અમેરિકન રાજનીતિનું મધ્યબિંદુ:અમેરિકા ફર્સ્ટ.DIVYA BHASKER, 2-3-2014

બગદાદથી લગભગ ૬૦ કિલોમીટર છેટે બેબિલોન આવેલું હતું

યાદ છે? ૨૦૦૩ના એપ્રિલ મહિનામાં તમારા ઘરના ટીવીના પડદા પર બગદાદ શહેરના અંધારિયા આકાશમાં ગતિમાન એવાં તેજલ ટપકાં નજરે પડતાં હતાં. એ ટપકાં દિવાળીના દિવસોમાં ફટાકડા રૂપે આકાશમાં ઊંચે જતી હવાઇની ચળકતી આતશબાજીનાં ટપકાં ન હતાં. એ તો અમેરિકાએ બગદાદ પર વરસાવેલા બોમ્બમાંથી વછુટતાં મૃત્યુબિંદુઓ હતાં. એવું એક જ ટપકું આપણા કોઇ ફિળયામાં પડે તો અગ્નિપથ પર આપણી અંતિમ યાત્રા શરૂ થઇ જાય. ઇરાક પર થયેલા અમેરિકન આક્રમણનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો તે વાક્ય છે: કીડી પર કટક!

ઇરાક કેવળ એક દેશનું નામ નથી. એ તો પુરાણ-પુરાતન એવી બેબિલોનિયન સંસ્કૃતિનું પારણું છે. બેબિલોન એક અતિ પ્રાચીન નગર હતું, જે ઇ.સ. પૂર્વે ૨૩૦૦થી બેબિલોનિયા વિસ્તારની રાજધાની તરીકે વિખ્યાત હતું. હાલના બગદાદથી લગભગ ૬૦ કિલોમીટર છેટે બેબિલોન આવેલું હતું. યુક્રેટિસ નદીને કાંઠે આવેલું એ અત્યંત સમૃદ્ધ નગર હતું. ત્યાં એક દેવળ હતું અને તેનો મિનારો ૧૮૦૦ ફૂટ ઊંચો હતો. તે મિનારા પર એક વેધશાળા પણ હતી. એ પુરાતન સંસ્કૃતિનો સુવર્ણયુગ ઇ.સ. પૂર્વે ૨૮૦૦થી ઇ.સ પૂર્વે ૧૭૦૦નો ગણાય છે. બુદ્ધ, મહાવીર, લાઓત્ઝુ, કન્ફ્યુશિયસ, પાયથોગોરસ, હિરેકિલટસ, સોક્રેટિસ અને અશો જરથુષ્ટ્ર પૃથ્વી પર થઇ ગયા તે પહેલાંનો એ સમયગાળો હતો.

બગદાદ પર બોમ્બવર્ષા થતી જોઇ ત્યારે મારા મનમાં જે તુફાન જાગ્યું હતું તેનો આ સાર ગણાય. એ બોમ્બવર્ષા જગતની અત્યંત પુરાતન સંસ્કૃતિ પર થઇ રહી હતી.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બુશ ભુરાયા થયા હતા. યુ. એન.ઓ. જાય ભાડમાં! સલામતી સમિતિ જાય ચૂલામાં! અમારે તો સદ્દામ હુસેનનું ડોકું તાસક પર જોઇએ. તલવારથી દાઢી કરવાનો શોખ ધરાવતા અમેરિકાનો ઈતિહાસ યુદ્ધપ્રેમનો ઈતિહાસ છે.પોતાની વિરાટ લશ્કરી તાકાત વાપરીને અન્ય દેશોને મસળી કાઢવામાં અમેરિકાએ કોઇ કસર બાકી રાખી નથી. કોરિયામાં યુદ્ધ થયું અને કોરિયાના બે ટુકડા થયા તેમાં પણ અમેરિકા સક્રિય હતું.

વિયેટનામ યુદ્ધમાં જ્યાં એક બોમ્બની જરૂર હોય, ત્યાં અમેરિકાએ દસ નાપામ બોમ્બની વર્ષા ઉત્તર વિયેટનામનાં ગામો પર કરી હતી. ઇરાક પર થયેલા લશ્કરી આક્રમણ વખતે વિશ્વમત બુશની યુદ્ધખોર દાનતથી નાખુશ હતો. ફ્રાન્સ, જર્મની અને ચીન અમેરિકાની સાથે ન હતા. બ્રિટનની સરકારનો અમેરિકાને ટેકો હતો, પરંતુ બ્રિટનની પ્રજા ઇરાક પર થયેલા આક્રમણ વખતે અમેરિકાથી વિરુદ્ધ હતી. ‘માનવ-અધિકાર’ જેવા બે પવિત્ર શબ્દો બોલવાનો ઓછામાં ઓછો અધિકાર ધરાવતા સમૃદ્ધ દેશનું નામ અમેરિકા છે. સદ્દામ હુસેન ક્રૂર, યુદ્ધખોર, મતીલો, તંતીલો અને વટને ખાતર દેશને યુદ્ધમાં હોમી દેનાર (મેગલોમેનિયેક) સરમુખત્યાર હતો. એના શાસનમાં નાગરિકોને મૂગા મરવાની અને તાબે થઇને જીવવાની છુટ જરૂર હતી.

સદ્દામ બદમાશ હતો અને બુશ ‘શરીફ બદમાશ’ ગણાય તેવો શાસક હતો. અમેરિકન રાજનીતિનું મધ્યબિંદુ એટલે: ‘અમેરિકા ફર્સ્ટ.’ મન વિચારે ચડી જાય છે. માનવજાતની શ્રદ્ધા હિંસા પરથી ઊઠી ગઇ છે, પરંતુ એ જ શ્રદ્ધા અહિંસા પર બેઠી નથી. હજી લોકોને સેક્સ અને હિંસાથી લથપથ એવી (‘રામલીલા’ જેવી) ફિલ્મો ગમે છે. એ ફિલ્મમાં ગરબો ગાનારાં સૌ ‘હે ભાઇ’ શબ્દ બોલીને ઠુમકો મારે ત્યારે હવામાં રિવોલ્વરના ધડાકા કરે છે. તમે ક્યારેય જીવનમાં દાંડિયાને બદલે રિવોલ્વરવાળી રાસલીલા જોઇ છે? એ ફિલ્મમાં સેક્સ અને હિંસાને લગભગ વાનગીની માફક પીરસવામાં આવે છે.

માનશો? ફિલ્મોમાં હિંસાના અતિરેકની શરૂઆત ૧૯૬૬-૬૭ના વર્ષમાં ‘Bonnie and Clyde’ નામની ફિલ્મથી થયેલી. જ્યારે એ ફિલ્મ એન આર્બર (મિશગિન)ના થિયેટરમાં જોઇ ત્યારે જબરો આંચકો લાગેલો અને મોટા પાયા પર અમેરિકામાં ચર્ચા જાગેલી. આજે તો એ ફિલ્મમાં બતાવાતી હિંસા સાવ નોર્મલ ગણાવા લાગી છે. ધીમે ધીમે પ્રેક્ષકોને સાવ ખુલ્લી સેક્સ અને વધુ પડતી હિંસા નિહાળવાની ટેવ પડી જાય છે. આવા માહોલમાં મહાત્મા ગાંધી ક્યાં અને એમણે પ્રબોધેલી અહિંસા ક્યાં? જવાબમાં એક ઐતિહાસિક પત્ર પ્રસ્તુત છે. પત્રનો એક એક શબ્દ કાન દઇને સાંભળવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધના માહોલમાં મહાત્મા ગાંધીએ અમેરિકન પ્રજાને ઉદ્દેશીને તા. ૩૧-૧૦-૧૯૪૨ને દિવસે ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવ બાદ લખ્યો હતો. માત્ર સાર સાંભળો:

– ‘ગ્રેટ બ્રિટન પણ અપવાદ ન ગણાય તેટલી મોટી સંખ્યામાં સૌથી વધારે મિત્રો મારે જો પશ્ચિમમાં હોય, તો કદાચ અમેરિકામાં હશે. અમેરિકામાં તો મારે માટે, જેને રોગ કહી શકાય તેવી, વ્યક્તિપૂજા પ્રચલિત છે.’
– ‘ન્યૂયોર્કના યુનિટી ચર્ચના વડા ડૉ.. હોલ્મ્સ તો મને અંગત રીતે જાણતા પણ નથી, તોય મારે માટે પબ્લિસિટી કરનારા એજન્ટ જેવા બની રહ્યા છે. એમણે મારે માટે કેટલીક એવી સારી સારી વાતો કહી છે, જેની તો મને પોતાને પણ ખબર ન હતી.’
– ‘તમે લોકોએ મને શિક્ષક રૂપે થોરો આપ્યા, જેમણે પોતાના નબિંધ ‘ડ્યૂટી ઓફ સિવિલ ડિસોબિડિયન્સ’ દ્વારા મેં દક્ષિણ આફ્રિકામાં જે કંઇ કર્યું તેના પર મહોર મારી છે. ગ્રેટ બ્રિટને મને રસ્કિન આપ્યા, જેમની ‘અન ટુ ધિસ લાસ્ટ’ પુસ્તિકાએ મને રાતોરાત બદલી નાખ્યો અને શહેરી વકીલમાંથી મને ડરબનથી થોડેક છેટે આવેલા એક (ફિનિકસ) ખેતર પર રહેનારો ગામડિયો બનાવી દીધો! અને રશિયાએ મને ટોલ્સ્ટોય આપ્યા, જેમણે મારી અહિંસાને તર્કયુકત આધાર આપ્યો.’

– ‘તમે લોકો બ્રિટન સાથે સમાન કારણસર જોડાયા છો. જરાક તો વિચારો. શું ભારત બિનશરતી આઝાદીની માગણી કરે તેમાં કોંગ્રેસ કશુંય ખોટું કરી રહી છે ખરી?’
– ‘મારી માગણી તમારી પાસે એટલી જ છે કે તમે ભારતની સ્વતંત્રતાને તરત જ માન્યતા આપો અને એને અત્યંત અગત્યના યુદ્ધ-પ્રયાસ તરીકે સમજો.’

કેવો ઇત્તફાક છે? બીજા વિશ્વયુદ્ધ વખતે પણ બ્રિટન અને અમેરિકા સાથી દેશો (એલાઇઝ) હતા અને ઇરાક સાથેના યુદ્ધમાં પણ એ બંને દેશો સાથી જ રહ્યા! જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે માનવીનું લોહી કારણ વિના વહેતું થાય ત્યારે માનવસમાજ સભ્યતા ચૂકે છે. એ એક એવી અસભ્યતા છે, જેને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કહેવામાં આવે છે. એવી જ અસભ્યતાને ફિલ્મ લાઇનમાં મનોરંજન કહેવામાં આવે છે. એવી જ અસભ્યતાને અગિયારમી સદીમાં ક્રુસેડ કહેવામાં આવી હતી અને એવી જ અસભ્યતાને આજે તાલબિાનો જેહાદ કહે છે.

હિંસાની હોળી એ અસભ્યતા નથી, પણ બર્બરતા છે. બુદ્ધ, મહાવીર, ઇસુ, મહંમદ અને ગાંધીને આપણે હરાવી દીધા છે. મહાત્મા ગાંધીએ માનવજાતને કહ્યું: ‘શાંતિનો કોઇ માર્ગ નથી, શાંતિ જ માર્ગ છે.’ બેબિલોનિયન સંસ્કૃતિ કરતાંય વધારે પુરાતન એવી ભારતીય સંસ્કૃતિના વૈદિક સાહિત્યમાં સૌથી વધારે વાર પ્રયોજાતો શબ્દ ‘શાંતિ’ છે. ઉપનિષદોના પ્રારંભે શાંતિમંત્ર વાંચવા મળે છે. રોજ પાંચ વાર ઊંડા શ્વાસ લઇને ઉદ્ગારવું રહ્યું: î શાંતિ: શાંતિ: શાંતિ:!‘

પાઘડીનો વળ છેડે
અમે અમેરિકનો છીએ.
અમે સરળ લોકો છીએ,
પરંતુ
જો તમે અમારા પર
પેશાબ કરશો, તો પછી
અમે તમારાં શહેરો પર
બોમ્બવર્ષા કરીશું.
– રોબિન વિલિયમ્સ

તલવારથી દાઢી કરવાનો શોખ ધરાવતા અમેરિકાનો ઈતિહાસ યુદ્ધપ્રેમનો ઈતિહાસ છે. પોતાની વિરાટ લશ્કરી તાકાત વાપરીને અન્ય દેશોને મસળી કાઢવામાં અમેરિકાએ કોઇ કસર બાકી રાખી નથી. ઇરાક પર થયેલા આક્રમણ વખતે વિશ્વમત બુશની યુદ્ધખોર દાનતથી નાખુશ હતો.

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

Advertisements