પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા. DIVYA BHASKER, 15-2-2015

જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા. મહાશિવરાત્રિ એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે.

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી, પરંતુ પૂરા છ મહિના પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્્ભાગ્ય! મેં ગાંધીજીના દૃષ્ટિબિંદુથી મહારાજને નથી જોયા, પરંતુ c/o મહારાજ ગાંધીજીને જોયા! એ પદયાત્રા વિનોબાજીના ભૂદાન આંદોલનના ભાગરૂપે 1957માં થઇ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરિત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મિત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓલપાડ, ચોર્યાસી, કિમ, બારડોલી, વ્યારા, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વિચારયાત્રા પણ ચાલતી રહેલી. પૂજ્ય મહારાજ રાંદેરમાં મારા ઘરે જ રહેલા ત્યારે મારી રેલે સાઇકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા થેલા એ સાઇકલ પર ભેરવાઇ જતા. મહારાજે એ સાઇકલનું નામ પાડ્યું: ‘યાંત્રિક ગધેડો’

બારડોલી તાલુકામાં પદયાત્રા દરમિયાન ભારે વરસાદ તૂટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગાં કરવા મથતી હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે? કેટલાંક ગામોમાં ઘૂંટણપૂર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મૂકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે? મહારાજે યજમાને આપેલું ટીનોપોલની સફેદીમાં શોભતું ધોતિયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં અને પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં તેથી ઉછીના લીધેલા પહેરણની સફેદાઇને કારણે તેઓ જુદા જુદા લાગ્યા! એમનાં ઊજળાં કામોથી આખું ગુજરાત પરિચિત ખરું, પરંતુ અત્યંત ઊજળાં કપડાંમાં એમને કોઇએ ક્યારેય જોયા નહીં હોય. હજી યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસ્તી ખાસી હતી. પૂજ્ય મહારાજને હઠીલો કબજિયાત પજવતો હતો. રમણનું કામ રોજ રાતે મૂઠી ભરીને હરડે આપવાનું રહેતું. વૈદ્યરાજ રસિકભાઇએ આ સૂચન કર્યું હતું. હરડે પણ નિષ્ફળ જતી. આવી કબજિયાત છતાં મહારાજ પૂરાં 100 વર્ષ જીવ્યા હતા. તેઓ બોચાસણમાં આત્મસ્થ થયા.

બારડોલીથી પાંચ-સાત કિલોમીટર છેટે બારાસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અંતેવાસી શ્રી નરહરિ પરીખની સ્થિતિ અત્યંત ગંભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર હતી. મહારાજે તો બારડોલી ચાલતા જ જવાનો આગ્રહ રાખ્યો. નરહરિભાઇ તો જીવંત હોવા છતાં ઇન્દ્રિયાતીત બની ચૂક્યા હતા. તે જ દિવસે નરહરિભાઇનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તૂટ્યો, પરંતુ મહારાજની પદયાત્રા અતૂટ રહી! નરહરિભાઇના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કિમ પાસેના પિપોદરા ગામેથી નીકળી ત્યારે મોહનભાઇએ અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પૂજ્ય જુગતરામભાઇના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે. આગલી રાતે જુગતરામકાકા બીજા દિવસે સવારે નાસ્તો મળે તેની ચોક્સાઇ કરી લેતા અને અંગ્રેજી છાપું અચૂક વાંચી લેતા.

મહારાજ મળસકે ચારેક વાગે જાગી જતા, પરંતુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી, પરંતુ તપખીરની દાબડી જેવડી ગુટકોગીતા હાથમાં રાખતા. જરૂર પડે તો શ્લોક જોઇ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં: મહારાજ, જુગતરામભાઇ અને બબલભાઇ મહેતા. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ ગામે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઇ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઇ તે ગઇ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો. બીજા સંત કેદારનાથજી તો કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વખત રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રાત રહેલા. તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વિનાનું પરિશુદ્ધ અધ્યાત્મ કેવું હોય. પ્રાત: સ્મરણીય મહારાજ ખાદીધારી સાધુ હતા.

એક અંગત વાત સંકોચપૂર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઇ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાંત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઇએ આવીને કહ્યું: ‘ગુણવંતભાઇ! મહારાજ તમને બોલાવે છે.’ આશ્ચર્ય થયું કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઇ ઓરડામાં બેસીને રેંટિયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે સૌ પદયાત્રીઓ આરામ કરતા અને ઊંઘ પણ આવી જતી. મળસકે ઊઠીને દસ-પંદર કિલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઊંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટિયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઇ જતા પણ જોયા હતા. મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું: ‘ગુણવંત તારા વિવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઇની દીકરી માટે.’ હું આવા પ્રસ્તાવ માટે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો. મહારાજે વાત કહી ખરી, પરંતુ આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું: ‘હું વિચારીશ.’ હર્ષકાંતભાઇ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું: ‘હું આશ્રમમાં રહું છું છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.’ મને આવી બાબતમાં મહારાજ કરતાં પણ હર્ષકાંતભાઇ વધારે શ્રદ્ધેય જણાયા! ત્યાં જ વાત પૂરી થઇ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઇ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું: ‘યોર વૂડહેવબિન મધર.’ તે દિવસે બાળકોએ મારી મશ્કરી ધરાઇને કરી. એ સ્ત્રી પણ માતા બની ચૂકી હતી. મને એક મહાન આપત્તિમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું સદ્્ગત હર્ષકાંત વોરાનો આભારી છું. હર્ષકાંતભાઇ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને M.Sc. થયા હતા અને મેથેમેટિક્સ સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું બચી ગયો રે બચી ગયો! આવો નિખાલસ નાગર મેં જીવનમાં બીજો જોયો કે જાણ્યો નથી.

પૂજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યંત આદરપૂર્વક સરદાર પટેલને ‘સરદારસાહેબ’ તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે ગટરના પાણીનો નિકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઇને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગામલોકોને ગામ ખાલી કરવા માટેના હુકમની તૈયારી કરી. નરહરિ પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં નડિયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું: ‘તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.’ મહારાજ તો સડક થઇ ગયા! થોડી વાર ચૂપ રહીને માત્ર એટલું જ બોલ્યા: ‘તો ત્યાં જમીન લેવા આવજો, હું ત્યાં મળીશ.’ સરદાર મહારાજનો મિજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું!

બીજો પ્રસંગ મોરારજીભાઇની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવંત શુકલ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવિત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુંબઇમાં મોરારજીભાઇને નિવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઇ ગુસ્સે થયા અને એમણે મહારાજને અપમાનિત કર્યા. બંને વચ્ચે બોલવાનો સંબંધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઇન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઇ ઉપવાસ પર ઊતર્યા. એમની સભા સામે ‘જનતા કરફ્યુ’નું એલાન થયું. મહારાજ અમદાવાદથી દૂર જ રહ્યા. મોરારજીભાઇના ઉપવાસ છોડાવવામાં તેઓ મદદરૂપ થાય તેમ હોવા છતાં મહારાજ મોરારજીભાઇને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યારે વર્ષો પછી મોરારજીભાઇનો વિનયપૂર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભિજાત્ય પ્રગટ કરીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. બંને મહાનુભાવો વચ્ચે ફરીથી સુમેળ થયો. પરિણામે મોરારજીભાઇએ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેનું ઉદ્્ઘાટન મહારાજ પાસે જ કરાવ્યું! એ પદયાત્રામાં મ.જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું છે. મહારાજને એમના પર ઘણો પ્રેમ હતો.

પરમ દિવસે મહાશિવરાત્રિ આવે છે. દેશી તિથિ પ્રમાણે એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે. પદયાત્રામાં એ દિવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો કારણ કે એ મારી પણ જન્મતિથિ છે. આદરણીય મોરારિબાપુની જન્મતિથિ પણ એ જ છે. મહારાજે એક સૂત્ર આપણને આપ્યું છે: ‘ઘસાઇને ઊજળાં થઇએ.’ સુરતમાં રિંગ રોડના એક ક્રોસિંગ પર મારા આગ્રહથી એ શબ્દો મહારાજના નામે વર્ષો પહેલાં કોતરાયા હતા. કદાચ આજે પણ એ વાંચવા મળશે. જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા.

પાઘડીનો વળ છેડે
પ્રિય ગુણવંતભાઇ શાહને સપ્રેમ:
પૂ. દાદાના સાંનિધ્યમાં
આપણે સાથે કરેલી પદયાત્રાની
મધુર સ્મૃતિમાં.
મ. જો. પટેલ

નોંધ: ‘સંતોની છાયામાં’ લે. મ. જો. પટેલ (26, ચાંપાનેર સોસાયટી, અમદાવાદ-13, મૂલ્ય રૂ.50/-) પુસ્તક મોકલતી વખતે લેખકે કરેલા હસ્તાક્ષર સાથે લખાયેલા શબ્દો મને છેક 1957ના વર્ષમાં તાણી ગયા!

Advertisements

ભારતનો Mr. ગરીબ કાયમ છેતરાતો જ રહ્યો છે! DIVYA BHASKER, 24-2-2015

સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું!

1977ના વર્ષમાં જ્યારે જનતા પક્ષની સરકાર બની ત્યારે વિનય પ્રગટ કરવા માટે પશ્ચિમ બંગાળના સામ્યવાદી મુખ્યપ્રધાન જ્યોતિ બસુ વડાપ્રધાન મોરારજી દેસાઈને મળવા ગયા. જ્યારે જ્યોતિબાબુ વિદાય લેવા માટે ઊભા થયા ત્યારે મોરારજીભાઈએ એમને એક એવું વાક્ય કહ્યું જેમાં ફેડરલ લોકતંત્રની શોભા પ્રગટ થઈ. મોરારજીભાઈએ કહ્યું : ‘જ્યોતિબાબુ, તમે અન્ય પક્ષના મુખ્યપ્રધાન છો તે કારણસર કેન્દ્ર સરકાર તમારા રાજ્યને એક રૂપિયો પણ ઓછો નહીં આપે એની ખાતરી રાખજો.’

દિલ્હીની ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે વડાપ્રધાનને પ્રથમ વાર મળે ત્યારે નરેન્દ્ર મોદી આવી ખાતરી કેજરીવાલજીને આપશે ખરા? મને શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈ ફેડરલ લોકતંત્રને હાનિ પહોંચે એવું કશુંય નહીં કરે. જો ઓરમાયું વર્તન કેન્દ્ર સરકાર નહીં બતાવે, તો વડાપ્રધાનની ગરિમા વધશે. વિજય ભવ્ય છે, પરંતુ આભિજાત્ય એનાથી પણ વધારે ભવ્ય ગણાશે. લોકતંત્રનો આધાર પણ આવું અાભિજાત્ય છે.

ગઈ સદીમાં એચ.જી. વેલ્સ જેવા સમાજવાદી વિચારકે કહેલું :
દરેક દેશમાં બે રાષ્ટ્ર
વસેલાં હોય છે
એક રાષ્ટ્ર ધનવાનોનું
અને બીજું રાષ્ટ્ર ગરીબોનું!
આજે પણ ભારતીય લોકતંત્ર માટે આ વિધાન વાસી નથી જણાતું. આમ આદમી પાર્ટીનો ઝળહળતો વિજય ગરીબોના રાષ્ટ્રનો વિજય છે. દુનિયાના સૌથી મોટા ગણાતા લોકતંત્રની સૌથી વિકરાળ મર્યાદા કઈ? એ જ કે ભારતનો Mr. ગરીબ સ્વરાજ મળ્યું ત્યારથી કાયમ છેતરાતો જ રહ્યો છે. સૌથી મોટા આશ્ચર્યથી વાત એ છે કે ગરીબોના બેલી ગણાતા નેતાઓ દ્વારા જ એ સતત છેતરાયો છે. વાત વિચિત્ર લાગી? તો હવે હકીકતોની મદદ લઈએ.

‘ગરીબમિત્ર’ ગણાતા સામ્યવાદી પક્ષના ત્રીસ વર્ષના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળની ગરીબીને ઊની આંચ પણ આવી નહોતી. સામ્યવાદી પક્ષને હરાવીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ તો દોઢગણી ‘ગરીબમિત્ર’ નીકળી? સિંગુરમાં દીદીએ જે ચળવળ ચલાવી તેથી તાતાનો નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો. આજે મમતા દેશના ઉદ્યોગપતિઓ આગળ ખોળો પાથરે છે, તોય એ રાજ્યમાં રોકાણ કરવા કોઈ ઉદ્યોગપતિ તૈયાર નથી. સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું! મુલાયમ અને માયાવતીએ તો ઉત્તરપ્રદેશની પાયમાલીને પણ ચાર ચાંદ લગાવી દીધા!

વિશ્વ પર નજર માંડીએ. સમતાવાદી (ઈગેલિટેરિયન) અર્થતંત્ર રશિયાને, ચીનને અને પૂર્વ યુરોપના દેશોને ખૂબ જ મોંઘું પડ્યું. એ દેશોએ લિબરલ મૂડીવાદી અર્થતંત્ર સ્વીકારીને ભૂલ સુધારી લીધી છે. કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન મનમોહન સિંહની મદદથી લિબરલ અર્થનીતિ સ્વીકારી અને સમાજવાદ પડતો મૂક્યો. દેશમાં ગરીબી દૂર કરવાની ખરેખરી શરૂઆત નરસિંહ રાવે કરી ગણાય.

એમની સાથે એ અંગે અડધો કલાક સુધી વાતો કરવાની તક મને ન્યુ યોર્કની રામડા હોટેલ (મેનહેટન)માં તા. 27મી સપ્ટેમ્બર 2003ના દિવસે મળી હતી. હજી સુધી કોઈ સરકારે એમની અર્થનીતિમાં ફેરફાર નથી કર્યો. ભારતનો Mr. ગરીબ એના આદર્શવાદી અને સમાજવાદી મિત્રો દ્વારા જ વારંવાર છેતરાયો છે. યહ કડવા સચ હૈ.ગરીબોની ધીરજ ખૂટી છે. તેઓ પોતાની આસપાસ ધનસમૃદ્ધિનો નગ્ન નાચ જુએ છે. ગરીબનાં અરમાનો ગરીબ નથી હોતાં. ‘Fiddler on the Roof’ નામની યાદગાર ફિલ્મમાં એક યહૂદી ખેડૂત નાચતો જાય અને ગાતો જાય છે :

હું પૈસાદાર બની જાઉં,
તો શું કરું?
મારા બંગલામાં ત્રણ દાદર રાખું.
એક દાદર ઉપર જવા માટે,
બીજો દાદર નીચે ઊતરવા માટે
અને ત્રીજો દાદર, બસ એમ જ!

વડનગરના વામન મોદીએ ગરીબોનાં અરમાન જગાડી મૂક્યાં છે. એ વામન સાડાત્રણ ડગલાં ભરવા માટે નિષ્ઠાપૂર્વક મંડી પડ્યો છે. ગરીબીને પંપાળનારો સૌથી ભૂંડો શબ્દ છે: ‘મફત.’ આમ આદમી પાર્ટી (AAP)નો વિજય જેટલો સોલિડ છે, તેટલો જ ગરીબોનાં અરમાનોનો વિસ્ફોટ ભયજનક બની શકે છે. સોલિડ વિજય પણ સોલિડ અહંકારનો જનક બની શકે છે. પૂરા એક વર્ષ સુધી લોકો પ્રતીક્ષા કરશે, પણ પછી ઉઘરાણી કરશે. નરેન્દ્ર મોદી પ્રતીક્ષાકાળમાંથી પસાર થઈને ઉઘરાણીકાળમાં પ્રવેશી ચૂક્યા છે. જો આવાનારું બજેટ વિકાસલક્ષી હોવા ઉપરાંત ગરીબોની આંતરડી ઠારનારું ન હોય તો શત્રુઓ ટાંપીને બેઠા છે. હવે એમને કોંગ્રેસનો ડર નથી. એમને ખરો ડર સંઘ પરિવાર તરફથી રોજ રવાના થતો રહે છે.

સાધુવેશમાં અસાધુ એવા લોકો નાકની પેલે પાર જોવા તૈયાર નથી. દિલ્હીમાં ચર્ચ પર હુમલા શા માટે થાય? હિંદુ રાષ્ટ્રની વાત કરનારા શ્રી મોહન ભાગવત ભારતીય બંધારણના ગુરુત્વ મધ્યબિંદુ પર જ સીધો પ્રહાર કરે છે. લઘુમતીની વોટબેંકને પંપાળવી એ સેક્યુલર અનિષ્ટ છે, પરંતુ લઘુમતીમાં ડર પેદા કરવો એ કેવળ અનિષ્ટ જ નહીં, ગુનો પણ છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ – જેવું મોદીસૂત્ર ઝંખવાણું પડતું રહ્યું છે. વડાપ્રધાન જો ખરા દિલથી લઘુમતી પ્રજાને ભરોસો ન પહોંચાડે, તો હિંદુત્વની અસલી શોભા કરમાઈ જશે. વડાપ્રધાનને ઠરીને દસ વર્ષ સુધી કામ કરવાની તક મળે એમાં રાષ્ટ્રહિત રહેલું છે. આવનારા બજેટની રાહ જોઈએ.

રાહુલ ગાંધીનું શું કરીશું? નટવર સિંહે હરીશ ખરેને સાચું કહ્યું હતું. : ‘એના (રાહુલ) પેટમાં આગ નથી. There is no fire in his belly.’ પરિવારની નાગચૂડમાંથી મુક્ત ન થાય, તો કોંગ્રેસ ખતમ થશે. ફરીથી કહેવું છે કે કોંગ્રેસ ખતમ થાય તે દેશના હિતમાં નથી. શિલા દીક્ષિતના પંદર વર્ષનો કારભાર ખોટો ન હતો. અરવિંદ કેજરીવાલનો કારભાર કોંગ્રેસના કારભાર કરતાં વધારે સારો હશે ખરો? એક વર્ષ સુધી રાહ જોવી રહી. અરવિંદ કેજરીવાલની પ્રામાણિકતા શંકાથી પર છે.

શાસનની સફળતા કેવળ પ્રામાણિકતા પર આધાર રાખનારી નથી. અરમાનો જ્વાળામુખીના ઝાડ પર જઈ બેઠાં છે. જે ગરીબમિત્ર અરમાનો જગાડે તેણે જ તે પૂરાં કરવાં રહ્યાં. દેશની ગરીબી દૂર કરવી હોય, તો માત્ર શુભ ઈરાદા ખપ ન લાગે. એ માટે ગૂડ ગવર્નન્સ (સુશાસન) જરૂરી બને છે. કોઈક શાણા માણસે સાચું કહ્યું છે : ‘નરકનો માર્ગ પણ શુભ ઈરાદાઓનો બનેલો હોય છે.’ સુશાસન ન હોય, તો ગરીબીને જબરી નિરાંત રહેતી હોય છે. આદરણીય અરવિંદભાઈ! ‘આપ’ કા સમય શુરૂ હોતા હૈ…. અબ!

(લખ્યા તા. 10-2-2015)
પાઘડીનો વળ છેડે
એ નોંધવું પ્રસ્તુત ગણાશે કે યુરોપ
યહૂદીઓનો, મુસલમાનોનો
અને બૌદ્ધોના સમાવેશ કરવા માટે
સેક્યુલર નહોતું બન્યું, પરંતુ
ખ્રિસ્તી ધર્મમાં જે કજિયો હતો
તેનાથી લોકોને રક્ષણ આપવા માટે
સેક્યુલર બન્યું હતું
અમેિરકાના સેક્યુલરિઝમનો ઉદ્્ભવ
પણ કંઈક આવો જ ગણાય.
ભારત પણ સેક્યુલર છે તે હિંદુઓને કારણે છે,
મુસ્લિમો, શીખો કે પારસીઓને કારણે નહીં.
તનવીર આલમ (ટા.ઓ.ઈ., 21-3-2014)
(દિલ્હીમાં સક્રિય કર્મશીલ).

આ પૃથ્વી પર તમે સાવ અનોખા ઇડિયટ છો!DIVYA BHASKER, 3-3-2015

અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે.

આ પૃથ્વી પર અબજો વૃક્ષો પવનમાં ડોલી રહ્યાં છે. એ બધાં જ વૃક્ષો એક પગ પર ઊભાં છે. ઉપનિષદના ઋષિ કહે છે કે એ બધાં વૃક્ષો ધ્યાન કરી રહ્યાં છે. વૃક્ષો અસંખ્ય છે, પરંતુ બિલકુલ સરખાં એવાં બે વૃક્ષો હજી સુધી પેદા નથી થયાં. પ્રત્યેક વૃક્ષ અનન્ય છે અને અદ્વિતીય છે. એક જ વૃક્ષ પર પવનમાં ફરફરતાં પાંદડાં કેટલાં? ગણવાનો પ્રયત્ન કરી જોજો. પાંદડાં હસી પડશે! જો એકાદ પાંદડાને વાણી ફૂટે, તો તે તમને કહેશે: ‘બરખુરદાર! લાખો સદીઓ વીતી ગઇ, પરંતુ હજી સુધી બિલકુલ મારા જેવું બીજું પાંદડું પેદા નથી થયું અને હવે પછી આવનારી લાખો સદીઓમાં પણ મારા જેવું જ પાંદડું ક્યારેય પેદા નહીં થાય. પ્રત્યેક પાંદડું નોખું-અનોખું છે. પરમેશ્વરના સર્જનમાં ક્યાંય ઝેરોક્ષ નકલ નથી. જે કશુંક સર્જાય, તે અપુનરાવર્તનીય (unrepeatable) છે. શું ભગવાન નવરોધૂપ? ભગવાનમાં ન માનતા હો, તોય સર્જનમાં માનવું રહ્યું!’

હે યુવાન મિત્ર! પરીક્ષામાં તું વારંવાર નાપાસ થાય કે પ્રિયજન પામવામાં અનેક નિષ્ફળતા મળે, તોય એક વાત કદી પણ ભૂલતો નહીં. આ પૃથ્વી પર તારા જેવો ઇડિયટ ક્યારેય પેદા થયો નથી અને થવાનો પણ નથી. You are a very special idiot on this earth. આવું વિચારવાથી તને ખૂબ જ લાભ થશે. તને કદી પણ લઘુતાગ્રંથિ નહીં પજવે અને તું કદી પણ નિરાશાની અંધકારમય ખીણમાં સરી નહીં પડે. પ્રત્યેક ઇડિયટ પાસે એક અદૃશ્ય કોહિનૂર હોય છે. એ કોહિનૂરનું નામ આત્મવિશ્વાસ છે. પતિ-પત્નીએ પરસ્પર પ્રેમ કરવા ઉપરાંત બીજું પણ એક ખાસ કામ કરવાનું છે. બંને જણાએ સમજણપૂર્વક પાર્ટનરના આત્મવિશ્વાસનું જતન કરવાનું છે. જે પત્ની પતિને કોઇ પણ નિર્ણય લેવાની છૂટ આપતી ન હોય, તે પતિના આત્મવિશ્વાસને છીનવી લઇને એને લઘુતાગ્રંથિનો કોથળો બનાવી દેતી હોય છે. એ કોથળામાં પર્સનાલિટીની રાખોડી ભરેલી હોય છે. એ જ રીતે દેશના કરોડો પરિવારોમાં મુસોલિની જેવા ડિક્ટેટરના કહ્યામાં રહેતી અખંડસૌભાગ્યવતી ‘કોથળીદેવી’ સતત સડતી રહે છે. આવું બને તેમાં સર્જનહારનું અપમાન છે. બંને લગ્નબંધનથી જોડાયાં હોય, તોય સ્વાયત્ત છે. વીણાના તાર સાથે પણ વાગે અને એક જ તાર પણ પોતીકું સંગીત પેદા કરે છે. એ છે સંગીતમય સ્વાયત્તતા!

સાવ સાચો બનેલો પ્રસંગ કહું? એક અધિકારી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરતો હતો. એ રુશવત લેતાં પકડાઇ ગયો અને નોકરી ગુમાવી બેઠો. એની પત્ની માધ્યમિક શાળામાં શિક્ષિકા હતી અને પ્રભાવશાળી સ્ત્રી હતી. એ શિક્ષિકા માર્ગદર્શન લેવા માટે મારી પાસે આવી. મેં એને કહ્યું: ‘પતિએ જે રુશવત લીધી તેમાં તમારો ભાગ ખરો કે નહીં? તો હવે આવી પડેલી આપત્તિનો સાથે મળીને સામનો કરજો. પતિ ખૂબ હતાશા અનુભવે ત્યારે તમે એનો ‘ઇગો’ જાળવી લેજો. એના અહંકારને ચોટ પહોંચે એવું એક વાક્ય પણ બોલશો નહીં. અને હા, આવી નિરાશાજનક પળોમાં જો એ સેક્સની માગણી વધારે કરે, તો તે વાતે પણ પૂરો સાથ આપજો.’ પત્ની સમજુ હતી. પતિએ નોકરી ગુમાવી, પરંતુ આખરે પરિવારને અન્ય કોઇ વ્યવસાયને કારણે મુસીબત પાર કરવામાં સફળતા મળી. પાછળથી પત્નીએ મને જણાવ્યું: ‘તમે જે સ્પષ્ટ સલાહ આપી તેવી સલાહ અન્ય કોઇએ આપી ન હોત. અમે બધી રીતે સુખી છીએ.’

પાર્ટનરનો આત્મવિશ્વાસ તોડી નાખીને એને આજ્ઞાંકિત બનાવી દેવામાં કયું સુખ? અરે! પરમ સુખદાયી મૈથુન પણ આત્મવિશ્વાસ માગે છે. મૈથુન કદી બે ઢીલાંઢાલા પતિ-પત્ની વચ્ચે નથી જામતું. ગણિકાને ત્યાં પણ ઢીલાઢસ લલ્લુને આદર નથી મળતો. તન અને મનની તાકાત વિનાનું મૈથુન એટલે સ્પાર્ક-પ્લગ વિનાનું સ્કૂટર! એ સ્કૂટરને કિક વાગે ખરી? મૈથુન દરમિયાન પ્રાપ્ત થતી ચરમસીમા (ક્લાઇમેક્સ) તો સાક્ષાત્ પરમેશ્વરની અપાર કરુણાનું ક્ષણાતીર્થ છે. છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભે છઠ્ઠા મંત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ૐ’ સંજ્ઞામાં મૈથુન દ્વારા થતા સર્જનનું રહસ્ય અભિપ્રેત છે. જ્યાં મિથુનભાવ (યુગલત્વ) છે, ત્યાં ઇચ્છાપૂર્તિ છે. એમાં અશ્લીલ કશુંય નથી. આ વાત કૃષ્ણના કુળની છે, ગાંધીના કુળની નથી. આનંદની ચરમ અનુભૂતિની દૃષ્ટિએ એ ‘તીર્થક્ષણ’ આત્મસાક્ષાત્કાર પછીના ક્રમે આવતી હોવી જોઇએ. આનંદવિહોણું અધ્યાત્મ એટલે કોમ્પ્રેસર વિનાનું રેફ્રિજરેટર! આનંદવિરોધી ધર્મ એટલે આતંકવાદનું ધરુવાડિયું! આપણું કોણ સાંભળે?

મૈથુનમધ્યે પ્રાપ્ત થતી ચરમસીમાએ
સર્જાતી તીર્થક્ષણ દરમિયાન આવી મળતી
અલૌકિક અને અવર્ણનીય
કૃપાનુભૂતિ, આનંદાનુભૂતિ અને અમૃતાનુભૂતિને આત્મસાત્ કરવી એ પ્રત્યેક ઇડિયટનો
પવિત્ર અને આનંદસિદ્ધ અધિકાર છે.
એમાં જે રુકાવટ આવે
તેનું જ નામ આતંકવાદ છે.
વિશ્વશાંતિનું રહસ્ય પરસ્પરતાથી રસાયેલી
એવી એકત્વની આરાધનામાં રહેલું છે.
જ્યાં દ્વૈત હતું, ત્યાં એકત્વ સિદ્ધ થયું!

એક ઇડિયટની કથા કહેવી છે. એ મહિલાનું નામ એનેસ્ટેસિયા સોઅરે છે. એનો જન્મ સામ્યવાદથી ખદબદતા રોમાનિયામાં એવે વખતે થયો જ્યારે કોલ્ડ વોરની તીવ્રતા ટોચ પર પહોંચી હતી. સારું જીવન મળે એવી આશાએ એ મહિલા અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં જઇ પહોંચી. પાસે પૈસા ન હતા અને અંગ્રેજી બોલવાનું આવડે નહીં તેથી મુશ્કેલીનો પાર નહીં. એણે તો એક બ્યુટી સલૂનમાં રોજના 14 કલાક કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે એને સમજાયું કે વૈતરું કરવાથી ઝાઝું વળે તેમ નથી ત્યારે એણે એક પરાક્રમ કર્યું. એણે બેવરલી હિલ્સમાં બિઝનેસ શરૂ કર્યો.

એમાં એને જબરી સફળતા મળી કારણ કે સ્ત્રીઓની ભમરને ખાસ આકાર આપવાની કળા એની પાસે હતી. વર્ષો વીત્યાં પછી આજે એ ભમરને સુંદરતાથી સજાવનારી સૌથી જાણીતી બ્યૂટિશિયન બની ગઇ છે. હોલિવૂડમાં ભલભલી અભિનેત્રીઓ એની પાસે ભમરની શોભા વધારવા માટે લાઇન લગાવે છે. દુનિયામાં એની કંપનીનાં શૃંગાર દ્રવ્યો અસંખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાય છે. વાત અહીં અટકતી નથી. એણે ‘એનેસ્ટેસિયા બ્રાઇટર હોરાઇઝન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે જેના દ્વારા અનેક યુવક-યુવતીઓને બ્યૂટી અને ચામડીની કાળજી સાથે જોડાયેલા બિઝનેસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. રોમાનિયા છોડીને અમેરિકામાં લગભગ નિરાશ્રિત જેવી હાલતમાં પહોંચેલી મહિલા ઇડિયટની આ કથા કોઇ પણ યુવક-યુવતીને નિરાશ થઇને બેસી પડવાની છૂટ નથી આપતી.

તમારી સાથે પ્રિયજન તરફથી ભયંકર દગો થયો નછે? દરરોજ સવારે ઊઠો ત્યારે એ ભૂતપૂર્વ પ્રિયજનને ક્ષમા કર્યા પછી જ બાથરૂમ જવાનું રાખશો. વળી તમારા પર જેણે ઉપકાર કર્યો હોય તેનું વિસ્મરણ થાય તેવું કદી કરશો નહીં. અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે. ગમે તેવી આપત્તિ આવી પડે ત્યારે એક જ વાતનું સ્મરણ કરવા જેવું છે. મર્યાદાપુરુષોત્તમ રામ પર જેટલી આપત્તિઓ આવી હતી તેનાથી હજારમા ભાગની આપત્તિ પણ આપણા પર આવી નથી. આ લખાણ અત્યારે તમે વાંચી રહ્યા છો, એ જ બતાવે છે કે હજી તમે જીવતા છો. શું આટલું પૂરતું નથી? પાંચ ઊંડા શ્વાસ લઇને ઊગતા સૂર્યનું અભિવાદન કરીને કામે લાગી જાઓ! એક ઇડિયટની આ વિચિત્ર વાત પર વિચાર કરશો?

પાઘડીનો વળ છેડે
પૃથ્વી પર આવ્યાનું
તમારું મિશન
પૂરું થયું કે નહીં,
તે જાણવાની કસોટી
એક જ છે.
જો તમે જીવતા હો
તો જાણવું કે
એ મિશન હજી પૂરું નથી થયું!
– રિચાર્ડ બેક
નોંધ: લેખકના ઉત્તમ પુસ્તક ‘Illusions’માંથી.

વિચારવંત માણસો માટે આજે પણ ગાંધીજી હાજરાહજૂર! DIVYA BHASKER, 1-2-2015

જે તને અન્યાય કરે
તેને તું ક્ષમા આપજે.
જે તને પોતાનાથી વિખૂટો કરે
તેની સાથે મેળ કરજે.
જે તારા પ્રત્યે બૂરાઇ કરે
તેના પ્રત્યે તું ભલાઇ કરજે
અને હંમેશાં સત્ય બોલજે,
પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય.
આ શબ્દો કોણે ઉચ્ચાર્યા હશે? મહાવીરસ્વામીએ, ભગવાન બુદ્ધે કે મહાત્મા ગાંધીએ? ખાસ નોંધી રાખો કે આ શબ્દો મહાત્મા મોહંમદના છે. આ શબ્દો ઐતહાસિક એટલા માટે છે કે પયગંબર સાહેબની તલવારની મૂઠ પર આ શબ્દો કોતરાયેલા હતા. તલવારની મૂઠ પર આટલા ઉમદા શબ્દો! તો
પછી એમના જીવનની ઊંચાઇની તો વાત જ શી પૂછવી? વિચારવંત માણસોની લઘુમતી અત્યંત મૂલ્યવાન હોય છે.
ખંજરની ઉત્ક્રાંતિ થઇ ત્યારે તલવાર બની. તલવાર દ્વારા કેટલાં ડોકાં કપાયાં હશે? ઇસ્લામના ફેલાવામાં તલવારનો ફાળો કેટલો? તલવારનો અહંકાર વધી ગયો પછી બંદૂક પેદા થઇ અને બંદૂકનું મગજ ફાટી ગયું પછી AK-47નો જન્મ થયો. જેમ જેમ મારક હથિયારની શક્તિ વધતી ગઇ, તેમ તેમ આપણી વ્યાકુળ થવાની ક્ષમતા ઘટતી ગઇ! આપણા હૃદયના ધબકારા હવે આપણી ચેતનાના આંગળિયાત નથી રહ્યા. એ હૃદય ધીમે ધીમે લોહીને શરીરને ફરતું રાખનારો સ્થૂળ પંપ બની રહ્યો છે. માનવતા અને ધાર્મિકતા વચ્ચે છૂટાછેડા થયા ત્યારે અસ્પૃશ્યતાનું પાપ છતું થયું. વિચારશક્તિ જ્યારે ધર્મથી દૂર ચાલી જાય ત્યારે ઝનૂન બચે છે. જ્યાં ઝનૂન હોય ત્યાં ઇસ્લામ ન હોય. જ્યાં અમન હોય ત્યાં જ ઇસ્લામ હોય.

ગાંધીજીની પુણ્યતિથિ પરમ દિવસે ગઇ તોય હજી તેઓ હાજરાહજૂર! 120 વર્ષનું આયુષ્ય ભોગવીને કબીર વિદાય થયા તોય હજી કબીર હાજરાહજૂર! ઓસ્કર વાઇલ્ડ કહે છે:
સમાજ કાયમ ગુનેગારોને
તો માફ કરે છે,
પરંતુ એ જ સમાજ કદી પણ
સ્વપ્નદૃષ્ટાઓને માફ કરતો નથી.

ગાંધીજીએ રામરાજ્યનું સ્વપ્નું જોયું હતું. એમના ગીતામય અને રામમય જીવનના અંતે એમણે ધર્મના નામે થતી કત્લેઆમ જોઇ ત્યારે એમના હૃદય પર શું વીત્યું હશે? સુશીલા નય્યરે એક પ્રસંગ નોંધ્યો છે: ‘સાંજે ફરતી વખતે બાપુએ એક વાર પોતે કુતુબમિનાર જોવા ગયા હતા તેની વાત કરી. દેખાડનાર ઇતિહાસના મોટા વિદ્વાન હતા. તેમણે કહ્યું કે કુતુબના બહારના દરવાજાની સીડીથી માંડીને એક એક પથ્થર મૂર્તિનો પથ્થર છે. મારાથી એ ન સહેવાયું. હું આગળ વધી જ ન શક્યો અને મને પાછા લઇ જવાને મેં તેમને જણાવ્યું. આમ હું પાછો ફર્યો. મુસલમાનોએ કેટલા અત્યાચારો કર્યા છે એ બાપુ જાણે છે, છતાં મુસલમાનો પ્રત્યે આટલી ઉદારતા અને આટલો પ્રેમ રાખે છે. મુસલમાનો તેમને ગાળ દે તોય તે તેમને માટે હિંદુઓ સાથે લડે છે. આ ચકિત કરનારી વાત છે. એમની અહિંસાની કસોટી છે.’ (‘બાપુના કારાવાસની કહાણી’, નવજીવન, પાન-94, ડાયરીની નોંધની તારીખ: 18-9-1942). ગાંધીજીની સંવેદનશીલતા આટલી સતેજ હતી.

જરાક વિચાર તો કરો. નથ્થુરામ ગોડસે આખરે કોણ હતો? પ્રાર્થના કરવા માટે જઇ રહેલા નિ:શસ્ત્ર વૈષ્ણવજન એવા મહાત્મા તો પોતાને ‘સનાતની હિંદુ’ ગણાવનારા, રામાયણને ‘જગતનો સર્વોપરી ગ્રંથ’ ગણનારા અને રામનામનો મહિમા કરનારા રામભક્ત હતા. ગોડસેને ગીતા કે રામાયણ પ્રત્યે નહીં, પરંતુ પશ્ચિમી લક્ષણો ધરાવતી સસ્પેન્સ નવલકથાઓમાં જબરો રસ હતો. પેટ્રિક ફ્રેન્ચ નોંધે છે: ‘ખરેખર એ ખૂની મહારાષ્ટ્રીઅન બ્રાહ્મણ હતો અને વળી અગાથા ક્રિસ્ટી (નામની નવલકથાકાર)નો બંધાણી હતો, જેનું નામ નથ્થુરામ ગોડસે હતું.’ (Liberty or Death: India’s Journey to Independence and Division’, પાન-360). વિચારવું પડશે અને ખૂબ વિચારવું પડશે. કોણે કોને માર્યા? મારનારને ‘હિંદુ’ કહેવાની તાકાત ક્યાંથી લાવવી? મરનાર મહાત્મા તો ઉદાત્ત હિંદુની વ્યાખ્યા સમો હતો. પયગંબર જો સદેહે પૃથ્વી પર આજે આવે, તો સાચા ‘મુસલમાન’ તરીકે મહાત્મા ગાંધીને જ પ્રમાણે! ઇસ્તંબૂલના મ્યુઝિયમમાં પયગંબરનો સ્પર્શ પામેલી ચીજો બરાબર સચવાયેલી છે. એ મ્યુઝિયમ જોયા પછી સાબરમતીના સંતે સ્થાપેલા આશ્રમની મુલાકાત લેવી. તમને વૈષ્ણવજન અને મુસ્લિમજન વચ્ચેનો બાહ્ય તફાવત ઓગળી જતો જણાશે. તેમ મ્યુઝિયમને મંદિર બની જતું જોયું છે? ગાંધી આશ્રમ જઇ જુઓ! ઇસ્તંબૂલ અને અમદાવાદમાં આમ બન્યું!

સમગ્ર ઇસ્લામી આલમમાં ક્રૂરતાનાં ‘કાળખાનાં’ ચાલી રહ્યાં છે. તાલિબાન કટ્ટરપંથી હોય તો અમેરિકા તાલિબાનને જન્મ આપનાર બાપ છે. અફઘાનિસ્તાનમાંથી રશિયાને ખદેડવા માટે અમેરિકાએ જે ષડ્્યંત્ર રચ્યું તેમાંથી તાલિબાનનો જન્મ થયો. યાસર અરાફત જેવા પેલિસ્ટાઇનના નેતાને પજવવામાં ઇઝરાયેલે કશું જ બાકી રાખ્યું હતું ખરું? (ભારતના મિત્ર એવા) અરાફતના આંગણામાં ઇઝરાયેલના બોમ્બ ફૂટતા રહ્યા તોય અમેરિકા ચૂપ રહ્યું છે. દર વર્ષે નાતાલને દિવસે અરાફત બેથલહમ જઇને (ઇસુના જન્મસ્થળે આવેલા) ચર્ચ ઓફ નેટિવિટીમાં થતી પ્રાર્થનામાં અચૂક હાજર રહેતા હતા. લોકતંત્ર અને માનવ-અધિકારમાં માનનારા અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોને ટેકો આપવામાં કોઇ શરમ અનુભવી ન હતી. ફટાકડો ફૂટે એ સૌને દેખાય, પરંતુ જામગરી ચાંપનાર દૂર ચાલી જાય તેવું થતું રહ્યું. દુનિયા આજે જ્વાળામુખીના ઝાડ પર બેઠી છે. એવે વખતે એકમાત્ર વિભૂતિ એવી છે જેના છત્ર હેઠળ સૌને છાંયો મળે તેમ છે. એ છત્ર તે મહાત્મા ગાંધીનું છત્ર! એ છત્ર તે સત્યનું છત્ર! એ છત્ર તે વિશ્વશાંતિનું છત્ર!

થોડાક વખત પર રુસી મોદીનું અવસાન થયું. તેઓ જ્યારે ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સંગીતના કાર્યક્રમમાં આઇન્સ્ટાઇન વાયોલિન વગાડી રહ્યા હતા અને એમની સાથે રુસી મોદી પિયાનો પર સાથ આપી રહ્યા હતા. સંગીતમાં એવી શક્તિ છે જે દુનિયાને જોડી શકે તેમ છે. હ્યુસ્ટન સ્મિથ કહેતા: ‘તમારે જીવનને સમજવું હોય, તો વાયોલિનને સમજો.’ મહાત્મા ગાંધી પાસે સત્યઊર્જા હતી. સંગીત અને સત્ય ભેગાં થાય તો વિશ્વશાંતિ દૂર નહીં હોય. ગાલિબ, ઇકબાલ, મીર અને ફૈઝ જેવા કવિઓને તાલિબાનોએ જરૂર ખતમ કર્યા હોત. તેઓ વિચારવંત લઘુમતીમાં હતા, કારણ કે કવિ હતા. તાલિબાનને સંગીત, નૃત્ય અને કળા સામે વાંધો છે. યાદ રહે કે જે વર્ષમાં ગાલિબનું મૃત્યુ થયું, તે જ વર્ષમાં ગાંધીજીનો જન્મ થયો હતો. (1869)

આ લેખ પૂરો કરવાની તૈયારીમાં હતો, ત્યાં ઇજિપ્તથી પ્રિય વાચક મુર્તઝા પટેલ પ્રેમપૂર્વક મળવા આવી પહોંચ્યા. મેં એમને ઉપનિષદ પર લખેલું મારું ભાષ્ય ભેટ આપ્યું ત્યારે મુર્તઝાભાઇએ કહ્યું: ‘એ તો મેં વાંચ્યું છે. હું હાઇસ્કૂલમાં હતો ત્યારે સંસ્કૃતમાં પ્રથમ આવ્યો હતો.’ (એમનો કૈરોનો ફોન નંબર: 201222595233 છે.) હું યુવાન હતો ત્યારથી મને કુરાનની એક આયાત કંઠસ્થ હતી. મુર્તઝા ઉપનિષદનું ભાષ્ય વાંચનારા છે. તેઓ ઘરે આવ્યા અને ઉત્તરાયન માટે બનેલી ઘરની ચીકી લેતા ગયા. ગાંધીજીએ ‘સર્વધર્મ-સમભાવ’ શબ્દ આપ્યો. એ શબ્દમાં દેશની માટીની સુગંધ હતી. એવી સુગંધ ‘સેક્યુલરિઝમ’ શબ્દમાં નથી. બંધારણમાં બે શબ્દો બદલવા જેવા છે: ‘સમાજવાદ’ની જગ્યાએ ‘સર્વોદય’ અને ‘સેક્યુલરિઝમ’ની જગ્યાએ ‘સર્વધર્મ-સમભાવ.’ બંને શબ્દો એવા છે, જેમાં ગાંધીસુગંધ રહેલી છે.

પાઘડીનો વળ છેડે
એ લાકડી
કોઇના પર ઉગામવા માટે ન હતી.
એ લાકડી
કોઇએ કરેલા પ્રહારને
ખાળવા માટે પણ ન હતી.
આવી અહિંસક લાકડી
દુનિયાએ ક્યારેય જોઇ હશે ખરી?
એ હતી ગાંધીની લાકડી!
નોંધ: મકરસંક્રાંતિની સવારે મને મળેલી પંક્તિઓ. સવાર સુધરી ગયેલી.

બલિનની દીવાલ તો તૂટી, પરંતુ મનની દીવાલોનું શું? DIVYA BHASKER, 18-12-2015

કોઇ સામ્યવાદી દેશમાં વી.વી.આઇ.પી. તરીકે સરકારના મહેમાન બનવું એ એક એવો લહાવો છે, જે વહેંચવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધને અંતે જર્મનીનાં બે ફાડચાં થયાં. એક સામ્યવાદી ફાડચું જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક (GDR) તરીકે ઓળખાયું અને બીજું મુક્ત ફાડચું ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક (FDR) તરીકે ઓળખાયું. સામ્યવાદી ફાડચામાં નાગરિકના શ્વાસ સતત રૂંધાયા કરે અને બોલવા-લખવામાં ગૂંગળામણનો અનુભવ પ્રતિક્ષણ થયા કરે. હા, તમને કાર્લ માર્ક્સ, લેનિન અને સ્તાલિનનાં વખાણ કરવાની પૂરી છૂટ! પ્રત્યેક નાગરિકની હિલચાલ પર સરકારી તંત્રની નજર હોય જ. એવા ગુપ્ત ચોકીપહેરા માટે શબ્દો પ્રયોજાયા: ‘બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. (કોઇ મોટો ભા તમારા પર નજર રાખી રહ્યો છે).’

1979માં યુનેસ્કોની પરિષદ લાયપ્ઝિગમાં યોજાઇ ત્યારે ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે મારી પસંદગી થઇ હતી. ત્યાં આવેલી કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીમાં પૂરા ચાર દિવસ ભાગ લેવાનું થયેલું. શિક્ષણની પરિભાષામાં કહું તો કહી શકાય કે ઇટ વોઝ અ લર્નિંગ એક્્સ્પિરિયન્સ. પ્રવચનમાં જ્યારે પણ હું ગાંધીજીનું નામ લઉં ત્યારે સભ્યમિત્રો અહોભાવથી સાંભળે, પરંતુ જ્યારે પણ હું કાર્લ માક્્ર્સનું નામ ઉચ્ચારું તેવું ડાયરીમાં લખવા માંડે. કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીનું સફેદ સ્કાયસ્ક્રેપર જે જગ્યાએ ઊભું હતું, તે જગ્યાએ જે અસલ લાયપ્ઝિગ યુનિવર્સિટી જ્યાં હતી ત્યાં જર્મન કવિ ગેટે ભણ્યો હતો. કાર્લ માક્ર્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું નામ ડો. ઉહલિગ હતું. એ જમાનામાં સામ્યવાદી પાર્ટીના સભ્યો પોતાના કોટના કોલર પર એક બેજ રાખતા. ડો. ઉહલિગ પણ પાર્ટીના સક્રિય સભ્ય હતા. મેં એમને કવિ ગેટેના નામનો સાચો ઉચ્ચાર શું, એમ પૂછ્યું. એમના જવાબ પરથી સમજાયું કે એ ઉચ્ચારમાં ગાઉટે, ગોથે, ગાઉથે અને ગોટેનું ગોટાળાજનક મિશ્રણ હતું. મારા જેવા ચુસ્ત વેજીટેરિયનને ભૂખ્યા રહેવું પડે એવી પાર્ટીઓ ગોઠવાતી રહી. હું સુરતની મીઠાઇ અને પાપડ ઘરેથી લઇ ગયો હતો. હોટેલના ઓરડામાં ફરનેસ પર રોજ પાપડ શેકી લેતો. ટામેટાનું સૂપ હોય તેમાં પણ ગાયના કે ડુક્કરના માંસમાંથી બનેલી ચરબી હોવાની જ! વળી ક્યાંય તમને ઇન્ડિયન રેસ્ટોરાં નહીં મળે.

શહેરમાં આવેલા અતિભવ્ય થિયેટરમાં શેક્્સ્પિયરનું નાટક જોવાનું પરિષદના આયોજકોએ ગોઠવ્યું હતું. માનશો? નાટક જોવા ગયો ત્યારથી કે હોટલ પર પાછો ફર્યો ત્યાં સુધી એક સુંદર યુવાન કન્યા કાયમ મારી સાથે જ રહી. એ સાથે રહી કારણ કે એણે મારી ચોકી કરવાની હતી. થિયેટરમાં પણ એ સાથે જ બેઠી! મારી ટેવ મુજબ મેં મારા સુરતના સરનામે પરિવાર પર એક પત્ર લખ્યો અને જાતે મોટી પોસ્ટ ઓફિસ પર જઇને નાખ્યો. એ પત્ર હું સુરત પહોંચ્યો પછી ચાર મહિને સેન્સર થતો થતો ઘરે પહોંચ્યો. પ્રત્યેક નાગરિકને લગભગ ગુનેગાર ગણીને ચાલે એવા સામ્યવાદી શાસનમાં જીવવા કરતાં તો આફ્રિકાના જંગલમાં વાનર તરીકે મોજથી જીવવું સારું! રોજ હોટલના રૂમમાં રાતે ટીવી જોવાનું રાખેલું. સમાચાર પર સંપૂર્ણપણે સરકારનું નિયંત્રણ હતું. ક્યાંય તમને અંગ્રેજી અખબાર કે મેગેઝિન જોવા નહીં મળે, જે પરદેશથી (કે ફ્રેન્કફર્ટથી) પ્રગટ થતું હોય. સરકાર પહોંચાડે તે જ સમાચાર!

લાયપ્ઝિગની પરિષદ પૂરી થઇ પછી બીજી કામગીરી બજાવવા માટે મારે પૂર્વ બર્લિન જવાનું હતું. ભારત અને GDR વચ્ચે શિક્ષણના ક્ષેત્રમાં સહકાર થાય તે માટે એક કમિશન રચાયું હતું. એમાં યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC)ના વાઇસ ચેરમેન શ્રી રાવની સાથે હું અને કોચીન યુનિવર્સિટીના કુલપતિ ડો. પાઉલી હતા. પૂરા ચાર દિવસ પૂર્વે બર્લિનમાં રહેવાનું થયું. એ વખતે થતી સત્તાવાર કામગીરીની વાત અહીં નથી કરવી. મને બર્લિનની વિખ્યાત દીવાલ જોવામાં વધારે રસ હતો. જ્યાં જ્યાં ફરવાનું બને, ત્યાં ત્યાં એ દીવાલ જોવા મળતી. ક્યાંક એ કિલ્લાની દીવાલ જેવી, તો ક્યાંક તારની અભેદ્ય વાડ જેવી! દર વર્ષે પૂર્વ બર્લિનના કેટલાય નાગરિકો એ વાડ ઓળંગવાનો પ્રયત્ન કરવા જાય ત્યારે બંદૂકની ગોળીથી મરે. સ્વતંત્ર થવા માટેની છટપટાહટ કેવી પ્રબળ હોય તેનો એ પુરાવો ગણાય. હા, એ વાડ છાનામાના ઓળંગવાનો કોઇ પ્રયત્ન મુક્ત બર્લિનમાંથી સામ્યવાદી બર્લિનમાં પ્રવેશવા માટે થાય એવું કદી બનતું નહીં. મુક્ત હવા છોડીને ગુલામોના દેશમાં કોણ જાય? મનુષ્યને મુક્ત રીતે જીવવાનું ગમે છે. અમે ત્રણે વી.વી.આઇ.પી. હતા તેથી ઘૂટન ઓછી જણાતી હતી.

આજથી પચીસ વર્ષ પહેલાં બર્લિન શહેરને બે ભાગમાં વહેંચી દેનારી કુખ્યાત દીવાલ તૂટી ગઇ. 1989માં નવેંબરની 9મી તારીખે એ દીવાલ તૂટી તેની 25મી જયંતીની જર્મનીમાં મોટા પાયે ઉજવણી થઇ. સામ્યવાદી પૂર્વ અને મૂડીવાદી પશ્ચિમને જુદાં પાડતી એ દીવાલ તૂટી તેનું ઘણું બધું શ્રેય તે કાળના રશિયન રાષ્ટ્રપ્રમુખ મિખિલાઇ ગોર્બાચોફની નૂતન વિચારધારાને ફાળે જાય છે. ઉજવણીના સમારોહમાં વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ગોર્બાચોફ પણ ઉપસ્થિત હતા. માનવું પડશે કે દુનિયા પર શબ્દો રાજ કરે છે. ગોર્બાચોફે રશિયામાં બે શબ્દો વહેતા મૂક્યા હતા: (1) ગ્લાસનોસ્ટ (ખુલ્લાપણું) અને (2) પેરેસ્ટ્રોઇકા (નવરચના). આ બે શબ્દો આખી દુનિયામાં ફરી વળ્યા અને રશિયાના શાસનમાં કુખ્યાત એવો લોખંડી પડદો (આયર્ન કર્ટન) ઢીલો પડી ગયો. મેં જ્યારે 1979માં એ દીવાલ જોઇ ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે માત્ર દસ જ વર્ષ પછી એ દીવાલ ખતમ થવાની છે. એ દીવાલ તૂટી ત્યારે લોકો પથ્થરના ટુકડા યાદગીરી તરીકે લઇ જવા માટે પડાપડી કરતા હતા. હિટલરનું નાઝિવાદી શાસન ભૂંડું હતું, પરંતુ પૂર્વ જર્મનીનું સામ્યવાદી શાસન ઓછું ભૂંડું ન હતું. આજે સંયુક્ત જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એંજેલા મેરકલ મૂળે પૂર્વ જર્મનીનાં છે. પચ્ચીસ વર્ષ પછી પણ પૂર્વ જર્મની પ્રમાણમાં પાછળ રહી ગયું છે. પશ્ચિમ જર્મનીનાં માતાપિતા પૂર્વ જર્મનીમાં આવેલી યુનિવર્સિટીઓમાં પોતાનાં સંતાનોને ભણવા મોકલવા માટે રાજી નથી.

પૂર્વ બર્લિનમાં આવેલી હમ્બોલ્ટ યુનિવર્સિટીની સત્તાવાર મુલાકાત માટે અમારા ડેલિગેશનને આમંત્રણ મળ્યું. સંસ્કૃત વિભાગમાં અમે ગયા ત્યારે વિભાગના વડા કાલિદાસ, ભવભૂતિ, વાલ્મીકિ અને ભર્તૃહરિની પ્રશંસા કરી રહ્યા હતા. આગલે જ વર્ષે ત્યાં મળેલા ‘ચતુર્થ વિશ્વ સંસ્કૃત સંમેલનમ્’ વખતે ખાસ તૈયાર થયેલી સ્મરણિકા એમણે અમને ભેટ આપી. એ સંમેલનમાં બર્લિનમાં સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’ ભજવાયું તેમાં બધાં જ પાત્રો ગોરાં જર્મન સ્ત્રી-પુરુષોના ફોટા જોવા મળ્યા. સ્મૃતિ ઇરાની એક વખત બર્લિન જઇને હમ્બોલ્ટ યુનિવર્સિટીની મુલાકાત લે તો નિર્ણય લેવામાં સંતુલન જળવાશે. સંસ્કૃત વિનાનું ભારત એટલે ગાય વિનાનું ગોચર!

બર્લિનની અભેદ્ય દીવાલ તો તૂટી, પરંતુ માનવીના મનમાં જામી પડેલી દીવાલોનું શું? કોઇ માક્ ર્સવાદી કર્મશીલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી જોજો. તમે જો એના બંધિયાર મસ્તિષ્કમાં નવા વિચારની એક લહેરખી પણ દાખલ કરી શકો, તો જરૂર તમે મહાન ગણાશો. આવો જ પ્રયોગ આર.એસ.એસ.ના સ્વયંસેવક સાથે કરી જોજો. તમને સમજાશે કે તમે થીજી ગયેલા બરફમાં હોડી ચલાવવાનાં ફાંફાં મારી રહ્યા છો. સામ્યવાદી શાસનશૈલીની હઠીલી મર્યાદાઓ અંગે સદગત મનુભાઇ પંચોળી (દર્શક) અત્યંત સ્પષ્ટ હતા. આર.એસ.એસ.માં કાળક્રમે કોઇ ગોર્બાચોફ પ્રગટ થાય એવા દિવસની હું પ્રતીક્ષા કરું છું. એ ગોર્બાચોફ જ્યારે પણ પ્રગટ થશે ત્યારે હિંદુત્વની શોભા ઉપનિષદીય ઊંચાઇ ધારણ કરીને એવરેસ્ટ પર વિરાજમાન થશે. હું કાંઇ સેક્યુલર ઇડિયટ નથી. નાદાન રાહુલ ગાંધીની જેમ હું કદી પણ ન કહું કે અલકાયદા કરતાંય આર.એસ.એસ. વધારે જોખમકારક છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટીવીના ઇન્ટરવ્યૂમાં કહી નાખ્યું: ‘રાહુલ મસ્ટ રિટાયર.’ હું આ વાત સાથે સંમત નથી. રાહુલ પરણી જાય પછી જોજો!

થીજેલાં જળ વહેતાં થાય, તો જગતને એક શબ્દનું સૌંદર્ય સમજાય એમ બને. જૈનદર્શન તરફથી મળેલો એ મૂલ્યવાન શબ્દ છે: ‘અનેકાંત’. અહિંસા પણ અનેકાંત વિના ખીલી ન શકે. બર્લિનની તૂટેલી દીવાલનો પ્રત્યેક પથ્થર જ્યાં હોય ત્યાંથી પોકારી રહ્યો છે: ‘અનેકાંત… અનેકાંત… અનેકાંત!’{
પાઘડીનો વળ છેડે
હે…જી
ભેદની ભીંત્યોને મારે
આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ!
– ઝવેરચંદ મેઘાણી

સેક્યુલર સનેપાતથી બચો અને ઇસુની વાત માનો. DIVYA BHASKER 28-12-2015

સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે.
કોઇ મનુષ્યનું ધર્મપરિવર્તન કરાવવું એ મહાપાપ છે એમ જો તમે માનતા હો, તો ઇસુ તમારી વાત સાથે પૂરેપૂરા સહમત છે. થોડાંક વર્ષ પહેલાં આદરણીય મોરારિબાપુ બારડોલીમાં રોકાયા હતા. બીજે દિવસે તેઓ ડાંગની એક સભામાં પ્રવચન માટે જવાના હતા. પ્રવચનોના કેન્દ્રમાં ધર્માંતરનો પ્રશ્ન હવામાં ચકરાતો હતો. રાતે બાપુ સાથે ફોન પર વાત થઇ ત્યારે મેં બાપુને કહ્યું: ‘બાપુ! ઇસુ ભગવાન ધર્માંતરના પ્રખર વિરોધી હતા અને બાઇબલમાં એમના શબ્દો પ્રગટ થયા છે.’ બાપુનો ભક્ત વડોદરાના મારા ઘરેથી બાઇબલની નકલ લઇ ગયો અને રાતોરાત મારી નિશાની સાથે એ પુસ્તક વહેલી સવારે બાપુ પાસે બારડોલી પહોંચી ગયું. ડાંગની મોટી સભામાં બાપુએ ઇસુ ભગવાનના કડવા શબ્દો વાંચી સંભળાવ્યા હતા:

ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને દંભીઓ!
તમારી કેવી દશા થશે?
તમે એક જણનો ધર્મપલટો કરવા માટે
પૃથ્વી પર અને સમુદ્ર પર ફરી વળો છો.
અને જ્યારે તે ધર્મપલટો કરે છે
ત્યારે તમે તેને તમારાં કરતાં
બમણા નરકને પાત્ર બનાવો છો.
(‘સંપૂર્ણ બાઇકલ’, અનુવાદકો: નગીનદાસ પારેખ અને ઇસુદાસ કવેલી, માથ્થી: પાન-35)

એ સભામાં આર.એસ.એસ.ના યુવાન પ્રવક્તા તરુણ વિજય પણ હાજર હતા. ત્રણ-ચાર દિવસ પછી એમનો ફોન દિલ્હીથી આવ્યો હતો અને એમણે મારી પાસે બાઇબલના અવતરણની વિશેષ જાણકારી માગી હતી. કોઇ પણ માણસને પોતાની ઓળખ બદલવી પડે તેના જેવી વિષમ અને કરુણ સ્થિતિ બીજી ન હોઇ શકે. કોઇ છોડને મૂળસોતો ઉખેડીને એને બીજે રોપવા જેવી જ એ બાબત ગણાય. જો ધર્માંતર કરાવવું એ પાપ હોય, તો પછી એની દિશા ગમે તે હોય તેથી શું? લાખો હિંદુઓ વટલાઇને મુસલમાન બન્યા તે પણ પાપ અને લાખો હિંદુઓ વટલાઇને ખ્રિસ્તી બન્યા એ પણ પાપ! એ જ રીતે ધર્મપરિવર્તન દ્વારા મુસલમાન કે ખ્રિસ્તીને હિંદુ બનાવવામાં આવે એ પણ પાપ! જો સેક્યુલર સનેપાતથી બચીને ઇસુની વાત માનીએ તો મહાત્મા ગાંધી પણ રાજી રાજી! એમણે કહેલું: ‘જો મારી પાસે સત્તા અને અધિકાર હોય તો હું બધી જાતનાં ધર્માંતરો નાબૂદ કરી નાખું.’ દાદા ધર્માધિકારી જેવા મૌલિક વિચારક કહેતા રહ્યા કે ધર્માંતર કેવળ ધર્માંતર ન રહેતાં ‘રાષ્ટ્રાંતર’ પણ બની રહે છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધર્મનું અથાણું કરી નાખે છે. કેરીધર્મ ઉમદા હોય છે, પરંતુ અથાણાધર્મ બડો ઉત્પાતિયો હોય છે. આજે માનવજાતને ઉત્પાતિયા અથાણાધર્મો પજવી રહ્યા છે.

‘સેક્યુલર સનેપાત’ ની વ્યાખ્યા શી? અત્યારે મારા હાથમાં લગભગ 35 વર્ષ પહેલાં મારી જ કટારમાં લખાયેલો લેખ (ગુ. મિત્ર, કાર્ડિયોગ્રામ, 30-5-1979). આદરણીય મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા. સંસદસભ્ય ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્માંતરવિરોધી બિલ રજૂ કર્યું ત્યારે શું બન્યું? કમનસીબે એ પસાર ન થયું. મધર ટેરેસાએ એ બિલનો વિરોધ કરવા માટેના સરઘસની આગેવાની લીધી હતી. મારી દૃષ્ટિએ એમ કરવામાં ઇસુના ઉપરોક્ત શબ્દોનો સ્પષ્ટ અનાદર હતો. એ બિલ તો કોઇ ખ્રિસ્તી કે મુસ્લિમ મનુષ્યને ધર્માંતર થકી હિંદુ બનાવી ન દેવાય તે સામે પણ ખપ લાગે તેવું ‘સેક્યુલર’ બિલ હતું. અમૃતા પ્રીતમે મધર ટેરેસાની સખત ઝાટકણી કાઢી હતી. બહુમતી જો ધર્માંતર કરાવે તો ગેરવાજબી ગણાય અને લઘુમતી ધર્માંતર કરાવે તો વાજબી ગણાય? આવા વલણમાં ન્યાય ક્યાં? આવા વલણમાં ઇસુ ક્યાં? આવા વલણમાં ગાંધીજી ક્યાં? ‘ન્યાય’ જેવી સેક્યુલર ઘટના બીજી કઇ હોઇ શકે? ‘સેક્યુલર સનેપાત’ એટલે એવા વલણનો જયજયકાર જેમાં બહુમતીને છોલવાની અને લઘુમતીને પંપાળવાની ફેશન હોય. બાકી સાક્ષી મહારાજ, (સાધ્વી?) નિરંજન જ્યોતિ, (યોગી?) આદિત્યનાથ કે આસારામની કડક આલોચના કરવામાં આ લખનારને બીજે નંબરે મૂકવાનો અવિવેક કોઇ પણ તટસ્થ વાચક નહીં કરે, કદી નહીં કરે. સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે. એક સનેપાતનો સામનો બીજા સનેપાતથી થઇ શકે?

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એક વાત નોંધી છે. કબીરના સમયમાં સિકંદર લોદીનું રાજ તપતું હતું. ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘સિકંદર શાહે બ્રાહ્મણ બદૂનને પ્રાણદંડની સજા ફરમાવી હતી. બ્રાહ્મણનો અપરાધ એ હતો કે તેણે ભગવાનની આગળ સર્વે ધર્મો સરખા છે એવું જણાવ્યું હતું.’ (‘સાધનાત્રયી’ પાન- 274) કેટલાક ધર્માંધ મુસ્લિમ શાસકોના કારભાર (ઇ.સ. 712થી 1707) દરમિયાન બનેલા આવા અસંખ્ય બનાવો નોંધાયા પણ નહીં હોય. અરે! વટલાયેલા લાખો હિંદુઓના જ વંશવારસો કટ્ટરતાપૂર્વક મંદિરો તોડવામાં સક્રિય બન્યા હશે! કાળની લીલા અનંત છે.

ઇસુ અને ગાંધીને પરિતોષ થાય તેવી ઘટના ઓસ્લોમાં બની. નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કૈલાસ સત્યાર્થીએ કરેલું પ્રવચન હૃદયસ્પર્શી હતું. એમણે પ્રવચનનો પ્રારંભ જ ઋગ્વેદના મંત્રથી કર્યો અને ઉપનિષદના મંત્રથી પ્રવચનની પૂર્ણાહુતિ કરી. મલાલા યુસુફઝાઇને પ્રવચન કરતી જોઇ ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવી ગઇ. મલાલાને પાકિસ્તાન પૂરી સલામતી પણ પૂરી પાડી નહીં શકે. મલાલાનું પ્રવચન દિલના ઊંડાણમાંથી વહેતું થયું.

યુનોએ 177 દેશોના સમર્થનથી સર્વાનુમતે ઠરાવ્યું કે પ્રતિવર્ષ 21મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવશે. ઇસુ મહાન યોગી હતા એવું ઋષિ યોગાનંદજીએ પોતાના (બેસ્ટ-સેલર) પુસ્તક ‘An Autobiography of A Yogi’માં વારંવાર જણાવ્યું છે. એક સૂચન કરું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દસ મહાન શબ્દોનો બધી જ ભાષાઓમાં સ્વીકાર થવો જોઇએ: (1) Dharma (2) Satya (3) Shanti (4) Yoga (5) Love (6) Karuna (7) Ahimsa (8) Islam (સમર્પણ) (9) Khairat (10) Nirvana. આવા થોડાક શબ્દો દ્વારા વિશ્વકક્ષાએ એક સેક્યુલર હાઇવેનું નિર્માણ થશે. જેમ જેમ પૃથ્વી ચણીબોર જેવી બનતી જાય તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય એ જરૂરી છે. આ દસ મહાન શબ્દોની યાદીમાં એક શબ્દ ઉમેરી જુઓ: ‘મા.’ મધર મેરીમાં સીતા દેખાશે.

કોઇ પણ ધર્મનું મૂલ્યાંકન એ ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પરથી કરવાની કુટેવ છોડવી પડશે. કોઇ નદીનું મૂલ્યાંકન એમાં તરતી માછલીઓની સંખ્યા પરથી થઇ શકે? જો આવો કુરિવાજ સ્વીકારીએ તો જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેટલી? શીખોની સંખ્યા કેટલી? ધર્મ એટલે રિલિજિયન નહીં. ‘ધર્મ’ જેવો સેક્યુલર શબ્દ બીજો ન હોઇ શકે. માનવતાને ટકાવી રાખે તે ધર્મ કહેવાય. જરા સોચો! ટ્રાફિકના નિયમો ન હોય તો રોજ કેટલા અકસ્માતો થાય? ‘ટ્રાફિકધર્મ’ આદરણીય છે કારણ કે એને કારણે કશુંક ટકી રહે છે. ઇસુએ જગતને પ્રેમધર્મનું મહત્ત્વ સમજાવ્યું. નાતાલના પવિત્ર દિવસોમાં મારા ઘરે આખી રાત એક ચમકતો તારો લટકતો જોવા મળશે. આવી પ્રથા પરિવારમાં ક્યારથી શરૂ થઇ? ઘણાં વર્ષો થઇ ગયાં! ઇસુ કેવળ ખ્રિસ્તી પ્રજાના મહામાનવ નથી. તેઓ મારા તમારા અને આપણા સૌના પૂજ્ય છે. એમને સમજવાની જવાબદારી કેવળ પાદરીઓની નથી. તેઓ ચર્ચમાં પણ છે અને ચર્ચની બહાર પણ છે. તેઓ સર્વત્ર છે કારણ કે ધરતીના કણ કણમાં પ્રેમનું સામ્રાજ્ય સંતાયેલું છે.{ (લખ્યા તા. 15-12-2014)

પાઘડીનો વળ છેડે
એક વૃક્ષને
કાપી નાખવામાં આવ્યું અને
એના ફળો ફંગોળાઇ ગયાં!
હું રડી પડી.

-ઝીન્દજી
નોંધ: એન્થની સેમ્પસને નેલ્સન મેન્ડેલાની વિસ્તૃત જીવનકથા લખી છે. એમાં ઝીન્દજી નામની આફ્રિકન સ્ત્રીએ ગોરા લોકોના આર્થિક અને ધાર્મિક શોષણ અંગે લખેલી પંક્તિઓ આવી હતી.

લોકતંત્રનું બ્લડપ્રેશન નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે DIVYA BHASKER, 4-1-2015

એકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી. પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનો ધબડકો થયો. પછી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એનું ભારે ધોવાણ થયું. કદાચ હવે થનારી દિલ્હીની ચૂંટણીમાં પણ એ જબરો માર ખાશે. So what? આવા કંગાળ દેખાવ પછી પણ મને કોંગ્રેસનું કેમ ચચરે છે? કેવળ એક જ કારણ છે. ભારતના રાજકારણમાં સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આજે કોંગ્રેસ સિવાય બીજો કોઇ પક્ષ સક્ષમ નથી. વારંવાર કહેવું પડશે કે લોકતંત્રનું બ્લડપ્રેશર નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે.

કોંગ્રેસની સરખામણીમાં કયો પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ લોકોનો સ્વીકાર પામે તેવી ગુણવત્તા ધરાવે છે? ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ કરતાં કઇ રીતે સારી? બિહારમાં લાલુ અને નીતીશ કરતાં કોંગ્રેસ શું ખોટી? પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસે પાયમાલી સિવાય બીજું શું આપ્યું? તામિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારવર્ધક તો ખરા અને વળી પ્રદેશાભિમાનમાં ડૂબેલા? જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષોની મથરાવટી કેટલી મેલી? કેરાલામાં સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગની સરખામણીમાં કોંગ્રેસ સો દરજ્જે સારી નહીં? પંજાબમાં અકાલીદળ ક્યાં અને કોંગ્રેસ ક્યાં? ઝારખંડમાં શિબુ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સાથે કોંગ્રેસને ક્યાં મૂકવી? હા, પરિવારમુક્ત કોંગ્રેસ ભવિષ્યમાં જરૂર આળસ મરડીને બેઠી થવાની છે. કોંગ્રેસનું ભવિષ્ય દસ વર્ષ વીતે પછી ઉજ્જ્વળ દીસે છે.
કોંગ્રેસ પડી તે માટે એક શબ્દ જવાબદાર છે: ‘સેક્યુલરિઝમ.’ મારી વાત ગળે ન ઊતરે તો એક કામ કરો. થોડાક દિવસ પર 97 વર્ષની વયે સર્વોદયના આદર્શ પ્રમાણે જીવી જનારા મુ. ચુનીભાઇ વૈદ્યનો દેહવિલય થયો. તેઓના સેવાકર્મમાં નક્કરતા હતી અને એમનું મન અન્ય કેટલાક સેવકો જેવું બંધિયાર ન હતું. એમને વર્ષો પહેલાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળ્યો તે માટેની સમિતિમાં મારી ભૂમિકા કેવી સોલિડ હતી તેના સાક્ષી કૃષ્ણકાંત વખારિયા હતા. અમે જ્યારે મળતા ત્યારે નિખાલસ વાતો થતી. તેમણે મને લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે:

ગાંધીઆશ્રમ
અમદાવાદ-390027
તા. 20-8-2002
સ્નેહી ભાઇશ્રી ગુણવંતભાઇ,
તમારી વાતને મારું મન ટેકો આપે છે. સેક્યુલરિસ્ટો
લઘુમતીને પણ સાચી વાત કહે ત્યારે જ ‘ન્યાય’
ગણાય અને મારો અનુભવ છે કે એમ નથી થતું.
એમાં કદાચ બાળકને પટાવવા માટે એની ખોટી
વાતને પણ થાબડવામાં આવે, તેમાં જે ન્યાય
હોય છે તે હોઇ શકે, પરંતુ એ ન્યાય નહીં,
પટામણું છે.
– ચુનીભાઇ વૈદ્ય
(‘શબ્દે શબ્દે સેતુબંધ’, પાન-83)
ખાસ યાદ રાખવા જેવું છે કે ગોધરામાં ડબ્બો સળગ્યો પછી જે હુલ્લડો થયાં ત્યાર પછીના લગભગ છ મહિનાના ઉદ્વેગયુક્ત માહોલમાં આ પત્ર લખાયો છે. સ્વરાજ મળ્યા પછીનાં 66-67 વર્ષો દરમિયાન જે સેક્યુલરિઝમ કોંગ્રેસે અને કર્મશીલોએ હંકાર્યું તે અંગે આટલા ઓછા શબ્દોમાં આટલી માર્મિક વાત અન્ય કોઇ ગાંધીજને કરી નથી. ડાંગમાં જ્યારે ધર્માંતરણને પ્રશ્ને તોફાનો થયાં ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ ડાંગની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રી ઘેલુભાઇ નાયક સાથે મળીને મુ. ચુનીભાઇએ ધર્માંતરપ્રવૃત્તિનો સ્પષ્ટ વિરોધ વાજપેયીજી સમક્ષ નોંધાવ્યો હતો. ચુનીભાઇએ એમ કર્યું ત્યારે અન્ય ગાંધીજનો એમના પર તૂટી પડ્યા હતા. એ વખતે મારી કટારમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ કટારમાં મેં લખ્યું હતું કે ધર્માંતરનો વિરોધ ગાંધીજી, વિનોબા, સરદાર પટેલ, રાજાજી, રવીન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને ખુદ ઇસુ ખ્રિસ્તે પણ કરેલો. ‘સેક્યુલર ધર્માંતર’ જેવું કશુંક હોઇ શકે?
કોંગ્રેસે જે સેક્યુલર વિચારધારા સ્વીકારી તે પ્રદૂષિત હતી. એમાં ભારોભાર ‘પટામણું’ હતું અને એ પટામણું મુસ્લિમ વોટબેંકનું મોહતાજ હતું. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું તે અંગે મારે ચાર પુસ્તકો લખવાનું બન્યું. પુસ્તકોને પાને પાને કોંગ્રેસનું સિન્થેટિક સેક્યુલરિઝમ કેટલું પોલું હતું તે દર્શાવ્યું છે. સ્વરાજ મળ્યા પછી લાખો હિંદુઓ વટલાયા છે. શું એ બધા સમજપૂર્વક અન્ય ધર્મોમાં ગયા હતા? સ્વરાજ મળ્યા પછી પણ કેટલાં હિંદુ મંદિરો તૂટ્યાં? કાશ્મીરમાં એક જૈન મંદિર જમીનદોસ્ત થયું હતું. સ્વરાજ મળ્યા પછી ચાલેલી આવી એકતરફી સેક્યુલર લીલા આજે કોંગ્રેસને નડી રહી છે. મારી વાત ખોટી લાગી? તો હવે આગળ વાંચો.

બાબરી મસ્જિદ તૂટી પછી તા. 8-8-1993ને દિવસે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પાડગાંઉકરને આપેલી મુલાકાતમાં જાણીતા વિચારક અને રેશનલિસ્ટ નિરદ ચૌધરીએ કહેલા શબ્દો કાન દઇને સાંભળો: ‘એ મસ્જિદનો ધ્વંસ થયો તે અંગે ફરિયાદ કરવાનો મુસ્લિમોને જરા જેટલો અધિકાર નથી. ઇ.સ. 1000 પછી કાઠિયાવાડથી તે બિહાર સુધી અને હિમાલયથી તે વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં આવેલા પ્રત્યેક હિંદુ મંદિરને ક્યાં તો તોડી પાડવામાં આવ્યું હતું કે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ઼ં. ઉત્તર ભારતમાં બધેબધ એક પણ હિંદુ મંદિરને સલામત રહેવા દેવામાં આવ્યું ન હતું.’ પૂછવા જેવો પ્રશ્ન એક જ છે: ‘શું હિંદુઓને પણ સંવેદના હોઇ શકે એવું ખરું? ભારતનું સેક્યુલરિઝમ એવી વાજબી સંવેદનાને ધરાર અવગણીને ચાલે તે યોગ્ય ખરું? સ્વરાજ મળ્યા પછી એમ જ બન્યું છે અને વારંવાર બન્યું છે.’

કોંગ્રેસે એક જ કામ કરવાનું છે. આપણે એને ‘કોર્સ કરેક્શન’ કહી શકીએ. ખોટા માર્ગે ફંટાઇ ગયા પછી સાચા માર્ગે પાછા આવવાની વાત છે. વિજ્ઞાનની પરિભાષામાં એને ‘સાયબરનેટિક્સ’ પણ કહે છે. આ શબ્દનું ગ્રીક મૂળ દરિયા સાથે જોડાયેલું છે. જ્યારે વહાણ એની ખરી દિશાથી ફંટાઇ જાય પછી પાછું સાચી દિશામાં આવી જાય, તેને cybernatics કહે છે. કોંગ્રેસે સેક્યુલરિઝમની જે અવદશા કરી તે પાપની પ્રતિક્રિયાનો લાભ નરેન્દ્ર મોદીને મળ્યો છે. સેક્યુલરિઝમ કંઇ હિંદુ-વિરોધી કે મુસ્લિમ તરફી સંકલ્પના નથી. એનો ખરો સંબંધ માનવતા સાથે છે. વર્ષોથી ધૂંધવાઇ રહેલી હિંદુ પ્રતિક્રિયા ભાજપને ફળી છે. આજે જે બની રહ્યું છે, તેમાં ‘પ્રતિક્રિયાત્મક અવિવેક’ કેટલાક હિંદુ પાગલો દ્વારા રોજ પ્રગટ થતો જણાય છે. મને સતત એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇને ઠરીને દસ વર્ષ સુધી વિકાસની રાજનીતિ માટે કામ કરવા દેવું જોઇએ. સેક્યુલર સનેપાતનો સામનો હિંદુ સનેપાત દ્વારા ન થઇ શકે. નરેન્દ્રભાઇની સ્થિતિ કફોડી થાય એવાં ઉચ્ચારણો રોજ પ્રગટ થતાં રહ્યાં છે. બધા બાવાઓ કાંઇ સાધુ કે યોગી કે સ્વામી નથી હોતા. બધા બાપુ કાંઇ મોરારિબાપુ નથી હોતા. બધા ફાધર કાંઇ ફાધર વાલેસ નથી હોતા. બધા મુલ્લાંજી કાંઇ મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. આપણે ક્યારે સુધરીશું?{ (તા. 23-12-2014)
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે
હુમલો કરવો જોઇએ, જે રીતે
એ હિંદુ કટ્ટરતા પર તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ
એટલી તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિંદુ કટ્ટરતાની
વિરુદ્ધ બોલીએ છીએ.
– દિગ્વિજય સિંઘ
(ટા.અો.ઇ. 25-9-2014)
નોંધ: હવે મારે કશુંય કહેવાનું બચે છે ખરું? ‘પટામણું’ મોંઘું પડ્યું!