BHAGVAN NI TAPAL

                                                     ટેક્નોલૉજી એટલે સગવડોલૉજી 

પોતાના દરમાંથી સુખની શોધમાં રોજ કીડીબાઈ નીકળી પડે છે. પ્રત્યેક કીડીબાઈની ભીતર રડાર જેવું કશુંક દિશાસૂચક તંત્ર પડેલું હોય છે. એની મદદથી કીડીબાઈ સતત યોગ્ય દિશામાં લાંબો પંથ કાપીને દૂર દૂર આવેલા ધરના રસોડાના પ્લૅટફૉર્મ પર વેરાયેલા ખાંડના દાણા સુધી પહોંચી જાય છે. કીડીબાઈની નાતનું સર્વમાન્ય વળગણ “ગળપણ’ તરીકે ઓળખાય છે. પ્રત્યેક જીવ સતત સુખની શોધમાં હોય છે. મનુષ્ય પણ એમાં અપવાદ નથી. એક તફાવત છે અને તે બહુ મોટો છે. કેવળ મનુષ્યને જ પ્રશ્ન થતો રહે છે : સુખ એટલે શું?
ભગવાન બુદ્ધને કોઈકે પ્રશ્ના કર્યા : “આ જીવન તો જાણે એક ગૂંચવાયેલું કોકડું હોય તેવું જણાય છે. વળી ગૂંચ બહાર પણ છે અને અંદર પણ છે. આજની પેઢી તો વળી ભારે ગૂંચવાયેલી જણાય છે. આ ગૂંચવણને ઉકેલવામાં કોણ સફળ થશે?’ તથાગત થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પ્રશ્નાકર્તા એમની ધ્યાનસ્થ મુદ્રા નિહાળતો રહ્યો. થોડીક વાર પછી તથાગતે જવાબમાં એ જિજ્ઞાસુને જે શબ્દો કહ્યા તે સાંભળીએ :
જ્યારે સારો માણસ, શાણો માણસ
અને વિચારવંત માણસ
ઊંચા પ્રકારની ચેતનાનો વિકાસ કરે,
ત્યારે એ ગૂંચવણને સમજવા પામે છે.
જ્યારે શાણો અને વળી આગ્રહી એવો
સત્યનો એ ઉપાસક સફળતા પામે
ત્યારે ગૂંચવણનો ઉકેલ એને પ્રાપ્ત થશે.
(સમુત્ત નિકાય)
સુખની શોધ તો બધાને હોય છે, પરંતુ સુખ નામનો પદારથ ઝટ સમજાતો નથી. જાપાનમાં ઓસાકા પાસે કોબે નામનું નગર આવેલું છે. એક વડીલ અત્યંત પ્રસન્ન ચિત્તે શરાબની પ્યાલી સામે જોઈ રહ્યા હતા. તેઓને મેં અમથું પૂછયું : “મજામાં છો ને?’ જવાબમાં એ શાણા અને પરગજુ વડીલે કહ્યું : “મારા સુખની ધડી લંબાવી રહ્યો છું.’ જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો. સુખ સ્વભાવે ક્ષણિક હોય છે. શરાબનો નશો માણસને સાતમા આસમાને પહોંચાડે છે. નશો ઊતરી જાય ત્યારે સાતમે આસમાને પહોંચેલો મનુષ્ય ધબ દઈને ભોંય પર પડે છે. સુખની ધડી ગમે તેટલી લંબાય તોય એ ધડી પૂરી થાય પછી શું? આ પ્રશ્નાના જવાબની શોધને કારણે માનવજાતને “શાશ્વત સુખ’ની ઝંખના જાગી. એ ઝંખના આધ્યાત્મકિ ગણાય. એમાં સુખને અપ્રતષ્ઠિત કરવાની વાત નથી. સુખ પામવાની ઝંખના અધ્યાત્મવિરોધી બાબત નથી.
છાંદોગ્ય ઉપનષિદમાં સનત્કુમાર નારદને સુખનું મહત્ત્વ સમજાવે છે  : “જ્યારે મનુષ્યને સુખ મળે ત્યારે જ તે કશુંક કરતો હોય છે. સુખ મળે તેમ ન હોય તો કોઈ કશું ન કરે. એટલા માટે (મનુષ્યે) સુખ અંગે ખાસ જિજ્ઞાસા કેળવવી જોઈએ (સુખં ત્વેવ વજિજ્ઞાસિતવ્યમ્ ઇત).’ આવું સાંભળીને નારદે કહ્યું : “ભગવન્‍! હું સુખ માટે ખાસ જિજ્ઞાસા રાખું છું.’ (છાંદોગ્ય ઉપનષિદ, ૭, ૨૨, ૧). સુખની ઉપેક્ષા નહીં, સુખની સમજણ ઇચ્છનીય છે. પ્રત્યેક મનુષ્ય સુખનષ્ઠિ હોય છે. જેઓ ઉપાસનાના માર્ગે આગળ ગયા તેમને ક્ષણિક સુખ અને શાશ્વત સુખ વચ્ચેના તફાવતની ભાળ મળી હોવી જોઈએ. એ ભાળ મળે તે પહેલાં એમની ભીતર જબરું મંથન ચાલ્યું હશે. ભયંકર ગોટાળામાંથી કશુંક પ્રાપ્ત થાય છે. સુખની શોધમાં ગૂંચવણનો ઉકેલ જડે ત્યારે મનુષ્યને શાશ્વત સુખનો માર્ગ જડયો હશે. ફ્રેડરિક નત્શેિ સાચું કહે છે: “અંદરની ગૂંચવણ વગર તમે નૃત્ય કરતા તારાને જન્મ આપી શકો નહીં (You need chaos within, to give birth to a dancing star).’
ઉત્ક્રાંતિના પરિણામે જ્યારથી બે પગ પર ટટ્ટાર ઊભેલો આદમી (હોમો ઇરેક્ટસ) પેદા થયો ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. એ શોધની ગતિ તરાપાથી સ્ટીમર ભણીની, વનથી વાડી ભણીની, કૂવાથી ઓવરહેડ ટૅન્ક ભણીની અને કોદાળીથી કમ્પ્યૂટર ભણીની રહી છે. વિજ્ઞાનની સઘળી શોધયાત્રા જાણે સગવડયાત્રાને સમાંતરે ચાલતી રહી છે. ટેક્નોલૉજી “સગવડોલૉજી’ બની રહી છે. એની નિંદા ન હોય. ક્યારેક તો ટેક્નોલૉજી દ્વારા પ્રાપ્ત થતી બધી સગવડો ભોગવતા આદર્શવાદી લોકો ટેક્નોલૉજીને પર્યાવરણના નામે ભાંડતા રહે છે. પર્યાવરણની જાળવણી પણ ટેક્નોલૉજીને માર્ગે જ થઈ શકશે. એલવનિ ટૉફલર એ માટે “રિસ્પોન્સબલિ ટેક્નોલૉજી’ શબ્દપ્રયોગ કરે છે. બધી સગવડો પામનારે પણ એ બાબત યાદ રાખવી રહી. છીછરું સુખ અને ટકાઉ સુખ વચ્ચેનો તફાવત અવગણી શકાય તેમ નથી. જેણે પેઇનકિલર શોધ્યું, જેણે ક્લોરોફૉર્મ શોધ્યું અને જેણે વાતાનુકૂલન શોધ્યું એ સૌના આપણે ઉપકૃત છીએ. સગવડદ્વેષથી બચવા જેવું છે, પરંતુ સગવડ આગળ જ અટકી જવાનું પણ ટાળવા જેવું છે. આલ્ફ્રેડ નોર્થ સાચું કહે છે : “વિચારો જીવનના ધસમસતા પ્રવાહમાં ક્ષુલ્લક બની જાય તે પહેલાં તેમને યોગ્ય સન્માન આપી દો.’
માતા પોતાના શિશુ માટે ઉજાગરો કરે ત્યારે દુ :ખી થતી નથી. બસમાં ભીડ હોય ત્યારે કોઈ વડીલને બેસવાની જગ્યા કરી આપનાર સમજુ યુવાન ઊભો રહે ત્યારે દુ :ખી નથી હોતો. રામ જ્યારે પિતાના વચનની રક્ષા માટે વનમાં જવા તૈયાર થયા ત્યારે દુ :ખી ન હતા. સુખ સાથે જોડાઈ ગયેલી પદાર્થતાથી બચવાનું છે, જેથી સુખની સૂક્ષ્મતમ એવી પ્રાપ્તિ પણ થઈ શકે. અન્ય માટે કશુંક જતું કરનારને જે સુખ પ્રાપ્ત થાય છે તે થોડુંક વધારે ટકાઉ હોય છે. બીજા માટે ધસાઈ છૂટનારો માણસ જે પામે છે, તેનો અંદાજ લોભિયા માણસને નથી આવતો. છાન્દોગ્ય ઉપનષિદમાં સાચા સુખની ચાવી બતાવી છે. ઋષિ કહે છે : “યો વૈ ભૂમા તત્સુખમ્ ન અલ્પે સુખમસ્તિ ‘ (સુખ વિશાળતામાં રહેલું છે, પામરતામાં નહીં). ઉપનષિદમાં આવી મૌલકિ સુખમીમાંસા થઈ છે. સાચા સુખની શોધમાં રત રહેવું એ પ્રત્યેક મનુષ્યનો અધ્યાત્મસદ્ધિ અધિકાર છે.
EXCERPT FROM THE BOOK ‘ BHAGVAN NI TAPAAL’.
PUBLISHED BY R.R. SHETH,
sales@rrsheth.com

 

 

 

 

થનગનતા-મનગમતા કલાકો કવિતા

shahજે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે.

પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવાનો ગમ નથી સતાવતો, પણ સડી રહેલા ફળને તો એક્ષ્સ્ટેન્શન મળે તેમાં બહુ રસ હોય છે. આપણો દેશ આજે સડી ગયેલી સિનિયોરિટીના અભિશાપથી પીડાઇ રહ્યો છે. કયારેક કોઇ કુમળા છોડને ઝારી વડે પાણી પાઇએ એવી વૃત્તિથી દિવસના એકાદ કલાકનું જળસિંચન કરવાનું શકય ખરું? જરાક થોભીને વિચારીએ તો સમજાય કે છોડને પાણી પાનારો પણ અંદરથી ઊગી રહ્યો હોય છે. કેટલાક ખાસ કલાકો દરમિયાન આપણે ‘આપણે’ હોઇએ છીએ. આવા પોતીકા લાગતા ચંદ કલાકોની પ્રતીક્ષા કરવી એ પણ જીવતા હોવાનો દાર્શનિક પુરાવો છે. પાઇલટની કરિયર વર્ષોમાં નહીં, ઉયનના કલાકોમાં નોંધાતી રહે છે.

જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે. નિર્જીવ કલાકો એટલે એવા કલાકો, જે વખતે આપણે વહેતાં રહેવાને બદલે કેવળ ઘસડાતાં રહીએ છીએ. પ્રવાહમાં નછૂટકે ઘસડાતી હિમશિલા જેવા એ કલાકો ભારે બહુમતીમાં હોય છે. ઝરણું થનગનાટ સાથે વહેતું રહે છે. જીવન એટલે થોડાક થનગનતા-મનગમતા કલોકોની કવિતા! હિમશિલા અને થનગનાટને બાર ગાઉનું છેટું! માણસનું આયખું વર્ષોમાં માપવાનો કુરિવાજ એવો તો જામી ગયો છે કે કલાકોમાં આયુષ્ય માપવાની વાત જાણી વિચિત્ર લાગે.

નોકરીની લંબાઇ પણ વર્ષોમાં મપાય છે. પરિણામે સિનિયર લલ્લુ પણ કોઇ જીવંત જુનિયર આગળ અમથો રોફ મારી ખાય છે. કાર્યક્ષમતાની સમસ્યાઓ ઓછી નથી હોતી. બિનકાર્યક્ષમતા ખાસી નિરાંત આપે છે. જીનિયસ (પ્રતિભાસંપન્ન) માણસને સતાવનારો અને મિડિયોકર (મઘ્યમ કક્ષાના) માણસને જાળવવાનો સમાજ ગરીબીને લાડ લડાવતો રહે છે. ભારત સરકારના પ્રધાનમંડળમાં કયારેય જીનિયસ ગણાય તેવા પ્રધાનોની સંખ્યા ઝાઝી નથી હોતી.

સડેલી યુવાની તો ઘડપણનું જ બીજું નામ છે. થનગનતું ઘડપણ એ તો યુવાનીનો ઉત્તરાર્ધ છે. વર્ષો પહેલાં ભારતમાં રહેનારા ગ્રીસ દેશના એલચીનું નામ વાસિલિસ વિટસાકિસસ હતું. થનગનતો-મનગમતો કલાક કેવો હોય? એલચી હોવા છતાં કવિતા લખનારા એ જીવંત માણસની પંકિતઓ સાંભળો :

મેં સરોવરના ઊંડાણમાંથી
એક તારો ઉપાડયો
અને રાતના કામણમાં
એકલો એકલો ચળકયા કરે
તે માટે આકાશમાં ફંગોળ્યો છે.
અને એનું નામ તે તું!
જેનું નામ પણ સાંભળ્યું નથી
એવા સાગરમાં મેં મારી હોડી
તરતી મૂકી છે,
જયાં હોડીઓ અને તરસ્યા હોઠ
વાસ્તવિકતાના કિનારાઓથી
દૂર ને દૂર સરકતાં રહે છે
અને એનું નામ તે તું!
રણની રેત વચાળે મેં
ફૂલોનું ઉપવન ઉછેર્યું છે.
એમના રંગો તો મેં
મેઘધનુષ પાસેથી મેળવ્યા છે.
પૃથ્વીના શ્વાસ જેવી મીઠી મીઠી સુગંધ,
અને એનું નામ તે તું!
ભરતીનાં મોજાં પરથી
હું ચંદ્રમા પર પહોંચવા મથ્યો
ચંદ્રમા ખૂબ જ ઊચે હતો,
સૂર્ય ખૂબ જ ઉષ્ણ હતો,
પણ મેં તો એક કિરણ ઝાલી લીધું.
અને એનું નામ તે તું!

માણસ સૌથી ઓછો ઉપદ્રવકારી કયારે હોય છે? આ પ્રશ્ન પર બહુ લાંબો વિચાર કર્યા પછી જે જવાબ જડયો છે તે વહેંચી દેવાનો અભરખો છે. મનુષ્ય જયારે પ્રિયજન (સોલ-મેટ) સાથે બેસે ત્યારે એની પાસે ઉપદ્રવ કરવાનો સમય જ નથી હોતો. પૂજામાં બેઠેલા માણસને બિલાડી પર સાણસીનો ઘા કરતો જોયો છે. જાત્રાએ જનારા માણસને સહપંથી બિરાદરો સાથે બાખડતો જોયો છે. કષ્ણભકત ગણાતા માણસને દહેજ લેતો જોયો છે. સેવકને જૂઠું બોલતો જોયો છે.

બ્રહ્મચારીને ફલિર્ટંગ કરતો જોયો છે. સાધુને અર્થલોભમાં ડૂબેલો જોયો છે. મુલ્લાને ગાળ બોલતો જોયો છે. પાદરીને કપટ કરતો જોયો છે. હજુ સુધી વૃક્ષની નીચે ઊભા રહેનારા બે ‘મળેલા જીવ’ને કયારેય કોઇ ઉપદ્રવ કરતા ભાળ્યા નથી. પ્રેમક્રાંતિ વિના વિશ્વશાંતિ થાય એ વાતમાં માલ નથી. એકબીજામાં ઓતપ્રોત એવી બે વ્યકિતઓ વચ્ચે ચાલતી ગુફતેગૂમાં ખલેલ પહોંચે, તેમાં જ યુદ્ધ નામની બિભત્સ ઘટનાનો પ્રારંભ સંતાયેલો હોય છે. આ વાત માનવા કોઇ તૈયાર ખરું?

ભારતીય સંસ્કતિએ એક મહાન શબ્દ વિશ્વને આપ્યો : ‘આનંદ’. આ એક એવો શબ્દ છે, જેનો કોઇ વિરોધી શબ્દ નથી. સુખ હોય ત્યાં દુ:ખ હોવાનું. ઊચું હોય ત્યાં નીચું હોવાનું. દિવસ હોય ત્યાં રાત હોવાની. ‘આનંદ’ શબ્દનો પર્યાય અન્ય ભાષાઓમાં ઝટ નહીં જડે. આવો અનોખો શબ્દ આપનારી ભારતીય સંસ્કતિમાં આનંદ ક્ષીણ થતો ચાલ્યો છે. ગરીબીનો વિસ્તાર થતો રહે છે અને ઢગલાબંધ મરેલા મરેલા કલાકો કોઇ વિરાટ કન્વેયર બેલ્ટ પર વહી રહ્યા હોય એવી સ્થિતિ છે. સમય તો જાણે વેડફી મારવાની ચીજ હોય, એ રીતે લોકો ‘જીવી’ રહ્યા છે.

વર્ષે કે બે વર્ષે ઓટોરિક્ષા કે ખટારાને આર.ટી.ઓ.માં પાસ કરાવવો પડે છે. આપણને એવી કોઇ જફા નડતી નથી. કયારેક ઊગતા સૂરજ સામે માણસ એવી રીતે જુએ છે, જાણે પોતે આથમી ચૂકયો ન હોય! આપણી દિનચર્યામાં રોજ એકાદ ‘જીવતો’ કલાક પામવાની હઠ પકડયા વિના ઘડપણથી બચવાનો કોઇ ઉપાય નથી. જેની દિનચર્યા સુંદર, તેની જીવનચર્યા સુંદર! મગ જેવા મગનો દાણો પાણીના સંપર્કમાં આવે પછી એનું પ્રફુલ્લન (સ્પ્રાઉટિંગ) થાય છે. શું માણસ મગના દાણા કરતાંય ગયો?

પાઘડીનો વળ છેડે

ચર્ચિલ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના મહેમાન હતા. સવાર પડી અને એમણે પોતાના સેક્રેટરીને ડિકટેશન લેવા માટે બાથરૂમમાં બોલાવ્યો. સેક્રેટરીએ જોયું તો ચર્ચિલ સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં સિગારનો દમ મારી રહ્યા હતા. ચર્ચિલે ડિકટેશન આપવાનું શરૂ કર્યું પછી શાવર નીચે સ્નાન કર્યું અને પાછું ડિકટેશન આપવાનું શરૂ કર્યું. એવામાં બારણા પર ટકોરા થયા. ચર્ચિલ હજી દિગંબર અવસ્થામાં જ હતા અને એમણે બારણું ખોલ્યું. સામે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઊભા ઊભા ચર્ચિલની આંખો સામે તાકી રહ્યા હતા. આંખનું મટકું પણ માર્યા વિના ચર્ચિલે કહ્યું : ‘મિસ્ટર પ્રેસિડેન્ટ! તમે જોઇ શકો છો કે મારે કશુંય છુપાવવાનું નથી.’

Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on June 21, 2009