Gunvant Shah In Surat

મા.શાળાનો શિક્ષક બુમરેંગ થઈ ગયો છે : ગુણવંત શાહ

Bhaskar News, Surat

shah‘માઘ્યમિક શાળાનો શિક્ષક આજે બુમરેંગ થઇ ગયો છે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ભાગ્યે જ યોગ્ય શિક્ષકને મળતો હોય છે. સમાજમાં તેજસ્વી શિક્ષકોને હંમેશાં દુ:ખી થવું પડતું હોય છે જયારે અમેરિકામાં તેજસ્વી શિક્ષક અને ડોકટરોને સારું ઉત્તેજન આપવામાં આવે છે. એમ શહેરની શ્રી ઇ.મો. જીનવાળા કેળવણી મંડળના રજતજયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા લેખક ડો. ગુણવંત શાહે કહ્યું હતું.

વધુમાં કહ્યું હતું કે, સમાજમાં માત્ર શિક્ષણના માઘ્યમથી બદલાવ લાવવો અઘરો છે. તૈતરિય ઉપનિષદમાં ચાર શિક્ષાવલ્લી આપવામાં આવેલ છે તે પ્રમાણે આચાર્ય પૂર્વ રૂપમ એટલે કે આચાર્ય શિક્ષણનો મૂળ સ્તંભ છે. અંતેવાસી ઉત્તર રૂપમ એટલે શિક્ષણનો બીજો સ્તંભ વિદ્યાર્થી છે.

વિદ્યા સંધિ: મતલબ વિદ્યાર્થીને જોડનાર જ્ઞાન છે અને પ્રવચન સંધાનામ એટલે કે પ્રવચન ઉપકરણ છે. આ ચાર સ્તંભ ઉપર શિક્ષણની ઇમારત ઊભેલી છે. સમગ્ર વિશ્વમાં જે ભણવા માટે ઉત્સાહી નથી તેમને ભણાવવામાં આવે છે અને જાણે ઠંડા પડી ગયેલા લોખંડ પર હથોડા મારવામાં આવે છે.’

ભારતમાં જ્ઞાન તેના ઉચ્ચતમ શિખર પર છે પરંતુ બીજી તરફ અજ્ઞાનતાની ખાઇ છે. માનવને ઉગવા દે તેવું શિક્ષણ બીજી ભાષામાં ન આપી શકાય તેવું ભાર પૂર્વક જણાવતા તેઓએ કહ્યું હતુ કે માતૃભાષામાંજ આપણે આપણી સંસ્કતિની સુગંધ ધરાવતુ શિક્ષણ આપી શકીએ.

કોઇ અંગ્રેજ બાળકને ગુજરાતી માઘ્યમમાં ભણાવી જુઓ!

shahપોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસદ્ધિ, જીવનસદ્ધિ અને શિક્ષણસદ્ધિ અધિકાર છે. એને ફન્ડામેન્ટલ રાઇટનો દરજજો મળવો જોઇએ

જગતની કોઇ પણ ભાષામાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં (મોર્નિંગ પ્રેયર્સ) મળે ખરાં? જગતની પ્રત્યેક ભાષા કે બોલી મૂલ્યવાન છે કારણ કે એની ખુશબો (અરોમા) અનન્ય હોય છે. જાણી રાખવા જેવું છે કે ઈસુ ખ્રિસ્તની માતભાષા અંગ્રેજી ન હતી. એમની માતભાષા ‘આર્મેઇક’ હતી. એમણે જીવનના અંત ભાગે જે ઉપદેશ આપ્યો તે ગ્રીક ભાષાની એક બોલીમાં આપ્યો હતો. એ બોલીનું નામ ‘કોઇને’ હતું. જૂના કરારની ભાષા પણ અંગ્રેજી ન હતી, પણ હિબ્રૂ હતી. ભાષા સંસ્કાર અને સંસ્કતિનું વાહન છે.

શિક્ષણનું માઘ્યમ માતૃભાષા હોય એવો આગ્રહ રાખનાર માણસ અંગ્રેજીનો વિરોધી શા માટે હોય? શિક્ષણના માઘ્યમ અંગે આવી ચર્ચા રશિયા, ચીન, યુરોપના દેશો કે પછી જાપાન, કોરિયા અને ઇસ્લામી દેશોમાં કયાંય ચાલે છે ખરી? પોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસદ્ધિ, જીવનસદ્ધિ અને શિક્ષણસદ્ધિ અધિકાર છે. એને ફન્ડામેન્ટલ રાઇટનો દરજજો મળવો જોઇએ.

પ્રખ્યાત વિજ્ઞાની નારલિકર તો ગણિત અને વિજ્ઞાન પણ માતૃભાષામાં જ ભણાવાય તેના ચુસ્ત આગ્રહી છે. આપણી માનસકિતા જ ગુલામીમાં ઝબોળાયેલી છે. આવી ચર્ચા કેવળ ભારતમાં જ ચાલે છે કારણ કે આપણું કોલોનિયલ માઇન્ડ હજી કાયમ છે.ચર્ચિલની માફક અમેરિકાના રોનાલ્ડ રેગનને પણ તીવ્ર કટાક્ષ દ્વારા પોતાની વાતને વળ ચડાવીને રજૂ કરવાની ફાવટ હતી.

અમેરિકન સેનેટમાં ગર્ભપાત અંગેના કાયદાની ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી ત્યારે પ્રમુખ રેગને એક એવું વિધાન ફટકાર્યું જેમાં ધારદાર કટાક્ષનો જાદુ હતો. એમણે કહ્યું : ‘અરે! જેઓ અહીં ગર્ભપાતના કાયદાનો વિરોધ કરી રહ્યા છે તે બધા તો એવા લોકો છે, જેઓ જન્મી ચૂકયા છે!’ આજની આ સભામાં ગુજરાતી ભાષાના એવા ભાવકો બેઠા છે, જેમનાં ઘરોમાં નાનાં બાળકો ખોટું ગુજરાતી અને ખોટું અંગ્રેજી બોલે તોય સ્માર્ટ ગણાય છે.

જે ભાષામાં બાળક રડે તે તેની માતભાષા ગણાય. સાવ ખોટા અંગ્રેજીમાં રડનારું ગુજરાતી બાળક લગભગ ‘અનાથ’ છે. આપણી તો ગેરસમજણ પણ ગ્લોબલ! આ સભા પૂરી થાય પછી ઘરે જાઓ ત્યારે તમારા ‘અનાથ’ વંશજોને મળશો ત્યારે જણાશે કે તેઓ અડધાંપડધાં પરાયાં બની ચૂકયાં છે. હાય રામ! યહ કૈસી મજબૂરી!

તમારું જ ડી.એન.એ. ધરાવનારાં નાનડિયાં કલાપીની ‘ગ્રામમાતા’થી અજાણ હોવાનાં. તેઓ ધૂમકેતુની વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ નથી ભણવાનાં. તેઓ રા.વિ.પાઠકની વાર્તા ‘મુકુન્દરાય’થી અપરિચિત રહેવાનાં. મેઘાણીની કવિતા ‘છેલ્લો કટોરો’ તેઓ કયારેય નથી ગાવાનાં. તેમને મન નરસિંહ મહેતા કોણ અને દયારામ કોણ? તેમને મન વીર નર્મદ કોણ અને ઉમાશંકર જોશી કોણ?

તેઓને ‘વૈષ્ણવજન’ ભણાવનાર શિક્ષકે અંગ્રેજીમાં કહેવું પડશે : ‘વૈષ્ણવજન ઇઝ ધ વન, હુ ઇવન વ્હાઇલ ઓબ્લાઇજિંગ ધ અધર પર્સન ઇન ડિસ્ટ્રેસ, ડઝ નોટ ફીલ ઇગોઇસ્ટિક મેન્ટલી.’ બોલો! કવિતાનું કચુંબર થઇ ગયું ને? પોતાની સંસ્કતિમાં જે કશુંક સુંદર હોય કે અનન્ય હોય તેનું વાજબી અભિમાન રહે તે આત્મગૌરવ કહેવાય. અન્ય સંસ્કતિમાં જે સુંદર હોય કે અનન્ય હોય તેનો અસ્વીકાર એ મિથ્યાભિમાન ગણાય. રામાયણના નમ્ર વિધાર્થી તરીકે એક ગુસ્તાખી કરવી છે.

રામ લંકાથી પાછા અયોઘ્યા ગયા તે પણ ચાલતા જ ગયા હતા, પુષ્પક વિમાનમાં નહીં. પુષ્પક (બોઇંગ ૭૩૭) કલ્પનામાં શોભે, હકીકત તો રાઇટ બ્રધર્સના ખોળામાં જ બેઠી છે. પિશ્ચમ તરફથી આપણને ઓછું નથી મળ્યું. આપણે અગ્નિની પૂજા કરી અને કહ્યું : ‘ઇદમ્ અગ્નયે ઇદમ્ ન મમ.’

પિશ્ચમે અગ્નિનો વિનિયોગ કર્યોઅને સ્ટીમ એન્જિન બનાવ્યું. ટૂંકમાં અંગ્રેજી વિના ચાલવાનું નથી. ઇન્ટરનેટ અને કોમ્પ્યૂટરને કારણે દુનિયા ચણીબોર જેવડી બની છે. કોકાકોલા કંપની આપણને તાજી છાશ ન પીવી એમ કહે છે? મહુડીની તાજી સુખડીની તોલે કેડબરીની ચોકલેટ ન આવે. અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ ન રખાય, પરંતુ એક વાત નક્કી જાણવી. મારી માસી, ફોઇ, કાકી કે મામી ગમે તેટલી વહાલી હોય, તોય માતાની તોલે ન આવે. ચશ્માં ગમે તેટલાં ઉપયોગી હોય તોય આંખની તોલે ન આવે.

માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ માર્ગરેટ મીડ વર્ષોપહેલાં ૧૯૭૪માં કલિંગ પારિતોષિક લેવા ભારત આવ્યાં ત્યારે મુંબઇની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મળવાનું બનેલું. મુલાકાત વખતે મારી સાથે આર.કે.કરંજિયાની દીકરી પણ બેઠી હતી. માર્ગરેટ મીડે જણાવેલું કે મનુષ્યને નજીકમાં જંગલ મળવું જોઇએ અને માતૃભાષાથી એ વંચિત ન રહેવો જોઇએ. આમ માતૃભાષા કેવળ માઘ્યમ નથી. એ તો જીવન-રસાયણ છે, કદાચ આપણું રુધિર છે.

માતૃભાષા પ્રત્યેનો અઢળક પ્રેમ કંઇ અંગ્રેજી ઉત્તમ આવડે તે વાતનો વિરોધી નથી, એ બાબત સમજવામાં ગાંધીજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. તેઓ ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા પહોંરયા ત્યારે તેમની ઉમર ચોવીસ વર્ષની હતી.

vicharoડરબનની કોર્ટમાં દાદા અબ્દુલ્લાના એર્ટની પાસે બેસતી વખતે ગાંધીજીએ પોતાની પાઘડી ન ઉતારી તેથી ત્યાંના અખબાર ‘ધ નાતાલ એડવર્ટાઇઝર’માં સમાચાર છપાયા જેનું મથાળું હતું : ‘એન અનવેલકમ વિઝિટર.’ તે જ દિવસે (તા.૨૬ મે,૧૮૯૩) ગાંધીજીએ તંત્રીને પત્ર લખીને પોતાના કહેવાતા અવિનય અંગે સ્પષ્ટતા કરી. ડરબનમાં ફાતિમા મીરને મળવા ગયો ત્યારે એમણે હસ્તાક્ષર કરીને એમનો ગ્રંથ, ‘ધ સાઉથ આફ્રિકન ગાંધી’ મને આપ્યો એમાં (પાન. ૧૧૨ પર) જે પત્ર છપાયો છે તે વાંચીને તો લાગે કે ચોવીસ વર્ષે ગાંધીજીએ જે સચોટ અંગ્રેજી ભાષા પ્રયોજી છે તે કોઇ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારના તંત્રીલેખમાં વાંચવા મળે તેટલી અસરકારક છે.

માતૃભાષાને ભોગે જ અંગ્રેજી પાકું હોઇ શકે એવું કોણે કહ્યું? માઘ્યમના પ્રશ્ને ગાંધીજી આપણા ગુરુ થઇ શકે કારણ કે એમનું અંગ્રેજી ‘સોલિડ’ હતું. સ્વીડનમાં ઘણા દેશોમાંથી આવીને વસેલા પરિવારનાં બાળકોને માતૃભાષાનું જ્ઞાન આપવાની સગવડ સરકાર કરે છે. સ્ટોકહોમમાં પચ્ચીસ જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને એ બાળકોને ગુજરાતી ભણવાની સગવડ સરકારે કરી છે.

થોડાંક વર્ષોપર સ્વેડિશ સરકારે મને બોલાવ્યો હતો ત્યારે ત્યાં વસનારી દુનિયાના દેશોની બધી લઘુમતીઓનાં બાળકોને એમની માતૃભાષા શીખવનારા શિક્ષકોનું મિલન ગોઠવાયેલું. એમાં બંગાળી, પંજાબી, જર્મન, રશિયન, મરાઠી, ફ્રેન્ચ, તમિળ, તેલુગુ અને કન્નડ ભાષાઓ ભણાવનારા શિક્ષકો હાજર રહ્યા હતા. પ્રવચન અંગ્રેજીમાં થયું ત્યારે અંતે કલાપીની ‘ગ્રામમાતા’ કવિતાનો ભાવાનુવાદ અંગ્રેજીમાં રજૂ કર્યોહતો. કવિતાને સરહદ કેવી? પ્રેક્ષકો તરીકે બેઠેલા સૌ શિક્ષકોએ ‘ગ્રામમાતા’નો આસ્વાદ માણ્યો હતો.

સ્ટોકહોમમાં વસેલા ગુજરાતી મિત્રોએ એક સાચો બનેલો પ્રસંગ કહ્યો હતો. ઇદિ અમીને યુગાન્ડામાંથી તગેડી મૂકેલું એક ગુજરાતી કુટુંબ સ્ટોકહોમમાં આશરો પામ્યું હતું. એ કુટુંબના વડાને ગુજરાતી બોલતાં આવડે પણ લખતાં-વાંચતાં ન આવડે. એ માણસના પિતાનો ભારતથી ગુજરાતીમાં પત્ર આવે પણ દીકરો વાંચી ન શકે.

સ્ટોકહોમમાં સ્વીડનની સરકારે બાળકોને ગુજરાતી ભણવાની વ્યવસ્થા કરી તેથી એ કમનસીબ બાપના બેટાને ગુજરાતી બોલતાં-લખતાં-વાંચતા આવડતું હતું. એ દીકરો જયારે જયારે દાદાએ ભારતથી ગુજરાતીમાં લખેલો પત્ર આવે ત્યારે બાપને વાંચી સંભળાવતો. બાપ રડતો જાય અને સાંભળતો જાય. આ બનેલી ઘટના છે.

મારો આક્ષેપ છે કે ગુજરાતી પ્રજા દુનિયામાં ઓછામાં ઓછું ‘ભાષાભિમાન’ ધરાવનારી પ્રજા છે. કણાર્ટકમાં પ્રથમ સાત વર્ષ માટે શિક્ષણનું માઘ્યમ કન્નડ ભાષા છે. વીર નર્મદે ‘દેશાભિમાન’ શબ્દ આપ્યો હતો. અહીં ‘ભાષાભિમાન’ શબ્દ પ્રયોજવાનું યોગ્ય લાગે છે. કોઇ અંગ્રેજ બાળકને ગુજરાતી, મરાઠી, ફ્રેન્ચ, રશિયન, જર્મન કે હિંદી ભાષાના માઘ્યમમાં ભણાવી તો જુઓ! તમને ન ગમે તોય એક આગાહી કરવી છે.

જો આજથી ન જાગીએ તો પચ્ચીસ વર્ષ પછી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કોઇ મોટી કોલેજના નાના વર્ગખંડમાં યોજાશે અને એ વર્ગખંડ પણ પૂરો નહીં ભરાય. (અમદાવાદ ખાતે ગુજરાતી ભાષા પરિષદ અને અન્ય ચૌદ સંસ્થાઓ દ્વારા યોજાયેલી ગુજરાતી બચાવ રેલી ગૂજરાત વિધાપીઠથી નીકળીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં સમાપ્ત થઇ, ત્યારે સભામાં આપેલા વિશેષ વકતવ્યનું હોમવર્ક, તા.૧૪-૨-૨૦૦૯)

પાઘડીનો વળ છેડે

‘શિક્ષણનું અંગ્રેજી માઘ્યમ
એ ભારત પરની બ્રિટનની
મોટામાં મોટી બુરાઇ હતી.
એણે ગૌરવવંત પ્રજાને
રંગલા-જાંગલા જેવી
આત્મગૌરવ વિહોણી
બનાવી દીધી’- અંગ્રેજ કવિ કિટ્સ

Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on

February 15, 2009