નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા. DIVYA BHASKER 16-5-2014

આ લેખ લખતી વખતે લાભ એ છે કે ચૂંટણીના પરિણામની જાણ નથી. લેખ પ્રગટ થશે ત્યારે નવી સરકારનો સૂર્યોદય થઇ ચૂક્યો હશે. નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા હા, ભારત જેવા મહાન દેશમાં ઉશ્કેરાટ પણ રોમેન્ટિક બની શકે છે. લોકતંત્રમાં નવી સરકાર આવે એ પરમ પવિત્ર ઘટના છે કારણ કે નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે. નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

આજે નવા વડાપ્રધાનના કાનમાં થોડાક શબ્દો કહેવાની પ્રબળ ઇચ્છા ઊગી છે. ઇસુ ખ્રિસ્ત પહેલાં જુલિયસ સીઝર પેદા થયેલો. યુદ્ધમાં આસપાસના પ્રદેશો સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવીને રાજા સીઝર જ્યારે રોમ પાછો ફર્યો ત્યારે એક એવી ઘટના બની, જે નવા વડાપ્રધાન માટે ખૂબ જ ખપ લાગે તેવી છે. રોમની પ્રજાના ઉત્સાહનો પાર ન હતો અને જુલિયસ સીઝરનો પ્રચંડ જયઘોષ થતો હતો, ત્યારે કોઇ ન જાણે એમ સીઝરે પોતાના મિત્રને બોલાવ્યો અને કહ્યું: ‘લોકોના આવા પ્રચંડ જયઘોષ વચ્ચે તારે મારી પાસે ઊભા રહીને સતત મને ધીમા અવાજે કહ્યા જ કરવાનું છે: ‘સીઝર તું ઇશ્વર નથી, પરંતુ માણસ છે.’

સત્તા હોય ત્યાં અચૂક અભિમાનની ખેતી હોવાની વિજય કાચો પારો છે, જે ઝટ પચતો નથી. કવિ દયારામ સાચું કહી ગયા: ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે.’ સમર્થ શાસકની એક આંખમાં કરડાકી હોય છે અને બીજી આંખમાં પ્રેમ હોય છે. સરદાર પટેલ આવા સમર્થ શાસક હતા. કૃત્રિમ નમ્રતા અભિમાનની જ દાસી જાણવી. નવા વડાપ્રધાન સુધી આવી વિચિત્ર વાત કોણ પહોંચાડે? ભલે રહી આપણી પાસે અસહિ‌ષ્ણુતા (અમર્ષ)નો મહિ‌મા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં સુંદર રીતે થયો છે. લવ અને કુશ અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકે છે. રામની સેના સામે યુદ્ધે ચડેલ બંને રામપુત્રો જંૃભકાસ્ત્ર દ્વારા રામની સેનાને બેભાન બનાવી દે છે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુ લવકુશના પરાક્રમથી પ્રભાવિત થાય છે અને શરમ અનુભવે છે.

એટલામાં પુષ્પક વિમાનમાં રામ આવી પહોંચે છે. ચંદ્રકેતુ બાજી સંભાળી લે છે અને લવ પ્રત્યે રામના મનમાં અનોખી સંવેદના જન્મે છે. કુશ ત્યાં હાજર નથી હોતો. ચંદ્રકેતુ કુશના પરાક્રમની પ્રશંસા કરે છે અને રામને કહે છે: ‘જે મહાન વીર હોય તેને તો અસહિ‌ષ્ણુતા પણ શોભે (અમર્ષ: અપિ શોભતે મહાવીરસ્ય).’ ટૂંકમાં અસહિ‌ષ્ણુતા કાયમ નિંદનીય નથી હોતી. ભ્રષ્ટાચાર સામે પ્રજાકીય અસહિ‌ષ્ણુતા જરૂર શોભે. એવી અસહિ‌ષ્ણુતા દેશમાં જગાડવા માટે અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ જેવા કર્મશીલોનું પ્રદાન ઝટ ભુલાય તેવું નથી. પછી જે થયું તે હરખાવા જેવું નથી. નવી સરકાર ગમે તે પક્ષની હોય, દેશને વિસલ બ્લોઅર્સ (સિસોટિયા)ની જરૂર રહેવાની. લોકસભાને એક રામમનોહર લોહિ‌યા પણ જીવતી રાખી શકે. ચારિત્ર્ય જેવી મહાન શક્તિ બીજી કોઇ નથી.

નવી આબોહવાનો સંબંધ ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ની નાબૂદી સાથે રહેલો છે. પૂરાં ૬૬ વર્ષ સુધી આવો ભ્રષ્ટાચાર ફેશનને નામે પોષાતો રહ્યો છે.
તમે જો માનવતાવાદી હો,
તો તમારે જૂઠું બોલવાની શી જરૂર?
તમે જો કરુણાવાન કર્મશીલ હો,
તો તમારે અપ્રામાણિક બનવાની શી જરૂર?
જો તમે સાચામાચ સેક્યુલર હો,
તો તમારું વલણ કોમવાદી શા માટે?
અરુણા રોય, હર્ષ મંદર, તિસ્તા સેતલવડ, શબનમ હાશમી અને અન્ય માનવ-અધિકારવાદીઓ જાણીતા છે, તોય આદરણીય નથી. કારણ? કાશ્મીરી પંડિતો પોતાના જ દેશમાં અસહ્ય ક્રૂરતા વેઠયા પછી રાતોરાત ભાગી છૂટયા અને નિરાશ્રિત બની ગયા આજે પણ તેઓ નિરાશ્રિત જ રહ્યા છે.

ઉપર ગણાવ્યાં તેમાંથી કોઇએ પણ આ નિરાશ્રિતોને ઇન્સાનનો દરજ્જો આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો ખરો? ગોધરા ખાતે ટ્રેનના ડબ્બામાં પ૮ મનુષ્યો જીવતા બળી ગયા તેમને આ માનવ-અધિકારવાદીએ ‘મનુષ્ય’ ગણ્યા ખરા? દેશમાં કુલ ૧પ૦૦ ફેક એન્કાઉન્ટર્સ થયાં, તેમાં ૧૪ ગુજરાતમાં થયાં. આ કહેવાતા માનવ-અધિકારવાદીઓએ ગુજરાત સિવાયના એક પણ ફેક એન્કાઉન્ટર સામે અવાજ ઉઠાવ્યો ખરો? આવા વલણને હું ‘સેક્યુલર માફિયાગીરી’ કહું, તો તેમાં મારો કોઇ વાંક ખરો? નવી સરકાર આવી બેશરમ માફિયાગીરી ચલાવી લઇ શકે ખરી? પ્રજાકીય અસહિ‌ષ્ણુતા એ માટે તૈયાર નથી. અપેક્ષાઓ એવી તો જન્મી છે કે એ વિસ્ફોટક બનીને નવી સરકાર સામે બળવો કરવા ઉતાવળી બને. સરકાર ગમે તે પક્ષની હોય તેથી શું? ‘પ્રજાકીય ઉતાવળ’ પણ ઉપકારક બનવાની છે.

નવો એજન્ડા કેવો હશે? ભારતનું એક પણ ગામ વીજળી-સડક-પાણીથી વંચિત ન રહે તેવો ‘સેક્યુલર એજન્ડા’ બીજો કયો? ગામની નિશાળ એ જ ‘ગ્રામમાતા’ છે. તાલુકાની હોસ્પિટલ એ જ ગ્રામજનો માટે કરુણામંદિર ગણાય. ૬૬ વર્ષ દરમ્યાન આટલુંય ન થયું? નવી સરકાર પાસે વિકાસનો નકશો સ્પષ્ટ છે. જરૂર છે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી એવી રાજકીય પ્રતિબદ્ધતાની. બ્રિટનની લેબર પાર્ટીના સિનિયર નેતા એન્યુરિન બિવાને કહેલું: ‘સોશિયલિઝમ ઇઝ ધ પોએટ્રી ઓફ પ્રાયોરિટીઝ.’ નવા વડાપ્રધાન પાસે દર્શન હોવું જોઇએ જેમાં એટલું સ્પષ્ટ હોય: ‘પહેલું શું? ઇકોનોમિક ડેમોક્રસી વિના રાજકીય ડેમોક્રસી પણ જામતી નથી. ઉદ્યોગો ન સ્થપાય તો બેરોજગારી ટળતી નથી. બેરોજગારી ન ટળે તો ખરીદશક્તિ વધતી નથી.

ખરીદશક્તિ વિનાના સમાજમાં ગરીબીનો મુકામ કાયમી હોય છે. ગરીબી ગુનાની જન્મદાત્રી છે. ગાંધીજીએ કહ્યું હતું: ‘ગરીબી એ હિંસાનું સૌથી વરવું સ્વરૂપ છે.’ નવા વડાપ્રધાને દેશને એવી પ્રતીતિ કરાવવી પડશે કે ગરીબી કાયમી નથી અને એ ટળે તે માટે ઉજાગરા કરવા હું તૈયાર છું. નવા વડાપ્રધાનને ઢીલી ઢીલી વાતો કરવાની છૂટ હવે પ્રજા નહીં આપે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુની વાતમાં દમ છે કારણ કે પ્રબુદ્ધ અસહિ‌ષ્ણુતા (એનલાઇટન્ડ ઇનટોલરન્સ) લોકતંત્રની જણસ છે. જે કોઇ નવા વડાપ્રધાન બન્યા હોય તેમને આજથી પાંચેક હજાર વર્ષો પર કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિ‌રને રાજધર્મ સમજાવ્યો ત્યારે કહેલા શાણા શબ્દો અર્પણ કરું છું:

જેમ વસંત ઋતુમાં સૂર્ય
અત્યંત શીતલ કે અત્યંત ઉગ્ર નથી હોતો,
તેમ રાજાએ સદા કોમળ કે સદા કઠોર નથી થવાનું.
રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે,
જે મનગમતું ત્યજીને પણ ગર્ભને જાળવે છે.
– (શાંતિપર્વ,
અધ્યાય પ૬)
નવી સરકારને શુભેચ્છા, નવા વડાપ્રધાનને અભિનંદન અને ભારતીય પ્રજાને અભિવંદન
(લખ્યા તા. ૧૪-પ-૨૦૧૪)’

પાઘડીનો વળ છેડે
અમારે માટે રાહુલે શું કર્યું?
એ જાણે છે ખરા કે
અહીં વીજળી
બાર વખત આવે છે અને
પંદર વખત ચાલી જાય છે?
– મિથિલેશ કુમારી (ગામની સરપંચ)
(‘Outlook’, ૧૨-પ-૨૦૧૪, પાન-૨૩)

નોંધ: આ ગામ રાહુલ ગાંધીના મતવિભાગ અમેઠી પંથકમાં જ આવેલું છે. ગુજરાત મોડેલની નિંદા કરવાનો રાહુલ ગાંધીને સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ગુજરાતનાં બધાં ગામોમાં ચોવીસે કલાક વીજળી મળે છે તેનું શું?

નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે.નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

ગુણવંત શાહ

ચૂંટણી ઓલિમ્પિક છે, યુદ્ધ નહીં

લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે

બીજા વિશ્વયુદ્ધના વર્ષોમાં એક મજાક ફરતી થયેલી. હિ‌ટલર કેટલા પાણીમાં છે અને એ કેવું કેવું વિચારે છે તે જાણવાની ઇચ્છાથી ચર્ચિ‌લે ગ્રેટ બ્રિટનના એક રાજકારણીને હિ‌ટલરને મળવા માટે રવાના કર્યો. એ અંગ્રેજ મુત્સદ્દી તો બર્લિ‌ન પહોંચ્યો અને હિ‌ટલરે એને પોતાના બંકરમાં ચોથે માળે મળવા બોલાવ્યો. વાતો શરૂ થઇ. થોડીક મિનિટો વીતી ત્યાં હિ‌ટલરે ત્રણ તાળી પાડી અને એક સૈનિક ઝડપભેર ઓરડામાં આવ્યો. હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો. સૈનિક તો બારી તરફ દોડયો અને ચોથે માળેથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દી તો અંદરથી હાલી ઊઠયો.

વાતચીત આગળ ચાલી. માંડ દસ-બાર મિનિટ વીતી ત્યાં હિ‌ટલરે ફરી ત્રણ તાળી પાડી ત્યાં બીજો સૈનિક ઓરડામાં આવ્યો.હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો અને એ સૈનિક પણ બારીમાંથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દીને તો પરસેવો છૂટી ગયો કેવા ભયંકર અને ક્રૂર માણસની સાથે ચર્ચિ‌લે કામ પાડવાનું છે વાત ફરીથી શરૂ થઇ અને હિ‌ટલરે ફરીથી ત્રણ તાળી પાડી. ત્રીજો સૈનિક ઓરડામાં દાખલ થયો અને હિ‌ટલરે એને બારીમાંથી કૂદી પડવાનો ઇશારો કર્યો. સૈનિકે બારી તરફ દોટ મૂકી ત્યાં બ્રિટિશ મુત્સદ્દીએ એને પકડી પાડયો અને પૂછ્યું: ‘તને તારું જીવન વહાલું નથી?’ સૈનિકે જવાબ આપ્યો: ‘આવા જીવનને પણ તમે જીવન કહો છો?’ લોકતંત્ર ન હોય એવા સમાજમાં જીવન ચીમળાઇ જતું હોય છે.

લોકતંત્ર એટલે શું તે સમજવું હોય તો એવા એવા દેશોમાં જવું જોઇએ, જ્યાં બંધારણીય લોકતંત્ર નથી. ઉત્તર કોરિયા કે અફઘાનિસ્તાનમાં જાવ અને રહો, તો સમજાય કે લોકતંત્ર એટલે શું. પાકિસ્તાનમાં ભારતનો કોઇ મુસલમાન જાય તોય એને સમજાઇ જાય કે ભારતનું સેક્યુલર લોકતંત્ર એટલે શું. સાઉદી અરેબિયામાં કોઇ ભારતની મુસ્લિમ સ્ત્રી રહેવા જાય, તો એને જરૂર સમજાઇ જાય કે સાઉદી અરેબિયામાં ‘સ્ત્રી’ હોવું એટલે શું. મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમર્જન્સી લાદી ત્યારે લોકોને સમજાઇ ગયેલું કે મુક્ત પ્રેસ અને મુક્ત અભિવ્યક્તિ એટલે શું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. પુષ્પને ખીલવાની છૂટ ન હોય તો પુષ્પનું પુષ્પત્વ જ ખતમ થઇ જાય.

પુષ્પની માફક મનુષ્ય પણ ખીલવા અને ખૂલવા માટે સર્જા‍યો છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન શક્ય બને છે. લોકતંત્ર એક પવિત્ર ઘટના છે અને તેથી એ એક આધ્યાત્મિક ઘટના છે. લોકતંત્રનું સૌંદર્ય તો જુઓ બીજા વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટનને વિજય અપાવનાર સમર્થ વડોપ્રધાન ચર્ચિ‌લ યુદ્ધ પછી થયેલી ચૂંટણીમાં પરાજય પામી શકે છે. ૧૯પ૨માં આપણા દેશમાં પ્રથમ વખત પ્રૌઢ મતાધિકારવાળી સામાન્ય ચૂંટણી યોજાઇ તેમાં વલસાડ પંથકમાં મોરારજી દેસાઇ ૧૯ મતે હારી ગયેલા. હારી ગયા પછીના કલાકોમાં જ મોરારજીભાઇએ પોતાની હાર સ્વીકારી લેતું નિવેદન કર્યું હતું. ચૂંટણીના ચમત્કારને કારણે અટલબિહારી વાજપેયી જેવા રાજ્યપુરુષ પણ ચૂંટણીમાં હાર્યા હતા. અરે દેશ પર કટોકટી લાદીને લોકતંત્રનું ખૂન કરનારાં ઇન્દિરાજી પણ રાયબરેલીમાંથી ચૂંટણી હારી ગયાં હતાં.

થોડાંક જ અઠવાડિયાં પછી ૨૦૧૪ની ૧૬મી મેને દિવસે ચૂંટણીનાં પરિણામો જાહેર થશે ત્યારે મુક્ત ચૂંટણીનો ચમત્કાર જોવા મળશે. મોટાં માથાં ક્યાંક નાનાં માથાં સામે હારી ગયાં હશે. કદાચ આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વિક્રમજનક હશે. મત આપવા માટે ન જવું એ રાષ્ટ્રીય અપરાધ છે. ગ્રીસ દેશમાં ‘ઇડિયટ’ તેને કહેવામાં આવે છે, જે મતદાન કરવા જતો નથી. વોટિંગ બૂથ તો લોકતંત્રનું પવિત્ર સ્થાનક છે. ચૂંટણી ઓલિમ્પિક છે, રમતોત્સવ છે અને ખેલ મહાકુંભ છે, યુદ્ધ નહીં. માનવજાતને સદીઓની ગડમથલ પછી લોકતંત્ર જેવી જણસ પ્રાપ્ત થઇ છે. સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર અધૂરું છે. પાકિસ્તાનમાં લોકતંત્ર છે, પરંતુ સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર માનવતાને ખીલવા દે એ શક્ય નથી. ડો. આંબેડકરે બંધારણ પ્રત્યેના આદરને પ્રગટ કરતા બે ખાસ શબ્દો વારંવાર પ્રયોજ્યા હતા: ‘બંધારણીય નૈતિકતા’ (કોન્સ્ટિ‌ટયુશનલ મોરાલિટી).

સ્વીડનમાં પ્રત્યેક ઘરમાં દેશના બંધારણની નકલ રાખવાનો રિવાજ છે. ઘરમાં જે ધર્મ પાળવો હોય તે પાળો, પરંતુ ઘરનો ઉમરો વટાવો ત્યાં નાગરિક ધર્મ શરૂ આ થઇ ‘constitutional morality.’ ઇસુ ખ્રિસ્ત થયા તે પહેલાં (ઇ.સ. પૂર્વે પ૩૦થી ૪૬૮) એથેન્સમાં એરિસ્ટિડિઝ નામે શાસક થઇ ગયો. એ ખૂબ જ લોકપ્રિય અને આદરણીય શાસક હતો. લોકો એને વહાલપૂર્વક ‘એરિસ્ટિડિઝ-ધ જસ્ટ’ (ન્યાયપ્રિય એરિસ્ટિડિઝ) તરીકે સંબોધતા. તે વખતે એથેન્સમાં માટીમાંથી બનેલાં મતપત્રકો પર નામ લખીને મત આપવાની પ્રથા હતી. જેનું નામ લખાય તેનો મત ઓછો થાય તેવી પ્રથા હતી. એથેન્સમાં એક્રોપોલિસની ટેકરી પાસે અગોરામાં એક મ્યુઝિયમ આવેલું છે. (અગોરા એટલે બજાર). એ મ્યુઝિયમમાં એરિસ્ટિડિઝના સમયનાં લાલ માટીનાં બિસ્કિટ જેવાં મતપત્રકો જોવા મળે છે. એમ કહેવાય છે કે એક રાતે ગુપ્ત વેશે એરિસ્ટિડિઝ રસ્તા પર ફરવા નીકળ્યો.

એક અભણ માણસે એને મતપત્રક પર નામ લખી આપવાની વિનંતી કરી ત્યારે એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘બોલો કોનું નામ લખું?’ જવાબમાં પેલા માણસે કહ્યું: ‘લખો, એરિસ્ટિડિઝ’. આશ્ચર્ય પામીને એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘ભાઇ એરિસ્ટિડિઝે તારું શું બગાડયું છે?’ જવાબમાં એ અજાણ્યા માણસે કહ્યું: ‘જ્યાં જાવ ત્યાં એથેન્સના લોકો વાતેવાતે એરિસ્ટિડિઝની જ પ્રશંસા કરે છે તેથી હું કંટાળી ગયો છું.’ એથેન્સના શાસક એરિસ્ટિડિઝે માટીના મતપત્રક પર પોતાનું જ નામ લખી આપ્યું અને ચાલવા માંડયું તે વખતે એવો રિવાજ હતો કે જે શાસક રાજકારણમાંથી નિવૃત્ત થાય તે પોતાની ખેતી કરવામાં ફરીથી લાગી જાય. (આપણા શાસકો નિવૃત્ત થવા જ તૈયાર નથી હોતા). ચૂંટણીમાં એરિસ્ટિડિઝ શાસક મટીને ખેડૂત બની ગયેલો.

૧૯પ૪ના વર્ષમાં બોધગયામાં અખિલ ભારતીય સર્વોદય સંમેલનમાં જવાનું બનેલું. મારી સાથે રાંદેરનો બાળપણમિત્ર રમણ પણ હતો. પંડિત નેહરુ અને વિનોબાજી સ્ટેજ પર સાથે બેઠા હતા. વિનોબાજીએ શિક્ષકની અદાથી લોકતંત્રનું અધ્યાત્મ સમજાવેલું તે શબ્દશ: આ પ્રમાણે હતું:
ઘનશ્યામદાસ બિરલા કો ભી એક વોટ
ઔર ઉન કે ચપરાસી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
દારા સિંગ કો ભી એક વોટ
ઔર નર્બિલ આદમી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
પંડિત નેહરુ કો ભી એક વોટ
ઔર મજદૂર કો ભી એક વોટ?
ઐસા ક્યું?
ઇસ લિએ કે લોકતંત્ર કી આધારશિલા
ધન, બલ ઔર સ્ટેટસ નહીં હૈ.
હરેક આદમી મેં આત્મા હોતી હૈ,
ઇસ લિએ લોકતંત્ર કી આધારશિલા
આત્મા હી હૈ.
લોકતંત્ર પણ સત્યથી જ શોભે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) સત્યશોધન માટે ઉપકારક છે. લોકતંત્ર આખરે સત્યતંત્ર હોય એમાં જ લોકોનું કલ્યાણ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ લોકતંત્રનું કલંક છે કારણ કે મનુષ્યનો આત્મા જ્ઞાતિ કે કોમથી પર છે.’

પાઘડીનો વળ છેડે
બધી જ માતાઓ
એવું ઇચ્છે છે કે
પોતાનો દીકરો મોટો થઇને
રાષ્ટ્રપ્રમુખ બને, પરંતુ
એ માટેની પ્રક્રિયામાં દીકરો રાજકારણી બને
તેવું કોઇ માતા નથી ઇચ્છતી.
– જ્હોન કેનેડી

મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન
શક્ય બને છે.

ગુણવંત શાહ

લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.DIVYA BHASKER, 11-3-2014

પંડિત નેહરુએ આત્મકથામાં લખેલા શબ્દો સાંભળો: ‘મારા પિતાએ જંબુસરમાં ગાંધીજી સાથે મસલત કરીને અલ્લાહાબાદનું અમારું ઘર રાષ્ટ્રને અર્પણ કરવાનો અને તેનું નામ સ્વરાજભવન રાખવાનો નિર્ણય લીધો હતો.’ આ વાતની ખબર હવે જંબુસરમાં રહેનારા કેટલા લોકોને હશે? હા, પણ મારે તો સાવ જુદી વાત કરવી છે. તા. ૨૩મી જાન્યુઆરી, ૨૦૦પને દિવસે જંબુસરના જનતા કેળવણી મંડળે મારું પ્રવચન યોજ્યું તેમાં અધ્યક્ષ તરીકે જંબુસરના સુપુત્ર જસ્ટિસ ગિરીશ નાણાવટી હતા. ગુજરાતમાં ૨૦૦૨નાં તોફાનો પછી એમના અધ્યક્ષપદે તપાસ કમિશન રચાયું હતું. આદરણીય ન્યાયમૂર્તિ‌એ પ્રવચન માટે મને વધારે સમય મળે તે માટે પોતાનું પ્રવચન ટૂંકું કર્યું હતું.

સભા પછી અમે સાથે ભોજન કરવા બેઠા ત્યારે માત્ર એટલી વાત થઇ કે કમિશનના રિપોર્ટને બહુ વાર નહીં લાગે. ત્યાર પછી વર્ષો વહી ગયાં, પણ કમિશન તરફથી હજી ઉત્તરાર્ધ પ્રગટ થયો નથી. ન્યાયમાં થતો વિલંબ તો અન્યાયનું જ બીજું નામ છે. હજી કેટલું થોભવું પડશે? જસ્ટિસ નાણાવટીને હવે તો એમ કહેવાનું મન થાય છે: ‘સર હવે રિપોર્ટ ન આપો તોય ચાલશે.’ આપણા ઘરે આવેલા મહેમાન બારણે ટકોરા મારે છે. કોયલ એમ નથી કરતી, પરંતુ આપણા આંગણામાં ટહુકા વહેતા મેલે છે. બધો તફાવત નજાકતને કારણે પડી જાય છે. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ એક ટહુકો વહેતો મેલ્યો: ‘અનામત જ્ઞાતિને આધારે નહીં, પરંતુ આર્થિ‌ક માપદંડને આધારે નક્કી થવી જોઇએ.’

કોંગ્રેસના આ બ્રાહ્મણને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. લોકતંત્ર મર્યાદા પર નભતું હોય છે. લોકસભામાં બૂમ-બરાડા-કલ્ચર સાથે મરચાંનો પાઉડર છંટાય ત્યારે જવું ક્યાં? રામરાજ્ય પણ મર્યાદા પર નભેલું હતું. જનાર્દનભાઇને એક ખબર કોણ પહોંચાડશે? તા. ૨૩મી ફેબ્રુઆરી (૨૦૧૪)ને દિવસે કલોલમાં પાટીદારોની એક વિશાળ રેલી નીકળી અને એમાં પાટીદારો માટે ઓબીસી સ્ટેટસની માગણી જોરશોરથી કરવામાં આવી. આપણી શરમ પામવાની ક્ષમતા ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. લાભ મળતા હોય તો અમે ‘પછાત’ ગણાવા પણ તૈયાર લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. આપણા દેશમાં ઉજવણી અને પજવણી સાથોસાથ ચાલતી હોય એવો વહેમ પડે છે.

લોકસેવક અન્ના હજારેને મમતા બેનરજી દેશના વડાપ્રધાનપદ માટે યોગ્ય જણાયાં છે. મમતાજીની સાદગી પ‌શ્ચિ‌મ બંગાળને ખૂબ જ મોંઘી પડી છે. મોટા રોકાણકારોને એમના રાજ્યમાં રોકાણ કરવામાં જોખમ જણાય છે. મમતા અભ્રષ્ટ છે, પરંતુ ઇમોશનલી અપરિપકવ છે. એમનું મન સ્થિર નથી. સામ્યવાદી શાસનમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ બસુએ તાતાને નેનો કારના પ્રોજેક્ટ માટે માંડ તૈયાર કર્યા ત્યારે મમતાએ ધમાલ કરીને બુદ્ધદેવના પ્રયાસો પર પાણી ફેરવી દીધું. મમતાના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાં છે અને ભ્રષ્ટાચાર ઘટે એવી કોઇ જ શક્યતા જણાતી નથી. અન્ના તો મમતાજીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવા ઇચ્છે છે. એમને અરવિંદ કેજરીવાલ સામે વાંધો છે, મમતા સામે નહીં. અહીં તર્ક લંગડાતો જણાય છે.

પ્રાદેશિક પક્ષો દ્વારા ઊભી થનારી કોઇ પણ ફ્રન્ટ દેશ માટે લાભકારક નથી. કોંગ્રેસ અને રાહુલની બધી મર્યાદાઓ અંગે ઘણુંબધું લખાયું છે અને એ વાતમાં દમ છે. કોંગ્રેસનો પરિવારવાદ લોકતંત્ર માટે સ્વીકાર્ય ન હોય તોય એક વાત સ્પષ્ટ છે. જયલલિથા, મમતા, કેજરીવાલ, માયાવતી, મુલાયમ કે અન્ય કોઇ પણ પ્રાદેશિક પક્ષના નેતા દિલ્હીની ગાદી પર બેસે તેના કરતાં તો રાહુલ ગાંધી સો દરજ્જે સારા દેશનું શાસન કોઇ ફેડરલ ફ્રન્ટ સંભાળે ત્યારે શું થાય તેનો અનુભવ પ્રજાએ કરી લીધો છે. સમજુ નાગરિકો માટે અને લોકતંત્રના અભ્યુદય માટે અત્યારે કેવળ બે જ પક્ષો હિ‌તકારક છે: કોંગ્રેસ અને ભાજપ. છેલ્લા કેટલાક મહિ‌નાઓથી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાએ જે કાઠું કાઢી રહ્યા છે તેનો હરખ હોય તોય એક વાત નક્કી જાણવી.

નરેન્દ્ર મોદીની સફળતા જેટલી કોંગ્રેસને નડે છે, તેના કરતાંય વધારે કહેવાતા ત્રીજા મોરચાને કેમ નથી નડતી? ત્રીજો મોરચો એટલે તકવાદ, સોદાબાજી અને કુશાસનનો મોરચો. જયલલિથાએ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાની વાત કરી તેમાં વોટબેંકની આળપંપાળ હતી, પરંતુ રાષ્ટ્રીય હિ‌ત ગૌણ હતું. એ જ રીતે દલિત વોટબેંક સાચવવા માટે માયાવતી ગમે તે હદે જઇ શકે. મુસ્લિમ વોટબેંક જાળવવા માટે મુલાયમ ગમે તે હદે જઇ શકે. મમતા બેનરજી રેલવેપ્રધાન હતાં ત્યારે પણ પ‌શ્ચિ‌મ બંગાળને વિશેષ લાભ થાય તેવા પગલાં માટે જ તત્પર હતાં. આવા સંજોગોમાં આપણા દેશ પાસે જે બે રાષ્ટ્રીય પક્ષો છે, તે આપણી ખરેખરી લોકતાંત્રિક મૂડી છે.

દેશના સામ્યવાદીઓ પોતાના વાસી આદર્શોમાં કોઇ પરિમાર્જન કરવા તૈયાર નથી. એમની વિચારજડતા આર.એસ.એસ.ની વિચારજડતા જેવી જ છે. મગજનાં બારીબારણાં બંધ હોય ત્યાં લોકતંત્રને ગૂંગળામણ થાય છે. આર. એસ. એસ. પોતાની રીતે સતત ભાજપના ખુલ્લાપણા પર બ્રેક મારવાનું કામ કરે છે. ખુલ્લાપણાનું બીજું નામ હિંદુત્વ છે. બંધિયાર હિંદુત્વ એ તો વદતોવ્યાઘાત (oxymoron) છે. કટ્ટર હિ‌ન્દુત્વ એ વેદવિરોધી અને ઉપનિષદવિરોધી દુર્ઘટના ગણાય. અરવિંદ કેજરીવાલ અંગે હું જબરી દ્વિધામાં છું. ક્યારેક તો કેજરીવાલ રાજકારણી જણાય છે અને ક્યારેક (ખાદી ન પહેરનારા) સર્વોદય કાર્યકર જેવા પણ જણાય છે. ક્યારેક તેઓ દિલ્હી દરબારમાં અટવાતા વિચિત્ર પાત્ર જેવા જણાય છે. મારી દ્વિધા છેક કારણ વિનાની નથી. થોડાક દિવસ પર દેશના બિઝનેસમેનો સમક્ષ (CII સંસ્થામાં) પ્રવચન કરતી વખતે કેજરીવાલે કહ્યું:
અમે મૂડીવાદની વિરુદ્ધ નથી, પરંતુ
અમે ભ્રષ્ટ મૂડીવાદની વિરુદ્ધ છીએ.
સરકારનું કામ બિઝનેસમાં
પડવાનું હરગિજ નથી.
એ કામ તો પ્રાઇવેટ કંપનીઓ
પર છોડી દેવું જોઇએ.
લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજનો
અંત આવવો જોઇએ.

અરવિંદ કેજરીવાલના આ શબ્દો સાથે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડનાર મેધા પાટકર સહમત થશે? શું આમ આદમી પાર્ટી મોટી નહેર યોજના કે મોટાં કારખાનાં શરૂ થાય તે માટે તૈયાર થશે? આજનાં મહાનગરોમાં મોટા ફ્લાય-ઓવર્સ કે પછી દેશમાં લંબાયે જતા લાંબા-પહોળા હાઇ-વેના બાંધકામ માટે જરૂરી એવાં સીમેન્ટનાં મોટાંમસ કારખાનાંનું શું? બીજી અગત્યની વાત. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલ મૌલાના તૌકીર ખાનને ઘરે શું કેવળ ચા પીવા માટે જ ગયા હતા કે? એ મુલ્લાએ તસ્લિમા નાસરિન જેવી લેખિકા સામે ફતવો બહાર પાડયો હતો. કેજરીવાલની નજર (શાઝિયા ઇલ્મીના બનેવી) આરિફ મોહંમદ ખાન જેવા સો ટચના સેક્યુલર નેતા પર કેમ ન પડી? અરે લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજની સામે કેજરીવાલે જે શબ્દો પોતાના પ્રવચનમાં ઉચ્ચાર્યા હતા, તેવા જ શબ્દો તો સ્વરાજ પછીના પ્રથમ દાયકામાં સદ્ગત રાજાજી, મસાણી અને મુનશીએ ઉચ્ચાર્યા હતા.

કેજરીવાલની પાર્ટી સમાજવાદી છે કે મૂડીવાદી? થોડાક સમય પર નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કહ્યું હતું: ‘It is not the business of the government to be in business.’ તફાવત ક્યાં રહ્યો? સમાજવાદ અને મૂડીવાદ સરકારમાં કે સમાજમાં એકસાથે રહી શકે? ફતવો સેક્યુલર હોઇ શકે? આમ આદમી પાર્ટી મોટો ખર્ચ કર્યા વિના ચૂંટણી લડી શકશે? દુનિયામાં ક્યાંય ગરીબી નાબૂદ કરવામાં સમાજવાદ કે સામ્યવાદને સફળતા મળી છે? આ બધા પ્રશ્નો મોં ફાડીને સામે ઊભા છે. ગરીબને નામે જોરથી બરાડા પાડવાથી જો ગરીબી ઘટતી હોત, તો ભારત ક્યારનુંય સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું હોત.’

(લખ્યું: મહાશિવરાત્રિ, પૂજ્ય રવિશંકર મહારાજ અને આદરણીય મોરારિબાપુની જન્મતિથિ)
પાઘડીનો વળ છેડે
જ્ર્યોજ ઓરવેલના
શ્વાનનું નામ માક્ર્સ હતું.
શોપનહોઅરના
શ્વાનનું નામ આત્મા હતું.

ગુણવંત શાહ

અમેરિકન રાજનીતિનું મધ્યબિંદુ:અમેરિકા ફર્સ્ટ.DIVYA BHASKER, 2-3-2014

બગદાદથી લગભગ ૬૦ કિલોમીટર છેટે બેબિલોન આવેલું હતું

યાદ છે? ૨૦૦૩ના એપ્રિલ મહિનામાં તમારા ઘરના ટીવીના પડદા પર બગદાદ શહેરના અંધારિયા આકાશમાં ગતિમાન એવાં તેજલ ટપકાં નજરે પડતાં હતાં. એ ટપકાં દિવાળીના દિવસોમાં ફટાકડા રૂપે આકાશમાં ઊંચે જતી હવાઇની ચળકતી આતશબાજીનાં ટપકાં ન હતાં. એ તો અમેરિકાએ બગદાદ પર વરસાવેલા બોમ્બમાંથી વછુટતાં મૃત્યુબિંદુઓ હતાં. એવું એક જ ટપકું આપણા કોઇ ફિળયામાં પડે તો અગ્નિપથ પર આપણી અંતિમ યાત્રા શરૂ થઇ જાય. ઇરાક પર થયેલા અમેરિકન આક્રમણનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો તે વાક્ય છે: કીડી પર કટક!

ઇરાક કેવળ એક દેશનું નામ નથી. એ તો પુરાણ-પુરાતન એવી બેબિલોનિયન સંસ્કૃતિનું પારણું છે. બેબિલોન એક અતિ પ્રાચીન નગર હતું, જે ઇ.સ. પૂર્વે ૨૩૦૦થી બેબિલોનિયા વિસ્તારની રાજધાની તરીકે વિખ્યાત હતું. હાલના બગદાદથી લગભગ ૬૦ કિલોમીટર છેટે બેબિલોન આવેલું હતું. યુક્રેટિસ નદીને કાંઠે આવેલું એ અત્યંત સમૃદ્ધ નગર હતું. ત્યાં એક દેવળ હતું અને તેનો મિનારો ૧૮૦૦ ફૂટ ઊંચો હતો. તે મિનારા પર એક વેધશાળા પણ હતી. એ પુરાતન સંસ્કૃતિનો સુવર્ણયુગ ઇ.સ. પૂર્વે ૨૮૦૦થી ઇ.સ પૂર્વે ૧૭૦૦નો ગણાય છે. બુદ્ધ, મહાવીર, લાઓત્ઝુ, કન્ફ્યુશિયસ, પાયથોગોરસ, હિરેકિલટસ, સોક્રેટિસ અને અશો જરથુષ્ટ્ર પૃથ્વી પર થઇ ગયા તે પહેલાંનો એ સમયગાળો હતો.

બગદાદ પર બોમ્બવર્ષા થતી જોઇ ત્યારે મારા મનમાં જે તુફાન જાગ્યું હતું તેનો આ સાર ગણાય. એ બોમ્બવર્ષા જગતની અત્યંત પુરાતન સંસ્કૃતિ પર થઇ રહી હતી.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બુશ ભુરાયા થયા હતા. યુ. એન.ઓ. જાય ભાડમાં! સલામતી સમિતિ જાય ચૂલામાં! અમારે તો સદ્દામ હુસેનનું ડોકું તાસક પર જોઇએ. તલવારથી દાઢી કરવાનો શોખ ધરાવતા અમેરિકાનો ઈતિહાસ યુદ્ધપ્રેમનો ઈતિહાસ છે.પોતાની વિરાટ લશ્કરી તાકાત વાપરીને અન્ય દેશોને મસળી કાઢવામાં અમેરિકાએ કોઇ કસર બાકી રાખી નથી. કોરિયામાં યુદ્ધ થયું અને કોરિયાના બે ટુકડા થયા તેમાં પણ અમેરિકા સક્રિય હતું.

વિયેટનામ યુદ્ધમાં જ્યાં એક બોમ્બની જરૂર હોય, ત્યાં અમેરિકાએ દસ નાપામ બોમ્બની વર્ષા ઉત્તર વિયેટનામનાં ગામો પર કરી હતી. ઇરાક પર થયેલા લશ્કરી આક્રમણ વખતે વિશ્વમત બુશની યુદ્ધખોર દાનતથી નાખુશ હતો. ફ્રાન્સ, જર્મની અને ચીન અમેરિકાની સાથે ન હતા. બ્રિટનની સરકારનો અમેરિકાને ટેકો હતો, પરંતુ બ્રિટનની પ્રજા ઇરાક પર થયેલા આક્રમણ વખતે અમેરિકાથી વિરુદ્ધ હતી. ‘માનવ-અધિકાર’ જેવા બે પવિત્ર શબ્દો બોલવાનો ઓછામાં ઓછો અધિકાર ધરાવતા સમૃદ્ધ દેશનું નામ અમેરિકા છે. સદ્દામ હુસેન ક્રૂર, યુદ્ધખોર, મતીલો, તંતીલો અને વટને ખાતર દેશને યુદ્ધમાં હોમી દેનાર (મેગલોમેનિયેક) સરમુખત્યાર હતો. એના શાસનમાં નાગરિકોને મૂગા મરવાની અને તાબે થઇને જીવવાની છુટ જરૂર હતી.

સદ્દામ બદમાશ હતો અને બુશ ‘શરીફ બદમાશ’ ગણાય તેવો શાસક હતો. અમેરિકન રાજનીતિનું મધ્યબિંદુ એટલે: ‘અમેરિકા ફર્સ્ટ.’ મન વિચારે ચડી જાય છે. માનવજાતની શ્રદ્ધા હિંસા પરથી ઊઠી ગઇ છે, પરંતુ એ જ શ્રદ્ધા અહિંસા પર બેઠી નથી. હજી લોકોને સેક્સ અને હિંસાથી લથપથ એવી (‘રામલીલા’ જેવી) ફિલ્મો ગમે છે. એ ફિલ્મમાં ગરબો ગાનારાં સૌ ‘હે ભાઇ’ શબ્દ બોલીને ઠુમકો મારે ત્યારે હવામાં રિવોલ્વરના ધડાકા કરે છે. તમે ક્યારેય જીવનમાં દાંડિયાને બદલે રિવોલ્વરવાળી રાસલીલા જોઇ છે? એ ફિલ્મમાં સેક્સ અને હિંસાને લગભગ વાનગીની માફક પીરસવામાં આવે છે.

માનશો? ફિલ્મોમાં હિંસાના અતિરેકની શરૂઆત ૧૯૬૬-૬૭ના વર્ષમાં ‘Bonnie and Clyde’ નામની ફિલ્મથી થયેલી. જ્યારે એ ફિલ્મ એન આર્બર (મિશગિન)ના થિયેટરમાં જોઇ ત્યારે જબરો આંચકો લાગેલો અને મોટા પાયા પર અમેરિકામાં ચર્ચા જાગેલી. આજે તો એ ફિલ્મમાં બતાવાતી હિંસા સાવ નોર્મલ ગણાવા લાગી છે. ધીમે ધીમે પ્રેક્ષકોને સાવ ખુલ્લી સેક્સ અને વધુ પડતી હિંસા નિહાળવાની ટેવ પડી જાય છે. આવા માહોલમાં મહાત્મા ગાંધી ક્યાં અને એમણે પ્રબોધેલી અહિંસા ક્યાં? જવાબમાં એક ઐતિહાસિક પત્ર પ્રસ્તુત છે. પત્રનો એક એક શબ્દ કાન દઇને સાંભળવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધના માહોલમાં મહાત્મા ગાંધીએ અમેરિકન પ્રજાને ઉદ્દેશીને તા. ૩૧-૧૦-૧૯૪૨ને દિવસે ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવ બાદ લખ્યો હતો. માત્ર સાર સાંભળો:

– ‘ગ્રેટ બ્રિટન પણ અપવાદ ન ગણાય તેટલી મોટી સંખ્યામાં સૌથી વધારે મિત્રો મારે જો પશ્ચિમમાં હોય, તો કદાચ અમેરિકામાં હશે. અમેરિકામાં તો મારે માટે, જેને રોગ કહી શકાય તેવી, વ્યક્તિપૂજા પ્રચલિત છે.’
– ‘ન્યૂયોર્કના યુનિટી ચર્ચના વડા ડૉ.. હોલ્મ્સ તો મને અંગત રીતે જાણતા પણ નથી, તોય મારે માટે પબ્લિસિટી કરનારા એજન્ટ જેવા બની રહ્યા છે. એમણે મારે માટે કેટલીક એવી સારી સારી વાતો કહી છે, જેની તો મને પોતાને પણ ખબર ન હતી.’
– ‘તમે લોકોએ મને શિક્ષક રૂપે થોરો આપ્યા, જેમણે પોતાના નબિંધ ‘ડ્યૂટી ઓફ સિવિલ ડિસોબિડિયન્સ’ દ્વારા મેં દક્ષિણ આફ્રિકામાં જે કંઇ કર્યું તેના પર મહોર મારી છે. ગ્રેટ બ્રિટને મને રસ્કિન આપ્યા, જેમની ‘અન ટુ ધિસ લાસ્ટ’ પુસ્તિકાએ મને રાતોરાત બદલી નાખ્યો અને શહેરી વકીલમાંથી મને ડરબનથી થોડેક છેટે આવેલા એક (ફિનિકસ) ખેતર પર રહેનારો ગામડિયો બનાવી દીધો! અને રશિયાએ મને ટોલ્સ્ટોય આપ્યા, જેમણે મારી અહિંસાને તર્કયુકત આધાર આપ્યો.’

– ‘તમે લોકો બ્રિટન સાથે સમાન કારણસર જોડાયા છો. જરાક તો વિચારો. શું ભારત બિનશરતી આઝાદીની માગણી કરે તેમાં કોંગ્રેસ કશુંય ખોટું કરી રહી છે ખરી?’
– ‘મારી માગણી તમારી પાસે એટલી જ છે કે તમે ભારતની સ્વતંત્રતાને તરત જ માન્યતા આપો અને એને અત્યંત અગત્યના યુદ્ધ-પ્રયાસ તરીકે સમજો.’

કેવો ઇત્તફાક છે? બીજા વિશ્વયુદ્ધ વખતે પણ બ્રિટન અને અમેરિકા સાથી દેશો (એલાઇઝ) હતા અને ઇરાક સાથેના યુદ્ધમાં પણ એ બંને દેશો સાથી જ રહ્યા! જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે માનવીનું લોહી કારણ વિના વહેતું થાય ત્યારે માનવસમાજ સભ્યતા ચૂકે છે. એ એક એવી અસભ્યતા છે, જેને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કહેવામાં આવે છે. એવી જ અસભ્યતાને ફિલ્મ લાઇનમાં મનોરંજન કહેવામાં આવે છે. એવી જ અસભ્યતાને અગિયારમી સદીમાં ક્રુસેડ કહેવામાં આવી હતી અને એવી જ અસભ્યતાને આજે તાલબિાનો જેહાદ કહે છે.

હિંસાની હોળી એ અસભ્યતા નથી, પણ બર્બરતા છે. બુદ્ધ, મહાવીર, ઇસુ, મહંમદ અને ગાંધીને આપણે હરાવી દીધા છે. મહાત્મા ગાંધીએ માનવજાતને કહ્યું: ‘શાંતિનો કોઇ માર્ગ નથી, શાંતિ જ માર્ગ છે.’ બેબિલોનિયન સંસ્કૃતિ કરતાંય વધારે પુરાતન એવી ભારતીય સંસ્કૃતિના વૈદિક સાહિત્યમાં સૌથી વધારે વાર પ્રયોજાતો શબ્દ ‘શાંતિ’ છે. ઉપનિષદોના પ્રારંભે શાંતિમંત્ર વાંચવા મળે છે. રોજ પાંચ વાર ઊંડા શ્વાસ લઇને ઉદ્ગારવું રહ્યું: î શાંતિ: શાંતિ: શાંતિ:!‘

પાઘડીનો વળ છેડે
અમે અમેરિકનો છીએ.
અમે સરળ લોકો છીએ,
પરંતુ
જો તમે અમારા પર
પેશાબ કરશો, તો પછી
અમે તમારાં શહેરો પર
બોમ્બવર્ષા કરીશું.
– રોબિન વિલિયમ્સ

તલવારથી દાઢી કરવાનો શોખ ધરાવતા અમેરિકાનો ઈતિહાસ યુદ્ધપ્રેમનો ઈતિહાસ છે. પોતાની વિરાટ લશ્કરી તાકાત વાપરીને અન્ય દેશોને મસળી કાઢવામાં અમેરિકાએ કોઇ કસર બાકી રાખી નથી. ઇરાક પર થયેલા આક્રમણ વખતે વિશ્વમત બુશની યુદ્ધખોર દાનતથી નાખુશ હતો.

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

Article in Divya Bhasker,8-12-2009

લોકતંત્રની વાડમાં કેટલાં છીંડાં?

Gunvant Shah

શીલા દીક્ષિત જેવાં મુખ્યપ્રધાન જનમટીપ પામેલા મનુ શર્માને પેરોલ પર છોડવાની બાબતે પોતાના હસ્તાક્ષર શી રીતે આપી શકે? દેશની જનતાને એક બાબત નથી સમજાતી. લાલુ યાદવની જગ્યાએ કોઇ સામાન્ય નાગરિક હોત તો એને જેલની બહાર રહીને રેલવે પ્રધાન બનવાની તક પ્રાપ્ત થઇ હોત ખરી? શિકારનો શોખ ધરાવનારા પટૌડીને જેલની બહાર રહેવાની તક મળી હોત ખરી? આવા જ ગુના હેઠળ સલમાન ખાન આજે નિરાંતે જેલની બહાર રહીને કમાણી કરે છે. સંજય દત્તને જેલની સજા થઇ, પરંતુ જામીન મેળવ્યા પછી એ એવી રીતે જીવે છે, જાણે ગુનો થયો જ નથી. Gunvant Shah

Gunvant Shahયાદ આવે છે? શિવસેનાની સ્થાપના થઇ પછી પહેલી રાજકીય હત્યા ક્રિશ્ના દેસાઇની થઇ હતી. ૧૯૬૭-૬૯ના ગાળામાં દત્તા સામંત મુંબઇની મજૂર આલમમાં લોકપ્રિય નેતા હતા. દત્તા સામંતને હરાવવા માટે કોંગ્રેસે શિવસેના સાથે હાથ મેળવ્યા હતા.

ક્રિશ્ના દેસાઇ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં મજૂર-નેતા હતાં. એમની હત્યા થઇ પછી કદીય શિવસેનાએ પોતાનું ગુંડાસ્વરૂપ છુપાવ્યું નથી. એ ગુંડાસેનાએ અનેક ડોક્ટરોને, નર્સોને, પત્રકારોને, અભિનેતાઓને, વેપારીઓને અને નિર્દોષ બિનમહારાષ્ટ્રીયનોને હેરાન-પરેશાન કર્યા છે. એનો તો અંદાજ માંડવો મુશ્કેલ છે.

શરૂઆત દક્ષિણ ભારતીય નાગરિકોને હેરાન કરવાથી થઇ અને પછી હિંદુત્વના કોન્ટ્રાક્ટર બની જઇને શિવસેનાએ મુસલમાનોએ નિશાન બનાવ્યા. બેફામ ગુંડાગીરી કરાવ્યા પછી પણ બાળ ઠાકરેને જેલમાં જવાનો વારો ન આવ્યો. કોંગ્રેસ એમનાથી કાયમ ગભરાતી રહી અને ભાજપે એમને આદર આપ્યો. મુંબઇ પાંચ દાયકા જેટલું પાછળ રહી ગયું!

વ્યવસાયે કાટૂર્નિસ્ટ એવા ઠાકરે પોતે હવે કાટૂર્ન બની ગયા છે. શિવસેનામાં ઊભી તિરાડ પડી છે. ઉઘ્ધવ અને રાજની દુકાનો અલગ થઇ ગઇ છે. રાજ ઠાકરેની આક્રમકતા ઉઘ્ધવની આક્રમકતાને હરાવી દેનારી છે. બંને કહે છે : ‘તારા ગુંડાઓ કરતાં મારા ગુંડાઓ વધારે સંનિષ્ઠ છે.’

કોંગ્રેસ-એન.સી.પી.ને એ તિરાડ આબાદ ફળી છે. જો રાજ ઠાકરેની ગુંડાગીરીનો ચોકો જુદો ન હોત, તો ગઇ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન અવશ્ય હારી ગયું હોત. સચિન તેંડુલકરે કહ્યું : ‘હું ભારતીય છું અને મહારાષ્ટ્રી હોવાનું મને ગૌરવ છે.’ બસ, બાળ ઠાકરેનો મિજાજ ગયો. સચિનની વાતને દેશના બધા સમજુ નાગરિકોનો ટેકો પ્રાપ્ત થયો.

બાળ ઠાકરેએ મોરારજી દેસાઇને પણ ન છોડ્યા અને એમને, ‘માનવભક્ષી મર્ડરજી મોરારજી’ કહ્યા. શિવસૈનિકોએ મરાઠી ટીવી ચેનલ આઇ.બી.એન. લોકમતની કચેરી પર પહોંચીને મવાલીગીરીનું પ્રદર્શન કર્યું. લગભગ એવી જ મવાલીગીરી રાજ ઠાકરેના ગુંડાઓએ મહારાષ્ટ્ર વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ હિંદીમાં શપથ લીધા ત્યારે કરી હતી.

ટૂંકમાં વાત એટલી કે મુંબઇને બાળ ઠાકરેના પરિવારે બાનમાં રાખ્યું છે. ક્રિશ્ના કમિશને બાળ ઠાકરેને દોષિત ઠેરવ્યા છે, છતાં કોંગ્રેસની સરકારોએ એમના અહેવાલને અભરાઇને મૂકી રાખ્યો છે. અશોક ચવાણે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. આવી પોલી ખાતરી આપનારા તેઓ પહેલા મુખ્યપ્રધાન નથી. રાહ જોઇએ.

ભારતીય લોકતંત્રની વાડમાં કેટલાં છીંડાં? સેક્યુલરિઝમની વંડીમાં કેટલાં બાકોરાં? શિવસેના, બજરંગદળ અને રામસેના જેવાં હિંદુ સંગઠનો પર પ્રતિબંધ મૂકવા માટે હજી કેટલી ગુંડાગીરી સહન કરવાની બાકી છે?

નછૂટકે અંગત વાત કરવી છે. આ કટારમાં છેલ્લાં વીસેક વર્ષથી બાળ ઠાકરેની કડક આલોચના થતી રહી છે. વર્ષો પહેલાં એમની વિરુદ્ધ એક લેખ એક ગુજરાતી અખબારના માલિક અને તંત્રીને પહોંચાડ્યો હતો. એમનો ફોન આવ્યો : ‘ગુણવંતભાઇ, એ લેખ મુંબઇની આવૃત્તિમાં પ્રગટ થાય અને ત્યાંની અમારી ઓફિસને આગ લગાડવામાં આવે તો મારે શું કરવાનું?

મેં કહ્યું : ‘આગ લાગે તેવું હોય તો લેખ ન છાપશો.’ એક પણ શબ્દના ફેરફાર વિના એ લેખ પ્રગટ થયો હતો. અને હા, આગ લગાડવામાં આવી ન હતી. ભારતીય જનતા પાર્ટી જો રાષ્ટ્રીય પક્ષ તરીકે ટકી રહેવા માગતી હોય, તો તેણે જેમ બને તેમ જલદી શિવસેના સાથે છૂટાછેડા લેવા જોઇએ.

આવી તક વારે વારે નહીં મળે. રાજકારણમાં ‘અક્કલવાળું જોખમ’ ખેડવું એ લાભદાયી છે એવું ઇન્દિરાજીએ અને નરેન્દ્ર મોદીએ સિદ્ધ કરી બતાવ્યું છે. શિવસેનાની કીમોથેરપી ચાલી રહી છે. રોગની પીડા કરતાંય ઉપચારની પીડા વધારે? શિવસેનાને શિવાજીનું નામ ઉચ્ચારવાનો પણ અધિકાર નથી. વર્ષો પહેલાં મેં એને ‘અશિવસેના’ કહી હતી.

લોકતંત્રના રથનાં બે પૈડાં છે : કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને કોઇ બાંધછોડ ન હોઇ શકે. એ મુદ્દે દેશના ત્રણે રાહુલ સમાન જાણવા : રાહુલ ગાંધી, રાહુલ મહાજન અને રાહુલ ભટ્ટ. એ ત્રણમાં કેવળ પ્રથમ રાહુલનું અભિજાત્ય શંકાથી પર છે.

શીલા દીક્ષિત જેવાં મુખ્યપ્રધાન જનમટીપ પામેલા મનુ શર્માને પેરોલ પર છોડવાની બાબતે પોતાના હસ્તાક્ષર શી રીતે આપી શકે? દેશની જનતાને એક બાબત નથી સમજાતી. લાલુ યાદવની જગ્યાએ કોઇ સામાન્ય નાગરિક હોત તો એને જેલની બહાર રહીને રેલવે પ્રધાન બનવાની તક પ્રાપ્ત થઇ હોત ખરી?

શિકારનો શોખ ધરાવનારા પટૌડીને જેલની બહાર રહેવાની તક મળી હોત ખરી? આવા જ ગુના હેઠળ સલમાન ખાન આજે નિરાંતે જેલની બહાર રહીને કમાણી કરે છે. સંજય દત્તને જેલની સજા થઇ, પરંતુ જામીન મેળવ્યા પછી એ એવી રીતે જીવે છે, જાણે ગુનો થયો જ નથી.

સમર્થ વકીલો ખૂબ મોંઘા હોય છે અને ગુનેગારને નિર્દોષ સાબિત કરી શકે એટલા પહોંચેલ હોય છે. ભારતના ગરીબ ગુનેગારને આવો લાભ મળી શક્યો હોત ખરો? ન્યાયતંત્ર પણ જ્યારે ધનતંત્ર અને શાસનતંત્રથી પ્રભાવિત હોય ત્યારે ગરીબ ચીભડાંચોરને જેલમાં મારપીટ સહન કરવી પડે છે. વિક્ટર હ્યુગોની વિખ્યાત નવલકથા ‘લા મિઝરેબલ’ હજી આજે પણ ટટ્ટારપણે પ્રસ્તુત છે.

સોહરાબ મોદીની ફિલ્મ ‘કુંદન’ તમે જોઇ હશે. નવલકથાનો ગુજરાતી અનુવાદ પામેલા પુસ્તકનું મથાળું હતું : ‘ગુનો અને ગરીબાઇ’. ન્યાયમાં થતો વિલંબ એ જ ન્યાયની વિડંબના! શબ્દકોશમાં જ જોડણીદોષ હોય તો જવું પણ ક્યાં! બધાં જ તપાસ કમિશનોના રિપોર્ટ ઊધઇનો આહાર બનતા રહ્યા છે.

યુરોપિયન યુનિયનમાં જોડાયેલા દેશો સભ્ય સમાજ (સિવિલ સોસાયટી)ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. એ દેશોમાં ફાંસીની સજા રદ થઇ છે. વર્ષોથી ટર્કી યુરોપિયન યુનિયનમાં જોડાવા મથી રહેલું રાષ્ટ્ર છે. જો ટર્કીને પ્રવેશ મળે, તો ટર્કી દુનિયાનો પહેલો મુસ્લિમ દેશ હશે, જ્યાં ફાંસીની સજા નહીં હોય.

બ્રિટન જેવા ખાસા લિબરલ દેશમાં થોડાંક વર્ષો પર બોમ્બ ધડાકા થયા. બીજે દિવસે ધોળા અજવાળામાં લંડનના રેલવે સ્ટેશન પર પાકા વહેમને આધારે એક માણસ પર લંડનના પોલીસે ગોળી છોડી. પાછળથી ખબર પડી કે મરી ગયો તે માણસ તો બ્રાઝિલનો નિર્દોષ નાગરિક હતો.

કલ્પના કરો, એ પોલીસ આજે ક્યાં હશે? એ પોલીસ જેલમાં નથી. એને સખત ઠપકો (રિપ્રિમાન્ડ) આપવામાં આવ્યો છે અને એ નોકરીમાં ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની માવજત કરવી હોય તો રક્ષક અને ભક્ષક વચ્ચેનો ભેદ સમજવો પડે.

મુંબઇમાં ઇન્ડિયા ગેટની અંદર ભોંય પર પાથરણાં પાથરીને પડી રહેલા અર્ધલશ્કરી જવાનો દરિયાપારથી આવનારા આતંકવાદીઓથી આપણું રક્ષણ કરી શકશે? પોલીસ કંઇ માનવયંત્ર (રોબો) નથી. એને પણ બાળબરચાં હોય છે. એને પણ પ્રતીક્ષા કરનારી પત્ની હોય છે. એને પણ માનવ-અધિકાર મળવા જોઇએ. પોલીસ કંઇ વાપરવાની ચીજ નથી.

રાજ ઠાકરે અને મુત્તાલિક (રામસેના) જેવા ‘ગુનાહોં કે દેવતા’ રાજકારણની ચોપાટ રમતા હોય છે. સભ્ય સમાજમાં એમનું સ્થાન જેલમાં હોવું જોઇએ. શરમનો કુલ જથ્થો ખૂટી પડે ત્યારે મિડિયા પર હુમલા થતા હોય છે. મિડિયા લોકતંત્રની ચોથી જાગીર છે.

મિડિયા-જસ્ટિસ જોખમકારક બાબત છે. એ ન્યાયતંત્રને દબાણમાં મૂકે છે અને બિનગુનેગારને આગળથી ગુનેગાર ઠેરવી દે છે. બાળ ઠાકરે ઘરડા થયા છે. તેઓ ભીષ્મ નથી, ધૃતરાષ્ટ્ર છે. (આ લેખ તા.૨૬/૧૧ની પુણ્યતિથિએ લખાયો છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાં બધાં નિર્દોષ લોકો અને શહીદ થયેલા જવાનોની સ્મૃતિને વંદન.)

પાઘડીનો વળ છેડે…
અંધારાએ કહ્યું : ‘સાવધાન!
દૂર દૂરથી પ્રકાશ લઇને કોઇ આવી રહ્યું છે.
સૂરજનું પ્રથમ કિરણ આવી પહોંચે
તે પહેલાં જ એને ખતમ કરી નાખો,
કારણ કે આપણને હવે કોઇ
જયપ્રકાશનું આગમન પરવડે તેમ નથી.’

(વર્ષો પહેલાં હૃદયમાં ઊગેલી પંક્તિઓ)