Dating is the birthright of all young people

A report by Bhaskar News, Surat on the lecture at Veer Narmad University, attended by 4000 young people.

ડેટિંગ દરેક યુવાનનો જન્મ- સિદ્ધ અધિકાર : ગુણવંત શાહ

Bhaskar News, Surat
Friday, October 30, 2009 03:07 [IST]

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યુવાશિબિરમાં ગુણવંત શાહનું ઉદ્બોધન

‘ડેટિંગ સંપૂર્ણ હિન્દુસ્તાની કન્સેપ્ટ છે. કૃષ્ણ પણ રાધાને મળવા માટે અગાઉથી નક્કી કરેલા સમયે અને સ્થળે જતા અને તેને તે જમાનામાં અભિસાર કહેવાતું. ડેટિંગ એ દરેક યુવાનનો જન્મસિદ્ધ, સહજસિદ્ધ અને પ્રેમસિદ્ધ અધિકાર છે,’ તેવું જાણીતા ચિંતક અને લેખક ડો. ગુણવંત શાહે યુવા શિબિરમાં ગુરુવારે બોલતા કહ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા એનએસએસના ‘સ્વિર્ણમ ગુજરાતની અસ્મિતા-યુવાશિબિર’માં આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કૃતિ વિષય ઉપર બોલતા શાહે વધુમાં કહ્યું હતું કે, તેમની દીકરીઓ પણ ડેટિંગ ઉપર જતી હતી અને તેમણે ક્યારેય તેમને અટકાવી ન હતી.

‘જ્યારે મારી દીકરીઓ ડેટિંગ કરીને પરત આવતી ત્યારે તેમના માટે પાણી લઇને હું દરવાજે ઉભો રહેતો. નવ વાગ્યાનું કહીને ગઇ હોય તો સાડા દસ વાગ્યે આવતી. ડેટિંગમાં મોડું ન થાય તો કયાં થાય? મારી ઉંમરના લોકોને તે ગમતું નથી કારણે કે અમારા સમયમાં તે કરી શકાયું ન હતું.

પ્રેમ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે સમાજ પ્રેમને ગુનો ગણે છે. લવ અફેર એ ગુનો નથી. જે સમાજ પ્રેમને ગુનો ગણે છે તેણે ગુનાને પ્રેમ કરવો પડે છે. નક્સલવાદ, આતંકવાદ જેવી સમસ્યાઓ તેનું જ પરિણામ છે. શાહે કહ્યું હતું કે-‘મારું ચાલે તો દરેક શહેરમાં ફક્ત યુવક-યુવતીઓને સાથે જ પ્રવેશ મળે તેવા ઉદ્યાનો બનાવડાવું.’

ડો. શાહે જીન્સના થીંગડાંવાળા અને છૂંછાંવાળા પેન્ટને આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કતિનું પ્રતીક જણાવતાં કહ્યું હતું કે જીન્સ રાષ્ટ્રપતિ અને હળપતિને સમાન સ્તર ઉપર લાવી મૂકે છે. બિલ કિલન્ટન પણ તે પહેરે છે અને તેમનો પટાવાળો પણ. ‘હું જીન્સ નથી પહેરતો પરંતુ તે પહેરનાર પ્રત્યે મને વિશેષ પ્રેમ છે’. શાહે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે યુવાન એટલે જેની વાહિયાત બાબતોને સહન કરવાની શક્તિ મર્યાદિત હોય.

આજની પેઢીની યુવતી દહેજભૂખ્યા ‘લલ્લુ’ને પરણવાની સાફ ના કહેવાની હિંમત રાખતી હોવી જોઇએ. યુવકે પણ દહેજના આધારે લગ્ન કરાવતા માતા-પિતાને ના કહી દેવાની હિંમત બતાવવી જોઇએ’.

‘અકબરના જમાનામાં પણ કાયદો કર્યોહતો કે એકબીજાની મરજીથી લગ્ન ન થયા હોય તો તે છેલ્લી ઘડીએ પણ ફોક કરી શકાય.’ શાહે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યુવા સંસ્કતિ સાથે તાલ મિલાવવા માટે આપણા યુવાનોમાં આત્મગૌરવ, આત્મસન્માન હોવા ઉપરાંત પોતાની અલાયદી ઓળખ વિશેની જાગૃતિ એટલે કે આત્મસંકલ્પના વિકસાવવી ખૂબ જરૂરી છે.

આ ત્રણ બાબતોની ઊણપને કારણે આપણો યુવાન પાછળ પડે છે. મહાભારતમાં અર્જુનનો વિષાદ તેની આત્મસંકલ્પનામાં ઊભી થયેલી વિકતિ જ હતી જેને કૃષ્ણે ગીતાના ઉપદેશથી દૂર કરી હતી.