બલિનની દીવાલ તો તૂટી, પરંતુ મનની દીવાલોનું શું? DIVYA BHASKER, 18-12-2015

કોઇ સામ્યવાદી દેશમાં વી.વી.આઇ.પી. તરીકે સરકારના મહેમાન બનવું એ એક એવો લહાવો છે, જે વહેંચવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધને અંતે જર્મનીનાં બે ફાડચાં થયાં. એક સામ્યવાદી ફાડચું જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક (GDR) તરીકે ઓળખાયું અને બીજું મુક્ત ફાડચું ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક (FDR) તરીકે ઓળખાયું. સામ્યવાદી ફાડચામાં નાગરિકના શ્વાસ સતત રૂંધાયા કરે અને બોલવા-લખવામાં ગૂંગળામણનો અનુભવ પ્રતિક્ષણ થયા કરે. હા, તમને કાર્લ માર્ક્સ, લેનિન અને સ્તાલિનનાં વખાણ કરવાની પૂરી છૂટ! પ્રત્યેક નાગરિકની હિલચાલ પર સરકારી તંત્રની નજર હોય જ. એવા ગુપ્ત ચોકીપહેરા માટે શબ્દો પ્રયોજાયા: ‘બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. (કોઇ મોટો ભા તમારા પર નજર રાખી રહ્યો છે).’

1979માં યુનેસ્કોની પરિષદ લાયપ્ઝિગમાં યોજાઇ ત્યારે ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે મારી પસંદગી થઇ હતી. ત્યાં આવેલી કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીમાં પૂરા ચાર દિવસ ભાગ લેવાનું થયેલું. શિક્ષણની પરિભાષામાં કહું તો કહી શકાય કે ઇટ વોઝ અ લર્નિંગ એક્્સ્પિરિયન્સ. પ્રવચનમાં જ્યારે પણ હું ગાંધીજીનું નામ લઉં ત્યારે સભ્યમિત્રો અહોભાવથી સાંભળે, પરંતુ જ્યારે પણ હું કાર્લ માક્્ર્સનું નામ ઉચ્ચારું તેવું ડાયરીમાં લખવા માંડે. કાર્લ માક્્ર્સ યુનિવર્સિટીનું સફેદ સ્કાયસ્ક્રેપર જે જગ્યાએ ઊભું હતું, તે જગ્યાએ જે અસલ લાયપ્ઝિગ યુનિવર્સિટી જ્યાં હતી ત્યાં જર્મન કવિ ગેટે ભણ્યો હતો. કાર્લ માક્ર્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું નામ ડો. ઉહલિગ હતું. એ જમાનામાં સામ્યવાદી પાર્ટીના સભ્યો પોતાના કોટના કોલર પર એક બેજ રાખતા. ડો. ઉહલિગ પણ પાર્ટીના સક્રિય સભ્ય હતા. મેં એમને કવિ ગેટેના નામનો સાચો ઉચ્ચાર શું, એમ પૂછ્યું. એમના જવાબ પરથી સમજાયું કે એ ઉચ્ચારમાં ગાઉટે, ગોથે, ગાઉથે અને ગોટેનું ગોટાળાજનક મિશ્રણ હતું. મારા જેવા ચુસ્ત વેજીટેરિયનને ભૂખ્યા રહેવું પડે એવી પાર્ટીઓ ગોઠવાતી રહી. હું સુરતની મીઠાઇ અને પાપડ ઘરેથી લઇ ગયો હતો. હોટેલના ઓરડામાં ફરનેસ પર રોજ પાપડ શેકી લેતો. ટામેટાનું સૂપ હોય તેમાં પણ ગાયના કે ડુક્કરના માંસમાંથી બનેલી ચરબી હોવાની જ! વળી ક્યાંય તમને ઇન્ડિયન રેસ્ટોરાં નહીં મળે.

શહેરમાં આવેલા અતિભવ્ય થિયેટરમાં શેક્્સ્પિયરનું નાટક જોવાનું પરિષદના આયોજકોએ ગોઠવ્યું હતું. માનશો? નાટક જોવા ગયો ત્યારથી કે હોટલ પર પાછો ફર્યો ત્યાં સુધી એક સુંદર યુવાન કન્યા કાયમ મારી સાથે જ રહી. એ સાથે રહી કારણ કે એણે મારી ચોકી કરવાની હતી. થિયેટરમાં પણ એ સાથે જ બેઠી! મારી ટેવ મુજબ મેં મારા સુરતના સરનામે પરિવાર પર એક પત્ર લખ્યો અને જાતે મોટી પોસ્ટ ઓફિસ પર જઇને નાખ્યો. એ પત્ર હું સુરત પહોંચ્યો પછી ચાર મહિને સેન્સર થતો થતો ઘરે પહોંચ્યો. પ્રત્યેક નાગરિકને લગભગ ગુનેગાર ગણીને ચાલે એવા સામ્યવાદી શાસનમાં જીવવા કરતાં તો આફ્રિકાના જંગલમાં વાનર તરીકે મોજથી જીવવું સારું! રોજ હોટલના રૂમમાં રાતે ટીવી જોવાનું રાખેલું. સમાચાર પર સંપૂર્ણપણે સરકારનું નિયંત્રણ હતું. ક્યાંય તમને અંગ્રેજી અખબાર કે મેગેઝિન જોવા નહીં મળે, જે પરદેશથી (કે ફ્રેન્કફર્ટથી) પ્રગટ થતું હોય. સરકાર પહોંચાડે તે જ સમાચાર!

લાયપ્ઝિગની પરિષદ પૂરી થઇ પછી બીજી કામગીરી બજાવવા માટે મારે પૂર્વ બર્લિન જવાનું હતું. ભારત અને GDR વચ્ચે શિક્ષણના ક્ષેત્રમાં સહકાર થાય તે માટે એક કમિશન રચાયું હતું. એમાં યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC)ના વાઇસ ચેરમેન શ્રી રાવની સાથે હું અને કોચીન યુનિવર્સિટીના કુલપતિ ડો. પાઉલી હતા. પૂરા ચાર દિવસ પૂર્વે બર્લિનમાં રહેવાનું થયું. એ વખતે થતી સત્તાવાર કામગીરીની વાત અહીં નથી કરવી. મને બર્લિનની વિખ્યાત દીવાલ જોવામાં વધારે રસ હતો. જ્યાં જ્યાં ફરવાનું બને, ત્યાં ત્યાં એ દીવાલ જોવા મળતી. ક્યાંક એ કિલ્લાની દીવાલ જેવી, તો ક્યાંક તારની અભેદ્ય વાડ જેવી! દર વર્ષે પૂર્વ બર્લિનના કેટલાય નાગરિકો એ વાડ ઓળંગવાનો પ્રયત્ન કરવા જાય ત્યારે બંદૂકની ગોળીથી મરે. સ્વતંત્ર થવા માટેની છટપટાહટ કેવી પ્રબળ હોય તેનો એ પુરાવો ગણાય. હા, એ વાડ છાનામાના ઓળંગવાનો કોઇ પ્રયત્ન મુક્ત બર્લિનમાંથી સામ્યવાદી બર્લિનમાં પ્રવેશવા માટે થાય એવું કદી બનતું નહીં. મુક્ત હવા છોડીને ગુલામોના દેશમાં કોણ જાય? મનુષ્યને મુક્ત રીતે જીવવાનું ગમે છે. અમે ત્રણે વી.વી.આઇ.પી. હતા તેથી ઘૂટન ઓછી જણાતી હતી.

આજથી પચીસ વર્ષ પહેલાં બર્લિન શહેરને બે ભાગમાં વહેંચી દેનારી કુખ્યાત દીવાલ તૂટી ગઇ. 1989માં નવેંબરની 9મી તારીખે એ દીવાલ તૂટી તેની 25મી જયંતીની જર્મનીમાં મોટા પાયે ઉજવણી થઇ. સામ્યવાદી પૂર્વ અને મૂડીવાદી પશ્ચિમને જુદાં પાડતી એ દીવાલ તૂટી તેનું ઘણું બધું શ્રેય તે કાળના રશિયન રાષ્ટ્રપ્રમુખ મિખિલાઇ ગોર્બાચોફની નૂતન વિચારધારાને ફાળે જાય છે. ઉજવણીના સમારોહમાં વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ગોર્બાચોફ પણ ઉપસ્થિત હતા. માનવું પડશે કે દુનિયા પર શબ્દો રાજ કરે છે. ગોર્બાચોફે રશિયામાં બે શબ્દો વહેતા મૂક્યા હતા: (1) ગ્લાસનોસ્ટ (ખુલ્લાપણું) અને (2) પેરેસ્ટ્રોઇકા (નવરચના). આ બે શબ્દો આખી દુનિયામાં ફરી વળ્યા અને રશિયાના શાસનમાં કુખ્યાત એવો લોખંડી પડદો (આયર્ન કર્ટન) ઢીલો પડી ગયો. મેં જ્યારે 1979માં એ દીવાલ જોઇ ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે માત્ર દસ જ વર્ષ પછી એ દીવાલ ખતમ થવાની છે. એ દીવાલ તૂટી ત્યારે લોકો પથ્થરના ટુકડા યાદગીરી તરીકે લઇ જવા માટે પડાપડી કરતા હતા. હિટલરનું નાઝિવાદી શાસન ભૂંડું હતું, પરંતુ પૂર્વ જર્મનીનું સામ્યવાદી શાસન ઓછું ભૂંડું ન હતું. આજે સંયુક્ત જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એંજેલા મેરકલ મૂળે પૂર્વ જર્મનીનાં છે. પચ્ચીસ વર્ષ પછી પણ પૂર્વ જર્મની પ્રમાણમાં પાછળ રહી ગયું છે. પશ્ચિમ જર્મનીનાં માતાપિતા પૂર્વ જર્મનીમાં આવેલી યુનિવર્સિટીઓમાં પોતાનાં સંતાનોને ભણવા મોકલવા માટે રાજી નથી.

પૂર્વ બર્લિનમાં આવેલી હમ્બોલ્ટ યુનિવર્સિટીની સત્તાવાર મુલાકાત માટે અમારા ડેલિગેશનને આમંત્રણ મળ્યું. સંસ્કૃત વિભાગમાં અમે ગયા ત્યારે વિભાગના વડા કાલિદાસ, ભવભૂતિ, વાલ્મીકિ અને ભર્તૃહરિની પ્રશંસા કરી રહ્યા હતા. આગલે જ વર્ષે ત્યાં મળેલા ‘ચતુર્થ વિશ્વ સંસ્કૃત સંમેલનમ્’ વખતે ખાસ તૈયાર થયેલી સ્મરણિકા એમણે અમને ભેટ આપી. એ સંમેલનમાં બર્લિનમાં સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’ ભજવાયું તેમાં બધાં જ પાત્રો ગોરાં જર્મન સ્ત્રી-પુરુષોના ફોટા જોવા મળ્યા. સ્મૃતિ ઇરાની એક વખત બર્લિન જઇને હમ્બોલ્ટ યુનિવર્સિટીની મુલાકાત લે તો નિર્ણય લેવામાં સંતુલન જળવાશે. સંસ્કૃત વિનાનું ભારત એટલે ગાય વિનાનું ગોચર!

બર્લિનની અભેદ્ય દીવાલ તો તૂટી, પરંતુ માનવીના મનમાં જામી પડેલી દીવાલોનું શું? કોઇ માક્ ર્સવાદી કર્મશીલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી જોજો. તમે જો એના બંધિયાર મસ્તિષ્કમાં નવા વિચારની એક લહેરખી પણ દાખલ કરી શકો, તો જરૂર તમે મહાન ગણાશો. આવો જ પ્રયોગ આર.એસ.એસ.ના સ્વયંસેવક સાથે કરી જોજો. તમને સમજાશે કે તમે થીજી ગયેલા બરફમાં હોડી ચલાવવાનાં ફાંફાં મારી રહ્યા છો. સામ્યવાદી શાસનશૈલીની હઠીલી મર્યાદાઓ અંગે સદગત મનુભાઇ પંચોળી (દર્શક) અત્યંત સ્પષ્ટ હતા. આર.એસ.એસ.માં કાળક્રમે કોઇ ગોર્બાચોફ પ્રગટ થાય એવા દિવસની હું પ્રતીક્ષા કરું છું. એ ગોર્બાચોફ જ્યારે પણ પ્રગટ થશે ત્યારે હિંદુત્વની શોભા ઉપનિષદીય ઊંચાઇ ધારણ કરીને એવરેસ્ટ પર વિરાજમાન થશે. હું કાંઇ સેક્યુલર ઇડિયટ નથી. નાદાન રાહુલ ગાંધીની જેમ હું કદી પણ ન કહું કે અલકાયદા કરતાંય આર.એસ.એસ. વધારે જોખમકારક છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટીવીના ઇન્ટરવ્યૂમાં કહી નાખ્યું: ‘રાહુલ મસ્ટ રિટાયર.’ હું આ વાત સાથે સંમત નથી. રાહુલ પરણી જાય પછી જોજો!

થીજેલાં જળ વહેતાં થાય, તો જગતને એક શબ્દનું સૌંદર્ય સમજાય એમ બને. જૈનદર્શન તરફથી મળેલો એ મૂલ્યવાન શબ્દ છે: ‘અનેકાંત’. અહિંસા પણ અનેકાંત વિના ખીલી ન શકે. બર્લિનની તૂટેલી દીવાલનો પ્રત્યેક પથ્થર જ્યાં હોય ત્યાંથી પોકારી રહ્યો છે: ‘અનેકાંત… અનેકાંત… અનેકાંત!’{
પાઘડીનો વળ છેડે
હે…જી
ભેદની ભીંત્યોને મારે
આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ!
– ઝવેરચંદ મેઘાણી

Advertisements