સત્યનિષ્ઠા વિનાની કોરીધાકોડ બુદ્ધિનિષ્ઠા ઘણા ઉપદ્રવો પેદા કરતી હોય છે. અસત્યના પોટલામાં સંતાયેલી આવી બુદ્ધિખોર માનસિકતાને કારણે જ ‘સેક્યુલરિઝમ’ જેવો પવિત્ર શબ્દ બદનામ થયો. યુવાની સર્વોદયના રંગે રંગાયેલી હતી ત્યારે એક અનોખી ઘટના બનેલી. સત્યનિષ્ઠા અને બુદ્ધિનિષ્ઠાના સમન્વયનું એવરેસ્ટ દાદા ધર્માધિકારી જેવા વિચારકમાં ચરિતાર્થ થતું જોવા મળેલું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા પ્રથમ પ્રવચનમાં દાદાનો ઉલ્લેખ કર્યો ત્યારે અંદરથી હરખ થયેલો. વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ માટે વર્ષોથી દાદા મારા રોલ-મોડલ રહ્યા છે.
જેમનાં મૂળિયાં માર્ક્સવાદમાં હોય અને પછી જેઓ મહાત્મા ગાંધી તરફ વળ્યા હોય એવા બે મહાનુભાવોનો પરિચય થયો એ મારું સદ્ભાગ્ય! એક હતા ભોગીલાલ ગાંધી અને બીજા છે લોર્ડ ભીખુ પારેખ. બંનેનું સૌજન્ય સો ટચનું. બંને ખુલ્લા મનના વિચારક અને બંનેને એવી પત્નીઓ મળી, જેને કારણે સહજીવન સુગંધમય બન્યું. છેલ્લા ત્રણેક મહિના દરમ્યાન ભીખુભાઇ સાથે મારા ઘરે છ-સાત કલાક સુધી વિચારવિમર્શ ચાલ્યો. પ્રથમવાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. બીજી વાર મળ્યા ત્યારે ચર્ચાના કેન્દ્રમાં મહાત્મા ગાંધી હતા. લોકતંત્રમાં બનતી સૌથી સુંદર ઘટના કઇ? ‘દ્વેષરહિત અસંમતિ’ લોકતંત્રની ખરી શોભા ગણાય. Let us agree to disagree without being disagreeable. ખુલ્લું મન પવિત્રતાનું મંદિર છે.
નરેન્દ્ર મોદીનું નવું વર્ષ કેવું જશે? મને જ્યોતિષમાં લગીરે શ્રદ્ધા નથી. તા. 9મી ઓક્ટોબર (2014)ને દિવસે ભીખુભાઇ ચા-પાણી માટે આવ્યા ત્યારે અંગ્રેજીમાં લખેલી નોંધ સાથે લેતા આવ્યા. અત્યારે એ નોંધ મારા હાથમાં છે. મારું એવું માનવું છે કે એ નોંધમાં નરેન્દ્રભાઇનું ઉજ્જ્વળ ભવિષ્ય પ્રગટ થયું છે અને સાથોસાથ થોડીક ચેતવણી પણ છતી થઇ છે. નિરપવાદ તટસ્થતા ભીખુભાઇની સંપ્રાપ્તિ છે. આ નોંધના પ્રથમ પાંચ મુદ્દા અત્યંત હકારાત્મક છે, જ્યારે બીજા ચાર મુદ્દાને ભીખુભાઇ ‘My concerns’ તરીકે રજૂ કરે છે. હવે હું ખસી જાઉં છું અને આપણે ભીખુભાઇએ જે લખ્યું તેનો અનુવાદ કાન દઇને સાંભળીએ:
નરેન્દ્રભાઇએ એવું કશું જ કહ્યું નથી કે કર્યું નથી, જેથી લઘુમતીઓ અળગાપણું અનુભવે કે ગભરાટ પામે હકીકતમાં તેમણે લઘુમતીઓને ધીરજ બંધાવી છે.
…
– પરદેશમાં વસતા ભારતીય લોકોમાં તેમણે અપાર સ્વાભિમાન જગાવ્યું છે, એ લોકોમાં કલ્પનાને પ્રદીપ્ત કરી છે અને એમને ભારતના વિકાસમાં ફાળો આપવા માટે અામંત્રિત કર્યા છે. હકીકતમાં તો તેઓએ ભારતીય અસ્મિતાના વિચારની નવી વ્યાખ્યા કરીને વિદેશમાં વસતા ભારતીય લોકોને રાષ્ટ્રીય પરિવારના સરખા ભાગીદાર ગણાવ્યા છે. આવું અગાઉ કોઇ અન્ય વડાપ્રધાને કર્યું નથી.
– જો આપણે સાંપ્રત વિધાનસભાની ચૂંટણીઓ બાજુએ રાખીએ, તો નમો ભારતના વડાપ્રધાન તરીકે વર્ત્યા છે, નહીં કે કેવળ ભાજપના એક નેતા તરીકે. આ તફાવત તારવવાનું સહેલું નથી, પરંતુ એ તફાવત મહત્ત્વનો છે, નેહરુ અને વાજપેયીએ એમ કર્યું હતું, પરંતુ બીજાઓએ કર્યું ન હતું.
– પોતાની નીતિઓ અને પોતાનાં પગલાંના ટેકામાં સતત ગાંધીનું નામ આગળ કરીને એમણે આર.એસ.એસ.નાં ગાંધીવિરોધી તત્ત્વોને શિથિલ કરીને હકીકતમાં તો આર.એસ.એસ.નાં વર્તુળોમાં અગત્યની ચર્ચા જગાવી છે આવું કરવામાં, પણ એમને પક્ષે આર.એસ.એસ.ની અસરથી ભાજપને સુરક્ષિત રાખવાની વ્યૂહરચના હોય એમ જણાય છે.
– આર્થિક વિકાસની સાથોસાથ પાયાની જરૂરિયાતો અને સેવાઓ તરફ યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે.
આ પાંચ હકારાત્મક મુદ્દાઓ રજૂ કર્યા પછી ચાર મુદ્દાઓ અંગે ભીખુભાઇએ પોતાની ચિંતા (concern) પણ નિર્ભયપણે પ્રગટ કરી છે. સાંભળો:
– શાસનશૈલી અતિશય કેન્દ્રિત છે અને અંગત છે. ટીમના સર્જનની જરૂર છે.
– ઉચ્ચ શિક્ષણમાં થોડાંક ગતકડાં બાદ કરતાં સમગ્ર કાર્યક્ષેત્ર ઉપેક્ષિત છે.
– પહેલ ઘણીબધી થાય છે, પરંતુ અનુકાર્ય (follow up) થતું નથી.
– વિદેશનીિતમાં ઘણા મોરચે કામ થાય છે, પરંતુ એનું સંકલન સુધરવું જોઇએ.
ભીખુભાઇની આ નોંધ નરેન્દ્રભાઇ સુધી પહોંચે ખરી? ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’ નરક એટલે શું? પૂર્વગ્રહોના મ્યુઝિયમ જેવું મન એટલે જ નરક! પછી ખુલ્લા મનના ભીખુભાઇ સાથે મારા ઘરે જે બીજી બેઠક થઇ (9-10-2014)તેમાં કેવળ ગાંધીજી કેન્દ્રમાં હતા. ભીખુભાઇએ કેટલાક પશ્ચિમના વિચારકોનાં લખાણોનો હવાલો આપીને ગાંધીજીની કેટલીક મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. જવાબમાં મારા શબ્દો ઓછા હતા અને તે આ પ્રમાણે હતા:
બધી મર્યાદાઓ સ્વીકારી લઇએ
અને બધી વિગતો સાચી માનીએ,
તોય એક વાત મારા મનમાં બિલકુલ પાકી છે:
ગાંધીજીએ ‘સત્યનો હાઇવે’ ક્યારેય
છોડ્યો હતો ખરો?
એમને મહાત્મા કહેવા માટે શું
આટલું ઓછું છે?
(લખ્યા તા. 11-10-2014)
પાઘડીનો વળ છેડે
1. અમેરિકન ભારતીયોને સંબોધીને વિશ્વના 120 દેશોમાં રહેતા 2.40 કરોડ જેટલા ભારતીયોને, તમે પારકા નથી, તમે અમારા જ છો- એમ કહીને ભાવનાત્મક રીતે વડાપ્રધાને આવકાર્યા હતા.
2. નરેન્દ્ર મોદીને રૂબરૂ જોવાની એક ઝલક પામવા માટે સમગ્ર અમેરિકામાંથી લોકો મેડિસન સ્ક્વેર ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ તો નરેન્દ્રભાઇને જોઇને જ ખુશ થઇ ગયા હતા.
3. સિનિયર સિટિઝન્સમાં જ નહીં, પણ યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મહત્ત્વની બાબત પુરવાર થશે.
4. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતા આંદોલનમાં લોકોને જોડી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી સ્વચ્છતાનું આંદોલન મોટા પ્રમાણમાં શરૂ કરાવનાર કોઇ નેતા હોય, તો તે નરેન્દ્ર મોદી જ છે.
5. યુવાનોને પણ ભારત પ્રત્યે અને ખાસ કરીને ગંગા સ્વચ્છ કરવાના અભિયાનમાં જોડવામાં આવશે. આ ઉપરાંત મૂળ ભારતીયોને તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તેના પ્રત્યે સક્રિય થવા પ્રેર્યા હતા.
– લોર્ડ ભીખુ પારેખ
નોંધ: તા. 30-09-2014ના દિવસે વડોદરાના અખબારમાં પ્રગટ થયેલા પ્રવચનનો રિપોર્ટ.
ખુલ્લા મનથી પ્રગટ થયેલા આ વિચારોમાં કશુંક એવું તત્ત્વ પડેલું છે, જેમાં પૂર્વગ્રહનો અંશ પણ ન હોય. પ્રિય વાચકોને નૂતન વર્ષની શુભકામના પાઠવીને એક જ વાત કહેવી છે: ‘આપણું મન ખુલ્લું રાખીએ.’
ગુણવંત શાહ