સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું!
1977ના વર્ષમાં જ્યારે જનતા પક્ષની સરકાર બની ત્યારે વિનય પ્રગટ કરવા માટે પશ્ચિમ બંગાળના સામ્યવાદી મુખ્યપ્રધાન જ્યોતિ બસુ વડાપ્રધાન મોરારજી દેસાઈને મળવા ગયા. જ્યારે જ્યોતિબાબુ વિદાય લેવા માટે ઊભા થયા ત્યારે મોરારજીભાઈએ એમને એક એવું વાક્ય કહ્યું જેમાં ફેડરલ લોકતંત્રની શોભા પ્રગટ થઈ. મોરારજીભાઈએ કહ્યું : ‘જ્યોતિબાબુ, તમે અન્ય પક્ષના મુખ્યપ્રધાન છો તે કારણસર કેન્દ્ર સરકાર તમારા રાજ્યને એક રૂપિયો પણ ઓછો નહીં આપે એની ખાતરી રાખજો.’
દિલ્હીની ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે વડાપ્રધાનને પ્રથમ વાર મળે ત્યારે નરેન્દ્ર મોદી આવી ખાતરી કેજરીવાલજીને આપશે ખરા? મને શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈ ફેડરલ લોકતંત્રને હાનિ પહોંચે એવું કશુંય નહીં કરે. જો ઓરમાયું વર્તન કેન્દ્ર સરકાર નહીં બતાવે, તો વડાપ્રધાનની ગરિમા વધશે. વિજય ભવ્ય છે, પરંતુ આભિજાત્ય એનાથી પણ વધારે ભવ્ય ગણાશે. લોકતંત્રનો આધાર પણ આવું અાભિજાત્ય છે.
ગઈ સદીમાં એચ.જી. વેલ્સ જેવા સમાજવાદી વિચારકે કહેલું :
દરેક દેશમાં બે રાષ્ટ્ર
વસેલાં હોય છે
એક રાષ્ટ્ર ધનવાનોનું
અને બીજું રાષ્ટ્ર ગરીબોનું!
આજે પણ ભારતીય લોકતંત્ર માટે આ વિધાન વાસી નથી જણાતું. આમ આદમી પાર્ટીનો ઝળહળતો વિજય ગરીબોના રાષ્ટ્રનો વિજય છે. દુનિયાના સૌથી મોટા ગણાતા લોકતંત્રની સૌથી વિકરાળ મર્યાદા કઈ? એ જ કે ભારતનો Mr. ગરીબ સ્વરાજ મળ્યું ત્યારથી કાયમ છેતરાતો જ રહ્યો છે. સૌથી મોટા આશ્ચર્યથી વાત એ છે કે ગરીબોના બેલી ગણાતા નેતાઓ દ્વારા જ એ સતત છેતરાયો છે. વાત વિચિત્ર લાગી? તો હવે હકીકતોની મદદ લઈએ.
‘ગરીબમિત્ર’ ગણાતા સામ્યવાદી પક્ષના ત્રીસ વર્ષના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળની ગરીબીને ઊની આંચ પણ આવી નહોતી. સામ્યવાદી પક્ષને હરાવીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ તો દોઢગણી ‘ગરીબમિત્ર’ નીકળી? સિંગુરમાં દીદીએ જે ચળવળ ચલાવી તેથી તાતાનો નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો. આજે મમતા દેશના ઉદ્યોગપતિઓ આગળ ખોળો પાથરે છે, તોય એ રાજ્યમાં રોકાણ કરવા કોઈ ઉદ્યોગપતિ તૈયાર નથી. સમાજવાદના નશામાં ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ જેવું આકર્ષક સૂત્ર વહેતું મેલ્યું. પરિણામે મતના ઢગલા થયા, પરંતુ ગરીબી ન હટી. લાલુ યાદવે ગરીબોને નામે પંદર વર્ષ રાજ કર્યું, પરંતુ બિહાર પાયમાલ થયું! મુલાયમ અને માયાવતીએ તો ઉત્તરપ્રદેશની પાયમાલીને પણ ચાર ચાંદ લગાવી દીધા!
વિશ્વ પર નજર માંડીએ. સમતાવાદી (ઈગેલિટેરિયન) અર્થતંત્ર રશિયાને, ચીનને અને પૂર્વ યુરોપના દેશોને ખૂબ જ મોંઘું પડ્યું. એ દેશોએ લિબરલ મૂડીવાદી અર્થતંત્ર સ્વીકારીને ભૂલ સુધારી લીધી છે. કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે નાણાપ્રધાન મનમોહન સિંહની મદદથી લિબરલ અર્થનીતિ સ્વીકારી અને સમાજવાદ પડતો મૂક્યો. દેશમાં ગરીબી દૂર કરવાની ખરેખરી શરૂઆત નરસિંહ રાવે કરી ગણાય.
એમની સાથે એ અંગે અડધો કલાક સુધી વાતો કરવાની તક મને ન્યુ યોર્કની રામડા હોટેલ (મેનહેટન)માં તા. 27મી સપ્ટેમ્બર 2003ના દિવસે મળી હતી. હજી સુધી કોઈ સરકારે એમની અર્થનીતિમાં ફેરફાર નથી કર્યો. ભારતનો Mr. ગરીબ એના આદર્શવાદી અને સમાજવાદી મિત્રો દ્વારા જ વારંવાર છેતરાયો છે. યહ કડવા સચ હૈ.ગરીબોની ધીરજ ખૂટી છે. તેઓ પોતાની આસપાસ ધનસમૃદ્ધિનો નગ્ન નાચ જુએ છે. ગરીબનાં અરમાનો ગરીબ નથી હોતાં. ‘Fiddler on the Roof’ નામની યાદગાર ફિલ્મમાં એક યહૂદી ખેડૂત નાચતો જાય અને ગાતો જાય છે :
હું પૈસાદાર બની જાઉં,
તો શું કરું?
મારા બંગલામાં ત્રણ દાદર રાખું.
એક દાદર ઉપર જવા માટે,
બીજો દાદર નીચે ઊતરવા માટે
અને ત્રીજો દાદર, બસ એમ જ!
વડનગરના વામન મોદીએ ગરીબોનાં અરમાન જગાડી મૂક્યાં છે. એ વામન સાડાત્રણ ડગલાં ભરવા માટે નિષ્ઠાપૂર્વક મંડી પડ્યો છે. ગરીબીને પંપાળનારો સૌથી ભૂંડો શબ્દ છે: ‘મફત.’ આમ આદમી પાર્ટી (AAP)નો વિજય જેટલો સોલિડ છે, તેટલો જ ગરીબોનાં અરમાનોનો વિસ્ફોટ ભયજનક બની શકે છે. સોલિડ વિજય પણ સોલિડ અહંકારનો જનક બની શકે છે. પૂરા એક વર્ષ સુધી લોકો પ્રતીક્ષા કરશે, પણ પછી ઉઘરાણી કરશે. નરેન્દ્ર મોદી પ્રતીક્ષાકાળમાંથી પસાર થઈને ઉઘરાણીકાળમાં પ્રવેશી ચૂક્યા છે. જો આવાનારું બજેટ વિકાસલક્ષી હોવા ઉપરાંત ગરીબોની આંતરડી ઠારનારું ન હોય તો શત્રુઓ ટાંપીને બેઠા છે. હવે એમને કોંગ્રેસનો ડર નથી. એમને ખરો ડર સંઘ પરિવાર તરફથી રોજ રવાના થતો રહે છે.
સાધુવેશમાં અસાધુ એવા લોકો નાકની પેલે પાર જોવા તૈયાર નથી. દિલ્હીમાં ચર્ચ પર હુમલા શા માટે થાય? હિંદુ રાષ્ટ્રની વાત કરનારા શ્રી મોહન ભાગવત ભારતીય બંધારણના ગુરુત્વ મધ્યબિંદુ પર જ સીધો પ્રહાર કરે છે. લઘુમતીની વોટબેંકને પંપાળવી એ સેક્યુલર અનિષ્ટ છે, પરંતુ લઘુમતીમાં ડર પેદા કરવો એ કેવળ અનિષ્ટ જ નહીં, ગુનો પણ છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ – જેવું મોદીસૂત્ર ઝંખવાણું પડતું રહ્યું છે. વડાપ્રધાન જો ખરા દિલથી લઘુમતી પ્રજાને ભરોસો ન પહોંચાડે, તો હિંદુત્વની અસલી શોભા કરમાઈ જશે. વડાપ્રધાનને ઠરીને દસ વર્ષ સુધી કામ કરવાની તક મળે એમાં રાષ્ટ્રહિત રહેલું છે. આવનારા બજેટની રાહ જોઈએ.
રાહુલ ગાંધીનું શું કરીશું? નટવર સિંહે હરીશ ખરેને સાચું કહ્યું હતું. : ‘એના (રાહુલ) પેટમાં આગ નથી. There is no fire in his belly.’ પરિવારની નાગચૂડમાંથી મુક્ત ન થાય, તો કોંગ્રેસ ખતમ થશે. ફરીથી કહેવું છે કે કોંગ્રેસ ખતમ થાય તે દેશના હિતમાં નથી. શિલા દીક્ષિતના પંદર વર્ષનો કારભાર ખોટો ન હતો. અરવિંદ કેજરીવાલનો કારભાર કોંગ્રેસના કારભાર કરતાં વધારે સારો હશે ખરો? એક વર્ષ સુધી રાહ જોવી રહી. અરવિંદ કેજરીવાલની પ્રામાણિકતા શંકાથી પર છે.
શાસનની સફળતા કેવળ પ્રામાણિકતા પર આધાર રાખનારી નથી. અરમાનો જ્વાળામુખીના ઝાડ પર જઈ બેઠાં છે. જે ગરીબમિત્ર અરમાનો જગાડે તેણે જ તે પૂરાં કરવાં રહ્યાં. દેશની ગરીબી દૂર કરવી હોય, તો માત્ર શુભ ઈરાદા ખપ ન લાગે. એ માટે ગૂડ ગવર્નન્સ (સુશાસન) જરૂરી બને છે. કોઈક શાણા માણસે સાચું કહ્યું છે : ‘નરકનો માર્ગ પણ શુભ ઈરાદાઓનો બનેલો હોય છે.’ સુશાસન ન હોય, તો ગરીબીને જબરી નિરાંત રહેતી હોય છે. આદરણીય અરવિંદભાઈ! ‘આપ’ કા સમય શુરૂ હોતા હૈ…. અબ!
(લખ્યા તા. 10-2-2015)
પાઘડીનો વળ છેડે
એ નોંધવું પ્રસ્તુત ગણાશે કે યુરોપ
યહૂદીઓનો, મુસલમાનોનો
અને બૌદ્ધોના સમાવેશ કરવા માટે
સેક્યુલર નહોતું બન્યું, પરંતુ
ખ્રિસ્તી ધર્મમાં જે કજિયો હતો
તેનાથી લોકોને રક્ષણ આપવા માટે
સેક્યુલર બન્યું હતું
અમેિરકાના સેક્યુલરિઝમનો ઉદ્્ભવ
પણ કંઈક આવો જ ગણાય.
ભારત પણ સેક્યુલર છે તે હિંદુઓને કારણે છે,
મુસ્લિમો, શીખો કે પારસીઓને કારણે નહીં.
તનવીર આલમ (ટા.ઓ.ઈ., 21-3-2014)
(દિલ્હીમાં સક્રિય કર્મશીલ).