સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે.
કોઇ મનુષ્યનું ધર્મપરિવર્તન કરાવવું એ મહાપાપ છે એમ જો તમે માનતા હો, તો ઇસુ તમારી વાત સાથે પૂરેપૂરા સહમત છે. થોડાંક વર્ષ પહેલાં આદરણીય મોરારિબાપુ બારડોલીમાં રોકાયા હતા. બીજે દિવસે તેઓ ડાંગની એક સભામાં પ્રવચન માટે જવાના હતા. પ્રવચનોના કેન્દ્રમાં ધર્માંતરનો પ્રશ્ન હવામાં ચકરાતો હતો. રાતે બાપુ સાથે ફોન પર વાત થઇ ત્યારે મેં બાપુને કહ્યું: ‘બાપુ! ઇસુ ભગવાન ધર્માંતરના પ્રખર વિરોધી હતા અને બાઇબલમાં એમના શબ્દો પ્રગટ થયા છે.’ બાપુનો ભક્ત વડોદરાના મારા ઘરેથી બાઇબલની નકલ લઇ ગયો અને રાતોરાત મારી નિશાની સાથે એ પુસ્તક વહેલી સવારે બાપુ પાસે બારડોલી પહોંચી ગયું. ડાંગની મોટી સભામાં બાપુએ ઇસુ ભગવાનના કડવા શબ્દો વાંચી સંભળાવ્યા હતા:
ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને દંભીઓ!
તમારી કેવી દશા થશે?
તમે એક જણનો ધર્મપલટો કરવા માટે
પૃથ્વી પર અને સમુદ્ર પર ફરી વળો છો.
અને જ્યારે તે ધર્મપલટો કરે છે
ત્યારે તમે તેને તમારાં કરતાં
બમણા નરકને પાત્ર બનાવો છો.
(‘સંપૂર્ણ બાઇકલ’, અનુવાદકો: નગીનદાસ પારેખ અને ઇસુદાસ કવેલી, માથ્થી: પાન-35)
એ સભામાં આર.એસ.એસ.ના યુવાન પ્રવક્તા તરુણ વિજય પણ હાજર હતા. ત્રણ-ચાર દિવસ પછી એમનો ફોન દિલ્હીથી આવ્યો હતો અને એમણે મારી પાસે બાઇબલના અવતરણની વિશેષ જાણકારી માગી હતી. કોઇ પણ માણસને પોતાની ઓળખ બદલવી પડે તેના જેવી વિષમ અને કરુણ સ્થિતિ બીજી ન હોઇ શકે. કોઇ છોડને મૂળસોતો ઉખેડીને એને બીજે રોપવા જેવી જ એ બાબત ગણાય. જો ધર્માંતર કરાવવું એ પાપ હોય, તો પછી એની દિશા ગમે તે હોય તેથી શું? લાખો હિંદુઓ વટલાઇને મુસલમાન બન્યા તે પણ પાપ અને લાખો હિંદુઓ વટલાઇને ખ્રિસ્તી બન્યા એ પણ પાપ! એ જ રીતે ધર્મપરિવર્તન દ્વારા મુસલમાન કે ખ્રિસ્તીને હિંદુ બનાવવામાં આવે એ પણ પાપ! જો સેક્યુલર સનેપાતથી બચીને ઇસુની વાત માનીએ તો મહાત્મા ગાંધી પણ રાજી રાજી! એમણે કહેલું: ‘જો મારી પાસે સત્તા અને અધિકાર હોય તો હું બધી જાતનાં ધર્માંતરો નાબૂદ કરી નાખું.’ દાદા ધર્માધિકારી જેવા મૌલિક વિચારક કહેતા રહ્યા કે ધર્માંતર કેવળ ધર્માંતર ન રહેતાં ‘રાષ્ટ્રાંતર’ પણ બની રહે છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધર્મનું અથાણું કરી નાખે છે. કેરીધર્મ ઉમદા હોય છે, પરંતુ અથાણાધર્મ બડો ઉત્પાતિયો હોય છે. આજે માનવજાતને ઉત્પાતિયા અથાણાધર્મો પજવી રહ્યા છે.
‘સેક્યુલર સનેપાત’ ની વ્યાખ્યા શી? અત્યારે મારા હાથમાં લગભગ 35 વર્ષ પહેલાં મારી જ કટારમાં લખાયેલો લેખ (ગુ. મિત્ર, કાર્ડિયોગ્રામ, 30-5-1979). આદરણીય મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા. સંસદસભ્ય ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્માંતરવિરોધી બિલ રજૂ કર્યું ત્યારે શું બન્યું? કમનસીબે એ પસાર ન થયું. મધર ટેરેસાએ એ બિલનો વિરોધ કરવા માટેના સરઘસની આગેવાની લીધી હતી. મારી દૃષ્ટિએ એમ કરવામાં ઇસુના ઉપરોક્ત શબ્દોનો સ્પષ્ટ અનાદર હતો. એ બિલ તો કોઇ ખ્રિસ્તી કે મુસ્લિમ મનુષ્યને ધર્માંતર થકી હિંદુ બનાવી ન દેવાય તે સામે પણ ખપ લાગે તેવું ‘સેક્યુલર’ બિલ હતું. અમૃતા પ્રીતમે મધર ટેરેસાની સખત ઝાટકણી કાઢી હતી. બહુમતી જો ધર્માંતર કરાવે તો ગેરવાજબી ગણાય અને લઘુમતી ધર્માંતર કરાવે તો વાજબી ગણાય? આવા વલણમાં ન્યાય ક્યાં? આવા વલણમાં ઇસુ ક્યાં? આવા વલણમાં ગાંધીજી ક્યાં? ‘ન્યાય’ જેવી સેક્યુલર ઘટના બીજી કઇ હોઇ શકે? ‘સેક્યુલર સનેપાત’ એટલે એવા વલણનો જયજયકાર જેમાં બહુમતીને છોલવાની અને લઘુમતીને પંપાળવાની ફેશન હોય. બાકી સાક્ષી મહારાજ, (સાધ્વી?) નિરંજન જ્યોતિ, (યોગી?) આદિત્યનાથ કે આસારામની કડક આલોચના કરવામાં આ લખનારને બીજે નંબરે મૂકવાનો અવિવેક કોઇ પણ તટસ્થ વાચક નહીં કરે, કદી નહીં કરે. સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે. એક સનેપાતનો સામનો બીજા સનેપાતથી થઇ શકે?
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એક વાત નોંધી છે. કબીરના સમયમાં સિકંદર લોદીનું રાજ તપતું હતું. ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘સિકંદર શાહે બ્રાહ્મણ બદૂનને પ્રાણદંડની સજા ફરમાવી હતી. બ્રાહ્મણનો અપરાધ એ હતો કે તેણે ભગવાનની આગળ સર્વે ધર્મો સરખા છે એવું જણાવ્યું હતું.’ (‘સાધનાત્રયી’ પાન- 274) કેટલાક ધર્માંધ મુસ્લિમ શાસકોના કારભાર (ઇ.સ. 712થી 1707) દરમિયાન બનેલા આવા અસંખ્ય બનાવો નોંધાયા પણ નહીં હોય. અરે! વટલાયેલા લાખો હિંદુઓના જ વંશવારસો કટ્ટરતાપૂર્વક મંદિરો તોડવામાં સક્રિય બન્યા હશે! કાળની લીલા અનંત છે.
ઇસુ અને ગાંધીને પરિતોષ થાય તેવી ઘટના ઓસ્લોમાં બની. નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કૈલાસ સત્યાર્થીએ કરેલું પ્રવચન હૃદયસ્પર્શી હતું. એમણે પ્રવચનનો પ્રારંભ જ ઋગ્વેદના મંત્રથી કર્યો અને ઉપનિષદના મંત્રથી પ્રવચનની પૂર્ણાહુતિ કરી. મલાલા યુસુફઝાઇને પ્રવચન કરતી જોઇ ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવી ગઇ. મલાલાને પાકિસ્તાન પૂરી સલામતી પણ પૂરી પાડી નહીં શકે. મલાલાનું પ્રવચન દિલના ઊંડાણમાંથી વહેતું થયું.
યુનોએ 177 દેશોના સમર્થનથી સર્વાનુમતે ઠરાવ્યું કે પ્રતિવર્ષ 21મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવશે. ઇસુ મહાન યોગી હતા એવું ઋષિ યોગાનંદજીએ પોતાના (બેસ્ટ-સેલર) પુસ્તક ‘An Autobiography of A Yogi’માં વારંવાર જણાવ્યું છે. એક સૂચન કરું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દસ મહાન શબ્દોનો બધી જ ભાષાઓમાં સ્વીકાર થવો જોઇએ: (1) Dharma (2) Satya (3) Shanti (4) Yoga (5) Love (6) Karuna (7) Ahimsa (8) Islam (સમર્પણ) (9) Khairat (10) Nirvana. આવા થોડાક શબ્દો દ્વારા વિશ્વકક્ષાએ એક સેક્યુલર હાઇવેનું નિર્માણ થશે. જેમ જેમ પૃથ્વી ચણીબોર જેવી બનતી જાય તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય એ જરૂરી છે. આ દસ મહાન શબ્દોની યાદીમાં એક શબ્દ ઉમેરી જુઓ: ‘મા.’ મધર મેરીમાં સીતા દેખાશે.
કોઇ પણ ધર્મનું મૂલ્યાંકન એ ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પરથી કરવાની કુટેવ છોડવી પડશે. કોઇ નદીનું મૂલ્યાંકન એમાં તરતી માછલીઓની સંખ્યા પરથી થઇ શકે? જો આવો કુરિવાજ સ્વીકારીએ તો જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેટલી? શીખોની સંખ્યા કેટલી? ધર્મ એટલે રિલિજિયન નહીં. ‘ધર્મ’ જેવો સેક્યુલર શબ્દ બીજો ન હોઇ શકે. માનવતાને ટકાવી રાખે તે ધર્મ કહેવાય. જરા સોચો! ટ્રાફિકના નિયમો ન હોય તો રોજ કેટલા અકસ્માતો થાય? ‘ટ્રાફિકધર્મ’ આદરણીય છે કારણ કે એને કારણે કશુંક ટકી રહે છે. ઇસુએ જગતને પ્રેમધર્મનું મહત્ત્વ સમજાવ્યું. નાતાલના પવિત્ર દિવસોમાં મારા ઘરે આખી રાત એક ચમકતો તારો લટકતો જોવા મળશે. આવી પ્રથા પરિવારમાં ક્યારથી શરૂ થઇ? ઘણાં વર્ષો થઇ ગયાં! ઇસુ કેવળ ખ્રિસ્તી પ્રજાના મહામાનવ નથી. તેઓ મારા તમારા અને આપણા સૌના પૂજ્ય છે. એમને સમજવાની જવાબદારી કેવળ પાદરીઓની નથી. તેઓ ચર્ચમાં પણ છે અને ચર્ચની બહાર પણ છે. તેઓ સર્વત્ર છે કારણ કે ધરતીના કણ કણમાં પ્રેમનું સામ્રાજ્ય સંતાયેલું છે.{ (લખ્યા તા. 15-12-2014)
પાઘડીનો વળ છેડે
એક વૃક્ષને
કાપી નાખવામાં આવ્યું અને
એના ફળો ફંગોળાઇ ગયાં!
હું રડી પડી.
-ઝીન્દજી
નોંધ: એન્થની સેમ્પસને નેલ્સન મેન્ડેલાની વિસ્તૃત જીવનકથા લખી છે. એમાં ઝીન્દજી નામની આફ્રિકન સ્ત્રીએ ગોરા લોકોના આર્થિક અને ધાર્મિક શોષણ અંગે લખેલી પંક્તિઓ આવી હતી.