અમેરિકા પાસે લશ્કર છે. ચીન પાસે લશ્કર છે. બ્રિટન પાસે લશ્કર છે. ભારત પાસે પણ લશ્કર છે. પાકિસ્તાનની વાત સાવ જુદી છે. પાકિસ્તાન લશ્કર પાસે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની શરાફત શંકાસ્પદ નથી. તેઓ માથાફરેલ લશ્કર અને ઝનૂની આઇ.એસ.આઇ. આગળ લગભગ લાચાર છે. ખરી વાત એ છે કે લશ્કરની દાદાગીરી સામે તેઓની મજબૂરી દયનીય છે. પરિણામ સ્પષ્ટ છે: પાકિસ્તાનની લોકશાહી (જમહૂરિયત) ગંગાસ્વરૂપ છે. કરવું શું?
ભારતમાં ટીવી પર પોતાનો અભિપ્રાય પ્રગટ કરનારા પંડિતો (ઇન્ટેલેક્ચ્યુઅલ્સ)ની વિશ્વસનીયતા આજકાલ તળિયે બેઠી છે. એમની વાયડાઇ કુતર્ક અને અતિતર્કમાં આળોટતી રહીને બુદ્ધિના વ્યભિચારને ફેશન તરીકે ચગાવતી રહે છે. પાકિસ્તાન સાથે સેક્રેટરી કક્ષાએ થનારી વાટાઘાટો કેન્સલ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો તેની ચર્ચામાં બુદ્ધિનો વ્યભિચાર આબાદ પ્રગટ થયો. તા. 18મી ઓગસ્ટેનિર્ણય લેવાયો. 19મી ઓગસ્ટે કોંગ્રેસ પક્ષે માગણી રજૂ કરી કે પાકિસ્તાની હાઇકમિશનરને પાછા પાકિસ્તાન મોકલી દેવા જોઇએ કારણ કે કાશ્મીરના અલગતાવાદી હુરિયત નેતાઓ સાથે વાતચીત ચાલુ રાખવાની ગુસ્તાખી પાકિસ્તાનના હાઇકમિશનરે ચાલુ જ રાખી.
આ ચર્ચામાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર અભિપ્રાય કરતાં પક્ષના બોલકણા નેતા મણિશંકર અય્યરે મોદી સરકારના નિર્ણયને ‘સ્ટુપિડ’ ગણાવ્યો. એમના અભિપ્રાયને સામે છેડે પાકિસ્તાનમાં વર્ષો પહેલાં હાઇકમિશનર રહી ચૂકેલા જી. પાર્થસારથિએ સરકારના નિર્ણયને વાજબી ગણાવ્યો અને કહ્યું: ‘આ વાત હું દસ વર્ષથી કહેતો આવ્યો છું.’ કોઇ માણસ પોતાના પાડોશીને રોજ સવારે થપ્પડ મારે, ત્યારે થપ્પડ મારનાર સાથે બપોરે વાટાઘાટ કરવામાં કઇ બૌદ્ધિકતા? ઇન્ટેલેક્ચ્યુઅલ માણસને કેળાં દળવાનું ગમે છે. લોકો એમને સમજી ગયા છે.
વાંઝણી પંડિતાઇથી લોકો કંટાળે છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાના શબ્દો ખરે ટાણે વાંચવા મળ્યા. તેઓ લખે છે:
કટોકટીના સમયને બાદ કરતાં
પંડિતોની વિશ્વસનીયતા આજે
અત્યંત નીચી કક્ષાએ જઇ બેઠી છે,
એમ હું કહું તો તેમાં કોઇ રહસ્ય
પ્રગટ કરતો હોઉં એવું નથી…
મારી 40 વર્ષ લાંબી તંત્રી તરીકેની
કામગીરીમાં મને સૌથી ઊંચી
શાબાશી મળી તેમાં અસંખ્ય
ગાળ ખાધી તોય એક વાત કઇ?
‘મને તમારા અભિપ્રાયો નથી ગમતા,
પરંતુ મને એમ નથી લાગતું કે
તમે મને જાણીજોઇને અવળે માર્ગે દોરશો.’
(T.O.I., 14-8-2014)
લોકોને અવળે માર્ગે દોરવામાં કહેવાતા બૌદ્ધિકોએ ‘સેક્યુલરિઝમ’ જેવી પવિત્ર સંકલ્પનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઓક્સફર્ડ ડિક્ષનરીમાં હવે ‘Pundit’ શબ્દ સ્વીકારાઇ ચૂક્યો છે અને સાથોસાથ ‘Punditry’ (પંડિતાઇ) શબ્દ પણ યોજાતો રહ્યો છે. વાયડી દલીલબાજી માટે એક સુંદર શબ્દ ન્યાયદર્શનમાં યોજાય છે: ‘જલ્પ.’ જલ્પ એટલે તત્ત્વનિર્ણયની ઇચ્છાથી નહીં, પરંતુ ખંડન-મંડનની ઇચ્છાથી કરવામાં આવતો નિરર્થક બકવાસ. વાયડી પંડિતાઇ બકવાસને માર્ગે વળે ત્યારે કેવી ભૂંડી લાગે તે જોવું હોય તો ટીવી પર લંબાયે જતી ચર્ચા સાંભળવી. ક્યારેક એ ચર્ચા ‘વંધ્યામૈથુન’ની કક્ષાએ સરી પડતી જણાય છે.
પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર રાખવો તેની ચર્ચા કદી અટકવાની નથી, કારણ કે પાકિસ્તાન સુધરવાની ઉતાવળમાં નથી. એ થપ્પડ મારવાનું છોડે તેમ નથી. વળી થપ્પડને જ્યારે ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવે, ત્યારે એનું આયુષ્ય વધી જાય છે. પાકિસ્તાનમાં શાણા વિચારકો ઓછા નથી. નગારખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે? ભારતદ્વેષ અને હિંદુદ્વેષ પાકિસ્તાનને એક રાખનારું નકારાત્મક પરિબળ છે. દ્વેષપ્રેમ પાકિસ્તાનને સતત પ્રજાળે છે. ત્યાં શિયાપંથી લોકો, અહમદિયા લોકો, બલુચી લોકો, હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને મુજાહિદો આજે પણ સાવ પરાયા છે અને ખાસા દુખી છે. પંજાબના સુન્ની મુસલમાનો માથાભારે છે અને બાકીના બધા જ દયનીય છે.
બાંગ્લાદેશ છૂટું પડ્યું તે માટે પણ પંજાબી મિથ્યાભિમાન થોડેક અંશે જવાબદાર હતું. એશિયન ડેવેલપમેન્ટ બેંક (ADB) તરફથી નિમાયેલા કમિશનના સભ્ય તરીકે 1985માં દોઢ મહિનો ઢાકાની સોનારગાંવ હોટેલમાં રહીને બાંગ્લાદેશની શિક્ષણ પ્રથાનો અભ્યાસ કર્યા બાદ બે મિલિયન ડોલરની આર્થિક મદદની ભલામણ કરી હતી. અમે જે રિપોર્ટ તૈયાર કર્યો તેની શરૂઆતમાં જ પશ્ચિમ પાકિસ્તાન તરફથી થયેલા શોષણનો ઉલ્લેખ કરવામાં આવેલો. એ રિપોર્ટ આજે પણ ઘરમાં સચવાયો છે. પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે ખૂબ ચગેલી. ‘Two-nation-theory’નું બાષ્પીભવન થઇ ગયેલું. લોકોને ઇસ્લામ પણ એક રાખી ન શક્યો. મહંમદઅલી ઝીણાએ બાંગ્લાદેશનો ઉદય થયો ત્યારે જરૂર કબરમાં પડખું ફેરવ્યું હશે!
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશની સંસ્કૃતિ સમાન છે. પાકિસ્તાનના શાસકો ધર્મ કરતાં સંસ્કૃતિનો વ્યાપ વધારે વિશાળ છે એ વાત સમજી ન શકે તેટલા હઠીલા અને સંકુચિત ખરા? બેનઝીર ભુટ્ટોની હત્યા થઇ ત્યારે એક એવું નેતૃત્વ ખતમ થયું, જે સાંસ્કૃતિક વિશાળતાને પચાવી શકે તેવું હતું. બેનઝીરના ખાવિંદ અસિફ ઝરદારીએ (રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે) એક યાદગાર વિધાન કર્યું હતું: ‘આપણા સૌમાં થોડું થોડું India પડેલું છે.’ ગઇ વસંતે બેનઝીરના સુપુત્ર બિલાલ ભુટ્ટોએ મોહેં-જો-દેરોની સંસ્કૃતિના અવશેષોને કેન્દ્રમાં રાખીને સિંધમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ (વસંતોત્સવ)ની ઉજવણી કરી તે ઘટના આપણા ધ્યાન બહાર ન જવી જોઇએ. કાલે ઊઠીને બિલાલભૈયા પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે? આશા છેક બિનપાયાદાર નથી.
પાકિસ્તાનમાં જમહૂરિયત નબળી છે, તોય છે! પાકિસ્તાનની પ્રજાને પણ ઝનૂની આતંકવાદની પજવણી ગમતી નથી. મિત્ર ઉસમાન ગનીએ દીકરીઓને ત્યાં પરણાવી છે. તેઓ વારંવાર ત્યાં જાય છે. વીજળીનાં ધાંધિયાં ત્યાં એટલાં છે કે ખર્ચાળ જનરેટર્સ ઘરે ઘરે જોવા મળે છે. ઘરે ઘરે જનરેટરનો કર્કશ અવાજ, કેરોસીનનું પ્રદૂષણ અને ખર્ચ જ્યાદા! ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજનાની આખા પાકિસ્તાનને આજે સખત જરૂર છે. આપણું કોણ સાંભળે? પાકિસ્તાનમાં લઘુમતી કોમના હોવું એટલે નરકના વેઇટિંગ રૂમમાં હોવું! હિન્દુઓ કરતાં પણ શિયાપંથીઓ અને અહમદિયા લોકો વધારે ભયભીત છે.
શિયા-સુન્નીના પયગંબર એક, શિયા-સુન્નીનું પવિત્ર કુરાન એક અને યાત્રાસ્થાન પણ એક જ! આમ છતાં દુનિયામાં આ બે પંથોમાં શ્રદ્ધા રાખનારાં જૂથો લોહિયાળ યુદ્ધમાં બાખડતાં જ રહે છે. ઇરાક બેચેન છે. ઇરાકનો જ ભાગ ગણાય એવું કુર્દિસ્તાન ભયમાં છે. સિરિયા આખું સળગતી સગડીના અંગારા ઠરી ન ગયા તેથી સતત દાઝતું જ રહ્યું છે. આરબ-સ્પ્રિંગનું બાષ્પીભવન થઇ ગયું છે. ઇસ્લામ અને લોકતંત્ર વચ્ચેનો સુમેળ આવો દુર્લભ શા માટે? જ્યાં લોકતંત્ર ન હોય ત્યાં વળી લઘુમતીની સમસ્યાઓ કેવી? પ્રોફેસર હુમાયું કબીરે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં પ્રવચન દરમિયાન છેક 1968માં કહેલું:
જ્યાં લોકતંત્ર ન હોય,ત્યાં લઘુમતીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
પાકિસ્તાનને સમજ્યા વિના ભારતને સમજવાનું અધૂરું ગણાય. આપણે ત્યાં સેક્યુલર બૌદ્ધિકો ભારતીય મુસલમાનોને દેશના ‘નોર્મલ નાગરિકો’ ગણવા તૈયાર નથી. છેક પંડિત નેહરુના સમયથી મુસલમાનોની હઠીલી મર્યાદાઓને પંપાળીને પોષવામાં ન આવી હોત, તો આજે આઝાદીનાં 67 વર્ષ પછી તેઓ અર્થ-સામાજિક દૃષ્ટિએ પછાત હોત ખરા? એક જ ઉદાહરણ આ વાતના ટેકામાં પૂરતું છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારે બે આરોપી વલી ઉલ્લા અને શમિમ સામેના કેસમાં પુન:સમીક્ષા કરવા આદેશ આપ્યો ત્યારે લખનૌ હાઇકોર્ટે જે ઠપકો આપ્યો તે સાંભળો:
આજે તમે ત્રાસવાદીઓને
છોડાવી રહ્યા છો,
આવતીકાલે પદ્મભૂષણ આપશો!
આવા ઠપકા અંગે જે બૌદ્ધિક સેક્યુલર મૌન સેવે તેને ‘બૌદ્ધિક બબૂચક’ કહેવાનું અયોગ્ય ખરું?{
(લખ્યા તા. 21-8-2014)
પાઘડીનો વળ છેડે
જી. પાર્થસારથિનો પત્ર
ન્યુ દિલ્હી, 02 નવેમ્બર-2007
પ્રિય ગુણવંત શાહજી,
તમને મળવાનું થયું તે ખરેખર આનંદજનક રહ્યું… લેફ. જનરલ (નિવૃત્ત) જાવેદ અશરફ કાઝી હાલ પાકિસ્તાનના શિક્ષણ પ્રધાન છે અને જ્યારે લશ્કરી સેવામાં હતા ત્યારે ડાયરેક્ટર જનરલ ઓફ ISI હતા. એમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં માર્ચ, 10, 2004ને દિવસે કહ્યું હતું: ‘આપણે એમ કબૂલ કરતી વખતે શરમાવું ન જોઇએ કે જૈશ-એ-મોહંમદ હજારો કાશ્મીરીઓની હત્યામાં સામેલ હતું તથા ભારતીય લોકસભા પર થયેલા હુમલામાં, ડેનિયલ પર્લના ખૂનમાં અને પ્રમુખ મુશર્રફની હત્યા માટેના પ્રયાસમાં પણ સામેલ હતું.’
– જી. પાર્થસારથિ
નોંધ: શ્રી પાર્થસારથિ હેન્રી કિસિંજર દિલ્હીમાં હતા તેમને મળીને મને મળવા સરદાર પટેલ વિદ્યાલયમાં આવ્યા હતા. એમની દીકરી ગુજરાતીને પરણી છે. દોઢ કલાક અમારી વાતો ચાલી હતી.
પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર રાખવો તેની ચર્ચા કદી અટકવાની નથી, કારણ કે પાકિસ્તાન સુધરવાની ઉતાવળમાં નથી. એ થપ્પડ મારવાનું છોડે તેમ નથી. વળી થપ્પડને જ્યારે ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવે, ત્યારે એનું આયુષ્ય વધી
જાય છે.
ગુણવંત શાહ