જ્યાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યની બોલબાલા હોય ત્યાં કવિ કાલિદાસની કલ્પના-નગરી અલકાપુરી સર્જાય છે. જ્યાં અલકાપુરી હોય ત્યાં આતંકવાદ નહીં હોય. ત્યાં વિરહ સિવાયની કોઇ વેદના નહીં હોય.
વસંતના વાવડ મળી ચૂક્યા છે. ગઇકાલે વસંતપંચમી હતી. વસંતઋતુ શંૃગારપ્રિયા છે. શંૃગાર રસ એટલે ત્રણ શબ્દોનો સંગીતમય સરવાળો: સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. આ ત્રણ શબ્દોની પ્રતિષ્ઠા ન હોય તેવો સમાજ કેવો હોય? એ સમાજમાં કરુણાને બદલે ક્રૂરતાનું અને અહિંસાને બદલે હિંસાનું ચલણ હોય. આવો વિચાર મને કેમ આવ્યો?
ટીવી પર એક એવું દુ:ખદ દૃશ્ય જોયું કે ખાવાનું ન ભાવે. ઇરાકમાં ક્યાંક ISISના સેતાનો સાંકળે બાંધેલી સ્ત્રીઓ પર કોરડા વીંઝી રહ્યા છે. સ્ત્રીઓ લાચાર છે અને એમની પાસે હીબકાં ભરવા સિવાયની બીજી કોઇ સ્વતંત્રતા બચી ન હતી. એમની હરાજી બોલાતી હતી. જે સ્ત્રી આનાકાની કરે તે ગોળીથી વીંધાય જાય! એ લાચાર સ્ત્રીઓમાં એક પણ સ્ત્રી કદરૂપી ન હતી અને એક પણ સ્ત્રી કાળી ન હતી. એ બધી યુવતીઓનો મૂળભૂત માનવીય અધિકાર શું હતો? મારો જવાબ છે: ‘હુસ્ન.’ એ કમનસીબ સ્ત્રીઓને હુસ્નને બદલે હીબકાં મળ્યાં!
શૃંગાર રસનો અસ્વીકાર એટલે જ આતંકવાદનો સ્વીકાર! વસંતની સવારે માણસની પ્રાર્થના કેવી હોય? સાંભળો:
હે પ્રભુ!
મારો સ્માર્ટ ફોન સારું કામ આપે છે.
મારું ઇન્ટરનેટ મને દુનિયા સાથે જોડી આપે છે.
મારી બાઇક જ્યાં જવું હોય ત્યાં મને લઇ જાય છે.
બસ, એક જ વાતની ખોટ છે.
મારા મનને તૃપ્તિ નથી.
તું મને તૃપ્તિ આપજે.
વસંતની સવારે પ્રાર્થના કરવી ન પડે. પક્ષીઓ જે કલરવ કરે તે પણ પ્રાર્થનાના કુળનો હોય છે. કલરવ અટકી જાય પછી જે પ્રાર્થના થઇ જાય તે પક્ષીની નહીં, માણસની હોય છે. અધ્યાત્મ-રામાયણમાં નારદજી રામને કહે છે: ‘હે પ્રભુ! માયા તો આપની ગૃહિણી છે (સા માયા ગૃહિણી તવ)’ જો માયા ગૃહિણી હોય તો એનું પ્રેમમય સ્વરૂપ શંૃગાર દ્વારા વસંતમાં પ્રગટ થતું જણાય છે. જો મનુષ્ય રામની ગૃહિણીને લીલાભાવે નીરખવાનું રાખે તો કાલે રામ સુધી પહોંચે એ શક્ય છે. કવિ તે છે, જે ગૃહિણીનો અનાદર કર્યા વગર રામનું સ્મરણ કરે છે. આ સૃષ્ટિ માયાસ્વરૂપા અને લીલાસ્વરૂપા છે. એ લીલા સ્વભાવે ત્રિગુણાત્મિકા (સત્ત્વ, રજ અને તમ) છે. જે મિથ્યા હોય તેમાંથી પસાર થઇ જવામાં કવિને કોણ પહોંચે? રિલ્કે તેથી કહે છે: ‘Poetry is existence. કવિતા એ જ અસ્તિત્વ છે.’ પંખીઓના કલરવ સાથે પાડોશીના ઘરમાં થતા તીખા ઝઘડાનો ઘોંઘાટ પણ કવિને માન્ય છે. કવિ કેવળ વસંતનો જ આશક નથી હોતો. એ તો પાનખરને પણ એટલો જ પ્રેમ કરે છે. જે માણસ પ્રેમનો પરચો નથી પામ્યો, તે કવિતા રચવાનો વ્યાયામ કરે તોય અકવિ જ હોવાનો!
વસંતની સવારે માણસે થોડાક પ્રશ્નો પૂછવા રહ્યા! (1) નજીકમાં નજીક આવેલું વૃક્ષ મારાથી કેટલું દૂર છે? (2) નજીકમાં નજીક ઊગેલું પુષ્પ મારાથી કેટલું દૂર છે? (3) નજીકમાં નજીક રહેતો કવિ મારાથી કેટલો દૂર છે? (4) પ્રિયજનના હૃદયથી મારું હૃદય કેટલું દૂર છે? આ ચારે પ્રશ્નોના જવાબ સુંદર મળે, તો માનવું કે વસંતનું આગમન સાર્થક થયું છે. આપણું જીવન આખરે કેટલા કલાકોનું બનેલું છે? માણસ 100 વર્ષ જીવે તો 8,76000 કલાકનું આયુષ્ય ગણાય. આટલા કલાકોમાંથી ‘જીવતા’ કલાક કેટલા? ‘જીવતો કલાક’ એટલે એવો કલાક જેની પ્રત્યેક ક્ષણ મનગમતી અને થનગનતી હોય. મનગમતી ક્ષણ એટલે ઉત્કટ પ્રેમથી ભીની બનેલી ક્ષણ અને થનગનતી ક્ષણ એટલે પ્રિયજન સાથે ગાળેલી અલૌકિક ક્ષણ. જ્યાં પ્રેમ હોય ત્યાં છેતરપિંડી ન હોય. જ્યાં જાત સાથેની દોસ્તી હોય ત્યાં છેતરપિંડી ન હોય. ‘જીવતો કલાક’ એટલે છેતરપિંડીથી મુક્ત એવો દિવ્ય કલાક. એ દિવ્ય કલાક જીવનમાં એકાદ વાર મળે તોય બેડો પાર!
આપણું કોણ સાંભળે? કોઇ ઓડિટોરિયમમાં યોજાતો શાસ્ત્રીય કે સુગમ સંગીતનો કાર્યક્રમ પણ વિશ્વશાંતિની દિશામાં ભરાયેલું એક ડગલું છે. એ જ રીતે નૃત્યનો, હાસ્યનો, નાટકનો, કથાશ્રવણનો અને ફિલ્મનો શો પણ વિશ્વશાંતિને પોષક એવો કાર્યક્રમ ગણાય. જ્યાં જ્યાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યની બોલબાલા હોય ત્યાં કવિ કાલિદાસની કલ્પના-નગરી અલકાપુરી સર્જાય છે. જ્યાં અલકાપુરી હોય ત્યાં આતંકવાદ નહીં હોય. ત્યાં વિરહ સિવાયની બીજી કોઇ વેદના નહીં હોય. મારું ચાલે તો ઇરાક-સિરિયા-અફઘાનિસ્તાનમાં હુસ્નનાં સ્પંદનો વિમાન ભરીને મોકલી આપું. શુષ્કતા તો ક્રૂરતાની જ સગી માસી છે. ધર્મ જેવી દિવ્ય ઘટનાને શુષ્ક ન બનાવશો. આભાર શ્રીમદ્ વલ્લભાચાર્યનો, જેમણે ભક્તિને રંગદર્શિતાની દીક્ષા આપી. કૃષ્ણ ગોપીવલ્લભ છે.
કેટલાય દિવસોથી મારા આંગણામાં લગભગ રોજ એક વસંતમય ઘટના મળે છે. નાના વૃક્ષની ડાળીએ મારા હીંચકાથી થોડેક છેટે અમે માટીનું વાસણ લટકાવ્યું છે. એ ખુલ્લા માટલામાંથી પાણી પીવા માટે રોજ સવારે એક કોયલ આવી પહોંચે છે. જે સવારે કોયલ ન આવે ત્યારે અમે કહીએ છીએ: ‘આજે કોયલ ન આવી!’ કોયલના મધુર ટહુકા એ જ વિશ્વશાંતિની આશા છે. વિરહને કારણે કોઇ મુગ્ધાની આંખમાંથી સરી પડેલાં અશ્રુબિંદુ, એ જ યુદ્ધવિહીન પૃથ્વીની આશા છે. કહેવાતા બ્રહ્મચર્યને નામે શુષ્કતા કેળવાય તેવો ધર્મ લોકોને પહોંચાડશો નહીં. જેમને ફાવતું હોય તે ભલે બ્રહ્મચર્ય પાળે. કોઇ એમને રોકવા નવરું નથી. સમાજને ખરી જરૂર છે વસંતચર્યની!
વસંતની સાંજ પણ ઓછી મનમોહક નથી હોતી. સૂર્ય આથમી જાય પછી અજવાળું ધીરે ધીરે સ્વમાનભેર વિદાય થાય છે. અજવાળાને વિદાય થતું અને અંધારાને પથરાતું નીરખવું એ પણ એક આધ્યાત્મિક અનુભૂતિ છે. એ અનુભૂતિમાં મૃત્યુના અભિવાદનનું સૌંદર્ય પડેલું છે. અંધકારના ઉપકારો અનંત છે. અજવાળું સાકાર અને સગુણ ભક્તિના પાઠ ભણાવે છે. અંધારું નિરાકાર અને નિર્ગુણની સાધના માટે ઉપકારક છે. અંધારું ઊંઘ માટેનું ઔષધ છે. જે મનુષ્ય અંધારાને સાક્ષીભાવે જુએ છે તે સાધક છે. જે મનુષ્ય અજવાળામાં લીલાભાવે જીવે તે સાધુ છે.
પારિજાતનાં પુષ્પો પવનની સંગાથે ટપ ટપ ખરતાં રહે છે. ક્યારેક સંબંધો પણ એ જ રીતે ખરતા રહે છે. સંબંધોના સરોવરમાં સ્નાન કરવું એ વૈભવ છે. અંધારિયા એકાંતને ઓવારે એકલા હોવું એ વૈરાગ્ય છે. વૈભવ અને વૈરાગ્ય વચ્ચે બાપેમાર્યાં વેર નથી. શંૃગાર અને સાધના વચ્ચે કોઇ શત્રુતા નથી. વસંત સાથે શંૃગાર જોડાયો છે, પરંતુ શંૃગારની દિશા વૈરાગ્યમૂલક પાનખર ભણીની છે. આ વાત ખરેખર સમજનારો કવિ હતો ભર્તૃહરિ! એણે કહ્યું: ‘બે જ બાબતો જીવનમાં મહત્ત્વની છે: યૌવન અથવા વન (યૌવનં વા વનં).’ કોઇ કવિ જ ગાઇ શકે:
કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા!
પાઘડીનો વળ છેડે
અભિમાનપૂર્વક
કોઇને પ્રેમ કરવા કરતાં તો
જેને પ્રેમ કરીએ તેની આગળ
અભિમાન ગુમાવવું સારું!
– ચીનની કહેવત