માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).
જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? જવાબ છે: હૃદયરોગનો હુમલો. વાત વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિચિત્ર નથી. અનુભવને આધારે કહેવું છે કે હૃદયરોગના હુમલાને કારણે મારા અહંકારના ચૂરેચૂરા થઇ ગયા. શું આ જેવીતેવી ગુરુકૃપા છે? માનવ દેહધારી ગુરુ પોતાના શિષ્યને છેતરે એ શક્ય છે, પરંતુ હૃદયરોગનો હુમલો પોતાના શિકારને કદી પણ ન છેતરે. હુમલો થયા પછી બચી જનાર મનુષ્ય જો જાગી જાય તો જીવનનું નવનિર્માણ (Self-renewal) શરૂ થાય એ શક્ય છે. આવી તક કેવળ નસીબદાર મનુષ્યોને જ પ્રાપ્ત થતી હોય છે. અહંકારશૂન્યતા એટલે દેહમૃત્યુ થાય તે પહેલાં અહંકારનું મૃત્યુ થાય તેવી અવસ્થા. હૃદયરોગ આવી અવસ્થાની ખાતરી નથી આપતો. હા એને પ્રતાપે એક અલૌકિક શક્યતાનું દ્વાર ખૂલે છે એ નક્કી! શું આવી ગુરુકૃપા ઓછી મૂલ્યવાન છે? શક્યતાનું દ્વાર ખોલી આપે, તે જ સદગુરુ!
બરાબર યાદ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)માં ખાટલા પર જે વિચારો આવ્યા તેમનું ગુરુત્વ મધ્યબિંદુ ‘માયા’ હતું. સ્વામી આનંદે માયાને ‘કિરતારની કારભારણ’ કહી તે વાતે સ્વામી આનંદનું પણ તીવ્ર સ્મરણ ચાલતું રહ્યું. એ ખાસ કલાકોમાં જ કંઇ વિચાર્યું તેનું વિસ્મરણ હજી થયું નથી. જે કંઇ યાદ આવે તેને યથાતથ રજૂ કરવાના આ પ્રયત્નમાં સુવ્યવસ્થા નહીં હોય. માયા પર વિચારે ચડી જવાનો એક લાભ એ થયો કે મૃત્યુનો ભય ખરી પડ્યો. બાયપાસ સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લતા મંગેશકરને કંઠે ગવાયેલો ગીતાનો બારમો અધ્યાય સાંભળવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણનાં વચનોનું શ્રવણ કરતા કરતા એનેસ્થેસિયા દ્વારા સંપૂર્ણ અભાનતાના ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનું બન્યું. થોડાક કલાકો પછી પુનર્જન્મ!
માયા પર વિચારવાનું ફરીથી ચાલુ થયું. ક્રિકેટ અને ગીતા વચ્ચેનો અનુબંધ મનમાં જડાઇ ગયો. શું થયું? હું ખેલના મેદાન પર રમવા ગયો. માયા શરૂ? રમતમાં મેં છગ્ગો ફટકાર્યો પણ બોર્ડર પર ફિલ્ડરે કેચ ઝીલી લીધો. મેં પેવિલિયન ભણી ચાલવા માંડ્યું. એક જ ક્ષણમાં અમ્પાયરે ‘નો બોલ’ જાહેર કર્યો અને હું ક્રીઝ પર પાછો ફર્યો! ક્રિકેટની માયા કેવી? આપણી ટીમ જીતે તો ખુશ થવાનું અને હારી જાય તો નિરાશ થવાનું! બે ટીમની રમતમાં રન સરખા થાય તો ટાઇ પડે તેની માયા! વળી સ્ટમ્પ આઉટ, કેચ આઉટ, રન આઉટ અને LBWની માયા! ડીપ મિડ-ઓન પર દ્વેષ નામનો ફીલ્ડર કેચ કરવા ટાંપીને ઊભો છે! એ જ રીતે ડીપ મિડ-ઓફ પર લોભ નામનો ફીલ્ડર આપણો રન રોકવા તત્પર છે!
એ જ રીતે સ્લિપર તરીકે ત્રણ ત્રણ ખેલાડીઓ વત્તા વિકેટકીપર સાક્ષાત્ મોહ બનીને આપણને આઉટ કરવા તત્પર છે! આવી ક્રિકેટમયી માયામાં અમ્પાયરનું કામ કેવું? ગીતામાં બે શબ્દો પ્રયોજાયા છે: 1. ઉપદ્રષ્ટા અને 2. અનુમન્તા. (અધ્યાય 13). બંને શબ્દોમાં અમ્પાયરનો ધર્મ પ્રગટ થાય છે. અમ્પાયર બંને ટીમ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને ઊભો છે. એ રમતને સાક્ષીભાવે નિહાળે છે તેથી ‘ઉપદ્રષ્ટા’ છે. વળી એ આઉટ કે નોટઆઉટનો નિર્ણય કરતી વખતે અનુમતિ આપનારો (અનુમન્તા) છે. આમ અમ્પાયર મોહમાયામાં અટવાતા ધૃતરાષ્ટ્રની નબળાઇ (મામકા-પાંડવા:)થી મુક્ત છે. સંસારનો ખેલ ક્રિકેટના ખેલથી જુદો નથી. એ ખેલમાં જોડાયેલા મનુષ્યો સાક્ષીભાવે માયાની રમતને નિહાળે તો જીવન સફળ થઇ જાય. માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).
કોઇએ તમને દગો દીધો? કોઇ સ્વજન તમારા પૈસા લીધા પછી પાછા નથી આપતું? કોઇ તમારી નિંદા કરવામાં નિષ્ઠાવંત જણાય છે? તમારા હૃદયમાં ક્યાંક જખમનું શૂળ છે? અરે! તમે કોઇને અન્યાય કર્યો છે? તમે લોભ-મોહ-સ્વાર્થને કારણે કોઇનું જીવન બરબાદ કર્યું છે? હા, માયા નામની કારભારણ તમને અને મને રાતદિવસ નચાવી રહી છે. આપણે સવાર-સાંજ નાચમગ્ન છીએ. વચ્ચે વચ્ચે કોઇ ગમતું માણસ મરી જાય છે. આપણે દુ:ખી દુ:ખી! ક્યાંક લગ્ન સમારંભ યોજાય ત્યારે ટેબલે ટેબલે વાનગીઓની માયા! આયુર્વેદની વિચારધારા અને વિજ્ઞાનધારા પ્રમાણે મનુષ્યનું શરીર વાત, પિત્ત અને કફ વચ્ચે જળવાતા સંતુલનની ત્રિગુણાત્મક માયા છે! પાણીપૂરી લલચાવે, મીઠાઇ લલચાવે, ભજિયાં લલચાવે અને ભોજન પછી સુગંધીદાર પાન પણ લલચાવે! રોજ નવી માયાને રોજ નવી લીલા! શિયાળાની સવારનો તડકો ગમે અને ઉનાળાની બપોરનો તડકો પજવે! વરસાદ ગમે, પણ કાદવ-કીચડ ન ગમે! કારમાં ફરવાનું ગમે, પરંતુ એ અટકી પડે ત્યારે માથાનો દુખાવો! સુખની સોડમાં દુ:ખ અને દુ:ખના કાળજામાં પીડા! સુખ ગમે, દુ:ખ ન ગમે!
હૃદયરોગના હુમલા પછી જીવનનો પ્રત્યેક કલાક મૂલ્યવાન બની જાય એ શક્ય છે. મારા વિદ્વાન મિત્ર ડો. શશિકાંત શાહ મને વારંવાર કહે છે: ‘અમારા કેટલાય કલાકો સાવ નકામા વ્યવહારો સાચવવામાં વેડફાઇ જાય છે, તમારા નથી બગડતા તે બહુ મોટી વાત છે.’ પાઇલટની કરિયર વર્ષોમાં નથી મપાતી, કેટલા કલાકોનું ઉડ્ડયન થયું તે પરથી મપાય છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાએ 72 વર્ષની વયે ‘માયા’ સંકેલી લીધી. ‘Outlook’ મેગેઝિનનો હું પ્રથમ અંકથી વાચક હતો. સદગત વિનોદ મહેતા માત્ર મારા જ નહીં, આપણા પ્રિય એવા વિનોદ ભટ્ટના પણ માનીતા પત્રકાર હતા. એમની ખોટ ખટકે તે પણ માયા! તેઓ સોનિયા ગાંધીના પક્ષકાર હતા એમ કહેવામાં અેમને અન્યાય થશે. તેઓ હિંમતપૂર્વક ટીવી પર પણ કડવી વાતો કોંગ્રેસને કહી શકતા હતા. એમની લેખનશૈલીમાં નિખાલસતાની સુગંધ હતી.
ગીતામાં ત્રિગુણમયી માયાની વાત સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના સંદર્ભે કરી છે. જીવનના ઘરમાં ત્રણ ઓરડા છે. ક્યારેક આપણે સત્ત્વગુણના, તો ક્યારેક રજોગુણ કે તમોગુણના ઓરડામાં જઇએ છીએ. કોઇ મનુષ્ય કેવળ એક જ ઓરડામાં ચોવીસે કલાક રહી શકતો નથી. મનુષ્યની ઇશ્વરદત્ત અપૂર્ણતા એને સતત નચાવતી રહે છે. નાચતી વખતે એટલી સભાનતા રહે તો બસ છે કે આપણે નાચી રહ્યાં છીએ!ટીવી સિરિયલ માયાસ્વરૂપા છે. સિરિયલમાં એક પાત્ર ભલું હોય છે અને એક પાત્ર બદમાશ હોય છે. ભલું પાત્ર આપણને ગમે છે અને લુચ્ચું પાત્ર આપણા મનમાં ધિક્કાર જન્માવે છે. પાંચ દિવસ પછી રામનવમી આવશે. સદીઓ વીતી તોય રામનવમી કેમ ઉજવાય છે? રામત્વ શાશ્વત છે તેથી હજી આવનારી સદીઓમાં પણ રામનવમી ઉજવાતી રહેશે. રામમનોહર લોહિયાએ ગાંધીજીને ‘રામના વંશજ કહ્યા હતા. કવિ ઇકબાલે રામને ‘ઇમામે હિંદ’ કહ્યા છે. રામ સંસ્કૃતિ-પુરુષ હતા.
પાઘડીનો વળ છેડે
એક વાર શ્રી રામ અને સીતા પ્રસન્નચિત્તે બેઠાં હતાં ત્યારે એકાએક ત્યાં નારદજી પહોંચી ગયા. રામે દેવર્ષિ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું: ‘હે મુનિશ્રેષ્ઠ! અમારા જેવા સંસારી મનુષ્યો માટે આપનું દર્શન દુર્લભ છે. આપનાં દર્શનથી હું કૃતાર્થ થઇ ગયો. મને કહો કે હું આપને માટે કયું કાર્ય કરું.’ રામનાં વચનો સાંભળીને નારદજી બોલ્યા:
હે વિભો!
આપે કહ્યું કે હું સંસારી મનુષ્ય છું.
વાત તો ઠીક છે કારણ કે
સંસારનું મૂળ કારણ ગણાય
તેવી માયા આપની ગૃહિણી છે!
આપ ભગવાન વિષ્ણુ છો
અને જાનકીજી લક્ષ્મી છે.
આપ શિવ છો!
અને જાનકીજી પાર્વતી છે.
આપ બ્રહ્મા છો
અને જાનકીજી સરસ્વતી છે.
આપ સૂર્યદેવ છો!
અને જાનકીજી પ્રભા છે.
આપ સૌના કાલસ્વરૂપ યમ છો
અને સીતા સંયમિની છે.
સંસારમાં જે બધું પુરુષવાચક છે,
તે આપ છો અને જે બધું સ્ત્રીવાચક છે,
તે સીતાજી છે.
નોંધ: ‘અધ્યાત્મરામાયણ’, અયોધ્યાકાંડ. (પ્રથમ સર્ગ, શ્લોક 6થી 19)