ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી.
સ્વરાજ મળ્યું પછી ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. એમના મંત્રાલયમાં ડો. કે. જી. સૈયદ્દીન નામના અત્યંત ઉમદા વિચારક સર્વોચ્ચ અધિકારી તરીકે સેવા અપી રહ્યા હતા. સદ્્ગત ડો. સૈયદ્દીને શિક્ષણ પર લખેલા એક પુસ્તકનું મથાળું છે: ‘The Faith of An Educationist.’ પુસ્તકમાં એક પ્રસંગ વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યો હતો તે મને હજી યાદ છે. ડો. સૈયદ્દીન એમના કોઇ મિત્ર સાથે ચાલવા નીકળ્યા. એ મિત્રને શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હતી. ડો. સૈયદ્દીને એ મિત્રને પ્રશ્ન પૂછ્યો: ‘માણસ શિક્ષિત ક્યારે ગણાય?’ આવા ગહન પ્રશ્નનો મિત્રે જે જવાબ આપ્યો તે સૈયદ્દીન સાહેબના હૃદયને સ્પર્શી ગયો. મિત્રે કહ્યું: ‘કોઇ માણસ ‘શિક્ષિત’ છે કે નહીં તે જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછવા પડે.’
1. એ કોઇ વિચારને માણી શકે છે?
2. એ બીજા માણસને માણી શકે છે?
3. એ પોતાની જાતને માણી શકે છે?
આ ત્રણ પ્રશ્નોના જવાબમાં ‘શિક્ષણ’ નામની દિવ્ય ઘટનાનો મર્મ છુપાયો છે.
કોઇ નવા વિચારનો આવિર્ભાવ જો માણસને ઝંકૃત ન કરી શકે, તો તેને શિક્ષિત કહેવાનું યોગ્ય ખરું? જર્મન કવિ ગોથેએ જ્યારે મહાકવિ કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચ્યું ત્યારે એમાં એક એવું વિધાન હતું, જે વાંચીને ગોથે શાકુંતલ માથે મૂકીને નાચવા લાગ્યો હતો. એ વિધાન હતું: ‘એ માતાપિતાને ધન્ય છે, જેમનાં શરીર બાળકનાં અંગો સાથે વળગેલી ધૂળથી મેલાં થાય છે. (ધન્યાસ્તદંગરજસા મલિની ભવન્તિ).’ મને ઝંકૃત કરી ગયેલું એક વિધાન મોહંમદ પયગંબરનું છે. તેઓ કહે છે:
વિદ્વાન માણસની શાહી (ink)
તો શહીદના લોહી કરતાંય
અધિક પવિત્ર છે.
અહીં ઉપસ્થિત એવા સર્વ યુવાનોને વિચારમાં નાખી દે તેવું એક વિધાન રજૂ કરું? ‘આર્યસપ્તશતી’માં ગોવર્ધનાચાર્યજીએ એક શ્લોકમાં કહ્યું છે: ‘ધનસંપત્તિ તો ગણિકા જેવી છે. એ અતિશય આનંદ આપે, પરંતુ ઓળખાણ જરાય ન રાખે! સરસ્વતી તો કુલવધૂ જેવી છે, જે જન્મજન્માંતરે પણ આપણો સાથ ન છોડે.’ માણસ ‘શિક્ષિત’ છે એની બીજી નિશાની કઇ? જે મનુષ્યના હૃદયમાં કોઇ અજાણી વ્યક્તિનો સ્વીકાર નથી તે ‘અશિક્ષિત’ ગણાય. રવીન્દ્રનાથ ટાગોરનું વિધાન છે: ‘There are no strangers in the world, they are friends who never met before.’ આવું સર્વાશ્લેષી વલણ ક્યારે પ્રગટ થાય? જવાબમાં મારું એક ગદ્યકાવ્ય પ્રસ્તુત છે:
પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે.
માણસ શિક્ષિત છે એની ત્રીજ નિશાની કઇ? એ નિશાનીનો સંબંધ આપણી ભીતર પડેલી ચેતના સાથે રહેલો છે. તમે પોતાની જાતથી કંટાળી ગયેલા માણસને મળ્યા છો? આસપાસ નજર નાખશો તો એવા ઘણા માણસો મળી આવશે જેઓ ‘કટી પતંગ’ની માફક પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. તેઓ પોતાના એકાંતથી ખૂબ જ ડરતા હોય છે. રાતે ટીવીના પડદા પર જે કાંઇ પીરસાય તે તેઓ લાચારીપૂર્વક જોયા કરે છે. એમણે એક યા બીજી રીતે વખત મારવો પડે છે. શું વખત એ મારવાની ચીજ છે? એકલતા (loneliness) માણસને પજવે છે, પરંતુ એકાંત (aloneness) તો બહુ ઊંચી બાબત છે. બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે. હેન્રી ડેવિડ થોરોએ એકાંતને ‘પરમ મિત્ર’ તરીકે ઓળખાવ્યું હતું.
વર્ષો પહેલાં રેડિયો પાકિસ્તાન પર એક વાક્ય સાંભળવા મળેલું: ‘આદમી જિતની બુલંદી પર પહૂંચતા હૈ, ઉતના હી તન્હા હો જાતા હૈ.’ ઘણાખરા માણસો એકાંતથી ડરે કેમ છે? કારણ કે તેઓ પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. આવી દુર્ઘટના માટે કાર્લ માર્ક્સે એક શબ્દ પ્રયોજ્યો હતો: ‘Alienation.’ એલિયનેશન એટલે સંબંધવિચ્છેદ. રાતે ટીવી પર જોવા મળતી ભંગાર સિરિયલ પણ લોકો કેવળ ‘વખત મારવા’ માટે રોજ જોતા રહે છે. બીજું કરવું પણ શું? આવી લાચારી ‘અશિક્ષિત’ હોવાની સબળ નિશાની છે. તમે ખીલે બંધાયેલી ગાયની આંખો ધારી ધારીને જોજો. એ આંખોમાં તમને મૂર્તિમંત મજબૂરી જોવા મળશે. ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. વર્ષો પહેલાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ શિક્ષણને ‘ચેતનાની ખેતી’ તરીકે પ્રમાણેલું. ચેતનાની ખેતી એટલે શું? ચેતનાની ખેતી એટલે તમારી ભીતર પડેલી શક્યતાની ખેતી! સાંભળો:
તમે માણસ છો અને
માણસનું સર્જન કરતી વખતે
ઇશ્વર જે દ્રવ્ય વાપરે છે
તેનું નામ શક્યતા છે.
હે યુવાન મિત્રો!
તમે કશીક એવી શક્યતા લઇને
જન્મ્યા છો, જે અન્ય પાસે હોય
તેના કરતાં સાવ નોખી-અનોખી છે.
તમે થોડીક મથામણ કરો ત્યારે
તમને પ્રાપ્ત થયેલી
એ ખાસ શક્યતાના અણસારા
ખાનગી રીતે તમને મળવા લાગે છે.
એક વાર તમને એ દિવ્ય અણસારા
પ્રાપ્ત થાય પછી દુનિયાની કોઇ તાકાત
તમને શક્યતાના વિશાળ આકાશમાં
પાંખો ફફડાવતા રોકી નહીં શકે.
મિત્રો અને સ્વજનો તમને
ઉડ્ડયન કરતા જોશે ત્યારે
આશ્ચર્યમાં પડી જશે કે વિરોધ પણ કરશે.
જો તમે કેવળ તમને મળેલા અણસારાને જ
વફાદાર રહેશો, તો
બાકીનું કામ ઇશ્વર સંભાળી લેશે.
[આદરણીય રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલિજીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં યોજાયેલા 46મા પદવીદાન સમારંભમાં આપેલા દીક્ષાંત પ્રવચનનો પૂર્વાર્ધ. તા. 26-2-2015 ઉત્તરાર્ધ આવતા રવિવારે.]
પાઘડીનો વળ છેડે
લગભગ પચીસ વર્ષ પહેલાં આ યુનિવર્સિટીનું કેમ્પસ વિશાળ ખેતર પર બંધાયેલી થોડીક ઇમારતોનું બનેલું હતું. એ ખેતર પર થોડાક દિવસો માટે સારસ યુગલ રહેવા આવી ચડ્યું હતું. સારસીએ ઇંડાં મૂ ક્યાં ત્યારે નર સારસ આસપાસ ફરીને સુરક્ષા કરતો રહ્યો. એક યુવાને મોટા કદનાં ઇંડાંનો ફોટોગ્રાફ મને હોંશભેર બતાવ્યો હતો. ક્યારેક વર્ગમાં ભણાવતી વખતે ટિટોડીનો લયલ્હેરિયો સ્વર કાને પડતો ત્યારે પ્રવચન અટકાવી દઇને હું અને મારા પ્રિય વિદ્યાર્થીઓ બે-ત્રણ મિનિટ માટે એ સ્વરને કાને દઇને સાંભળવાનું રાખતા. કાર હતી તોય ઘરે પાછા જતી વખતે હું વારંવાર ઉધના-મગદલ્લા રોડ પર ચાલીને જવાનું રાખતો. વસંત આવે ત્યારે રસ્તાની ડાબી બાજુએ થોડેક દૂર આવેલો કેસૂડો (કિંશુક) રંગદર્શી બની જતો. આજે જરૂર એ જગ્યાએ કોઇ હાઉસિંગ સોસાયટીનાં મકાનો ચણાયાં હશે. (દીક્ષાંત પ્રવચનના પ્રારંભે આવી નોસ્ટેલ્જિક સ્મૃતિ તાજી કરી હતી)