પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા. DIVYA BHASKER, 15-2-2015

જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા. મહાશિવરાત્રિ એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે.

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી, પરંતુ પૂરા છ મહિના પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્્ભાગ્ય! મેં ગાંધીજીના દૃષ્ટિબિંદુથી મહારાજને નથી જોયા, પરંતુ c/o મહારાજ ગાંધીજીને જોયા! એ પદયાત્રા વિનોબાજીના ભૂદાન આંદોલનના ભાગરૂપે 1957માં થઇ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરિત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મિત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓલપાડ, ચોર્યાસી, કિમ, બારડોલી, વ્યારા, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વિચારયાત્રા પણ ચાલતી રહેલી. પૂજ્ય મહારાજ રાંદેરમાં મારા ઘરે જ રહેલા ત્યારે મારી રેલે સાઇકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા થેલા એ સાઇકલ પર ભેરવાઇ જતા. મહારાજે એ સાઇકલનું નામ પાડ્યું: ‘યાંત્રિક ગધેડો’

બારડોલી તાલુકામાં પદયાત્રા દરમિયાન ભારે વરસાદ તૂટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગાં કરવા મથતી હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે? કેટલાંક ગામોમાં ઘૂંટણપૂર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મૂકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે? મહારાજે યજમાને આપેલું ટીનોપોલની સફેદીમાં શોભતું ધોતિયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં અને પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં તેથી ઉછીના લીધેલા પહેરણની સફેદાઇને કારણે તેઓ જુદા જુદા લાગ્યા! એમનાં ઊજળાં કામોથી આખું ગુજરાત પરિચિત ખરું, પરંતુ અત્યંત ઊજળાં કપડાંમાં એમને કોઇએ ક્યારેય જોયા નહીં હોય. હજી યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસ્તી ખાસી હતી. પૂજ્ય મહારાજને હઠીલો કબજિયાત પજવતો હતો. રમણનું કામ રોજ રાતે મૂઠી ભરીને હરડે આપવાનું રહેતું. વૈદ્યરાજ રસિકભાઇએ આ સૂચન કર્યું હતું. હરડે પણ નિષ્ફળ જતી. આવી કબજિયાત છતાં મહારાજ પૂરાં 100 વર્ષ જીવ્યા હતા. તેઓ બોચાસણમાં આત્મસ્થ થયા.

બારડોલીથી પાંચ-સાત કિલોમીટર છેટે બારાસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અંતેવાસી શ્રી નરહરિ પરીખની સ્થિતિ અત્યંત ગંભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર હતી. મહારાજે તો બારડોલી ચાલતા જ જવાનો આગ્રહ રાખ્યો. નરહરિભાઇ તો જીવંત હોવા છતાં ઇન્દ્રિયાતીત બની ચૂક્યા હતા. તે જ દિવસે નરહરિભાઇનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તૂટ્યો, પરંતુ મહારાજની પદયાત્રા અતૂટ રહી! નરહરિભાઇના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કિમ પાસેના પિપોદરા ગામેથી નીકળી ત્યારે મોહનભાઇએ અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પૂજ્ય જુગતરામભાઇના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે. આગલી રાતે જુગતરામકાકા બીજા દિવસે સવારે નાસ્તો મળે તેની ચોક્સાઇ કરી લેતા અને અંગ્રેજી છાપું અચૂક વાંચી લેતા.

મહારાજ મળસકે ચારેક વાગે જાગી જતા, પરંતુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી, પરંતુ તપખીરની દાબડી જેવડી ગુટકોગીતા હાથમાં રાખતા. જરૂર પડે તો શ્લોક જોઇ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં: મહારાજ, જુગતરામભાઇ અને બબલભાઇ મહેતા. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ ગામે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઇ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઇ તે ગઇ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો. બીજા સંત કેદારનાથજી તો કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વખત રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રાત રહેલા. તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વિનાનું પરિશુદ્ધ અધ્યાત્મ કેવું હોય. પ્રાત: સ્મરણીય મહારાજ ખાદીધારી સાધુ હતા.

એક અંગત વાત સંકોચપૂર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઇ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાંત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઇએ આવીને કહ્યું: ‘ગુણવંતભાઇ! મહારાજ તમને બોલાવે છે.’ આશ્ચર્ય થયું કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઇ ઓરડામાં બેસીને રેંટિયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે સૌ પદયાત્રીઓ આરામ કરતા અને ઊંઘ પણ આવી જતી. મળસકે ઊઠીને દસ-પંદર કિલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઊંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટિયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઇ જતા પણ જોયા હતા. મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું: ‘ગુણવંત તારા વિવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઇની દીકરી માટે.’ હું આવા પ્રસ્તાવ માટે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો. મહારાજે વાત કહી ખરી, પરંતુ આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું: ‘હું વિચારીશ.’ હર્ષકાંતભાઇ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું: ‘હું આશ્રમમાં રહું છું છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.’ મને આવી બાબતમાં મહારાજ કરતાં પણ હર્ષકાંતભાઇ વધારે શ્રદ્ધેય જણાયા! ત્યાં જ વાત પૂરી થઇ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઇ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું: ‘યોર વૂડહેવબિન મધર.’ તે દિવસે બાળકોએ મારી મશ્કરી ધરાઇને કરી. એ સ્ત્રી પણ માતા બની ચૂકી હતી. મને એક મહાન આપત્તિમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું સદ્્ગત હર્ષકાંત વોરાનો આભારી છું. હર્ષકાંતભાઇ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને M.Sc. થયા હતા અને મેથેમેટિક્સ સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું બચી ગયો રે બચી ગયો! આવો નિખાલસ નાગર મેં જીવનમાં બીજો જોયો કે જાણ્યો નથી.

પૂજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યંત આદરપૂર્વક સરદાર પટેલને ‘સરદારસાહેબ’ તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે ગટરના પાણીનો નિકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઇને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગામલોકોને ગામ ખાલી કરવા માટેના હુકમની તૈયારી કરી. નરહરિ પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં નડિયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું: ‘તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.’ મહારાજ તો સડક થઇ ગયા! થોડી વાર ચૂપ રહીને માત્ર એટલું જ બોલ્યા: ‘તો ત્યાં જમીન લેવા આવજો, હું ત્યાં મળીશ.’ સરદાર મહારાજનો મિજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું!

બીજો પ્રસંગ મોરારજીભાઇની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવંત શુકલ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવિત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુંબઇમાં મોરારજીભાઇને નિવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઇ ગુસ્સે થયા અને એમણે મહારાજને અપમાનિત કર્યા. બંને વચ્ચે બોલવાનો સંબંધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઇન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઇ ઉપવાસ પર ઊતર્યા. એમની સભા સામે ‘જનતા કરફ્યુ’નું એલાન થયું. મહારાજ અમદાવાદથી દૂર જ રહ્યા. મોરારજીભાઇના ઉપવાસ છોડાવવામાં તેઓ મદદરૂપ થાય તેમ હોવા છતાં મહારાજ મોરારજીભાઇને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યારે વર્ષો પછી મોરારજીભાઇનો વિનયપૂર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભિજાત્ય પ્રગટ કરીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. બંને મહાનુભાવો વચ્ચે ફરીથી સુમેળ થયો. પરિણામે મોરારજીભાઇએ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેનું ઉદ્્ઘાટન મહારાજ પાસે જ કરાવ્યું! એ પદયાત્રામાં મ.જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું છે. મહારાજને એમના પર ઘણો પ્રેમ હતો.

પરમ દિવસે મહાશિવરાત્રિ આવે છે. દેશી તિથિ પ્રમાણે એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે. પદયાત્રામાં એ દિવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો કારણ કે એ મારી પણ જન્મતિથિ છે. આદરણીય મોરારિબાપુની જન્મતિથિ પણ એ જ છે. મહારાજે એક સૂત્ર આપણને આપ્યું છે: ‘ઘસાઇને ઊજળાં થઇએ.’ સુરતમાં રિંગ રોડના એક ક્રોસિંગ પર મારા આગ્રહથી એ શબ્દો મહારાજના નામે વર્ષો પહેલાં કોતરાયા હતા. કદાચ આજે પણ એ વાંચવા મળશે. જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા.

પાઘડીનો વળ છેડે
પ્રિય ગુણવંતભાઇ શાહને સપ્રેમ:
પૂ. દાદાના સાંનિધ્યમાં
આપણે સાથે કરેલી પદયાત્રાની
મધુર સ્મૃતિમાં.
મ. જો. પટેલ

નોંધ: ‘સંતોની છાયામાં’ લે. મ. જો. પટેલ (26, ચાંપાનેર સોસાયટી, અમદાવાદ-13, મૂલ્ય રૂ.50/-) પુસ્તક મોકલતી વખતે લેખકે કરેલા હસ્તાક્ષર સાથે લખાયેલા શબ્દો મને છેક 1957ના વર્ષમાં તાણી ગયા!

થીજી ગયેલા સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. DIVYA BHASKER, 3-8-2014

કોઇ માને કે ન માને, પરંતુ કવિતા બે પ્રકારની હોય છે: જીવતી કવિતા અને મરેલી કવિતા. જીવતી કવિતા એટલે એવી કવિતા, જે વાચનારને ઝંકૃત કરે. મરેલી કવિતા એટલે એવી કવિતા, જે વાંચનારને ઊર્મિ‌ની એક લહેરખી પણ ન પહોંચાડે. મરેલી કવિતાને ગુજરાતી પાઠયપુસ્તકોમાં સહેલાઇથી સ્થાન મળે છે. એ જ વાત મરેલા ગદ્યને પણ લાગુ પડે છે. પાઠયપુસ્તકની રચનામાં નિર્જીવ સાહિ‌ત્યકાર હોવું, એ પૂર્વશરત ગણાય.
આ તર્ક આગળ ચલાવીએ તો સાહિ‌ત્યકારો પણ બે પ્રકારના હોય છે: ચેતનવંતા અને થીજી ગયેલા. કેટલાક સાહિ‌ત્યકારો તો બ. ક. ઠાકોર સુધી આવીને ત્યાં જ અટકી ગયા છે. આવા કેટલાક સાહિ‌ત્યકારોનું વિશ્વદર્શન ગુજરાતની સરહદ વટાવી શકતું નથી.

ઉમદા અપવાદો જરૂર છે. આ વાત ન સમજાય તો ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના અધિવેશનમાં જઇ પહોંચવું તા. ૨૧-૧૨-૨૦૦૭ને દિવસે ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન અતિથિવિશેષ તરીકે મારા પ્રવચનથી શરૂ થયેલું. ત્યાં યજમાન હતા સહસ્ત્રબાહુ એવા કૃષ્ણકાંત જહા. તેઓ યોગ્ય રીતે વક્તાને જાળવી જાણે છે. આદરણીય મોરારિબાપુની કથામાં સૌથી મહત્ત્વનું સ્થાન કોનું? બાપુ સિવાય બીજા કોનું? કોઇ પણ પ્રવચનમાં મુખ્ય વક્તા કરતાંય મહત્ત્વનું સ્થાન અન્ય કોઇનું ન જ હોઇ શકે. જે આયોજકો આટલુંય ન સમજે, તેઓ પોતાના માનવસંબંધો જાળવવા માટે વક્તાને વાપરે છે અને મંચ પર ૬-૭ ખુરસીઓ અન્ય (ખપ લાગે તેવા) અર્ધમૂર્ખો માટે ગોઠવે છે.

થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આ વાત ન ખૂંચે કારણ કે તેઓ ત્યાં કોઇ પણ જાતના પુરસ્કાર વિના પહેરેલે કપડે થોડાક વહેલા ગોઠવાઇ ગયા હોય છે. સસ્તું ભાડું અને સાહિ‌ત્યજગતની યાત્રા ગાંધીનગરના અધિવેશનમાં જતી વખતે મનોમન સંકલ્પ કર્યો હતો કે બધી જ બેઠકોમાં બધો સમય બેસવું અને જ્ઞાનવૃદ્ધિ કરવી. બીજે દિવસે એક બેઠક બે કલાક ચાલી તેમાં પ્રથમ વક્તાએ જ પ્રથમ કલાક (પ્લસ) વેડફી માર્યો. વચ્ચે વચ્ચે એ ગુનેગાર વિદ્વાને અધ્યક્ષને કહ્યું: ‘સમય થાય ત્યારે મને રોકજો.’ બીજા બે વક્તાઓની આંખોમાં ખીલે બાંધેલી ગાયની આંખોમાં હોય એવી લાચારી હતી. અધ્યક્ષ બે વાર બોલ્યા, પ્રારંભે અને અંતે. ટૂંકમાં પેલા બે દયનીય-માનનીય-શ્રવણીય વક્તાઓને ભાગે ૧૦-૧૦ મિનિટ માંડ આવી પ્રથમ ગુનેગાર વક્તાનું પ્રવચન લંબાયે ગયું, લંબાયે ગયું અને કંટાળાના વેરાન રણમાં જઇને લુપ્ત થયું બેઠકના (ગુનેગાર) અધ્યક્ષ અવિદ્વાન ન હતા, પરંતુ સામે ટેબલ પર પડેલી ઘડિયાળના પ્રખર શત્રુ હતા.

સભામાં કેટલાંય યુવક-યુવતીઓ બેઠાં હતાં. તેઓને મારે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરવી છે: આવા થીજી ગયેલા કોઇ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઇએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી. જો તમને ક્યાંક સ્મિતથી શોભતો અને છિદ્રાન્વેષણની પરપીડનવૃત્તિથી મુક્ત એવા મહાન વિવેચક મળી જાય તો એમને વંદન કરજો. આ તક વારંવાર નહીં મળે. ચીમળાઇ ગયેલી પર્સનાલિટી ધરાવનાર વિવેચક લોકોને શા માટે ગમે? અંગત અનુભવ કહું? મારા પર વાચકો અને ભાવકો (fans)ના પત્રો અને ટેલિફોન આવે તેમાં સૌથી મોટો હિ‌સ્સો સૌરાષ્ટ્રનો જ કેમ હોય છે? મને આ પ્રશ્નનો જવાબ જડયો છે.

સૌરાષ્ટ્રના લોકો પ્રમાણમાં વધારે responsive (પ્રતિસાદપ્રિય) છે કારણ કે સૌરાષ્ટ્ર ખરા અર્થમાં ‘હૃદયપ્રદેશ’ છે. આવો હૃદયપ્રદેશ દુનિયામાં કદાચ એક જ છે: સ્કોટલેન્ડ. સૌરાષ્ટ્ર તરફથી આપણને ‘જીવતા’ કવિઓ મળ્યા: કલાપી, મેઘાણી, બોટાદકર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, જવાહર બક્ષી (જૂનાગઢના મૂળ) વિનોદ જોશી ઇત્યાદિ ઇત્યાદિ. સૌરાષ્ટ્રની ધરતીના કણકણમાં પડેલી સહજ સહૃદયતા અને અઢળક ઊર્મિ‌શીલતાનો હું કેટલો મોટો પ્રશંસક છું એનો ખરો ખ્યાલ કેવળ મને જ છે. મેઘાણીભાઇ બીજે ક્યાં પાકે? કલાપી ૨૬ વર્ષની ઉંમરે ગયા બાકી તો…

આવું લખતી વખતે મારું મન એકાએક વારાણસી પહોંચી ગયું ત્યાંના સાહિ‌ત્યકાર સદ્ગત ભારતેન્દુ હર‌શ્ચિંદ્ર ૩૪ વર્ષની નાની ઉંમરે ૧૮૮પમાં મૃત્યુ પામ્યા. તેઓ નાની ઉંમરે પણ ગદ્યમાં, પદ્યમાં અને નાટયલેખનમાં અમૂલ્ય વારસો છોડતા ગયા. તેઓ બ્રાહ્મણ નહીં અગ્રવાલ વણિક હતા. (આ ચોખવટ એટલા માટે કરવી પડી કે એમની અટક બ્રાહ્મણની હોય એવી છાપ પડે છે.) વર્ષો પહેલાં એમણે માતૃભાષાની હિ‌માયત માટે એક કવિતા લખી હતી. કેવું પીડાકારક? બરાબર યાદ છે. આપણા પ્રિય હાસ્ય અભિનેતા જ્હોની વોકરે એક વાર ટીવી પર કહેલું: ‘અબ સમાચારમેં હિ‌ન્દી સુનીએ.’ માતૃભાષાના પ્રચાર માટે પણ ગુજરાતમાં વંદનાયાત્રા કાઢવી પડે અંગ્રેજી તો ભણવું જ જોઇએ. હા, ગુજરાતીઓ સામે પ્રશ્ન એટલો જ કે ‘ચામડી કરતાંય વસ્ત્રનું મહત્ત્વ વધારે? હવે ભારતેન્દુ હર‌શ્ચિંદ્રની ૧૨૯ વર્ષ પહેલાં લખાયેલી પંક્તિઓનો અનુવાદ હિંમત હોય તો પાંચ ઊંડા શ્વાસ લઇને વાંચો:’

પ્રગતિ પોતાની માતૃભાષામાં રહેલી છે.
બધી પ્રગતિનો પાયો માતૃભાષા છે.
તમારી પોતાની ભાષા
જાણ્યા વિના તો
હૃદયની પીડાનો કોઇ ઉપાય નથી.
(સબા નક્વીએ કરેલા અંગ્રેજી અનુવાદનો ગુજરાતી અનુવાદ)

માતૃભાષાના માધ્યમની અને ઉત્તમ કક્ષાના અંગ્રેજીની વકીલાત કરતો કરતો સ્મિત જાળવીને જીવતો હોઉં ત્યારે એક એવી આબોહવા ગુજરાતમાં તૈયાર થવાની છે, જેમાં પ્રાઇવેટ અને મોંઘીદાટ સ્કૂલોમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે અને બાકીના બધા વિષયો માતૃભાષામાં ભણાવાશે.આવું સમાધાન જરૂરી છે. માનશો? પ્રાઇવેટ ભવ્ય નિશાળોમાં ગુજરાતી પણ ગુજરાતીમાં ભણાવાશે. લોકો સિન્થેટિક અને નિર્જીવ માધ્યમથી કંટાળશે. કંટાળામાં ક્રાંતિ આણવાની અપાર શક્યતા પડેલી છે. માણસ જ્યારે જ્યારે કંટાળે છે ત્યારે ત્યારે વિચારે છે અને ખૂબ કંટાળે ત્યારે ખૂબ વિચારે છે.

અખબારોની કોલમો પણ એ પ્રકારની હોય છે: જીવતી અને નિર્જીવ. ચંદ્રકાંત બક્ષીની કોલમ ‘જીવતી’ કોલમના નમૂના જેવી હતી. તેઓ ઘરે દીકરી રિવા સાથે મળવા આવ્યા ત્યારે મીઠાઇનું મોટું બોક્સ લઇને આવેલા. ઝાંપા આગળ ઊભા રહીને મને કહ્યું: ‘બોસ આપણે બે જ વંચાઇએ છીએ’ મેં કહ્યું: ‘બક્ષીબાબુ આવું તમે બીજા કોઇ લેખકને પણ કહ્યું નથી ને?’ અંગ્રેજીમાં જે કોલમ લેખકો મને ગમે તેની યાદી ટૂંકી છે: વિનોદ મહેતા, સબા નકવી, મરિયાના બાબર (પાકિસ્તાન), નિરજા ચૌધરી અને તવલીન સિંઘ. ખુશવંત સિંઘ મને ખૂબ ગમતા કારણ કે એમનાં લખાણોમાં મને નિખાલસતાના ફુવારાનો અનુભવ થતો. તેઓ સત્યવાદી ન હતા, નિખાલસતાવાદી જરૂર હતા.

વિનોદ મહેતાની શૈલીમાં એક મજેનું તુફાન જોવા મળે છે. તંત્રી પોતે જ પોતાને, ‘સોનિયા ગાંધીનો ચમચો’ કહીને ફજેત કરે? એમણે સાચી વાત કહેવામાં સોનિયાજીની શરમ નથી રાખી એ પણ નોંધવું જોઇએ. વિનોદ મહેતા પોતે જ પોતાની જાતને ‘સ્યૂડો સેક્યુલર’ કહીને ભાંડી શકે છે. વળી અંગત વાત કરવામાં કોઇ જ સંકોચ નહીં પ્રથમ પુરુષ એક વચનમાં લખવું એ જો ગુનો હોય, તો મહાત્મા ગાંધીની ‘આત્મકથા’ પર પ્રતિબંધ મૂકવો પડે મહાત્મા ગાંધીના ગદ્યમાં ‘હું, મને, મારું’ કેટલી વાર આવે? જે મહાત્મા પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી કરવા માગે તે બીજું શું કરે? શું જે સાહિ‌ત્યકારો ‘અમે’ લખે કે પ્રથમ પુરુષ એકવચનથી ગભરાઇને બચતા રહે, તે બધા સાવ અહંકારમુક્ત થઇ જાય કે? મહાત્માની ‘આત્મકથા’તો આત્મવિકાસની વાર્તા છે. ખુશવંત સિંહ ઊઘડતા રહ્યા, ઊઘડતા રહ્યા અને લોકોનાં હૃદય સુધી પહોંચ્યા.

વિનોદ મહેતા તો પોતાના પાળેલા કૂતરા વિષે પણ ઠણ્ઞ્રગ્ગ્રપ્તમાં નિરાંતે લખે છે. કૂતરાનું નામ શું? ઉૈૌઞ્ગ્ચ્પ્ત થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આવી નિખાલસતા કદી પોસાય ખરી? એક સામયિકના તંત્રી ગણતરીપૂર્વક એર્વોડ સમારંભ ગોઠવે અને એમાં ગુજરાતી સાહિ‌ત્યકારોને પણ બોલાવે. એક જણે એમને પૂછ્યું: ‘ફલાણા સાહિ‌ત્યકાર તમારું આમંત્રણ સ્વીકારીને દૂરથી આવશે ખરા? તંત્રીએ કહ્યું: ‘હમણા જ એક ફોન કરું, તો તેઓ ચંપલ પર્હેયા વિના અહીં વડોદરા દોડી આવે. બોલો ફોન કરું?’ મારે વારંવાર એક જ વાત કહેવી છે. સાહિ‌ત્યકારોને સસ્તા થવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને લવ-અફેરની માવજત કરવાનો અધિકાર છે, પરંતુ કોઇ નારીની મુગ્ધતાનો ગેરલાભ લેવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને તગડો પુરસ્કાર લેવાનો અને પૂરતી સગવડ સાથે પ્રવચન કરવા માટે પ્રવાસ કરવાનો અધિકાર છે, પરંતુ પૂરતી તૈયારી કર્યા વિના, લઘરવઘર વસ્ત્રોમાં સભાસ્થળે જઇને ત્યાં ઉદારતાની ઉઘરાણી માટે યજમાનની ખોટી પ્રશંસા કરવાનો અધિકાર નથી. થીજી ગયેલા સાહિ‌ત્યકારોના પ્રવચનથી બચવું એ સુજ્ઞ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?’’

પાઘડીનો વળ છેડે
વિનોદ મહેતાએ છેલ્લા અંકમાં
છેલ્લે પાને જે ‘દિલ્હી ડાયરી’ લખી
તેમાં પ્રથમ આઠ લીટીમાં જ (માત્ર)
પાંચ વાર કપ્ત આવે છે. પ્લીઝ ચેક.
એ કપ્ત કોઇને ન કઠે તેવો નિર્મળ છે.
(Outlook, ૨૧ July-૨૦૧૪, પાન-૭૪)

થીજી ગયેલા કોઇ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઇએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી.

ગુણવંત શાહ

તમારું અંગ્રેજી નબળું છે? એમાં વળી લઘુતાગ્રંથિ શેની? DIVYA BHASKER, 9-2-2014

શવંત શુકલના સ્મરણમાં શરૂ થતી વ્યાખ્યાનમાળાનું આ પ્રથમ પ્રવચન છે

આજે મધુર સુયોગ થયો કહેવાય. ગુજરાતના વિચારપુરુષ સદ્ગત યશવંત શુકલના સ્મરણમાં શરૂ થતી વ્યાખ્યાનમાળાનું આ પ્રથમ પ્રવચન છે. આજે કવિ દલપતરામની જન્મજયંતી છે અને આજે માતૃભાષા ગૌરવદિનની ઉજવણી છે. આમ મારે ત્રણ ગીઅરમાં મારા પ્રવચનને ઢાળવાનું છે. આવી તક મને મળી એ મારું સૌભાગ્ય ડો. રમણલાલ જોશીએ કહેલા પ્રસંગથી શરૂઆત કરું? ગુજરાતી ભાષા અંગે એમણે એક ઉચ્ચ કક્ષાના સેમિનારનું આયોજન કર્યું હતું. છેક આગલે દિવસે ચાવીરૂપ વ્યાખ્યાન આપવા માટે આવનારા મુખ્ય મહેમાન નહીં આવી શકે એવી ખબર મળી.

રમણભાઇની મૂંઝવણ વધી પડી. કરવું શું? તેઓ આચાર્ય યશવંત શુકલ પાસે ગયા અને આવી પડેલી મુસીબતને કારણે ચાવીરૂપ વ્યાખ્યાન આપવા માટે એમને અરજ કરી. યશવંતભાઇ નછૂટકે તૈયાર થયા. બીજે દિવસે યશવંતભાઇનું પ્રવચન સાંભળીને વિદ્વાનો એવા તો ખુશ થયા કે મુખ્ય મહેમાન ન પધાર્યા તે બદલ લગભગ હરખાયા યશવંતભાઇનું પ્રવચન અને એમનું ગદ્ય કાયમ સંઘેડા-ઉતાર જ રહેતું. તેઓ જ્યારે પણ સુરત આવતા ત્યારે એમને એમના ગુરુ મુ.વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ઘરે લઇ જવાની જવાબદારી મારે માથે રહેતી. આજે હું ઋણસ્વીકારની ભાવનાથી બોલી રહ્યો છું.

મારો પ્રથમ નિબંધસંગ્રહ ‘કાર્ડિયોગ્રામ’ ૧૯૭૭માં પ્રગટ થયેલો. અમારી વચ્ચે ખાસ કોઇ સંબંધ ન હતો, પરંતુ એમણે પ્રેમપૂર્વક એવી પ્રસ્તાવના લખી આપી કે મારી ગાડી ગબડવા લાગી. એક શબ્દ પણ આઘોપાછો ન થઇ શકે એવું સુંદર ગદ્ય તો મુ. યશવંતભાઇનું જ કવિ દલપતરામ તો ‘ગુજરાતી વાણી રાણીના વકીલ’ હતા. એમનું પદ્ય લોકધર્મી હતું એવી તો કેટલીય કાવ્યપંક્તિઓ ગણાવી શકાય, જે આજે પણ લોકજીભે રમતી રહી છે. એમનું રચેલું નાટક ‘મિથ્યાભિમાન’ આજે અહીં રજૂ થવાનું છે. એમણે સર્જેલું જીવરામ ભટ્ટનું પાત્ર અમર બની ગયું. મને અતિ પ્રિય એવી પંક્તિઓ સાંભળો:

જોરાવરના જુલમનો, કોણ કરે દરિયાફ,
વાઘે માર્યું માનવી, એનો શો ઇનસાફ.
ન્યાય નિયમ સૌ ગરીબને,
સમર્થને સૌ માફ,
વૃષ્ટિ વિશ્વ પ્રલય કરે,
એનો શો ઇનસાફ.
જોરાવરના જુલમમાં, ઉર ગણીએ ઉપકાર,
સૂર્ય તપે તો સમજીયે, પડશે મેઘ અપાર.

તમે જ વિચારો. શું આ પંક્તિઓનો અંગ્રેજી અનુવાદ થાય તો કેટલા ટકા દલપતરામીય મિજાજ બચશે? ‘વૈષ્ણવજન’ ભજનનો અંગ્રેજી અનુવાદ થાય, તો કેટલા ટકા નરસિંહ મહેતા બચે? કલાપીની ‘ગ્રામમાતા’ કવિતાનો અંગ્રેજી અનુવાદ કરી તો જુઓ ટકીર્ના નિબંધકાર ડો. પામુકને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું ત્યારે કોઇકે એમને પૂછ્યું: ‘તમે ટકીર્ ભાષાને બદલે અંગ્રેજીમાં લખો તો ન ચાલે?’ ડો. પામુકે કહ્યું: ‘હું અંગ્રેજીમાં લખું, પરંતુ ખીલી ન શકું.’ માણસનું પ્રફુલ્લન (ફ્લાવરિંગ) માતૃભાષામાં જ થઇ શકે. આ માટે માતૃભાષા માટે કોઇ જ પ્રકારના ‘મિથ્યાભિમાન’ની જરૂર નથી. મારી વાતના સમર્થનમાં હું બે પુસ્તકો અહીં લેતો આવ્યો છું. એકનો સંબંધ રાજસ્થાન સાથે છે અને બીજાનો સંબંધ કેરાલા સાથે છે.

વિજયદાન દેથા રાજસ્થાની ભાષામાં વાર્તાઓ લખતા હતા. જોધપુર પાસેના ગામમાં એમનો જન્મ થયો હતો. એમને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયાં હતાં, જેમાં પદ્મશ્રીનો પણ સમાવેશ થાય છે. થોડાક સમય પર એમનો દેહવિલય થયો. અમારું મિલન થઇ ન શક્યું. મારો દીકરો વિવેક એમના ગામે જઇને થોડા દિવસ રહ્યો અને એમનો અઢળક પ્રેમ પામ્યો. એ સીનેમેટોગ્રાફર તરીકે ત્યાં વિજયદાનજી પર ડોક્યુમેન્ટરી તૈયાર કરવા ગયો હતો. વિજયદાનજીએ ‘સપનપ્રિયા’ વાર્તાસંગ્રહ લખ્યો તે હું અહીં લેતો આવ્યો છું. આ પુસ્તકના પ્રથમ પાને એમણે જે સંદેશો લખી આપ્યો તેનો પ્રત્યેક શબ્દ જીવંત છે. તેઓ રાજસ્થાનીમાં લખે તેનું હિ‌ન્દીમાં રૂપાંતરણ થાય છે. આ વાર્તાસંગ્રહ ‘સપનપ્રિયા’ ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયો છે.

એમાં રાજસ્થાની ધરતીની સુગંધ છે. શું વિજયદાન દેથા પારકી ભાષામાં પ્રફુલ્લન પામી શકે? અહીં આપણી સાથે વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશી પ્રમુખસ્થાને ઉપસ્થિત છે. એમની દીકરી મનીષા અને એમના જમાઇ વાસુદેવન્ ચિત્રકાર તરીકે આગળ વધ્યાં છે. બાલકૃષ્ણભાઇના વેવાઇ અક્કિતમ્ મલયાલમ ભાષાના પ્રતિષ્ઠિ‌ત કવિ છે. એમના કાવ્યસંગ્રહનો હિ‌ન્દી અનુવાદ ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયો તે મારી સાથે લાવ્યો છું. એમની અનુવાદિત પંક્તિઓ સાંભળો:

જબ મૈં એક બૂંદ આંસૂ
દૂસરોં કે લિએ ટપકાતા હૂં,
ઉદિત હોતા હૈ મેરી આત્મા મેં
હજારો સૌર-મંડલ
જબ મૈં એક મુસ્કાન
દૂસરોં કે લિએ બિખેરતા હૂં
હૃદય મેં પસર જાતી હૈ
નિત્ય નૂતન પૂર્ણિમા

વિચારવું પડશે અને પૂરી ગંભીરતાથી વિચારવું પડશે. આ પંક્તિઓ મલયાલમ ભાષામાં સાંભળનાર-વાંચનારને કેવી ભાવાનુભૂતિ થઇ હશે? અનુવાદમાં કેટલું બધું છૂટી ગયું હશે? ‘ગીતાંજલિ’ જેવા કાવ્યને રવીન્દ્રનાથે બંગાળી ભાષામાં લખ્યું, પરંતુ જે બંગાળી યુવાન તે પોતાની માતૃભાષામાં ન વાંચી શકે તેને કોઇ ગમ સતાવે ખરો? ખબર નથી. અંગ્રેજી નબળું હોય એવી કોઇ સમર્થ વ્યક્તિ લઘુતાગ્રંથિ શા માટે અનુભવે છે? અહીં શિક્ષણવિદ્ ડો. રવીન્દ્રભાઇ દવે સામે બેઠા છે. તેઓ છ મહિ‌ના અમદાવાદમાં રહે છે અને છ મહિ‌ના યુરોપ (હેમ્બર્ગ)માં રહે છે. એમને પૂછી તો જુઓ યુરોપિયન યુનિયનના કયા દેશમાં માતૃભાષા સિવાયનું માધ્યમ શિક્ષણમાં પ્રચલિત છે?

કોઇ ફ્રેન્ચમેન, કોઇ જર્મન, કોઇ ઇટાલિયન, કોઇ સ્વેડિશ, કોઇ ડેનિશ, કોઇ ફિનલેન્ડવાસી, કોઇ ર્નોવેજીઅન, કોઇ સ્પેનિશ, કોઇ પોર્ચુગીઝ, કે પછી કોઇ રુમાનિયન નાગરિક માતૃભાષા સિવાયના કોઇ માધ્યમમાં ભણે છે ખરો? (સભામાં જ રવીન્દ્રભાઇએ પ્રતિભાવમાં સ્પષ્ટ ‘ના’ કહી હતી.) અરે આદરણીય ફ્રાન્સિસ પોપનું અંગ્રેજી પણ નરેન્દ્ર મોદી કરતાં વધારે સારું નથી (ફ્રાન્સિસ પોપ આર્જેન્ટિનાના છે). હું એવી વ્યક્તિની શોધમાં છું, જેનું અંગ્રેજી નબળું હોય અને તે લગીરે લઘુતાગ્રંથિ અનુભવતી ન હોય. (આવી બે વ્યક્તિઓને જાણું છું: એક કવિ હર્ષદ ત્રિવેદી અને ડો. પી. જી. પટેલ). આવું બધું કહેવામાં અંગ્રેજીનો જરા પણ વિરોધ નથી, નથી અને નથી. જે માણસ અંગ્રેજી ભાષાનો વિરોધ કરે તે મૂર્ખ છે અને જે માણસ માતૃભાષાના માધ્યમનો વિરોધ કરે તે મહામૂર્ખ છે.

કોઇ પણ ગુજરાતી સાહિ‌ત્યકારના પરિવારમાં ડોકિયું કરજો. એ સર્જક મહાશયનાં સંતાનોનાં સંતાનોએ એમની એક પણ કૃતિ વાંચી ખરી? એનો જ ડી.એન.એ. ધરાવનારાં એ સંતાનોને નરસિંહ, દયારામ, કલાપી, મેઘાણી, ઉમાશંકર, સુન્દરમ્, ધૂમકેતુ, ક.મા. મુનશી, રા.વિ. પાઠક, પન્નાલાલ કે ર.વ. દેસાઇનાં ઉત્તમ સર્જન સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ખરો? ‘રસગંધવર્જિત પાશ્ચાત્ય કુસુમો’ જેવાં એ બાળકો એક ખાસ અર્થમાં ‘અનાથ’ ગણાય. અંગ્રેજી માધ્યમમાં ભણીને તેમણે શું મેળવ્યું તે તો નજરે પડે છે, પરંતુ શું ગુમાવ્યું તે નજરે પડે છે ખરું? એમની કરિયર તો બની, પરંતુ એમના જીવનનું શું? એ જીવન રળિયામણું બન્યું ખરું? મેડોના સફળ થાય છે, મધર ટેરેસા સાર્થક થાય છે. (કવિ દલપતરામે ઓગણીસમી સદીમાં સ્થાપેલી ગુજરાત વિદ્યાસભા અને સદ્ગત ડો. ધીરુભાઇ ઠાકર (પદ્મભૂષણ) જેવા આચાર્યે સ્થાપેલી ગુજરાત વિશ્વકોશ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિશ્વકોશ ભવન અમદાવાદમાં તા. ૨૧-૧-૨૦૧૪ને દિવસે આપેલા પ્રવચનનું હોમવર્ક).’
પાઘડીનો વળ છેડે
પ્રિય વિવેક શાહ કો
અતિશય સ્નેહ કે સાથ
બિજ્જી
(અદીતવાર, બોરુન્દા, ૨૧ સિતમ્બર, ૨૦૦૩)
‘મનુષ્ય ચાહે જિતના બડા
પદ પ્રાપ્ત કર લે,
યા અસીમ દૌલત સંચિત કર લે,
યદિ વહ ભીતર સે મનુષ્ય નહીં હૈ,
તો વહ એકદમ તુચ્છ હૈ’
– વિજયદાન દેથા
નોંધ: આવો પ્રાણવાન સંદેશો લેખકના હસ્તાક્ષરમાં પુસ્તક પર વાંચવા મળે છે.

માણસનું પ્રફુલ્લન માતૃભાષામાં જ થઇ શકે. આ માટે માતૃભાષા માટે કોઇ જ પ્રકારના ‘મિથ્યાભિમાન’ની જરૂર નથી. રાજસ્થાની ભાષામાં વાર્તાઓ લખનારા વિજયદાન દેથા પારકી ભાષામાં પ્રફુલ્લન પામી શકે?

ગુણવંત શાહ

માતા એલોપથી ચિકિત્સાની નિંદા કરશો નહીં . DIVYA BHASKER, 4-10-2013

કોઇ પણ સમજુ માણસને રોજ ગોળી ગળવાનો શોખ નથી હોતો. આવી ગોળી ગળવી એ ગાંધીવિરોધી હરકત છે. વાત તો સાચી, પરંતુ મરવાનું ગમતું નથી. એલોપથીમાતાની અમથી નિંદા ન હોય. એલોપથી ચિકિત્સામાં કેટલીક એવી બાબતો છે, જે અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં નથી. વિજ્ઞાન સાથે જરૂરી એવી ચોકસાઇ, ભવિષ્યકથન અને પ્રયોગાધારિત ઔષધીઓનું વૈશ્વિક નેટવર્ક અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં ઝટ જોવા મળતું નથી.

 

 

 

સાવ સાચો પ્રસંગ છે. સુરતની સરદાર માર્કેટ પાસે એક લાચાર લકવાગ્રસ્ત માણસ ખાટલામાં પડેલો હતો. એના હાથે અને પગે પાટા બાંધેલા હતા. ખાટલો માથા આગળના ભાગે થોડોક ઊંચો રહે એવી વ્યવસ્થા હતી. એ લાચાર મનુષ્યનું નામ ગાંડાભાઇ હતું. લાચાર ગાંડાભાઇનો મિજાજ લાચાર ન હતો. લોકો મળવા આવે અને નવી નવી સલાહ આપતા જાય. નુસખા સાંભળી સાંભળીને કંટાળી ગયેલા ગાંડાભાઇએ પોતાના માથા પાછળ રાખેલા પાટિયા પર એક સંદેશો લખાવ્યો: ‘લવિંગના તેલનું માલિશ કરવાનું રાખ્યું છે તેથી કોઇએ નવી સલાહ આપવી નહીં.’ લકવાના રોગ માટે એલોપથીની જ ટ્રીટમેન્ટ ચાલુ હતી તોય ગાંડાભાઇએ સંદેશો મૂકીને ડાહ્યું કામ કર્યું

વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, લોર્ડ ભીખુ પારેખ, નારાયણ દેસાઇ, વિનોદ ભટ્ટ અને ગુણવંત શાહ આજે હજી જીવે છે તેનો સઘળો જશ એલોપથીમાતાને ફાળે જાય છે. આજે આ બધા જ દર્દીઓ એલોપથીની ગોળીઓ ખાઇ ખાઇને જીવી રહ્યા છે. નારાયણ દેસાઇ ભોજન લેતાં પહેલાં જ પોતાની થાળીમાં ત્રણ-ચાર ગોળીઓ ગોઠવી દેતા હોય છે. આવા ‘અહિંસક ગોળીબાર’ વિના ન જીવી શકે એવા લાખો દર્દીઓ હરતા-ફરતા-બોલતા રહ્યા કારણ કે કોઇ ને કોઇ જીવલેણ રોગમાં ફસાયા પછી તે સૌને હોસ્પિટલમાં થતી સર્જરીએ ઉગારી લીધા. દિવસમાં મારે કુલ આઠ ગોળીઓ નિયમિતપણે ગળવી પડે છે. એ બધી જ ગોળીઓ મલ્ટિનેશનલ કંપનીઓમાં તૈયાર થયેલી છે. કોઇ પણ સમજુ માણસને રોજ ગોળી ગળવાનો શોખ નથી હોતો. આવી ગોળી ગળવી એ ગાંધીવિરોધી હરકત છે. વાત તો સાચી, પરંતુ કોઇને મરવાનું ગમતું નથી. એલોપથીમાતા જીવનદાયિની છે. એની અમથી નિંદા ન હોય.

એલોપથી ચિકિત્સામાં કેટલીક એવી બાબતો છે, જે અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં નથી. એલોપથી પાસે સ્ટેથોસ્કોપ છે, ઇંજેક્શન છે, બ્લડપ્રેશર માપવાનું યંત્ર છે, બ્લડસ્યુગર માપવાની પ્રયુક્તિ છે, પેશાબનું પૃથક્કરણ કરવાની પ્રયુક્તિ છે, સર્જરી છે, એક્સ-રે મશીન છે, ઇકો-કાર્ડિયોગ્રામ છે, એમ.આર.આઇ. ટેસ્ટ માટેનું યંત્ર છે અને રોગના ચોક્કસ નિદાન માટેની કેટલીય કસોટીઓ છે. ડોક્ટર નથી તેથી વધારે લખવાની મારી પાત્રતા નથી. એટલું જ કહેવું છે કે વિજ્ઞાન સાથે અત્યંત જરૂરી એવી ચોકસાઇ (precision), ભવિષ્યકથન (prediction) અને પ્રયોગાધારિત ઔષધીઓનું વૈશ્વિક નેટવર્ક અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં ઝટ જોવા મળતું નથી. જ્યાં પ્રયોગ સાથે જોડાયેલું સંશોધન હોય ત્યાં પ્રયોગ-નિયમન (એક્સ્પેરિમેન્ટલ કન્ટ્રોલ) પર આધારિત તંત્ર ન હોય તો જે તે દવા અસરકારક નથી બનતી.

આવું ખર્ચાળ સંશોધન પ્રાણીઓ પર વર્ષો સુધી ચાલતું રહે પછી જે તે કેમિકલ કેટલું અસરકારક છે તેનો નિર્ણય લેવાતો હોય છે. આવા સંશોધનમાં ટ્રાયલ એન્ડ એરર ન ચાલે. આવા સંશોધનમાં રાષ્ટ્રીય સરહદો ખરી પડે છે. કેન્સરની દવા શોધવા માટે કેટલાય દેશોની લેબોરેટરીઝમાં કેટલાંય મેડિકલ સંશોધનો ચાલી રહ્યાં છે. આ સંશોધનો અતિ ખર્ચાળ હોય છે. એ ખર્ચ ક્યારેક કરોડો ડોલર્સમાં મંડાતો હોય છે. દર્દી સામે ડાયાબિટીઝ, હૃદયરોગ, કિડનીની નિષ્ફળતા, લિવર (પિત્તાશય)ની બીમારી કે આંતરડાંની બીમારી જ્યારે ડોળા ફાડીને ખાટલા પાસે ઊભી હોય ત્યારે એની અસહાયતાનો ખ્યાલ અન્ય કોઇને ક્યાંથી આવે? મૃત્યુ જ્યારે સમીપ જણાતું હોય ત્યારે દર્દીની જિજીવિષા લાચાર બનીને ડોક્ટર સામે આશાભરી નજરે જોતી રહે છે. એ આશાભરી નજર કેવી તેનો ખ્યાલ તો સંવેદનશીલ ડોક્ટરને જ આવે.

એલોપથીના ડોક્ટરો સામે થતી ફરિયાદોનો કોઇ પાર નથી. કોઇપણ વ્યવસાયમાં બ્લેકશીપ (બદમાશો) હોય જ છે. ખોટાં ખોટાં પ્રિસ્ક્રિ‌પ્શનમાં બિનજરૂરી દવાઓ લખી લખીને મેડિકલ કંપનીઓ પાસેથી અઢળક કમિશન ખાનારા ડોક્ટરો ઓછા નથી. જરૂર ન હોય તોય બ્લડ-ટેસ્ટ કરાવીને પૈસા બનાવનારા ડોક્ટરો પોતાના ઉમદા વ્યવસાયને બદનામ કરતા રહે છે. આમીર ખાનને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ટીવી સિરિયલ ‘સત્યમેવ જયતે’માં એક એપિસોડ મેડિકલ ભ્રષ્ટાચાર પર હતો. એ જોયા પછી દેવ જેવા જણાતા ડોક્ટર પ્રત્યેનો આદર ઘટી જાય એવી પરિસ્થિતિ હતી. મલ્ટિનેશનલ કંપનીઓ નફો વધારવા માટે જે ગોરખધંધા કરે તેની સચોટ રજૂઆતો કેટલાંક પુસ્તકોમાં થઇ છે.

ઇવાન ઇલિચનું પુસ્તક ‘લિમિટ્સ ટુ મેડિસિન’ વર્ષો પહેલાં વાંચેલું. એમાં મલ્ટિનેશનલ કક્ષાએ ચાલતા મેડિકલ ભ્રષ્ટાચારની વિગતો મેડિકલ જર્નલોમાં પ્રસિદ્ધ થયેલા લેખોને આધારે આપવામાં આવી છે. આવા ભ્રષ્ટાચાર છતાંય એલોપથીમાતાનો વાંક કાઢી શકાય તેમ નથી. જે વાંક છે તે ભ્રષ્ટ કંપનીઓ અને ડોક્ટરોના છે. શું આયુર્વેદ કે હોમિયોપથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ બિન-અસરકારક છે? ના, ના, ના. શું પ્રકૃતિ-ચિકિત્સા બોગસ છે? આ પદ્ધતિઓ જ્યાં સુધી એક્સ્પેરિમેન્ટલ રીસર્ચનું તંત્ર ન ગોઠવે ત્યાં સુધી પૂરી જમાવટ નહીં કરી શકે. મારું તો એટલું જ કહેવું છે કે જો તમને ચિકનગુનિયા થાય તો આયુર્વેદ કે હોમિયોપથી કે પ્રકૃતિ-ચિકિત્સા ભૂલી જજો. ચિકનગુનિયા તમને ઢીલા કરી મૂકશે.

એવી કટોકટીમાં એલોપથીને શરણે જવા સિવાય તમારો છૂટકો જ નથી. આવું જ સ્વાઇન-ફ્લૂ થાય ત્યારે પણ વિચારવું. આયુર્વેદાચાર્ય બાપાલાલ વૈદ્ય હૃદયરોગમાં સપડાયા ત્યારે એમની ટ્રીટમેન્ટ ડો. આર. કે. દેસાઇએ કરી હતી. તમારો દાંત ઓચિંતો દુખવા માંડે ત્યારે ડેન્ટિસ્ટ તમારા એક ખાસ દાંતને વી.આઇ.પી. ટ્રીટમેન્ટ આપવા માટે નાની સર્જરી કરવા ઇચ્છે છે. એ ડોક્ટર તમને એન્ટિબાયોટિક ગોળીઓનો ર્કોસ લખી આપે છે. બે દિવસ રોજ ત્રણ ત્રણ ગોળીઓ ગળો પછી જ એ ડેન્ટિસ્ટ પેલા દાંત પર ઇંજેક્શન આપવાનું શરૂ કરે છે. એન્ટિબાયોટિક ગોળીઓની પ્રતિક્રિયા ઘણી, પરંતુ એમના ઉપકારો પણ ઓછા નથી. તમે ખુરશીમાં સૂતાં સૂતાં ડોક્ટર તરફથી થતા બધા જ સ્નેહાળ અત્યાચારો સહન કરતા રહો છો.

બે દિવસમાં તમે અચૂક પીડામુક્ત બનો છો. પીડા ન થાય તે માટે ડોક્ટર તમને પેઇન-કિલર ગોળીઓ આપે છે. એ ગોળીઓ સાક્ષાત્ કરુણાસ્વરૂપે તમને બજારમાં મળે છે. લગભગ એ જ રીતે ઓપરેશન કરતી વખતે ક્યાં તો ડોક્ટર તમને સંપૂર્ણ બેભાન કરવાની દવા આપે છે કે પછી લોકલ એનેસ્થેસિયા આપે છે. આવી કરુણા અન્ય કોઇ ચિકિત્સા પદ્ધતિ પાસે નથી. ભારતીય ઉચ્ચાધિકારીઓ પરદેશ જઇને ખર્ચાળ સારવાર લે એવા બિલની જરૂર નથી. રોગ ન થાય ત્યાં સુધી મેડિકલ સ્ટોર પર જવાની જરૂર નથી. જરાક માથું દુખે ન દુખે, ત્યાં ગોળી લેવાની કુટેવ છોડવા જેવી છે. આયુષ્યની સરેરાશ વધી છે. બાયપાસ સર્જરી કરાવ્યા બાદ ઝડપભેર ચાલતા વૃદ્ધો માતા એલોપથીના આભારી છે.’

– પાઘડીનો વળ છેડે

યાદ રાખો કે અટલબિહારી વાજપેયીએ પણ પોતાના ઘૂંટણનું ઓપરેશન (Knee-replacement) ભારતમાં જ કરાવ્યું હતું. (સરકારના) એક જ ઓફિસર માટે એક કે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું જરાય વાજબી નથી.
– ટી.આર.એસ. સુબ્રહ્મણ્યન્

નોંધ: ભૂતપૂર્વ કેબિનેટ સેક્રેટરી, જેમણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં માઇનોર સર્જરી ગયે મહિ‌ને જ કરાવી હતી. ટીવી પર ચાલતી ચર્ચામાં તેઓ જોવા
મળે છે.

સદીઓથી આમ આદમી છેતરાતો જ રહ્યો છે .DIVYA BHASKER, 14-10-2013

સદીઓથી છેતરાતો રહેલો આમ આદમી આજે વિજ્ઞાનયુગમાં પણ છેતરાતો રહે છે કારણ કે છેતરાવું એ એનો સ્થાયીભાવ બની ગયો છે અને વળી ધર્મને નામે છેતરાવું એ એનું મધુર આશ્વાસન બની ગયું છે. કેવળ ધર્મને નામે જ નહીં, પરંતુ કોઇ આકાશી વાયદાના નામે પણ આમ આદમીને દાયકાઓ સુધી છેતરી શકાય છે.

 

 

વ ર્ષોથી એક કુટેવ પડી ગઇ છે. કોઇને ઘરે મહેમાન બનીને ગયા પછી જમવાની વેળા આવે ત્યારે એ કુટેવ જીવતી થાય છે. ગમે તેવી સ્વાદષ્ટિ રસોઇ બની હોય અને ડાઇનિંગ ટેબલ ગમે તેટલું પ્રભાવશાળી હોય ત્યારે એક કપટયુક્ત પ્રશ્ન મનમાં સળવળતો થાય છે: આ ઘરમાં વિચાર નામની જણસ ખરી? ‘કૂતરાથી સાવધાન’ એવી સૂચના ઝાંપે મૂકનારો માણસ કદીય ગરીબ નથી હોતો. વિચારની ગરીબીને સમાજમાં ગરીબીનો દરજ્જો પ્રાપ્ત નથી થયો. ભવ્ય બંગલાના પ્રવેશદ્વાર પર લોકોની આંખે ન ચડે એવા ર્બોડ પર એક વણલખી સૂચના વાંચવાનો પ્રયત્ન કરી જોજો. એ અદૃશ્ય સૂચના હોય છે: ‘આ ઘરમાં વિચારને પ્રવેશવાની સખત મનાઇ છે.’ આજકાલ જ્યાં જુઓ ત્યાં કાયમી રોગ જેવી વિચારશૂન્યતા (ક્રોનિક થોટલેસનેસ) અડ્ડો જમાવીને બેઠી છે. આ કોલમનો હેતુ એ અડ્ડો ખતમ કરવાનો છે.

જ્યાં વિચારશૂન્યતા હોય ત્યાં જથ્થાબંધ છેતરપિંડી ન હોય તો જ નવાઇ સ્વામી કામસુખાનંદજીના મુખ પર તેજનું લીંપણ જોવા મળે છે. મૂર્ખ ભક્તો એ તેજને બ્રહ્મચર્યનું તેજ ગણાવે છે. વાસ્તવમાં ક્યારેક તો ગુરુજીના વ્યવહારમાં શક્તિપાત અને ર્વીયપાત વચ્ચેની ભેદરેખા સદંતર નષ્ટ થઇ જાય છે. ગંદા રાજકારણીઓ અને ભ્રષ્ટ ધર્મકારણીઓ વચ્ચે સેંડવિચ થયેલી ભોળી પ્રજાનું કોઇ ભવિષ્ય ખરું? આજનો મનુષ્ય ધર્મને નામે થતા દાઢીમૂલક અત્યાચારોને હોંશપૂર્વક માણી રહ્યો છે. સદીઓથી દુનિયાનો આમ આદમી છેતરાતો જ રહ્યો છે. ધર્મગુરુઓ દ્વારા છેતરાવાની અનેક સદીઓ વીતી ગઇ પછી ૧૯૧૭ના વર્ષમાં રશિયાના કરોડો લોકોને ક્રાંતિને નામે છેતરવામાં આવ્યા અને મારી નાખાવામાં આવ્યા.

ધર્મક્ષેત્રની બહાર થયેલી માનવ-ઇતિહાસની આ સૌથી વિકરાળ છેતરપિંડી હતી. એ છેતરપિંડીના કાળજામાં ‘સમાજવાદ’ જેવો રૂપાળો શબ્દ હતો અને સમાજવાદના ગર્ભમાં હઠીલી નાસ્તિકતાનો નિવાસ હતો. આવી વિકરાળ છેતરપિંડી આગળ દેવળો, મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, પેગોડાઓ અને દેરાસરોમાં ચાલતી ધાર્મિ‌ક છેતરપિંડી કોઇ જ વિસાતમાં ન હતી. જોતજોતામાં રશિયન ક્રાંતિ સાથે જોડાયેલી વિકરાળ છેતરપિંડી પૂર્વ યુરોપના દેશોમાં અને ચીનમાં પ્રસરી ગઇ. ૧૯૭૯ના વર્ષમાં પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકારના (વીઆઇપી) મહેમાન તરીકે થોડાક દિવસ પૂર્વ બર્લિ‌નમાં અને લાયપ્ઝિગની કાર્લ માક્ર્સ યુનિવર્સિ‌ટીમાં રહેવાનું બન્યું ત્યારે ક્રાંતિને નામે થતું બ્રેઇન-વોશિંગ કેવું હોય તે સગી આંખે જોયું.

અંધશ્રદ્ધાળુ ભક્ત કેવો હોય તેનો નમૂનો જોવો હોય, તો પ‌શ્ચિ‌મ બંગાળમાં અને કેરાલામાં જઇને કોઇ માક્ર્સવાદી બૌદ્ધિકને મળજો. એ અંધશ્રદ્ધાળુ બૌદ્ધિક (?)ના મગજમાં તમે એક પણ નવા વિચારની લહેરખી દાખલ કરી શકો, તો તમને આસારામના સોગંદ એક જમાનામાં ધર્મ દ્વારા શિક્ષણ અપાતું રહ્યું. આજના યુગમાં આ પ્રક્રિયા પલટી નાખવી પડશે. લોકોને પ્રચારમાધ્યમો અને ઇન્ટરનેટ દ્વારા સતત સમજાવવું પડશે કે શિક્ષણ એ જ ધર્મનું ખરું વાહન છે. યોગ્ય શિક્ષણ ન પામેલો માણસ દયનીય છે અને દયનીય છે કારણ કે શોષણીય છે. અજ્ઞાન તો ધર્મગુરુ અને રાજકારણીની ભાવતી વાનગીનું નામ છે. આ વાત આપણે ક્યારે સમજીશું? મામાનું ઘર કેટલે? ક્યાંય દીવો બળે છે ખરો? હા, એક દીવો આપણી ભીતર જલતો રહે છે. બુદ્ધ જેવા નિરીશ્વરવાદી ક્રાંતિકારી ઉપદેશકે એ દીપકનો મહિ‌મા કરીને કહ્યું: ‘આત્મદીપો ભવ.’

સદીઓથી છેતરાતો રહેલો આમ આદમી આજે વિજ્ઞાનયુગમાં પણ છેતરાતો રહે છે કારણ કે છેતરાવું એ એનો સ્થાયીભાવ બની ગયો છે અને વળી ધર્મને નામે છેતરાવું એ એનું મધુર આશ્વાસન બની ગયું છે. અત્યાર સુધી હું એવું માનતો હતો કે શિક્ષણ મનુષ્યની છેતરાવાની ક્ષમતા ઘટાડનારી મહાન ઘટના છે. હવે મારો આ ભ્રમ તૂટી ગયો છે. જે રીતે ભણેલા-ગણેલા લોકો દેશના એક ગોરા પરિવારથી છેતરાતા આવ્યા છે તે જોયા પછી શિક્ષણ અંધશ્રદ્ધા દૂર કરે છે એવી ભ્રમણા હવે રહી નથી. એ પરિવારનો સરેરાશ બુદ્ધિ-અંક (ક.ઢ.) જરાય ઊંચો નથી. એ પરિવારની પ્રામાણિકતા અત્યંત મર્યાદિત છે. એ પરિવાર ઉચ્ચ શિક્ષણ પામવામાં ઝાઝો સફળ થયો નથી. એ પરિવારના જમાઇ ખેડૂત નથી, પરંતુ એમનો જમીન-પ્રેમ કોઇ ભૂમિપુત્રને શરમાવે તેવો છે. એ પરિવાર પાસે ફક્ત એક જાગીર છે અને તે છે ‘ગાંધી’ અટક બસ આટલી મર્યાદિત વિશેષતાને કારણે દેશના લાખો કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અનુભવવૃદ્ધ નેતાઓ એ ગોરા પરિવારના કહ્યામાં ફ્યુડલ યુગના વસવાયાની માફક અંધશ્રદ્ધા જાળવીને જીવી રહ્યા છે.

સમજવા જેવી વાત એ છે કે કેવળ ધર્મને નામે જ નહીં, પરંતુ કોઇ આકાશી વાયદાના નામે પણ આમ આદમીને દાયકાઓ સુધી છેતરી શકાય છે. એ બિચારો આમ આદમી સ્વરાજ મળ્યું પછી ‘સમાજવાદી સમાજરચના’ જેવા બે શબ્દોથી છેતરાયો. પછી એ ‘ગરીબી હટાવ’ જેવા બે શબ્દોથી છેતરાયો. પછી એ ‘મંદિર વહીં બનાયેંગે’ જેવા ત્રણ શબ્દોથી છેતરાયો. પછી એ ‘ઇન્ડિયા શાઇનિંગ’ શબ્દોથી થોડોક ભરમાયો. હાલ એ ‘ભારત નિર્માણ’ જેવા બે શબ્દોની પકડમાં આવે તેવું જોખમ છે. સ્વરાજ મળ્યું તેનાં ૬પ વર્ષ દરમિયાન ‘સેક્યુલરિઝમ’ જેવા સુંદર શબ્દને કારણે એ સતત છેતરાતો જ રહ્યો સ્વરાજ મળ્યું પછી કોઇ સૌથી વધારે છેતરાયો હોય, તો તે મુસ્લિમ આમ આદમી છે. ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓને લખાયેલા પત્રમાં લઘુમતી (મુસ્લિમ)કોમના ગુનેગાર કેદીઓ પ્રત્યે કઠણ વલણ ન રાખવાની સૂચના મોકલવામાં આવી છે.

વોટબેંકની રાજનીતિમાં આવી ‘સેક્યુલર બેશરમી’ મુસ્લિમોને છેતરનારી છે. આવી જ છેતરપિંડી મુલાયમે અને લાલુપ્રસાદે કરી છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશની ‘સેક્યુલર’ સરકારના કુશાસનમાં કોમી હુલ્લડો વધી પડયાં અને મુજફફરપુરમાં તો સેક્યુલર છેતરપિંડી એની ચરમસીમા પર પહોંચી. ત્યાંની રાહત છાવણીઓમાં રહેતી સગર્ભા મહિ‌લાઓ રોજ બાળકોને જન્મ આપે ત્યારે એમને દૂધ પણ નથી મળતું. નવજાત બાળકોની સંભાળ તો દૂર રહી આવા ઉશ્કેરાટભર્યા ધિક્કારના માહોલમાં એક એવી ઘટના બની, જેમાં માનવતા મહોરી ઊઠી.

જાટ કોમના મોભી અને ખરાડ ગામના સરપંચ (પ્રધાન) બિજેન્દ્રસિંહે પોતાના મકાનમાં ૧પ૦ મુસ્લિમ પરિવારોને આશ્રય આપ્યો. એમની સમજુ પત્નીએ પતિની સાથે મળીને આવાં ભયભીત ભાઇ-બહેનોને સવાર-સાંજ પ્રેમથી જમાડયાં. હિ‌ન્દુ ગામલોકોએ એમના ઘર પર હુમલો કરવાની ધમકી આપી, પરંતુ બિજેન્દ્ર સિંહ મક્કમ રહ્યા. સતત છેતરાતા મુસ્લિમ બિરાદરોને એક વાત હૃદયપૂર્વક કહેવી છે. જો તમે બધા જ પક્ષોના ભ્રષ્ટ રાજકારણીઓથી વારંવાર છેતરાઇને થાક્યા હો, તો એક વાર તમારા હિ‌ન્દુ ભાઇઓ પર ભરોસો મૂકી જુઓ. એમ કરવામાં તમારે હુલ્લડ સિવાય કશું જ ગુમાવવાનું નથી. આવું બનશે ત્યારે ગાંધીબાપુનો આત્મા જ્યાં હશે ત્યાં રાજી થશે. ‘
(લખ્યા તા. ૨જી ઓક્ટોબર, ૨૦૧૩, ગાંધીજયંતી)

– પાઘડીનો વળ છેડે

હરેક ઇમાન કો
એક ચોર-દરવાજા હોતા હૈ,
જો સંડાસ કી બગલમેં
ખુલતા હૈ.
– દુષ્યંત કુમાર

આપણી ઓફિસોમાં ગરીબીનું ઉત્પાદન, Divya Bhasker, 1-7-2013

દેશ ગરીબ છે કારણ કે દેશની ઓફિસોમાં સંવેદનશૂન્યતા ટેબલે ટેબલે જામી પડેલા વિલંબને પંપાળતી રહે છે. એ વિલંબને પડકારે એવી જનશક્તિ (જટાયુવૃત્તિ) ક્ષીણ થઇ છે. ક્યારેક તમને સચિવાલયમાં અટવાતો એક એવો કર્મચારી મળી આવશે, જે રુશવત ન લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય. તમે એ પ્રચ્છન્ન વિભીષણને મળ્યા છો? જો મળ્યા હો, તો તમારે ર્તીથયાત્રાએ દૂર સુધી જવાની જરૂર નથી.

 

 

 

કારની ફેક્ટરીમાં કારનું ઉત્પાદન દિવસરાત થતું રહે છે. કાપડની મિલમાં સાડીઓનું ઉત્પાદન થતું રહે છે. દેશની કરોડો હેક્ટર જમીનમાં અનાજનું ઉત્પાદન થતું રહે છે. કેટલાય ધર્મસ્થાનોમાં સતત અંધશ્રદ્ધાનું મબલખ ઉત્પાદન થતું રહે છે. લગભગ એ જ રીતે દેશની અસંખ્ય ઓફિસોમાં ગરીબીનું ઉત્પાદન થતું રહે છે. માનવામાં ન એવી વાત લાગી? હવે હિંમત હોય તો આગળ વાંચો.

ગરીબી જેવી કમબખ્ત ડાકણ દુનિયામાં બીજી કોઇ નથી. આપણા દેશમાં ગરીબમાં ગરીબ માણસ પણ ધરાઇને ખાઇ શકે એટલું અનાજ છે. આપણા દેશમાં છેક છેવાડેનો માણસ પહેરી શકે અને ઓઢી શકે એટલું કાપડ છે. આપણા દેશમાં સિમેન્ટનું ઉત્પાદન એટલું તો જબ્બર છે કે પાકા મકાન વિનાનો એક પણ આદિવાસી કડકડતી ઠંડીમાં કે ધોમધખતા ઉનાળામાં મરવા ન પામે. મીઠા જળના સરોવરને કાંઠે તરસે મરવાનો આ ખેલ વર્ષોથી ચાલી રહ્યો છે તેનું કારણ શું? આ યક્ષપ્રશ્નનો જવાબ આઘાત પહોંચાડે તેવો છે. સરકાર લાખ ફાંફાં મારે તોય છેક છેલ્લે ઊભેલા ગરીબ આદમી સુધી મદદ પહોંચતી નથી. પૂજ્ય રવિશંકર મહારાજ કહેતા કે બધી રાહત ‘લોપડચોપડ’માં ખતમ થઇ જાય છે. આવું કેમ બને છે? દેશ ગરીબ છે કારણ કે આપણી ઓફિસ ગરીબ છે. ઓફિસ ગરીબ છે કારણ કે ટેબલની પાસે પડેલી ખુરસીમાં બેઠેલા ક્લાર્કને ખબર નથી કે પોતે ત્યાં શા માટે બેઠો છે. ભારતની ગરીબી માટે સંવેદનશૂન્ય ક્લાર્કની નફ્ફટાઇ જવાબદાર છે.

દેશનો આમ આદમી એટલે જ ગરીબ આદમી એ કેવળ ગરીબ જ નથી હોતો, ગરીબડો પણ હોય છે. એનો પોશાક રુઆબદાર નથી હોતો. એ ખોટું અંગ્રેજી પણ બોલી નથી શકતો. એ કોઇ પણ ઓફિસમાં દાખલ થાય ત્યારે એના નિસ્તેજ ચહેરા પર લઘુતાગ્રંથિનું લીંપણ સામે ખુરસીમાં બેઠેલો ક્લાર્ક જોઇ શકે તેટલું સ્પષ્ટ હોય છે. ઓફિસમાં સાક્ષાત્ અપમાનિત માનવતાનું તાબૂત દાખલ થાય પછી શું બને છે?

ખુરસીમાં બેઠેલો ખંધો લલ્લુ આમ આદમી સામે આંખ માંડીને જોવા પણ તૈયાર નથી હોતો. એ મજબૂર ઇસમને ટેબલની બીજી બાજુએ પડેલી ખાલી ખુરસીમાં બેસવાની ઓફર પણ નથી થતી. ખંધા લલ્લુ પાસે એ ઇસમનું કામ થઇ ન શકે તે માટેનાં કારણો તૈયાર જ હોય છે. એ લુચ્ચા લલ્લુને પગાર તો એટલા માટે મળે છે કે ઓફિસમાં વાજબી કામ લઇને આવેલા માણસની મુશ્કેલી દૂર થાય. લુચ્ચો લલ્લુ ખલનાયક બનીને જે વાક્યો સામે ઊભેલા તાબૂતના ચહેરા પર ફંગોળે તે કેવાં તોછડાં હોય છે?

સાંભળો: કાલે આવજો… ફલાણાં કાગળિયાં ખૂટે છે… ટાઇપ કરાવેલી અરજીની ત્રણ નકલ જોઇએ… તમે મોડા પડયા છો… નોટરીના સહીસિક્કા વિનાની અરજી નહીં ચાલે ઓફિસમાં કોઇ લલ્લુ મૂંઝવણમાં પડી ગયેલો આમ આદમી ‘માણસ’ છે, એમ માનીને એને સંવેદનપૂર્વક એવું કહેવા તૈયાર નથી કે: ‘આટલી ખૂટતી વિગતો લઇને કાલે આવશો તો હું તમારું કામ તરત જ પતાવી દઇશ.’ બધા વાંધાવચકા કાઢનારો ક્લાર્ક રુશવતની ઓફર થાય ત્યારે એક જ મિનિટમાં પોતાની કાર્યક્ષમતાનો પરચો બતાવે છે. સાચું કહું? રુશવતખોરી આપણી ઓફિસની સઘળી કાર્યક્ષમતા માટે જવાબદાર છે. રુશવત એટલે આપણા દેશની ઓફિસોમાં ગતિ ગુમાવી બેઠેલી આળસુ ફાઇલને દોડતી કરનારું લુબ્રિકેશન લુબ્રિકેશન એટલે જ ‘લોપડચોપડ’? પરિણામે ગંગાસ્વરૂપ ફાઇલ એક જ ક્ષણમાં અખંડ સૌભાગ્યવતી બની જાય છે.

વિલંબ કરવામાં રાચનારા અને રુશવત લેવામાં ચેતનવંતા એવા નાના અધિકારીઓના ટેબલોથી થોડેક છેટે એક કેબિનમાં મોટા સાહેબ બેસે છે. એમને કેબિનની બહાર ચાલતી બધી જ ભ્રષ્ટ ગતિવિધિનો સંપૂર્ણ ખ્યાલ હોય છે. ભ્રષ્ટાચારની એક ખૂબી એ છે કે એમાં જુનિયર-સિનિયરના ભેદ ઝાઝા નથી ટકતા. ગુજરાતમાં આવા કેટલાક મોટા સાહેબો હશે? હે મોટા સાહેબ તમે ધારો તો તમારી ઓફિસને ગણિકા-નિવાસને બદલે મંદિરનો દરજ્જો અપાવી શકો. તમારી સંમતિ વિના કોઇપણ જુનિયર અધિકારી રુશવત લઇ ન શકે. હે મોટા સાહેબ તમને ખબર છે કે મર્યાદાપુરુષોત્તમ એવા રામે તમારા ઊંચા હોદ્દાને ‘ર્તીથ’ ગણાવ્યો છે? રામ વનમાં જાય છે અને ચિત્રકૂટ પહોંચે છે. રામને પાછા અયોધ્યા લાવવાના સંકલ્પ સાથે ભરત સ્વજનો, માતાઓ, ઋષિઓ અને સેના સાથે ચિત્રકૂટ પહોંચે છે. મંદાકિની નદીને કિનારે રામ અને ભરત વચ્ચે ત્યાગની હરીફાઇ ચાલી. એકાંતની પળે રામ ભરતને જ્યારે લંબાણથી સુશાસન (ગૂડ ગવર્નન્સ)ના પાઠ ભણાવે ત્યારે રાજ્યના અઢાર ઊંચાં પદો માટે ‘ર્તીથ’ શબ્દ પ્રયોજે છે. હે મોટા સાહેબ ન ભૂલશો કે તમારો ઊંચો હોદ્દો ‘ર્તીથ’ છે.

ત્યારે કરીશું શું? ખરી વાત એ છે કે તમે જ્યારે કોઇ કર્મચારીને રુશવત આપો ત્યારે એના સમગ્ર અસ્તિત્વ (બીઇંગ)નું અપમાન કરો છો. આમ પ્રત્યેક ભ્રષ્ટ ઓફિસમાં બે અપમાનો ટકરાય છે. કર્મચારી અસરળ બનીને વાજબી કામ માટે આવેલા આમ આદમીનું અપમાન કરે છે. આમ આદમી નાછૂટકે કર્મચારીને રુશવત આપીને અપમાનિત કરે છે. બે અપમાનો વચ્ચે સોદો થવાની તૈયારી હોય ત્યારે આમ આદમી મોટા અવાજે વંદેમાતરમ્ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી શકે. બીજો ઉપાય ડો. યોગેન્દ્ર પારેખે અજમાવ્યો હતો. કેબિનમાં બેઠેલા મોટા સાહેબ અને આખી ઓફિસ સાંભળે એટલા મોટા અવાજે બોલવા માંડવું: ‘બોલો, તમારે રૂપિયા એક હજાર જોઇએ કે બે હજાર? હું કાલે આ સમયે આવીને આપી જાઉં?’

દરેક ઓફિસની ભીંત પર મોટા અક્ષરે એક સંદેશો મૂકવો જોઇએ:
મને તમારું વાજબી કામ
કરી આપવા માટે
પૂરતો પગાર મળે છે.
રુશવતની ઓફર કરીને મારા
સ્વમાન પર પ્રહાર કરશો નહીં.
મને પ્રેમથી કહો કે:

હું તમારે માટે શું કરી શકું?

દેશ ગરીબ છે કારણ કે દેશની ઓફિસોમાં સંવેદનશૂન્યતા ટેબલે ટેબલે જામી પડેલા વિલંબને પંપાળતી રહે છે. એ વિલંબને પડકારે એવી જનશક્તિ (જટાયુવૃત્તિ) ક્ષીણ થઇ છે. ક્યારેક તમને સચિવાલયમાં અટવાતો એક એવો કર્મચારી મળી આવશે, જે રુશવત ન લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય. તમે એ પ્રચ્છન્ન વિભીષણને મળ્યા છો? જો મળ્યા હો, તો તમારે ર્તીથયાત્રાએ દૂર સુધી જવાની જરૂર નથી. જ્યાં જ્યાં પ્રામાણિકતા હોય, ત્યાં ત્યાં પરમેશ્વર હોય છે. ગુજરાતની હજારો ઓફિસોમાં સક્રિય એવા લાખો સરકારી અને બિનસરકારી કર્મચારીઓને આ લેખ પરમેશ્વરની સાક્ષીએ અર્પણ’

પાઘડીનો વળ છેડે

વાલ્મીકિ રામાયણમાં અઢાર મહત્ત્વના હોદ્દાઓ (ર્તીથો) નીચે મુજબ ગણાવ્યા છે:

૧. મંત્રી ૨. પુરોહિ‌ત ૩. યુવરાજ ૪. સેનાપતિ પ. દ્વારપાલ ૬. સભ્ય ૭. વ્યવહાર (પ્રોટોકોલ) નિર્ણેતા ૮. અંત:પુરાધ્યક્ષ ૯. કારાગરાધ્યક્ષ ૧૦. ધનાધ્યક્ષ ૧૧. મુખ્ય રાજસેવક ૧૨. પૂછતાછ કરનાર વકીલ (પ્રાંગ્વિવાક) ૧૩. ધર્માસનાધિકારી (ન્યાયાધીશ) ૧૪. પગાર ચૂકવનાર અધિકારી ૧પ. નગરાધ્યક્ષ (મેયર) ૧૬. સેનાનાયક ૧૭. રાષ્ટ્રસીમાપાલ (વનરક્ષક) ૧૮. સજાનો અમલ કરનાર અધિકારી.
(અયોધ્યાકાંડ, સર્ગ-૧૦૦, શ્લોક ૩૬)
નોંધ: આ યાદી આજે પણ અપ્રસ્તુત લાગે છે ખરી?

શિક્ષણ એટલે માનવમાં થતું મૂડીરોકાણ Divya Bhasker, 25-3-2013

પાકિસ્તાની નાણાપ્રધાને જાપાનના શાણા માણસોને એક જ પ્રશ્ન પૂછ્યો: ‘બીજા વિશ્વયુદ્ધ પછી તમારો દેશ મહાસત્તા બન્યો તે વાતનું રહસ્ય શું?’ ત્રણ શાણા માણસનો જવાબ હતો: ‘અમે વિશ્વયુદ્ધ પછી થયેલી ખુવારીને અંતે નક્કી કર્યું કે શિક્ષણમાં રોકાણ કરીને અમે દેશને વિકાસને માર્ગે લઇ જઇશું.’

પાટણ એટલે શ્રી હેમચંદ્રાચાર્યની વિદ્યાનગરી. વ્યાકરણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશો, પુરાણગ્રંથો, કાવ્યગ્રંથો અને સ્તક્ષેત્રો-એમ અનેક વિષયોને આ મહાન પ્રતિભાએ પોતાની પારમિતા (excellence) વડે સમૃદ્ધ કર્યા છે. કોઇ યુનિવર્સિટી મને જ્યારે પણ દીક્ષાંત પ્રવચન આપવા માટે આમંત્રણ પાઠવે ત્યારે મારી ભીતર બેઠેલો પ્રોફેસર જાગી ઊઠે છે. જીવનમાં પૂરાં ત્રીસ વર્ષો સુધી દેશ-પરદેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણના પ્રોફેસર તરીકે કામ કર્યું, તેથી યુવાન વિદ્યાર્થીઓને બે શબ્દો કહેવાની તક મળે ત્યારે હૈયું હરખાય છે. આજે મને મારો વર્ગખંડ જાણે પાછો મળતો હોય એવી લાગણી થઇ રહી છે. હવે પછીની થોડીક મિનિટ માટે હું કેવળ પ્રોફેસર બની રહેવા ઇચ્છું છું. જીવનભર હું શિક્ષકની ખુમારી જાળવીને જીવ્યો છું. આજે થોડીક ખુમારી વહેંચવાની ઇચ્છા છે. મારે મન શિક્ષક હોવું, એટલે જ સમ્રાટ હોવું!

શ્રી હેમચંદ્રાચાર્યની ખુમારી કેવી હતી? શ્રીમદ્ રાજચંદ્રે એમની એક વિશિષ્ટતા તરફ ધ્યાન દોર્યું હતું: ‘તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામથ્ર્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવા લાખથી દોઢ લાખ માણસોની સંખ્યા થઇ. શ્રી સહજાનંદના સંપ્રદાયમાં એક લાખ માણસો હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત.’ આમ એમણે ‘વીતરાગસ્તવ’ સ્તક્ષેત્ર રચ્યું એટલું જ નહીં, જીવનમાં પણ વીતરાગત્વ સિદ્ધ કર્યું! પાટણની પ્રભુતાનો ઉજજવલ ઈતિહાસ કેવળ રાજકીય નહીં, વિદ્યાકીય પણ છે. આવા પ્રાત: સ્મરણીય વિદ્યાચાર્યને વંદન કરીને હું મારા વિષય પર આવી જવા ઇચ્છું છું.

પાકિસ્તાનમાં એક વિચિત્ર ઘટના બનેલી. ત્યાંના ભૂંડા સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકને શ્રેષ્ઠ નાણાપ્રધાન મળેલા. એમનું નામ હતું મહેબૂબ ઉલ હક. મહેબૂબભાઇ યુ.એન.ઓ.ની જ સંસ્થા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સલાહકાર હતા. (૧૯૮૯-૯૫). થોડાક સમય માટે મહેબૂબભાઇ વર્લ્ડ બેન્ક સાથે પણ જોડાયા હતા. UNDPની સ્થાપના ૨૨ નવેમ્બર, ૧૯૬૫ને દિવસે થઇ હતી.

મહેબૂબભાઇએ વિકાસ સાથે GDP અને GNP ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, આયુષ્ય અને અન્ય માપદંડો જોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે માનવીય વિકાસ માટે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેકસ (HDI) પણ આર્થિક-ઔદ્યોગિક વિકાસ જેટલો જ મહત્વનો છે એવી સમજણનો દુનિયામાં પહેલી વાર સ્વીકાર થયો. હોંગકોંગથી પ્રગટ થતા ‘INSIGHT’ જર્નલમાં ડૉ. હકનો લેખ પ્રગટ થયો જેમાં એક યાદગાર વાક્ય હતું: ‘Babies cry out for milk in the middle of the night, while generals are out shopping for tanks.’ (અડધી રાતે જ્યારે શિશુ દૂધ માટે રડી ઊઠે, ત્યારે લશ્કરના જનરલો ટેન્કોની ખરીદી માટે નીકળી પડે છે.) માનશો? વડાંપ્રધાન ઇન્દિરાજીએ પોતાના પ્રવચનમાં આ વિધાન પોતાના વિધાન તરીકે કહ્યું. સ્પીચ-રાઇટરની ભૂલ હશે. આવી ઉઠાંતરી (પ્લેગિયારઝિમ) માટે મહેબૂબભાઇએ પગલાં ભરવાનો ઇનકાર કરીને જબરી ખાનદાની બતાવી હતી.

વાત હજી આગળ ચાલે છે. જનરલ ઝિયાએ જ્યારે જાપાનની મુલાકાત લીધી ત્યારે સાથે મહેબૂબભાઇ પણ હતા. પાકિસ્તાનના ડેલગિેશને જાપાનના શાસકો પાસે એક મૌલિક માગણી કરી: ‘અમે જાપાનના ત્રણ શાણા માણસોને મળવા માગીએ છીએ.’ માગણી મંજૂર રાખવામાં આવી. પાકિસ્તાની નાણાપ્રધાને એ શાણા માણસોને એક જ પ્રશ્ન પૂછ્યો: ‘બીજા વિશ્વયુદ્ધ પછી તમારો દેશ મહાસત્તા બન્યો તે વાતનું રહસ્ય શું?’ ત્રણ શાણા માણસનો જવાબ હતો: ‘અમે વિશ્વયુદ્ધ પછી થયેલી ખુવારીને અંતે નક્કી કર્યું કે શિક્ષણમાં રોકાણ કરીને અમે દેશને વિકાસને માર્ગે લઇ જઇશું.’ આ પ્રસંગ હું અહીં પાટણમાં ગુજરાતની અને ભારતની સરકારને અર્પણ કરવા માગું છું.

૧૯૬૭-૬૮ના વર્ષમાં હું અમેરિકામાં યુનિવર્સિટી ઓફ મિશિગન (એન આર્બર)માં
શિક્ષણશાસ્ત્રનો પ્રોફેસર હતો. ભારત પાછા ફરવાના પ્રસંગે અધ્યાપકોએ વિદાયવેળાએ ડિનર પાર્ટી યોજી અને અંતે એક ગ્રંથ ભેટ આપ્યો, જેમાં એ બધાએ હસ્તાક્ષર કર્યા. આજે પણ એ ગ્રંથનાં ત્રણ વોલ્યુમ્સ મારા ઘરમાં સચવાયાં છે. ગુન્નાર મિરડાલના ગ્રંથનું મથાળું હતું: ‘Asian Drama: An Inquiry into the Poverty of Nations.’ નોબેલ પારિતોષિક વિજેતા મિરડાલે જે લખ્યું તેનો સાર ટૂંકમાં કહી દઉં?

(૧) વસતીની ગુણવત્તા (પોપ્યુલેશન કવોલિટી) શિક્ષણ દ્વારા સુધરે છે.
(૨) શિક્ષણ એટલે માનવમાં થતું મૂડીરોકાણ (Education is investment in man) આ બે વિધાનોના ટેકામાં મિરડાલ ૧૮૭૦-૭૧માં જર્મની અને ફ્રાન્સ વચ્ચે થયેલા યુદ્ધમાં ફ્રાન્સ હાર્યું તે માટે જર્મનીમાં અપાતું વોકેશનલ અને ટેક્નિકલ શિક્ષણ જવાબદાર હતું, એમ કહે છે. સારું શિક્ષણ યુદ્ધમાં વિજય પણ અપાવી શકે છે.

વર્ષ ૨૦૦૮-૨૦૦૯ના અરસામાં નિમાયેલી ડૉ. યશપાલ કમિટી તરફથી નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (NCF)માં ખાસ કહેવાયું કે: ‘શિક્ષણમાં પોપટિયા પાઠ કરતાં સમજણનું મહત્વ વધારે છે.’ સમજણ વધે તેમાં માતૃભાષાનું માધ્યમ વધારે ઉપકારક બને એ સ્વાભાવિક છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં, પરંતુ અંગ્રેજી હોઇ શકે એવી અર્થહીન ચર્ચા યુરોપમાં, રશિયામાં, ચીનમાં, જાપાનમાં કે એશિયાના કોઇપણ દેશમાં થતી જાણી છે? આપણે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળામાં ભણેલા કોઇપણ વિદ્યાર્થીને તમે વર્ડ્ઝવર્થ, શેકસપિયર કે રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિઓ ક્યારેય ગુનગુનાવતો જોયો છે? એ બિચારો નરસિંહ મહેતાને, દયારામને, કલાપીને, મેઘાણીને, ઉમાશંકરને કે સુન્દરમ્ને ખોઇ બેઠો, પરંતુ બદલામાં અંગ્રેજી સાહિત્યના ઉત્તમ અંશો પામ્યો ખરો? એ અંગ્રેજી ભણે અને ઉત્તમ અંગ્રેજી ભણે એવી ઇચ્છા મને તો રહે છે. એ કોમ્પ્યુટર વાપરે અને સેલફોનને રમાડે તે મને તો ખૂબ જ ગમે છે. એ મહાત્મા ગાંધીને સમજે, તે સાથે અબ્રાહમ લિંકનને પણ સમજે તે જરૂરી છે. મૂળ બાબત વિવેકયુકત સમજણ છે, પોપટ જેવી ગોખણપટ્ટી નહીં. ચામડી કરતાં વસ્ત્ર વધારે મહત્વનું ન જ હોઇ શકે. માતા એટલે માતા! માતા મરી જાય તેવા સંજોગોમાં માસી માતા બની રહે તે ચાલે, પરંતુ માતા શા માટે મરે? ગુજરાતીઓ આજકાલ માતૃહત્યાની ઉતાવળમાં છે. માતાના ધાવણ પછી બીજા ક્રમે માતૃભાષા આવે છે.

જે માણસ ભણેલો હોય છતાં પુસ્તક ન વાંચે તે ‘અભણ’ છે. જે યુવક સ્નાતક થયો હોય તોય દહેજ લઇને પરણે તે ‘અભણ’ છે. જે પતિ ડિગ્રીધારી હોય, પરંતુ પત્ની પર જુલમ કરતો હોય તો તે ‘અભણ’ છે. પીએચ.ડી. થયેલો માણસ પણ જો વ્યસનમાં ડૂબેલો હોય, તો તે ‘અભણ’ છે. તમે લોકો યુવાન છો અને કદાચ મારી વાત નહીં માનો, પરંતુ તમારા પ્રિય અભિનેતા આમિર ખાનની વાત તો માનશો ને? આમિર ખાન કહે છે: ‘હું ઘરે પહોંચું ત્યારે મારી પહેલી ઇચ્છા (ટીવીનું) રિમોટ નહીં, પરંતુ પુસ્તક પકડવાની હોય છે. હું છેક છ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.’ મને આજે દીક્ષાંત પ્રવચન આપવા માટે આમંત્રણ પાઠવ્યું તે માટે કુલપતિ મહોદયા ડૉ. હેમીક્ષા રાવનો આભારી છું. મારી ઉંમર થઇ છે, પરંતુ મને યુવાનોને મળવાનું ખૂબ ગમે છે. અહીં ઉપસ્થિત આદરણીય રાજ્યપાલ શ્રી કમલાજીનો પણ ઉપકૃત છું.
(શ્રી હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ, તા. ૧૯ માર્ચ, ૨૦૧૩).‘

પાઘડીનો વળ છેડે

જો તમને લાગતું હોય
કે શિક્ષણ ખર્ચાળ છે,
તો અજ્ઞાન
અજમાવી જુઓ!
– ડીરેક બેક

નોંધ: આ વિધાન કેન્દ્રના નાણાપ્રધાન ચિદમ્બરમ્ અને ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલને અર્પણ!

ગુણવંત શાહ: માતા-પિતાને હવે કેવી નિશાળ ગમશે?

ગુણવંત શાહ: માતા-પિતાને હવે કેવી નિશાળ ગમશે?

માતા-પિતાની અંદરની ઝંખના નિશાળની પસંદગી કરવામાં ગજબની મુશ્કેલી સર્જે છે. શું બે હાથમાં લાડુ હોય એ શક્ય છે? હા, એ શક્ય પણ છે અને ઇચ્છનીય પણ છે. માતા-પિતાની ઝંખના કંઇક આવી છે: એ નિશાળમાં gifted શિક્ષકો હોય. એમને ઊંચો પગાર આપવા માટે ફી વધારે રાખો તો તેમાં અમને વાંધો નથી.અમારાં સંતાનોને એવું કડકડાટ અંગ્રેજી ભણાવો કે મોટો થાય ત્યારે વાંધો ન આવે, એ નિશાળનું માધ્યમ ગુજરાતી હોય અને અંગ્રેજીનું શિક્ષણ ઉત્તમ હોય.

તંકવાદી ન હોય તેવા સૌ મનુષ્યોના મૂળભૂત માનવ અધિકારોમાં ઊંડી નિષ્ઠા હોવાને કારણે એક ખાસ વાત ગુજરાતની પ્રજાને કહેવી છે. પોતાની માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવું એ પ્રત્યેક બાળકનો મૂળભૂત માનવ અધિકાર છે. જેમ બાળમજૂરી સામાજિક અપરાધ ગણાય છે, તેમ અન્ય ભાષાના માધ્યમ દ્વારા બાળકને શિક્ષણ આપવું એ પણ અપરાધ ગણાવો જોઇએ. દુનિયાની કોઇ પણ ભાષા પવિત્ર છે. અંગ્રેજી એક સમૃદ્ધ ભાષા છે. એના પ્રત્યે દ્વેષ રાખનાર કે પછી એની અવગણના કરનાર માણસ મહામૂર્ખ હોવાનો. સર્વ ભાષા સરસ્વતી.

માનવ-ઈતિહાસમાં સ્થાન પામેલો એક પણ મહાન વિચારક બતાવો. જેનું શિક્ષણ પોતાની માતૃભાષાના માધ્યમમાં ન થયું હોય. સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, પાયથાગોરસ અને હિરેકિલટસ માતૃભાષમાં જ ભણ્યા હતા. આઇન્સ્ટાઇન અને બટ્રાઁડ રસેલ માતૃભાષામાં જ ભણ્યા હતા. ટોલ્સ્ટોય અને ચેખોવ માતૃભાષામાં જ ભણ્યા હતા. ગાંધીજી અને વિનોબા ઉપરાંત રજનીશ માતૃભાષામાં જ ભણ્યા હતા. કલાપિ ભણ્યા હતા માતૃભાષામાં, પરંતુ અંગ્રેજી સાહિત્યનું એમનું વાચન કોઇ અંગ્રેજ પ્રોફેસર કરતાં લગીરે ઓછું ન હતું. માતૃભાષાનું ગૌરવ જેમનું સ્થાપિત હિત છે એવા ગુજરાતીના પ્રાધ્યાપકો ક્યારે જાગશે?

શું મૌલિકપણે વિચારવાની કુશળતાને શિક્ષણમાં કોઇ સ્થાન ખરું? ગયે મહિને નાગપુરમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કહ્યું કે વિજ્ઞાનનું શિક્ષણ બાળકોને માતૃભાષામાં જ આપવું જોઇએ. તેઓ પોતે પણ દસમા ધોરણ સુધી માતૃભાષા દ્વારા જ ભણ્યા હતા. આપણા જાણીતા વિજ્ઞાની ડૉ. જયંત નારલીકરે પણ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માતૃભાષામાં જ ભણાવવા જોઇએ એવો આગ્રહ રાખ્યો છે. જો ગોખણપટ્ટી જ શિક્ષણના કેન્દ્રમાં રહેવાની હોય તો પોપટને ‘સુશિક્ષિત’ ગણવો પડશે. બાળકો માહિતીની વખાર બની રહે એ જ આપણો ઉદ્દેશ હોય, તો આપણાં ઘરમાં પુસ્તકોનો આહાર કરતી ઊધઇને પંડિત કહેવી પડે. બાળકની સર્જકતાને ખીલવા ન દે એવી અંગ્રેજી માધ્યમની ભવ્ય દુકાનોને ‘નિશાળ’નો દરજજો પ્રાપ્ત થયો છે. સાવ જ છીછરી બાબતોથી અંજાઇ જતી પ્રજા મહાન બનવાની તકલીફથી આબાદ બચી જાય છે!

ઓમાન જેવા નાના દેશમાં એક કાયદો છે. ત્યાં દવા કે ટૂથપેસ્ટ જેવી બધી જ ચીજના બોક્સ પર અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં વિગતો આપવાનું ફરજિયાત છે. આપણે ત્યાં જુદો રિવાજ છે. દુકાનોનાં પાટિયાં અને બોક્સ પર અંગ્રેજીના ચિતરામણ જોવા મળે છે. અંગ્રેજી ન વાંચી શકનારા ૮૦-૯૦ ટકા જેટલા લોકોનું શું? બાલ ઠાકરેની એક પણ વાત સાથે સંમત થવાનું મુશ્કેલ છે, પરંતુ દુકાનોનાં પાટિયાં પર મરાઠી લખાણ હોય એવા આગ્રહ સાથે અસંમત થવાનું મુશ્કેલ છે. બોલો! આવો આગ્રહ રાખવામાં અંગ્રેજીનો વિરોધ કર્યો એમ કહેવાય? અંગ્રેજી ન જાણનાર માટે ‘ક્લોઝ અપ’ ટૂથપેસ્ટ એટલે શું?

આજનાં માતા-પિતા પોતાનાં બાળકો માટે કેવી નિશાળ ઇચ્છે છે? વાલીઓ કદી ગુજરાતી માતૃભાષાનાં વિરોધી નથી હોતાં. તેઓ બંને હાથમાં લાડુ હોય એવી ઇચ્છા રાખે છે. આવતીકાલે સમગ્ર વિશ્વમાં માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી થશે. યુરોપ, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીન અને આરબ દેશોમાં એ ઉજવણી સાવ જ ફિક્કી જણાશે, કારણ કે ત્યાં તો માતૃભાષા ગૌરવવંતી અને ગુણવંતી છે જ! ગુલામ હતા એવા બધા દેશોમાં જ એ દિનની ઉજવણી ધ્યાનાકર્ષક જણાશે. આજના ભારતીય માતા-પિતા મજબૂર છે અને મજબૂરીના રંગરોગાન પણ ઓછાં ક્યાં છે? માતા-પિતાની અંદરની ઝંખના નિશાળની પસંદગી કરવામાં ગજબની મુશ્કેલી સજેઁ છે. શું બે હાથમાં લાડુ હોય એ શક્ય છે? હા, એ શક્ય પણ છે અને ઇચ્છનીય પણ છે. માતા-પિતાની ઝંખના કંઇક આવી છે:

-એ નિશાળમાં gifted શિક્ષકો હોય. એમને ઊંચો પગાર આપવા માટે ફી વધારે રાખો તો તેમાં અમને વાંધો નથી.-અમારાં સંતાનોને એવું કડકડાટ અંગ્રેજી ભણાવો કે મોટો થાય ત્યારે વાંધો ન આવે.-એ નિશાળનું માધ્યમ ગુજરાતી હોય અને અંગ્રેજીનું શિક્ષણ ઉત્તમ હોય.-એ નિશાળમાં સ્વિમિંગ પૂલ હોય અને ત્યાં યોગની તાલીમ અપાતી હોય.-એ નિશાળનું જિમ્નેશિયમ ઇન્ટરનેશનલ કક્ષાનું હોય અને શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય. (યાદ રહે કે પ્લેટોની એકેડેમી જિમ્નેશિયમ પર શરૂ થઇ હતી. જજર્મન ભાષામાં સ્કૂલ માટેનો શબ્દ ‘જિમ્નેશિયમ’ છે).

શું આવી અપેક્ષાઓ રાખવાનો માતા-પિતાને અધિકાર નથી? અમદાવાદની વિદ્યાનગર હાઇસ્કૂલના આચાર્યમિત્ર હિંમત કપાસીએ નિશાળમાં શાસ્ત્રીય સંગીત ઉપરાંત બિથોવનની સિમ્ફની સાંભળવા ઉત્સુક હોય એવા કાનની કેળવણી વિદ્યાર્થીઓને આપી હતી. આપણી નિશાળોમાં સંગીત લગભગ ગેરહાજર હોય છે. સુરતમાં સદ્ગત ચંદ્રવદન શાહે સ્થાપયેલ ‘જીવનભારતી’ નિશાળમાં રોજ થતા સંમેલન (એસેમ્બલી)માં એવું સંગીતમય-પ્રાર્થનામય-વિચારમય પર્યાવરણ સજેઁલું કે ખબર ન પડે એમ વિદ્યાર્થીઓને જીવનનું ભાથું મળી જાય. અમદાવાદમાં કવિ સ્નેહરશ્મિ આચાર્ય હતા. હવે એ નિશાળમાં પણ અંગ્રેજી માધ્યમ ઘૂસી ગયું! લોકો નિશાળ જાણે દુકાન (મોલ) કે મલ્ટિપ્લેક્સ જેટલી સ્વચ્છ બની જાય તેવું ઇચ્છે છે! એક જમાનામાં કવિ સ્નેહરશ્મિ અને કુ. ઇન્દુમતી શેઠની નિશાળ સી. એન. વિદ્યાવિહાર (અમદાવાદ)માં પણ ગાંધીસુગંધની માવજત માતૃભાષાના માધ્યમથી થતી. કાલે ઊઠીને કોઇ જીવંત આચાર્ય કે પ્રાઇવેટ મેનેજમેન્ટ ગુજરાતી માધ્યમની એવી નિશાળ શરૂ કરે કે જેમાં ઉત્તમ અંગ્રેજી ભણાવાતું હોય તો! તો એ નિશાળમાં પ્રવેશ માટે પડાપડી થાય. આવી પ્રથમ નિશાળ ક્યારે? એવી નિશાળ જોવા માટે લાંબું જીવવું પડે?

યાદ છે? માતૃભાષા વંદનાયાત્રાને એક વર્ષ પૂરું થયું. એ યાત્રામાં રઘુવીર ચૌધરી અને ઉષા ઉપાધ્યાયે પસંદ કરેલાં ૧૦૦ જેટલાં ઉત્તમ પુસ્તકોનું વેચાણ રૂપિયા વીસ લાખ પર પહોંચેલું. આપણી ગુજરાતી સાહિત્ય પરિષદ માતૃસ્થાને છે. એમાં શરૂ થયેલા માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા ભાષાના કૌશલ માટે વર્ગો ચાલે છે. મહામંત્રી રાજેન્દ્ર પટેલ તો ખરા જ, પરંતુ તેમાં સક્રિયપણે સર્વશ્રી રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા, યોગેન્દ્ર વ્યાસ, પુરુષોત્તમ જી. પટેલ, અરવિંદ ભંડારી સાથે આદરણીય મુરબ્બી રવીન્દ્ર દવે જેવા શિક્ષણવિદ્ પણ ખાસા સક્રિય છે. દૂર રહીને પણ ડૉ. ભદ્રાયુ વછરાજાની અને ડૉ. મોતીભાઇ પટેલ માતૃભાષાના ગૌરવની જાળવણી માટે સક્રિય છે. આ પ્રવૃત્તિ પૈસાના અભાવે ન અટકે તેવી સોલિડ આર્થિક વ્યવસ્થા પણ થઇ ચૂકી છે. દુનિયામાં ક્યાંય ન યોજાયું હોય એવું ‘વાંચે ગુજરાત’ અભિયાન ગુજરાતમાં પુસ્તકક્રાંતિ સર્જી રહ્યું છે. શિક્ષણસચિવ હસમુખ અઢિયા કેવળ સરકારી ઉચ્ચાધિકારી નથી, પરંતુ માતૃભાષાને મોહબ્બત કરનારા નાગરિક પણ છે. યાદ છે? આ કટારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહની અવદશા અંગે તીખી ટકોર થયેલી. એ સભાગૃહ અધ્યતન બને તે માટે બીજે જ દિવસે આદરણીય મોરારિબાપુએ પાંચ લાખ પરિષદને મોકલી આપ્યા હતા. આનંદની વાત એ છે કે આવતા જુલાઇ સુધીમાં એ રા. વિ. સભાગૃહના પુન:નિર્માણનું કામ પૂરું થઇ જશે. સભાગૃહ જોઇને આંખ અને કાન ઠરશે.

માતૃભાષા આપણી આંખ છે અને અંગ્રેજી ભાષા આપણી પાંખ છે. બંને જરૂરી છે. ત્વચાને ભોગે વસ્ત્રની માવજત ન હોય. આંખને ભોગે ચશ્માંનું જતન ન હોય. આપણા આદરણીય કવિ ઉમાશંકર જોશીની શતાબ્દીના વર્ષમાં આપણે આટલું પણ ન કરીએ? ઉમાશંકરભાઇ મૂર્ધન્ય અને આપણે ધન્ય!

પાઘડીનો વળ છેડે

હું ટર્કિશ ભાષામાં જ લખું છું.મને એવી પરિસ્થિતિની કલ્પના પણ નથી,જેમાં બીજી કોઇ પણ ભાષામાં લખી શકાય.મારે માટે લખવાની અત્યંતસંવેદનશીલ અને કાવ્યમય બાજુએ જ કે તમે વાચકોનેતમારી પોતાની ભાષામાં પહોંચો!અન્ય ભાષા મને અકુદરતી લાગ્યા કરે છે.અંગ્રેજી ભાષાનું લખાણઅન્ય પ્રાદેશિક ભાષાઓના લેખકો પર છવાઇ જાય તેથી તો કેટલી બધીમાનવીય અનુભૂતિ હાંસિયામાં ધકેલાઇ જાય છે!

– ઓરહાન પામુક

નોંધ : ટર્કીના સાહિત્યકાર અને નોબેલ પારિતોષિક વિજેતા, એવા આ લેખકની સ્મરણકથાનું નામ છે: ‘Istambul એમની ઐતિહાસિક નવલકથાનું મથાળું છે: ‘My Name is Red.’

વાંચે ગુજરાત વિચારે ગુજરાત Divya Bhasker,2-1-2011

તમારાં સંતાનોને દબાણ કરીને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ધકેલશો નહીં. જેને ગણિત કે વિજ્ઞાનમાં રસ ન પડે તે બાળક ‘ડોબો’ નથી. એને જો મનગમતો વિષય મળી જાય તો જરૂર ઝળકી ઊઠશે.

ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઇડિયટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ વિચિત્ર જણાય છે કારણ કે બધા લોકો વિચારે તેના કરતાં સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોવાને કારણે લોકો એની નિંદા કરે છે. જૂનાગઢમાં જન્મેલો ભક્ત નરસૈયો આપણી ગુજરાતી ભાષાનો આદિકવિ જ નહીં ‘આદિ-ઇડિયટ’ હતો. સૂફી વિચારધારાના વિખ્યાત આલિમ ઇદ્રિસ શાહના એક પુસ્તકનું મથાળું છે: ‘Wisdom of the Idiots.’ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે ‘ઇડિયટ’ બનવાનું સૌના નસીબમાં નથી હોતું. જગતના લગભગ બધા જ ઇડિયટ્સ માતૃભાષાના માધ્યમમાં ભણ્યા હતા.

ગુજરાતમાં એક અનોખું આંદોલન ચાલ્યું. એવું આંદોલન જગતના કોઇ દેશમાં નથી ચાલ્યું. એ આંદોલનમાં સરકાર અને લોકો વચ્ચે સેતુ રચાયો. ‘વાંચે ગુજરાત’ આંદોલન ગુજરાતને ખૂણેખાંચરે પહોંચ્યું. જે સમાજમાં બુક-કલ્ચર ન હોય તે પ્રજાને ગરીબ રહેવાનો અધિકાર છે. જે માણસ વાંચે છે, તે આદરણીય છે. જે માણસ મૌલિક રીતે વિચારે છે તે ‘ઇડિયટ’ છે. જે પુસ્તક વાંચ્યા પછી માણસ વિચારે ચડી જાય, એ પુસ્તક પવિત્ર ગણાય. સમજુ માણસોએ વિચારવા ન પ્રેરે તેવું પુસ્તક ન વાંચવાનો સંકલ્પ લેવો જોઇએ. ઉધાર (ભંગાર) પુસ્તક મફતમાં મળે તોય લેવું ન જોઇએ. દર વર્ષે જગતમાં ન વાંચવા જેવાં લાખો પુસ્તકો બહાર પડે છે.

ગુજરાતના ગ્રંથપાલો તો સરસ્વતી મંદિરના દ્વારપાલો છે. પુસ્તકાલય મંદિર છે, વખાર નથી. પુસ્તક વિક્રેતા સાથે રુશવત દ્વારા ગામની કે નિશાળની લાઇબ્રેરીમાં ઘુસાડવામાં આવેલું પ્રત્યેક પુસ્તક લાઇબ્રેરીને વખાર બનાવનારું છે. ગુજરાતમાં રોજ એક ઉધાર પુસ્તકનું ‘વિમોચન’ થાય છે, ક્યારેક તો આદરણીય મોરારિબાપુના શુભ હાથે પણ થાય છે. પુસ્તકનું ‘પ્રકાશન’ થાય છે. એ પ્રકાશને એની મેળે પ્રસરવા દેવો રહ્યો. સારું પુસ્તક એના પોતીકા અજવાળે પ્રસરે છે.

તમે દુનિયાની કોઇ યુનિવર્સિટીના કેમ્પસ પર બાલવાડી જોઇ છે? તમે કોઇ યુનિવર્સિટી દ્વારા ચાલતી પ્રયોગશીલ માધ્યમિક શાળા જોઇ છે? હા, એ માટે તમારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસ પર પહોંચવું પડશે. એ યુનિવર્સિટી દ્વારા ચાલતી ચેતન બાલવાડીમાં પ્રવેશ પામવા માટે મોટી લાગવગની જરૂર પડતી. કેમ્પસ પર આજે પણ યુનિવર્સિટી દ્વારા ચાલતી એક્સ્પેરિમેન્ટલ સ્કૂલ એક જમાનામાં ગુજરાતની આદર્શ નિશાળ હતી. એના દ્રષ્ટિવંત આચાર્ય સદ્ગત કિશોરકાંત યાજ્ઞિક હતા.

ગુજરાતની એ ‘વાઇબ્રન્ટ સ્કૂલ’ હતી. આવું પરાક્રમ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ શ્રીમતી હંસા મહેતાએ કર્યું હતું. જગતના દસ શ્રેષ્ઠ વાઇસ ચાન્સેલરોની યાદી બનાવવામાં આવે, તો એમાં હંસાબહેનનું નામ મૂકવું પડે. યુનિવર્સિટીનું મુખ્ય કામ બને તેટલા વધારે ‘ઇડિયટ્સ’ પેદા કરવાનું છે. ચેતન ભગતના એક મૌલિક લેખનું મથાળું હતું: ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇડિયટ્સ.’ અમદાવાદનું ‘આઇ.આઇ.એમ.’ ભારતમાં અનોખું છે.

‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મમાં આમિર ખાન એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને જે તાણ રહેતી હોય છે તેને અંગે આચાર્યને કહે છે: ‘યહ કોલેજ હૈ, પ્રેશર કૂકર નહીં.’ આપણે ત્યાં જુદા પડી આવતા પરાક્રમી વિચારકને માટે ક્યારેક તિરસ્કારમાં ‘deviant’વિશેષણ પ્રયોજાય છે. ડેવિઅન્ટ એટલે ‘વિસામાન્ય’. ક્યારેક અત્યંત તેજસ્વી એવા અર્ધપાગલ માણસ માટે અંગ્રેજીમાં ‘કવાર્ક’ શબ્દ પ્રયોજાય છે. મનોવિજ્ઞાનમાં મૌલિકતાનો ખરો સંબંધ ‘ડાઇવર્જન્ટ થિંકિંગ’ સાથે જોડવામાં આવ્યો છે.

રવિશંકર મહારાજ વાતવાતમાં કહેતા: ‘જે ઘરડમાં ચાલે તે ઘરડો.’ જે ઇડિયટ છે કે કવાર્ક છે, તે અન્યથી સહેજ ફંટાઇને ચાલે છે. જગતના ઈતિહાસમાં જે કોઇએ ધાડ મારી છે, તે આવા થોડાક નીમપાગલોએ જ મારી છે. આઇન્સ્ટાઇન ભણવામાં ‘ઢ’ હતો. કહેવાય છે કે જગતમાં સૌથી ઊંચો બુદ્ધિ અંક (I. Q.) આઇન્સ્ટાઇનનો હતો. ગુજરાતનાં માતા-પિતાને વિનંતી છે, તમારાં સંતાનોને દબાણ કરીને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ધકેલશો નહીં.

જેને ગણિત કે વિજ્ઞાનમાં રસ ન પડે તે બાળક ‘ડોબો’ નથી. એને જો મનગમતો વિષય મળી જાય તો જરૂર ઝળકી ઊઠશે. ગુલાબ ગુલાબ છે. રાતરાણી રાતરાણી છે. બંનેની મોસમ અલગ અલગ છે. બંને વચ્ચે સરખામણી ન હોય. બંને પોતપોતાના છોડવા પર મહાન છે. માતા-પિતા ક્યારેક ચંગિઝખાન બનીને પોતાના જ બાળકનું મૂલ્યાંકન એ પરીક્ષામાં કેટલા ટકા લાવે તેના પરથી કરે છે. આવા અભણ માતા-પિતાનું પાપ બાળકને જીવનભર નડતું રહે છે. બાળક કંઇ માટીનો લોંદો નથી.

એના પુષ્પત્વને ચીમળી નાખવાનું પાપ એની કરિયરના નામે કરવાનું યોગ્ય નથી. ગલકાના ફૂલનું પણ પોતીકું સૌંદર્ય હોય છે. ફૂલ આખરે ફૂલ છે અને એને ખીલવાનો અધિકાર છે. વાલીઓ બાળકનાં માળી છે, માલિક નથી. તેઓ માળી બનવાને બદલે કઠિયારા બને તે અક્ષમ્ય અપરાધ છે.

વાંચે ગુજરાત અને વિચારે ગુજરાત, એમ બેઉ ઝુંબેશ સાથોસાથ ચાલવી જોઇએ. વિચારવાની ટેવ ન કેળવાય તો વાંચેલું બેકાર છે. છેક ૧૯૪૯માં ઋષિ વિનોબાએ પોતાના નિબંધસંગ્રહ ‘જીવનદ્રષ્ટિ’ના પ્રારંભે એક વિધાન મૂક્યું હતું: ‘જ્ઞાન કરતાં પણ દ્રષ્ટિ મહત્વની હોય છે.’ એમના બીજા નિબંધસંગ્રહનું મથાળું હતું: ‘મધુકર’. આ બંને પુસ્તકો કોઇ જૂની લાઇબ્રેરીના બંધ કબાટમાંથી ખોળીને વાંચવા જેવાં છે. એ પુસ્તકોને વળગેલી ધૂળ ખંખેરીને વાંચ્યા પછી જીવનની થોડીક ધૂળ ખરી પડે એ શક્ય છે.

બંને પુસ્તકોમાં એક કોમન નિબંધ સ્થાન પામ્યો છે: ‘સાહિત્યની દિશાભૂલ.’ યુનિવર્સિટીનો સ્વધર્મ સ્નાતકોને અને અનુસ્નાતકોને એસેમ્બ્લી લાઇન પર વહેતા મૂકવાનો નથી. યુનિવર્સિટીનું મશિનનો પારમિતાની સાધના (pursuit of excellence) થાય તે માટેનું પર્યાવરણ સર્જવાનું છે. વિચારવાની ટેવ ન હોય એવા કેટલાય પીએચ.ડી. થયેલા પ્રાધ્યાપકોને તમે મળ્યા છો? જો ન મળ્યા હો, તો તમે નસીબદાર છો. એ બાબતે હું કમનસીબ છું.

વિચારવાની ટેવ પડે અને જીવનદ્રષ્ટિ કેળવાય તે માટે નિશાળો અને કોલેજોમાં વિચારશિબિરો યોજાવા જોઇએ. આવા પચીસ વિચારશિબિરો લાગલગાટ પચીસ વર્ષો સુધી ગુજરાતમાં યોજાયા હતા. અમારા એક શિબિરમાં ચાર વિચારપુરુષો વૃક્ષોની નીચે લીંપણના ચોરા પર (બીલીમોરાની અવધૂતવાડીમાં) બેઠા હતા: મનુભાઇ પંચોળી (દર્શક), યશવંત શુક્લ, ઇશ્વર પેટલીકર અને પુરુષોત્તમ ગણેશ માવળંકર. એ શિબિરોમાં વિચારોની મજિબાની કેવી ચાલી હશે તેની કલ્પના તો કરી જુઓ! શિબિરમાં આવનાર પ્રત્યેક વાચક પોતાનું મનગમતું પુસ્તક લાવે અને સૂર્યોદય ગોષ્ઠિમાં એનો પરિચય કરાવે એવી પ્રથા હતી.

શિબિરમાં આવેલી એક રશિયન યુવતી ગુજરાતીમાં બોલી હતી. પરોઢના આછા ઉજાસમાં સૌ વૈતાલિકના મધુર સંગીત સાથે ઊઠે એવો ઉપક્રમ હતો. આવા શિબિરો ગોઠવવામાં ઝાઝો ખર્ચ થતો નથી. ગુજરાતના આચાર્યો અને અધ્યાપકો જાગે એટલી જ વાર છે. વિચારોનું વૃંદાવન સર્જાયું ન હોય એવા કેમ્પસને લોકો કેવળ ટેવને આધારે ‘યુનિવર્સિટી’ કહે છે.

પાઘડીનો વળ છેડે

જે પ્રાચીન હોય તે
બધું જ સારું હોય એવું નથી.
વળી જે આધુનિક કાવ્ય કે શાસ્ત્ર હોય,
તે દોષમુક્ત હોય જ એવું પણ નથી.
વિવેકી પુરુષો પૂરી કસોટી કર્યા પછી જ
તેનો સ્વીકાર કરે છે,
જ્યારે મૂર્ખ મનુષ્યો
બીજાઓ પર વિશ્વાસ મૂકીને
પારકાની બુદ્ધિ પર ચાલે છે.- મહાકવિ કાલિદાસ.

Gunvant Shah in Ahmedabad on 3-7-2010

‘ખંડિત યુગલત્વનો ચિત્કાર આજે પણ યથાવત્ છે’

Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 2:12(04/07/10)
 
 
 

 
  
 

‘કાલગંગા અવિરત વહેતી રહે છે, પરંતુ સમસ્યા એ જ રહે છે – ખંડિત યુગલત્વનો ચિત્કાર ! વાલ્મીકિ રામાયણમાં રામ અને સીતા ખંડિત યુગલ હતાં અને તેમનો ચિત્કાર વર્તમાન યુગના અનેક યુગલોને ચિત્કાર બની રહ્યો છે. આજે ૨૧મી સદીમાં પણ આપણે યુગલત્વનો સ્વીકાર કરતા નથી. બે મળેલા જીવને જંપીને બેસવા દેતા નથી.

આજે પણ રામાયણકાળનો યુગલત્વનો ચિત્કાર સંભળાય છે તેની સામેના પડકાર દેખાય છે. તેથી જ વાલ્મીકિ રામાયણને ‘કાવ્યબીજમ્ સનાતનમ્’ કહેવાયું છે.’ જાણીતા સમાજ ચિંતક અને દિવ્ય ભાસ્કરના કટાર લેખક ગુણવંત શાહે શનિવારની સાંજે ‘વાલ્મીકિ રામાયણ’ને પોતાના અંદાજમાં સાહિત્યરસિકો સમક્ષ મૂકતા આ શબ્દો કહ્યા હતા.

વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત ‘મને ગમતું પુસ્તક વાર્તાલાપ’નું સૌથી પ્રથમ વકતવ્ય ગુણવંત શાહનું સાહિત્ય પરિષદમાં યોજાયું હતું. વાલ્મીકિ રામાયણમાં સત્ય અને કાવ્ય બંને હોવાથી તે વધુ પ્રિય હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે,‘રામાયણ એ ખંડિત યુગલત્વ અથવા મિથુનત્વનો ચિત્કાર રજૂ કરતું મહાકાવ્ય છે. સીતાનું અપહરણ, અગ્નિપરીક્ષા કે પછી સીતાનો ત્યાગ અથવા તેનું ધરતીમાં સમાઇ જવું એ બધામાં ખંડિત યુગલત્વનો ચિત્કાર છે.

અશ્વમેઘ યજ્ઞ વખતે રામ દ્વારા સીતાની સુવર્ણપ્રતિમા બનાવવા કહે છે, એ પણ ખંડિત યુગલત્વનો ચિત્કાર છે.’ તેમણે કહ્યું હતું કે,‘રાવણ ખુદ વાલ્મીકિ રામાયણમાં સ્વીકારે છે કે રામનું માયાવી સ્વરૂપ ધારણ કરતાં મારી વૃત્તિ બદલાઇ જાય છે. રામના વિરહમાં ભરત માતાને કહે છે ‘જનની મૈં ન જિયું રામ બિન..’. બહુપત્નીત્વ જે યુગમાં સહજ હતું, ત્યાં રામ સીતાને સમર્પિત રહી અનોખું પિતૃતર્પણ કરે છે. આવું મહાકાવ્ય રામાયણ એ આપણી સંસ્કૃતિનો ભવ્યતમ વારસો છે, પરંતુ હવે આપણે તેનાથી કપાઇ ગયા છીએ.’

આ ભવ્ય વારસાથી ફરી સાંકળવા માટે મોરારિ બાપુની કથા ઠેર ઠેર થવી જોઇએ. પાઠ્યપુસ્તકોમાં રામાયણના પ્રસંગો વધુ આવરી લેવા જોઇએ. ઘેર-ઘેર રામાયણ પહોંચવું જોઇએ એમ ગુણવંત શાહે કહ્યું હતું. વાંચે ગુજરાત અભિયાનના સહમંત્રી રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે,‘આ પ્રવચન બાદ ગુજરાતમાં ૧૫૦ વાર્તાલાપ યોજાશે. જેમાં ૨૫ વાર્તાલાપ જેલમાં થશે. વાંચે ગુજરાત અભિયાનનો આશય એક નવી ચેતનાને સ્પંદિત કરવાનો છે.’ આ અભિયાનના માનદમંત્રી મહાદેવભાઇ દેસાઇએ પ્રથમ વાર્તાલાપમાં હાજર સૌ કોઇ સુધિશ્રૌતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.