નવા વર્ષની શુભકામના પાઠવવા માટે મારા પર સૌથી પહેલો ફોન કોનો આવ્યો હશે? તમે ગમે તેટલાં નામ વિચારશો તોય ખોટા જ પડવાના છો. ધનતેરસની સાંજે દિલ્હીથી અહમદભાઇ પટેલે કહ્યું: ‘મુરબ્બી! તબિયત સાચવજો.’ મેં જવાબમાં કહ્યું: ‘અહમદભાઇ! વડોદરા આવો તો…’ અહમદભાઇએ કહ્યું: ‘વડીલ! તમને મળવા આવેલો પછી હું વડોદરા આવ્યો જ નથી. હવે આવું ત્યારે તમને મળ્યા વિના દિલ્હી પાછો નહીં ફરું એ નક્કી.’ કેટલાંય વર્ષોથી અહમદભાઇ મારા પ્રત્યે આવું આભિજાત્ય બતાવતા રહ્યા છે.
આવી અંગત બાબત મેં અહીં કેમ પ્રગટ કરી? જે ગાંધી-નેહરુ પરિવારની કડક આલોચના કરવામાં હું કોઇ કસર છોડતો ન હોઉં, તે પરિવારની સૌથી નજીક ગણાતા અહમદભાઇ મારા પ્રત્યે સદ્્ભાવ શા માટે રાખે? નરેન્દ્ર મોદી પ્રત્યે મારો જે સ્નેહાદર છે તે વાતની એમને પાકી ખબર છે. જૂઠું બોલવામાં અને જૂઠું આચરવામાં કુશળ એવા કેટલાક કહેવાતા કર્મશીલો પોતાના કરતાં જુદો અભિપ્રાય ધરાવનાર મનુષ્યને અંગત શત્રુ ગણવાની કુટેવ છોડવા તૈયાર નથી હોતા. જેમની પાસે તટસ્થતાનો ‘ત’ પણ ન હોય એવા આ મિત્રો માનવ-અધિકારની વાતો કયા મોઢે કરતા હશે? શું જુદો અભિપ્રાય ધરાવવો એ મનુષ્યનો મૂળભૂત અધિકાર નથી? લોકતંત્રની શોભા બે શબ્દોમાં આબાદ પ્રગટ થાય છે: ‘દ્વેષરહિત અસંમતિ.’ આવી શોભા જે સામયિકમાં પ્રગટ થાય, તે ‘વિચારપત્ર’ કહેવાય, બાકી તો…
2014ની ચૂંટણીમાં ભાજપ તરફથી એક બોગસ સૂત્ર વહેતું થયું: ‘કોંગ્રેસમુક્ત ભારત.’ આ એક ખતરનાક સૂત્ર છે કારણ કે એમાં લોકતંત્રની ક્રૂર અને અક્ષમ્ય મશ્કરી થતી રહી છે. લોકસભામાં કોંગ્રેસ પક્ષને માત્ર 44 બેઠકો મળી તોય આ સૂત્ર લોકતંત્રની આબોહવાને પ્રદૂષિત કરનારું છે અને તેથી વાંધાજનક છે. વારંવાર આ કટારમાં લખ્યું છે કે ખરી જરૂર કોંગ્રેસમુક્ત ભારતની નહીં, પરંતુ પરિવારમુક્ત કોંગ્રેસની છે. આજે પણ કોંગ્રેસ પાસે કેટલાક એવા અનુભવી, સમજુ અને સમર્થ નેતાઓ છે, જેઓ સોનિયા-રાહુલને અમથા વેઠી રહ્યાં છે. જનાર્દન િદ્વવેદી, જયરામ રમેશ, અહમદ પટેલ, ચિદમ્બરમ્, કપિલ સિમ્બલ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા અનુભવી લોકો નાદાન રાહુલના કહ્યામાં હોય એ તો આપણું ‘ફ્યૂડલ કમનસીબ’ ગણાય. વળી જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, મિલિન્દ દેવરા અને જિતીન પ્રસાદ જેવા તેજસ્વી નવયુવાનોને રાહુલ માર્ગદર્શન (?) આપે તે કોંગ્રેસના નસીબની બલિહારી ગણાય. અટક બાદ કર્યા પછી રાહુલમાં શું બચે છે? વિચારવું પડે તેમ છે.
ગામના જાગીરદારની હવેલીમાં ભવ્ય પગથિયાં ચડતી વખતે વસવાયાને જે લઘુતાગ્રંથિનો અનુભવ થાય, તેવો જ અનુભવ કોંગ્રેસના સિનિયરમોસ્ટ નેતાને 10 જનપથનાં પગથિયે થાય તેવી માનસિકતા કોંગ્રેસને ગ્રસી રહી છે. જો વિચારશીલ કોંગ્રેસજનો હવે નહીં જાગે, તો એક જ પરિવારની ગુલામી દેશના આ ઇતિહાસિક પક્ષને ખતમ કરી નાખશે. કોંગ્રેસ મરી પરવારે એ દેશના હિતમાં નથી. દેશને એક એવા સબળ વિરોધપક્ષની જરૂર છે, જે નરેન્દ્ર મોદી જેવા સમર્થ નેતા હેઠળ મજબૂત બની રહેલા ભાજપનો યોગ્ય સામનો કરી શકે. આર.એસ.એસ.ની પકડ ભાજપને તંદુરસ્ત સત્તાધારી પક્ષ બનવા દે તેમ નથી. આજે પણ કોંગ્રેસ પાસે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે. આજે પણ કોંગ્રેસની વિચરાધારામાં જ્ઞાતિનિષ્ઠા કે પ્રદેશનિષ્ઠા કરતાં રાષ્ટ્રનિષ્ઠાનું તત્ત્વ વધારે મજબૂત છે. પરિવારની ફ્યૂડલ ગુલામી દૂર થાય પછી બચેલા કોંગ્રેસ પક્ષનો જીર્ણોદ્ધાર થાય એ શક્ય છે અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદી સિવાયનો ભાજપ આજની કોંગ્રેસ કરતાં જરાય વધારે મજબૂત નથી.
હા, મણિશંકર અય્યર જેવા બુદ્ધિખોર પાગલો એવું સ્વીકારી નહીં શકે કે આવતો દાયકો (2014થી 2024) ભારતના ઇતિહાસમાં ‘મોદી દાયકા’ તરીકે જાણીતો બને તેવી પૂરી શક્યતા છે. જો કોઇ આતંકવાદી મોદીને હાનિ નહીં પહોંચાડે, તો આ ભવિષ્યવાણી ખોટી નહીં પડે. આવી ભવિષ્યવાણી સાથે સંમત થનારા કોંગ્રેસી મિત્રોની સંખ્યા ઓછી નથી. તેઓ જાહેરમાં બોલતા નથી, પરંતુ મને ખાનગીમાં સાચું લાગે તે કહી દે છે. સુજ્ઞ વાચકો આ લખાણ ફાઇલમાં સાચવી રાખે તો 2024માં વાંચવામાં ગમ્મત પડશે. મારો ગુનો કયો તે જણાવું? જ્યારે મોદી માટે એક સાચું વાક્ય લખવા બદલ એક હજાર ગાળો ખાવી પડતી હતી, ત્યારે મેં નિયતિના આ સુપુત્રમાં પડેલી અપાર શક્યતા નિહાળી હતી અને પ્રમાણી હતી. આવો રમણીય ગુનો કરવા બદલ આજે મને અંદરથી ગૌરવની લાગણી થાય છે. સાવ જુદી માટીના આવા વડાપ્રધાન દેશને વારંવાર નહીં મળે. મારી આ વાત સાથે અસંમત થનાર કોઇ વિચારક આપોઆપ બેઇમાન બની જતો નથી.
મોદીની કડક આલોચના કરવી એ તટસ્થ બૌદ્ધિકની ફરજ છે. પૂર્વગ્રહમુક્ત આલોચના અત્યંત પવિત્ર બાબત છે. જે કહેવાતા કર્મશીલને ખુલ્લું મન રાખવામાં જ શરમ આવતી હોય, તેણે મૌન સેવવું જોઇએ. પૂર્વગ્રહના મ્યુઝિયમમાં કોઇ સર્વોદય સેવક નિવાસ કરે, તો તે ગાંધીદ્રોહ કરનારાે ગણાય. મગજની બધી બારીઓ બંધ રાખે, તેણે ગાંધીનું નામ લઇને વાતો કરવાનું ટાળવું જોઇએ. લોકતંત્ર આખરે તો ખુલ્લા મનનું મંદિર છે. એ મંદિરની ધૂપસુગંધનું નામ સત્યશોધન છે. રોબર્ટ વાડ્ રાના પક્ષે રહેલા નવટાંક સત્યનો સ્વીકાર કરવાની ત્રેવડ પણ ગાંધીજનોમાં હોવી જોઇએ. આવું બધું લખવાનું મન થયું તેનું ખાનગી કારણ જણાવું? 2002ના ફેબ્રુઆરીની 27મી તારીખ પછી જે અંગ્રેજી અખબારે મોદીની નિંદા કરવાની ફેશન લોકપ્રિય બનાવી હતી, તે જ અખબાર આજે મોદીની પ્રશંસા કરવામાં સૌથી મોખરે કેમ છે? વર્ષ 2002 પછીનો એક દાયકો એવો ગયો જેમાં CBIનો દુરુપયોગ કરીને દર અઠવાડિયે એવો માહોલ ઊભો કરવામાં આવતો હતો કે હવે મોદીનું જેલમાં જવાનું નક્કી!
તિસ્તા સેતલવડની મારકણી આંખોમાં અસત્યમય આક્રમકતા ત્યારે રોજ ટીવી પર જોવા મળતી હતી. સોહરાબુદ્દીન સંત હોય તેમ એના મૃત્યુને એવું ગૌરવ સેક્યુલરિઝમને નામે પ્રાપ્ત થયું હતું, જાણે શહીદ ભગતસિંહની શહાદત ન હોય! સ્વાધ્યાય સાથે જોડાયેલી દીદીમૂલક અંધશ્રદ્ધા સામે પડેલા પંકજ ઝવેરીની હત્યા થઇ તેનું દુ:ખ પ્રગટ કરવામાં માનવ-અધિકારના કહેવાતા રખેવાળોને કોઇ જ રસ ન હતો. પંકજ ઝવેરી મુસલમાન ન હતા અને આતંકવાદી પણ ન હતા. બસ, વાત પૂરી! ભારતીય લોકતંત્ર, નથી કોંગ્રેસની મિલકત કે નથી ભાજપની મિલકત. એ તો ભારતીય પ્રજાની મહામૂલી જણસ છે. ચોવીસ કેરેટની એ જણસની શોભા જાળવવાનું કામ કેવળ રાજકારણી જમાત પર છોડી ન શકાય. પાપનો ઘડો ભરાઇ ગયા પછી એમાં વધારાનું એક ટીપું પણ સમાતું નથી. જે મનુષ્ય જૂઠો ન હોય તેના મુખ પર સત્યપાલનની એક તેજલ ઝાંય પ્રગટ થતી હોય છે. CAGવાળા વિનોદ રાઇ, કોયલા મંત્રાલયમાં સચિવ તરીકે ગોટાળા કરનારાઓને નજીકથી જોનારા પી.સી. પારખ અને રોબર્ટ વાડ્રા રાનાં કરતૂતોને પકડી પાડનારા અશોક ખેમકાના ઇન્ટરવ્યૂ ટીવી પર ઝીણી આંખે જોયા પછી એમ લાગે છે કે તેઓ જૂઠાબોલા નથી.
આવનારા દિવસોમાં જયલલિતા પછી લાઇનમાં એ. રાજા, કણીમોઝી, લાલુપ્રસાદ, મુલાયમ, માયાવતી અને મમતા ઊભેલાં દેખાય છે. પરદેશી બેંકોમાં નાણાં રાખનારાં નામો પણ પ્રગટ થવાનાં છે. ભારતીય લોકતંત્રને ફ્યૂડલવૃત્તિમાં ઝબોળાયેલા વંશવાદને કારણે લૂણો લાગ્યો હતો. હવે પરિવારવાદ ખતમ થાય તેવી આશા બેઠી છે. રાહ જોઇએ. રાજકારણીઓએ નથી કર્યા એટલા નિરાશ લોકોને બૌદ્ધિકોએ કર્યા છે. આ લેખ હું બેસતા વર્ષના શુભ દિવસે લખી રહ્યો છું. સુજ્ઞ ગુજરાતી વાચકોને એક નવી વ્યાખ્યા નૂતન વર્ષે આપવી છે: ‘પોતાનાથી ભિન્ન અભિપ્રાય ધરાવનાર મનુષ્યને જે શત્રુભાવે ન જુએ, તે બૌદ્ધિક કહેવાય.’ રસ્તે જતા હો ત્યારે સામે શત્રુભાવથી સળગતો કોઇ બૌદ્ધિક તમને મળી જાય, તો આંગળી દબાવીને નાક પર લગાડી દેવાનું ચૂકશો નહીં. યાદ રાખો કે બધા બૌદ્ધિકો લોર્ડ ભીખુ પારેખ જેવા હોતા નથી. મારા તાબામાં હોય તેટલી તટસ્થતા સાથે ફરી ફરીને કહેવું છે: કોંગ્રેસમુક્ત ભારતની નહીં, પરંતુ પરિવારમુક્ત કોંગ્રેસની દેશને જરૂર છે. (લખ્યા તા. 24-10-2014, બેસતું વર્ષ)
પાઘડીનો વળ છેડે
રાહુલ!
તમે બાજુ પર ખસી જાઓ!
નહીં તો
કોંગ્રેસ પડતી પડતી
છેક અપ્રસ્તુત બની જશે
એવું તારણ આગળથી
કાઢી શકાય તેમ છે.
‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (23-10-2014)
નોંધ: માનશો? ટાઇમ્સના યાદગાર તંત્રીલેખમાં શીર્ષક તરીકે મોટા અક્ષરે આ શબ્દો છપાયા હતા. વર્ષોથી મને આ અખબારનું વ્યસન છે.
આજે પણ કોંગ્રેસ પાસે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે.આજે પણ કોંગ્રેસની વિચરાધારામાં જ્ઞાતિનિષ્ઠા કે પ્રદેશનિષ્ઠા કરતાં રાષ્ટ્રનિષ્ઠાનું તત્ત્વ વધારે મજબૂત છે. પરિવારની ફ્યૂડલ ગુલામી દૂર થાય પછી બચેલા કોંગ્રેસ પક્ષનો જીર્ણોદ્ધાર થાય એ શક્ય છે અને ઇચ્છનીય છે.
ગુણવંત શાહ