલાંક ગામોમાં ઘૂંટણપૂર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મૂકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે? મહારાજે યજમાને આપેલું ટીનોપોલની સફેદીમાં શોભતું ધોતિયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં અને પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં તેથી ઉછીના લીધેલા પહેરણની સફેદાઇને કારણે તેઓ જુદા જુદા લાગ્યા! એમનાં ઊજળાં કામોથી આખું ગુજરાત પરિચિત ખરું, પરંતુ અત્યંત ઊજળાં કપડાંમાં એમને કોઇએ ક્યારેય જોયા નહીં હોય. હજી યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસ્તી ખાસી હતી. પૂજ્ય મહારાજને હઠીલો કબજિયાત પજવતો હતો. રમણનું કામ રોજ રાતે મૂઠી ભરીને હરડે આપવાનું રહેતું. વૈદ્યરાજ રસિકભાઇએ આ સૂચન કર્યું હતું. હરડે પણ નિષ્ફળ જતી. આવી કબજિયાત છતાં મહારાજ પૂરાં 100 વર્ષ જીવ્યા હતા. તેઓ બોચાસણમાં આત્મસ્થ થયા.

બારડોલીથી પાંચ-સાત કિલોમીટર છેટે બારાસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અંતેવાસી શ્રી નરહરિ પરીખની સ્થિતિ અત્યંત ગંભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર હતી. મહારાજે તો બારડોલી ચાલતા જ જવાનો આગ્રહ રાખ્યો. નરહરિભાઇ તો જીવંત હોવા છતાં ઇન્દ્રિયાતીત બની ચૂક્યા હતા. તે જ દિવસે નરહરિભાઇનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તૂટ્યો, પરંતુ મહારાજની પદયાત્રા અતૂટ રહી! નરહરિભાઇના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કિમ પાસેના પિપોદરા ગામેથી નીકળી ત્યારે મોહનભાઇએ અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પૂજ્ય જુગતરામભાઇના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે. આગલી રાતે જુગતરામકાકા બીજા દિવસે સવારે નાસ્તો મળે તેની ચોક્સાઇ કરી લેતા અને અંગ્રેજી છાપું અચૂક વાંચી લેતા.

મહારાજ મળસકે ચારેક વાગે જાગી જતા, પરંતુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી, પરંતુ તપખીરની દાબડી જેવડી ગુટકોગીતા હાથમાં રાખતા. જરૂર પડે તો શ્લોક જોઇ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં: મહારાજ, જુગતરામભાઇ અને બબલભાઇ મહેતા. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ ગામે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઇ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઇ તે ગઇ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો. બીજા સંત કેદારનાથજી તો કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વખત રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રાત રહેલા. તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વિનાનું પરિશુદ્ધ અધ્યાત્મ કેવું હોય. પ્રાત: સ્મરણીય મહારાજ ખાદીધારી સાધુ હતા.

એક અંગત વાત સંકોચપૂર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઇ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાંત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઇએ આવીને કહ્યું: ‘ગુણવંતભાઇ! મહારાજ તમને બોલાવે છે.’ આશ્ચર્ય થયું કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઇ ઓરડામાં બેસીને રેંટિયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે સૌ પદયાત્રીઓ આરામ કરતા અને ઊંઘ પણ આવી જતી. મળસકે ઊઠીને દસ-પંદર કિલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઊંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટિયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઇ જતા પણ જોયા હતા. મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું: ‘ગુણવંત તારા વિવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઇની દીકરી માટે.’ હું આવા પ્રસ્તાવ માટે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો. મહારાજે વાત કહી ખરી, પરંતુ આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું: ‘હું વિચારીશ.’ હર્ષકાંતભાઇ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું: ‘હું આશ્રમમાં રહું છું છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.’ મને આવી બાબતમાં મહારાજ કરતાં પણ હર્ષકાંતભાઇ વધારે શ્રદ્ધેય જણાયા! ત્યાં જ વાત પૂરી થઇ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઇ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું: ‘યોર વૂડહેવબિન મધર.’ તે દિવસે બાળકોએ મારી મશ્કરી ધરાઇને કરી. એ સ્ત્રી પણ માતા બની ચૂકી હતી. મને એક મહાન આપત્તિમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું સદ્્ગત હર્ષકાંત વોરાનો આભારી છું. હર્ષકાંતભાઇ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને M.Sc. થયા હતા અને મેથેમેટિક્સ સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું બચી ગયો રે બચી ગયો! આવો નિખાલસ નાગર મેં જીવનમાં બીજો જોયો કે જાણ્યો નથી.

પૂજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યંત આદરપૂર્વક સરદાર પટેલને ‘સરદારસાહેબ’ તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે ગટરના પાણીનો નિકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઇને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગામલોકોને ગામ ખાલી કરવા માટેના હુકમની તૈયારી કરી. નરહરિ પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં નડિયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું: ‘તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.’ મહારાજ તો સડક થઇ ગયા! થોડી વાર ચૂપ રહીને માત્ર એટલું જ બોલ્યા: ‘તો ત્યાં જમીન લેવા આવજો, હું ત્યાં મળીશ.’ સરદાર મહારાજનો મિજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું!

બીજો પ્રસંગ મોરારજીભાઇની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવંત શુકલ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવિત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુંબઇમાં મોરારજીભાઇને નિવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઇ ગુસ્સે થયા અને એમણે મહારાજને અપમાનિત કર્યા. બંને વચ્ચે બોલવાનો સંબંધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઇન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઇ ઉપવાસ પર ઊતર્યા. એમની સભા સામે ‘જનતા કરફ્યુ’નું એલાન થયું. મહારાજ અમદાવાદથી દૂર જ રહ્યા. મોરારજીભાઇના ઉપવાસ છોડાવવામાં તેઓ મદદરૂપ થાય તેમ હોવા છતાં મહારાજ મોરારજીભાઇને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યારે વર્ષો પછી મોરારજીભાઇનો વિનયપૂર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભિજાત્ય પ્રગટ કરીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. બંને મહાનુભાવો વચ્ચે ફરીથી સુમેળ થયો. પરિણામે મોરારજીભાઇએ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેનું ઉદ્્ઘાટન મહારાજ પાસે જ કરાવ્યું! એ પદયાત્રામાં મ.જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું છે. મહારાજને એમના પર ઘણો પ્રેમ હતો.

પરમ દિવસે મહાશિવરાત્રિ આવે છે. દેશી તિથિ પ્રમાણે એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે. પદયાત્રામાં એ દિવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો કારણ કે એ મારી પણ જન્મતિથિ છે. આદરણીય મોરારિબાપુની જન્મતિથિ પણ એ જ છે. મહારાજે એક સૂત્ર આપણને આપ્યું છે: ‘ઘસાઇને ઊજળાં થઇએ.’ સુરતમાં રિંગ રોડના એક ક્રોસિંગ પર મારા આગ્રહથી એ શબ્દો મહારાજના નામે વર્ષો પહેલાં કોતરાયા હતા. કદાચ આજે પણ એ વાંચવા મળશે. જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા.

પાઘડીનો વળ છેડે
પ્રિય ગુણવંતભાઇ શાહને સપ્રેમ:
પૂ. દાદાના સાંનિધ્યમાં
આપણે સાથે કરેલી પદયાત્રાની
મધુર સ્મૃતિમાં.
મ. જો. પટેલ

નોંધ: ‘સંતોની છાયામાં’ લે. મ. જો. પટેલ (26, ચાંપાનેર સોસાયટી, અમદાવાદ-13, મૂલ્ય રૂ.50/-) પુસ્તક મોકલતી વખતે લેખકે કરેલા હસ્તાક્ષર સાથે લખાયેલા શબ્દો મને છેક 1957ના વર્ષમાં તાણી ગયા!