દવાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.DIVYA BHASKER, August 2014

ગુજરાતના યુવાન મિત્રોને વિનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે

તમને હજી સુધી ડાયાબિટીઝ નથી થયો? તમારી પાસે રૂપિયા દસ કરોડ બેંકમાં જમા પડેલા છે એમ માનજો. ડાયાબિટીઝ આજની માનવજાતને પજવનારો સૌથી ખતરનાક સેતાન છે. એનું નામ મેં ‘દુર્યોધન’ પાડયું છે. ડાયાબિટીઝ એક એવો દરવાજો છે, જે ઘણા જીવલેણ રોગોનું પ્રવેશદ્વાર છે. બ્લડપ્રેશર, કિડની, આંખ, લિવર અને છેવટે હૃદય પર એની કુદૃષ્ટિ થતી હોય છે. ડાયાબિટીઝના પ્રવેશદ્વાર પર સુંદર અક્ષરે લખેલો શબ્દ છે: ‘મૃત્યુદ્વાર.’

તમને ડાયાબિટીઝ છે એવું જો ડોક્ટર એક દિવસ કહી જ દે તો તમે તમારો જ બધો વાંક છે એમ માનીને જાતને કોચવા ન માંડશો. ડાયાબિટીઝ ઘણુંખરું ઉપરથી ટપકી પડે છે. તમારા ટઅ તમને લાંબા વારસામાં મળ્યા છે અને એમાં તમારો કોઇ જ વાંક નથી. ગળપણ ખાધું તેથી ડાયાબિટીઝ થયો, એવી માન્યતા છીછરી છે. ડાયાબિટીઝ દાખલ પડી ગયો તે તમને કદી પણ નહીં છોડે, નહીં છોડે અને નહીં જ છોડે એનો સ્વભાવ વફાદાર પ્રિયજન જેવો છે. દગો દઇને માલિકને મૃત્યુ પહેલાં છોડી દેવાનું એને મંજૂર નથી. ડાયાબિટીઝ જાહેર થાય પછી એક સુંદર ઘટના બને છે. ગાગરિયું પેટ ધરાવતો ખાઉધરો લલ્લુ ચાલવાનું શરૂ કરે છે અને થોડાક ઠાલા ગૌરવ સાથે મહેમાન તરીકે કહે છે: ‘ચા લઇશ, પણ ખાંડ વિનાની.’

એ લલ્લુ ડાયાબિટીઝે એન્ટ્રી મારી તે પહેલાં આળસુનો પીર હતો અને એક કિલોમીટર છેટે જવું હોય તોય પોતાના પ્રિય ટાંટિયાને તકલીફ આપવા તૈયાર ન હતો. ડાયાબિટીઝ એને એક અનોખું જીવનદર્શન પૂરું પાડે છે: ‘ટાંટિયા તો ચાલતા ને દોડતા જ સારા.’ આવા નૂતન દર્શનને કારણે ક્યારેક ડાયાબિટીઝનો દરદી જીવન અંગેની સભાનતાને કારણે અને મૃત્યુના ડરને કારણે લાંબું જીવી જાય છે. શું આ જેવીતેવી વાત છે? આજકાલ હું પ્રિય મિત્ર કાંતિ ભટ્ટનું સ્મરણ કેમ વધારે કરું છું? એમણે એલોપથીની દવાઓ સાથે જોડાયેલાં માર્કેટનાં અને મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા ભ્રષ્ટાચારને અસંખ્ય વખત ખુલ્લો પાડીને મોટી સેવા કરી છે. મને પણ એલોપથી પ્રત્યે કોઇ પ્રેમ નથી, પરંતુ કરોડો લોકોનો એ અનુભવ છે કે એલોપથી વારંવાર યમરાજને પાછા વાળનારી સંજીવની પણ છે. હું પોતે આજે જીવું છું તે કેવળ અને કેવળ એલોપથીના આર્શીવાદને કારણે જ જીવું છું.

આવી માતૃસ્વરૂપા એલોપથીની નિંદા કરવા માટે કેટલા ટન દંભની જરૂર પડે? મારા પ્રિય મિત્ર ડો. પી. જી.પટેલને કેન્સર થયું છે. માઇક્રો તપાસની વણઝાર પછી કિમો થેરપી શરૂ થઇ ગઇ અને એવું તારણ નીકળ્યું કે ટ્રીટમેન્ટ ઉપકારક બનીને મિત્રને હજી જીવંત રાખવાની છે. એ ટ્રીટમેંટ એટલે દવાઓ, દવાઓ અને વધારે દવાઓ દવાઓ ખર્ચાળ જ હોય છે. ટ્રીટમેંટ ન મળે તો મૃત્યુ ઢૂંકડું બોલો કરવું શું? તમે કદાચ જોયું હશે કે ડોક્ટરે જાહેર કરેલો મરણાસન્ન દરદી ભક્તિમાર્ગી બની જાય છે અને જીવતેજીવત પ્રભુની લગોલગ રહેતો થઇ જાય છે. મને દવામય જીવન જીવવાની હવે ટેવ પડી ગઇ છે. સવારે નાસ્તા સાથે ત્રણ ગોળી, બપોરે ભોજન સાથે બીજી ત્રણ ગોળી અને રાતે ભોજન પછી બીજી બે ગોળી જીવનમાં ક્યારેય આવો ‘ગોળીબાર’ નહીં વેઠેલો તેથી ગાંધીજી વારંવાર યાદ આવે. કેમ? તે કે બાપુ આવા ગોળીબાર માટે કદી સંમતિ ન આપે.

બાપુ કહેવાના: ‘રામનામથી રોગ સારો થાય છે.’ બોલો શું કરવું? કવિતા રચીને છૂટી જવું અને આદરપૂર્વક બાપુને કહેવું: ‘બાપુ ક્ષમા કરજો. જે તમને પચે તે અમને ન પચે. અમારા મૃત્યુથી આ દુનિયામાં કોઇ જ ખોટ પડે તેમ નથી, તોય અમે જીવવા ઝંખીએ છે. અમે મહાત્મા નથી.’ દવા જીવનવર્ધિ‌ની છે તેથી એની સાઇડ-ઇફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઇન-કિલરની ગોળી જરૂર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી. જેણે પેઇન-કિલરની શોધ કરી એ સંશોધકને લાખ ધન્યવાદ આપજો. એન્ટિ-બાયોટિક્સની ગોળીની નિંદા કરવાની ઉતાવળ કરશો નહીં. એના આર્શીવાદ એવા કે થોડી નબળાઇ આપતી જાય, પણ મુખ્ય પીડા કે દર્દ દૂર કરતી જાય.

એન્ટિ-બાયોટિક્સનું મેં નામ પાડયું છે: ‘ત્રિજટા.’ લંકાની અશોકવાટિકામાં દુખી સીતાને ત્રિજટા નામની રાક્ષસીએ છૂપી મદદ પહોંચાડીને સીતાને માનસિક રાહત આપી હતી. (આજે પણ કાર્તિ‌કી પૂનમને દિવસે કેટલાંક મંદિરોમાં ત્રિજટાની પૂજા થાય છે. ‘ઇન્ડિયા ટુ ડે’, ૨૪-૦૧-૨૦૦૧, પાન ૬૮).મને છેલ્લાં બે વર્ષથી કફની તકલીફ રહેતી હતી. સામાન્ય ઉપચારથી ન જ મટયું તેથી માઇક્રો-માઇક્રો તપાસ શરૂ થઇ. સિટી-સ્કેન, બ્લડટેસ્ટ, શ્વાસનું જોર માપવાનો ટેસ્ટ અને ચાલવાની તથા ચાલ્યા પછીની શ્વાસોચ્છ્વાસની પરિસ્થિતિ બંદા તો કામે લાગી ગયા કમબખ્ત ગળફો, કમબખ્ત ખાંસી, કમબખ્ત ગળફાની લેબોરેટરીમાં અતિ બારીક તપાસ અને કમબખ્ત સ્પુટમ-ટેસ્ટ પછી સ્ટીરોઇડ લેવાની સલાહ બાપ રે બાપ, આંટાફેરા શરૂ થઇ ગયા અને વાતચીતમાં, બસ કફ મહાશયની જ ચર્ચા સ્ટીરોઇડ લેવાનું શરૂ થયું ત્યાં સ્ફૂર્તિ‌ જ સ્ફૂર્તિ‌ મહાભારતનું ભાષ્ય લખવાની મજા ઓર વધી ગઇ. કાર્યક્ષમતામાં જાદુઇ વધારો અને બંદા ખુશ ખુશ એ સ્ટીરોઇડે માનસિકતા બદલી નાખી.

સ્ફૂર્તિ‌ વધી તેને મેં ‘હરામની કમાણી’ ગણાવી. એ સ્ટીરોઇડને કારણે કફ ગાયબ થયો અને જીવનનો આનંદ હતો તેમાં વધારો થયો. સ્ટીરોઇડથી થતું નુકસાન પણ પેલી એન્ટિ-બાયોટિક્સની જેમ જ ત્રિજટાના કુળનું છે. સ્ટીરોઇડનું નામ શું રાખીશું? મને ધૃતરાષ્ટ્રપુત્ર ‘યુયુત્સુ’ નામ જડયું છે. યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને દુર્યોધનની સેના સામે લડયો હતો. ‘યુયુત્સુ’ ધૃતરાષ્ટ્રની વૈશ્ય દાસીથી પેદા થયેલો સુપુત્ર હતો.
દવાપ્રેમ નથી, પરંતુ દવા પ્રત્યેનો મારો ઉપકારભાવ ભૂલી શકાય તેમ નથી. જે દવા જીવનદાયિની અને મૃત્યુમર્દિની હોય તેની નિંદા કરવામાં મને તમોગુણી દંભની દુગ્ર્‍ાંધ આવે છે. આ વાત કાંતિભાઇને શી રીતે સમજાવવી? બધા દેશોની સેંકડો પ્રયોગશાળામાં ચાલતી વિજ્ઞાનીઓની સાધના માનવ-કલ્યાણ માટે છે.

એનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. મને પણ ફલાહાર, અન્નાહાર, શાકાહાર ખૂબ ખૂબ ગમે છે. સાત્ત્વિ‌ક ભોજન લઇને જ મેં જીવન વિતાવ્યું છે. જીવનમાં ક્યારેય જરૂર કરતાં વધારે એવો એક કોળિયો પણ પેટમાં પધરાવ્યો નથી. રોજ એક કલાક ખુલ્લી હવામાં ચાલવાની ટેવની ગોલ્ડન જ્યુબિલી ઊજવી શકાય તેમ છે. આમ છતાં ૬૬ વર્ષની ઉંમરે ‘દુર્યોધન’ (ડાયાબિટીઝ) જીવનમાં પેઠો તે પેઠો? આજે જીવન દવામય બન્યું છે. પરંતુ દયામણું નથી બન્યું. જાહેર પ્રવચન કરવાનું બને ત્યારે મારા પ્રિય શ્રોતાઓને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે વક્તા મંચ પર આવતાં પહેલાં શું શું કાળજી રાખીને આવ્યા છે.

એ વક્તાનો દેખાવ-દમામ જૂઠો છે. એ તો અંદરથી ખવાઇ ગયો હોવા છતાં ટટ્ટાર હોવાનો ડોળ કરી રહ્યો છે. શ્રોતાઓ તાળી પાડે ત્યારે અંદરથી ન ફુલાય તેવો વક્તા બનવાનું હજી બાકી છે. થોડી સી બેવફાઇ એક કવિતા ઊગી છે. એ પ્રતાપ પણ સ્ટીરોઇડનો કે શું? એ કવિતાની પ્રેરણા ભક્તકવિ પ્રીતમના જાણીતા ભજન ‘હરિનો મારગ’માંથી પ્રાપ્ત થઇ છે. ભાવના પ્રગટ થાય ત્યારે અકવિતા પણ સાર્થક થતી હોય છે. સાંભળો:
દવાનો મારગ છે શૂરાનો,
નહીં કાયરનું કામ જોને.
પરથમ પહેલું પ્યાલું મૂકી,
વળતી લેવી ગોળી જોને.
માથા સાટે મોંઘી વસ્તુ,
સાંપડવી નહીં સહેલ જોને.
બચી ગયા તે ખાટલો છોડી
જીવતા રહ્યા તે જાદુ જોને.
(વાત તો સાચી, પરંતુ કરવું શું?)
કૃષ્ણમ્ શરણમ્ ગચ્છામિ
સૂર્યમ્ શરણમ્ ગચ્છામિ
ડોક્ટરમ્ શરણમ્ ગચ્છામિ’
પાઘડીનો વળ છેડે
શાકાહારમાં પ્રોટીનની કમી રહી જાય છે
એ એક ભ્રમ છે.
વેજીટેરિયન આહાર રમતવીરો માટે
વધારે સારો છે, કારણ કે
એમાં એસિડિટી ઓછી હોય છે.
ડો. શિખા શર્મા
હેલ્થ એક્સ્પર્ટ
હું જ્યારે જ્યારે હરીફાઇ માટે
પ્રવાસ કરું છું ત્યારે કાયમ
ફળોનો રસ લેવાનો જ આગ્રહ રાખું છું.
મેચ શરૂ થવાની તૈયારીમાં હોય તે પહેલાં
એક કેળું ખાવાનું રાખું છું.
– યોગેશ્વર દત્ત

(ઓલિમ્પિકમાં કુસ્તી માટે બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડી)
નોંધ: ગુજરાતના યુવાન મિત્રોને વિનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે. એમની સાથે કોણ કોણ છે? જવાબ છે: પાયથોગોરસ, એરિસ્ટોટલ, શેક્સ્પિયર, વડર્ઝવર્થ, લીઓ ટોલ્સ્ટોય, આઇન્સ્ટાઇન, ગાંધીજી, મેડોના અને અમિતાભ બચ્ચન!

દવા જીવનવર્ધિ‌ની છે તેથી એની સાઇડ-ઇફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઇન-કિલરની ગોળી જરૂર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી.
એન્ટિ-બાયોટિક્સની ગોળીની નિંદા કરવાની ઉતાવળ કરશો નહીં.

ગુણવંત શાહ

તમારે હળવાખમ બનવું છે? તો પતંગિયા પાસે જાઓ. DIVYA BHASKER, JUNE 2014

સાદાર થવાની પણ હદ હોય છે. માણસ પૈસો વાપરે તે વાત આપણી સાદી સમજમાં આવે છે, પરંતુ પૈસો માણસને વાપરે એ વાત આપણી સમજમાં ઝટ બેસતી નથી. આસપાસ નજર કરજો. જરાક ઝીણી નજરે જોશો, તો એવા કેટલાક માણસો મળી આવશે જેઓ પૈસાદાર હોવાને કારણે જ ગરીબીમાં જીવી રહ્યા છે એમનું ઘર આલેશાન, પરંતુ એ ઘરમાં અટવાતી વિચારની ગરીબી ઝાંપે બંધાયેલા આલ્સેશિયન કૂતરાના કુળની એમની કાર રોનકદાર, પરંતુ કારની પાછલી સીટ પર જે વાતચીત થાય તે કેટલી ઉધાર તેની ખબર સમજુ ડ્રાઇવરને જ હોય છે. એ ઘરમાં ગૃહિ‌ણીના પર્સમાં સચવાયેલા બ્લેક મનીના થોકડે થોકડા શોપિંગ કરતી વખતે બહાર આવવા માટે ફાંફાં મારતા રહે છે.

પૈસા ઘણા પરંતુ ‘લક્ષ્મી’ ગેરહાજરલક્ષ્મી એટલે સંસ્કારથી શોભતી સમૃદ્ધિ બધા ધનવાન ‘લક્ષ્મીવાન’ નથી હોતા. સંસ્કારની સંપૂર્ણ ગેરહાજરી હોય એવા આલેશાન બંગલામાં જાઓ ત્યારે નાકે રૂમાલ દબાવવાનું ભૂલશો નહીં. આવી વિચિત્ર વાતો લખતી વખતે સદ્ગત એચ. એમ. પટેલનું સ્મરણ કેમ થયું? તા. ૨-૩-૧૯૮૪ને દિવસે એમણે મને વલ્લભવિદ્યાનગરમાં પ્રવચન માટે બોલાવ્યો હતો. પ્રવચનનો વિષય હતો: ‘કરુણામૂર્તિ‌ બુદ્ધ.’ પ્રવચન પછી એમને બંગલે જમવાનો કાર્યક્રમ હતો. જમતી વખતે મેં પૂછ્યું: ‘પટેલ સાહેબ, આપને ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?’ યાદદાસ્તને આધારે એમનો જવાબ અહીં પ્રસ્તુત છે: તમે કોઇ નાના ફ્લેટમાં રહેતા પરિવારની મુલાકાતે જાઓ ત્યારે જોજો. આ પરિવારમાં સારાં પુસ્તકો વંચાય છે. એ પરિવારમાં વિનય જળવાય છે.

એ પરિવારમાં કરકસર છે, પરંતુ કંજૂસાઇ નથી. એ ઘર ભભકાદાર નહીં હોય, તોય સ્વચ્છ હોવાનું. આવા અસંખ્ય પરિવારો જ્યાં હોય તે દેશનું ભવિષ્ય ઊજળું જ હોવાનું. ચિંતા કરવાનું કોઇ કારણ નથી. મને ભારેખમ વિદ્વાન સાહિ‌ત્યકાર પ્રત્યે ખાનગી અણગમો રહેતો હોય છે. એ સાહિ‌ત્યકાર એવું એવું લખે છે, જે સુજ્ઞ વાચક પણ સમજી ન શકે. એણે રચેલી કવિતા અન્ય કવિઓને પણ ન સમજાય તેવી હોય છે. વિદ્વતા ભારેખમ અને બોજલ શા માટે? વિનોબાજીની વિદ્વત્તા હળવાશની દીક્ષા પામી હતી. ઉપનિષદની પરિભાષામાં વિનોબાજી ‘કવિ-મનીષી-પરિભૂ-સ્વયંભૂ’ હતા, તોય હળવાખમ હતા. કેટલાય સાહિ‌ત્યકારોને ભારેખમ વિદ્વતાની ભેખડ નીચે દબાઇ મરતા જોયા છે. પોતે લખેલી કોઇ પણ વાત વાચકો ન સમજે ત્યારે તેમને લાગે છે એમની કૃતિની ગુણવત્તા ઊંચી છે. ઓસ્કર વાઇલ્ડના કડવા શબ્દો સાંભળો:
‘અઘરા શબ્દો પ્રયોજીને
ભાષાને ક્લિસ્ટ બનાવનારાઓ
એટલા માટે જ
લખતા રહે છે કે તેઓ
પોતે લખેલું પોતે પણ
વાંચતા હોતા નથી.’

નવલકથાકાર જેમ્સ જોઇસની પત્નીએ પતિને ટકોર કરી હતી: ‘તમે એવાં પુસ્તકો કેમ નથી લખતા કે જેમને સામાન્ય વાચકો પણ સમજી શકે?’ ગુજરાતી સાહિ‌ત્યકારોને મળેલી આવી સમજુ પત્નીઓની યાદી છેક ટૂંકી નહીં હોય. કેટલાય ભારેખમ સાહિ‌ત્યકારોની વિનયશીલ પત્નીઓને વાચા ફૂટે તો કોઇને પણ સમજ ન પડે એવું બોલનારા વિદ્વાનો કદી પણ ટૂંકું પ્રવચન નથી કરતા. આગલી હરોળમાં બેઠેલા વજનદાર શ્રોતાઓ વારંવાર મોટુંમસ બગાસું ખાય, તોય જે વિદ્વાન બોલ્યે રાખે તેની સંવેદનાને શું કહેવું? આવા અકરુણાવાન વિદ્વાનનું કોઇ પણ લખાણ ટૂંકું નથી હોતું. શ્રોતાઓનો સૌથી નિખાલસ અભિપ્રાય બગાસાં દ્વારા પ્રગટ થતો હોય છે. જો શ્રોતાઓ પાસે રિવોલ્વર હોય તો તો ઘણા વક્તાઓ લાંબું પ્રવચન ખેંચ્યે રાખવાની ખો ભૂલી ગયા હોતપતંગિયું હળવુંખમ હોય છે. માણસ ભારેખમ હોય છે. હળવાખમ માણસો ટહુકા માણી શકે, જીવહત્યા ન કરી શકે.

જે ધર્મ માણસ પાસેથી એની સહજ હળવાશ છીનવી લે, એવા ધર્મથી દૂર રહેવું સારું. સત્ય તલવારની નહીં, દૂધની ધાર જેવું હોય છે. ઇસુએ કહ્યું હતું: ‘જેઓ તલવાર ઉગામશે, તેઓ તલવારથી મરશે.’ બાગમાં સામેના પુષ્પ પર પતંગિયું બેઠું છે. પતંગિયાની પાસે હોવું એ પણ સત્સંગ છે. આ વાત કોઇ માનશે? એ પતંગિયાને જો માણસ પ્રાર્થનામય ચિત્તે નીરખે, તો આપોઆપ સારો માણસ બની જાય. આવો માણસ કદી પણ હુલ્લડમાં ભાગ ન લઇ શકે. ભારેખમ ધર્મ જ ક્રૂરતાના કબ્રસ્તાન રચી શકે. સામેના પુષ્પ પર બેઠેલું પતંગિયું પોતાના મૌન દ્વારા મને વિચારક્રાંતિની દીક્ષા આપતું ગયું. હૃદયની એ વિચારક્રાંતિ પ્રિય વાચકોને અર્પણ:

પુષ્પનું મધુ પામવાની પાત્રતા
કેવળ પતંગિયા પાસે જ હોય છે.
માણસ ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ
કે અત્તર બનાવી શકે,
પરંતુ ગુલાબનું મધુ ન પામી શકે.
ધરતીમાંથી ઘણુંબધું ઊગે છે,
પરંતુ ભગવાનને થયું કે
લાવ હવે કવિતા ઉગાડું
અને પછી
એણે પુષ્પનું સર્જન કર્યું
લોકો વાતવાતમાં કહેતા હોય છે
કે પતંગિયું પુષ્પ પર બેઠું છે.
માણસની ભાષા પણ માણસની કક્ષાની
માણસ આસન પર બેસે તેમ
પતંગિયું પુષ્પ પર બેસતું નથી.
પુષ્પ અને પતંગિયું એકરૂપ બને
ત્યારે યોગ-સમાધિ સિદ્ધ થાય છે.
પતંગિયું બાગમાં નથી ઊડતું,
એ તો એની અવકાશયાત્રા હોય છે.
પતંગિયાની પાંખ પર બેસીને
આખું આકાશ જ્યારે પૃથ્વીને મળવા આવે
ત્યારે પુષ્પ પૃથ્વીનું સ્મિત
સમગ્ર આકાશને પહોંચાડતું રહે છે.
અને હા,
પતંગિયું પુષ્પ સાથે એકચિત્ત બને
ત્યારે નવરો માણસ પણ કહે છે:
હું અત્યારે Busy છું
માણસને ટેવ પડી છે, છાણના પોદળા પર અગરબત્તી પેટાવવાની અગરબત્તી પેટાવ્યા પછી એ રાહ જોયા કરે છે કે છાણનો પોદળો સુગંધીદાર થયો કે નહીં. એ માણસને તમે મળ્યા છો?’
પાઘડીનો વળ છેડે
કંઠમાં શોભે તો શોભે,
માત્ર પોતીકો અવાજ.
પારકી રૂપાળી કંઠી
બાંધવાનું છોડીએ,
કોઇના દરબારમાં
હાજર થવાનું છોડીએ.
આવશે જે આવવાનું હોય એ
પાસે ખુદ-બખુદ-
અહીં કે ત્યાં, આજે કે કાલે…
શોધવાનું છોડીએ.
– હેમેન શાહ

પતંગિયું હળવુંખમ હોય છે. માણસ ભારેખમ હોય છે. હળવાખમ માણસો ટહુકા માણી શકે, જીવહત્યા ન કરી શકે. જે ધર્મ માણસ પાસેથી એની સહજ હળવાશ છીનવી લે, એવા ધર્મથી દૂર રહેવું સારું. ભારેખમ ધર્મ જ ક્રૂરતાના કબ્રસ્તાન રચી શકે.

ગુણવંત શાહ

તમારી ઇર્ષા થાય છે? નસીબદાર છો બરખુરદાર. DIVYA BHASKER, JUNE 2014

આપણા દેશમાં જેટલાં ધર્મસ્થાનો છે એટલાં અન્ય કોઇ પણ દેશમાં નહીં હોય. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે દેરાસર વટાવ્યા વિના આ દેશનો આમ આદમી કેટલા કિલોમીટર ચાલી શકે? ભારતમાં જેટલા ધર્મગુરુઓ, ધર્માચાર્યો, ઉપદેશકો, કથાકારો, સાધુબાવાઓ અને મહાત્માઓ છે, એટલા દુનિયાના કોઇ પણ દેશમાં નહીં હોય. આત્મા-પરમાત્માની, મોક્ષ-નિર્વાણની અને સ્વર્ગ-નરકની જેટલી વાતો આપણા દેશમાં થાય છે, એટલી અન્ય કોઇ દેશમાં થતી નહીં હોય. આપણા દેશમાં જેટલા ધાર્મિ‌ક તહેવારો છે એટલા તહેવારો બીજે ક્યાંય નથી.

આપણો દેશ ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન નહીં, ધર્મપ્રધાન છે. અહીં વાતે વાતે ‘ધર્મ’ શબ્દ હવામાં ફંગોળાય છે. અહીં સેવા-પૂજા-ઇબાદત-પ્રાર્થના કરનારાં સ્ત્રી-પુરુષોની અંધશ્રદ્ધા પણ ‘ધાર્મિ‌ક’ હોય છે. આવા ધર્મપ્રધાન, ભક્તિપ્રધાન અને શ્રદ્ધાપ્રધાન દેશમાં જેટલી ઇર્ષાવૃત્તિ જોવા મળે છે તેટલી અન્ય કોઇ પણ દેશમાં જોવા મળે ખરી? અખંડ સૌભાગ્યવતી ઇર્ષાગૌરીની આણ ન હોય એવું એક પણ ક્ષેત્ર જોવા મળતું નથી. સમાજને ઇર્ષાવૃત્તિ પજવે છે, પ્રજાળે છે અને પાડે છે. ઇર્ષા કરવી એ આપણો રાષ્ટ્રીય રોગ છે. સદીઓ વીતી તોય વનસ્પતિ સૃષ્ટિ લીલીછમ રહી તેનું કારણ શું? એક મૌલિક કારણ જડયું છે.

વનસ્પતિ સૃષ્ટિમાં ઇર્ષાનું નામોનિશાન નથી તેથી કરોડો વર્ષ પછી પણ એ લીલીછમ રહી શકી છે. કોથમીરની પણી કદી મેથીની ભાજીની પણીની અદેખાઇ નથી કરતી. આસોપાલવ ફળહીન (નિષ્ફળ) છે અને આંબો ફળયુક્ત (સફળ) છે, પરંતુ આસોપાલવે હજી સુધી ક્યારેય આંબાની અદેખાઇ કરી હોય એવું જાણ્યું નથી. બાવળિયો, કેવળ બાવળિયો છે અને લીમડો, કેવળ લીમડો છે. બંને પોતપોતાની જગ્યાએ મસ્ત છે વડ પાસે છે તેવી ઘટા અન્ય કોઇ વૃક્ષ પાસે નથી. સંસ્કૃતમાં વડ માટે ‘ન્યગ્રોધ’ શબ્દ પ્રયોજાયો છે. વડ જેવી ઘટાદાર-છટાદાર અને સુવિકસિત સ્ત્રી માટે શબ્દ છે: ‘ન્યગ્રોધપરિમંડલા’. વાત એમ છે કે સૌંદર્યવતી સ્ત્રી અન્ય સ્ત્રીઓમાં ઇર્ષા પેદા કરે છે. તેજસ્વી પુરુષ અન્ય મધ્યમ કક્ષાના પુરુષોમાં ઇર્ષા પેદા કરે છે.

કોઇ પણ હાઇસ્કૂલમાં જઇને ઝીણી આંખે અને સરવે કાને ટીચર્સ રૂમમાં થોડાક કલાકો ગાળજો. જે શિક્ષક તેજસ્વી અને ઓજસ્વી હોય તેની અદેખાઇ બાકીના શિક્ષકો જરૂર કરતા હશે. ગંદા સમાજમાં તેજસ્વી હોવું એ બિનફોજદારી ગુનો છે. વનસ્પતિ સૃષ્ટિમાં અદેખાઇ નથી. વૃક્ષ સ્વસ્થ છે. શિવસહસ્ર્ાનામમાં ભગવાન શિવનું એક નામ છે: ‘વૃક્ષાકાર:’. મનુષ્યે વનસ્પતિની ઇર્ષા કરવી જોઇએ? જો ઇર્ષા કરવાથી પણ વનસ્પતિ પાસે હોય તેવી સંતુષ્ટિ અને સંતૃપ્તિ મળતી હોય, તો ઇર્ષા કરવાનું પણ વસૂલ છે. ફ્રેન્ચ ફિલસૂફ પોતાના પુસ્તક ‘The Fall into Time’(૧૯૭૧)માં લખે છે:
જે માણસે કદી પણ
વનસ્પતિની ઇર્ષા નથી કરી,
તે માણસ
માનવતાનું નાટક ચૂકી ગયો
દેરાણી અને જેઠાણી વચ્ચે ઇર્ષાનો અંશ પણ ન હોય, તો જાણવું કે બંને સ્ત્રીઓ સાધ્વી છે.

અરે બે સાધ્વીઓ ઇર્ષામુક્ત હોય છે ખરી? કૌશલ્યા અને કૈકેયી વચ્ચે પણ ઇર્ષામુક્ત સંબંધ ન હતો. દશરથ રાજાને સૌંદર્યવતી અને યુવાન કૈકેયી પ્રત્યે થોડોક વધારે અનુરાગ હતો, તેથી મહારાણી કૌશલ્યાને અસુખ રહેતું હતું. વાલ્મીકિ રામાયણમાં કૌશલ્યાની બેચેની પ્રગટ થઇ છે. ભીમ અને દુર્યોધન વચ્ચે ઇર્ષાભાવ હતો. એ જ રીતે અર્જુન અને કર્ણ વચ્ચે પણ ઇર્ષાભાવ હતો. હારેલી દુર્યોધનતા દ્રૌપદીના સ્વયંવર પછી તોફાને ચડી તેથી જુગારની રમતનું ષડ્યંત્ર રચાયું. સૌંદર્યવતી સ્ત્રી યુદ્ધની જનની બની શકે છે. કુબ્જા (ત્રિવક્રા)ને કારણે કદી યુદ્ધ ન થાય. ઇર્ષાને મહિ‌ના રહે પછી જ યુદ્ધ થતું હોય છે.

સીતા માટે વાલ્મીકિએ બે વિશેષણો પ્રયોજ્યાં છે: ૧. વરારોહા (શ્રેષ્ઠ નિતંબવાળી) અને ૨. તનુમધ્યમા (પાતળી કમરવાળી). સીતા જો અતિસુંદર સ્ત્રી ન હોત, તો એનું અપહરણ થયું હોત ખરું? જો અપહરણ ન થયું હોત, તો રામ-રાવણ યુદ્ધ થયું હોત ખરું? ના, ના, ના ઇર્ષાનું મનોવિજ્ઞાન સમજવામાં ત્રણ બાબતો યાદ રાખવી પડે:
૧. ઇર્ષા સરખે સરખા વચ્ચે પેદા થાય છે.
૨. ઇર્ષા અસામર્થ્યનું પરિણામ છે.
૩. ઇર્ષા મનુષ્યની અપર્યાપ્તતાનું બીજું નામ છે.
ઇર્ષામુક્તિની સાધના વિના જીવનનો આનંદ દૂર રહી જાય છે. જ્યાં ઇર્ષા છે, ત્યાં અતૃપ્તિ છે. જ્યાં અતૃપ્તિ હોય ત્યાં અસુખ હોવાનું જ જે માણસ તૃપ્ત નથી, તે પાસ-ટાઇમ માટે બીજે નજર દોડાવે છે. જે તૃપ્ત હોય તે બીજે નજર શા માટે દોડાવે? કૃષ્ણે ગીતામાં એક મૌલિક શબ્દ પ્રયોજ્યો છે: ‘આત્મતૃપ્ત.’ આત્માની જગ્યાએ સૌરાષ્ટ્રની (સુરાષ્ટ્રની)દિવ્યભૂમિ તરફથી એક તળપદો શબ્દ મળ્યો: ‘માંહ્યલો.’ જેનો માંહ્યલો રાજી રાજી, તે ના કરે તારાજી અન્યને એક કિલોગ્રામનું નુકસાન પહોંચાડવા માટે પોતાની જાતનું એક ટન નુકસાન વેઠવું જ પડે છે. ઇર્ષા માણસને ખૂબ મોંઘી પડે છે. ઇર્ષા એટલે અન્યને હાનિ પહોંચાડવા માટે આપવામાં આવેલું માનસિક બલિદાન હાથી પોતાની મસ્તીમાં ચાલ્યો જાય છે. પાછળ જે કૂતરાં ભસે તેમાં અદેખાઇનો ભાવ નથી હોતો.

શિયાળને સિંહની અદેખાઇ ન થાય, કારણ કે જ્યાં લઘુતાગ્રંથિ હોય, ત્યાં ઇર્ષા નથી હોતી. અદેખાઇ બે હરીફો વચ્ચે થતી હોય છે. તંદુરસ્ત હરીફાઇ થાય ત્યારે ઇર્ષાવૃત્તિ પણ પુરુષાર્થની અભિપ્રેરણા (એચીવમેંટ મોટિવેશન)માં ફેરવાઇ જતી હોય છે. કોકા કોલા અને પેપ્સી કોલા વચ્ચેની હરીફાઇમાં ક્યાંય અંગત રાગદ્વેષ નથી હોતો. આવી હરીફાઇ ભલે ચાલતી. સાહિ‌ત્યકારો, સંગીતકારો અને કલાકારોએ આ વાત મોટા ઉદ્યોગગૃહો પાસેથી સમજવા જેવી છે. હરીફાઇને તંદુરસ્ત રાખવી એ ઇર્ષાવૃત્તિને સખણી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે સાચો સર્જક છે, તે ખાનગીમાં પોતાની જાત સાથે હરીફાઇ કરતો રહે છે. પોતાના આગલા સર્જન કરતાંય ચડિયાતું સર્જન કરવાની તમન્ના ન હોય, તેણે સર્જક હોવાનો ડોળ ન કરવો જોઇએ. સર્જકનો સ્થાયીભાવ હોય છે: ‘ધ બેસ્ટ ઇઝ યટ ટુ કમ.’

હલકી કક્ષાની ઇર્ષા કરનારો માણસ વાસ્તવમાં પોતાના અસામર્થ્યને જ પ્રગટ કરતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ ઇર્ષાનો પાલક પિતા ગણાય. ઇર્ષાનો જન્મ મનુષ્યની અપર્યાપ્તતાની કૂખે થતો હોય છે. ઇર્ષાવૃત્તિથી બચવાનો ઉત્તમ ઉપાય પોતાના પરાક્રમને અંદરથી વધારતાં રહેવાનો છે. તમારી ઇર્ષા થતી હોય, તો તમે નસીબદાર છો, બરખુરદાર આપણા પ્રત્યે થતી ઇર્ષાને રોકવાની જવાબદારી આપણી નથી. એને રોકવા માટે કૃત્રિમ નમ્રતા પ્રગટ કરવાની બિલકુલ જરૂર નથી. સફળતા પ્રાપ્ત કરનાર માણસે ઇર્ષારૂપી આવકવેરો ભરવો જ રહ્યો જેઓ ઇર્ષા કરે તેવા લોકોને મસ્કા મારવાની જરાય જરૂર નથી. જો તાકાત હોય, તો ઇષ્ર્યાળુ માણસોની દયા ખાવી રહી. વળી વધારે તાકાત હોય, તો આપણી ઇર્ષા કરવા માટે ચોવીસે કલાક તત્પર રહેતા બબૂચકોને ક્ષમા આપવી રહી. ક્ષમા આપવા માટે પ્રચંડ સામર્થ્યની જરૂર પડે છે.

વિચારવા જેવું છે કે ઇશ્વરે જે તમને આપ્યું છે તે તમારી ઇર્ષા કરનારને નથી આપ્યું. ક્ષમા આપવા જેટલી તાકાત ન હોય, તો તમારી પાછળ પડી ગયેલા લોકોની અવગણના કરવી. વિરાટ કોહલીની અદેખાઇ અન્ય કોઇ ક્રિકેટર કરે, તો અદેખાઇ કરનારની શાંતિ માટે વિરાટ કોહલી ઓછાં રન કરે ખરો? યાદ રાખવા જેવું છે કે ઇર્ષા કદી રેંજીપેંજી માણસોની થતી નથી. તમે રેંજીપેંજી ન હો, તો નસીબદાર છો. રેંજીપેંજી ન હોવું એ કોઇ ગુનો નથી.’
પાઘડીનો વળ છેડે
ઉદ્ધત વર્તન એટલે
નબળા માણસે કરેલી
તાકાતની નકલ
– એરિક હોફર

ઇર્ષામુક્તિની સાધના વિના જીવનનો આનંદ દૂર રહી જાય છે. જ્યાં ઇર્ષા છે, ત્યાં અતૃપ્તિ છે. જ્યાં અતૃપ્તિ હોય ત્યાં અસુખ હોવાનું જ જે માણસ તૃપ્ત નથી, તે પાસ-ટાઇમ માટે બીજે નજર દોડાવે છે. જે તૃપ્ત હોય તે બીજે નજર શા માટે દોડાવે? જેનો માંહ્યલો રાજી રાજી, તે ના કરે તારાજી ઇર્ષા માણસને ખૂબ મોંઘી પડે છે.

ગુણવંત શાહ