અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે.
આ પૃથ્વી પર અબજો વૃક્ષો પવનમાં ડોલી રહ્યાં છે. એ બધાં જ વૃક્ષો એક પગ પર ઊભાં છે. ઉપનિષદના ઋષિ કહે છે કે એ બધાં વૃક્ષો ધ્યાન કરી રહ્યાં છે. વૃક્ષો અસંખ્ય છે, પરંતુ બિલકુલ સરખાં એવાં બે વૃક્ષો હજી સુધી પેદા નથી થયાં. પ્રત્યેક વૃક્ષ અનન્ય છે અને અદ્વિતીય છે. એક જ વૃક્ષ પર પવનમાં ફરફરતાં પાંદડાં કેટલાં? ગણવાનો પ્રયત્ન કરી જોજો. પાંદડાં હસી પડશે! જો એકાદ પાંદડાને વાણી ફૂટે, તો તે તમને કહેશે: ‘બરખુરદાર! લાખો સદીઓ વીતી ગઇ, પરંતુ હજી સુધી બિલકુલ મારા જેવું બીજું પાંદડું પેદા નથી થયું અને હવે પછી આવનારી લાખો સદીઓમાં પણ મારા જેવું જ પાંદડું ક્યારેય પેદા નહીં થાય. પ્રત્યેક પાંદડું નોખું-અનોખું છે. પરમેશ્વરના સર્જનમાં ક્યાંય ઝેરોક્ષ નકલ નથી. જે કશુંક સર્જાય, તે અપુનરાવર્તનીય (unrepeatable) છે. શું ભગવાન નવરોધૂપ? ભગવાનમાં ન માનતા હો, તોય સર્જનમાં માનવું રહ્યું!’
હે યુવાન મિત્ર! પરીક્ષામાં તું વારંવાર નાપાસ થાય કે પ્રિયજન પામવામાં અનેક નિષ્ફળતા મળે, તોય એક વાત કદી પણ ભૂલતો નહીં. આ પૃથ્વી પર તારા જેવો ઇડિયટ ક્યારેય પેદા થયો નથી અને થવાનો પણ નથી. You are a very special idiot on this earth. આવું વિચારવાથી તને ખૂબ જ લાભ થશે. તને કદી પણ લઘુતાગ્રંથિ નહીં પજવે અને તું કદી પણ નિરાશાની અંધકારમય ખીણમાં સરી નહીં પડે. પ્રત્યેક ઇડિયટ પાસે એક અદૃશ્ય કોહિનૂર હોય છે. એ કોહિનૂરનું નામ આત્મવિશ્વાસ છે. પતિ-પત્નીએ પરસ્પર પ્રેમ કરવા ઉપરાંત બીજું પણ એક ખાસ કામ કરવાનું છે. બંને જણાએ સમજણપૂર્વક પાર્ટનરના આત્મવિશ્વાસનું જતન કરવાનું છે. જે પત્ની પતિને કોઇ પણ નિર્ણય લેવાની છૂટ આપતી ન હોય, તે પતિના આત્મવિશ્વાસને છીનવી લઇને એને લઘુતાગ્રંથિનો કોથળો બનાવી દેતી હોય છે. એ કોથળામાં પર્સનાલિટીની રાખોડી ભરેલી હોય છે. એ જ રીતે દેશના કરોડો પરિવારોમાં મુસોલિની જેવા ડિક્ટેટરના કહ્યામાં રહેતી અખંડસૌભાગ્યવતી ‘કોથળીદેવી’ સતત સડતી રહે છે. આવું બને તેમાં સર્જનહારનું અપમાન છે. બંને લગ્નબંધનથી જોડાયાં હોય, તોય સ્વાયત્ત છે. વીણાના તાર સાથે પણ વાગે અને એક જ તાર પણ પોતીકું સંગીત પેદા કરે છે. એ છે સંગીતમય સ્વાયત્તતા!
સાવ સાચો બનેલો પ્રસંગ કહું? એક અધિકારી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરતો હતો. એ રુશવત લેતાં પકડાઇ ગયો અને નોકરી ગુમાવી બેઠો. એની પત્ની માધ્યમિક શાળામાં શિક્ષિકા હતી અને પ્રભાવશાળી સ્ત્રી હતી. એ શિક્ષિકા માર્ગદર્શન લેવા માટે મારી પાસે આવી. મેં એને કહ્યું: ‘પતિએ જે રુશવત લીધી તેમાં તમારો ભાગ ખરો કે નહીં? તો હવે આવી પડેલી આપત્તિનો સાથે મળીને સામનો કરજો. પતિ ખૂબ હતાશા અનુભવે ત્યારે તમે એનો ‘ઇગો’ જાળવી લેજો. એના અહંકારને ચોટ પહોંચે એવું એક વાક્ય પણ બોલશો નહીં. અને હા, આવી નિરાશાજનક પળોમાં જો એ સેક્સની માગણી વધારે કરે, તો તે વાતે પણ પૂરો સાથ આપજો.’ પત્ની સમજુ હતી. પતિએ નોકરી ગુમાવી, પરંતુ આખરે પરિવારને અન્ય કોઇ વ્યવસાયને કારણે મુસીબત પાર કરવામાં સફળતા મળી. પાછળથી પત્નીએ મને જણાવ્યું: ‘તમે જે સ્પષ્ટ સલાહ આપી તેવી સલાહ અન્ય કોઇએ આપી ન હોત. અમે બધી રીતે સુખી છીએ.’
પાર્ટનરનો આત્મવિશ્વાસ તોડી નાખીને એને આજ્ઞાંકિત બનાવી દેવામાં કયું સુખ? અરે! પરમ સુખદાયી મૈથુન પણ આત્મવિશ્વાસ માગે છે. મૈથુન કદી બે ઢીલાંઢાલા પતિ-પત્ની વચ્ચે નથી જામતું. ગણિકાને ત્યાં પણ ઢીલાઢસ લલ્લુને આદર નથી મળતો. તન અને મનની તાકાત વિનાનું મૈથુન એટલે સ્પાર્ક-પ્લગ વિનાનું સ્કૂટર! એ સ્કૂટરને કિક વાગે ખરી? મૈથુન દરમિયાન પ્રાપ્ત થતી ચરમસીમા (ક્લાઇમેક્સ) તો સાક્ષાત્ પરમેશ્વરની અપાર કરુણાનું ક્ષણાતીર્થ છે. છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભે છઠ્ઠા મંત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ૐ’ સંજ્ઞામાં મૈથુન દ્વારા થતા સર્જનનું રહસ્ય અભિપ્રેત છે. જ્યાં મિથુનભાવ (યુગલત્વ) છે, ત્યાં ઇચ્છાપૂર્તિ છે. એમાં અશ્લીલ કશુંય નથી. આ વાત કૃષ્ણના કુળની છે, ગાંધીના કુળની નથી. આનંદની ચરમ અનુભૂતિની દૃષ્ટિએ એ ‘તીર્થક્ષણ’ આત્મસાક્ષાત્કાર પછીના ક્રમે આવતી હોવી જોઇએ. આનંદવિહોણું અધ્યાત્મ એટલે કોમ્પ્રેસર વિનાનું રેફ્રિજરેટર! આનંદવિરોધી ધર્મ એટલે આતંકવાદનું ધરુવાડિયું! આપણું કોણ સાંભળે?
મૈથુનમધ્યે પ્રાપ્ત થતી ચરમસીમાએ
સર્જાતી તીર્થક્ષણ દરમિયાન આવી મળતી
અલૌકિક અને અવર્ણનીય
કૃપાનુભૂતિ, આનંદાનુભૂતિ અને અમૃતાનુભૂતિને આત્મસાત્ કરવી એ પ્રત્યેક ઇડિયટનો
પવિત્ર અને આનંદસિદ્ધ અધિકાર છે.
એમાં જે રુકાવટ આવે
તેનું જ નામ આતંકવાદ છે.
વિશ્વશાંતિનું રહસ્ય પરસ્પરતાથી રસાયેલી
એવી એકત્વની આરાધનામાં રહેલું છે.
જ્યાં દ્વૈત હતું, ત્યાં એકત્વ સિદ્ધ થયું!
એક ઇડિયટની કથા કહેવી છે. એ મહિલાનું નામ એનેસ્ટેસિયા સોઅરે છે. એનો જન્મ સામ્યવાદથી ખદબદતા રોમાનિયામાં એવે વખતે થયો જ્યારે કોલ્ડ વોરની તીવ્રતા ટોચ પર પહોંચી હતી. સારું જીવન મળે એવી આશાએ એ મહિલા અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં જઇ પહોંચી. પાસે પૈસા ન હતા અને અંગ્રેજી બોલવાનું આવડે નહીં તેથી મુશ્કેલીનો પાર નહીં. એણે તો એક બ્યુટી સલૂનમાં રોજના 14 કલાક કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે એને સમજાયું કે વૈતરું કરવાથી ઝાઝું વળે તેમ નથી ત્યારે એણે એક પરાક્રમ કર્યું. એણે બેવરલી હિલ્સમાં બિઝનેસ શરૂ કર્યો.
એમાં એને જબરી સફળતા મળી કારણ કે સ્ત્રીઓની ભમરને ખાસ આકાર આપવાની કળા એની પાસે હતી. વર્ષો વીત્યાં પછી આજે એ ભમરને સુંદરતાથી સજાવનારી સૌથી જાણીતી બ્યૂટિશિયન બની ગઇ છે. હોલિવૂડમાં ભલભલી અભિનેત્રીઓ એની પાસે ભમરની શોભા વધારવા માટે લાઇન લગાવે છે. દુનિયામાં એની કંપનીનાં શૃંગાર દ્રવ્યો અસંખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાય છે. વાત અહીં અટકતી નથી. એણે ‘એનેસ્ટેસિયા બ્રાઇટર હોરાઇઝન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે જેના દ્વારા અનેક યુવક-યુવતીઓને બ્યૂટી અને ચામડીની કાળજી સાથે જોડાયેલા બિઝનેસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. રોમાનિયા છોડીને અમેરિકામાં લગભગ નિરાશ્રિત જેવી હાલતમાં પહોંચેલી મહિલા ઇડિયટની આ કથા કોઇ પણ યુવક-યુવતીને નિરાશ થઇને બેસી પડવાની છૂટ નથી આપતી.
તમારી સાથે પ્રિયજન તરફથી ભયંકર દગો થયો નછે? દરરોજ સવારે ઊઠો ત્યારે એ ભૂતપૂર્વ પ્રિયજનને ક્ષમા કર્યા પછી જ બાથરૂમ જવાનું રાખશો. વળી તમારા પર જેણે ઉપકાર કર્યો હોય તેનું વિસ્મરણ થાય તેવું કદી કરશો નહીં. અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે. ગમે તેવી આપત્તિ આવી પડે ત્યારે એક જ વાતનું સ્મરણ કરવા જેવું છે. મર્યાદાપુરુષોત્તમ રામ પર જેટલી આપત્તિઓ આવી હતી તેનાથી હજારમા ભાગની આપત્તિ પણ આપણા પર આવી નથી. આ લખાણ અત્યારે તમે વાંચી રહ્યા છો, એ જ બતાવે છે કે હજી તમે જીવતા છો. શું આટલું પૂરતું નથી? પાંચ ઊંડા શ્વાસ લઇને ઊગતા સૂર્યનું અભિવાદન કરીને કામે લાગી જાઓ! એક ઇડિયટની આ વિચિત્ર વાત પર વિચાર કરશો?
પાઘડીનો વળ છેડે
પૃથ્વી પર આવ્યાનું
તમારું મિશન
પૂરું થયું કે નહીં,
તે જાણવાની કસોટી
એક જ છે.
જો તમે જીવતા હો
તો જાણવું કે
એ મિશન હજી પૂરું નથી થયું!
– રિચાર્ડ બેક
નોંધ: લેખકના ઉત્તમ પુસ્તક ‘Illusions’માંથી.