કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે અને એનો વર્તમાન અભવ્ય છે. એનું ભવિષ્ય ધૂંધળું છે. એ ધૂંધળું છે તોય આશાસ્પદ હોવાને પાત્ર છે. કોંગ્રેસમુક્ત ભારત અંગે જે બકવાસ થાય છે, તે દેશના અને લોકતંત્રના હિતમાં નથી. નરસિંહ રાવના શાસન પછી લોકસભામાં કોંગ્રેસને માત્ર ૧૧૨ બેઠકો મળી ત્યારે પણ આ વાક્ય લખ્યું હતું: ‘કોંગ્રેસ મરે તે દેશના હિતમાં નથી.’ હું કોંગ્રેસ કલ્ચરનું જન્મજાત સંતાન છું. મારો પરિવાર ખાદીમય, ગાંધીમય અને કોંગ્રેસમય હતો. ‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હવે હું જે લખું તેને જવાબ નહીં જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવાનો ઇરાદો છે. તો હવે ચાલો મારી સાથે સાથે
દૃશ્ય:૧
વર્ષ ૧૯૪૬-૪૭નું હશે. સરદાર પટેલ ત્રણેક દિવસ માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેવા માટે ગયેલા. ઉત્તમચંદ શાહના ઓટલા પર સુરતનાં સંનિષ્ઠ સેવિકા જ્યોત્સનાબહેન શુકલ સેવાદળના સાત-આઠ યુવક-યુવતીઓને શું કહી રહ્યાં હતાં? સાંભળો:
કાલે ઊઠીને ખુદ ગાંધીબાપુ આપણને
કહે કે ખાદી છોડી દો,
તો આપણે એમની વાત માની જઇશું?
ના, ના, ના. આપણે બાપુને સામો પ્રશ્ન પૂછીશું:
બાપુ અમે લોકોએ સમજીને ખાદી અપનાવી છે,
માત્ર તમારા કહેવાથી નથી અપનાવી.
હવે અમને સમજાવો: ખાદી શા માટે છોડવી?
જ્યોત્સનાબહેન વિશે મામાસાહેબ ફડકેની આત્મકથામા સુંદર લખાયું છે. તે દિવસે જીવનમાં પહેલી વાર જીપ જોયેલી. વિસ્મયનો પાર નહીં હું જીપને ટગર ટગર નિહાળી રહ્યો હતો, જાણે કોઇ જંગલી પ્રાણીને પ્રથમ વાર જોઇ રહ્યો હોઉં સરદાર પટેલ સાથે મારે ત્રણ વાક્યોની વાત થઇ હતી: સરદાર બોલ્યા: ‘ક્યાંથી આવે છે? કોની સાથે આવ્યો છે? ખાદી પહેરે છે?’ ચોથું વાક્ય તેઓ બોલ્યા હોય તોય યાદ નથી. વર્ષો વીતી ગયાં પછી મારે સુરતની યુનિવર્સિટીમાં શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જવાનું થયું. એક નાની સભામાં સુરતના સોનીફળિયામાં આવેલા કોંગ્રેસભવનમાં મારું પ્રવચન હતું અને જ્યોત્સનાબહેન સભાના પ્રમુખ હતાં. મેં સભામાં ઉપરનો કિસ્સો કહી સંભળાવ્યો. જ્યોત્સનાબહેન તો આનંદાશ્ચર્યમાં ડૂબી ગયાં વાત જૂની હતી, પરંતુ વિચાર તાજો હતો.
દૃશ્ય: ૨
કાનજીભાઇ દેસાઇ (કનૈયાલાલ દેસાઇ) અમારા રાંદેરના ઘરે પ૦થી ઓછી વાર ન આવ્યા હોય. લગભગ બકરીની માફક પાન ચાવતા જાય અને સામે બેઠેલા ખેડૂતોને નામ દઇને બોલાવતા જાય. આ ઉમદા નાગર સજ્જને ઓલપાડ તાલુકામાં એમની માલિકીની જાગીરદારીની જમીન કોળી ગણોતિયાઓને (ગણોતધારાના કાયદા પછી) મફતમાં આપી દીધી હતી. સરદાર પટેલના ખાસ વિશ્વાસુ અને મોરારજીભાઇના તો ખાસમખાસ તેઓ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. વારંવાર મિટિંગ માટે અમદાવાદ જવાનું બને ત્યારે સુરતના વિખ્યાત દેવશંકર ઘારીવાલાને ત્યાંથી ઘારીની ૨પ-૩૦ ટોપલીઓ (હા ટોપલી, બાકસ નહીં) કોંગ્રેસી સાથીઓ માટે પ્રેમથી લઇ જાય.
કોંગ્રેસ કલ્ચરનું શિખર જોવું હોય તો કાનજીભાઇનો ત્યાગ જોવો પડે. એમનું એક ખેતર રાંદેરમાં મારા ખેતરની સાથોસાથ આવેલું હતું. એમના સુપુત્ર હિતેન્દ્ર દેસાઇએ તે વખતે સંસ્થા કોંગ્રેસ છોડીને પોતાને, મુંબઇ રાજ્યના શિક્ષણપ્રધાન અને પછી ગુજરાતના મુખ્યપ્રધાન બનાવનારા વડીલ મોરારજીભાઇને રીતસર દગો દઇને ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે જ દિવસે ઇન્દિરા કોંગ્રેસ અપનાવેલી. સુરતમાં એમના ઐતિહાસિક ઘરમાં નેહરુ, સરદાર, મૌલાના આઝાદ, રાજાજી, સરોજિની નાયડુ અને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ આવતા અને રહેતાં. એ ઘર ‘વાંઝિયા’ ફળિયામાં આવેલું હતું. (હિતેન્દ્ર દેસાઇ નિ:સંતાન હતા.) તેઓ એ જ ઘરેથી જીવનની છેલ્લી ચૂંટણી સંસ્થા કોંગ્રેસ સામે લડયા હતા અને ડિપોઝિટ ગુમાવી હતી. પાછલી ઉંમરે તેઓ શાહીબાગના નિવાસે સાવ જ એકલા
દૃશ્ય:૩
કલ્યાણજી મહેતા વાંઝ ગામના વતની હતા. મોરારજીભાઇથી તો કોંગ્રેસમાં ઘણા સિનિયર ગણાય. મારે ઘરે કોંગ્રેસી મિત્રો ભેગા થયા ત્યારે ગોરધનદાસ ચોખાવાળા અને જ્યોત્સનાબહેન હાજર હતાં. કલ્યાણજીભાઇએ કહ્યું: ‘મોરારજીભાઇને ક્યારેક આપણે ચિઠ્ઠી લખીએ અને બિલકુલ વાજબી ભલામણ કરીએ તોય ગાંઠતા નથી. આપણે આ ચલાવી લેવું રહ્યું કારણ કે આવો કડવો છતાં પણ સાચો મુખ્યપ્રધાન (મુંબઇ રાજ્ય) આપણને ક્યાંથી મળવાનો?’ આ હતું ઉમદા કોંગ્રેસ કલ્ચર.
દૃશ્ય: ૪
૧૯પ૨ની સામાન્ય ચૂંટણીમાં પૂજ્ય રવિશંકર મહારાજ કોંગ્રેસના સક્રિય પ્રચારક હતા. તેમનું પ્રચારકાર્ય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર સાથે સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટિયાના ત્રાસક્ષેત્રનાં ગામોમાં પણ થતું રહેતું. એક ગામે સભામાં ગોળી છૂટેલી ત્યારે બંને મહાનુભાવો માંડ બચી ગયેલા. ૧૯પ૭માં પૂજ્ય મહારાજની ભૂદાન પદયાત્રા ચાલતી હતી. ચૂંટણીથી પૂજ્ય મહારાજ દૂર રહેલા, પરંતુ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેમને ચાલુ પદયાત્રામાં મળવા આવતા અને પોતાના મતક્ષેત્રમાં કોઇ મત તાણી લાવે એવા આગેવાન માટે પૂજ્ય મહારાજની ભલામણ ચિઠ્ઠી લઇ જતા.
અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે પહોંચી ત્યારે રાતે મુંબઇ રાજ્યના નાયબ કક્ષાના પ્રધાન વડોદરાના જશવંત શાહ આવ્યા અને વાંસડાની માફક પૂજ્ય મહારાજના ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ કર્યાં. મારા માટે એ દૃશ્ય સાવ નવું હતું કારણ કે પૂજ્ય મહારાજ આવી હરકતોથી રાજી ન હતા. એમની વિનંતીથી પૂજ્ય મહારાજે ભલામણ ચિઠ્ઠી લખાવી તે મારે હાથે લખાયેલી. જશવંતભાઇએ પોતે સહકારી ક્ષેત્રે જે કામ ચાલુ હતું તેની વાત કરી ત્યારે પૂજ્ય મહારાજે એમને સણસણતું વાક્ય સંભળાવેલું તે આજે પણ મારી સ્મૃતિમાં તાજું છે. પૂજ્ય મહારાજે કહ્યું: ‘એકલો માણસ કોઇને લૂંટે તેના કરતાં ઘણા માણસો સહકારપૂર્વક ભેગા મળીને ગરીબને લૂંટે તેનું જ નામ સહકારી પ્રવૃત્તિ ને?’
દૃશ્ય: પ
ઇન્દિરાજી સત્તા પર આવ્યાં અને કોંગ્રેસ કલ્ચર ક્ષીણ થયું અને કટોકટી લાદવામાં આવી ત્યારે નષ્ટ થયું. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગરીબમિત્ર ઝીણાભાઇ દરજી મોરારજીભાઇની સાથે સોલિડ ઊભા હતા. વડોદરામાં ડો. ઠાકોરભાઇ પટેલને ત્યાં મોરારજીભાઇ ઊતર્યા હતા ત્યારે રાતે બાર વાગે ઝીણાભાઇ ત્યાં પહોંચ્યા અને સોફા પર સૂઇ રહ્યા. સવારે મોરારજીભાઇ દાદર ઊતરતા હતા ત્યારે ઝીણાભાઇએ વાંકા વળીને પગથિયાં પર જ મોરારજીભાઇને વંદન કર્યાં. શત્રુ-ઉછેર-કેન્દ્રના માલિક એવા મોરારજીભાઇએ ઝીણાભાઇને ખંખેરી કાઢયા આ દૃશ્ય જોનારા કોંગ્રેસી મિત્ર અશ્વિન શાહે મને બીજી વાત પણ કરી. ઠાકોરભાઇને ત્યાં સત્તાવિહીન ઇન્દિરાજીનો ઉતારો હતો ત્યારે ઝીણાભાઇ એમને મળવા ગયા.
ઝીણાભાઇ વિદાય થયા ત્યારે ઇન્દિરાજીએ દેખાવડા અશ્વિન શાહને કહ્યું: -ઋર્ જ્ઞ્ૌખ્રજ્, યાને ઝીણાભાઇના શરીરમાંથી વાસ આવે છે.
ઝીણાભાઇનું કોંગ્રેસ કલ્ચર કેવું ઉદાત્ત હતું? અમદાવાદથી કારમાં વ્યારા જાય ત્યારે વડોદરાના રાજુ ખમણ હાઉસ પરથી મને ફોન જોડીને કહેતા: ‘ગુણવંતભાઇ, સલામ મારવા ફોન કર્યો.’ મારા ઘરે ઝીણાભાઇ ફક્ત એક જ વાર પધાર્યા હતા. આવ્યા ત્યારે એક એવી વાત કરતા ગયા કે કોંગ્રેસ કલ્ચરની સુગંધનો અનુભવ થયો. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું ઝીણાભાઇ પર ભારે દબાણ હતું કે તેમણે સુરતમાં મોરારજીભાઇ સામે ઊભા રહેવું. ઝીણાભાઇનું આભિજાત્ય જુઓ એમણે કહ્યું: ‘હું મોરારજીભાઇ સામે કદી ચૂંટણી નહીં લડી શકું.’
દૃશ્ય: ૬
તા. પમી માર્ચ (૨૦૧૩)ને દિવસે પ્રેમપૂર્વક અહમદભાઇ પટેલ સાંજે ઘરે મળવા માટે આવ્યા. વાતો ૨પ મિનિટ સુધી ચાલી. તેઓ એટલી શાંતિથી બેઠા કે જાણે કોઇ બીજું કામ ન હોય. સાથે મિત્ર કદિર પીરઝાદા પણ હતા. વાતોમાં ખાનદાની ટપકતી જોઇ. હું સોનિયાજીની કડક ટીકા કરું છું તે તેઓ જાણે છે. કોંગ્રેસ કલ્ચર પ્રગટ થયું. એવું જ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે પણ અનુભવેલું. મારું વલણ વાચકોને સમજાય તે માટે મારા લેખનાં બે મથાળાં જ પ્રસ્તુત છે:
૧. (ન્યુક્લિયર સંધિના સંદર્ભે) કોંગ્રેસ ફુલ્લી પાસ, ભાજપ ફુલ્લી નપાસ (દિ. ભા. ૯-૯-૨૦૦૭)
૨. મોદી કષ્ટથી સાવધાન (દિ. ભા. ૩૦-૧૨-૨૦૦૭)
દૃશ્ય: ૭
સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પ્રમુખ સીતારામ કેસરીની અવદશા કરી હતી તે યાદ છે? રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ દ્વારા જે ઓર્ડિનન્સ સ્વીકારાયો હતો તેના ટુકડા કર્યા અને વટ માર્યો ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અપમાનિત થયા અને વળી અમેરિકામાં હતા ત્યારે હા, હા, હા પરિવારમુક્ત કોંગ્રેસ મને વહાલી છે.(તા. ૨પ-૭-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
‘દિવ્ય ભાસ્કર (૧૩-૭-૨૦૧૪)માં ‘કોંગ્રેસમુક્ત ભારતને બદલે પરિવારમુક્ત કોંગ્રેસ’ અંગે તમે જે સૂચન કર્યું છે તે યથાર્થ છે… મારા છેલ્લા ૪૦ વર્ષના કોંગ્રેસમાં કામ કર્યાના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે કોંગ્રેસમાં અનેક શક્તિશાળી, પ્રામાણિક અને દેશસેવાને સમર્પિત લોકો છે, પરંતુ તેમને કામ કરવાની તક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પરિવારના કૃપાપાત્ર બને. આ સંજોગોમાં ભવ્ય ભૂતકાળને જીવંત કરવા પરિવારમુક્ત કોંગ્રેસ આજની જરૂરિયાત છે.
કૃષ્ણકાંત વખારિયા (પત્ર: ૧૩-૭-૨૦૧૪)
નોંધ: શ્રી વખારિયા મારા પ્રશંસક નથી, કડક ટીકાકાર છે, પરંતુ વિચારભેદને કારણે અંગત દ્વેષ રાખનારા ‘બૌદ્ધિક બબૂચક’ પણ નથી. તેઓ ચીમનભાઇ પટેલના ખાસ મિત્ર હતા. ‘વિશ્વગૂર્જરી’ સંસ્થા દ્વારા તેઓ વિવિધ દેશોના ગુજરાતી સમાજને જોડે છે.
‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હું જે લખું તેને જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવા છે. તો હવે ચાલો મારી સાથે સાથે
ગુણવંત શાહ