HAPPY BIRTHDAY GUNVANT SHAH

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે?
ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે.

સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે, તમને ઈર્ષ્યા થાય?
(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય..

આગળ ક્લિક કરીને વાંચો ગુણવંત શાહ સાથે થયેલી વાતચીત અંગે…,

Advertisements

વિચારવંત માણસો માટે આજે પણ ગાંધીજી હાજરાહજૂર! DIVYA BHASKER, 1-2-2015

જે તને અન્યાય કરે
તેને તું ક્ષમા આપજે.
જે તને પોતાનાથી વિખૂટો કરે
તેની સાથે મેળ કરજે.
જે તારા પ્રત્યે બૂરાઇ કરે
તેના પ્રત્યે તું ભલાઇ કરજે
અને હંમેશાં સત્ય બોલજે,
પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય.
આ શબ્દો કોણે ઉચ્ચાર્યા હશે? મહાવીરસ્વામીએ, ભગવાન બુદ્ધે કે મહાત્મા ગાંધીએ? ખાસ નોંધી રાખો કે આ શબ્દો મહાત્મા મોહંમદના છે. આ શબ્દો ઐતહાસિક એટલા માટે છે કે પયગંબર સાહેબની તલવારની મૂઠ પર આ શબ્દો કોતરાયેલા હતા. તલવારની મૂઠ પર આટલા ઉમદા શબ્દો! તો
પછી એમના જીવનની ઊંચાઇની તો વાત જ શી પૂછવી? વિચારવંત માણસોની લઘુમતી અત્યંત મૂલ્યવાન હોય છે.
ખંજરની ઉત્ક્રાંતિ થઇ ત્યારે તલવાર બની. તલવાર દ્વારા કેટલાં ડોકાં કપાયાં હશે? ઇસ્લામના ફેલાવામાં તલવારનો ફાળો કેટલો? તલવારનો અહંકાર વધી ગયો પછી બંદૂક પેદા થઇ અને બંદૂકનું મગજ ફાટી ગયું પછી AK-47નો જન્મ થયો. જેમ જેમ મારક હથિયારની શક્તિ વધતી ગઇ, તેમ તેમ આપણી વ્યાકુળ થવાની ક્ષમતા ઘટતી ગઇ! આપણા હૃદયના ધબકારા હવે આપણી ચેતનાના આંગળિયાત નથી રહ્યા. એ હૃદય ધીમે ધીમે લોહીને શરીરને ફરતું રાખનારો સ્થૂળ પંપ બની રહ્યો છે. માનવતા અને ધાર્મિકતા વચ્ચે છૂટાછેડા થયા ત્યારે અસ્પૃશ્યતાનું પાપ છતું થયું. વિચારશક્તિ જ્યારે ધર્મથી દૂર ચાલી જાય ત્યારે ઝનૂન બચે છે. જ્યાં ઝનૂન હોય ત્યાં ઇસ્લામ ન હોય. જ્યાં અમન હોય ત્યાં જ ઇસ્લામ હોય.

ગાંધીજીની પુણ્યતિથિ પરમ દિવસે ગઇ તોય હજી તેઓ હાજરાહજૂર! 120 વર્ષનું આયુષ્ય ભોગવીને કબીર વિદાય થયા તોય હજી કબીર હાજરાહજૂર! ઓસ્કર વાઇલ્ડ કહે છે:
સમાજ કાયમ ગુનેગારોને
તો માફ કરે છે,
પરંતુ એ જ સમાજ કદી પણ
સ્વપ્નદૃષ્ટાઓને માફ કરતો નથી.

ગાંધીજીએ રામરાજ્યનું સ્વપ્નું જોયું હતું. એમના ગીતામય અને રામમય જીવનના અંતે એમણે ધર્મના નામે થતી કત્લેઆમ જોઇ ત્યારે એમના હૃદય પર શું વીત્યું હશે? સુશીલા નય્યરે એક પ્રસંગ નોંધ્યો છે: ‘સાંજે ફરતી વખતે બાપુએ એક વાર પોતે કુતુબમિનાર જોવા ગયા હતા તેની વાત કરી. દેખાડનાર ઇતિહાસના મોટા વિદ્વાન હતા. તેમણે કહ્યું કે કુતુબના બહારના દરવાજાની સીડીથી માંડીને એક એક પથ્થર મૂર્તિનો પથ્થર છે. મારાથી એ ન સહેવાયું. હું આગળ વધી જ ન શક્યો અને મને પાછા લઇ જવાને મેં તેમને જણાવ્યું. આમ હું પાછો ફર્યો. મુસલમાનોએ કેટલા અત્યાચારો કર્યા છે એ બાપુ જાણે છે, છતાં મુસલમાનો પ્રત્યે આટલી ઉદારતા અને આટલો પ્રેમ રાખે છે. મુસલમાનો તેમને ગાળ દે તોય તે તેમને માટે હિંદુઓ સાથે લડે છે. આ ચકિત કરનારી વાત છે. એમની અહિંસાની કસોટી છે.’ (‘બાપુના કારાવાસની કહાણી’, નવજીવન, પાન-94, ડાયરીની નોંધની તારીખ: 18-9-1942). ગાંધીજીની સંવેદનશીલતા આટલી સતેજ હતી.

જરાક વિચાર તો કરો. નથ્થુરામ ગોડસે આખરે કોણ હતો? પ્રાર્થના કરવા માટે જઇ રહેલા નિ:શસ્ત્ર વૈષ્ણવજન એવા મહાત્મા તો પોતાને ‘સનાતની હિંદુ’ ગણાવનારા, રામાયણને ‘જગતનો સર્વોપરી ગ્રંથ’ ગણનારા અને રામનામનો મહિમા કરનારા રામભક્ત હતા. ગોડસેને ગીતા કે રામાયણ પ્રત્યે નહીં, પરંતુ પશ્ચિમી લક્ષણો ધરાવતી સસ્પેન્સ નવલકથાઓમાં જબરો રસ હતો. પેટ્રિક ફ્રેન્ચ નોંધે છે: ‘ખરેખર એ ખૂની મહારાષ્ટ્રીઅન બ્રાહ્મણ હતો અને વળી અગાથા ક્રિસ્ટી (નામની નવલકથાકાર)નો બંધાણી હતો, જેનું નામ નથ્થુરામ ગોડસે હતું.’ (Liberty or Death: India’s Journey to Independence and Division’, પાન-360). વિચારવું પડશે અને ખૂબ વિચારવું પડશે. કોણે કોને માર્યા? મારનારને ‘હિંદુ’ કહેવાની તાકાત ક્યાંથી લાવવી? મરનાર મહાત્મા તો ઉદાત્ત હિંદુની વ્યાખ્યા સમો હતો. પયગંબર જો સદેહે પૃથ્વી પર આજે આવે, તો સાચા ‘મુસલમાન’ તરીકે મહાત્મા ગાંધીને જ પ્રમાણે! ઇસ્તંબૂલના મ્યુઝિયમમાં પયગંબરનો સ્પર્શ પામેલી ચીજો બરાબર સચવાયેલી છે. એ મ્યુઝિયમ જોયા પછી સાબરમતીના સંતે સ્થાપેલા આશ્રમની મુલાકાત લેવી. તમને વૈષ્ણવજન અને મુસ્લિમજન વચ્ચેનો બાહ્ય તફાવત ઓગળી જતો જણાશે. તેમ મ્યુઝિયમને મંદિર બની જતું જોયું છે? ગાંધી આશ્રમ જઇ જુઓ! ઇસ્તંબૂલ અને અમદાવાદમાં આમ બન્યું!

સમગ્ર ઇસ્લામી આલમમાં ક્રૂરતાનાં ‘કાળખાનાં’ ચાલી રહ્યાં છે. તાલિબાન કટ્ટરપંથી હોય તો અમેરિકા તાલિબાનને જન્મ આપનાર બાપ છે. અફઘાનિસ્તાનમાંથી રશિયાને ખદેડવા માટે અમેરિકાએ જે ષડ્્યંત્ર રચ્યું તેમાંથી તાલિબાનનો જન્મ થયો. યાસર અરાફત જેવા પેલિસ્ટાઇનના નેતાને પજવવામાં ઇઝરાયેલે કશું જ બાકી રાખ્યું હતું ખરું? (ભારતના મિત્ર એવા) અરાફતના આંગણામાં ઇઝરાયેલના બોમ્બ ફૂટતા રહ્યા તોય અમેરિકા ચૂપ રહ્યું છે. દર વર્ષે નાતાલને દિવસે અરાફત બેથલહમ જઇને (ઇસુના જન્મસ્થળે આવેલા) ચર્ચ ઓફ નેટિવિટીમાં થતી પ્રાર્થનામાં અચૂક હાજર રહેતા હતા. લોકતંત્ર અને માનવ-અધિકારમાં માનનારા અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોને ટેકો આપવામાં કોઇ શરમ અનુભવી ન હતી. ફટાકડો ફૂટે એ સૌને દેખાય, પરંતુ જામગરી ચાંપનાર દૂર ચાલી જાય તેવું થતું રહ્યું. દુનિયા આજે જ્વાળામુખીના ઝાડ પર બેઠી છે. એવે વખતે એકમાત્ર વિભૂતિ એવી છે જેના છત્ર હેઠળ સૌને છાંયો મળે તેમ છે. એ છત્ર તે મહાત્મા ગાંધીનું છત્ર! એ છત્ર તે સત્યનું છત્ર! એ છત્ર તે વિશ્વશાંતિનું છત્ર!

થોડાક વખત પર રુસી મોદીનું અવસાન થયું. તેઓ જ્યારે ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સંગીતના કાર્યક્રમમાં આઇન્સ્ટાઇન વાયોલિન વગાડી રહ્યા હતા અને એમની સાથે રુસી મોદી પિયાનો પર સાથ આપી રહ્યા હતા. સંગીતમાં એવી શક્તિ છે જે દુનિયાને જોડી શકે તેમ છે. હ્યુસ્ટન સ્મિથ કહેતા: ‘તમારે જીવનને સમજવું હોય, તો વાયોલિનને સમજો.’ મહાત્મા ગાંધી પાસે સત્યઊર્જા હતી. સંગીત અને સત્ય ભેગાં થાય તો વિશ્વશાંતિ દૂર નહીં હોય. ગાલિબ, ઇકબાલ, મીર અને ફૈઝ જેવા કવિઓને તાલિબાનોએ જરૂર ખતમ કર્યા હોત. તેઓ વિચારવંત લઘુમતીમાં હતા, કારણ કે કવિ હતા. તાલિબાનને સંગીત, નૃત્ય અને કળા સામે વાંધો છે. યાદ રહે કે જે વર્ષમાં ગાલિબનું મૃત્યુ થયું, તે જ વર્ષમાં ગાંધીજીનો જન્મ થયો હતો. (1869)

આ લેખ પૂરો કરવાની તૈયારીમાં હતો, ત્યાં ઇજિપ્તથી પ્રિય વાચક મુર્તઝા પટેલ પ્રેમપૂર્વક મળવા આવી પહોંચ્યા. મેં એમને ઉપનિષદ પર લખેલું મારું ભાષ્ય ભેટ આપ્યું ત્યારે મુર્તઝાભાઇએ કહ્યું: ‘એ તો મેં વાંચ્યું છે. હું હાઇસ્કૂલમાં હતો ત્યારે સંસ્કૃતમાં પ્રથમ આવ્યો હતો.’ (એમનો કૈરોનો ફોન નંબર: 201222595233 છે.) હું યુવાન હતો ત્યારથી મને કુરાનની એક આયાત કંઠસ્થ હતી. મુર્તઝા ઉપનિષદનું ભાષ્ય વાંચનારા છે. તેઓ ઘરે આવ્યા અને ઉત્તરાયન માટે બનેલી ઘરની ચીકી લેતા ગયા. ગાંધીજીએ ‘સર્વધર્મ-સમભાવ’ શબ્દ આપ્યો. એ શબ્દમાં દેશની માટીની સુગંધ હતી. એવી સુગંધ ‘સેક્યુલરિઝમ’ શબ્દમાં નથી. બંધારણમાં બે શબ્દો બદલવા જેવા છે: ‘સમાજવાદ’ની જગ્યાએ ‘સર્વોદય’ અને ‘સેક્યુલરિઝમ’ની જગ્યાએ ‘સર્વધર્મ-સમભાવ.’ બંને શબ્દો એવા છે, જેમાં ગાંધીસુગંધ રહેલી છે.

પાઘડીનો વળ છેડે
એ લાકડી
કોઇના પર ઉગામવા માટે ન હતી.
એ લાકડી
કોઇએ કરેલા પ્રહારને
ખાળવા માટે પણ ન હતી.
આવી અહિંસક લાકડી
દુનિયાએ ક્યારેય જોઇ હશે ખરી?
એ હતી ગાંધીની લાકડી!
નોંધ: મકરસંક્રાંતિની સવારે મને મળેલી પંક્તિઓ. સવાર સુધરી ગયેલી.

ઋષિ વિનોબા સાથે એમના આશ્રમમાં એક કલાક. DIVYA BHASKER 18-1-2015

જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત
ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો.
ભક્તિમાં તરબોળ હોય એવા ભીના મનુષ્યને સંત કહેવામાં આવે છે. જે જ્ઞાની હોય એવા આત્મપુરુષને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. જે નિષ્કામ કર્મમાં રમમાણ હોય એવા મનુષ્યને યોગી કહેવામાં આવે છે. જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો. એમના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મનું ત્રિવેણીતીર્થ પ્રગટ થયું હતું.

નાગપુરથી થોડેક દૂર આવેલા ચંદ્રપુર શહેરની કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય એસ. કે. ઝા મારા પ્રિય વિદ્યાર્થી હતા. એમણે ‘Creativity’ વિષય પર મારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું હતું. પ્રવચન માટે ત્રણેક દિવસ ચંદ્રપુર જવાનું થયું ત્યારે વિનોબાજીની મુલાકાત લેવાનું આયોજન થયું. તા. 16 જૂન 1973ને દિવસે બપોરે સવા ત્રણ વાગે વિનોબાજીને મળવાનું સદ્્ભાગ્ય પ્રાપ્ત થયું. મારી સાથે ડો. ઝા ઉપરાંત વર્ધા જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી બોન્ડે અને અખબાર ‘હિતવાદ’ના પ્રતિનિધિ શ્રી મેહમૂદ પણ હતા. વિનોબાજી ઝાઝું સાંભળી શકતા ન હતા તેથી પ્રશ્નો લખીને આપવાની પ્રથા હતી. તેઓ લાકડાની પાટ પર સૂતા હતા. એમની ઋષિમુદ્રા ભવ્ય હતી. પરિચય અપાયો પછી પ્રશ્નોત્તરી શરૂ થઇ. એ પ્રશ્નોત્તરી ‘નૂતન શિક્ષણ’ (ઓગસ્ટ 1973)માં પ્રગટ થઇ હતી. એ પ્રશ્નોત્તરી અહીં અક્ષરશ: પ્રસ્તુત છે:

ગુણવંત: પરિવાર નિયોજન નહીં થાય તો ગરીબી નહીં હટે એવું લાગે છે. એ માટે બ્રહ્મચર્ય સિવાયના બીજા બધા પ્રયત્નો અવૈજ્ઞાનિક અને અધાર્મિક છે, એવું આપ કહેશો ખરા?
વિનોબાજી: પ્રાચીન કાળમાં બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય હતું. જમીન ખૂબ હતી અને લોકસંખ્યા ઓછી હતી. આજે બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય તો છે જ, પણ સાથે સામાજિક મૂલ્ય પણ છે. આ વિજ્ઞાનનો જમાનો છે. ખેતરમાં પાક લેવા માટે આપણે વારે વારે બી નથી વાવતા. પાક ન લેવો હોય તો બી વાવીએ ખરા? વીર્યબીજનો દુરુપયોગ પણ મહામૂર્ખતા ગણાશે. ત્રણ ભાઇઓ હોય તો એક બ્રહ્મચર્ય પાળે. બાકીના બે ગૃહસ્થી બને. ગૃહસ્થાશ્રમનાં વર્ષો 25થી 45 ગણવામાં આવે તો ગાળો 20 વર્ષનો થશે. આજે આવો ગાળો 40 વર્ષનો થઇ જાય છે. ગૃહસ્થાશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ લોકોની હાજરીમાં થાય છે તે રીતે વાનપ્રસ્થ આશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ થવી જોઇએ. આવું થાય તો સંતતિ-નિયમન ઠીક ચાલશે. ઇશ્વરે નાનકડું પેટ આપ્યું છે, પણ તે સાથે બે લાંબા હાથ આપ્યા છે.

ગુણવંત: શિક્ષણ-પરિવર્તનની દિશા અંગે હવે ઝાઝો મતભેદ નથી. હવે પ્રશ્ન એ છે કે આવા પરિવર્તનનો અભિગમ (approach) શો હોઇ શકે. જનતા અને સરકાર એ માટે કયાં પગલાં ભરે?
વિનોબાજી: મેં શિક્ષણમાં યોગ-ઉદ્યોગ-સહયોગની વાત કરી છે. ગ્રામસમિતિ સાથે બેસીને અધિકારીઓ યોજના બનાવે તેવું થવું જોઇએ. યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરનારને જ નોકરી મળે તેવું ન હોવું જોઇએ. જે કામ કરવાનું છે તેની પરીક્ષા લેવામાં આવે- પછી તે વ્યક્તિ યુનિવર્સિટીમાં ભણી હોય કે ઘરમાં. દાખલા તરીકે રેલવેમાં માણસ જોઇએ છે તો તે માટે રેલવેવાળા પરીક્ષા લે. આમ કામ માટેની પરીક્ષા લેવામાં આવે તો પરિસ્થિતિ બદલાઇ જશે.
ગુણવંત: હમણાં ઇવાન ઇલીચનું પુસ્તક બહાર પડ્યું છે: ‘Deschooling Society.’ અમેરિકામાં આજકાલ આ વાત ઠીકઠીક ચગી છે. આપની કલ્પના શોષણવિહીન અને શાસનવિહીન સમાજની છે. એવી કલ્પનાના સમાજ સાથે શાહાવિહીન સમાજનો મેળ પડશે?

વિનોબાજી: મોહંમદ પયગંબર બેઠા હતા. અલ્લાહે તેમને કાગળનો ટુકડો આપ્યો અને કહ્યું: ‘વાંચ.’ પયગંબરે કહ્યું કે એમને વાંચતા આવડતું નથી. તેથી ભગવાને પોતે આવવું પડ્યું. પયગંબરે કહ્યું: ‘હું અભણ હતો, તો અલ્લાહનાં દર્શન થયાં. કબીર પણ ભણેલા ન હતા. તેમણે કહેલું:
કોરા કાગઝ કાલી સ્યાહી
લિખત પઢત વા કો પઢવા દે
તૂ તો રામ સુમર જગ લડવા દે|

રામકૃષ્ણ પરમહંસ ભણેલા ન હતા. તેમને મળવા મોટા મોટા વિદ્વાનો આવતા. પરમહંસને કોઇક વાર મૂંઝવણ થતી. તેમણે માતાજીને કહ્યું: ‘હે માતા! મને વિદ્યા આપ. માતાજીએ સ્વપ્નમાં કહ્યું: ‘પેલા ઉકરડો છે, ત્યાંથી વિદ્યા લઇ લે. રામકૃષ્ણે કહ્યું: મારે એવી વિદ્યા નહીં જોઇએ.’

સારો નાગરિક એ છે, જે લોકસેવામાં મચ્યો રહે અને નિરંતર સત્યપ્રેમની ભાવનાને મજબૂત કરે. આવો માણસ ભણેલો ન હોય તો ચાલશે અને ભણેલો હોય તો માફ! (ઋષિનો કટાક્ષ તો જુઓ!)
ગુણવંત: સૂક્ષ્મપ્રવેશ માટે કેવી તૈયારીની જરૂર પડે?

વિનોબાજી: ક્રિયાઓ વધી જાય તો શક્તિ ક્ષીણ થશે. સૂક્ષ્મ ક્રિયાને કારણે શક્તિ ઓછી જશે. એને પરિણામે જે સૂક્ષ્મપ્રવેશ કરશે તેને અને બધાંને લાભ થશે. જે કંઇ કર્યું હોય એનું સમાધાન થાય ત્યારે સૂક્ષ્મપ્રવેશની ભૂમિકા થઇ એવું ગણાય.

અમે ઊઠવાની તૈયારી કરતા હતા ત્યાં વડોદરાની વાત નીકળી. વિનોબાજીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં સંસ્મરણો કહ્યાં. વાત કરતી વખતે તેઓ ખુશ ખુશ હતા. એમણે કહ્યું: હું બરોડા હાઇસ્કૂલમાં ભણેલો. ત્યાં બધું અંગ્રેજીમાં ચાલતું. May I come in sir! થી અંગ્રેજી શરૂ! વાત કરવી હોય તો મરાઠીનો તરજૂમો (મનમાં) અંગ્રેજીમાં કરવો પડે. આવી પ્રથા છતાં મને કેટલાક શિક્ષકોને લીધે લાભ થયેલો. મારા જીવન પર એની અસર પડી. એક શિક્ષક હતા શ્રી એસ. એમ. દેસાઇ- શ્રી હરિભાઇ એમ. દેસાઇ. બાળકો પર તેમને ભારે પ્રેમ હતો. અમે એમને મશ્કરીમાં His Majesty’s Desai (H. M. Desai પરથી) કહેતા. વળી કોઇક વાર ‘Half Mad Desai’ પણ કહેતા! કોઇ બાળક માંદો પડે તો તેની Sick લીવ મૂકીને તેઓ સંતોષ માનતા નહીં. તેઓ બાળકને ઘરે જતા અને ઔષધની વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરતા. પ્રોફેસર વાડિયાએ ‘અમેરિકન વોર ઓફ ઇન્ડીપેન્ડન્સ’ પર પ્રવચન કરેલું તેની પણ (અમારા) મન પર અસર થયેલી. આમ શિક્ષણ પદ્ધતિ ખામી ભરેલી હોવા છતાં સારા શિક્ષકોની અસર પડેલી છે. છેલ્લે તેમણે ‘નૂતન શિક્ષણ’ દેવનાગરી લિપિમાં પ્રગટ કરવાનું સૂચન કર્યું. (હું ‘નૂતન શિક્ષણ’નો તંત્રી હતો.) મેં જણાવ્યું કે એ તો બહુ મુશ્કેલ વાત છે. વિનોબાજી એમ માને ખરા? તેમણે તરત દલીલ કરી: ‘વેડછીથી ‘વટવૃક્ષ’ દેવનાગરીમાં નીકળે છે.’ તે વર્ષોમાં સદ્્ગત જુગતરામ દવેના વેડછી આશ્રમમાંથી ‘વટવૃક્ષ’ માસિક દેવનાગરીમાં પ્રગટ થતું હતું.

અમે વિદાય લીધી. વિનોબાજી મને ભારતની ઋષિ-પરંપરાના પાકેલા પુણ્યફળ જેવા જણાયા. આશ્રમમાં ખોદકામ વખતે મળી આવેલી અનેક ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠાપના કરવામાં આવેલી હતી. શાંતિ, શુચિતા અને સમન્વયની સહજ અનુભૂતિ કરાવે તેવો આશ્રમ છોડ્યો ત્યારે મન ઘડીભર જંપી ગયું હતું. બધા વિચારો શમી ગયા હતા અને જીભ પણ થોડીક ક્ષણો માટે અટકી ગઇ હતી. ચાલતી હતી માત્ર જીપ! (16-6-1973)
પાઘડીનો વળ છેડે
હવે હું ચાલ્યો
બ્રહ્મલોક!

– વિનોબા
નોંધ: રાતે સૂવાના સમયે પથારીમાં પડ્યા પછી વિનોબાજી સાથીઓને આવા શબ્દો કહીને પોઢી જતા.

મહર્ષિ નારદ ભારતીય સંસ્કૃતિના કર્ણધાર છે ડૉ. ગુણવંત શાહ GUNVANT SHAH AND MORARIBAPU IN VADODARA, 29-12-2014

સરદારભવન ટ્રસ્ટના ઉપક્રમે સોમવારે યોજાયેલા ભારતીય સંસ્કૃતિની ધરોહર વિશેના વ્યાખ્યાનમાં જાણીતા ચિંતક-સાહિત્યકાર ડૉ.ગુણવંત શાહે મહર્ષિ નારદને ભારતીય સંસ્કૃતિની ધરોહરના કર્ણધાર તરીકે ઓળખાવ્યા હતા. કાર્યક્રમમાં પૂ.મોરારિ બાપુએ આપણી નજીકની અને ઉત્તમ કામ કરતી વ્યક્તિ પણ આપની ધરોહર છે તેમ સમજાવી મર્યાદાને પણ એક ધરોહર લેખાવી હતી.

સાહિત્યકાર-ચિંતક ડૉ.ગુણવંત શાહે ભારતીય સંસ્કૃતિની ધરોહર વિષય પર બોલતાં જણાવ્યું હતું કે, મહર્ષિ નારદે ઉપનિષદ અને શ્રીમદ ભાગવત જેવું સાહિત્ય આપ્યું છે. એટલે કે, ભારતીય સંસ્કૃતિની ધરોહરના તેઓ કર્ણધાર છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં રામથી ગાંધીજી સુધી ભારતીય સંસ્કૃતિની ધરોહર જોવા મળે છે.

ડૉ.શાહે ઔરંગઝેબના મોટાભાઇ દારાશિકોના જીવનને ભારતીય સંસ્કૃતિની ધરોહર લેખાવી દિલ્હીમાં માર્ગને દારાશીકો નામ અપાય તે માટે પોતાનો અભિપ્રાય મોકલ્યો હોવાનું ટાંક્યું હતું. રામકથાકાર પૂ.મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, આપણે નજીકનાને નમીએ તે ઉત્તમ છે. ઘણા આપની નજીકના ઘણું સારું કામ કરે છે તે પણ આપની ધરોહર છે. હરિ હાથવગો હોવો જોઇએ. કોઇને ધક્કો મારી દર્શન કરવા જવું ભગવાનને ધક્કો માર્યા બરાબર છે.

પૂ.બાપુએ કહ્યું હતું કે, ધર્મ શીખ આપે, આંખો આપે, વિવેક બુદ્ધિ આપે..ધર્મ સારું શીખવી શકે છે. ગુણવંત શાહ આપણી ધરોહર છે. કારણ કે, લેખકનો વિચાર એની બંદગી છે. તેઓ વિચાર યજ્ઞના આચાર્ય ઉપરાંત વિચાર પુરુષ અને પ્રેમ પુરુષ છે. સંસ્કૃતિની ધરોહર તરીકે નારદ ભક્તિસૂત્ર, નારદ પ્રેમસૂત્ર અને શ્રીમદ્ ભાગવત મોટું પ્રદાન છે.

ભારતીય સંસ્કૃિતની ધરોહર વિશે યોજાયેલા વ્યાખ્યાનમાં પૂજ્ય મોરારિ બાપુ સાથે જાણીતા ચિંતક-સાહિત્યકાર ડો.ગુણવંત શાહ.

મેઘધનુષને માળે પ્રિયજનની પ્રતીક્ષા ONE HEART AT A TIME 16-11-2014

પ્રિરિયજનના વિયોગમાં ઝૂરવાનું સૌના નસીબમાં નથી હોતું. ‘ચારિય’ની નવી વ્યાખ્યા કેવળ સેક્સ અંગેની * વફાદારીમાં જ સમાઇ
નથી જતી. કોઇ વ્યક્તિ વિરહના સમયગાળામાં પ્રિયજનને જે તીવ્રતાથી ‘મિસ કરે’ તે એનું ચારિય ગણાય.

આજની સ્માર્ટ દુનિયા નિખાલસ માણસ માટે રહેવાલાયક રહી છે ખરી? ક્યારેક માણસ પ્રિયજન સમક્ષ અાખો ને આખો ઠલવાઇ જાય ત્યારે એક ચમત્કાર બને છે. એ વખતે બંને જણાં વચ્ચેના અવકાશમાં સંગમતીર્થ પ્રગટે છે. ‘ટાઇટેનિક’ ફિલ્મમાં એક ગીત સાંભળવા મળે છે, જેમાં બે પ્રેમીઓ વચ્ચેના અવકાશ (સ્પેસ)નો મહિમા થયો છે. એ પવિત્ર અવકાશમાં પ્રવેશીને જે વ્યક્તિ ‘મળેલા જીવ’ વચ્ચે રચાયેલા મેઘધનુષના માળાને વીંખી નાખે તે ખલનાયક ગણાય. ચીસ પણ ન સંભળાય અને ક્રૌંચવધ થઇ જાય! વાલ્મીકિ રામાયણનો ઉદ્્ભવ શિકારીના તીરથી વિંધાયેલ મૈથુનમગ્ન પક્ષીયુગલના પ્રેમભંગને કારણે તમસા નદીને તીરે જે ચિત્કાર અવકાશમાં પ્રસરી ગયો તેથી મહાકવિની જાગી ઊઠેલી સંવેદનાને કારણે થયો. વિગતો બદલાણી, પરંતુ ચિત્કાર આજે પણ સંભળાય છે.
રાવણ સીતાનું અપહરણ કરે પછી સીતાવિહોણી પંચવટીમાં રામ લગભગ બાળકની માફક રડે છે. રામનું રુદન, એ જ રામનું ચારિય! પ્રેમાનંદના નળાખ્યાનમાં દમયંતી નળની શોધ માટે વનમાં ભટકતી રહે છે. દમયંતીનો વિલાપ, એ જ દમયંતીનું ચારિય! પ્રેમાનંદની પંક્તિઓમાં દમયંતીનું ચારિય પ્રગટ થયું:
વૈદર્ભી વનમાં વલવલે,
અંધારી રે રાત!
ભામિની ભય પામે ઘણું,
એકલડી રે જાત!
પ્રિયજનના વિયોગમાં ઝૂરવાનું સૌના નસીબમાં નથી હોતું. ‘ચારિય’ની નવી વ્યાખ્યા કેવળ સેક્સ અંગેની વફાદારીમાં જ સમાઇ નથી જતી. કોઇ વ્યક્તિ વિરહના સમયગાળામાં પ્રિયજનને જે તીવ્રતાથી ‘મિસ કરે’ તે એનું ચારિય ગણાય. પ્રતીક્ષા જેટલી તીવ્ર, ચારિય એટલું જ ઉદાત્ત! પ્રત્યેક અશ્રુબિંદુ જાણે ૐકારબિંદુ! ગઇ સદીના અંતભાગે 1999ના અરસામાં અમેરિકન પોપ મ્યુઝિકના રસિયાઓમાં અત્યંત લોકપ્રિય ધૂનમાં ગવાતી એક પંક્તિ હતી: ‘One heart at a time.’ લગ્ન વારંવાર થઇ શકે, સમર્પણ વારંવાર ન થઇ શકે. કોઇ પણ વ્યક્તિ મુગ્ધાવસ્થામાં કુંવારું વિસ્મય જીવનમાં એક જ વાર પ્રિયજનને સમર્પે છે. બુદ્ધિ છેતરાઇ શકે છે, હૃદય કદી છેતરાતું નથી. સાચો પ્રેમ નિષ્ફળ જાય છે, નપાસ નથી થતો. ઉદાત્ત ચારિય એટલે જ ઉદાત્ત પ્રેમ!
અસંખ્ય સદીઓથી માનવસમાજમાં એક દુર્ઘટના ધર્મની ઓથે બનતી રહી છે. ઘણુંખરું પુરુષો જ સ્ત્રીઓને છેતરતા આવ્યા છે. સ્ત્રીનો સ્વભાવ જ એવો છે કે તેનું મુગ્ધ હૃદય ક્યાંક આખું ને આખું ઠલવાઇ જાય છે. નિ:શેષપણે ઠલવાઇ જવું એ જ તો નદીનું સાગરમિલન છે! ક્યારેક પુરુષ પણ પ્રિયતમા આગળ આખો ને આખો ઠલવાઇ જાય છે. આવું ઠલવાઇ જવું એ જ ચારિય! આવું બને પછી આવી પડેલો વિયોગ પણ સુગંધપૂર્ણ હોય છે. છૂટાં પડેલાં બે હૃદયો જ્યારે નછૂટકે વિખૂટાં પડે ત્યારે એમની વેદનામાં મંદિરના ગભારામાં પ્રસરે તેવી ધૂપસુગંધ હોય છે. એમનાં અશ્રુબિંદુઓમાં શિવમંદિરની જલાધારીમાંથી થતા અભિષેકનું સાતત્ય હોય છે. એવા વિરહ દરમ્યાન જે પ્રેમપત્ર લખાય, તે બીલીપત્રથી ઓછો પવિત્ર નથી હોતો. માણસ પાસેથી બધું ઝૂંટવી શકાય, પરંતુ એની આંખમાંથી સરી પડતું અશ્રુબિંદુ કોણ ઝૂંટવી શકે? એક અજ્ઞાત કવિએ સાચું કહ્યું:
જેમ અગ્નિને વાયરો,
તેમ પ્રેમને વિયોગ,
અલ્પને બુઝવી નાખે
અને પ્રચંડને પ્રગટાવે!
કસોટી સજ્જનની થાય છે, શઠની નથી થતી. સજ્જનને શૂળીએ ચડવું પડે એવી આ વ્યવહારપટુ દુનિયામાં સંવેદનશીલ હોવું એ બહુ મોટો અપરાધ છે. વળી ઠલવાઇ જનારા હૃદય સમક્ષ કશુંક છુપાવીને ગોળ ગોળ બોલવું એ બહુ મોટું પાપ છે. જૂઠી વાણીની જેટલી અપ્રતિષ્ઠા થઇ, તેટલી જૂઠા મૌનની નથી થઇ. કોઇ વ્યક્તિ આપણી સમક્ષ પોતાનો એક્સ-રે ધરી દે, ત્યારે તેની સમક્ષ જો આપણે આપણો રૂપાળો ફોટોગ્રાફ ધરીએ તો તે એક એવી દિલચોરી છે જે આપણા ચારિયને ભોંયભેગું કરે છે. દિલચોરી એટલે જાતને છેતરવામાં મળેલી ગંદી સફળતા. આજની નવી પેઢી સ્વભાવે વધારે નિખાલસ જણાય છે. નવી પેઢીની નવી પ્રાર્થના કેવી હોય? સાંભળો:

હે માલિક!
હમ કો શાંતિ દે, સદબુદ્ધિ દે
ઔર પ્રતીક્ષા કી પવિત્રતા ભી દે!
હમારા પ્રેમ જૂઠા ન હો,
હમારા જીવન ભી જૂઠા ન હો!
હમારા જીવન સફલ હો ન હો, બસ
જીવન સાર્થક હો, ઐસી કૃપા કરના!

ખીચડી રંધાઇ જાય તોય સીઝવાની બાકી હોય ત્યારે એની સીરી (સોડમ) નાકને લલચાવતી નથી. સાચા પ્રેમને ઝટ હારી જવાની ટેવ નથી હોતી. પ્રેમને પણ સીઝવા દેવો પડે છે. પુનરાવર્તનનો ભય વહોરીને એક વાત કહેવી છે. જેને ભારતના લોકો ‘લવ-અફેર’ કહીને ક્યારેક નાકનું ગંદું ટેરવું ચડાવે છે, તે લોકો સમજી રાખે કે તેઓ એક અત્યંત પવિત્ર બાબતની નિંદા કરવાનું પાપ કરી રહ્યા છે. લગ્નયુક્ત કે લગ્નમુક્ત પ્રેમસંબંધની ખાનગીમાં નિંદા કરવી એ આપણા પછાત સમાજના લોકોની હોબી છે. જરાક દેખાવડી, સ્માર્ટ કે કાર્યકુશળ સ્ત્રીને જોઇને ગંદા મનના પુરુષને એના ચારિયની ખણખોદ કરવાની ચળ ઊપડે છે. એ સ્ત્રી જ્યાં કામ કરતી હોય ત્યાં કામ કરનાર કોઇ પુરુષ સાથે સંબંધ જોડી દેવાનું દુષ્કર્મ Mr. Dirty Dobermann કરતો હોય છે. આપણા કાનગંદા સમાજને આવા શ્વાનની વાતો સાંભળવી ગમે છે. આવા શ્વાનનું મનોવિજ્ઞાન જાણવા જેવું હોય છે. જે સ્માર્ટ અને કાર્યકુશળ સ્ત્રીને એ વારંવાર જુએ છે, તે એના તરફ જોતી નથી તેનું દુ:ખ ડોબરમેનને સતાવે છે. પોતે એ સ્ત્રીને પામવાનું ચૂકી ગયો તે બાબતનું દર્દ દૂર કરવા માટે નિંદાનો માર્ગ અપનાવીને એ અન્યને હાનિ પહોંચાડીને સેક્સ્યુઅલ સંતોષ પ્રાપ્ત કરે છે. આ રીતે મળતા સુખ માટે ‘sadism’ શબ્દ જાણીતો છે. માનસિક રીતે રુગ્ણ સમાજ આવો સંતોષ મેળવનારા લોકો બહુમતી ધરાવે છે. આતંકવાદ અને લવ-અફેર સામસામે ઊભા છે. આતંકવાદી બોંબનો હુમલો કરે છે, જ્યારે વંચિત મનુષ્ય અફવાનો બોંબ ફોડે છે!

સીધી લીટીના પ્રત્યેક મનુષ્યને ક્યાંકથી એક શિશુપાલ મળી જ રહે છે. સજ્જન મનુષ્ય પાસે કૃષ્ણનું સુદર્શનચક્ર નથી હોતું. એ મનુષ્ય પાસે કૃષ્ણનું સામર્થ્ય પણ નથી હોતું. આવે વખતે સજ્જન મનુષ્ય પાસે શિશુપાલ-વધનો ફક્ત એક જ ઉપાય બચે છે. એ શિશુપાલનું અસ્તિત્વ આ પૃથ્વી પર નથી એમ માનીને દુર્જનથી દૂર રહેવું. આ એક અહિંસક ઉપાય છે. જેના પિતાશ્રીનું ખૂન તમે નથી કર્યું, તેવો માણસ જ્યારે તમારી પાછળ આદુ ખાઇને પડી જાય, ત્યારે માનવું કે તમારો કોઇ તેજલ અંશ પ્રગટ થઇ રહ્યો છે. એ તેજલ અંશ પેલા શિશુપાલ પાસે નથી, એ કાંઇ તમારો ગુનો નથી. તમારો ગુનો ન હોય તો તમને શાંતિ પામવાનો અધિકાર છે. પ્રેમ વિના શાંતિ ક્યાંથી? શાંતિ વિના જીવન ક્યાંથી?{
પાઘડીનો વળ છેડે
સાચા ભક્તની એક પણ ભૂલ
પ્રભુ માફ નથી કરતા.
તમારી નાની અમથી ભૂલ પણ
મોટી આપત્તિ આણે,
તો માનજો કે
પ્રભુ તમને ખૂબ જ ચાહે છે.
સૂફી સંત મનેરી
નોંધ: સંત મનેરીએ સો જેટલા પત્રો પોતાના શિષ્ય કાઝી શમસુદ્દીનને લખ્યા હતા. આ પત્રો મહંમદ તઘલખ, અકબર અને આૈરંગઝેબે પણ વાંચ્યા હતા. પોલ જેક્સને ‘લેટર્સ ફ્રોમ મનેરી’ પુસ્તકમાં આ પત્રો પ્રગટ કર્યા છે. પત્રો મૂળે ફારસી ભાષામાં લખાયેલા. સંતનો જન્મ બિહારમાં પટનાથી 20 માઇલ દૂર આવેલા મનેર ગામમાં ઇ.સ. 1920ના અરસામાં થયેલો. ઉપરના શબ્દો એમના એક પત્રમાંથી લીધા છે.

પાતાળકૂવાને તળિયે પહોંચેલી કોંગ્રેસનું મને ચચરે કેમ છે? DIVYA BHASKER, 11-8-2014

કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે અને એનો વર્તમાન અભવ્ય છે. એનું ભવિષ્ય ધૂંધળું છે. એ ધૂંધળું છે તોય આશાસ્પદ હોવાને પાત્ર છે. કોંગ્રેસમુક્ત ભારત અંગે જે બકવાસ થાય છે, તે દેશના અને લોકતંત્રના હિ‌તમાં નથી. નરસિંહ રાવના શાસન પછી લોકસભામાં કોંગ્રેસને માત્ર ૧૧૨ બેઠકો મળી ત્યારે પણ આ વાક્ય લખ્યું હતું: ‘કોંગ્રેસ મરે તે દેશના હિ‌તમાં નથી.’ હું કોંગ્રેસ કલ્ચરનું જન્મજાત સંતાન છું. મારો પરિવાર ખાદીમય, ગાંધીમય અને કોંગ્રેસમય હતો. ‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હવે હું જે લખું તેને જવાબ નહીં જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવાનો ઇરાદો છે. તો હવે ચાલો મારી સાથે સાથે

દૃશ્ય:૧
વર્ષ ૧૯૪૬-૪૭નું હશે. સરદાર પટેલ ત્રણેક દિવસ માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેવા માટે ગયેલા. ઉત્તમચંદ શાહના ઓટલા પર સુરતનાં સંનિષ્ઠ સેવિકા જ્યોત્સનાબહેન શુકલ સેવાદળના સાત-આઠ યુવક-યુવતીઓને શું કહી રહ્યાં હતાં? સાંભળો:
કાલે ઊઠીને ખુદ ગાંધીબાપુ આપણને
કહે કે ખાદી છોડી દો,
તો આપણે એમની વાત માની જઇશું?
ના, ના, ના. આપણે બાપુને સામો પ્રશ્ન પૂછીશું:
બાપુ અમે લોકોએ સમજીને ખાદી અપનાવી છે,
માત્ર તમારા કહેવાથી નથી અપનાવી.
હવે અમને સમજાવો: ખાદી શા માટે છોડવી?

જ્યોત્સનાબહેન વિશે મામાસાહેબ ફડકેની આત્મકથામા સુંદર લખાયું છે. તે દિવસે જીવનમાં પહેલી વાર જીપ જોયેલી. વિસ્મયનો પાર નહીં હું જીપને ટગર ટગર નિહાળી રહ્યો હતો, જાણે કોઇ જંગલી પ્રાણીને પ્રથમ વાર જોઇ રહ્યો હોઉં સરદાર પટેલ સાથે મારે ત્રણ વાક્યોની વાત થઇ હતી: સરદાર બોલ્યા: ‘ક્યાંથી આવે છે? કોની સાથે આવ્યો છે? ખાદી પહેરે છે?’ ચોથું વાક્ય તેઓ બોલ્યા હોય તોય યાદ નથી. વર્ષો વીતી ગયાં પછી મારે સુરતની યુનિવર્સિ‌ટીમાં શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જવાનું થયું. એક નાની સભામાં સુરતના સોનીફળિયામાં આવેલા કોંગ્રેસભવનમાં મારું પ્રવચન હતું અને જ્યોત્સનાબહેન સભાના પ્રમુખ હતાં. મેં સભામાં ઉપરનો કિસ્સો કહી સંભળાવ્યો. જ્યોત્સનાબહેન તો આનંદાશ્ચર્યમાં ડૂબી ગયાં વાત જૂની હતી, પરંતુ વિચાર તાજો હતો.

દૃશ્ય: ૨
કાનજીભાઇ દેસાઇ (કનૈયાલાલ દેસાઇ) અમારા રાંદેરના ઘરે પ૦થી ઓછી વાર ન આવ્યા હોય. લગભગ બકરીની માફક પાન ચાવતા જાય અને સામે બેઠેલા ખેડૂતોને નામ દઇને બોલાવતા જાય. આ ઉમદા નાગર સજ્જને ઓલપાડ તાલુકામાં એમની માલિકીની જાગીરદારીની જમીન કોળી ગણોતિયાઓને (ગણોતધારાના કાયદા પછી) મફતમાં આપી દીધી હતી. સરદાર પટેલના ખાસ વિશ્વાસુ અને મોરારજીભાઇના તો ખાસમખાસ તેઓ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. વારંવાર મિટિંગ માટે અમદાવાદ જવાનું બને ત્યારે સુરતના વિખ્યાત દેવશંકર ઘારીવાલાને ત્યાંથી ઘારીની ૨પ-૩૦ ટોપલીઓ (હા ટોપલી, બાકસ નહીં) કોંગ્રેસી સાથીઓ માટે પ્રેમથી લઇ જાય.

કોંગ્રેસ કલ્ચરનું શિખર જોવું હોય તો કાનજીભાઇનો ત્યાગ જોવો પડે. એમનું એક ખેતર રાંદેરમાં મારા ખેતરની સાથોસાથ આવેલું હતું. એમના સુપુત્ર હિ‌તેન્દ્ર દેસાઇએ તે વખતે સંસ્થા કોંગ્રેસ છોડીને પોતાને, મુંબઇ રાજ્યના શિક્ષણપ્રધાન અને પછી ગુજરાતના મુખ્યપ્રધાન બનાવનારા વડીલ મોરારજીભાઇને રીતસર દગો દઇને ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે જ દિવસે ઇન્દિરા કોંગ્રેસ અપનાવેલી. સુરતમાં એમના ઐતિહાસિક ઘરમાં નેહરુ, સરદાર, મૌલાના આઝાદ, રાજાજી, સરોજિની નાયડુ અને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ આવતા અને રહેતાં. એ ઘર ‘વાંઝિયા’ ફળિયામાં આવેલું હતું. (હિ‌તેન્દ્ર દેસાઇ નિ:સંતાન હતા.) તેઓ એ જ ઘરેથી જીવનની છેલ્લી ચૂંટણી સંસ્થા કોંગ્રેસ સામે લડયા હતા અને ડિપોઝિટ ગુમાવી હતી. પાછલી ઉંમરે તેઓ શાહીબાગના નિવાસે સાવ જ એકલા

દૃશ્ય:૩
કલ્યાણજી મહેતા વાંઝ ગામના વતની હતા. મોરારજીભાઇથી તો કોંગ્રેસમાં ઘણા સિનિયર ગણાય. મારે ઘરે કોંગ્રેસી મિત્રો ભેગા થયા ત્યારે ગોરધનદાસ ચોખાવાળા અને જ્યોત્સનાબહેન હાજર હતાં. કલ્યાણજીભાઇએ કહ્યું: ‘મોરારજીભાઇને ક્યારેક આપણે ચિઠ્ઠી લખીએ અને બિલકુલ વાજબી ભલામણ કરીએ તોય ગાંઠતા નથી. આપણે આ ચલાવી લેવું રહ્યું કારણ કે આવો કડવો છતાં પણ સાચો મુખ્યપ્રધાન (મુંબઇ રાજ્ય) આપણને ક્યાંથી મળવાનો?’ આ હતું ઉમદા કોંગ્રેસ કલ્ચર.

દૃશ્ય: ૪
૧૯પ૨ની સામાન્ય ચૂંટણીમાં પૂજ્ય રવિશંકર મહારાજ કોંગ્રેસના સક્રિય પ્રચારક હતા. તેમનું પ્રચારકાર્ય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર સાથે સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટિયાના ત્રાસક્ષેત્રનાં ગામોમાં પણ થતું રહેતું. એક ગામે સભામાં ગોળી છૂટેલી ત્યારે બંને મહાનુભાવો માંડ બચી ગયેલા. ૧૯પ૭માં પૂજ્ય મહારાજની ભૂદાન પદયાત્રા ચાલતી હતી. ચૂંટણીથી પૂજ્ય મહારાજ દૂર રહેલા, પરંતુ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેમને ચાલુ પદયાત્રામાં મળવા આવતા અને પોતાના મતક્ષેત્રમાં કોઇ મત તાણી લાવે એવા આગેવાન માટે પૂજ્ય મહારાજની ભલામણ ચિઠ્ઠી લઇ જતા.

અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે પહોંચી ત્યારે રાતે મુંબઇ રાજ્યના નાયબ કક્ષાના પ્રધાન વડોદરાના જશવંત શાહ આવ્યા અને વાંસડાની માફક પૂજ્ય મહારાજના ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ કર્યાં. મારા માટે એ દૃશ્ય સાવ નવું હતું કારણ કે પૂજ્ય મહારાજ આવી હરકતોથી રાજી ન હતા. એમની વિનંતીથી પૂજ્ય મહારાજે ભલામણ ચિઠ્ઠી લખાવી તે મારે હાથે લખાયેલી. જશવંતભાઇએ પોતે સહકારી ક્ષેત્રે જે કામ ચાલુ હતું તેની વાત કરી ત્યારે પૂજ્ય મહારાજે એમને સણસણતું વાક્ય સંભળાવેલું તે આજે પણ મારી સ્મૃતિમાં તાજું છે. પૂજ્ય મહારાજે કહ્યું: ‘એકલો માણસ કોઇને લૂંટે તેના કરતાં ઘણા માણસો સહકારપૂર્વક ભેગા મળીને ગરીબને લૂંટે તેનું જ નામ સહકારી પ્રવૃત્તિ ને?’

દૃશ્ય: પ
ઇન્દિરાજી સત્તા પર આવ્યાં અને કોંગ્રેસ કલ્ચર ક્ષીણ થયું અને કટોકટી લાદવામાં આવી ત્યારે નષ્ટ થયું. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગરીબમિત્ર ઝીણાભાઇ દરજી મોરારજીભાઇની સાથે સોલિડ ઊભા હતા. વડોદરામાં ડો. ઠાકોરભાઇ પટેલને ત્યાં મોરારજીભાઇ ઊતર્યા હતા ત્યારે રાતે બાર વાગે ઝીણાભાઇ ત્યાં પહોંચ્યા અને સોફા પર સૂઇ રહ્યા. સવારે મોરારજીભાઇ દાદર ઊતરતા હતા ત્યારે ઝીણાભાઇએ વાંકા વળીને પગથિયાં પર જ મોરારજીભાઇને વંદન કર્યાં. શત્રુ-ઉછેર-કેન્દ્રના માલિક એવા મોરારજીભાઇએ ઝીણાભાઇને ખંખેરી કાઢયા આ દૃશ્ય જોનારા કોંગ્રેસી મિત્ર અશ્વિન શાહે મને બીજી વાત પણ કરી. ઠાકોરભાઇને ત્યાં સત્તાવિહીન ઇન્દિરાજીનો ઉતારો હતો ત્યારે ઝીણાભાઇ એમને મળવા ગયા.

ઝીણાભાઇ વિદાય થયા ત્યારે ઇન્દિરાજીએ દેખાવડા અશ્વિન શાહને કહ્યું: -ઋર્‍ જ્ઞ્ૌખ્રજ્, યાને ઝીણાભાઇના શરીરમાંથી વાસ આવે છે.
ઝીણાભાઇનું કોંગ્રેસ કલ્ચર કેવું ઉદાત્ત હતું? અમદાવાદથી કારમાં વ્યારા જાય ત્યારે વડોદરાના રાજુ ખમણ હાઉસ પરથી મને ફોન જોડીને કહેતા: ‘ગુણવંતભાઇ, સલામ મારવા ફોન કર્યો.’ મારા ઘરે ઝીણાભાઇ ફક્ત એક જ વાર પધાર્યા હતા. આવ્યા ત્યારે એક એવી વાત કરતા ગયા કે કોંગ્રેસ કલ્ચરની સુગંધનો અનુભવ થયો. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું ઝીણાભાઇ પર ભારે દબાણ હતું કે તેમણે સુરતમાં મોરારજીભાઇ સામે ઊભા રહેવું. ઝીણાભાઇનું આભિજાત્ય જુઓ એમણે કહ્યું: ‘હું મોરારજીભાઇ સામે કદી ચૂંટણી નહીં લડી શકું.’

દૃશ્ય: ૬
તા. પમી માર્ચ (૨૦૧૩)ને દિવસે પ્રેમપૂર્વક અહમદભાઇ પટેલ સાંજે ઘરે મળવા માટે આવ્યા. વાતો ૨પ મિનિટ સુધી ચાલી. તેઓ એટલી શાંતિથી બેઠા કે જાણે કોઇ બીજું કામ ન હોય. સાથે મિત્ર કદિર પીરઝાદા પણ હતા. વાતોમાં ખાનદાની ટપકતી જોઇ. હું સોનિયાજીની કડક ટીકા કરું છું તે તેઓ જાણે છે. કોંગ્રેસ કલ્ચર પ્રગટ થયું. એવું જ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિ‌લ આવ્યા ત્યારે પણ અનુભવેલું. મારું વલણ વાચકોને સમજાય તે માટે મારા લેખનાં બે મથાળાં જ પ્રસ્તુત છે:
૧. (ન્યુક્લિયર સંધિના સંદર્ભે) કોંગ્રેસ ફુલ્લી પાસ, ભાજપ ફુલ્લી નપાસ (દિ. ભા. ૯-૯-૨૦૦૭)
૨. મોદી કષ્ટથી સાવધાન (દિ. ભા. ૩૦-૧૨-૨૦૦૭)

દૃશ્ય: ૭
સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પ્રમુખ સીતારામ કેસરીની અવદશા કરી હતી તે યાદ છે? રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ દ્વારા જે ઓર્ડિનન્સ સ્વીકારાયો હતો તેના ટુકડા કર્યા અને વટ માર્યો ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અપમાનિત થયા અને વળી અમેરિકામાં હતા ત્યારે હા, હા, હા પરિવારમુક્ત કોંગ્રેસ મને વહાલી છે.(તા. ૨પ-૭-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
‘દિવ્ય ભાસ્કર (૧૩-૭-૨૦૧૪)માં ‘કોંગ્રેસમુક્ત ભારતને બદલે પરિવારમુક્ત કોંગ્રેસ’ અંગે તમે જે સૂચન કર્યું છે તે યથાર્થ છે… મારા છેલ્લા ૪૦ વર્ષના કોંગ્રેસમાં કામ કર્યાના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે કોંગ્રેસમાં અનેક શક્તિશાળી, પ્રામાણિક અને દેશસેવાને સમર્પિ‌ત લોકો છે, પરંતુ તેમને કામ કરવાની તક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પરિવારના કૃપાપાત્ર બને. આ સંજોગોમાં ભવ્ય ભૂતકાળને જીવંત કરવા પરિવારમુક્ત કોંગ્રેસ આજની જરૂરિયાત છે.
કૃષ્ણકાંત વખારિયા (પત્ર: ૧૩-૭-૨૦૧૪)
નોંધ: શ્રી વખારિયા મારા પ્રશંસક નથી, કડક ટીકાકાર છે, પરંતુ વિચારભેદને કારણે અંગત દ્વેષ રાખનારા ‘બૌદ્ધિક બબૂચક’ પણ નથી. તેઓ ચીમનભાઇ પટેલના ખાસ મિત્ર હતા. ‘વિશ્વગૂર્જરી’ સંસ્થા દ્વારા તેઓ વિવિધ દેશોના ગુજરાતી સમાજને જોડે છે.

‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હું જે લખું તેને જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવા છે. તો હવે ચાલો મારી સાથે સાથે

ગુણવંત શાહ

૧૬મી મે પછી શું? એક શિક્ષકની સંવેદના. DIVYA BHASKER, 11-5-2014

આ ક્ષણે તમે આજનું લખાણ વાંચી રહ્યા છો. લગભગ ૧૨પ કલાક પછી લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ચૂક્યાં હશે. લાંબા સમયથી ભારતના લોકોના મનને લાડ લડાવતો અને રાજકારણી જમાતને પજવતો સસ્પેન્સ ખતમ થઇ ગયો હશે. કોણ જીતશે? કોણ હારશે? બધો ઉશ્કેરાટ શમી જશે અને કરોડો લોકોનું બ્લડપ્રેશર નોર્મલ થવા માંડશે. મનમાં ઉશ્કેરાટ હોય ત્યારે વિચારને સુકારો લાગી જતો હોય છે. ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલતો હોય ત્યારે સત્ય ખૂણો પાળતું હોય છે. લોકો જે ચુકાદો આપે તે પવિત્ર છે કારણ કે લોકતંત્ર તો કલિયુગની સૌથી પવિત્ર જણસ છે. હું જ્યોતિષી નથી, પરંતુ એટલું ચોક્કસ કે ભારતનું ભવિષ્ય સૂર્યોજ્જ્વલ છે. આટલું કહ્યા પછી મારે એક એવી વાત કરવી છે, જેમાં લોકતંત્રનો મિજાજ અનોખી રીતે પ્રગટ થયો છે.

૧૯૭૭માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી કટોકટી પછીની ચૂંટણીમાં રાયબરેલી મતવિભાગમાંથી રાજનારાયણ જેવા નમૂના સામે હારી ગયાં. વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઇની પસંદગી થઇ પછી દિલ્હીના રામલીલા મેદાનમાં જાહેરસભા થઇ. એમાં જગજીવન રામ હતા, ઇમામ બુખારી (સિનિયર) હતા, મોરારજીભાઇ હતા અને આચાર્ય કૃપાલાનીજી હતા. તે વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર એ આખી સભા જોઇ હતી અને સગે કાને સાંભળી હતી. એ સભામાં આચાર્ય કૃપાલાનીજીએ જનમેદનીને જે ધગધગતા શબ્દો કહ્યા હતા તે શબ્દો ૧૬મી મે કે ૧૭મીએ યાદ આવે તો આશ્ચર્ય નહીં થાય.

પાલાનીજીના શબ્દો પ્રસ્તુત છે:
‘પાગલ હો ગયે ક્યા?
અમારા પગ પકડતા શાને આવો છો?
અમે તો પોલિટિશિયનો છીએ,
ડેમ પોલિટિશિયનો
અમે કોઇ સ્પેશિયલ માણસો નથી.
મારે તમને સાફ શબ્દોમાં ચેતવી દેવા
જોઇએ કે આવું કહેશો તો
માંડ ગયેલી ગુલામી પાછી આવશે.
ત્રીસ ત્રીસ વરસ લગી અમારો
જયજયકાર પોકારીને તમે શું મેળવ્યું?
કટોકટી કે બીજું કંઇ?

કોઇ દિવસ
પોલિટિશિયનોના પગ પકડશો ના.
ડરશો ના. ગભરાશો ના.
સમજીને ચાલજો કે
અમે સંન્યાસી નથી અને અમારે પણ
સ્વાર્થનાં સગાંનો તોટો નથી.
અમારી લગામ તમે માલિકો
બરાબર તમારા હાથમાં રાખી શકો, તો જ
લોકશાહી અને આઝાદીની કોઇ મતલબ છે.’
(‘આચાર્ય કૃપાલાનીની આત્મકથા’, અનુવાદક: નગીનદાસ પારેખ, પ્રસ્તાવનામાં પ્રકાશ શાહે ટાંકેલા શબ્દો, પાન-૩૯).

મોરારજીભાઇ વડાપ્રધાન બન્યા તે પછીની પહેલી સવારે એક ચમત્કાર થયો. વડાપ્રધાન બનેલા મોરારજીભાઇ સવારે ઇન્દિરા ગાંધીને નિવાસે પહોંચી ગયા. કોઇ પણ જાતના ગુના વિના ઇન્દિરાએ મોરારજીભાઇને અને જયપ્રકાશને જેલમાં ધકેલી દીધા હતા. વાજપેયી, અડવાણી અને ચંદ્રશેખર ઉપરાંત લાખો વિરોધીઓ રાતોરાત જેલમાં પુરાયા હતા. મોરારજીભાઇ ઇન્દિરાને મળ્યા ત્યારે શું બન્યું? મોરારજીભાઇએ પોતે વડાપ્રધાન મટી ગયા પછી મુંબઇના મરિનડ્રાઇવ પર (ઓસીયાનામાં) રેંટિયો કાંતતા રહીને મને કહ્યું તે શબ્દશ: આ પ્રમાણે છે: ‘ઇન્દિરાબહેને અન્ય વાતોને અંતે કહ્યું: મારે આ નિવાસ ખાલી કરવાનો છે, પરંતુ બીજું મકાન હજી તૈયાર નથી.

તરત જ મેં એમને જણાવ્યું: એની જરાય ચિંતા કરશો નહીં. તમે ઇચ્છો ત્યાં સુધી આ જ નિવાસમાં રહી શકો છો.’ (આ વાત મને મોરારજીભાઇએ કહી ત્યારે મારી સાથે સુધાકર ગુપ્તા બેઠા હતા. પાછળથી સુધાકરભાઇ ચીમનભાઇ પટેલના અને ચંદ્રશેખરના ખાસમ્ખાસ હતા. ચંદ્રશેખર જ્યારે પણ મુંબઇ જાય ત્યારે કાયમ ચર્ચગેટ પાસે આવેલી રિટ્ઝ હોટેલમાં ઊતરતા અને સુધાકર એમની સેવામાં રહેતા.)
૧૬મીએ પરિણામ ગમે તે આવે, પરંતુ કૃપાલાનીજીના શબ્દો વધારે ને વધારે પ્રસ્તુત બનતા રહેવાના છે. કોંગ્રેસમાં એવું કોઇ જ અનષ્ટિ નથી, જે ભાજપમાં નહીં હોય વાત રહી મોરારજીભાઇએ ઇન્દિરાજી પ્રત્યે બતાવેલા અનોખા અભિજાત્યની.

તે હિ‌ નો દિવસા ગતા: એક વાત જડી છે. પથારીમાં પડયા પછી રાતના અંધારામાં અને આતમના અજવાળામાં વિચારે ચડી ગયેલા નવા વડાપ્રધાનના મનમાં ઓચિંતો ઊગેલો કોઇ મૌલિક નિર્ણય દેશ માટે અત્યંત ઉપકારક બની શકે છે. સામથ્ર્ય વિનાની બાયલી શાસનશૈલી હવે નહીં ચાલે. નવા વડાપ્રધાનનું એક જ સૂત્ર હશે: ‘ગૂડ ગવર્નન્સ ઇઝ ગૂડ પોલિટિક્સ.’ સુશાસન એ જ રામરાજ્ય હું એક શિક્ષક છું અને મને તેનું ભારે ગૌરવ છે. શિક્ષણ એ જ મારો ધર્મ છે. મને એટલું જરૂર સમજાય છે કે વિકાસ જેવી ‘સેક્યુલર’ ઘટના બીજી કોઇ નથી. સમાજવાદી સાહિ‌ત્યકાર એચ. જી. વેલ્સે ૧૯મી સદીમાં કહેલું: ‘દેશમાં બે રાષ્ટ્રો વસે છે, એક પૈસાદારોનું રાષ્ટ્ર અને બીજું ગરીબોનું રાષ્ટ્ર.’

લોકો નવી સરકારને નિરાંતે જંપીને બેસવા નહીં દે. પહેલી વાત: ભ્રષ્ટાચાર સહન કરવાની ભારતીય નાગરિકની તૈયારી ઝડપભેર ઘટી રહી છે. બીજી વાત: સરેરાશ આવક વધે તો ગુનાનું પ્રમાણ ઘટે છે. વિક્ટર હ્યુગોએ પોતાની વિખ્યાત નવલકથા ‘લા મિઝરેબલ’માં ગુના અને ગરીબાઇ વચ્ચેનો અનુબંધ સિદ્ધ કર્યો હતો. ત્રીજી વાત: પ્રવીણ તોગડિયા અને આઝમ ખાન જેવા નેતાઓની કટ્ટર માનસિકતાના દિવસો લગભગ પૂરા થવા આવ્યા છે. નવી પેઢી એમને જરૂર ફગાવી દેશે. સેક્યુલરિઝમ હવે નેહરુ તરફથી કબીર અને ગાંધી તરફ વળે એ ઇચ્છનીય છે. કાયદો અને વ્યવસ્થા (ગવર્નન્સ) જાળવવા માટે પ્રતિબદ્ધ હોય એવી સરકાર ગુનેગારની કોમ નહીં જુએ. ઢીલા અને અસમર્થ વડાપ્રધાન મનમોહન સિંહે દસ દસ વર્ષ લગભગ વેડફી માર્યાં.

નવા વડાપ્રધાનને દસ કલાક વેડફવાનું પણ નહીં પાલવે. નવી સરકાર રાહુલની બને તોય રોબર્ટ વાડ્રાને નિરાંત નહીં હોય, કારણ કે આપણું ન્યાયતંત્ર હજુ સાબદું છે. ખેમકા સોલિડ ઉચ્ચાધિકારી છે.
૧૬મી મેના સુપ્રભાતે મારા જેવા શિક્ષકની પ્રાર્થના શી હશે? સાંભળો:
હે પરમેશ્વર
મારા દેશની પ્રજાની
સહનશક્તિમાં ઘટાડો કરજો,
જેથી એ અસ્વચ્છતા, અંધશ્રદ્ધા
અને ભ્રષ્ટાચારની સામે પડી શકે.
વળી ઉધાર પતિને જીવનભર સહન કરવાની
ભારતીય નારીની સહિ‌ષ્ણુતામાં પણ ઘટાડો કરજો.’
પાઘડીનો વળ છેડે
મહત્ત્વાકાંક્ષા વિનાના રાજકારણી જેવું
ખતરનાક પ્રાણી
બીજું કોઇ નથી.
– યુજીન મેકાર્થી (અમેરિકન રાજકારણી)
નોંધ: સ્ટીફન વિસિન્ઝીના પુસ્તક ‘The Rules of Chaos’(૧૯૭૦) માંથી.

મનમાં ઉશ્કેરાટ હોય ત્યારે વિચારને સુકારો લાગી જતો હોય છે. ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલતો હોય ત્યારે સત્ય ખૂણો પાળતું હોય છે. લોકો જે ચુકાદો આપે તે પવિત્ર છે કારણ કે લોકતંત્ર તો કલિયુગની સૌથી પવિત્ર જણસ છે.

ગુણવંત શાહ