ગુજરાતના યુવાન મિત્રોને વિનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે
તમને હજી સુધી ડાયાબિટીઝ નથી થયો? તમારી પાસે રૂપિયા દસ કરોડ બેંકમાં જમા પડેલા છે એમ માનજો. ડાયાબિટીઝ આજની માનવજાતને પજવનારો સૌથી ખતરનાક સેતાન છે. એનું નામ મેં ‘દુર્યોધન’ પાડયું છે. ડાયાબિટીઝ એક એવો દરવાજો છે, જે ઘણા જીવલેણ રોગોનું પ્રવેશદ્વાર છે. બ્લડપ્રેશર, કિડની, આંખ, લિવર અને છેવટે હૃદય પર એની કુદૃષ્ટિ થતી હોય છે. ડાયાબિટીઝના પ્રવેશદ્વાર પર સુંદર અક્ષરે લખેલો શબ્દ છે: ‘મૃત્યુદ્વાર.’
તમને ડાયાબિટીઝ છે એવું જો ડોક્ટર એક દિવસ કહી જ દે તો તમે તમારો જ બધો વાંક છે એમ માનીને જાતને કોચવા ન માંડશો. ડાયાબિટીઝ ઘણુંખરું ઉપરથી ટપકી પડે છે. તમારા ટઅ તમને લાંબા વારસામાં મળ્યા છે અને એમાં તમારો કોઇ જ વાંક નથી. ગળપણ ખાધું તેથી ડાયાબિટીઝ થયો, એવી માન્યતા છીછરી છે. ડાયાબિટીઝ દાખલ પડી ગયો તે તમને કદી પણ નહીં છોડે, નહીં છોડે અને નહીં જ છોડે એનો સ્વભાવ વફાદાર પ્રિયજન જેવો છે. દગો દઇને માલિકને મૃત્યુ પહેલાં છોડી દેવાનું એને મંજૂર નથી. ડાયાબિટીઝ જાહેર થાય પછી એક સુંદર ઘટના બને છે. ગાગરિયું પેટ ધરાવતો ખાઉધરો લલ્લુ ચાલવાનું શરૂ કરે છે અને થોડાક ઠાલા ગૌરવ સાથે મહેમાન તરીકે કહે છે: ‘ચા લઇશ, પણ ખાંડ વિનાની.’
એ લલ્લુ ડાયાબિટીઝે એન્ટ્રી મારી તે પહેલાં આળસુનો પીર હતો અને એક કિલોમીટર છેટે જવું હોય તોય પોતાના પ્રિય ટાંટિયાને તકલીફ આપવા તૈયાર ન હતો. ડાયાબિટીઝ એને એક અનોખું જીવનદર્શન પૂરું પાડે છે: ‘ટાંટિયા તો ચાલતા ને દોડતા જ સારા.’ આવા નૂતન દર્શનને કારણે ક્યારેક ડાયાબિટીઝનો દરદી જીવન અંગેની સભાનતાને કારણે અને મૃત્યુના ડરને કારણે લાંબું જીવી જાય છે. શું આ જેવીતેવી વાત છે? આજકાલ હું પ્રિય મિત્ર કાંતિ ભટ્ટનું સ્મરણ કેમ વધારે કરું છું? એમણે એલોપથીની દવાઓ સાથે જોડાયેલાં માર્કેટનાં અને મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા ભ્રષ્ટાચારને અસંખ્ય વખત ખુલ્લો પાડીને મોટી સેવા કરી છે. મને પણ એલોપથી પ્રત્યે કોઇ પ્રેમ નથી, પરંતુ કરોડો લોકોનો એ અનુભવ છે કે એલોપથી વારંવાર યમરાજને પાછા વાળનારી સંજીવની પણ છે. હું પોતે આજે જીવું છું તે કેવળ અને કેવળ એલોપથીના આર્શીવાદને કારણે જ જીવું છું.
આવી માતૃસ્વરૂપા એલોપથીની નિંદા કરવા માટે કેટલા ટન દંભની જરૂર પડે? મારા પ્રિય મિત્ર ડો. પી. જી.પટેલને કેન્સર થયું છે. માઇક્રો તપાસની વણઝાર પછી કિમો થેરપી શરૂ થઇ ગઇ અને એવું તારણ નીકળ્યું કે ટ્રીટમેન્ટ ઉપકારક બનીને મિત્રને હજી જીવંત રાખવાની છે. એ ટ્રીટમેંટ એટલે દવાઓ, દવાઓ અને વધારે દવાઓ દવાઓ ખર્ચાળ જ હોય છે. ટ્રીટમેંટ ન મળે તો મૃત્યુ ઢૂંકડું બોલો કરવું શું? તમે કદાચ જોયું હશે કે ડોક્ટરે જાહેર કરેલો મરણાસન્ન દરદી ભક્તિમાર્ગી બની જાય છે અને જીવતેજીવત પ્રભુની લગોલગ રહેતો થઇ જાય છે. મને દવામય જીવન જીવવાની હવે ટેવ પડી ગઇ છે. સવારે નાસ્તા સાથે ત્રણ ગોળી, બપોરે ભોજન સાથે બીજી ત્રણ ગોળી અને રાતે ભોજન પછી બીજી બે ગોળી જીવનમાં ક્યારેય આવો ‘ગોળીબાર’ નહીં વેઠેલો તેથી ગાંધીજી વારંવાર યાદ આવે. કેમ? તે કે બાપુ આવા ગોળીબાર માટે કદી સંમતિ ન આપે.
બાપુ કહેવાના: ‘રામનામથી રોગ સારો થાય છે.’ બોલો શું કરવું? કવિતા રચીને છૂટી જવું અને આદરપૂર્વક બાપુને કહેવું: ‘બાપુ ક્ષમા કરજો. જે તમને પચે તે અમને ન પચે. અમારા મૃત્યુથી આ દુનિયામાં કોઇ જ ખોટ પડે તેમ નથી, તોય અમે જીવવા ઝંખીએ છે. અમે મહાત્મા નથી.’ દવા જીવનવર્ધિની છે તેથી એની સાઇડ-ઇફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઇન-કિલરની ગોળી જરૂર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી. જેણે પેઇન-કિલરની શોધ કરી એ સંશોધકને લાખ ધન્યવાદ આપજો. એન્ટિ-બાયોટિક્સની ગોળીની નિંદા કરવાની ઉતાવળ કરશો નહીં. એના આર્શીવાદ એવા કે થોડી નબળાઇ આપતી જાય, પણ મુખ્ય પીડા કે દર્દ દૂર કરતી જાય.
એન્ટિ-બાયોટિક્સનું મેં નામ પાડયું છે: ‘ત્રિજટા.’ લંકાની અશોકવાટિકામાં દુખી સીતાને ત્રિજટા નામની રાક્ષસીએ છૂપી મદદ પહોંચાડીને સીતાને માનસિક રાહત આપી હતી. (આજે પણ કાર્તિકી પૂનમને દિવસે કેટલાંક મંદિરોમાં ત્રિજટાની પૂજા થાય છે. ‘ઇન્ડિયા ટુ ડે’, ૨૪-૦૧-૨૦૦૧, પાન ૬૮).મને છેલ્લાં બે વર્ષથી કફની તકલીફ રહેતી હતી. સામાન્ય ઉપચારથી ન જ મટયું તેથી માઇક્રો-માઇક્રો તપાસ શરૂ થઇ. સિટી-સ્કેન, બ્લડટેસ્ટ, શ્વાસનું જોર માપવાનો ટેસ્ટ અને ચાલવાની તથા ચાલ્યા પછીની શ્વાસોચ્છ્વાસની પરિસ્થિતિ બંદા તો કામે લાગી ગયા કમબખ્ત ગળફો, કમબખ્ત ખાંસી, કમબખ્ત ગળફાની લેબોરેટરીમાં અતિ બારીક તપાસ અને કમબખ્ત સ્પુટમ-ટેસ્ટ પછી સ્ટીરોઇડ લેવાની સલાહ બાપ રે બાપ, આંટાફેરા શરૂ થઇ ગયા અને વાતચીતમાં, બસ કફ મહાશયની જ ચર્ચા સ્ટીરોઇડ લેવાનું શરૂ થયું ત્યાં સ્ફૂર્તિ જ સ્ફૂર્તિ મહાભારતનું ભાષ્ય લખવાની મજા ઓર વધી ગઇ. કાર્યક્ષમતામાં જાદુઇ વધારો અને બંદા ખુશ ખુશ એ સ્ટીરોઇડે માનસિકતા બદલી નાખી.
સ્ફૂર્તિ વધી તેને મેં ‘હરામની કમાણી’ ગણાવી. એ સ્ટીરોઇડને કારણે કફ ગાયબ થયો અને જીવનનો આનંદ હતો તેમાં વધારો થયો. સ્ટીરોઇડથી થતું નુકસાન પણ પેલી એન્ટિ-બાયોટિક્સની જેમ જ ત્રિજટાના કુળનું છે. સ્ટીરોઇડનું નામ શું રાખીશું? મને ધૃતરાષ્ટ્રપુત્ર ‘યુયુત્સુ’ નામ જડયું છે. યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને દુર્યોધનની સેના સામે લડયો હતો. ‘યુયુત્સુ’ ધૃતરાષ્ટ્રની વૈશ્ય દાસીથી પેદા થયેલો સુપુત્ર હતો.
દવાપ્રેમ નથી, પરંતુ દવા પ્રત્યેનો મારો ઉપકારભાવ ભૂલી શકાય તેમ નથી. જે દવા જીવનદાયિની અને મૃત્યુમર્દિની હોય તેની નિંદા કરવામાં મને તમોગુણી દંભની દુગ્ર્ાંધ આવે છે. આ વાત કાંતિભાઇને શી રીતે સમજાવવી? બધા દેશોની સેંકડો પ્રયોગશાળામાં ચાલતી વિજ્ઞાનીઓની સાધના માનવ-કલ્યાણ માટે છે.
એનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. મને પણ ફલાહાર, અન્નાહાર, શાકાહાર ખૂબ ખૂબ ગમે છે. સાત્ત્વિક ભોજન લઇને જ મેં જીવન વિતાવ્યું છે. જીવનમાં ક્યારેય જરૂર કરતાં વધારે એવો એક કોળિયો પણ પેટમાં પધરાવ્યો નથી. રોજ એક કલાક ખુલ્લી હવામાં ચાલવાની ટેવની ગોલ્ડન જ્યુબિલી ઊજવી શકાય તેમ છે. આમ છતાં ૬૬ વર્ષની ઉંમરે ‘દુર્યોધન’ (ડાયાબિટીઝ) જીવનમાં પેઠો તે પેઠો? આજે જીવન દવામય બન્યું છે. પરંતુ દયામણું નથી બન્યું. જાહેર પ્રવચન કરવાનું બને ત્યારે મારા પ્રિય શ્રોતાઓને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે વક્તા મંચ પર આવતાં પહેલાં શું શું કાળજી રાખીને આવ્યા છે.
એ વક્તાનો દેખાવ-દમામ જૂઠો છે. એ તો અંદરથી ખવાઇ ગયો હોવા છતાં ટટ્ટાર હોવાનો ડોળ કરી રહ્યો છે. શ્રોતાઓ તાળી પાડે ત્યારે અંદરથી ન ફુલાય તેવો વક્તા બનવાનું હજી બાકી છે. થોડી સી બેવફાઇ એક કવિતા ઊગી છે. એ પ્રતાપ પણ સ્ટીરોઇડનો કે શું? એ કવિતાની પ્રેરણા ભક્તકવિ પ્રીતમના જાણીતા ભજન ‘હરિનો મારગ’માંથી પ્રાપ્ત થઇ છે. ભાવના પ્રગટ થાય ત્યારે અકવિતા પણ સાર્થક થતી હોય છે. સાંભળો:
દવાનો મારગ છે શૂરાનો,
નહીં કાયરનું કામ જોને.
પરથમ પહેલું પ્યાલું મૂકી,
વળતી લેવી ગોળી જોને.
માથા સાટે મોંઘી વસ્તુ,
સાંપડવી નહીં સહેલ જોને.
બચી ગયા તે ખાટલો છોડી
જીવતા રહ્યા તે જાદુ જોને.
(વાત તો સાચી, પરંતુ કરવું શું?)
કૃષ્ણમ્ શરણમ્ ગચ્છામિ
સૂર્યમ્ શરણમ્ ગચ્છામિ
ડોક્ટરમ્ શરણમ્ ગચ્છામિ’
પાઘડીનો વળ છેડે
શાકાહારમાં પ્રોટીનની કમી રહી જાય છે
એ એક ભ્રમ છે.
વેજીટેરિયન આહાર રમતવીરો માટે
વધારે સારો છે, કારણ કે
એમાં એસિડિટી ઓછી હોય છે.
ડો. શિખા શર્મા
હેલ્થ એક્સ્પર્ટ
હું જ્યારે જ્યારે હરીફાઇ માટે
પ્રવાસ કરું છું ત્યારે કાયમ
ફળોનો રસ લેવાનો જ આગ્રહ રાખું છું.
મેચ શરૂ થવાની તૈયારીમાં હોય તે પહેલાં
એક કેળું ખાવાનું રાખું છું.
– યોગેશ્વર દત્ત
(ઓલિમ્પિકમાં કુસ્તી માટે બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડી)
નોંધ: ગુજરાતના યુવાન મિત્રોને વિનંતી કે તેઓ ફેશનને નામે નોન-વેજ ખાવાનું આજથી જ બંધ કરે. એમની સાથે કોણ કોણ છે? જવાબ છે: પાયથોગોરસ, એરિસ્ટોટલ, શેક્સ્પિયર, વડર્ઝવર્થ, લીઓ ટોલ્સ્ટોય, આઇન્સ્ટાઇન, ગાંધીજી, મેડોના અને અમિતાભ બચ્ચન!
દવા જીવનવર્ધિની છે તેથી એની સાઇડ-ઇફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઇન-કિલરની ગોળી જરૂર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી.
એન્ટિ-બાયોટિક્સની ગોળીની નિંદા કરવાની ઉતાવળ કરશો નહીં.
ગુણવંત શાહ