સ્વામી આનંદ કહે છે: માયા તો કિરતારની કારભારણ છે. DIVYA BHASKER, 22-3-2015

માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? જવાબ છે: હૃદયરોગનો હુમલો. વાત વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિચિત્ર નથી. અનુભવને આધારે કહેવું છે કે હૃદયરોગના હુમલાને કારણે મારા અહંકારના ચૂરેચૂરા થઇ ગયા. શું આ જેવીતેવી ગુરુકૃપા છે? માનવ દેહધારી ગુરુ પોતાના શિષ્યને છેતરે એ શક્ય છે, પરંતુ હૃદયરોગનો હુમલો પોતાના શિકારને કદી પણ ન છેતરે. હુમલો થયા પછી બચી જનાર મનુષ્ય જો જાગી જાય તો જીવનનું નવનિર્માણ (Self-renewal) શરૂ થાય એ શક્ય છે. આવી તક કેવળ નસીબદાર મનુષ્યોને જ પ્રાપ્ત થતી હોય છે. અહંકારશૂન્યતા એટલે દેહમૃત્યુ થાય તે પહેલાં અહંકારનું મૃત્યુ થાય તેવી અવસ્થા. હૃદયરોગ આવી અવસ્થાની ખાતરી નથી આપતો. હા એને પ્રતાપે એક અલૌકિક શક્યતાનું દ્વાર ખૂલે છે એ નક્કી! શું આવી ગુરુકૃપા ઓછી મૂલ્યવાન છે? શક્યતાનું દ્વાર ખોલી આપે, તે જ સદગુરુ!

બરાબર યાદ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)માં ખાટલા પર જે વિચારો આવ્યા તેમનું ગુરુત્વ મધ્યબિંદુ ‘માયા’ હતું. સ્વામી આનંદે માયાને ‘કિરતારની કારભારણ’ કહી તે વાતે સ્વામી આનંદનું પણ તીવ્ર સ્મરણ ચાલતું રહ્યું. એ ખાસ કલાકોમાં જ કંઇ વિચાર્યું તેનું વિસ્મરણ હજી થયું નથી. જે કંઇ યાદ આવે તેને યથાતથ રજૂ કરવાના આ પ્રયત્નમાં સુવ્યવસ્થા નહીં હોય. માયા પર વિચારે ચડી જવાનો એક લાભ એ થયો કે મૃત્યુનો ભય ખરી પડ્યો. બાયપાસ સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લતા મંગેશકરને કંઠે ગવાયેલો ગીતાનો બારમો અધ્યાય સાંભળવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણનાં વચનોનું શ્રવણ કરતા કરતા એનેસ્થેસિયા દ્વારા સંપૂર્ણ અભાનતાના ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનું બન્યું. થોડાક કલાકો પછી પુનર્જન્મ!

માયા પર વિચારવાનું ફરીથી ચાલુ થયું. ક્રિકેટ અને ગીતા વચ્ચેનો અનુબંધ મનમાં જડાઇ ગયો. શું થયું? હું ખેલના મેદાન પર રમવા ગયો. માયા શરૂ? રમતમાં મેં છગ્ગો ફટકાર્યો પણ બોર્ડર પર ફિલ્ડરે કેચ ઝીલી લીધો. મેં પેવિલિયન ભણી ચાલવા માંડ્યું. એક જ ક્ષણમાં અમ્પાયરે ‘નો બોલ’ જાહેર કર્યો અને હું ક્રીઝ પર પાછો ફર્યો! ક્રિકેટની માયા કેવી? આપણી ટીમ જીતે તો ખુશ થવાનું અને હારી જાય તો નિરાશ થવાનું! બે ટીમની રમતમાં રન સરખા થાય તો ટાઇ પડે તેની માયા! વળી સ્ટમ્પ આઉટ, કેચ આઉટ, રન આઉટ અને LBWની માયા! ડીપ મિડ-ઓન પર દ્વેષ નામનો ફીલ્ડર કેચ કરવા ટાંપીને ઊભો છે! એ જ રીતે ડીપ મિડ-ઓફ પર લોભ નામનો ફીલ્ડર આપણો રન રોકવા તત્પર છે!

એ જ રીતે સ્લિપર તરીકે ત્રણ ત્રણ ખેલાડીઓ વત્તા વિકેટકીપર સાક્ષાત્ મોહ બનીને આપણને આઉટ કરવા તત્પર છે! આવી ક્રિકેટમયી માયામાં અમ્પાયરનું કામ કેવું? ગીતામાં બે શબ્દો પ્રયોજાયા છે: 1. ઉપદ્રષ્ટા અને 2. અનુમન્તા. (અધ્યાય 13). બંને શબ્દોમાં અમ્પાયરનો ધર્મ પ્રગટ થાય છે. અમ્પાયર બંને ટીમ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને ઊભો છે. એ રમતને સાક્ષીભાવે નિહાળે છે તેથી ‘ઉપદ્રષ્ટા’ છે. વળી એ આઉટ કે નોટઆઉટનો નિર્ણય કરતી વખતે અનુમતિ આપનારો (અનુમન્તા) છે. આમ અમ્પાયર મોહમાયામાં અટવાતા ધૃતરાષ્ટ્રની નબળાઇ (મામકા-પાંડવા:)થી મુક્ત છે. સંસારનો ખેલ ક્રિકેટના ખેલથી જુદો નથી. એ ખેલમાં જોડાયેલા મનુષ્યો સાક્ષીભાવે માયાની રમતને નિહાળે તો જીવન સફળ થઇ જાય. માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

કોઇએ તમને દગો દીધો? કોઇ સ્વજન તમારા પૈસા લીધા પછી પાછા નથી આપતું? કોઇ તમારી નિંદા કરવામાં નિષ્ઠાવંત જણાય છે? તમારા હૃદયમાં ક્યાંક જખમનું શૂળ છે? અરે! તમે કોઇને અન્યાય કર્યો છે? તમે લોભ-મોહ-સ્વાર્થને કારણે કોઇનું જીવન બરબાદ કર્યું છે? હા, માયા નામની કારભારણ તમને અને મને રાતદિવસ નચાવી રહી છે. આપણે સવાર-સાંજ નાચમગ્ન છીએ. વચ્ચે વચ્ચે કોઇ ગમતું માણસ મરી જાય છે. આપણે દુ:ખી દુ:ખી! ક્યાંક લગ્ન સમારંભ યોજાય ત્યારે ટેબલે ટેબલે વાનગીઓની માયા! આયુર્વેદની વિચારધારા અને વિજ્ઞાનધારા પ્રમાણે મનુષ્યનું શરીર વાત, પિત્ત અને કફ વચ્ચે જળવાતા સંતુલનની ત્રિગુણાત્મક માયા છે! પાણીપૂરી લલચાવે, મીઠાઇ લલચાવે, ભજિયાં લલચાવે અને ભોજન પછી સુગંધીદાર પાન પણ લલચાવે! રોજ નવી માયાને રોજ નવી લીલા! શિયાળાની સવારનો તડકો ગમે અને ઉનાળાની બપોરનો તડકો પજવે! વરસાદ ગમે, પણ કાદવ-કીચડ ન ગમે! કારમાં ફરવાનું ગમે, પરંતુ એ અટકી પડે ત્યારે માથાનો દુખાવો! સુખની સોડમાં દુ:ખ અને દુ:ખના કાળજામાં પીડા! સુખ ગમે, દુ:ખ ન ગમે!

હૃદયરોગના હુમલા પછી જીવનનો પ્રત્યેક કલાક મૂલ્યવાન બની જાય એ શક્ય છે. મારા વિદ્વાન મિત્ર ડો. શશિકાંત શાહ મને વારંવાર કહે છે: ‘અમારા કેટલાય કલાકો સાવ નકામા વ્યવહારો સાચવવામાં વેડફાઇ જાય છે, તમારા નથી બગડતા તે બહુ મોટી વાત છે.’ પાઇલટની કરિયર વર્ષોમાં નથી મપાતી, કેટલા કલાકોનું ઉડ્ડયન થયું તે પરથી મપાય છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાએ 72 વર્ષની વયે ‘માયા’ સંકેલી લીધી. ‘Outlook’ મેગેઝિનનો હું પ્રથમ અંકથી વાચક હતો. સદગત વિનોદ મહેતા માત્ર મારા જ નહીં, આપણા પ્રિય એવા વિનોદ ભટ્ટના પણ માનીતા પત્રકાર હતા. એમની ખોટ ખટકે તે પણ માયા! તેઓ સોનિયા ગાંધીના પક્ષકાર હતા એમ કહેવામાં અેમને અન્યાય થશે. તેઓ હિંમતપૂર્વક ટીવી પર પણ કડવી વાતો કોંગ્રેસને કહી શકતા હતા. એમની લેખનશૈલીમાં નિખાલસતાની સુગંધ હતી.

ગીતામાં ત્રિગુણમયી માયાની વાત સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના સંદર્ભે કરી છે. જીવનના ઘરમાં ત્રણ ઓરડા છે. ક્યારેક આપણે સત્ત્વગુણના, તો ક્યારેક રજોગુણ કે તમોગુણના ઓરડામાં જઇએ છીએ. કોઇ મનુષ્ય કેવળ એક જ ઓરડામાં ચોવીસે કલાક રહી શકતો નથી. મનુષ્યની ઇશ્વરદત્ત અપૂર્ણતા એને સતત નચાવતી રહે છે. નાચતી વખતે એટલી સભાનતા રહે તો બસ છે કે આપણે નાચી રહ્યાં છીએ!ટીવી સિરિયલ માયાસ્વરૂપા છે. સિરિયલમાં એક પાત્ર ભલું હોય છે અને એક પાત્ર બદમાશ હોય છે. ભલું પાત્ર આપણને ગમે છે અને લુચ્ચું પાત્ર આપણા મનમાં ધિક્કાર જન્માવે છે. પાંચ દિવસ પછી રામનવમી આવશે. સદીઓ વીતી તોય રામનવમી કેમ ઉજવાય છે? રામત્વ શાશ્વત છે તેથી હજી આવનારી સદીઓમાં પણ રામનવમી ઉજવાતી રહેશે. રામમનોહર લોહિયાએ ગાંધીજીને ‘રામના વંશજ કહ્યા હતા. કવિ ઇકબાલે રામને ‘ઇમામે હિંદ’ કહ્યા છે. રામ સંસ્કૃતિ-પુરુષ હતા.

પાઘડીનો વળ છેડે
એક વાર શ્રી રામ અને સીતા પ્રસન્નચિત્તે બેઠાં હતાં ત્યારે એકાએક ત્યાં નારદજી પહોંચી ગયા. રામે દેવર્ષિ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું: ‘હે મુનિશ્રેષ્ઠ! અમારા જેવા સંસારી મનુષ્યો માટે આપનું દર્શન દુર્લભ છે. આપનાં દર્શનથી હું કૃતાર્થ થઇ ગયો. મને કહો કે હું આપને માટે કયું કાર્ય કરું.’ રામનાં વચનો સાંભળીને નારદજી બોલ્યા:

હે વિભો!
આપે કહ્યું કે હું સંસારી મનુષ્ય છું.
વાત તો ઠીક છે કારણ કે
સંસારનું મૂળ કારણ ગણાય
તેવી માયા આપની ગૃહિણી છે!
આપ ભગવાન વિષ્ણુ છો
અને જાનકીજી લક્ષ્મી છે.
આપ શિવ છો!
અને જાનકીજી પાર્વતી છે.
આપ બ્રહ્મા છો
અને જાનકીજી સરસ્વતી છે.
આપ સૂર્યદેવ છો!
અને જાનકીજી પ્રભા છે.
આપ સૌના કાલસ્વરૂપ યમ છો
અને સીતા સંયમિની છે.
સંસારમાં જે બધું પુરુષવાચક છે,
તે આપ છો અને જે બધું સ્ત્રીવાચક છે,
તે સીતાજી છે.
નોંધ: ‘અધ્યાત્મરામાયણ’, અયોધ્યાકાંડ. (પ્રથમ સર્ગ, શ્લોક 6થી 19)

આ પૃથ્વી પર તમે સાવ અનોખા ઇડિયટ છો!DIVYA BHASKER, 3-3-2015

અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે.

આ પૃથ્વી પર અબજો વૃક્ષો પવનમાં ડોલી રહ્યાં છે. એ બધાં જ વૃક્ષો એક પગ પર ઊભાં છે. ઉપનિષદના ઋષિ કહે છે કે એ બધાં વૃક્ષો ધ્યાન કરી રહ્યાં છે. વૃક્ષો અસંખ્ય છે, પરંતુ બિલકુલ સરખાં એવાં બે વૃક્ષો હજી સુધી પેદા નથી થયાં. પ્રત્યેક વૃક્ષ અનન્ય છે અને અદ્વિતીય છે. એક જ વૃક્ષ પર પવનમાં ફરફરતાં પાંદડાં કેટલાં? ગણવાનો પ્રયત્ન કરી જોજો. પાંદડાં હસી પડશે! જો એકાદ પાંદડાને વાણી ફૂટે, તો તે તમને કહેશે: ‘બરખુરદાર! લાખો સદીઓ વીતી ગઇ, પરંતુ હજી સુધી બિલકુલ મારા જેવું બીજું પાંદડું પેદા નથી થયું અને હવે પછી આવનારી લાખો સદીઓમાં પણ મારા જેવું જ પાંદડું ક્યારેય પેદા નહીં થાય. પ્રત્યેક પાંદડું નોખું-અનોખું છે. પરમેશ્વરના સર્જનમાં ક્યાંય ઝેરોક્ષ નકલ નથી. જે કશુંક સર્જાય, તે અપુનરાવર્તનીય (unrepeatable) છે. શું ભગવાન નવરોધૂપ? ભગવાનમાં ન માનતા હો, તોય સર્જનમાં માનવું રહ્યું!’

હે યુવાન મિત્ર! પરીક્ષામાં તું વારંવાર નાપાસ થાય કે પ્રિયજન પામવામાં અનેક નિષ્ફળતા મળે, તોય એક વાત કદી પણ ભૂલતો નહીં. આ પૃથ્વી પર તારા જેવો ઇડિયટ ક્યારેય પેદા થયો નથી અને થવાનો પણ નથી. You are a very special idiot on this earth. આવું વિચારવાથી તને ખૂબ જ લાભ થશે. તને કદી પણ લઘુતાગ્રંથિ નહીં પજવે અને તું કદી પણ નિરાશાની અંધકારમય ખીણમાં સરી નહીં પડે. પ્રત્યેક ઇડિયટ પાસે એક અદૃશ્ય કોહિનૂર હોય છે. એ કોહિનૂરનું નામ આત્મવિશ્વાસ છે. પતિ-પત્નીએ પરસ્પર પ્રેમ કરવા ઉપરાંત બીજું પણ એક ખાસ કામ કરવાનું છે. બંને જણાએ સમજણપૂર્વક પાર્ટનરના આત્મવિશ્વાસનું જતન કરવાનું છે. જે પત્ની પતિને કોઇ પણ નિર્ણય લેવાની છૂટ આપતી ન હોય, તે પતિના આત્મવિશ્વાસને છીનવી લઇને એને લઘુતાગ્રંથિનો કોથળો બનાવી દેતી હોય છે. એ કોથળામાં પર્સનાલિટીની રાખોડી ભરેલી હોય છે. એ જ રીતે દેશના કરોડો પરિવારોમાં મુસોલિની જેવા ડિક્ટેટરના કહ્યામાં રહેતી અખંડસૌભાગ્યવતી ‘કોથળીદેવી’ સતત સડતી રહે છે. આવું બને તેમાં સર્જનહારનું અપમાન છે. બંને લગ્નબંધનથી જોડાયાં હોય, તોય સ્વાયત્ત છે. વીણાના તાર સાથે પણ વાગે અને એક જ તાર પણ પોતીકું સંગીત પેદા કરે છે. એ છે સંગીતમય સ્વાયત્તતા!

સાવ સાચો બનેલો પ્રસંગ કહું? એક અધિકારી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરતો હતો. એ રુશવત લેતાં પકડાઇ ગયો અને નોકરી ગુમાવી બેઠો. એની પત્ની માધ્યમિક શાળામાં શિક્ષિકા હતી અને પ્રભાવશાળી સ્ત્રી હતી. એ શિક્ષિકા માર્ગદર્શન લેવા માટે મારી પાસે આવી. મેં એને કહ્યું: ‘પતિએ જે રુશવત લીધી તેમાં તમારો ભાગ ખરો કે નહીં? તો હવે આવી પડેલી આપત્તિનો સાથે મળીને સામનો કરજો. પતિ ખૂબ હતાશા અનુભવે ત્યારે તમે એનો ‘ઇગો’ જાળવી લેજો. એના અહંકારને ચોટ પહોંચે એવું એક વાક્ય પણ બોલશો નહીં. અને હા, આવી નિરાશાજનક પળોમાં જો એ સેક્સની માગણી વધારે કરે, તો તે વાતે પણ પૂરો સાથ આપજો.’ પત્ની સમજુ હતી. પતિએ નોકરી ગુમાવી, પરંતુ આખરે પરિવારને અન્ય કોઇ વ્યવસાયને કારણે મુસીબત પાર કરવામાં સફળતા મળી. પાછળથી પત્નીએ મને જણાવ્યું: ‘તમે જે સ્પષ્ટ સલાહ આપી તેવી સલાહ અન્ય કોઇએ આપી ન હોત. અમે બધી રીતે સુખી છીએ.’

પાર્ટનરનો આત્મવિશ્વાસ તોડી નાખીને એને આજ્ઞાંકિત બનાવી દેવામાં કયું સુખ? અરે! પરમ સુખદાયી મૈથુન પણ આત્મવિશ્વાસ માગે છે. મૈથુન કદી બે ઢીલાંઢાલા પતિ-પત્ની વચ્ચે નથી જામતું. ગણિકાને ત્યાં પણ ઢીલાઢસ લલ્લુને આદર નથી મળતો. તન અને મનની તાકાત વિનાનું મૈથુન એટલે સ્પાર્ક-પ્લગ વિનાનું સ્કૂટર! એ સ્કૂટરને કિક વાગે ખરી? મૈથુન દરમિયાન પ્રાપ્ત થતી ચરમસીમા (ક્લાઇમેક્સ) તો સાક્ષાત્ પરમેશ્વરની અપાર કરુણાનું ક્ષણાતીર્થ છે. છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભે છઠ્ઠા મંત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ૐ’ સંજ્ઞામાં મૈથુન દ્વારા થતા સર્જનનું રહસ્ય અભિપ્રેત છે. જ્યાં મિથુનભાવ (યુગલત્વ) છે, ત્યાં ઇચ્છાપૂર્તિ છે. એમાં અશ્લીલ કશુંય નથી. આ વાત કૃષ્ણના કુળની છે, ગાંધીના કુળની નથી. આનંદની ચરમ અનુભૂતિની દૃષ્ટિએ એ ‘તીર્થક્ષણ’ આત્મસાક્ષાત્કાર પછીના ક્રમે આવતી હોવી જોઇએ. આનંદવિહોણું અધ્યાત્મ એટલે કોમ્પ્રેસર વિનાનું રેફ્રિજરેટર! આનંદવિરોધી ધર્મ એટલે આતંકવાદનું ધરુવાડિયું! આપણું કોણ સાંભળે?

મૈથુનમધ્યે પ્રાપ્ત થતી ચરમસીમાએ
સર્જાતી તીર્થક્ષણ દરમિયાન આવી મળતી
અલૌકિક અને અવર્ણનીય
કૃપાનુભૂતિ, આનંદાનુભૂતિ અને અમૃતાનુભૂતિને આત્મસાત્ કરવી એ પ્રત્યેક ઇડિયટનો
પવિત્ર અને આનંદસિદ્ધ અધિકાર છે.
એમાં જે રુકાવટ આવે
તેનું જ નામ આતંકવાદ છે.
વિશ્વશાંતિનું રહસ્ય પરસ્પરતાથી રસાયેલી
એવી એકત્વની આરાધનામાં રહેલું છે.
જ્યાં દ્વૈત હતું, ત્યાં એકત્વ સિદ્ધ થયું!

એક ઇડિયટની કથા કહેવી છે. એ મહિલાનું નામ એનેસ્ટેસિયા સોઅરે છે. એનો જન્મ સામ્યવાદથી ખદબદતા રોમાનિયામાં એવે વખતે થયો જ્યારે કોલ્ડ વોરની તીવ્રતા ટોચ પર પહોંચી હતી. સારું જીવન મળે એવી આશાએ એ મહિલા અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં જઇ પહોંચી. પાસે પૈસા ન હતા અને અંગ્રેજી બોલવાનું આવડે નહીં તેથી મુશ્કેલીનો પાર નહીં. એણે તો એક બ્યુટી સલૂનમાં રોજના 14 કલાક કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે એને સમજાયું કે વૈતરું કરવાથી ઝાઝું વળે તેમ નથી ત્યારે એણે એક પરાક્રમ કર્યું. એણે બેવરલી હિલ્સમાં બિઝનેસ શરૂ કર્યો.

એમાં એને જબરી સફળતા મળી કારણ કે સ્ત્રીઓની ભમરને ખાસ આકાર આપવાની કળા એની પાસે હતી. વર્ષો વીત્યાં પછી આજે એ ભમરને સુંદરતાથી સજાવનારી સૌથી જાણીતી બ્યૂટિશિયન બની ગઇ છે. હોલિવૂડમાં ભલભલી અભિનેત્રીઓ એની પાસે ભમરની શોભા વધારવા માટે લાઇન લગાવે છે. દુનિયામાં એની કંપનીનાં શૃંગાર દ્રવ્યો અસંખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાય છે. વાત અહીં અટકતી નથી. એણે ‘એનેસ્ટેસિયા બ્રાઇટર હોરાઇઝન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે જેના દ્વારા અનેક યુવક-યુવતીઓને બ્યૂટી અને ચામડીની કાળજી સાથે જોડાયેલા બિઝનેસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. રોમાનિયા છોડીને અમેરિકામાં લગભગ નિરાશ્રિત જેવી હાલતમાં પહોંચેલી મહિલા ઇડિયટની આ કથા કોઇ પણ યુવક-યુવતીને નિરાશ થઇને બેસી પડવાની છૂટ નથી આપતી.

તમારી સાથે પ્રિયજન તરફથી ભયંકર દગો થયો નછે? દરરોજ સવારે ઊઠો ત્યારે એ ભૂતપૂર્વ પ્રિયજનને ક્ષમા કર્યા પછી જ બાથરૂમ જવાનું રાખશો. વળી તમારા પર જેણે ઉપકાર કર્યો હોય તેનું વિસ્મરણ થાય તેવું કદી કરશો નહીં. અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે. ગમે તેવી આપત્તિ આવી પડે ત્યારે એક જ વાતનું સ્મરણ કરવા જેવું છે. મર્યાદાપુરુષોત્તમ રામ પર જેટલી આપત્તિઓ આવી હતી તેનાથી હજારમા ભાગની આપત્તિ પણ આપણા પર આવી નથી. આ લખાણ અત્યારે તમે વાંચી રહ્યા છો, એ જ બતાવે છે કે હજી તમે જીવતા છો. શું આટલું પૂરતું નથી? પાંચ ઊંડા શ્વાસ લઇને ઊગતા સૂર્યનું અભિવાદન કરીને કામે લાગી જાઓ! એક ઇડિયટની આ વિચિત્ર વાત પર વિચાર કરશો?

પાઘડીનો વળ છેડે
પૃથ્વી પર આવ્યાનું
તમારું મિશન
પૂરું થયું કે નહીં,
તે જાણવાની કસોટી
એક જ છે.
જો તમે જીવતા હો
તો જાણવું કે
એ મિશન હજી પૂરું નથી થયું!
– રિચાર્ડ બેક
નોંધ: લેખકના ઉત્તમ પુસ્તક ‘Illusions’માંથી.

તમે તમારા નાકને ક્યારેય સુપર કોમ્પ્યુટર તરીકે જોયું છે? DIVYA BHASKER 11-1-2015

અગ્નિની શોધ થઇ પછીની સૌથી મહાન શોધ કોમ્પ્યુટરની શોધ ગણાય. આ બંને શોધની વચ્ચે આદરપૂર્વક મૂકવી પડે તેવી શોધ એટલે ચક્રની શોધ! કાકાસાહેબ કાલેલકરે તો ચક્રની શોધ કરનારા એ અજાણ્યા મનુષ્યને ‘ચક્રઋષિ’ ગણાવેલો. તમે રોજ ખેતરે, ફેક્ટરીએ કે ઓફિસે જાવ ત્યારે સાઇકલ, સ્કૂટર કે કારમાં નથી જતા. તમે રોજ ચક્ર પર આરૂઢ થઇને કાકા, મામા, ભાઇ, બહેન કે પ્રિયજનને ઘરે જાઓ છો. તમે સવાર-સાંજ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઇને જે વાનગીઓ ખાઓ છો તેને રાંધવાનું કામ અગ્નિદેવે કર્યું છે. અગ્નિની શોધ ન થઇ હોત તો માનવજાત જંગલી પ્રાણીઓના અને ઠંડીના આક્રમણ સામે ટકી શકી ન હોત. તમે ટ્રેનનું, વિમાની પ્રવાસનું, હોટેલનું અને ટૂરનું બૂકિંગ કરાવ્યું તે ઇન્ટરનેટનો પ્રાણ કોમ્પ્યુટર છે. એ નાનકડી પેટી કે સ્માર્ટ ફોનમાં સંતાયેલા આત્માને ‘કનેક્ટિવિટી’ કહે છે. તમે ક્યારેય પ્રાર્થનામય ચિત્તે અગ્નિનો, ચક્રનો અને કોમ્પ્યુટરનો આભાર માન્યો ખરો? ઇદમ્ અગ્નયે નમ:। ઇદમ્ ચક્રાય નમ:। ઇતિશ્રી કોમ્પ્યુટરાય નમ:।।

વિજ્ઞાનીઓ કહે છે કે આપણું મગજ એક મહાન કોમ્પ્યુટર છે, પરંતુ કોઇ કોમ્પ્યુટર મગજથી ચડિયાતું નથી. મગજ જેટલું કાર્યક્ષમ કોમ્પ્યુટર બનાવવું હોય તો એનું કદ પૃથ્વીથી મોટું હોવાનું! અરે, આપણું નાક જે જે કાર્યો કરે છે તે કાર્યો ભાગ્યે જ કોઇ કોમ્પ્યુટર કરી શકે. નાક બિચારું પોતાનું કામ એટલી સહજતાથી કરે છે કે એ સૂક્ષ્મ કર્મલીલાનો ખ્યાલ એના નગુણા માલિકને નથી આવતો. એ અજ્ઞાની મનુષ્ય પોતાના અહંકારને પંપાળવા માટે કહે છે: ‘મારા નાકનો સવાલ છે.’ સાચું કહેજો! તમે તમારા નાકને કદી સુપર કોમ્પ્યુટર તરીકે જોયું છે? કોમ્પ્યુટરને શરણે જવામાં શરીરના બીજા બધા અવયવો લાઇન લગાવશે, પરંતુ નાક એ સૌમાં છેલ્લું હશે.

કૂતરો પગલાં સૂંઘી સૂંઘીને પોલીસને છેક ગુનેગાર સુધી લઇ જાય, તે ઘટનામાં રહેલી સૂક્ષ્મતમ ઘ્રાણશક્તિ આપણને અચંબો પણ ન પમાડે કારણ કે આપણે સંવેદનશૂન્ય થવાની ફેશન કેળવી બેઠાં છીએ. કોઇ સુપર કોમ્પ્યુટરે એવી રહસ્યમય કામગીરી બજાવી હોત તો! આપણી પ્રાણશક્તિની સૌથી નજીક છે, ઘ્રાણશક્તિ. હજી સુગંધ અને દુર્ગંધ વચ્ચેનો ભેદ પારખી શકે એવું યંત્ર શોધાયું હોય એવું જાણ્યું નથી. કોઇ ઘરમાં લાડુ બનતો હોય ત્યારે ગરમ ગરમ લોટમાં ગરમ ગોળ અને ગરમ ઘી ઉમેરાય ત્યારે વછૂટતી મનમોહક સોડમ માત્ર બ્રાહ્મણને જ લલચાવે તેવું ખરું? મોંમાં પાણી છૂટે તેવી વાનગીને આંખ નિહાળે તે પહેલાં નાક પામી જાય છે.

વિજ્ઞાનીઓ આજકાલ ફિલોસોફિકલ ચર્ચા કરી રહ્યા છે. કોનું મહત્ત્વ વધારે? સાધન વાપરતો માણસ (tool-using man) કે માણસને વાપરતા સાધનો (man-using tools)? ડેનિયલ બેલે ટેક્નોલોજીને ‘ઝપાટાબંધ વધતી જતી માનવીય કલ્પનાના વ્યાયામ’ તરીકે પ્રમાણી હતી. ઓગણીસમી સદીમાં અછતમૂલક ગરીબી સામેની ઝુંબેશના મસીહા કાર્લ માકર્સે ટેક્નોલોજીને ‘આદર્શ સમાજ-વ્યવસ્થા (યુટોપીઆ) ભણીના રાજમાર્ગ’ તરીકે પ્રમાણી હતી. આજે પણ ટેક્નોલોજી આપણાં શમણાંને પંપાળતી રહે છે. કોમર્શિયલ અવકાશયાત્રા થોડાક સમયમાં શમણંુ મટીને વાસ્તવિકતા બનવાની છે. થોડાંક વર્ષો પછી અમદાવાદના આશ્રમરોડ પર, સુરતમાં લાલગેટ પાસે અને મુંબઇના ફોર્ટ વિસ્તારમાં ટ્રાવેલ એજન્ટ્સની દસ બાય દસ ફૂટની ઓરડીમાં ચંદ્રયાત્રાનું બૂકિંગ થતું હશે. હા, ચંદ્રની ધરતી પાસે ગંધ હશે, પણ સોડમ નહીં હોય. કારણ શું? ચંદ્ર પર વરસાદ નહીં હોય. એવું જ મંગળનું! ચંદ્ર અને મંગળ પર વૃક્ષો નથી.

પ્રત્યેક માણસ સુખી થવા ઝંખે છે. આ એક એવી મૂળભૂત ઝંખના છે, જે મહાત્મા ગાંધીને પણ ગાંઠતી નથી. આ ઝંખના જુદા જુદા દેશોને અને જુદા જુદા ધર્મોને એક તાંતણે બાંધનારી છે. આ ઝંખના માનવીય એકતા માટેની વૈશ્વિક આધારશિલા બની શકે તેમ છે. વેદમાં આવી સમાન ઝંખના માટે શબ્દ પ્રયોજાયો: ‘આકૂતિ:’. તત્ત્વજ્ઞાનને નામે કે ધર્મને નામે કે આદર્શને નામે આવી ઇશ્વરદત્ત કે પ્રકૃતિદત્ત ઝંખનાને બદનામ કરશો નહીં. છાંદોગ્ય ઉપનિષદમાં સુખી થવાની ઝંખનાનો આદર ઋષિએ કર્યો છે. આદર્શને નામે સુખી થવાની ઝંખનાનો અનાદર કરવાનું નવી પેઢીને મંજૂર નથી. સાંભળો:

આપણા પગને સ્થાને પૈડાં ગોઠવાઇ ગયાં!
આપણા હાથ સ્વિચ દબાવતા થયા!
આપણાં ટેરવાં સ્માર્ટ ફોન પર રમતાં થયાં!
આપણી કિડનીની દિશા ડાયાલિસીસ ભણીની!
ચક્ષુબેંક, ત્વચાબેંક અને લિવરબેંક!
પ્રજનન અવયવો દુકાનમાં મળે છે.
માયાવી વાસ્તવિકતા એટલે virtual reality.
પરિણામે તમે માયાવી માધુરી દીક્ષિત સાથે
બેસીને એનું સ્મિત સાચમાચ માણી શકશો.
તમારે સુખી જ થવું છે ને? એક કામ કરો:
કાયમ અવાસ્તવિકતામાં જીવો. મજા પડી જશે.
જીવન એટલે ભ્રમણાની ફૂલદાની!

ચેન્નાઇથી ગ્રાન્ડ ટ્રન્ક એકસ્પ્રેસમાં દિલ્હી જાવ, ત્યારે નાકલીલાનો અદ્્ભુત અનુભવ થશે. કેવળ ગંધ પરથી તમે સ્ટેશનનું નામ કહી શકો છો. ટ્રેન જેવી મદ્રાસ સેન્ટ્રલ પરથી ઊપડે પછી ઉડિપી રેસ્ટોરાંમાંથી પ્રસરતી ઇડલી-સાંભારિયા સોડમની જગ્યાએ કેમિકલ્સની ગંધ શરૂ થાય ત્યારે જાણવું કે તમારી ટ્રેન ઔદ્યોગિક ઝોનમાંથી પસાર થઇ રહી છે. રાત પૂરી થાય અને આંધ્રપ્રદેશનાં વિખ્યાત અથાણાંની વિશિષ્ટ ગંધ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રસરી જાય છે. મધ્યપ્રદેશમાં ટ્રેન પ્રવેશે અને નાગપુર સ્ટેશન આવે ત્યાં નારંગીની સુગંધ પોતાનો પરચો બતાવે છે. એ સ્ટેશને પૂરી-શાક વેચનારા ફેરિયા તમને કેવળ ગંધથી જ પ્રભાવિત કરી મૂકે છે. ઉત્તરપ્રદેશ શરૂ થાય પછી ઇટારસીના સ્ટેશને ગરમ ગરમ જલેબીની સોડમ તમને લલચાવે છે. પછી મથુરા આવે ત્યારે રેવડી અને પેઠા તમારા નાકને આહ્્વાન આપે છે. જ્યારે તમે દિલ્હી સ્ટેશને પહોંચો ત્યારે એક સાવ જ અનોખી ગંધને પારખવામાં તમે નિષ્ફળ જાઓ છો. બહુ લાંબી મથામણ પછી તમને સમજાય છે કે એ ગંધ નોકરશાહી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારની છે. માનશો? માણસને ક્યારેક પોતાની સામે ચાલતાં ગુપ્ત કાવતરાંની ગંધ આવી જાય છે. અંગ્રેજીમાં માણસ કહે છે : ‘આઇ કેન સ્મેલ ધ રેટ.’

નાક દ્વારા આપણા શ્વાસોચ્છ્્વાસ ચાલતા રહે છે. જો વિચારીએ તો આપણને સમજાય છે કે આપણે કોઇ દિવ્ય સ્રોત (source) સાથે સતત જોડાયેલાં છીએ. જરૂર કોઇ મેઇન સ્વિચ છે, જેને કારણે ક્યાંક પંખો, ફ્રીજ, એસી કે હીટર ચાલે છે. માણસ મૃત્યુ પામે ત્યારે લોકો કહે છે: ‘શ્વાસ મૂક્યો.’ શ્વાસ ખૂટી પડે ત્યારે તાતા, બિરલા, અંબાણી, રોકફેલર કે બિલગેટ્સને એક અબજ ડોલર ખરચતાં પણ એક શ્વાસ ઉછીનો મળતો નથી. નાક દ્વારા આપણા શ્વાસ અને ઉચ્છવાસ ચાલતા રહે છે. નાક સાક્ષાત્ જીવનનું પ્રવેશદ્વાર છે અને કદાચ એ જ નાક જીવનનું વિદાયદ્વાર પણ છે. હવે જ્યારે પણ અરીસામાં તમારો ચહેરો જુઓ ત્યારે એક મિનિટ નાકને નિહાળવામાં ગાળજો. એ નાકની પહોંચ કદાચ પ્રાણાયમ દ્વારા ઇશ્વર સુધી લઇ જાય તેવી છે! ઇતશ્રી સુપરકોમ્પ્યુટરાય નમ:|

પાઘડીનો વળ છેડે
સુખ એ તો
જરૂરિયાતોની પણ
જરૂરિયાત છે.
આર્થર ક્લાર્ક (મહાન વિજ્ઞાની)

આતંકવાદના પેણામાં તણાઇ રહેલી મજબુત માનવતા 23-11-2014

ઇન્સાનિયત અને સેતાનિયત વચ્ચેની ટક્કર પુરાતન કાળથી ચાલતી રહી છે. પુરાણકથાઓમાં કેટલાંક ભયંકર નામો એવાં હતાં, જેમને લોકો આજે પણ ભૂલ્યા નથી. હિરણ્યકશ્યપ, રાવણ, કંસ, નરકાસુર અને બકાસુર જેવાં અનેક નામો આજનાં બાળકો પણ જાણે છે. જાણે ગઇ કાલનાં નામો ગણાય તેમાં હિટલર, સ્તાલિન, મુસોલિની અને માઓ ઝેડોંગ મુખ્ય છે. હજી એકાદ કલાક પહેલાં દુનિયાનું સૌથી ભયંકર નામ ઓસામા બિન લાદેનનું હતું. આજનું સૌથી તાજું એવું ભયંકર નામ છે: અબુ બક્ર અલ બગદાદી. આ વિકરાળ આતંકવાદી ‘અદૃશ્ય શેખ’ તરીકે ઓળખાયો કારણ કે પકડાઇ ન જવાય તે માટે એ મુખવટો પહેરી રાખતો. એ બગદાદી ‘નૂતન બિન લાદેન’ છે એવું ફ્રાન્સના દૈનિક ‘લી મોન્ડે’માં કહેવાયું છે.

આજના વિશ્વમાં મજહબના નામે ચાલતા આતંકવાદથી વધારે ભયાનક એવી કોઇ સમસ્યા નથી. માનવ અને પ્રતિમાનવ (anti-man) વચ્ચેની ટકરામણ આજની નથી. હજારો વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિએ ભદ્રતાનાં અને દુરિતનાં પરિબળોની વાત કરી હતી. હું ટેણિયો-મેણિયો હતો ત્યારથી એ વેદમંત્ર સાંભળતો અને બોલતો રહ્યો છું. બગદાદી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (ISIS) જેવા ભયંકર સંગઠનનો સરદાર હતો (?). આવા સંગઠનો માટે માણસ કપાય અને બટાકા કપાય તેમાં કોઇ જ તફાવત નથી.

એક બાજુ સહજ નિર્દોષતાને કિનારે જીવતી નાગરિકતા છે અને બીજી બાજુ લોહીની તલાવડી ઊભરાતી જ રહે તેવાં કારસ્તાન કરવામાં મજહબની માવજત થાય છે, એમ માનનારી સેતાનિયત છે. કલ્પના તો કરો! અત્યાર સુધી આવાં કારસ્તાનમાં સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને લાલકૃષ્ણ અડવાણી કેટલી વાર મરતાં બચી ગયાં? આવી દુર્ઘટના કેટલી વાર ન બની તેના આંકડા ન હોય. ઇન્સાનિયત અને સેતાનિયત વચ્ચે પ્રતિક્ષણ ચાલતી ટકરામણ અંગે કોઇ પણ દેશના શાસકનું કર્તવ્ય શું? સેતાનની હત્યા થાય ત્યારે માનવ-અધિકારોની રક્ષાની ચર્ચા ભારત સિવાય બીજા કયા દેશમાં ચગે છે? લાદેન એબોટાબાદના મકાનમાં અડધી રાતે અમેરિકન કમાન્ડોને હાથે ઠાર થયો. એને મારવામાં સ્વીકૃત આંતરરાષ્ટ્રીય નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ ઓબામા કમાન્ડોની ગતિવિધિ સિનિયર સાથીઓ સાથે નિહાળી રહ્યા હતા. એ બહાદુર કમાન્ડોને જેલમાં મોકલવાનું તેમને માન્ય ખરું? જો કોઇ શાસક માનવ-અધિકારની જાળવણી કરે, તો આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોની કત્લેઆમ નિરાંતે કરી શકે. ધૂમકેતુની નવલકથા ‘મહાઅમાત્ય ચાણક્ય’માં શકટાલ સાથે વાત કરતી વખતે ચાણક્ય કહે છે:

મંત્રીશ્વર!
અનધિકારીઓ અને દુષ્ટો પ્રત્યે
ક્ષમાની નીતિ જ્યારે જ્યારે
વ્યક્તિ કે રાજ્ય ગ્રહણ કરે છે,
ત્યારે ત્યારે જાણવું કે
એના દિવસો ભરાઇ ચૂક્યા છે.
ભૂલ રાજ્ય-ધુરંધરો કરશે
અને હણાશે બિચારી ઘેટાં જેવી પ્રજા!
અને હણાશે પણ ઘેટાંની પેઠે જ!
રાજનીતિને પણ પોતાના ધર્મો છે, મંત્રીશ્વર!
(પાન-179)

ક્યાંક દાઉદ ઇબ્રાહીમને પકડતી વખતે પોલીસ એના પર ગોળી છોડે, તો તે પોલીસ ગુનેગાર ગણાય? બકાસુરને મારનાર ભીમ શા માટે જેલમાં જાય? બકાસુર જીવતો રહે, તો પ્રત્યેક દિવસ દરમિયાન એકચક્રા નગરીનો નિર્દોષ નાગરિક મરતો જ રહે, તો નાગરિકોના માનવ-અધિકારનું શું? ઓસામા બિન લાદેનની હત્યા થઇ તેમાં કયો માનવ-અધિકાર જળવાયો? લાદેનને મારનારા કમાન્ડો પર કયો કેસ ચાલ્યો? અલ-બગદાદીની હત્યા થઇ તો કયા અમેરિકન સૈનિક પર કાયદા મુજબ કોર્ટમાં કેસ ચાલશે? આતંકવાદ અને ઇસ્લામ વચ્ચેનું અંતર તો કિલોમીટરમાં નહીં પ્રકાશવર્ષમાં માપવું પડે. લાદેન કે બગદાદી કે હાફિઝ સૈયદ કે અલ જવાહિરી રસૂલે ખુદાની (પયંગબરની) સામે એક મિનિટ માટે પણ ઊભા રહી શકે ખરા? જ્યાં સુધી ઇસ્લામી આલમમાંથી જ મજહબને નામે ચાલતી સેતાનિયત સામે જોરદાર અવાજ ન ઊઠે, ત્યાં સુધી આતંકવાદ અટકે તેમ નથી. આતંકવાદી આખરે કોણ છે? જે સેતાન સામે ઊભેલા ઇન્સાનને કેવળ લોહીના લાંબા વાસણ તરીકે જુએ, તેને વાસણ ખાલી થઇ જાય અને લોહી ઢોળાઇ જાય તેનો ગમ નથી સતાવતો.

આતંકવાદના પેણામાં સતત તળાઇ રહેલી માનવતા રોજ કણસી રહી છે. ધર્મનું કામ માનવજાતના કણસાટને દૂર કરવાનું છે. પૃથ્વી પર મહાવીર અને બુદ્ધ આવ્યા ત્યારે માનવતાને ચંદનલેપની શીતળતાનો અનુભવ થયો. અહિંસા અને કરુણા નિર્દોષ નાગરિકોને જીવવાનું બળ પૂરું પાડનારી શીતળ ઘટનાઓ છે. અમે હાઇસ્કૂલમાં ભણતા હતા ત્યારે રાંદેરમાં ઘરની પાછળ આવેલા ખાડી ફળિયામાં રહેતા ગાંડા શુકલને હડકાયું કૂતરું કરડી ગયું. આખી રાત ફળિયામાં વાતો થતી રહી. ગાંડાકાકા જ હડકાયા બની ગયા, ત્યારે સ્વજનોએ મન કઠણ કરીને એમના પર ભીની ચાદર ફેંકી હતી. એ ચાદર ફેંકનારા રડી રહ્યા હતા. શું એ સ્વજનો અહિંસાધર્મનું અને કરુણાધર્મનું ઉલ્લંઘન કરી રહ્યા હતા? પ્રત્યેક આતંકવાદી આખરે તો હડકવાની મજબૂરી ભોગવનારો ઇન્સાન છે. એના પર ભીની ચાદર ફંેકવી એ જ ખરી કરુણા ગણાય. એવી ચાદર ફેંકનારા પોલીસ અધિકારીને જેલમાં મોકલનાર સમાજ જરૂર ક્રૂર ગણાય. એ સમાજ કેવળ ક્રૂર નહીં, કૃતઘ્ની પણ ગણાય.

અહીં ઇસ્લામી ઇતિહાસમાં થયેલા શાંતિપૂર્ણ સત્યાગ્રહનું પાવક સ્મરણ થાય છે. વર્ષ 1988માં નોર્વેના ઓસ્લો નગરમાં ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ પર યોજાયેલી પરિષદમાં ભાગ લેવાનું બનેલું. હજી દિવસ યાદ છે. 13મી ઓગસ્ટે પાકિસ્તાનની અલ્લામા ઇકબાલ ઓપન યુનિવર્સિટીના વાઇસચાન્સેલર શ્રી અલ્લાનાએ આગ્રહપૂર્વક મને કહ્યું: ‘તમે કોઇ પણ હિસાબે નોર્વે છોડો તે પહેલાં એક ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. એ ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ છે. ફિલ્મનું નામ છે: The Blood of Husain.’ ઓસ્લોના એક સરદારજીએ પોતાને ઘરે લઇ જઇને અને પ્રેમથી વેજીટેબલ પુલાવ જમાડીને મને એ ફિલ્મ બતાવી. એ ફિલ્મના ડાયરેક્ટર છે: જમિલ દહેલવી. એ ફિલ્મ માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત છે. એ સમયે જનરલ ઝિયા ઉલ હકની સરમુખત્યારી પાકિસ્તાનને પજવી રહી હતી. ફિલ્મને અંતે પયગંબર સાહેબના સૌથી નાના પૌત્ર ઇમામ હુસૈનના બલિદાનનું પૂરું દૃશ્ય ફિલ્મમાં અત્યંત અસરકારક રીતે બતાવાયું છે. ઇમામ હુસૈનની શાંતિકૂચમાં દીકરાઓ-દીકરીઓ-પરિવારની સ્ત્રીઓ-સ્વજનો જોડાયાં હતાં. સૌ જાણતાં હતાં કે યઝિદ એમને મારી નાખશે. ઇમામ હુસૈનની એ મૃત્યુયાત્રા હતી. છેવટે કરબલાની રેતીમાં ત્રણ ત્રણ દિવસ ભૂખ્યાં અને તરસ્યાં સૌ યાત્રીઓને યઝિદના સૈનિકોએ ક્રૂર રીતે રહેંસી નાખ્યાં. ઇમામ હુસૈનની એ શહાદત સમગ્ર વિશ્વને શાંતિનો પયગામ આપતી ગઇ. ફિલ્મ જોયા પછી શ્રી અલ્લાના સાહેબ મળ્યા ત્યારે એમના ઉદ્્ગાર હતા: ‘શાહસાહબ! અમે અમારા દેશમાં સરમુખત્યારશાહીમાંથી ક્યારે મુક્ત થઇશું?’ માનશો? હું ઓસ્લોથી મુંબઇ પહોંચ્યો અને મુંબઇ સેન્ટ્રલથી સુરત જતી ટ્રેનમાં બેઠો, ત્યારે જાણ્યું કે ઝિયા ઉલ હક વિમાની અકસ્માતમાં (બહવાલપુર ખાતે) મૃત્યુ પામ્યા છે! હજી આજે પણ ફિલ્મમાં જોયેલ દૃશ્યમાં ઇમામ હુસૈનની શહાદત હું ભૂલી શકતો નથી. મિત્રોને ખાસ ભલામણ કરું? કોઇ પણ રીતે ‘ધ બ્લડ ઓફ હુસૈન’ ફિલ્મ અચૂક જોઇ લેજો. આતંકવાદ સામેની પ્રથમ શાંતિમય અને અહિંસક શહાદત જોઇને આંખ ભીની થશે. મને હજી જાણવાનું મન છે કે પાકિસ્તાનમાં મિત્ર અલ્લાના સાહેબ હજી જીવતા હશે ખરા? જો જીવતા હોય, તો તેમને મારા સલામ પહોંચાડે તેવા કોઇ મિત્રની શોધમાં છું.
(લખ્યા તા. 9-11-2014)
પાઘડીનો વળ છેડે
પયગંબરને ઝેર આપવામાં આવેલું.
એમની એકમાત્ર વહાલી દીકરી
બિબિ ફાતિમાના ઘર પર આતંકવાદી
હુમલો થયેલો, જેમાં એના ઘરનો દરવાજો
સળગાવી દેવામાં આવેલો.
પયગંબરના ભાઇ ઇમામ અલી જ્યારે
બંદગી કરી રહ્યા હતા ત્યારે એમની
હત્યા કરવામાં આવી હતી. ઇમામ અલીના
પૌત્રને પણ ઝેર આપવામાં આવેલું.
– (આમિર રઝા હુસૈન)
(‘ધ ટી.ઓ.આઇ.’ તા. 4-11-2014)

ઉપનિષદના ઋષિ કેવા હતા? ઋષિ વિનોબા જેવા હતા! DIVYA BHASKER, 10-9-2014

સોક્રેટિસને પ્લેટો મળ્યો. લગભગ એ જ રીતે મહાત્મા ગાંધીને વિનોબા ભાવે મળ્યા. પ્લેટોને એરિસ્ટોટલ મળ્યો. ગાંધીયુગના એરિસ્ટોટલ હતા: દાદા ધર્માધિકારી. 1957માં શંકરાચાર્યના ગામ કાલડિમાં સર્વોદય સંમેલન પૂરું થયું ત્યાં જોરથી વરસાદ તૂટી પડ્યો. જયપ્રકાશજી ત્યાં જ હતા. એમની સાથે ઋિષ વિનોબા આનંદપૂર્વક નાચવા લાગ્યા. સાથે વેદમંત્ર બોલતા જાય:
વર્ષા રમણીય હૈ!
વસંત રમણીય હૈ!
શિશિર રમણીય હૈ!
શરદ રમણીય હૈ!

ત્રણ દિવસ પછી 11મી સપ્ટેમ્બરે વિનોબાજીની જન્મતિથિ છે. એ જ દિવસે મહાત્માએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. એ જ દિવસે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદઅલી ઝીણાની મૃત્યુતિથિ છે. એ જ દિવસે ન્યુયોર્કનાં ત્રણ તોતિંગ ટાવરો જમીનદોસ્ત થયાં, તે 9/11 દુર્ઘટનાની અળખામણી યાદ પણ છે. રાજકોટથી એક યુવતી મળવા આવી અને એવી ભેટ આપતી ગઇ કે મારું અઠવાડિયું સુધરી ગયું. દીપાલી રાજ્યગુરુએ મારા હાથમાં વિનોબાના નિબંધસંગ્રહ ‘મધુકર’ની ઝેરોક્ષ નકલ મૂકી દીધી. 1949માં પ્રગટ થયેલું આ પુસ્તક અપ્રાપ્ય છે.

મને નિબંધ લખવાની પ્રેરણા આ પુસ્તકે આપી હતી, એમ કહું તો ચાલે. એકી બેઠકે આખું ફરીથી પુસ્તક વાંચી ગયો ત્યારે આટલાં વર્ષો બાદ વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. થોડાંક વર્ષોથી મહાભારત જેવા મહાકાવ્યનું ભાષ્ય લખી રહ્યો છું. મારા ગ્રંથમાં સૌથી વધારે અવતરણો વિનોબાનાં હશે એમ કહી શકું. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે? પ્લેટો કહી ગયો: ‘Love is the pursuit of the whole (પ્રેમ એટલે અખિલાઇની આરાધના).’ વિનોબાજીને વિશ્વગ્રામથી નાની વાત ન ખપે અને માનવી સિવાય બીજાં સ્કેલમાપ ન ખપે. એમનું આખું જીવન ‘દિલોને જોડવામાં વીત્યું!’

‘મધુકર’ (યજ્ઞ પ્રકાશન)માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. વિનોબા લખે છે:
– નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. (પાન-1)

– આકાશના પોલાણમાં અસંખ્ય તારાઓ ભરેલા છે. દૂરબીનથી પણ બધાનું દર્શન કરી શકાતું નથી. જીવન પણ આકાશ જેવું પોલું ભાસે છે. એકલી બુદ્ધિને તેમાંના ઘણા ઓછા િસદ્ધાંતો ગમ્ય છે, પણ તપશ્ચર્યાનું દૂરબીન લગાડીએ ત્યારે કેટલાક સૂક્ષ્મ સિદ્ધાંતો ડોકિયાં કરવા લાગે છે… ‘ઋષિ’નો મૂળ અર્થ ‘મંત્ર જોનારો’ એવો છે. વિશ્વામિત્ર ઋષિએ ઘોર તપશ્ચર્યા કરી ગાયત્રીમંત્ર પ્રાપ્ત કર્યો એ વાત પ્રસિદ્ધ છે. (પાન-10)

– આપણા સાહિત્ય સંમેલનનીબે બેઠકો વડોદરામાં થઇ કારણ વડોદરામાં મહારાજા સાહેબની કૃપાથી (ભોજનનું) ‘સાહિત્ય’ સારું મળ્યું. એટલે ‘બ્રાહ્મણ’ શબ્દની જેમ ‘સાહિત્ય’ શબ્દને પણ આપણે વડોદરે જઇને વટલાવી નાખ્યો. એ પ્રસંગે ‘પંડિતો, વનિતા અને લતા આશ્રય વિના શોભતાં નથી’- એ અર્થના એક સંસ્કૃત વચનનું આવાહન કરવામાં આવેલું… ભેંસ આગળ ખાણ મૂક્યું હોય તો ભેંસ દૂધ દે છે, તેવી જ રીતે આપણે જો સાહિત્ય આપવાના હોઇએ તો તે સાિહત્યનો સમાજને શો ઉપયોગ થવાનો? દાસ્યભક્તિનો જ કેવળ પ્રચાર થવાનો. (પાન-35)
– કવિની દૃષ્ટિ શાશ્વત કાળ ઉપર હોવી જોઇએ. અનંત કાળ તરફ નજર ન હોય તો ભાવિનો ઉકેલ થઇ શકતો નથી. પ્રત્યક્ષથી આંધળી બનેલી બુદ્ધિને સનાતન સત્યો ગોચર થતાં નથી. (પાન-54)

– મહાવીર સ્વામીને ‘વર્ધમાન’ કહેતા. વર્ધમાન એટલે વધનારા. કાળની સાથે ઝઘડીને તેઓ ‘વીર’ બન્યા. વીરના ‘મહાવીર’ બન્યા. તેથી એ નામ તેમને શોભે છે. (પાન-57).
– ખેડૂતનું જીવન અત્યંત પવિત્ર જીવન છે, કારણ તેનો ઇશ્વર સાથે ડગલે ને પગલે સંબંધ આવે છે… ઋષિઓના મનમાં ખેતી માટે ભારે પ્રેમ હતો. ‘ઋષભ’ (બળદ) અને ‘ઋષિ’ એ બંને શબ્દો મૂળમાં લગભગ સરખા જ અર્થના છે. બંનેમાં ‘ઋષ’ એ જ ધાતુ છે. ઋષભ હળની આગળ ચાલે અને ઋષિ હળની પાછળ ચાલે, એટલો જ એ બેમાં તફાવત. (પાન-80).
– પુસ્તકો બુદ્ધિનું કેદખાનું છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળે છે એ ખોટો ખ્યાલ છે… જ્યારથી પુસ્તકો થયાં ત્યારથી સ્વતંત્ર વિચાર પદ્ધતિ નષ્ટ થઇ ગઇ છે. (પાન-143).
……..

કાલડીના સર્વોદય સંમેલનમાં જવા માટે એક સ્પેશિયલ ટ્રેન મુંબઇના વિક્ટોરિયા ટરમિનસથી ઊપડી હતી. એ ટ્રેનમાં બેસીને કાલડિ જનારાંઓમાંથી 25-35 લોકો ગુજરાતમાં આજે પણ જીવતા હશે. એ ટ્રેન કાલડિથી પાછી ફરી તે સાવ ખાલી! લોકો કન્યાકુમારી અને બીજા સ્થળો જોવા માટે રોકાઇ ગયા. ખાલી ટ્રેનમાં એક જ ડબ્બામાં અમે માત્ર પાંચ જ મનુષ્યો હતા: 1. પંડિત સુખલાલજી 2. વજુભાઇ શાહ 3. સૂર્યકાંત પરીખ 4. ગુણવંત શાહ 5. રમણ પટેલ. વજુભાઇ શાહ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતજીનો સત્સંગ પૂરા ત્રણ દિવસ સુધી ચાલ્યો. પરંતુ અમને કાંઇ ગતાગમ ન પડી! વજુભાઇ શાહે અમને જે પ્રેમથી જાળવ્યા તેમાં એમનું આભિજાત્ય ટપકતું રહ્યું. સૂર્યકાંત પરીખે ભજનો સંભળાવેલાં તે પણ યાદ છે.

છેવટે વજુભાઇની સલાહથી હું અને રમણ માથેરાન જવા માટે નેરલ સ્ટેશને ઊતરી ગયા. આ વાતને 57 વર્ષો વીતી ગયાં! ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પંડિત સુખલાલજીનાં બધાં પુસ્તકોનો સંપુટ પ્રગટ કર્યો. મુંબઇમાં એનું લોકાર્પણ કરવા માટે મનુભાઇ શાહે મને મુંબઇ બોલાવ્યો. પંડિતજી સાથે એક જ ડબ્બામાં ત્રણ દિવસ અને ત્રણ રાત ગાળવાનો અને ભોજન કરવાનો લહાવો મને મળેલો, એ વાત મેં સભામાં કહી ત્યારે મને પણ અદભુત લાગેલી. પંડિતજીના વિચારોમાં અનેકાંતનું સૌંદર્ય સહજપણે પ્રગટ થતું જણાય છે. ગમે તેવા તાજા વિચારને કાળક્રમે વાસી થવાની કુટેવ હોય છે. ગાંધી-વિનોબાના કેટલાક વિચારો પરિસ્થિતિ બદલાય ત્યારે કાલગ્રસ્ત બની શકે છે. એવું બને તેમાં મહામાનવોનો કોઇ જ દોષ નથી.

ગાંધીજીની સત્યપ્રીતિ, સાધનશુદ્ધિ કે અહિંસા કાલગ્રસ્ત ન બને, પરંતુ ગાંધીજીનો રેંટિયો કદી શાશ્વતીની દીક્ષા પામી ન શકે. કોમ્પ્યૂટરની શોધ થઇ પછીના ‘ઇન્ટરનેટોત્તર’ વિશ્વમાં ઋષિઓનું દર્શન વધારે પ્રસ્તુત જણાય છે. વિશ્વમાં હરતો-ફરતો-રમતો-જમતો-ભમતો-છુટ્ટો-એવો કોઇ પણ મનુષ્ય સાવ જ અજાણ્યા મનુષ્ય સાથે ‘ઇલેક્ટ્રોનિકલી’ જોડાયેલો હોય એવી સગવડ આજે સામાન્ય બની ગઇ તોય કેટલી રોમેન્ટિક છે? ઋષિઓનું અધ્યાત્મ કદી પણ શુષ્ક ન હતું. ઋષિઓનું ઊંડું દર્શન પણ રોમેિન્ટસીઝમથી ભર્યું ભર્યું હતું.

સર્વોદયનો કોઇ પણ સેવક શા માટે શુષ્ક હોય? પ્રયોગ ખાતર તમે કોઇ જાણીતા લોકસેવક પાસે માત્ર એક કલાક ગાળવાનું સાહસ કરી જોજો. તમને બે બાબત તરત જ સમજાઇ જશે: (1) એમની ઢીલી ઢીલી વૈચારિક અસ્પષ્ટતા અને (2) તેમની વાસી વિચારજડતા. તાજા વિચારની એકાદ લહેરખી પણ તેમના ચહેરા પર સ્મિત ન આણી શકે.

તેઓ ગ્લોબલ વોર્મિંગની વાત એવી રીતે કરશે કે જાણે તમારા ફળિયામાં સમુદ્રનાં પાણી ફરી વળ્યાં છે અને તમારાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. ટેક્નોલોજીના નવા ઉન્મેષોના ધરાર અસ્વીકારને કારણે સર્વોદયની વિચારધારા ‘ગંગાસ્વરૂપ’ બની રહેલી જણાય, તો તેમાં ગાંધી-વિનોબાનો કોઇ જ વાંક નથી. અનુયાયીઓ દ્વારા અન્યાય પામવો એ કોઇ પણ મહામાનવની નિયતિ છે. આ વાત ગાંધીજયંતી અાવે ત્યારે વિગતે કરવા ધારું છું. એ વાત અમધુર જ હોવાની. પ્લેટોના મૃત્યુ પછી શિષ્ય એરિસ્ટોટલ અકાદમીમાં ભણાવી રહ્યો હતો. એક વિદ્યાર્થીએ એને ટોકીને કહ્યું: ‘એરિસ્ટોટલ! તમે આમ કહો છો, પરંતુ પ્લેટો તો જુદું કહેતો હતો.’ આવું ત્રણચાર વાર બન્યું ત્યારે એરિસ્ટોટલે અકળાઇને પેલા વિદ્યાર્થીને કહ્યું: ‘મિત્ર! પ્લેટો મહાન હતો, પરંતુ સત્ય પ્લેટો કરતાંય મહાન છે.’

પાઘડીનો વળ છેડ
સેવાગ્રામમાં ગાંધીજીની ઝૂંપડી
કાળજીપૂર્વક સચવાયેલી છે.
ઘણા લોકો એ ઝૂંપડીની મુલાકાતે જાય છે.
એ ઝૂંપડી જોયા પછી એક માણસ
વિનોબાજીને પઉનાર આશ્રમમાં મળવા ગયો.
વિનોબાજીએ કહ્યું:
‘તમે બાપુની ઝૂંપડી તો જોઇ, પરંતુ એની
પાસે જ ઊભેલું પીપળાનું વૃક્ષ જોયું ખરું?
જરા ધ્યાનથી જોજો.
ઝૂંપડી તેવી ને તેવી જ રહી છે, પરંતુ એ
પીપળાનું વૃક્ષ તો વિકસતું જ રહ્યું છે!’
નોંધ: વિચારોની તાજગી માટે આદરણીય દાદા ધર્માધિકારી યુવાનોના રોલ-મોડલ બની શકે તેમ છે. નવા વરાયેલા વડાપ્રધાને લોકસભામાં પ્રથમ પ્રવચન કર્યું તેમાં દાદા ધર્માધિકારીને યાદ કર્યા હતા. ખુલ્લું મન એ દાદાની ખરી તાકાત હતી. દાદા ગાંધીજન હતા, ગાંધીવાદી ન હતા.

ત્રણ દિવસ પછી વિનોબાજીની જન્મતિથિ છે. તેમના નિબંધસંગ્રહ ‘મધુકર’માં વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. ‘મધુકર’માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે?

ગુણવંત શાહ

બાથરૂમમાં મળતી હંગામી નગ્નતા અત્યંત મૂલ્યવાન છે.DIVYA BHASKER, 28-8-2014

બાથરૂમ માટે સૌથી અસરકારક ગુજરાતી પર્યાય કયો હોઇ શકે? ગુજરાતી, હિ‌ન્દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, તેલુગુ, તામિલ, મલયાલી, આસામી અને ઉડિયામાં આવતીકાલથી લોકપ્રિય થઇ શકે એવો શબ્દ જડયો છે: ‘સ્વચ્છતાલય.’ જે મનુષ્ય કે પરિવાર ઘરનો બાથરૂમ ગંદો રાખે તેને અભણ જાણવો. ડ્રોઇંગરૂમ બીજાઓ માટે મહત્ત્વનો પરંતુ બાથરૂમ આપણે માટે વધારે મહત્ત્વનો ગણાય. જેનો બાથરૂમ ગંદો હોય તેવી વ્યક્તિઓનું મન ગંદું જ હોવાનું સ્નાન શરૂ કરવા માટે સૌથી અગત્યની પાત્રતા કઇ? નગ્નતા સ્નાન કરવા માટેની સૌથી અગત્યની પાત્રતા છે.

જેઓ બાથરૂમમાં પણ વસ્ત્ર ઉતારીને સ્નાન નથી કરતા, તેઓ જરૂર કશુંક ચૂકી જાય છે. બાથરૂમમાં મળતી હંગામી એવી શારીરિક નગ્નતા અત્યંત મૂલ્યવાન છે. શારીરિક નગ્નતા મનોવૈજ્ઞાનિક નગ્નતાનો ઉદય શક્ય બનાવનારી રોજિંદી ઘટના છે.બાથરૂમ તો ચકચકતા અરીસા વિનાનો હોઇ જ ન શકે. એ અરીસામાં જાતને નિહાળવી એ કેવળ સ્ત્રોઓનો જ વિશેષાધિકાર નથી. અરીસો પવિત્ર છે. અરીસો પ્રામાણિક છે. અરીસો સાવ નિખાલસ છે. હજી સુધી કોઇ અરીસાએ એની સામે ઊભેલા મનુષ્ય સાથે છેતરપિંડી નથી કરી. અરીસો પવિત્ર શા માટે? અરીસા પાસે આત્મનિરીક્ષણ માટેની પ્રેરણા આપવાની તાકાત પડેલી છે.

સોક્રેટિસ કહેતો રહ્યો, કહેતો રહ્યો અને કહેતો જ રહ્યો: ‘અપરીક્ષિત જીવન એટલે વ્યર્થ જીવન (The life un-examined is worthless). હવે જ્યારે પણ અરીસા સામે ઊભા હો, ત્યારે એનો આભાર માનજો. અરીસા જેવો ગુરુ જડવો મુશ્કેલ છે. એ કેવળ તમારા ચહેરાનો ટ્રસ્ટી નથી, એ તો તમારા ‘સ્વ’નો સાથીદાર છે. ગીવ ઇટ અ રીસ્પેક્ટ ઇટ ડીઝવ્ર્સ. ગંદો અરીસો? ના ભાઇ ના. અરીસો તો ચકચકતો જ શોભે ચકચકતો ન હોય એવો અરીસો તમને પણ ઝંખવાણા પાડી દેશે. દેશની ગરીબીનું રહસ્ય એટલે ઝંખવાણો પડી ગયેલો આમ આદમી એવા માણસો કાયમ બહુમતીમાં જ કેમ હોય છે?’

હજી બાથરૂમ-પુરાણ ભલે આગળ ચાલતું. બાથરૂમમાં તમે એકલા છો એ કંઇ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. મનુષ્ય એકલો પડે ત્યારે જ વિચારે છે અને જ્યારે વિચારે છે ત્યારે જ જીવે છે. જો લાંબું વિચારીએ તો બાથરૂમ કેવળ સ્વચ્છતાલય જ નથી, વિચારાલય પણ છે અને તેથી જીવનાલય પણ છે મારી અંગત લાઇબ્રેરીમાં ત્રણ મોટાં થોથાં આદરણીય સ્થાને ગોઠવાયાં છે: ‘The Great American Bathroom Book, Vol. 1, 2, 3.’ અમેરિકા ખાતે લોસ એન્જલ્સમાં નાની મોટેલ ચલાવતા મોટા હૃદયના મિત્ર વલ્લભભાઇ ભક્તે મને એ ભેટ આપેલાં. જીવનમાં ઘણાં પુસ્તકો ભેટમાં મળ્યાં છે, પરંતુ આવી ત્રણ ત્રણ બાથરૂમ બુક્સ જેવી મૂલ્યવાન ભેટ બીજી મળી નથી.

એ ત્રણ થોથાં વજનદાર છે અને વળી વિચારદાર પણ છે. મારા ઘરને ઓચિંતી આગ લાગે તો હું ગીતા, ઉપનિષદ, ગાંધીજીની આત્મકથા ઉપરાંત આ ત્રણ થોથાં લઇને ભાગી છૂટું. આગ એનું કામ કરે અને હું મારું કામ કરું આવાં પુસ્તકો પાસે હોય તો જીવન ટૂંકું લાગે અને સુખ લાંબું લાગે આપણને બીજું શું જોઇએ? મૂળે બારડોલી પંથકના વલ્લભભાઇએ મને શું આપી દીધું તેનો ખ્યાલ એમને કદી પણ નહીં આવે. જીવનનું આ જ ખરું સૌંદર્ય ગણાય. આપનાર બેભાન અને લેનાર સભાન ગમતું પુસ્તક પણ પ્રિયજન જાણવું. હજી બાથરૂમ-પુરાણ આગળ ચાલવાનું છે. જો બાથરૂમ-ઉપનિષદની રચના થાય તો એમાં પ્રથમ મંત્રમાં શું આવે? સાંભળો:

તમે બાથરૂમમાં ગયા ત્યારે જે હતા
અને બાથરૂમ છોડીને બહાર આવ્યા
ત્યારે ખરેખર જુદા હોવાના
જો આ વાત વાહિ‌યાત હોય,
તો તમે રોજ બાથરૂમમાં શા માટે જાઓ છો?
તમે અંદર ગયા અને
નવી સ્ફૂર્તિ‌ લઇને બહાર આવ્યા
વળી અંદર ગયા ત્યારે થોડાક ગંદા હતા,
પરંતુ બહાર આવ્યા ત્યારે ઓછા ગંદા જણાયા.
તમે અંદર જઇને કર્યું શું?
તમે તમારી નગ્નતાના પરિચયમાં આવ્યા.
તમે અરીસામાં તમારી જાતને જોઇ
અને થોડાક ચાળા કર્યા
એ ચાળા કેવળ તમે જ જોયા
તમને તરત સમજાયું હશે કે
તમે કેટલા બબૂચક છો
તમે ભલે બબૂચક હો,
પરંતુ એ વાત ગોપનીય ગણાય.
બાથરૂમ સ્થાન નથી, ઘટના છે,
કારણ કે
એમાં તમારી પવિત્ર પ્રાઇવસીનો આદર છે.
ત્યાં તમારી પત્ની પણ ગેરહાજર છે.
આવી તક તો બેડરૂમમાં પણ નથી મળતી
હા, બાથરૂમ તમારું મૂલ્યવાન એકાંત છે.
એકાંત નાનું હોય તોય અનંતનું સંતાન છે.
જય બાથરૂમ! જય સ્વચ્છતાલય! જય અનંતાલય!

ઘણીવાર બાથરૂમમાં એક રમૂજી ઘટના બને છે. તમે હાથમાં સાબુ ઝાલીને શરીર પર ચોળતા હો ત્યારે એકાએક સુંવાળો સાબુ હાથમાંથી મિસાઇલની માફક છટકીને બાથરૂમમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય છે એને લેવા માટે ઉતાવળ કરીને સુંવાળી ટાઇલ્સ પર ડગ માંડયાં, તો થાપાનું ફ્રેક્ચર રોકડું જાણવું. થાપું એટલે શું તેનો ખ્યાલ ઓર્થોપીડિક સર્જન સ્ટીલનો રોડ ન મૂકે ત્યાં સુધી નહીં આવે. આપણા બે બે રાષ્ટ્રપ્રમુખો બાથરૂમમાં લપસ્યા અને મર્યા ધન્ય હજો એ દેવપુરુષ, જેણે ફ્લશવાળા ટોઇલેટની શોધ કરી.

ધન્ય હજો એ દેવપુરુષ, જેણે કમોડની શોધ કરી. ધન્ય હજો એ ટેકનિશિયનને, જેણે કમોડની પાછળ મૂકેલી પાણીની ઊભી ટાંકીમાંથી પાણી છોડવા માટે દબાવવાના બટનના બે ભાગ પાડયા અને કેવળ પેશાબ કર્યા પછી માત્ર નાનું બટન દબાવવાની યુક્તિનો અમલ કર્યો. એવી પ્રયુક્તિને કારણે જે કરોડો લિટર પાણી બચ્યું તેની સાથે વીજળી પણ બચી ધન્ય ધન્ય કમોડચંદ્ર તમને પદ્મશ્રી નહીં મળે તેથી શું? તમે જો બીભત્સ બાથરૂમ કેવો હોય તે જાણવા ઇચ્છતા હો, તો ઇસ્તંબૂલ જજો. ત્યાં ટકીર્ના સુલતાનોએ પોતાના હમામખાનાને ઐયાશીનો ઉકરડો બનાવી મૂક્યું હતું. એમના હેરમમાં રહેતી સુંદરીઓ રાત પડે ત્યારે સુલતાનને ખુલ્લા હોજમાં રોજ નવરાવતી અને ખુશ કરતી.

જે રૂપસુંદરી સુલતાનને સૌથી વધારે ખુશ કરે તે સુલતાન સાથે રાત ગાળવા માટે પાત્ર ગણાતી. એ ‘હેરમ’ (અંત:પુર) શબ્દ મૂળે ‘હરામ’ પરથી આવ્યો છે, એમ વેબ્સ્ટ’ર્સ ડિક્ષ્નરીમાં કહ્યું છે. ઇસ્તંબૂલમાં જ્યારે એ હરામખાનાં જોયાં ત્યારે હોજમાં ઊઠતા સુગંધીદાર જળના ફુવારા સાથે ક્રીડા કરતી દુગ્ર્‍ાંધીદાર નગ્નતા કેટલી અશ્લીલ હોઇ શકે તેનો ખ્યાલ આવેલો. હવે એવી જ ઐયાશી રોનકદાર, મજેદાર અને ભભકાદાર એવી ભવ્ય હોટલોમાં હાજર છે. ત્યાં સ્ત્રીઓ ‘સપ્લાય’ થાય છે. જે કશુંક ‘સપ્લાય’ થઇ શકે તે પદાર્થ કે વસ્તુ (ગ્ૃ#ર્‍ેઞ્) ગણાય, સ્ત્રી નહીં. વિલિયમ બ્લેકની ત્રણ પંક્તિઓમાં જીવનનું રહસ્ય પ્રગટ થાય છે:

પક્ષીને માળો,
કરોળિયાને જાળું,
માણસને મૈત્રી’
પાઘડીનો વળ છેડે
ઇસ્તંબૂલની બજારમાં સોદાબાજી ચાલી રહી છે.
એક અત્યંત સુંદર સ્ત્રી
સાવ જ નગ્ન અવસ્થામાં બજાર વચ્ચે ઊભી છે.
એની કિંમત માટે ભાવતાલ ચાલી રહ્યા છે.
દરિયામાં જતી સ્ટીમર પરથી યુરોપિયન સ્ત્રીઓને
ચાંચિયા ઉપાડીને ઇસ્તંબૂલની બજારમાં ઊભી કરી દેતા.
રૂપાળી ગુલામ સ્ત્રીઓ તે જમાનામાં
લગભગ દૂધી-બટાકા-કાકડીની માફક વેચાતી.
– ઇસ્તંબૂલની ટુરિસ્ટ ગાઇડમાંથી

નોંધ: ‘Sexual Life in Ottoman Society’ પ્રકાશક: Donance, ઇસ્તંબૂલ, ૧૯૯૮. સ્ત્રીનું વસ્તુકરણ (objectification) આવું ભયંકર હતું. આજે નથી?
Blog:https://gunvantshah.wordpress.com

બાથરૂમમાં તમે એકલા છો એ કંઇ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. મનુષ્ય એકલો પડે ત્યારે જ વિચારે છે અને જ્યારે વિચારે છે ત્યારે જ જીવે છે. જો લાંબું વિચારીએ તો બાથરૂમ કેવળ સ્વચ્છતાલય જ નથી, વિચારાલય પણ છે અને તેથી જીવનાલય પણ છે

ગુણવંત શાહ

સફરજનને કાપનારી છરી એનાં બિયાંને કાપી શકે ખરી? 23-6-2014

સૂર્ય ઊગવાની તૈયારીમાં હોય ત્યારે ઊઘડતી ઉષાને નીરખવી એ મારી હોબી છે. એ હોબીની ઉંમર પણ ૬૦ વર્ષની થઇ તમે સવારે સૂર્યોદયની પ્રતીક્ષા કરતી વખતે પૂર્વાકાશમાં પથરાયેલી લાલિમાને ધ્યાનસ્થ ચિત્તે નીરખશો તો કદાચ ક્ષતિજરેખા પર ઊભેલા નવા વિશ્વમાનવને જોઇ શકશો. એકવીસમી સદીનો એ માનવ કેવો હશે? ગઇ સદીના થોડાક ઉદ્ગારો ક્ષિતિજ પર ઊભેલા એ માનવને સમજવામાં ખપ લાગે તેવા છે. થોડાક ઉદ્ગારો સાંભળો:

ડો. રાધાકૃષ્ણને એક એવું વિધાન કર્યું હતું જે હજી ભુલાતું નથી:
દુનિયા જેમ જેમ નાની થતી જાય
તેમ તેમ આપણાં હૃદય
વિશાળ થતાં જાય એ જરૂરી છે.

માર્ટિ‌ન લ્યુથર કિંગની ઐતિહાસિક રેલીને મોખરે રહીને ‘વી શેલ ઓવરકમ’ ગીત ગવડાવનારી વિખ્યાત ગાયિકાનું વિધાન બે વાર વાંચવું રહ્યું:
અહિંસા એક છબરડો છે,
એનાથી ચડિયાતો
એકમાત્ર છબરડો હિંસા છે

રામસે મેક્ડોનાલ્ડે કરેલું વિધાન ઇતિહાસના પાનાની શોભા વધારનારું છે:
યુદ્ધ એ હત્યા નથી,
આપઘાત છે.

ગાંધીજીએ કરેલું એક વિધાન દુનિયાના શાંતિચાહકોમાં અમર બની ગયું:
શાંતિનો કોઇ માર્ગ નથી હોતો,
શાંતિ એ જ માર્ગ છે.

પોલેન્ડની સોલિડારિટી પાર્ટીના નેતા અને લેક વાલેસાના પરમ મિત્ર કવિ જસ્લો મિલોઝને નોબેલ પારિતોષિક મળ્યું હતું. સાન્ફ્રાન્સિસ્કો જવાનું બન્યું ત્યારે ત્યાંની બર્ક્લી યુનિવર્સિ‌ટીમાં પ્રોફેસર તરીકે કામ કરતા કવિ જસ્લો મિલોઝને મળવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલો. એમની સેક્રેટરીએ કહ્યું: ‘એમનો ફોન અનલિસ્ટેડ છે.’ નિરાશ થયેલા મનને એમ કહીને મનાવી લીધું કે સાચા કવિને સંતાઇને જીવવાનો અધિકાર છે. જસ્લો મિલોઝે પોતાના મૃત્યુ પામેલા પુત્રને પત્રો લખ્યા હતા. પુત્રનું નામ હતું: વેરોના. એ પુસ્તકનું મથાળું હતું: ‘આઇ ટોક ટુ યૂ આફ્ટર ઇયર્સ ઓફ સાઇલન્સ.’ એ પુસ્તકમાં વાંચવા મળતું એક વિધાન સાંભળીને તમે વિચારમાં પડી જશો. કવિએ લખ્યું:
સફરજનને કાપનારી છરી
એનાં બિયાંને
કાપી શકે ખરી?

કચ્છના અંજાર ગામ સાથે મારો ભાવાત્મક સંબંધ છે. ૧૩મી ડિસેમ્બર અંજારનો સ્થાપના દિન છે. બરાબર યાદ છે. વર્ષ ૧૯૮૭ના ડિસેમ્બરની ૧૩મી તારીખે અંજાર ગામે પંચશીલ આંદોલનની શરૂઆત થયેલી. યાદગાર પ્રારંભને અંતે મારી સભામાં પંચશીલના સંકલ્પ-પત્રક પર હસ્તાક્ષર કરનાર પ્રથમ યુવાનનું નામ નરહરિ વ્યાસ હતું. વર્ષ ૨૦૦૨ના જાન્યુઆરીની ૨૬મી તારીખે પ્રજાસત્તાક દિન નિમિત્તે સેંકડો બાળકો હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઇને સૂત્રોચ્ચાર કરતાં જઇ રહ્યાં હતાં. એ વખતે જ ધરતીકંપ થયો અને એ બધાં જ પુષ્પો ક્ષણવારમાં કાટમાળ નીચે કાયમને માટે પોઢી ગયાં આપણા લાડકા શાયર ખલિલ ધનતેજવીએ મને પત્ર લખીને પાકિસ્તાનમાં બનેલી એક ઘટનાની જાણ કરી. પાકિસ્તાનના વાર્તાકાર ગુલઝાર જાવેદનો વાર્તાસંગ્રહ ‘જુબાબંદી’ પ્રગટ થયો તેની અર્પણનોંધમાં ગુલઝારસાહેબે લખ્યું:
‘જનવરી ૨૦૦૧ (ભારત)
સુબા ગુજરાત કે
શહર ભૂજમેં કયામતખેઝ
ઝલઝલા સે સ્કૂલ કી ઇમારત મેં
દબકર હલાક હો જાનેવાલે
માસૂમ બચ્ચોં કે નામ.’

ક્ષતિજ પર ઊભેલા નૂતન માનવની સંવેદના ભૌગોલિક સરહદની ઓશિયાળી નહીં હોય. સાચો સાહિ‌ત્યકાર કેવળ માનવતાનો આરાધક હોય છે. માનવતા તો પૃથ્વીની જિહ્વા છે. ભક્ત ચંડીદાસે લખ્યું હતું: ‘સબાર ઉપર માનુષ સત્ય.’ આદિવાસ કન્યાના હાથમાં મોબાઇલ ફોન હોય ત્યારે એના નિર્મળ સ્મિતની શોભામાં વધારો થાય છે. ફોન પર વાત કરતી ઘરની કામવાળી તમારે ત્યાં ખરી? બુકર પારિતોષિક વિજેતા માર્ગરેટ એટવૂડની નવલકથા ‘ધ બ્લાઇન્ડ એસેસિન’ વાંચવા મળેલી. નવલકથામાં યુદ્ધના આતંકની અને ત્રાસના તાંડવની કરુણ દાસ્તાન વાંચીને હૃદય દ્રવી ઊઠે. સાહિ‌ત્યકારનો શબ્દ કેવો? જવાબ છે:
શબ્દો તો જ્યોત છે
જેની ફરતે આવેલા કાચ પર
કાળી મેશ લાગેલી છે.

પૂર્વાકાશમાં ક્ષિતિજ પર ઊભેલા જે નવા વિશ્વમાનવને જોયો તે મારો ભ્રમ ન હોઇ શકે? એમ હોય તોય શું વાંધો? આ આખું દૃશ્યમાન જગત આખરે તો સર્જનહારનું ‘ભ્રમરાજ્ય’ છે કે બીજું કંઇ? મરઘી ઇંડું સેવે તેમ માણસે પોતાના પ્રિય ભ્રમને સેવવો રહ્યો. છેલ્લાં પચાસ વર્ષથી એક અવલોકન કરતો રહ્યો છું. સ્ત્રીઓનું સરેરાશ રૂપ વધતું રહ્યું છે. સ્ત્રીઓની રૂપ-સભાનતા છેક ગામડાંની ભણેલી સવિતા સુધી પહોંચી છે. બ્યુટી પાર્લર્સની ઘરાકી વધી છે. સ્ત્રીઓ સ્વિમિંગ પૂલમાં જતી થઇ છે. માનશો? પુરુષો પાછળ રહી ગયા છે. એમનાં પેટ સગર્ભા સ્ત્રીનો સાતમો મહિ‌નો જતો હોય તેવડાં ગાગરિયાં જોવા મળે છે. સમજુ પુરુષો જિમમાં જતા થયા છે અને એકંદરે વધારે ચાલતા અને તરતા થયા છે. યોગ લોકપ્રિય થતો રહ્યો છે. બાબા રામદેવનું પ્રદાન નાનું નથી. તેઓ બોલવાનું ઘટાડે તો ગમે.

એમણે રાજકારણમાં રસ ન લીધો હોત તો નોબેલ પારિતોષિકની સમીપે પહોંચ્યા હોત નવી પેઢી જ્ઞાતિવાદ અને કોમવાદ પ્રત્યે અભાવ સેવતી થઇ છે. દહેજપ્રથા ગઇ નથી, પરંતુ એ પ્રથા સાથે હવે શરમ જોડાવા લાગી છે. નવી પેઢી હજી પ્રેમનો મર્મ પામી નથી, પરંતુ એને જઠહઉ શબ્દ પ્રત્યે જબરું આકર્ષણ જામ્યું છે. પ્રેમલગ્નો ચોક્કસ ગતિએ વધી રહ્યાં છે અને એમાં જ્ઞાતિ તથા કોમ ગૌણ બનતાં ચાલ્યાં છે. પ્રેમ દ્વારા બે ‘મળેલા જીવ’ને મળતી સેક્યુલર સ્પેસ વધતી રહી છે. લગ્ન પછી થયેલાં માત્ર એક કે બે સંતાનોને સારામાં સારું શિક્ષણ મળે તે માટે આજનાં યુવાન માતાપિતા વધારે ખર્ચ કરવા ઉત્સુક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઝડપભેર વધી રહ્યા છે. પરિણામે સમજણની ક્ષિતિજ આપોઆપ વિસ્તરતી જાય છે. દેશની પર-કેપિટા આવકની માફક વ્યક્તિદીઠ નિખાલસતા જેવું કશુંક હોય તો નવી પેઢી જૂની પેઢી કરતાં ઓછી કપટી અને બમણી નિખાલસ જણાય છે.

નિખાલસતા સત્યની પ્રિયતમા છે. માનશો? સાસુ-વહુ અને દેરાણી-જેઠાણી વચ્ચેનો દ્વેષભાવ ઓગળી રહ્યો છે. નણંદ સુધરતી જાય છે અને સસરા વહુનો પક્ષ લેતા થયા છે. છેલ્લી વાત. અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટી રહ્યું છે, પરંતુ હજી એની ઝડપ બાખડી ભેંસની ચાલ જેવી છે. આખો સમાજ હુલ્લડવિરોધી અને યુદ્ધવિરોધી બનતો જાય છે. મનની શાંતિની જાળવણી માટે લોકો અતિ ઉત્સુક છે. યોગ પ્રત્યેનું આકર્ષણ કોઇ કોમનું ઓશિયાળું નથી રહ્યું. ભારતીય સંસ્કૃતિની યોગ-પરંપરા જીવતી થઇ રહી છે. તનનું અને મનનું આરોગ્ય જળવાય તે માટેની આબોહવા તૈયાર છે. તમે હજી ઓટલે બેઠા બેઠા બગાસું ખાવ છો. શરમ નથી આવતી?’

પાઘડીનો વળ છેડે
આપણે આપણા પેટની
કાળજી રાખીએ છીએ.
આપણે જીભની, નાકની અને આંખની
કાળજી રાખીએ છીએ,
પરંતુ આપણા આત્માની કાળજી
ભાગ્યે જ રાખીએ છીએ.
આપણા આત્માને સંગીતની જરૂર છે,
સારા સુંદર સંગીતની જરૂર છે.
એ તો આત્માનો આહાર છે.
એ આપણા મનને ખુલ્લું કરે છે.
રાગ તો ભગવાનની ભાષા છે.
સંગીત તો બ્રહ્મા અને સરસ્વતીમાંથી
પ્રગટ થતું હોય છે.
હું હંમેશાં સવારે એ દેવ-દેવીની
પ્રાર્થના કરું છું.
– અલી અકબર ખાન (સરોદવાદક)

દેશની પર-કેપિટા આવકની માફક વ્યક્તિદીઠ નિખાલસતા જેવું કશુંક હોય તો નવી પેઢી જૂની પેઢી કરતાં ઓછી કપટી અને બમણી નિખાલસ જણાય છે. નિખાલસતા સત્યની પ્રિયતમા છે. અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટી રહ્યું છે.

સાચું બોલતાં પકડાઇ ગયેલા માણસને તમે મળ્યા છો?

મહાત્મા ગાંધી હવે ક્યારેય સદેહે આપણી વચ્ચે પાછા નથી આવવાના. તેઓ એવા મહાત્મા હતા, જેઓ જ્યાં હોય ત્યાંથી આપણને ઠરીને બેસવા દે તેમ નથી. સાવ મરી પરવાર્યા ન હોય એવા જીવંત કે અર્ધજીવંત મનુષ્યોના માંહ્યલાને ઢંઢોળવાની અદ્ભુત શક્તિ તેમનામાં હતી. એ શક્તિના પરચા આજે પણ મળતા રહે છે. આંખ, કાન અને મનનું ખુલ્લાપણું જાળવીને જીવનારો મનુષ્ય આદરણીય છે. આવા અસંખ્ય ‘છોટે મહાત્માઓ’ને ગાંધીજી તરફથી ઊધ્ર્વમૂલ પજવણી પ્રાપ્ત થતી જ રહે છે. આવા માણસો નિષ્ફળ જાય તોય નસીબદાર જાણવા. તમે કદી સાચું બોલતાં પકડાઇ ગયેલા મસીહાને મળ્યા છો? મારું અહોભાગ્ય છે કે આવા થોડાક માણસોનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પરિચય મને પ્રાપ્ત થયો છે.

થોડાંક નામો અહીં પ્રગટ કરવાનો ઉપક્રમ છેક જોખમ વિનાનો નથી. તો થઇ જાય એક પવિત્ર સાહસ સાચું બોલવામાં ખરેખરી કસોટી સેક્સની વાતે થતી હોય છે. ભલભલો સાધુચરિત મનુષ્ય પણ આ બાબતે નિખાલસ નથી બની શકતો. એમ બને તે ક્ષમ્ય છે, પરંતુ ત્યાં સુધી જ કે દંભપૂર્વક ઊંચો દાવો કરવામાં ન આવે. આ બાબતે અનુયાયીઓ તરફથી મહાત્માને સૌથી વધારે અન્યાય થતો રહ્યો છે. દંભ પ્રત્યે સૂગ હોય એવા ગાંધીજનને વંદન કરવામાં ઉતાવળ કરવા જેવી છે. બ્રહ્મચર્યને દંભચર્યમાં ફેરવી નાખવામાં ગાંધીજીની પ્રેરણા હેઠળ ચાલતા આશ્રમો મોખરે રહ્યા છે. ગાંધીજી સાથે દગો કરવાની આવી યુક્તિ લોકપ્રિય થઇ પડી નિખાલસ માણસ મહાત્મા નથી હોતો.

એ તો અડધે રસ્તે પહોંચેલો, નિર્દોષતાની સીમમાં આળોટતો અને ધરતીની ધૂળમાં રજોટાયેલો ‘મનુષ્ય’ જ છે, કેવળ મનુષ્ય વર્ષો પહેલાં ૧૯૮૩માં સીએટલ (અમેરિકા)થી વાનકુવર (કેનેડા) બસમાં જવાનું બનેલું. પાંચ-સાત કલાકની સગવડયુક્ત મુસાફરીમાં બાજુની બેઠક પર એક ગોરો અમેરિકન જુવાનિયો બેઠો હતો. એ વિનોદ ભટ્ટ કરતાંય વધારે નિખાલસ હતો અને બકુલ ત્રિપાઠી કરતાંય વધારે બોલકણો હતો. મેં એને એકાદ કલાક તો બોલવા દીધો, પરંતુ પછી મારો વારો આવ્યો. મેં એને પૂછ્યું: ‘જ્હોન અત્યાર સુધીમાં તેં કેટલી છોકરીઓ સાથે ડેટિંગ કર્યું છે?’ જ્હોને તો આંગળીનાં વેઢાં ગણવાં માંડયાં જવાબમાં મને કહ્યું: ‘બાવીસ.’ મેં પૂછ્યું ‘જ્હોન, તું લગ્ન કરશે ત્યારે તારી પત્ની અનન્યપૂર્વા (વર્જિન) હોય એવી અપેક્ષા રાખશે ખરો?’ જ્હોને કહ્યું: ‘બિલકુલ નહીં.’

વાતો લાંબી ચાલી ત્યારે એ યુવાન સાચું બોલતાં પકડાઇ ગયો વાનકુવરમાં છૂટા પડતાં પહેલાં મેં એ યુવાનનો ખભો થાબડીને કહ્યું: ‘દોસ્ત, તારું નવું નામ આજથી ઝચ્. ઊચ્ૂખ્ર રાખી લેજે.’ હવે જીવનમાં જ્હોન કદી પણ નથી મળવાનો. પરિવર્તનશીલ જગતનું એ જ ખરું સૌંદર્ય (આ આખો પ્રસંગમહેન્દ્ર મેઘાણીએ ‘અર્ધી સદીની વાચનયાત્રા’માં લીધો છે.) ૧૯પ૭ના વર્ષમાં વલસાડથી ધરમપુરની ભૂદાન પદયાત્રામાં અમે ત્રણ જણા હતા. અમારે નાની વહિ‌યાળ ગામે પહોંચવાનું હતું. હર્ષકાંત વોરા, કાંતિ શાહ અને હું ચાલવા લાગ્યા. તે સમયે ધરમપુર તાલુકામાં તૂટેલી સડક પણ ન હતી. ત્યાંની અડધી વસ્તી કેવળ લંગોટી પહેરીને જીવતી. હર્ષકાંત વોરા કોણ હતા? તેઓ ઇન્દુલાલ યાજ્ઞિકના (લગભગ) ભાણેજ હતા.

તે જમાનામાં મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી મેથેમેટિક્સ સાથે એમણે ઝ.ફે. (ફર્સ્ટક્લાસ ફર્સ્ટ) પૂરું કર્યું અને પછી સીધા પહોંચ્યા ઠક્કરબાપા પાસે. પછી ત્યાંથી પહોંચ્યા વેડછીમાં જુગતરામ દવે પાસે. મારા જીવનમાં મેં આવો નિખાલસ નાગર બીજો જોયો નથી. હર્ષકાંતે સૂચન કર્યું: ‘આપણે વાતો કરીએ તો રસ્તો કપાય. આપણે જીવનની સેક્સ હિ‌સ્ટરી અંગે વાત કરીએ. શરૂઆત મારાથી થાય.’ કાંતિભાઇ અને હું સાંભળતા જ રહ્યા કાંતિભાઇ સાંભળવા તૈયાર, પણ બોલે એ બીજા નરસિંહ મહેતાની પરિભાષામાં ‘વણલોભી’ હોવું એક વાત છે અને ‘કપટરહિ‌ત’ હોવું બીજી વાત છે. મારી પાસે કહેવા જેવું કંઇ ન હતું તેનું કારણ એ નહીં કે હું નિર્દોષ હતો. મારી ગાંધીઘેલી બાને એક કુટેવ હતી કે ગામની કોઇ છોકરી મારા તરફ સહેજ ખેંચાય ત્યાં તો બા એ છોકરીને કિ.ઘ. મશરૂવાળાનું પુસ્તક ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ વાંચવા આપી દેતી.

બસ, ખેલ ખતમ હર્ષકાંત ખૂબ ખીલ્યા અને ખૂલ્યા કાંતિભાઇનું અને મારું મૌન અસ્વચ્છ હતું. મારા ગામ રાંદેરમાં તે સમયે નર્ભિયપણે અમે કેવળ વિધવા અને વયોવૃદ્ધ માસીઓ અને ફોઇઓ સાથે જ એકાંતમાં વાતો કરી શકતા. હર્ષકાંત પ્રત્યે સ્પષ્ટ અણગમો રાખનારા કેટલાક સર્વોદયમિત્રો પોતાના ગંદા નાકનું ટેરવું ચડાવતા અને ગાંધીજીને ખાનગીમાં દગો દેતા એવા ઊંચી કક્ષાના દંભી સેવકોનું સત્ય દટાયેલું અને સત્ય મુરઝાયેલું હા, હર્ષકાંત વોરા સાચું બોલતા પકડાઇ ગયેલા. જે કપટી હોય તે ‘અયુવાન’ જ ગણાય. આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્રણ ‘છોટે મહાત્મા’ની વાત કરું? કાર્લ માર્ક્સ જેવો મહાન વિચારક ઘરની કામવાળી લેન્ચનને દિલ દઇ બેઠો. મહિ‌ના ગયા પછી પેટે ચાડી ખાધી.

માર્ક્સની ખાનદાન પત્ની જેની દુ:ખી દુ:ખી તા. ૨૩મી જૂન, ૧૮૮પના દિવસે બાળક ફ્રેડરિક ડેમુથને જન્મ આપ્યો. માર્ક્સે વિશ્વામિત્ર જેવું કર્યું એણે દીકરાનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો. પોતાની પોલ ખૂલી જાય તો ક્રાંતિકારી તરીકેની પ્રતિષ્ઠાનું શું? ઇમેજ આગળ ઇમાન હાર્યું. માર્ક્સ આદર્શવાદી બની શક્યો, સત્યવાદી ન બની શક્યો. એનો ખાસ મિત્ર એંજલ્સ બધું જાણતો હતો. મરતી વેળાએ એંજલ્સે માર્ક્સની દીકરી ઇલેનોરને કહી દીધું: ‘ફ્રેડરિક તારો ભાઇ થાય.’ સાચું બોલતાં પકડાઇ ન ગયો એ માર્ક્સના જીવનની ખરેખરી કરુણાંતિકા હા, એનું અવતારકૃત્ય એને છોટે મહાત્મા બનાવતું ગયું.

ટોલ્સ્ટોયનું પણ એવું જ ગાંધીજીને જો ખરેખરા ટોલ્સ્ટોયની વાતો ખબર પડી ગઇ હોત, તો એમને સાબરમતી આશ્રમમાં હૃદયકુંજને ઓટલે તમ્મર આવી ગયાં હોત. ટોલ્સ્ટોયના ચાર મુખ્ય શોખ હતા. જુગાર, વેશ્યાગમન, શરાબ અને ધૂમ્રપાન. એમણે પણ માર્ક્સની માફક પોતાના અનૌરસ પુત્ર ટિમોફીનો સ્વીકાર ન કર્યો. અંગૂઠાછાપ ટિમોફી ફાર્મ પરના તબેલામાં કામ કરતો રહ્યો અને ટોલ્સ્ટોયના કાયદેસર પુત્ર એલેક્સીનો ટાંગાવાળો બન્યો. તા. ૪-પ-૧૮પ૩ને દિવસે ટોલ્સ્ટોયે અંગત ડાયરીમાં લખ્યું:
સ્ત્રી તો જોઇએ જ
વિષય-લોલુપતા મને
પળવાર પણ ઠરીને બેસવા દેતી નથી.

ટોલ્સ્ટોય જેવા ‘છોટે મહાત્મા’ સાચું બોલતાં પકડાઇ ગયા. એમની ડાયરી ક્રૂરપણે નિખાલસ હતી. બર્ટ્રાંડ રસેલ જેવો તર્કશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને વિચારક જબરો લફરાંબાજ હતો. એનું મોં સતત ગંધાતું, પણ કઇ સ્ત્રી રસેલને સાચું કહી શકે? રસેલે એક પછી એક એમ ત્રણ ત્રણ પત્નીઓને દગો દીધો. છેવટે એ એડિથને પરણ્યો. ૧૯૬૬માં એ બંનેને મળવાની તક મને મળી હતી. ઘરની કામવાળી સાથે રસેલ પત્નીની દેખતાં છૂટ લેતો. કવિ ટી.એસ. એલિયટ રસેલનો વિદ્યાર્થી હતો. એલિયટ પોતાની પત્ની વિવિયન સાથે લંડનમાં રસેલનો મહેમાન બન્યો અને થોડાક કલાકો માટે બહારગામ ગયો ત્યારે રસેલે વિવિયન સાથે ધરાઇને સેક્સ માણી. પાછળથી વિવિયન માનસિક રીતે અસ્થિર બનીને જીવી ગઇ. રસેલની આત્મકથા નિખાલસતાના નમૂના જેવી છે. ‘છોટે મહાત્મા’ સાચું બોલતાં પકડાઇ ગયા હું ૧૯૬૬માં એમને મળ્યો ત્યારે તેઓ ૯૪ વર્ષના ‘યુવાન’ હતા.

તે વખતે મારી ઉંમર ૨૯ વર્ષની હતી, પરંતુ એમની સામે ‘અયુવાન’ ગણાઉં. રેશનલિસ્ટ રમણ પાઠક મૃત્યુશૈયા પર સૂતા છે. એમણે પ્રેમપૂર્વક પોતાની આત્મકથા ‘આત્મઝરમર’ મને મોકલી આપી. એમાં પ્રથમ પાને રમણભાઇએ પોતાના લાલ હસ્તાક્ષરમાં મારે માટે પ્રશંસાના જે શબ્દો લખ્યા તેમાં ઉદારતા જ ઉદારતા અમે બંને ભાગ્યે કોઇ વાતે સંમત થયા હોઇશું. વિચારભેદને અંગત શત્રુતામાં ફેરવી નાખનારા કેટલાક બૌધિક બબૂચકોને શું કહેવું? રમણભાઇએ આવી નબળી અવસ્થામાં એમને જાણે કહ્યું: ‘મતભેદ બરકરાર, મનભેદ દરકિનાર.’ મારે માટે આટલાં સુંદર વિશેષણો હજી સુધી કોઇએ પ્રયોજ્યાં નથી. મારી સાથે લગભગ બધી જ વાતે અસંમત હોય તે માણસનું ખુલ્લાપણું જીવનભર રોમેન્ટિક રહ્યું એમણે મને હરાવી દીધો. મિત્ર વલ્લભભાઇ ઇટાલિયાએ રમણભાઇના એ હસ્તાક્ષર ઇન્ટરનેટમાં કેદ કરી લીધા છે. હા, ‘છોટે મહાત્મા’ રમણભાઇ જીવનભર સાચું બોલતાં પકડાઇ ગયા વંદન હજો.’

પાઘડીનો વળ છેડે
ગાંધીજી મનુષ્ય છે.
મનુષ્યમાં જે જે વિકાર આવી શકે
તેને તેઓ આધીન હતા.
ગાંધીજી જો અવતારી પુરુષ હોત,
તો હૃદયને સાક્ષી રાખીને કહું છું કે
હું એમને ન પૂજત.
– કાકાસાહેબ કાલેલકર

આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્રણ મહાનુભાવો કાર્લ માર્ક્સ, ટોલ્સ્ટોય અને બર્ટ્રાંડ રસેલ જબરા લફરાબાજ હતા…

ગુણવંત શાહ

સાંજ ઢલે ગગન તલે હમ કિતને એકાકી DIVYA BHASKER, 23-2-2014

વસંતની સવાર નથી શીતળ હોતી અને નથી ઉષ્ણ હોતી. એવી સમશીતોષ્ણ સવાર માનવીના મનમાં સમત્વ જગાડે ત્યારે ગીતાનું વિધાન સાર્થક થાય એ શક્ય છે: ‘સમત્વં યોગ ઉચ્યતે.’ આવું બને ત્યારે એક ચમત્કાર થાય છે. એ સવારે એકાદ કલાક એવો જામી જાય કે વસંતમાંથી ‘વ’ નીકળી જાય. કહેવાતા સામાન્ય માણસને પણ એકાદ કલાક માટે સંત બની ગયાની અનુભૂતિ પામવાનો અધિકાર છે. આજના સામાન્ય માણસની પ્રાર્થના વાસંતી સવારે કેવી હોય? એવે વખતે પ્રાર્થના કરવી નથી પડતી કારણ કે પક્ષીઓ જે કલરવ કરે તે પ્રાર્થનાના કુળનો હોય છે. કલરવ બંધ થાય પછી જે પ્રાર્થના થઇ જાય તેમાં માણસ કહે છે:

હે પ્રભુ
મારો મોબાઇલ ફોન મને સગવડ આપે છે.
મારું ઇન્ટરનેટ મને દુનિયા સાથે જોડી આપે છે.
મારું વાહન મને જ્યાં જવું હોય ત્યાં લઇ જાય છે.
બસ, એક જ વાતની કમી છે:
મારા મનને શાંતિ નથી.
જગતમાં ઘણા ધર્મો છે અને અસંખ્ય પંથો તથા પેટાપંથો છે. જ્ઞાતિ-પેટાજ્ઞાતિ અને પેટા-પેટા-જ્ઞાતિઓનો તો પાર નથી.

ખરેખર તો સમગ્ર માનવજાત માત્ર બે જ વિભાગોમાં વહેંચાયેલી છે: કેટલાક જીવી ખાય છે અને કેટલાક જીવી જાય છે. જીવી જનારાઓ કાયમ લઘુમતીમાં જ હોય છે. વિચારપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને મિજાજપૂર્વક જીવનાર મનુષ્ય ૧૦૦માંથી માંડ એક હોય તો હોય એવા માણસની તો ફરિયાદ પણ પ્રાર્થના સાંજ ઢલે ગગન તલે, હમ કિતને એકાકીજીવન કેટલાક કલાકોનું બનેલું છે. માણસ જો ૧૦૦ વર્ષ જીવે તો તેનું આયુષ્ય લગભગ ૮,૭૬૦૦૦ કલાકોનું ગણાય. આટલા બધા કલાકોમાંથી ‘જીવતા’ કલાકો કેટલા? જીવતો કલાક એટલે એવો કલાક, જેમાં પ્રત્યેક ક્ષણ મનગમતી અને થનગનતી હોય. મનગમતી ક્ષણ એટલે પ્રેમની ભીની ભીની અનુભૂતિથી લથપથ એવી દીપ્તિમાન ક્ષણ.

થનગનતી ક્ષણ એટલે જાત સાથેની દોસ્તીથી અધ્ધરતાની અનુભૂતિ કરાવતી દિવ્ય ક્ષણ. જ્યાં પ્રેમ હોય ત્યાં અન્ય સાથે થતી છેતરપિંડી નહીં હોય. જ્યાં જાત સાથેની મૈત્રી હોય ત્યાં પોતાની સાથે થતી છેતરપિંડી પણ ન હોય. ‘જીવતો કલાક’ એટલે આવી બંને પ્રકારની છેતરપિંડીથી અનાયાસ પ્રાપ્ત થયેલો દિવ્ય કલાક. વસંતની સવારે આવો એક કલાક પામવો એ આપણા જેવા સામાન્ય મનુષ્યનો પ્રેમસિદ્ધ અને આનંદસિદ્ધ અધિકાર છે.અધ્યાત્મ-રામાયણમાં નારદ રામને કહે છે: ‘હે પ્રભુ માયા તો આપની ગૃહિ‌ણી છે (સા માયા ગૃહિ‌ણી તવ)’. જો માયા ગૃહિ‌ણી હોય, તો એનું પ્રેમમય અને શંૃગારમય એવું રમણીય સ્વરૂપ વસંતમાં પ્રગટ થતું દીસે છે.

જે મનુષ્ય રામની ગૃહિ‌ણીને લીલાભાવે જોવાનું રાખે તે કાલે નહીં તો પરમ દિવસે રામ સુધી પહોંચે એ શક્ય છે. કવિ એવો મનુષ્ય છે, જે ગૃહિ‌ણીનો અનાદર કર્યા વગર રામનું સ્મરણ કરે છે. આ સૃષ્ટિ આખરે તો માયાસ્વરૂપા, લીલાસ્વરૂપા અને ત્રિગુણાત્મિકા એવી ગૃહિ‌ણી છે. એ મિથ્યા હોય તોય માનવીય છે. જે મિથ્યા હોય તેમાંથી પસાર થઇ જવામાં કવિને કોણ પહોંચે? પંખીઓના કલરવની સાથોસાથ પાડોશીના ઘરમાં થતા ઝઘડાનો ઘોંઘાટ પણ કવિને માન્ય છે. એ કેવળ વસંતનો જ આશક નથી હોતો, એને તો પાનખર પણ ગમે છે. જે મનુષ્ય પ્રેમનો પરચો નથી પામ્યો, તે મનુષ્ય કવિતા રચે તો પણ અકવિ જ હોવાનો કવિ તો પ્રેમ પર પણ લખે અને પ્રેમભંગ પર પણ લખે કવિ સાથે થયેલા દગાને દર્દ બની જવાની ટેવ હોય છે.

વસંતની સવારે માણસે ચાર સુંદર પ્રશ્નો પૂછવા રહ્યા:
નજીકમાં નજીક આવેલું વૃક્ષ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક ઊગેલું પુષ્પ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક રહેતો કવિ
મારાથી કેટલો દૂર છે?
પ્રિયજનના હૃદયથી મારું હૃદય
કેટલું નજીક છે?
આ ચારે પ્રશ્નોના જવાબ જો ભીના મળે તો માનવું કે વસંતનું આગમન સાર્થક થયું. આવા પ્રશ્નો કેવળ નસીબદાર માણસોના હૃદયમાં જ ઊગે છે અને તે વખતે ‘જીવતો કલાક’ પ્રાપ્ત થાય છે. વનની વાટે અયોધ્યાથી ચાલીને જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ ગંગાકિનારે પહોંચ્યાં, ત્યારે વહેલી સવારે કોયલના ટહુકા શરૂ થઇ ગયા.

રામ લક્ષ્મણને કહે છે: ‘તાત ભગવતી રાત્રિ વીતી ગઇ છે અને સૂર્યોદય થવાની તૈયારીમાં છે. કાળા રંગની આ કોયલ કુહૂ કુહૂ બોલવા લાગી છે (અસૌ સુકૃષ્ણો વિહગ: કોકિલસ્તાત કૂજતિ)’ આપણે સૌ રામજીનાં સંતાનો ખરાં, પરંતુ વહેલી સવારે કોયલના ટહુકા સાંભળવાનો વૈભવ ગુમાવી બેઠાં છીએ. કોયલ રોજ ટહુકે છે, પરંતુ એને કાન દઇને આદરપૂર્વક સાંભળનારા કેટલા? જય સીયારામ મરેલા મરેલા કલાકો લંબાયે જાય તેવા શુષ્ક જીવનમાં જેને વસંત પણ ખલેલ ન પમાડે, એવા નર્જિી‍વ મનુષ્ય આગળ તો ટહુકા પણ લાચાર નર્જિી‍વ મનુષ્ય એટલે એવો મનુષ્ય જેની પાસે પૈસા સિવાય બીજું કશું જ નથી. તમે એકવીસમી સદીના તપસ્વી મનુષ્યને જોયો છે? લાચારીપૂર્વક આખી જિંદગી અણગમતી અને આક્રમક પત્નીને વેઠનારો પતિ તપસ્વી છે. એ જ રીતે મજબૂરીને કારણે શુષ્ક અને જોઇને ચીતરી ચડે તેવા દુર્જન પતિને જીવનભર વેઠનારી પત્ની તપસ્વિની છે.

આપણા દેશમાં તપસ્વિનીઓ બહુમતીમાં છે, કારણ કે સમાજ પુરુષપ્રધાન છે. છૂટાછેડાની નિંદા થાય છે, પરંતુ સમજપૂર્વક છૂટાં થયેલાં સ્ત્રી-પુરુષોની પ્રશંસા નથી થતી. આવો સમાજ તનદુરસ્ત અને મનદુરસ્ત હોઇ શકે?
વસંતની સાંજ પણ ઓછી મનમોહક નથી હોતી. સૂર્ય આથમે પછી ધીરે ધીરે અજવાળું વિદાય થાય છે. અજવાળાને વિદાય થતું જોવું અને અંધારાને અવનિ ઉપર પથરાતું જોવું એ પણ એક અનુભૂતિ છે. એ અનુભૂતિમાં મૃત્યુના અભિવાદનનું રહસ્ય પડેલું છે. અંધકારના ઉપકારો અનંત છે. અજવાળું મનુષ્યને સાકાર અને સગુણની સાધના શીખવે છે. અંધારું મનુષ્યને નિરાકાર અને નર્ગિુણની ઊંચાઇ પર લઇ જઇ શકે છે. જે અંધારાનો સ્વાદ ચાખે તે ખરો સાધક છે. અંધકારના ઉપકારો અનંત છે.

પારિજાતનાં પુષ્પો ક્યારેક પવનને કારણે ખરતાં રહે છે. ક્યારેક માનવસંબંધો પણ ટપ ટપ ખરતા રહે છે. સંબંધના નિર્મળ સરોવરમાં હોવું એ વૈભવ છે. અંધારિયા એકાંતના ઓવારે એકલા હોવું એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે જ એકાંતવૈભવ. વસંત સાથે શંૃગાર જોડાયો છે, પરંતુ શંૃગારની દિશા પણ અધ્યાત્મ ભણીની હોઇ શકે એ વાત ઝટ સમજાતી નથી. જીવનનું રહસ્ય પામેલો કોઇ કવિ જ કહી શકે:
કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા.
અંધારું અજવાળાને ગળી જાય છે. અજવાળું અંધારાને ગળી જાય છે. શંૃગાર શુષ્કતાને ગળી જાય છે. જ્ઞાન માયાને ગળી જાય છે. પ્રેમ મૃત્યુને ગળી જાય છે. આવી પ્રેમદીક્ષા પામવી એ આપણો વસંતસિદ્ધ અધિકાર છે. (લખ્યું: વસંતપંચમીએ).’

પાઘડીનો વળ છેડે
અભિમાનપૂર્વક કોઇને
પ્રેમ કરવા કરતાં તો,
જેને પ્રેમ કરીએ
તેની આગળ
અભિમાન ગુમાવવું સારું
– ચીની કહેવત

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

રોજ પ્રભુને “થૅન્ક યૂ’ કહેજો .

રોજ પ્રભુને “થૅન્ક યૂ’ કહેજો 
એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય? સાબુને, મહેનતને કે પાણીને? ધણા મંથનને અંતે એ વચાિરવંત ધોબીને સમજાયું કે :
1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.
2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.
3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.
આવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થ વિરોધી માણસ ન હતો. ભક્ત તે છે, જેને બધી ધટનાઓમાં ઈશ્વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદ્‍કૃપા નિહાળે તેનું જ નામ ભક્ત! ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : “હે માલકિ! જેવી તારી મરજી.’ વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરુ બની શકે.
કૃપાનુભૂતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. જ્યાં પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી (ચોઇસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રાદ્ધા પસંદગી-મુક્તિ (ચોઇસલેસનેસ) પર એટલે કે ઈશ્વરની ઇચ્છાને આધીન રહેવા પર અધકિ હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે  : “હે હૃષીકેશ! મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દૃઢ રહો.’
સ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોન પ્રજામ્યહમ્
તસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તરિ્‍ દૃઢા’સ્તુ મે
રોજ રોજ બનતી નાનીમોટી અનુકૂળ કે પ્રતિકૂળ ધટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું “હોવું’ પણ ફય કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છ્વાસ ચાલે છે તેથી તો આપણે “છીએ’! બાળક જન્મે ત્યાં તો પ્રાણવાયુ તૈયાર હોય છે. એને તરસ લાગે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભૂખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હૂંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ નીરખી શકે એ માટે પ્રકાશ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પૂરું થાય ત્યાં સુધી અટકતો નથી.
માણસની નાડીના ધબકારા ધણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ધણુંખરું નૉર્મલ રહે છે. ધણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ધણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેધધનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હૂંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કૂટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મયપૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મૃતિ ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચૂલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ? કૃપાનો ધોધ વહેતો રહે છે.
વિખ્યાત સૂફી સંત રબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : “મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથું કાપી નાખું.’ રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : “અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજાસમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે. હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્ત્વ સમજાય છે. ઊંધની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :
સમગ્ર જીવન દરમ્યાન
જો તમે
ફક્ત એક જ વખત પ્રાર્થના કરો
અને (ઈશ્વરને) “થૅન્ક યૂ’ કહો,
તો તે પણ પૂરતું છે.
આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ધણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે કોરા ને કોરા રહી જવું એ ખોટનો ધંધો છે. કૃપાના એ ધોધની નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ “ઉપર ચડાવવામાં આવે છે.’

EXCERPT FROM THE BOOK ” BHAGVAN NI TAPAL”

Bhagvan ni tapal published by R.R. Sheth

Link to buy Print Edition – http://rrsheth.com/Lending.aspx?Val=AB00686

Link to buy E-Book from other Retailer – https://play.google.com/store/books/details/Gunvant_Shah_Bhagvan_Ni_Tapal_Gujarati_eBook?id=NG8ZAgAAQBAJ